કોવિડ-19 મહામારી સમગ્ર વિશ્વમાં સરકારો માટે નીતિ ઘડતરના સંદર્ભમાં તદ્દન નવા પડકારોનો સમૂહ લઈને આવી છે. ભારત પણ એમાં અપવાદ એમાં નથી. ટકાઉપણું સુનિશ્ચિત કરીને લોક કલ્યાણ માટે પૂરતાં સંસાધનો ઊભા કરવા એ સૌથી મોટા પડકારોમાંના એક તરીકે પુરવાર થઈ રહ્યો છે.

સમગ્ર વિશ્વમાં જોવાયેલી નાણાંકીય તંગીના પશ્ચાદભૂમાં, તમે જાણો છો કે ભારતીય રાજ્યો 2020-21મા% નોંધપાત્ર રીતે વધારે ઋણ લઈ શક્યા? 2020-21માં રાજ્યો વધારાના રૂ. 1.06 લાખ કરોડ ઊભા કરી શક્યા એ જાણીને તમને કદાચ સુખદ આશ્ચર્ય થશે. કેન્દ્ર-રાજ્યની ભાગીદારીના અભિગમ દ્વારા સંસાધનોની ઉપલબ્ધતામાં આ નોંધપાત્ર વધારો શક્ય બની શક્યો.

અમે જ્યારે કોવિડ-19 મહામારીને અમારો આર્થિક પ્રતિસાદ ઘડી કાઢ્યો ત્યારે અમે એ સુનિશ્ચિત કરવા ઇચ્છતા હતા કે અમારા ઉકેલો ‘બધા માટે એક જ પ્રક્રિયા’ને અનુસરે નહીં. ખંડીય પરિમાણો ધરાવતા સમવાયી દેશ માટે, રાજ્ય સરકારો દ્વારા સુધારાને પ્રોત્સાહન કરાય એવા નીતિ સાધનો રાષ્ટ્રીય સ્તરે શોધવા ખરેખર પડકારજનક છે. પણ અમને અમારી સમવાયી રાજ્ય વ્યવસ્થાતંત્રની તંદુરસ્તી પર શ્રદ્ધા હતી અને કેન્દ્ર-રાજ્ય ભાગીદારીની ભાવનામાં અમે આગળ વધ્યા હતા.

મે-2020માં, આત્મનિર્ભર ભારત પૅકેજના ભાગરૂપે, ભારત સરકારે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકારોને 2020-21 માટે વધારેલું ઋણ લેવાની છૂટ અપાશે. જીએસડીપીના 2% વધારેની છૂટ હતી, એમાંથી 1% અમુક ચોક્કસ આર્થિક સુધારા અમલી કરવાની શરતે હતી. ભારતીય જાહેર નાણાંમાં સુધારા માટેનો આ હડસેલો દુર્લભ છે. આ હડસેલાથી, રાજ્યો વધારાનું ફંડ મેળવવા માટે પ્રગતિશીલ નીતિઓ અપનાવવા પ્રોત્સાહિત થયા હતા. આ કવાયતના પરિણામો પ્રોત્સાહજનક જ નથી, બલકે મજબૂત આર્થિક નીતિઓ માટે મર્યાદિત લેવાલ છે એવા વલણથી વિપરિત પણ છે.

જેની સાથે વધારાનું ઉધાર લેવાનું જોડવામાં આવ્યું હતું એ ચાર સુધારા (દરેકની સાથે જીડીપીના 0.25% જોડી દેવાયા હતા)ની બે લાક્ષણિકતાઓ હતી. પહેલી તો, દરેકે દરેક સુધારા લોકોને માટે, ખાસ કરીને ગરીબો, નબળા અને મધ્યમ વર્ગના લોકો માટે ઈઝ ઑફ લિવિંગ સુધારવા સાથે સંકળાયેલા હતા. બીજી, તેમણે રાજવિત્તીય ટકાઉપણાને પણ પ્રોત્સાહન આપ્યું.

