સોમનાથ મંદિર અડગ શ્રદ્ધા, દિવ્યતાના દીવાદાંડી તરીકે અને ભારતની શાશ્વત આત્માના પવિત્ર પ્રતીક તરીકે ઉભું છે: પ્રધાનમંત્રી
બરાબર 75 વર્ષ પહેલાં આ જ દિવસે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ એ કોઈ સામાન્ય પ્રસંગ નહોતો; જો ભારતને 1947માં આઝાદી મળી, તો 1951માં સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતના સ્વતંત્ર અસ્તિત્વની જાહેરાત કરી: પીએમ
સોમનાથ અમૃત મહોત્સવ આગામી હજાર વર્ષ માટે ભારતની માર્ગદર્શક પ્રેરણા તરીકે કામ કરશે: પીએમ
લૂંટારુઓએ સોમનાથ મંદિરની ભવ્યતાને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો; સોમનાથને માત્ર એક ભૌતિક માળખું સમજીને તેઓ તેના પર પ્રહારો કરતા રહ્યા; મંદિર વારંવાર તોડવામાં આવ્યું, છતાં તે વારંવાર ફરીથી બંધાયું, દરેક પતન પછી તે અડીખમ ઉભું રહ્યું: પ્રધાનમંત્રી
માત્ર સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ જ નથી થયું, પરંતુ દેશે સદીઓના કલંકને પણ ધોઈ નાખ્યો છે: પીએમ
સોમનાથ એ યાદ અપાવે છે કે રાષ્ટ્ર તેની શક્તિ ત્યારે જ ટકાવી શકે છે જો તે તેના મૂળ સાથે જોડાયેલું રહે: પ્રધાનમંત્રી

જય સોમનાથ ! જય સોમનાથ ! હર-હર મહાદેવ !

ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી ભાઈ હર્ષ સંઘવીજી, ગુજરાત સરકારના મંત્રીગણ, સાંસદ તેમજ ધારાસભ્યગણ, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.

આજે પ્રભાસ પાટણનો પવિત્ર વિસ્તાર એક અદભૂત પ્રભાથી ભરેલો છે. મહાદેવનો આ સાક્ષાત્કાર, આ સૌંદર્ય, ધરતી અને આકાશમાંથી થયેલી પુષ્પવર્ષા, ભગવા ધ્વજોની આ આભા, કલા, સંગીત અને નૃત્યની અદભૂત પ્રસ્તુતિઓ, વેદમંત્રોનો ઉચ્ચાર, ગર્ભગૃહમાં થઈ રહેલો શિવ પંચાક્ષરીનો અખંડ પાઠ અને આ બધાની સાથે-સાથે સાગરની લહેરોનો જયઘોષ, એવું લાગી રહ્યું છે, જાણે આ સૃષ્ટિ એકસાથે બોલી રહી છે- જય સોમનાથ ! જય-જય સોમનાથ !

સાથીઓ,

સમય પોતે જેમની ઈચ્છાથી પ્રગટ થાય છે, જે સ્વયં શાશ્વત છે, જે સ્વયં કાળસ્વરૂપ છે, આજે તે દેવાધિદેવ મહાદેવની વિગ્રહ પ્રતિષ્ઠાના આપણે 75 વર્ષ ઉજવી રહ્યા છીએ. આ સૃષ્ટિ જેમનાથી સૃજિત થાય છે, જેમાં લય પામી જાય છે, યતો જાયતે પાલ્યતે યેન વિશ્વંતમીશં ભજે લીયતે યત્ર વિશ્વમ્ ! આજે આપણે તેમના ધામના પુનઃનિર્માણનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. જે હળાહળ પીને નીલકંઠ બની ગયા, આજે તેમની જ શરણમાં અહીં સોમનાથ અમૃત મહોત્સવ થઈ રહ્યો છે. આ બધું ભગવાન સદાશિવની જ લીલા છે.

