સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય જૈન સંસ્કૃતિની ઊંડાણપૂર્વકની પરંપરાઓ અને માનવતા માટેના તેના કાલાતીત મૂલ્યોને દર્શાવે છે: પ્રધાનમંત્રી
હું ભગવાન મહાવીરના ચરણોમાં વંદન કરું છું, કોબા તીર્થથી હું તમામ દેશવાસીઓને ભગવાન મહાવીર જયંતીની શુભેચ્છા પાઠવું છું: પ્રધાનમંત્રી
સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય ભારતના કરોડો લોકોનો વારસો છે, ભારતના ગૌરવશાળી ભૂતકાળનો વારસો છે: પ્રધાનમંત્રી
સમ્રાટ સંપ્રતિએ સિંહાસન પર બેઠા પછી અહિંસાનો વિસ્તાર કર્યો. તેમણે સત્ય, અસ્તેય અને અપરિગ્રહનો પ્રચાર કર્યો: પ્રધાનમંત્રી
ભારતમાં જ્ઞાન હંમેશા મુક્ત વહેતો પ્રવાહ રહ્યો છે: પ્રધાનમંત્રી
દરેક યુગમાં તીર્થંકરો અને ઋષિઓ અને ચિંતકો અવતર્યા છે, જ્ઞાનનું સંકલન વધતું રહ્યું છે, સમય જતાં ઘણી નવી સામગ્રી ઉમેરવામાં આવી છે: પ્રધાનમંત્રી

જય જિનેન્દ્ર ! જય જિનેન્દ્ર !

આચાર્ય ભગવંતશ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી ભાઈ હર્ષ સંઘવીજી, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત, પૂજ્ય સાધુભગવંત, સાધ્વીજી ભગવંત, આ પવિત્ર સભામાં ઉપસ્થિત સમસ્ત આચાર્યગણ અને મુનિભગવંત, માનનીય દાનવીરો, વિદ્વાનો, દેવીઓ અને સજ્જનો !

આજે ભગવાન મહાવીર જયંતિના પવિત્ર પર્વ પર મને આ પવિત્ર જૈન તીર્થમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે. સૌ પ્રથમ, હું ભગવાન મહાવીરના ચરણોમાં પ્રણામ કરું છું. હું કોબાતીર્થથી તમામ દેશવાસીઓને ભગવાન મહાવીર જયંતિની શુભેચ્છાઓ પાઠવું છું.

સાથીઓ,

હું આજે પરમ પૂજ્ય આચાર્ય શ્રી કૈલાસ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની સ્મૃતિને પણ વંદન કરું છું. તેમના સ્વપ્ને કોબાની આ ધરતી પર જ્ઞાન અને શ્રદ્ધાનું આ મહાન કેન્દ્ર સ્થાપિત કર્યું છે. કોબાતીર્થની આ ભૂમિ આધ્યાત્મિક શાંતિથી તરબતર છે. જે સ્થાનની ઊર્જા આવી અલૌકિક હોય, જેમાં આટલા જૈન મુનિઓની, સંતોની તપસ્યા જોડાયેલી હોય, ત્યાં સર્જન અને સેવા, એ પોતાની મેળે જ પ્રસ્ફુટિત અને સંચાલિત થાય છે. હું તો વર્ષોથી જોતો આવ્યો છું કે કોબાતીર્થમાં કેવી રીતે અધ્યયન, સાધના અને સંયમની સતત પરંપરા ચાલી રહી છે. અહીં મૂલ્યોનું સંરક્ષણ થાય છે, સંસ્કારોને બળ મળે છે અને જ્ઞાનનું પોષણ થાય છે. આ ત્રિવેણી ભારતીય સભ્યતાનો આધાર છે. આ ત્રિવેણીને અવિરત રાખવી, એ આપણા સૌની જવાબદારી છે.

