પ્રધાનમંત્રીએ મેંગલુરુમાં આશરે રૂ. 3800 કરોડની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા
“વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે, ‘મેક ઇન ઇન્ડિયા’ અને દેશના ઉત્પાદન ક્ષેત્રનું વિસ્તરણ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે”
“કર્ણાટક સમગ્ર દેશમાં સાગરમાલા યોજનાના સૌથી મોટા લાભાર્થીઓ પૈકી એક છે”
“પ્રથમ વખત, કર્ણાટકના 30 લાખથી વધુ ગ્રામીણ પરિવારોમાં પાઇપથી પાણી પહોંચ્યું છે”
“કર્ણાટકના 30 લાખ કરતાં વધુ દર્દીઓને આયુષ્માન ભારતનો લાભ પણ મળ્યો છે”
“જ્યારે પર્યટનમાં વૃદ્ધિ થાય છે, ત્યારે તે આપણા કુટીર ઉદ્યોગો, આપણા કારીગરો, ગ્રામ્ય ઉદ્યોગો, શેરી પરના વિક્રેતાઓ, ઓટો-રિક્ષા ચાલકો, ટેક્સી ડ્રાઇવરોને લાભ આપે છે”
“આજે ડિજિટલ પેમેન્ટ્સનો આંકડો ઐતિહાસિક સ્તરે છે અને BHIM-UPI જેવા આપણા આવિષ્કારો તરફ દુનિયાનું ધ્યાન ખેંચાઇ રહ્યું છે”
“લગભગ 6 લાખ કિમી ઓપ્ટિકલ ફાઇબરનું નેટવર્ક પાથરીને ગ્રામ પંચાયતોને જોડવામાં આવી રહી છે”
“ભારતે $418 બિલિયન એટલે કે 31 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની વ્યાપારી નિકાસ કરવાનો નવો વિક્રમ બનાવ્યો છે”
“PM ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન અંતર્ગત, રેલવે અને માર્ગોને લગતી અઢીસોથી વધુ પરિયોજનાઓને ઓળખી કાઢવામાં આવી છે જે અવિરત પોર્ટ કનેક્ટિવિટીમાં મદદરૂપ થશે”

કર્ણાટકના રાજ્યપાલ શ્રીમાન થાવર ચંદજી ગેહલોત, કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમઈજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગીગણ, કર્ણાટક સરકારના મંત્રીગણ, સાંસદ તથા ધારાસભ્યગણ અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા પ્યારા ભાઈઓ તથા બહેનો.

આજે ભારતની સમૂદ્રી તાકાત માટે મોટો દિવસ છે. રાષ્ટ્રની લશ્કરી સુરક્ષા હોય કે પછી રાષ્ટ્રની આર્થિક સુરક્ષા, ભારતે આજે મોટા અવસરોનો સાક્ષી બની રહ્યો છે. આજથી થોડા સમય અગાઉ કોચીમાં ભારતના સૌ પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરનું લોકાર્પણે તમામ ભારતીયોને ગૌરવથી ભરી દીધા છે.

અને હવે અહીં મેંગલુરુમાં ત્રણ હજાર 700 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ, શિલાન્યાસ અને ભૂમિપૂજન થયું છે. ઐતિહાસિક મેંગલોર પોર્ટની ક્ષમતાના વિસ્તારની સાથે સાથે અહીં રિફાઇનરી અને આપણઆ માછીમાર સાથીઓની આવક વધારવા માટે અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ તથા શિલાન્યાસ થયો છે. આ પરિયોજનાઓ માટે હું કર્ણાટકવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

આ પ્રોજેક્ટથી કર્ણાટકમાં વ્યાપાર કારોબારને, ઉદ્યોગોને વધુ શક્તિ મળશે, ઇઝ ઓફ ડુઉંગ બિઝનેસને વેગ મળશે. ખાસ કરીને એક જિલ્લો એક પ્રોજેક્ટ અંતર્ગત વિકસીત કરવામાં આવી રહેલા કર્ણાટકના ખેડૂતો તથા માછીમારોના ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચાડવા વધારે આસાન બની જશે.

સાથીઓ,
આ વર્ષે સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી જે પાંચ પ્રણની મેં વાત કરી હતી તેમાંથી પ્રથમ છે – વિકસીત ભારતનું નિર્માણ. વિકસીત ભારતના નિર્માણ માટે દેશના ઉત્પાદન ક્ષેત્રમાં મેઇક ઇન ઇન્ડિયાનો વ્યાપ કરવો અત્યંત આવશ્યક છે. વિકસીત ભારતના નિર્માણ માટે જરૂરી છે કે આપણી નિકાસ વધે, દુનિયામાં આપણા ઉત્પાદનો, કિંમતોના મુદ્દે સ્પર્ધાત્મક હોય. આ સસ્તા અને સુગમ લોજિસ્ટિક્સ વિના શક્ય જ નથી.