સાથીઓ,

દાદા સોમનાથના અનન્ય ભક્ત તરીકે, હું કેટલીય વાર અહીં આવ્યો છું, કેટલીય વાર તેમની સામે નતમસ્તક થયો છું. પરંતુ, આજે જ્યારે હું અહીં આવી રહ્યો હતો, તો સમયની આ યાત્રા એક સુખદ અનુભૂતિ આપી રહી હતી. હજુ થોડા જ મહિના પહેલા હું અહીં આવ્યો હતો. ત્યારે આપણે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવી રહ્યા હતા. પ્રથમ વિધ્વંસના 1000 વર્ષ પછી પણ સોમનાથના અવિનાશી હોવાનો ગર્વ અને આજે આ આધુનિક સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ, આપણે માત્ર બે આયોજનોનો હિસ્સો માત્ર નથી, માત્ર હિસ્સો માત્ર નથી બન્યા, આપણને હજાર વર્ષોની અમૃત યાત્રાનો અનુભવ કરવાની શિવજીએ તક આપી છે.

સાથીઓ,

75 વર્ષ પહેલા, આજના જ દિવસે સોમનાથ મંદિરની પુનઃસ્થાપના, એ કોઈ સામાન્ય અવસર નહોતો. જો 1947માં ભારત આઝાદ થયું હતું, તો 1951માં સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ કર્યો હતો. આઝાદીના સમયે, સરદાર સાહેબે 500થી વધુ રિયાસતોને જોડીને એક ભારતનું આધુનિક સ્વરૂપ ઘડ્યું હતું. તો સાથે જ, સોમનાથના પુનઃનિર્માણથી તેમણે દુનિયાને બતાવ્યું હતું, ભારત માત્ર આઝાદ નથી થયું, ભારત પોતાના પ્રાચીન ગૌરવને પુનઃ પ્રાપ્ત કરવાના માર્ગ પર પણ હવે આગળ વધી ચૂક્યું છે.

સાથીઓ,

તેથી, આજે આ અવસરે, હું માત્ર 75 વર્ષોની ઝાંખી નથી જોઈ રહ્યો. હું અહીં જોઈ રહ્યો છું, વિનાશમાં સર્જનના સંકલ્પને, જેને સોમનાથે ચરિતાર્થ કર્યો છે. હું અહીં જોઈ રહ્યો છું, અસત્ય પર સત્યના વિજયને, જેને પ્રભાસ-પાટણે વારંવાર જીવ્યો છે. હું અહીં જોઈ રહ્યો છું, હજારો વર્ષોની આધ્યાત્મિક ચેતનાને, જેણે માનવ માત્રના કલ્યાણની શીખ સમગ્ર વિશ્વને આપી છે. હું અહીં જોઈ રહ્યો છું, ભારતના તે અવિનાશી સ્વરૂપને, જેને સદીઓના કુત્સિત પ્રયાસો પણ ન ભૂંસી શક્યા, ન હરાવી શક્યા. અને હું અહીં જોઈ રહ્યો છું, સોમનાથ અમૃત-મહોત્સવ, આ માત્ર ભૂતકાળનો ઉત્સવ નથી, આ આગામી એક હજાર વર્ષો માટે ભારતની પ્રેરણાનો મહોત્સવ પણ છે. હું તમામ દેશવાસીઓને, દાદા સોમનાથના કોટિ-કોટિ ભક્તોને આ મહોત્સવની ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