 

સાથીઓ,

મને ખુશી છે કે હજારો વર્ષોનો ભારતીય વારસો, જૈન ધર્મનું કાલાતીત જ્ઞાન, આપણી ધરોહરો અને તેમાંથી મળતી પ્રેરણાઓ, તેમને આવનારી સદીઓ સુધી અમર બનાવવા માટે, તેમને નવા અને આધુનિક સ્વરૂપમાં આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આપણા સંતોએ આ જૈન હેરિટેજ મ્યુઝિયમની સંકલ્પના કરી. આજે તે સંકલ્પના એક ભવ્ય સ્વરૂપમાં સાકાર થઈ રહી છે. આ સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય, જૈન દર્શન, ભારતીય સંસ્કૃતિ અને આપણી પ્રાચીન ધરોહરનું એક પવિત્ર કેન્દ્ર બન્યું છે. હું આ અદ્વિતીય પ્રયાસ માટે આપણા તમામ જૈન મુનિઓનો, સંતોનો અભિનંદન કરું છું. હું તેમના ચરણોમાં પ્રણામ કરું છું. એવા હજારો નિષ્ઠાવાન લોકો, જેમણે આ કાર્યમાં અસીમ યોગદાન આપ્યું, હું તે તમામની પણ પ્રશંસા કરું છું.

ભાઈઓ-બહેનો,

જ્યારે આપણે અનાદિ જ્ઞાનને નવી પેઢી સુધી પહોંચાડવા માટે ઇનોવેશન કરીએ છીએ, નવિનતા લાવીએ છીએ, તો તેનાથી આપણો વારસો પણ સમૃદ્ધ થાય છે અને આવતીકાલને પણ પ્રેરણા મળે છે. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય, આ ભારતના કરોડો લોકોની ધરોહર છે, આ ભારતના ગૌરવશાળી ભૂતકાળની ધરોહર છે. હું આ માટે તમામ દેશવાસીઓને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

સમ્રાટ સંપ્રતિ, એ માત્ર એક ઐતિહાસિક રાજાનું નામ નથી. સમ્રાટ સંપ્રતિ એક એવો સેતુ છે, જે ભારતના દર્શન અને વ્યવહારને જોડે છે. કારણ કે, જ્યારે આપણે ઇતિહાસમાં નજર કરીએ છીએ, ત્યારે આપણે જોઈએ છીએ કે વિશ્વની ઘણી સભ્યતાઓમાં મહાન વિચારકો અને દાર્શનિકોએ જન્મ લીધો. માનવતાના આદર્શો પણ અલગ-અલગ વ્યાખ્યાઓમાં ઘડાયા. પરંતુ, જ્યારે સવાલ સત્તા અને શક્તિનો આવ્યો, ત્યારે ઘણા શાસકોએ આદર્શો અને મૂલ્યોને બાજુ પર મૂકી દીધા. આનાથી વિચાર અને વ્યવહારમાં, વિચાર અને વ્યવસ્થામાં, એક ખાઈ પેદા થતી ગઈ. પરંતુ, ભારતમાં સમ્રાટ સંપ્રતિ જેવા શાસકો થયા, જેમણે સત્તાને સેવા અને સાધના માનીને કામ કર્યું. જ્યાં એક તરફ કેટલાક શાસકોએ હિંસાને હથિયાર બનાવીને શાસન કર્યું, ત્યાં સમ્રાટ સંપ્રતિએ સિંહાસન પર બેસીને અહિંસાનો વિસ્તાર કર્યો. તેમણે સત્ય, અસ્તેય અને અપરિગ્રહનો પ્રચાર-પ્રસાર કર્યો. આટલી નિઃસ્પૃહતાથી, આટલા નિઃસ્વાર્થ ભાવથી, શાસનને સેવાનું માધ્યમ માનીને જીવન જીવવું, આ શીખ આપણને ભારતના ભૂતકાળમાંથી જ મળે છે. આ જ ભૂતકાળને આપણે આ મ્યુઝિયમમાં સાચવી રહ્યા છીએ.