આ જ વિચારની સાથે છેલ્લા આઠ વર્ષમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અભૂતપૂર્વ કાર્ય થઈ રહ્યું છે. આજે દેશનો ભાગ્યે જ કોઈ હિસ્સો એવો હશે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કોઇને કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું ન હોય. ભારતમાલાના સરહદી રાજ્યોના માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સશક્ત કરવામાં આવી રહ્યું છે, તો દરિયા કાંઠા વિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સાગરમાલાને તાકાત મળી રહી છે.

ભાઈઓ અને બહેનો,

તાજેતરના વર્ષોમાં પોર્ટ લેડ ડેવલપમેન્ટને વિકાસનો એક મહત્વનો મંત્ર બનાવવામાં આવ્યો છે. આ જ પ્રયાસોનું પરિણામ છે કે માત્ર આઠ વર્ષમાં ભારતના બંદરોની ક્ષમતા લગભગ બમણી થઈ ગઈ છે. એટલે કે વર્ષ 2014 સુધી જ્યાં જેટલી પોર્ટ ક્ષમતા બનાવવામાં આવી હતી, છેલ્લા આઠ વર્ષમાં તેમાં એટલી જ નવી ક્ષમતા ઉમેરવામાં આવી છે.

મેંગલોર પોર્ટમાં જે ટેકનોલોજીથી સંકળાયેલી નવી સવલતો ઉમેરવામાં આવી છે તેનાથી તેની ક્ષમતા અને કાર્યક્ષમતા બંને વધનારી છે. આજે ગેસ અને લિક્વિટ કાર્ગોના સ્ટોરેજથી સંકળાયેલા જે ચાર પ્રોજેક્ટનો શિલાન્યાસ અહીં કરવામાં આવી રહ્યો છે તેમાંથી કર્ણાટક અને દેશને ઘણો મોટો લાભ થનારો છે. તેનાથી ખાદ્ય તેલની, એલપીજી ગેસની, બિટુમિનની આયાત લાગત પણ ઓછી થશે,

સાથીઓ,
અમૃતકાળમાં ભારત ગ્રીન ગ્રોથના સંકલ્પ સાથે આગળ ધપી રહ્યો છે. ગ્રીન ગ્રોથ અને ગ્રીન જોબ આ નવા અવસરો છે. અહીની રિફાઇનરીઓમાં જે નવી સુવિધાઓ આજે જોડાઈ છે તે પણ આ પ્રાથમિકતાઓ જ દર્શાવે છે. આજે આપણી રિફાઇનરી નદીના પાણી પર આધારિત છે. ડિસૈલિનેશન પ્લાન્ટથી રિફાઇનરીની નદીના પાણી પર નિર્ભરતા ઘટી જશે.

ભાઈઓ અને બહેનો,

છેલ્લા આઠ વર્ષમાં દેશભરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને જે રીતે દેશે પ્રાથમિકતા બનાવી છે તેનો ઘણો બધો લાભ કર્ણાટકને મળ્યો છે. કર્ણાટક સાગરમાલા યોજનાના સૌથી મોટા લાભાર્થી પૈકીનું એક છે. કર્ણાટકમાં માત્ર નેશનલ હાઇવેના ક્ષેત્રમાં છેલ્લા આઠ વર્ષમાં લગભગ 70 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર કામ થયું છે. આટલું જ નહીં લગભગ એક લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ આજે પાઇપલાઇનમાં છે. બેંગલુરુ-ચેન્નાઈ એક્સપ્રેસ વે, બેંગલુરુ-મૈસૂર માર્ગ હાઇવેના છ લાઇનનો કરવો,  બેંગલુરુથી પૂણેને જોડનારા ગ્રીનફિલ્ડ કોરીડોર, બેંગલુરુ સેટેલાઇટ રિંગ રોડ આવા તો અનેક પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે.

રેલવેમાં તો 2014થી પહેલાંની સરખામણીમાં કર્ણાટકના બજેટમાં ચાર ગણાથી વધુનો વધારો થયો છે. રેલલાઇનોની પહોળીકરણમાં તો છેલ્લા આઠ વર્ષમાં ચાર ગણી વધારે ઝડપથી કામ થયું છે. કર્ણાટકમાં રેલ લાઇનોનું વિજળીકરણનો તો ઘણો મોટો હિસ્સો છેલ્લા આઠ વર્ષમાં પૂરો કરવામાં આવ્યો છે.