‘એક દેશ, એક રાશન કાર્ડ’ નીતિ હેઠળ પહેલા સુધારામાં રાજ્ય સરકારોએ એ સુનિશ્ચિત કરવાનું હતું કે રાજ્યના નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (એનએફએસએ) હેઠળના તમામ રાશન કાર્ડ્સ પરિવારના તમામ સભ્યોના આધાર નંબર સાથે જોડી દેવામાં આવે અને વાજબી ભાવની તમામ દુકાનો પાસે ઈલેક્ટ્રોનિક પોઇન્ટ ઑફ સેલ ડિવાઇસીસ હોય. આનાથી મુખ્ય લાભ એ થયો હતો કે પરપ્રાંતીય શ્રમિકો દેશમાં ગમે ત્યાંથી એમનું ખાદ્ય રાશન મેળવી શકે. નાગરિકોને આ લાભો ઉપરાંત, બોગસ કાર્ડ્સ અને નકલી સભ્યો દૂર થઈ જવાથી નાણાંકીય લાભ પણ છે. 17 રાજ્યોએ આ સુધારા પૂર્ણ કર્યા અને રૂ. 37600 કરોડનું વધારાનું ઋણ મેળવવાનું મંજૂર કરવામાં આવ્યું.

ધંધાની સુગમતા, ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ સુધારવાના હેતુ સાથેના બીજા સુધારામાં, રાજ્યોએ એ સુનિશ્ચિત કરવાની આવશ્યકતા હતી કે 7 કાયદાઓ હેઠળ ધંધા સંબંધી લાયસન્સોનું રિન્યુઅલ-નવીનીકરણ માત્ર ફી ચૂકવ્યેથી ઑટોમેટિક, ઓનલાઇન અને બિનભેદભાવયુક્ત કરવામાં આવે. બીજી આવશ્યકતા એ કમ્યુટરાઈઝ્ડ રેન્ડમ ઇન્સ્પેક્શન સિસ્ટમ અમલીકરણ કરવાની અને વધુ 12 કાયદા હેઠળ સતામણી અને ભ્રષ્ટાચાર રોકવા માટે ઇન્સ્પેક્શનની અગાઉથી નોટિસ આપવાની હતી. આ સુધારા (19 કાયદાઓને આવરી લેતા)થી ખાસ કરીને ‘ઇન્સ્પેક્ટર રાજ’નો મોટા ભાગનો બોજાથી સૌથી વધારે સહન કરતા સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ સાહસોને મદદ મળી છે. એનાથી સુધારેલ રોકાણ વાતાવરણ, વધારે રોકાણ અને ઝડપી વૃદ્ધિને પ્રોત્સાહન મળ્યું છે. 20 રાજ્યોએ આ સુધારા પરિપૂર્ણ કર્યા અને એમને રૂ. 39521 કરોડ વધારાનું ઋણ મેળવનાની છૂટ અપાઇ હતી.

15મા નાણાં પંચ અને ઘણાં શિક્ષણવિદોએ મજબૂત મિલકત વેરાની નિર્ણાયક અગત્યતા પર ભાર મૂક્યો છે. ત્રીજા સુધારામાં, રાજ્યોએ શહેરી વિસ્તારોમાં મિલકત વેરા, પાણી અને ગટર ચાર્જીસ માટે ફ્લોર રેટ, મિલકતના વ્યવહારો માટે અનુક્રમે સ્ટેમ્પ ડ્યુટી ગાઇડલાઇન મૂલ્ય અને હાલના ભાવ સાથે સુસંગત રીતે જાહેર કરવાના હતા. આનાથી શહેરી ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને વધારે સારી સેવાની ગુણવત્તા સમર્થ થશે, વધારે સારી માળખાગત સુવિધાને ટેકો મળશે અને વૃદ્ધિને વેગ મળશે. મિલકત વેરો એના ક્ષેત્રમાં સુધારણાત્મક પણ છે અને એટલે શહેરી વિસ્તારોમાં ગરીબોને સૌથી વધારે લાભ થશે. આ સુધારાથી મ્યુનિસિપલ સ્ટાફને પણ લાભ થયો છે, એમને પગાર ચૂકવણીમાં ઘણી વાર વિલંબનો સામનો કરવો પડે છે. 11 રાજ્યોએ આ સુધારાને પૂર્ણ કર્યા અને રૂ. 15957 કરોડનું વધારાનું ઋણ મંજૂર કરવામાં આવ્યું.