 

સાથીઓ,

હું આ જોઈ રહ્યો હતો, આ મ્યુઝિયમને ડિઝાઇન પણ એવી રીતે કરવામાં આવ્યું છે કે તેમાં ડગલે ને પગલે ભવ્ય ભારતની ઓળખના દર્શન થાય છે. તેની સાત દીર્ધાઓ (ગૅલેરીઓ), દરેક દીર્ધા ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક સંપન્નતાનો ઉદઘોષ કરે છે. પ્રથમ દીર્ધામાં આપણને નવપદના દર્શન થાય છે. નવપદ એટલે- અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ; સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્ય અને સમ્યક તપ. અર્થાત્, આપણે તેમની પાસેથી શીખીએ જેમણે પોતે તપ કરીને જીવનને જાણ્યું છે, અને જે જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ તે સમ્યક હોય! આપણું ચારિત્ર્ય સમ્યક હોય! કારણ કે જ્ઞાન જ્યારે સમ્યક હોય છે, ત્યારે તે સમતા અને સેવાનો આધાર બને છે.

સાથીઓ,

ત્રીજી દીર્ધામાં આપણા તીર્થંકરોના જીવનને, તેમના ઉપદેશો અને પ્રસંગોને કલાત્મક રીતે જીવંત કરવામાં આવ્યા છે.

ભાઈઓ-બહેનો,

આ મ્યુઝિયમમાં ભારતની સૌથી મોટી વિશિષ્ટતાના, સૌથી મોટી તાકાતના દર્શન થાય છે. જેનો મેં પહેલા પણ ઉલ્લેખ કર્યો, આપણી આ તાકાત છે- ભારતની વિવિધતા અને વિવિધતામાં એકતા. દુનિયાએ હંમેશા મત, મજહબ અને આસ્થાના નામે ટકરાવ જોયો છે, પરંતુ, આ મ્યુઝિયમમાં ભારતના બીજા તમામ ધર્મોના પણ ગૌરવશાળી દર્શન થાય છે. વૈદિક અને બૌદ્ધ પરંપરા, વેદ, પુરાણ, આયુર્વેદ, યોગ, દર્શન, વિવિધ પરંપરાઓના તમામ રંગો એકસાથે મેઘધનુષની જેમ ઉપસ્થિત હોય, તે ભારતમાં જ થઈ શકે છે.

 

સાથીઓ,

આજે દુનિયામાં જે પ્રકારની પરિસ્થિતિ છે, જે રીતે વિશ્વ અસ્થિરતા અને અશાંતિની આગમાં સળગી રહ્યું છે, આ મ્યુઝિયમનો વારસો, તેનો સંદેશ, માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર માનવતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણો પ્રયાસ હોવો જોઈએ કે દુનિયાના દેશોમાંથી અહીં આવનારા જિજ્ઞાસુઓ, વિદ્યાર્થીઓ અને સંશોધકોની સંખ્યા વધુ વધે. જે લોકો અહીં આવે, તેઓ ભારતની, જૈનધર્મની શિક્ષાઓને વિશ્વના ખૂણેખૂણે પહોંચાડે.