આજનો દિવસ એક અન્ય કારણથી પણ વિશેષ છે. 11 મે 1998, 1998, એટલે કે આજના જ દિવસે, દેશે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. દેશે 11 મે ના રોજ પહેલા ત્રણ પરમાણુ પરીક્ષણો કર્યા. આપણા વૈજ્ઞાનિકોએ ભારતના સામર્થ્યને, ભારતની ક્ષમતાને, વૈજ્ઞાનિકોએ દુનિયાની સામે રાખી, દુનિયામાં તોફાન આવી ગયું. ભારત, તેની આ હેસિયત, ભારત કોણ હોય, જે પરમાણુ પરીક્ષણ કરે અને દુનિયાની આંખો લાલ થઈ ગઈ, દુનિયાભરની શક્તિઓ ભારતને દબાવવા માટે મેદાનમાં ઉતરી. અનેક પ્રકારના બંધનો લાગી ગયા. આર્થિક સંકટની શક્યતાઓના રસ્તાઓ બધા જ બંધ કરી દેવામાં આવ્યા. કોઈ પણ હચમચી ગયું હોત. જ્યારે દુનિયાભરની મોટી-મોટી શક્તિઓ આટલું મોટું આક્રમણ કરી દે, તો આગળના રસ્તા દેખાતા નથી. પરંતુ આપણે કોઈ અલગ માટીના બનેલા છીએ. 11 મે પછી દુનિયા આપણા પર તૂટી પડી હતી. 11 મે ના રોજ વૈજ્ઞાનિકોએ પોતાનું કામ કરી લીધું હતું. પરંતુ 13 મે ના રોજ ફરી વધુ બે પરમાણુ પરીક્ષણો થયા, તેનાથી દુનિયાને ખબર પડી હતી કે ભારતની રાજકીય ઈચ્છાશક્તિ કેટલી અટલ છે. તે સમયે સમગ્ર દુનિયાનું દબાણ ભારત પર હતું, પરંતુ અટલજીના નેતૃત્વમાં ભાજપ સરકારે એ બતાવ્યું હતું કે અમારા માટે રાષ્ટ્ર પ્રથમ છે. દુનિયાની કોઈ તાકાત ભારતને ઝુકાવી શકતી નથી, દબાણમાં લાવી શકતી નથી.

સાથીઓ,

દેશે પોખરણ પરમાણુ પરીક્ષણને ઓપરેશન શક્તિ નામ આપ્યું હતું. કારણ કે, શિવની સાથે શક્તિની આરાધના, એ આપણી પરંપરા રહી છે. અર્ધનારીશ્વર શિવ સ્વયં પણ શક્તિની સાથે જ પૂર્ણ થાય છે. તમને યાદ હશે, જ્યારે દેશનું મિશન ચંદ્રયાન સફળ થયું હતું, ત્યારે ચંદ્ર પર જ્યાં ભારતનું રોવર લેન્ડ થયું, તે જગ્યાનું નામ પણ આપણે ‘શિવશક્તિ પોઈન્ટ’ રાખ્યું છે. કારણ કે, આપણી આસ્થામાં ચંદ્ર શિવ સાથે જોડાયેલ છે અને શિવ શક્તિ સાથે જોડાયેલા છે. અને આ કેટલું સુખદ છે કે ચંદ્રના નામ પરથી જ આ જ્યોતિર્લિંગને આપણે સોમનાથ કહીએ છીએ.

સાથીઓ,

શિવ અને શક્તિની આપણી આરાધનાનો જે વિચાર છે, તે દેશની વૈજ્ઞાનિક પ્રગતિ માટે પણ પ્રેરણા બને, આજે આપણે આ સંકલ્પ સાકાર થતો જોઈ રહ્યા છીએ. હું આ અવસરે, ભગવાન સોમનાથના ચરણોમાંથી તમામ દેશવાસીઓને ઓપરેશન શક્તિની વર્ષગાંઠની પણ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

