પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુક્રેનનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વોલોદીમીર જેલેન્સ્કી સાથે ટેલીફોન પર વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ જેલેન્સકીને યુક્રેનની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમનાં વિજય માટે અભિનંદન પાઠવ્યા હતા અને તાજેતરમાં સંપન્ન થયેલી સંસદીય ચૂંટણીઓમાં તેમની ‘સર્વન્ટ ઑફ ધ પીપલ પાર્ટી’ને વિજય બદલ શુભેચ્છા પાઠવી હતી.
રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ પણ વ્યાપક જનાદેશ સાથે બીજા કાર્યકાળ માટે પદભાર સંભાળવા બદલ પ્રધાનમંત્રી મોદીને શુભેચ્છા પાઠવી હતી.
ભારત અને યુક્રેન વચ્ચે મૈત્રીપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ દ્વિપક્ષીય વેપારી સંબંધોમાં થઈ રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે યુક્રેન સાથે અન્ય ઘણા ક્ષેત્રોમાં લાંબા ગાળાનાં પારસ્પરિક સહયોગની રૂપરેખા આપી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુક્રેનની વિવિધ યુનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે, જેથી બંને દેશનાં લોકો વચ્ચે સંપર્ક વધારે મજબૂત થશે. પ્રધાનમંત્રીએ ગયા વર્ષે કીવથી દિલ્હી વચ્ચે શરૂ થયેલા હવાઈ સંપર્કથી બંને દેશો વચ્ચેનાં સંબંધો અને પર્યટનમાં આવેલી તેજીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
બંને નેતાઓએ પારસ્પરિક લાભનાં દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરવા માટે સંયુક્તપણે મળીને કામ કરવા તૈયાર રહેવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.


