સપ્ટેમ્બર 2014ના સંયુક્ત રાષ્ટ્ર સંઘની જનરલ એસેમ્બ્લીને સંબોધન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના દેશો વચ્ચે નિકટતા વધારવાની અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાની હાકલ કરી હતી. આ રીતે તેમણે મૂળ ભારતની સૈકાઓ જૂની ભવ્યાતિભવ્ય પરંપરાને યોગ્ય અંજલિ આપી હતી.
ડિસેમ્બર 2014માં યુનાઈટેડ નેશન-સંયુક્ત રાષ્ટ્રસંઘે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ દરખાસ્તને સ્વીકારી હતી. આ દરખાસ્તને સમર્થન આપવા માટે સમગ્ર વિશ્વના 177 રાષ્ટ્ર એકત્રિત થયા હતા. તેમણે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવાની દરખાસ્તને ટેકો આપ્યો હતો.
દર વર્ષની 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત, યોગને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બનાવવામાં લાંબે ગાળે બહુ જ મોટો ફાળો આપશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પોતે પણ નિયમિત યોગ કરે છે. તેઓ યોગને જ્ઞાન, કર્મ અને ભક્તિના અદભૂત મિશ્રણ તરીકે ઓળખાવી રહ્યા છે. તેનાથી રોગ મુક્તિ અને ભોગ મુક્તિ બંને પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે યુવાનોમાં યોગને લોકપ્રિય બનાવવા માટે માત્ર યોગનો જ અભ્યાસ કરાવે તેવી યોગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.