જ્યારે હું છેલ્લી વાર અહીં આવ્યો હતો, ત્યારે મેં કહ્યું હતું- જેના નામમાં જ સોમ અર્થાત્, અમૃત જોડાયેલું હોય, તેને નષ્ટ કોણ કરી શકે? ઇતિહાસના લાંબા કાળખંડમાં આ મંદિરે કેટલાય આક્રમણો વેઠ્યા. મહમદ ગઝનવી, અલાઉદ્દીન ખીલજી જેવા અનેક આક્રાંતો આવ્યા, લૂંટારાઓએ સોમનાથ મંદિરનું વૈભવ મિટાવવાનો પ્રયાસ કર્યો. તેઓ સોમનાથને એક ભૌતિક માળખું માનીને તેની સાથે ટકરાતા રહ્યા. વારંવાર આ મંદિરને, આ માળખાને તોડવામાં આવ્યું. અને આ વારંવાર બનતું રહ્યું, દર વખતે ઊભું થતું રહ્યું, કારણ કે તોડનારાઓને ખબર નહોતી, આપણા રાષ્ટ્રનું વૈચારિક સામર્થ્ય શું છે. આપણે ભૌતિક શરીરને નશ્વર માનનારા લોકો છીએ. પરંતુ આપણે જાણીએ છીએ કે તેની અંદરનો આત્મા અમર છે. અને પછી તો, શિવ તો પરમાત્મા છે. તેથી, અલગ-અલગ કાળમાં, અલગ-અલગ જીવોની સંકલ્પશક્તિમાં શિવ પ્રગટ થતા રહ્યા. રાજા ભોજ, ક્યારેક રાજા ભીમદેવ પ્રથમ, ક્યારેક રાજા કુમારપાળ, ક્યારેક રાજા મહીપાળ પ્રથમ, તો ક્યારેક રાવ ખંગાર, એવા અનેક શિવભક્તો સમય-સમય પર સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરાવતા રહ્યા. લકુલીશ અને સોમ શર્મા જેવા કેટલાય મનીષીઓ, તેમણે પ્રભાસ પાટણ વિસ્તારના વારસાને સંરક્ષિત કર્યો, તેને શૈવ સાધના અને દર્શનનું મહાન કેન્દ્ર બનાવ્યું. ભાવ બૃહસ્પતિ, પાશુપતાચાર્યો અને અનેક વિદ્વાનોએ આ તીર્થની આધ્યાત્મિક પરંપરાઓને જીવિત રાખી. વિશાલદેવ અને ત્રિપુરાંતક જેવા વ્યક્તિઓએ અહીં બૌદ્ધિક ચેતનાને જાળવવાનું પવિત્ર કાર્ય કર્યું.

સાથીઓ,

વીર હમીરજી ગોહિલ, વીર વેગડાજી ભીલ, પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલ્કરજી, બરોડાના ગાયકવાડ, જામ સાહેબ મહારાજા દિગ્વિજય સિંહજી, એવી કેટલીય મહાન વિભૂતિઓ છે, જે સોમનાથની સેવામાં પોતાનું સર્વસ્વ અર્પિત કરતી હતી. હું આજે આ અવસરે સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, શ્રીમાન કે. એમ. મુનશીજી, એવી તમામ જ્ઞાત-અજ્ઞાત દિવ્યાત્માઓને પણ શ્રદ્ધા પૂર્વક, આદર પૂર્વક નમન કરું છું. તેમનું સ્મરણ આપણને એ પ્રેરણા આપે છે કે આપણે ન માત્ર પોતાની સાંસ્કૃતિક વિરાસતને આગળ વધારવાની છે, પરંતુ આ જવાબદારી આવનારી પેઢીઓના હાથમાં સોંપીને પણ જવાની છે.

સાથીઓ,

આપણા સાંસ્કૃતિક સ્થળો હજારો વર્ષોથી ભારતની ઓળખ રહ્યા છે. આટલી સમૃદ્ધ વિરાસત આપણને મળી છે. પરંતુ, તમે વિડંબના જુઓ, આપણે દાયકાઓ સુધી તેનું મહત્વ ન સમજ્યું. દુનિયામાં એવા કેટલાય ઉદાહરણો છે, જ્યાં વિદેશી હુમલાખોરોએ રાષ્ટ્રીય ઓળખ સાથે જોડાયેલા સ્થળોને નષ્ટ કર્યા. પરંતુ, જ્યારે તે દેશના લોકોને તક મળી, બધાએ સાથે આવીને, પોતાની ઓળખને ફરીથી સાચવી, ફરીથી પુનઃસ્થાપિત કરી, પુનઃ પ્રતિષ્ઠા કરી. પરંતુ, આપણે ત્યાં રાષ્ટ્રીય સ્વાભિમાન સાથે જોડાયેલા વિષયો પર પણ રાજનીતિ થતી રહી. સોમનાથ પોતે આનું એક મુખ્ય ઉદાહરણ છે. સ્વતંત્રતા પછીની પહેલી જવાબદારીઓમાંની એક સોમનાથ મંદિરનું પુનઃસ્થાપન કરવાની હતી. તેથી, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજી, તેમણે આના માટે આટલા પ્રયત્નો કર્યા. પરંતુ, આપણે બધા જાણીએ છીએ, તેમને આના માટે નેહરુજી દ્વારા કેટલો વિરોધ વેઠવો પડ્યો હતો. હું આજે આના વિસ્તારમાં નહીં જાઉં, પરંતુ આ સરદાર સાહેબની ઈચ્છાશક્તિ હતી કે આટલા વિરોધ છતાં સરદાર સાહેબ ડગ્યા નહીં. સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ પણ થયું અને દેશે સદીઓના કલંકને પણ ધોઈ નાખ્યો.

