સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનાં કાયમી પ્રતિનિધિ અને અમેરિકાનાં રાજદૂત સુશ્રી નિક્કી હેલી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં અને તેમની સાથે બેઠક યોજી હતી.
રાજદૂત હેલીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી પ્રધાનમંત્રી મોદીને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ પણ પોતાની શુભેચ્છાઓ પાઠવવા તેમને વિનંતી કરી હતી. બેઠકમાં મોદીએ તેમની ટ્રમ્પ સાથેની અગાઉની બેઠકો અને ચર્ચાઓને યાદ કરી હતી.

રાજદૂત હેલીએ ભારત અને અમેરિકા વચ્ચેનાં ગાઢ સંબંધો, ખાસ કરીને વ્યૂહાત્મક અને સંરક્ષણ ક્ષેત્રોમાં વધી રહેલાં સંબંધોની નોંધ લીધી હતી. બંને મહાનુભાવોએ ભારત અને અમેરિકા વચ્ચે વિવિધ સહકાર વધારવાની ચર્ચા કરી હતી, જેમાં આતંકવાદનો સામનો અને વિવિધ સ્તરો પર સાથ-સહકાર સામેલ છે. તેમણે વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સંબંધ એક મહત્ત્વપૂર્ણ પરિબળ તરીકે જળવાઈ રહેશે એવી ખાતરી આપી હતી.
પ્રધાનમંત્રીએ દક્ષિણ એશિયા અને ભારત-પ્રશાંત મહાસાગરમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે નિભાવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી તથા કોરિયા મહાદ્વિપને પરમાણુ હથિયારોથી મુક્ત કરવા માટેની તેમની પહેલની સરાહના કરી હતી.


