મારા પ્રિય દેશવાસીઓ,
નમસ્કાર!
આખો દેશ નવરાત્રીના શુભારંભની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે હું તમને અને તમારા પરિવારોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આ તહેવાર બધા માટે સારું સ્વાસ્થ્ય, ખુશી અને સમૃદ્ધિ લાવે.
આ વર્ષે તહેવારોની મોસમ ઉજવણીનું બીજું એક કારણ લઈને આવી રહી છે. 22 સપ્ટેમ્બર થી આગામી પેઢીના GST સુધારાઓની અસર જોવા મળી રહી છે, જે દેશભરમાં 'GST બચત ઉત્સવ' અથવા 'GST સેવિંગ્સ ફેસ્ટીવલ'ની શરૂઆત કરશે.
આ સુધારાઓ બચતને વેગ આપશે અને સમાજના દરેક વર્ગ પછી ભલે તે ખેડૂતો હોય, મહિલાઓ હોય, યુવાનો હોય, ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય, વેપારીઓ હોય અને MSME હોય તેમને સીધો ફાયદો કરાવશે. આ સુધારાઓ વધુ વૃદ્ધિ અને રોકાણને પ્રોત્સાહન આપશે અને દરેક રાજ્ય અને પ્રદેશની પ્રગતિને વેગ આપશે.
આગામી પેઢીના GST સુધારાઓની એક મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેમાં મુખ્યત્વે 5% અને 18% એમ બે કર સ્લેબ હશે:.
દૈનિક આવશ્યક વસ્તુઓ જેમકે ખોરાક, દવાઓ, સાબુ, ટૂથપેસ્ટ, વીમો અને અન્ય ઘણી વસ્તુઓ હવે કાં તો કરમુક્ત હશે અથવા સૌથી ઓછા 5% કર સ્લેબમાં આવશે. જે વસ્તુઓ પર અગાઉ 12% કર લાગતો હતો તે લગભગ સંપૂર્ણપણે 5% કર સ્લેબમાં ખસેડવામાં આવી છે.
એ જોઈને આનંદ થાય છે કે વિવિધ દુકાનદારો અને વેપારીઓ સુધારા પહેલા અને પછીના કરવેરા દર્શાવતા 'પહેલાં અને હવે' બોર્ડ લગાવી રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે, જે એક મહત્વાકાંક્ષી નવ-મધ્યમ વર્ગ બન્યા છે.
વધુમાં, અમે આવકવેરામાં ધરખમ ઘટાડો કરીને અમારા મધ્યમ વર્ગના હાથ મજબૂત કર્યા છે, જે 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકો માટે તેને કરમુક્ત બનાવે છે.
જો આપણે આવકવેરામાં કાપ અને આગામી પેઢીના GST સુધારાઓને જોડીએ, તો તેનાથી લોકો માટે આશરે 2.5 લાખ કરોડ રૂપિયાની બચત થશે.
તમારા ઘરના ખર્ચમાં ઘટાડો થશે, અને ઘર બનાવવા, કાર ખરીદવા, ઉપકરણો ખરીદવા, બહાર જમવા અથવા તમારા પરિવાર સાથે વેકેશન માણવા જેવી તમારી ઇચ્છાઓ પૂર્ણ કરવાનું સરળ બનશે.
2017માં શરૂ થયેલી આપણા દેશની GST યાત્રા આપણા નાગરિકો અને વ્યવસાયોને બહુવિધ કરના જાળમાંથી મુક્ત કરવામાં એક વળાંક સાબિત થઈ છે. GSTએ દેશને આર્થિક રીતે એક કર્યો. 'એક રાષ્ટ્ર, એક કર' એ એકરૂપતા અને રાહત પૂરી પાડી. કેન્દ્ર અને રાજ્યો બંનેની સક્રિય ભાગીદારી સાથે, GST કાઉન્સિલે ઘણા જાહેર-મૈત્રીપૂર્ણ નિર્ણયો લીધા.
હવે, આ નવા સુધારા આપણને વધુ આગળ લઈ જઈ રહ્યા છે, સિસ્ટમને સરળ બનાવી રહ્યા છે, દર ઘટાડી રહ્યા છે અને લોકોના હાથમાં વધુ બચત મૂકી રહ્યા છે.
આપણા નાના ઉદ્યોગો, દુકાનદારો, વેપારીઓ, ઉદ્યોગસાહસિકો અને MSME માટે વ્યવસાય કરવાની સરળતા અને પાલનની સરળતામાં પણ સુધારો થશે. ઓછા કર, નીચા ભાવ અને સરળ નિયમોનો અર્થ વધુ સારું વેચાણ, પાલનનો બોજ ઓછો થશે અને તકોમાં વધારો થશે, ખાસ કરીને MSME ક્ષેત્રમાં.
આપણું સામૂહિક લક્ષ્ય 2047 સુધીમાં વિકસિત ભારત છે. આ હાંસલ કરવા માટે, આત્મનિર્ભરતાના માર્ગ પર આગળ વધવું આવશ્યક છે. આ સુધારા આપણા સ્થાનિક ઉત્પાદન આધારને મજબૂત બનાવશે અને આત્મનિર્ભર ભારત માટે માર્ગ મોકળો કરશે.
આ જ રીતે, આ તહેવારોની મોસમમાં, ચાલો આપણે પણ મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનોને ટેકો આપવાનો સંકલ્પ કરીએ. આનો અર્થ એ છે કે બ્રાન્ડ કે કંપનીને ધ્યાનમાં લીધા વિના, ભારતીયની મહેનત અને પરસેવાથી બનેલા સ્વદેશી ઉત્પાદનો ખરીદવા.
જ્યારે પણ તમે આપણા પોતાના કારીગરો, કામદારો અને ઉદ્યોગો દ્વારા બનાવેલ ઉત્પાદન ખરીદો છો, ત્યારે તમે ઘણા પરિવારોને આજીવિકા કમાવવામાં અને આપણા યુવાનો માટે રોજગારની તકો ઉભી કરવામાં મદદ કરી રહ્યા છો.
હું આપણા દુકાનદારો અને વેપારીઓને મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો વેચવાની અપીલ કરું છું.
ચાલો ગર્વથી કહીએ - આપણે જે ખરીદીએ છીએ તે સ્વદેશી છે.
ચાલો ગર્વથી કહીએ - આપણે જે વેચીએ છીએ તે સ્વદેશી છે.
હું રાજ્ય સરકારોને ઉદ્યોગ, ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને રોકાણના વાતાવરણમાં સુધારો કરવાનો આગ્રહ કરું છું.
ફરી એકવાર, હું તમને અને તમારા પરિવારોને 'GST બચત મહોત્સવ' દ્વારા નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખુશીઓ અને બચતથી ભરપૂર મોસમની શુભેચ્છા પાઠવું છું.
આ સુધારાઓ દરેક ભારતીય પરિવારમાં વધુ સમૃદ્ધિ લાવે.