સાથીઓ,

દુર્ભાગ્યે દેશમાં એવી શક્તિઓ આજે પણ પ્રભાવી છે, જેમને રાષ્ટ્રીય સ્વાભિમાન કરતા તુષ્ટિકરણ જરૂરી લાગે છે. રામમંદિર નિર્માણ જેવા અવસરો પર પણ આપણે જોયું છે, કઈ રીતે રામ મંદિર નિર્માણનો પણ વિરોધ કરવામાં આવ્યો. આપણે એવી માનસિકતાથી સાવધાન રહેવાનું છે. આ પ્રકારની સંકુચિત રાજનીતિને આપણે પાછળ છોડવી પડશે. આપણે વિકાસ અને વિરાસતને સાથે લઈને આગળ વધવું પડશે.

સાથીઓ,

વીતેલા વર્ષોમાં મને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે સોમનાથ દાદાની સેવાની જે તક મળી, આ મંદિર અને વિસ્તારના વિકાસ માટે જે ઐતિહાસિક કામો થયા, તે પરિવર્તનને આજે આપણે બધા પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. પરંતુ સાથે જ, આ સેવાનો મને વ્યક્તિગત લાભ પણ થયો છે. આજે મને દેશના તમામ પવિત્ર તીર્થોના વિકાસની જે તક મળી રહી છે, તે ભગવાન સોમનાથના જ કૃપા પ્રસાદ છે.

સાથીઓ,

આજે કાશીમાં સદીઓ પછી બાબા વિશ્વનાથ ધામનો આટલો ભવ્ય વિસ્તાર થયો છે. આજે ઉજ્જૈનમાં મહાકાલ, મહાલોકના વિશાળ દર્શન પણ આપણને થઈ રહ્યા છે. કેદારનાથ ધામનું પુનઃનિર્માણ પણ થયું છે. જેવું મેં પહેલા કહ્યું, અયોધ્યામાં 500 વર્ષની પ્રતિક્ષા પણ પૂર્ણ થઈ છે. આજે ત્યાં ભવ્ય મંદિરમાં રામલલા બિરાજમાન છે.

સાથીઓ,

એવા કેટલાય પવિત્ર તીર્થ, પવિત્ર મઠ, મંદિર અને ક્ષેત્ર, તેમની જે મહિમા આપણે પુરાણોમાં સાંભળી છે, આજે ત્યાં આપણને તે સમૃદ્ધ પરંપરાના દર્શન થવા લાગ્યા છે. અને, આટલું બધું 10-12 વર્ષની અંદર-અંદર થયું છે.

સાથીઓ,

આપણા સાંસ્કૃતિક કેન્દ્રોની ઉપેક્ષા દેશના વિકાસમાં મોટી અડચણ રહી છે. કારણ કે, આપણા તીર્થ ભારતની આધ્યાત્મિક-સામાજિક વ્યવસ્થાના કેન્દ્ર તો છે જ, તે દેશની આર્થિક પ્રગતિના પણ સ્ત્રોત રહ્યા છે. આજે તમે જુઓ, ચારધામ મહામાર્ગ પરિયોજના, ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ સુધી રોપવે પરિયોજના, કરતારપુર કોરિડોર, બૌદ્ધ સર્કિટનો વિકાસ, આના દ્વારા દેશમાં તીર્થ ક્ષેત્રોમાં આર્થિક પ્રવૃત્તિઓ વધી છે. સોમનાથ પરિસર પણ આનું એક સશક્ત ઉદાહરણ છે. આજે સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જોડાયેલા છે. હજારો લોકોનું જીવન આ ક્ષેત્ર સાથે જોડાયેલું છે. દેશ-દુનિયાના ખૂણે-ખૂણેથી જે લોકો અહીં આવે છે, તે ગુજરાતના બાકીના ભાગોમાં પણ જાય છે. આનાથી પ્રદેશ અને દેશમાં પ્રગતિના નવા દ્વાર ખુલે છે.