સાથીઓ,

ભારતમાં જ્ઞાન હંમેશા એક મુક્ત પ્રવાહ રહ્યો છે. દરેક યુગમાં તીર્થંકરો અને ઋષિઓ-મનીષિઓનો અવતાર થયો. જ્ઞાનનું સંકલન વધતું ગયું, સમય સાથે ઘણું નવું ઉમેરાતું ગયું. તમે કલ્પના કરો, એક સમયે આપણી તક્ષશિલા, નાલંદા જેવી યુનિવર્સિટીઓ લાખો ગ્રંથો અને હસ્તપ્રતો (Manuscripts) થી ભરેલી હતી. પરંતુ, વિદેશી આક્રમણખોરોએ ધાર્મિક સંકુચિતતામાં જ્ઞાનને પણ પોતાનો દુશ્મન માનીને તેમને સળગાવી દીધા, માનવતાની કેટલી મોટી ધરોહરો નષ્ટ થઈ ગઈ. તે મુશ્કેલ સમયમાં, લોકોએ પેઢી દર પેઢી બચેલી હસ્તપ્રતોને સાચવી, તેમની સુરક્ષા કરી. આઝાદી પછી, તેમને શોધવી, તેમને સાચવવી, એ દેશની જવાબદારી હોવી જોઈતી હતી, પરંતુ કમનસીબે ગુલામીની માનસિકતાને કારણે આ તરફ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં. આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ જેવા મહાન વ્યક્તિત્વો અને સંતોએ તેનું મહત્વ સમજ્યું, તેમણે પોતાનું આખું જીવન આ માટે સમર્પિત કર્યું. જીવનના 60 વર્ષ, ગામે-ગામ, શહેરે-શહેર, દેશના ખૂણેખૂણેથી તેમણે હસ્તપ્રતો શોધી. આવી ત્રણ લાખથી વધુ હસ્તપ્રતો, તાડપત્ર, ભોજપત્ર પર અંકિત સેંકડો વર્ષ જૂનું તે જ્ઞાન, આજે કોબામાં સુરક્ષિત અને સંકલિત થયું છે. આ ભારતના ભૂતકાળની, ભારતના વર્તમાનની અને આપણા ભવિષ્યની ખૂબ મોટી સેવા છે.

સાથીઓ,

જૂની સરકારોએ હસ્તપ્રતોની ઉપેક્ષા કરીને જે ભૂલ કરી હતી, આજે આપણે તેને સુધારી રહ્યા છીએ. અમે આ માટે ‘જ્ઞાન ભારતમ મિશન’ શરૂ કર્યું છે. આ કામમાં અમે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ મિશન હેઠળ, પ્રાચીન હસ્તપ્રતોનું ડિજિટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે, તેમનું વૈજ્ઞાનિક રીતે સંરક્ષણ થઈ રહ્યું છે. સ્કેનિંગ, કેમિકલ ટ્રીટમેન્ટ અને ડિજિટલ સંગ્રહ જેવા તમામ પ્રયાસો આ દિશામાં થઈ રહ્યા છે. આ રવિવારે ‘મન કી બાત’ માં મેં વિગતવાર ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે આ દિશામાં એક સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે. આમાં દેશભરમાંથી લોકો પોતાની પાસે રહેલી હસ્તપ્રતોને અપલોડ કરી રહ્યા છે. આ અભિયાન દેશના ખૂણેખૂણે વિખરાયેલી હસ્તપ્રતોને એકત્રિત કરવામાં મોટી ભૂમિકા ભજવશે.

 

સાથીઓ,

સરકારના સ્તરે ‘જ્ઞાન ભારતમ મિશન’ અને કોબાતીર્થનું અસાધારણ યોગદાન, સમાજ અને સરકારના આ સહિયારા પ્રયાસો ભારતના નવા સાંસ્કૃતિક અભ્યુદયનું પ્રતીક પણ છે.