ચોથો સુધારો ખેડૂતોને મફત વીજ પુરવઠાના બદલામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) શરૂ કરવાનો હતો. આમાં આવશ્યકતા રાજ્ય વાર યોજના ઘડવાની હતી જેમાં વર્ષના અંત સુધીમાં પાઇલટ આધારે એક જિલ્લામાં ખરેખર અમલીકરણ કરવાનું હતું. આની સાથે જીએસડીપીના 0.15% વધારાનું ઋણ સાંકળી લેવાયું હતું. ટેકનિકલ અને ધંધાદારી નુક્સાનમાં ઘટાડા માટે એક ઘટક પણ પૂરું પાડવામાં આવ્યું હતું અને બીજું એક ઘટક આવક અને ખર્ચ વચ્ચેના તફાવતને ઘટાડવા (દરેક જીએસડીપીના 0.05%) હતું. આનાથી વિતરણ કંપનીની નાણાં સ્થિતિ સુધરી, પાણી અને ઉર્જાની જાળવણીને પ્રોત્સાહન મળે છે, અને વધારે સારા નાણાંકીય અને ટેકનિકલ દેખાવ દ્વારા સેવાની ગુણવત્તા પણ સુધરે છે. 12 રાજ્યોએ ઓછામાં ઓછા એક ઘટકનો અમલ કર્યો જ્યારે છ રાજ્યોએ ડીબીટી ઘટકનો અમલ કર્યો હતો. પરિણામે, રૂ. 13201 કરોડના વધારાના ઋણ મેળવવાની છૂટ મળી.

એકંદરે, 23 રાજ્યોએ રૂ. 2.14 લાખ કરોડની સંભાવના સામે રૂ. 1.06 લાખ કરોડનું વધારાનું ઋણ પ્રાપ્ત કર્યું હતું. આના પરિણામે, 2020-21 માટે રાજ્યોને કુલ ઋણ પરવાનગી મંજૂર કરવામાં આવી એ પ્રારંભિક અંદાજિત જીએસડીપીના 4.5% હતી.

આપણા જેવા જટિલ પડકારો સાથેના મોટા દેશ માટે આ અજોડ અનુભવ હતો. આપણે ઘણી વાર જોયું છે કે વિવિધ કારણોસર, યોજનાઓ અને સુધારાઓ વર્ષો સુધી બિનકાર્યાન્વિત રહે છે. ભૂતકાળ કરતા આ ખુશનુમા ફેરફાર હતો જેમાં મહામારીની વચ્ચે કેન્દ્ર અને રાજ્યો લોકોને અનુકૂળ સુધારા અત્યંત ટૂંકા સમયગાળામાં શરૂ કરવા ભેગા આવ્યા હોય. સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસના આપણા અભિગમના કારણે આ શક્ય બન્યું. આ સુધારાઓ પર કાર્ય કરતા અધિકારીઓ કહે છે કે વધારાના ફંડના આ પ્રોત્સાહન વિના, આ નીતિઓ ઘડવામાં વર્ષો લાગી જતે. આ ‘ દૃઢ વિશ્વાસ અને પ્રોત્સાહનો દ્વારા સુધારા’નું એક નવું મોડેલ છે. આપણા નાગરિકોના ભલા માટે, મુશ્કેલ સમયની વચ્ચે, આ નીતિઓ દાખલ કરવામાં આગેવાની લેનારા તમામ રાજ્યોનો હું આભારી છું. આપણે 130 કરોડ ભારતીયોની ઝડપી પ્રગતિ માટે ભેગા મળીને કાર્ય કરવાનું જારી રાખવાનું છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Centre releases Rs 1.09 lakh crore tax devolution; Uttar Pradesh gets biggest share to accelerate development spending

Media Coverage

Centre releases Rs 1.09 lakh crore tax devolution; Uttar Pradesh gets biggest share to accelerate development spending
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.