વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની NDA સરકારે કૃષિ પર અભૂતપૂર્વ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઉત્પાદન, ખેડૂતોના રક્ષણ અને તેમની આવક વધારવા તેમજ તેમના સમગ્રતયા જીવનસ્તરને ઉંચું લાવવા માટે વિવિધ પહેલ શરુ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 2022 સુધીમાં ખેતીની આવક બમણી કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે અને તેને સિદ્ધ કરવા માટે તે વિવિધ રીતે કાર્ય કરી રહી છે. બીજથી માંડીને બજારની ઉપલબ્ધતા, ધ્યાન સમગ્ર કૃષિ ચક્રમાં પરિવર્તન લાવવા તરફ છે. આનુષંગિક પ્રવૃત્તિઓ પર નવેસરથી ધ્યાન આપવામાં આવ્યું છે જે ખેડૂતોની આવકમાં મદદ કરી શકે.
આની શરૂઆત તરીકે NDA સરકાર દ્વારા કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે વિક્રમી અંદાજપત્રીય ફાળવણી કરવામાં આવી છે. ગત સરકારની 2009 થી 2014ના સમયગાળામાં કરવામાં આવેલા રૂ. 1,21,082 કરોડની ફાળવણીની સરખામણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 2014-19ના સમયગાળા માટે રૂ. 2,11,694 કરોડની ફાળવણી કરી છે જે લગભગ બમણી છે.
ઉત્પાદન સમયે ખેડૂતોને મદદ
ખેડૂતને સારો પાક મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે વાવણીને લગતી પ્રવૃત્તિઓને મજબૂત બનાવવા પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. સરકારે આ મામલે ઘણા પગલાંઓ લીધા છે.
કૃષિમાં જમીનની તંદુરસ્તી મૂળભૂત ભાગ ભજવતી હોવાનું ધ્યાનમાં લેતા સરકારે 2015 થી 2018 સુધીમાં 13 કરોડથી પણ વધારે સોઇલ હેલ્થ કાર્ડની વહેંચણી કરી છે. સોઇલ હેલ્થ કાર્ડમાં ખાસ પાક સંબંધિત પોષણ અને ફર્ટીલાઈઝર અંગેના સૂચનો આપવામાં આવે છે જેથી ખેડૂતો તેમના ઉત્પાદનમાં સુધારો લાવી શકે.
ફર્ટીલાઈઝરની વહેંચણી અંગે કોઇપણ રાજ્ય તરફથી ભાગ્યેજ કોઈ ફરિયાદ આવી છે. જેની પાછળનું કારણ સરકાર દ્વારા બંધ પડેલા ફર્ટીલાઈઝર પ્લાન્ટ્સને ફરીથી શરુ કરાવીને તેમજ નવા પ્લાન્ટ્સ શરુ કરાવીને યુરિયાના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હોવાનું છે. સરકારે જ્યારથી યુરિયાનું 100% નીમ કોટિંગ ફરજીયાત બનાવ્યું છે, તેણે માત્ર જમીનની તંદુરસ્તી જ નથી વધારી પરંતુ તેણે ફર્ટિલાઇઝર્સનું અન્ય વિષયો તરફ થતા વપરાશને પણ રોક્યો છે. ફર્ટીલાઈઝર સબસીડીના બાકી લેણા ચૂકતે કરવા માટે રૂ. 10,000 કરોડની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રધાન મંત્રી કૃષિ સિંચાઈ યોજના એ ‘મોર ક્રોપ પર ડ્રોપ’ ને સુનિશ્ચિત કરવા માટે શરુ કરવામાં આવી છે જે સિંચાઈ હેઠળના 28.5 લાખ હેક્ટર વિસ્તારને આવરી લેશે. દરેક ખેતરને પાણી મળી રહે તે માટે રૂ. 50,000 કરોડની ખાસ ફાળવણી કરવામાં આવી છે. રૂ. 5,000 કરોડનું ભંડોળ માઈક્રો-ઇરીગેશન માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે જ્યારે ખેડૂતોને સિંચાઈ માટે સોલર પમ્પસ સ્થાપવા માટે ખાસ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

ખેડૂતો માટે ઋણ
મોદી સરકારે કૃષિ ઋણ અને ખેડૂતોના અનૌપચારિક સ્ત્રોતો જેવાકે નાણા ધીરનારાઓના હાથે થતા શોષણમાંથી બચાવવા ખાસ નીતિગત પહેલ કરી છે.
પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના એ સરકાર દ્વારા પૂરું પાડવામાં આવતું જોખમ સામેનું સહુથી મોટું છત્ર તેમજ સુરક્ષા વ્યવસ્થા છે.
વ્યાજ સહાય યોજના હેઠળ ત્રણ લાખ સુધીની નાના ગાળાની પાક લોન વાર્ષિક 7% ના દરે ઉપલબ્ધ કરવામાં આવી છે.
ખેડૂતોના ઉત્પાદનનું વેચાણ
સરકારની નીતિ ખેડૂતોને વાવણી સમયે કરવામાં આવતી મદદ બાદના તાર્કિક પગલાને અનુસરે છે જે ખેડૂતોને તેમના ઉત્પાદનોની યોગ્ય કિંમત અપાવવાનું છે. જુલાઈ 2018માં સરકારે ખરીફ માટે ખર્ચના 1.5 ગણી MSPનો ઐતિહાસિક વધારો કર્યો હતો જે ખેડૂતોને તેમના ઉત્પાદનના ખર્ચના 50% જેટલો નફો આપશે.
નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ સ્કિમ જેને ઈ-નામ તરીકે ઓળખવામાં આવે છે તેણે 16 રાજ્યો અને 2 કેન્દ્રીશાસિત પ્રદેશોના 585 બજારોને જોડ્યા છે. ઈ-નામ પર 164.53 લાખ કરોડથી પણ વધુ કૃષિ ઉત્પાદનોના વ્યવહારો થયા છે અને 87 લાખથી પણ વધારે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે. આમ, તે કૃષિ વ્યાપારમાંથી વચેટીયાઓને નાબૂદ કરીને ખેડૂતોને યોગ્ય સેવા આપે છે.
22,000 ગ્રામીણ હાટને ગ્રામીણ કૃષિ બજારોમાં પરિવર્તિત કરી દેવામાં આવશે જે 86% જેટલા નાના ખેડૂતોને લાભ અપાવશે.
લલણી બાદ પાકને થતા નુકસાનને બચાવવા અને ફૂડ પ્રોસેસિંગ દ્વારા મૂલ્યવૃદ્ધિ કરવા તેમજ ખેડૂતોને બજારમાં જરૂરી લાભ અપાવવા વેરહાઉસીંગ અને કોલ્ડ ચેઈન્સમાં વિશાળ રોકાણ કરવામાં આવ્યું છે.
ટમેટા, બટેટા અને ડુંગળી જેવા નાશવંત પાકમાં ભાવમાં થતી ઉતરચઢને સંબોધવા ‘ઓપરેશન ગ્રીન્સ’ શરુ કરવામાં આવ્યું છે.

આનુષંગિક ક્ષેત્રો પર ધ્યાન
જેમ અગાઉ નોંધવામાં આવ્યું હતું તેમ ખેડૂતોની આવક વધારવા માટે આનુષંગિક કૃષિ પ્રવૃત્તિઓ પર ધ્યાન મુકવામાં આવ્યું છે. રૂ. 10,000 કરોડનું ભંડોળ ફિશરીઝ, એક્વા કલ્ચર અને પશુપાલન માટે સ્થાપિત કરવામાં આવ્યું છે.
સમાવેશી ફિશરીઝના વિકાસ અને વ્યવસ્થાપન માટે રૂ. 3,000 કરોડની ફાળવણી, 20 ગોકુળ ગામોની સ્થાપના એ આ અંગેના કેટલાક ઉદાહરણો છે.
ઉત્પાદનમાં વધારો
એ બાબતે પૂરતા સંકેતો મળી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૃષિ નીતિનું અમલીકરણ ફળદાયી નીવડ્યું છે. 2017-18માં 279.51 મિલિયન ટનના અન્ન ઉત્પાદન સાથે કૃષિ ઉત્પાદને વિક્રમી ટોચ સર કરી છે.
દાળોનો બફર સ્ટોક 1.5 લાખથી વધીને 20 લાખ ટનનો થયો છે. દૂધ ઉત્પાદન 2016-17માં 2013-14ની સરખામણીમાં 18.81% વધ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુદ્રાલેખ – બીજ સે બાઝાર તક - ની યોગ્ય ભાવના સુધી પહોંચવા સરકારે કૃષિમાં સમાવેશી અભિગમ દાખવી રહી છે અને જમીન પર તેના હકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે.