સાથીઓ,

આપણી આસ્થા આપણને જીવન જીવવાની રીત પણ શીખવે છે. કારણ કે, આપણે માનીએ છીએ- સર્વં ખલ્વિદં બ્રહ્મ ! અર્થાત્, સૃષ્ટિનો દરેક ઘટક, આ સંપૂર્ણ પ્રકૃતિ પણ ઈશ્વરનું જ સ્વરૂપ છે. તેથી, આપણી આસ્થા નદીઓમાં પણ છે, વૃક્ષોમાં પણ છે. આપણે જંગલોને પણ શ્રદ્ધાની દૃષ્ટિએ જોઈએ છીએ. આપણે પર્વતોમાં પણ પવિત્રતાનો ભાવ રાખીએ છીએ. અને, આજે જ્યારે દુનિયા પ્રાકૃતિક જીવનશૈલી તરફ પાછી ફરી રહી છે, આપણે આપણી આ શક્તિને પણ ઓળખવી પડશે. આપણે આપણા તીર્થો અને મંદિરોના વિકાસની સાથે-સાથે તેમની ગરિમા માટે જાગૃત થવું પડશે. આપણે એવું જીવન અપનાવીએ, જેનાથી પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા થાય. સાથે જ, આપણે આપણા પુણ્ય સ્થળોને પૂરી દુનિયા માટે એક ઉદાહરણ તરીકે વિકસાવીએ. આપણે આ સંકલ્પોને પોતાની આસ્થા સાથે જોડીને જીવવું પડશે.

સાથીઓ,

જ્યારે નવી પેઢીઓ પોતાના ઇતિહાસ, પોતાની આસ્થા અને પોતાના સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાય છે, ત્યારે રાષ્ટ્રનું આત્મબળ વધુ મજબૂત થાય છે. આજે ભારત જે આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે, તેમાં આપણી આ સાંસ્કૃતિક નિરંતરતાની પણ બહુ મોટી ભૂમિકા છે. આધુનિક અને વિરાસત, આધુનિકતા હોય કે વિરાસત હોય, ભારતમાં તેને કોઈ અલગ કરી શકતું નથી, ભારતમાં આ એક-બીજાના વિરોધી નથી, આ સાથે-સાથે આગળ વધનારી શક્તિઓ છે, એકબીજામાં પ્રાણ પૂરનારી શક્તિઓ છે. સોમનાથ આપણને યાદ અપાવે છે કે કોઈ પણ રાષ્ટ્ર ત્યારે જ લાંબા સમય સુધી મજબૂત રહી શકે છે, જ્યારે તે પોતાના મૂળિયાં સાથે જોડાયેલું રહે. જ્યારે આપણે આપણી વિરાસતને આવનારી પેઢીઓ સુધી તે જ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તેમના હાથમાં સુપરત કરીએ. 75 વર્ષ પહેલા, જ્યારે આ પુનઃનિર્મિત સોમનાથ મંદિરમાં, 75 વર્ષ પહેલા પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, ત્યારે ભારતે એક નવી ચેતના યાત્રા શરૂ કરી હતી. આજે, 75 વર્ષ પછી, તે જ યાત્રા વધુ વ્યાપક રૂપમાં આપણી સામે છે. આપણે તેને નવી ઊંચાઈ પર લઈને જવાની છે. આપણા સંકલ્પોને પૂરા કરવામાં દાદા સોમનાથના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે, એવી જ પ્રાર્થના છે. ફરી એકવાર તમામ દેશવાસીઓને, વિરાસતમાં વિશ્વાસ રાખનારા દરેક નાગરિકને, આપ સૌને આ અવસરની ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. મારી સાથે બોલો-

જય સોમનાથ। જય સોમનાથ। હર-હર મહાદેવ।

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
In a first, NCERT adds Emergency to Class 9 textbooks; chapter details rights suspension and press censorship

Media Coverage

In a first, NCERT adds Emergency to Class 9 textbooks; chapter details rights suspension and press censorship
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 જૂન 2026
June 25, 2026

Viksit Bharat in Action: PM Modi's Reforms Powering Inclusive Growth, Tech Innovation & Global Competitiveness