સાથીઓ,

આજે દેશના કલ્ચરલ હેરિટૅજને સાચવવા, વિશ્વની સામે લાવવાના પ્રયાસો દરેક સ્તરે થઈ રહ્યા છે. હસ્તપ્રતો અને જ્ઞાન ધરોહરના સંરક્ષણનું કાર્ય તો થઈ જ રહ્યું છે. તેની સાથે સાથે પ્રાચીન મંદિરોનો પુનરુદ્ધાર, તીર્થક્ષેત્રોનો વિકાસ, ઐતિહાસિક સ્થળોનો વિકાસ, આયુર્વેદ અને યોગનો પ્રચાર-પ્રસાર, દરેક સ્તરે આ દિશામાં કામ થઈ રહ્યું છે. અહીં ગુજરાતમાં જ લોથલમાં વિશાળ મેરીટાઇમ મ્યુઝિયમ બની રહ્યું છે, અને આ દુનિયાનું સૌથી મોટું મેરીટાઇમ મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે, અહીંથી 70-80 કિલોમીટર દૂર છે. બીજી તરફ વડનગરમાં એક બહુ મોટું મ્યુઝિયમ બન્યું છે, તે દુનિયાના સારા મ્યુઝિયમોમાં સ્થાન બનાવી ચૂક્યું છે. દિલ્હીમાં ‘યુગે યુગીન ભારત’ મ્યુઝિયમ બનાવવાની પણ તૈયારી છે. આજે પહેલીવાર, આઝાદીની લડાઈના ઇતિહાસને પણ સમગ્ર સ્વરૂપે સામે લાવવા માટે સાર્થક કાર્યો થયા છે. તમને યાદ હશે, પહેલા આ કામ રાજકીય ચશ્માથી થતા હતા, એક રાજકીય પરિવારનું નેરેટિવ કેવી રીતે સેટ થાય, વોટબેંકના હિસાબે વાતો કેવી રીતે બોલવામાં આવે, બધું આની આસપાસ જ ફરતું હતું. અમે આ માનસિકતાને સમાપ્ત કરી છે. અમે ‘સબકા સાથ, સબકા વિકાસ’ ના મંત્ર સાથે ચાલી રહ્યા છીએ. આ જ મંત્ર વિકસિત ભારતના વિઝનની આત્મા છે.

સાથીઓ,

તમે તમામ સંતગણ ભારતની વિરાસતને જાળવવાનો આટલો મહાન પ્રયાસ કરી રહ્યા છો. જ્યારે આપણે વ્યક્તિગત આકાંક્ષાથી ઉપર ઉઠીને સમાજ અને રાષ્ટ્રના લક્ષ્યો માટે કામ કરીએ છીએ, ત્યારે દેશના વિકાસને વધુ ગતિ મળે છે. આ જ ભાવના સાથે હું નવકાર મહામંત્ર દિવસ પર દિલ્હીમાં થયેલા કાર્યક્રમમાં પણ સામેલ થયો હતો. આ આયોજનમાં ચારેય ફિરકાઓ એકસાથે જોડાયા હતા. તે ઐતિહાસિક અવસરે મેં નવ આગ્રહ કર્યા હતા, નવ સંકલ્પોની વાત કરી હતી, જેનો ઉલ્લેખ હમણાં જ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈએ પણ કર્યો. હું દરેક વખતે તમારી સામે તે નવ સંકલ્પો જરૂર દોહરાવું છું. આજનો આ અવસર તેમને ફરીથી દોહરાવવાનો પણ છે. પ્રથમ સંકલ્પ- પાણી બચાવવાનો સંકલ્પ. બીજો સંકલ્પ- એક પેડ મા કે નામ. ત્રીજો સંકલ્પ- સ્વચ્છતાનું મિશન. ચોથો સંકલ્પ- વોકલ ફોર લોકલ. પાંચમો સંકલ્પ- દેશ દર્શન. છઠ્ઠો સંકલ્પ- નેચરલ ફાર્મિંગ અપનાવવું. સાતમો સંકલ્પ- હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવી. આઠમો સંકલ્પ છે- યોગ અને રમતગમતને જીવનમાં લાવવા. નવમો સંકલ્પ છે- ગરીબોની સહાયતાનો સંકલ્પ, અને દસમો સંકલ્પ તમે બધાએ પોતે પોતાની સાથે જોડી લીધો છે, અને તે છે- ભારતની વિરાસતનું સંરક્ષણ. આજનો આ કાર્યક્રમ આનું જ પ્રતિબિંબ છે.

 

સાથીઓ,

આવનારા સમયમાં આપણી સામે મોટા લક્ષ્યો છે, આપણે મોટા સંકલ્પો પૂરા કરવાના છે. આપણી એકતા, આપણું આ સાંસ્કૃતિક પીઠબળ જ આમાં આપણી તાકાત બનશે. મને વિશ્વાસ છે કે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ આવનારા સમયમાં આ દિશામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ જ્ઞાન, સાધના અને સંસ્કૃતિનું એક એવું કેન્દ્ર બનશે, જ્યાંથી નવી પેઢીને પ્રેરણા મળશે અને સમાજને એક નવી ઊર્જા મળશે. આ જ વિશ્વાસ સાથે, હું આપ સૌને આ મહત્વપૂર્ણ કાર્ય માટે ફરી એકવાર ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

 

અને સાથે સાથે સૌને આગ્રહ પણ કરું છું કે મહારાજ સાહેબે તો આ બધું કર્યું છે, પણ આપણે તેને જોવા માટે પણ સમય નહીં આપીએ, તો કેમ ચાલશે? વધુમાં વધુ લોકો અહીં આવે અને જોઈને ચાલ્યા જાય એવું નહીં, જાણવાનો પ્રયત્ન કરે, સમજવાનો પ્રયત્ન કરે, આ એક અમૂલ્ય ખજાનો છે. અને હું ઈચ્છું છું કે ગુજરાતમાં તમામ પેઢીના લોકો પરિવાર સાથે અહીં આવે, તેને મન ભરીને જુએ, જ્ઞાન અને મહાન વિરાસતનું ગૌરવ કરે. અને મારા માટે આજે આ મહાવીર જયંતી, ઘણી રીતે શુભ છે, કારણ કે અહીં ગાંધીનગરમાં આવતા જ, ગુજરાતની ધરતી પર પગ મૂકતા જ પહેલો કાર્યક્રમ મૂળિયાં સાથે જોડાવાનો (જડોં સે જુડના) છે, અને અહીંથી હવે સાણંદ જઈશ, ત્યાં બીજો કાર્યક્રમ છે, જગત સાથે જોડાવાનો. અહીં મહાન સાંસ્કૃતિક પરંપરાઓ, ભવ્ય ભૂતકાળ, તેની સાથે આચમન લીધું, અને સાણંદમાં જઈને, વિશ્વની અત્યાધુનિક ટેકનોલોજી ચિપ્સના નિર્માણનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, સેમિકન્ડક્ટરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. અહીં મૂળિયાં સાથે જોડાવાનું છે અને ત્યાંથી જગતને જોડવાનું છે, અને આ બધું ગુજરાતની ધરતી પર થઈ રહ્યું છે, ભારતની ધરતી પર થઈ રહ્યું છે. આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. ખૂબ-ખૂબ ધન્યવાદ.

જય જિનેન્દ્ર ! જય જિનેન્દ્ર ! જય જિનેન્દ્ર !

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Bhogapuram airport begins commercial operations with first IndiGo flight

Media Coverage

Bhogapuram airport begins commercial operations with first IndiGo flight
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the importance of self-respect, courage and steadfastness
August 18, 2026

The Prime Minister, Shri Narendra Modi has shared a Sanskrit Subhashitam highlighting the importance of living with self-respect, courage and dignity. He emphasised that true valour and strength lie in remaining steadfast in one’s principles and values, without compromising them under any circumstances.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“उद्यच्छेदेव न नमेदुद्यमो ह्येव पौरुषम्।
अप्यपर्वणि भज्येत न नमत्वेव कस्यचित्॥”

The Subhashitam conveys that a person should always live with self-respect, courage and dignity. True valor and strength lie in never compromising one's principles and values under any circumstances, but remaining steadfast in one's ideals with truth, patience and self-pride.

The Prime Minister wrote on X;

“उद्यच्छेदेव न नमेदुद्यमो ह्येव पौरुषम्।

अप्यपर्वणि भज्येत न नमत्वेव कस्यचित्॥”