સાથીઓ,
આજે ભારત આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર એટલું ધ્યાન એટલા માટે કેન્દ્રીત કરી રહ્યું છે કેમ કે આ જ વિકાસ ભારતના નિર્માણનો માર્ગ છે. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નિર્માણ સુવિધા વધારવાની સાથે સાથે મોટા પાયે રોજગારનું પણ નિર્માણ કરે છે. અમૃતકાળમા આપણા મોટા સંકલ્પોની સિદ્ધિનો માર્ગ પણ આ જ છે.

ભાઈઓ અને બહેનો,

દેશના ઝડપી વિકાસ માટે એ પણ એટલું જ આવશ્યક છે કે દેશના લોકોની ઊર્જા યોગ્ય દિશામાં લગાડવામાં આવે. જ્યારે લોકોની ઊર્જા, મૂળભૂત સુવિધાઓ પ્રાપ્ત કરવામાં જ લાગેલી રહેશે તો પછી તેની અસર દેશના વિકાસની ગતિ પર પણ પડવાની છે. આદરપૂર્વક જીવન જીવવા માટે પાક્કું મકાન, ટોયલેટ, સ્વચ્છ પાણી, વિજળી અને ધુમાડાથી મુક્ત રસોડું આ બાબતો આજના યુગમાં સ્વાભાવિક જરૂરિયાત છે.
આજ સવલતો માટે અમારી ડબલ એન્જિનની સરકાર સૌથી વધારે ભાર મૂકી રહી છે. છેલ્લા આઠ વર્ષમાં દેશમાં ગરીબો માટે ત્રણ કરોડથી વધારે મકાન બનાવવામાં આવ્યા છે. કર્ણાટકમાં પણ ગરીબો માટે આઠ લાખથી વધારે પાક્કા મકાનો માટે મંજૂરી આપવામાં આવી છે. મધ્યમ વર્ગના હજારો પરિવારને પણ પોતાનું આવાસ બનાવવા માટે કરોડો રૂપિયાની મદદ કરવામાં આવી છે.

જળ જીવન મિશન અંતર્ગત માત્ર ત્રણ વર્ષમાં જ દેશમાં છ કરોડથી વધારે મકાનોમાં પાઇપથી પાણીની સુવિધા પહોંચાડવામાં આવી છે. કર્ણાટકમાં  પણ 30 લાખથી વધારે ગ્રામીણ પરિવાર સુધી પહેલી વાર પાઇપથી પાણી પહોંચ્યું છે. મને આનંદ છે કે આ સવલતોની સૌથી વધુ લાભાર્થી આપણી બહેનો અને દિકરી છે.

સાથીઓ,
ગરીબોની સૌથી મોટી જરૂરિયાત સારવારની સસ્તી સવલત તથા સામાજિક સુરક્ષાની હોય છે. જ્યારે ગરીબ પર સંકટ આવે છે સમગ્ર પરિવાર અને કયારેક તો આવનારી પેઢી પણ તકલીફમાં મુકાઈ જાય છે. ગરીબને આ ચિંતામાંથી આયુષ્માન ભારત યોજનાએ મુક્તિ અપાવી છે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત દેશના લગભગ લગભગ ચાર કરોડ ગરીબોને હોસ્પિટલમાં ભરતી થતાં વિના મૂલ્યે સારવાર મળી ચૂકી છે. તેનાથી ગરીબોના લગભગ લગભગ 50 કરોજ રૂપિયાનો ખર્ચ થતા બચ્યો છે. આયુષ્માન ભારત યોજનાનો લાભ કર્ણાટકને પણ 30 લાખથી વધારે ગરીબોને મળ્યો છે અને તેમને પણ ચાર હજાર કરોડથી વધુની બચત થઈ છે.

ભાઈઓ અને બહેનો,

આઝાદી બાદ દાયકાઓ સુધી આપણે ત્યાં એવી સ્થિતિ રહી હતી કે માત્ર સાધન સંપન્ન લોકોને જ વિકાસનો લાભ મળતો હતો. જેઓ આર્થિક દૃષ્ટિથી નબળા હતા તેમને પહેલી વાર વિકાસના લાભથી જોડવામાં આવ્યા છે. જેમને આર્થિક દૃષ્ટિએ નાના સમજીને ભુલાવી દેવામાં આવ્યા હતા, અમારી સરકાર તેમની પડખે પણ ઉભેલી છે. નાના ખેડૂત હોય, નાના વેપારી હોય, માછીમારો હોય, લારી ગલ્લા વાળા હોય, આવા કરોડો લોકોને પહેલી વાર દેશના વિકાસનો લાભ મળવાનો શરૂ થયો છે, તેઓ વિકાસની મુખ્યધારા સાથે જોડાયા છે.

પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત દેશના 11 કરોડથી વધારે ખેડૂતોના બેંકના ખાતામાં લગભગ બે લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કર્ણાટકના પણ 55 લાખથી વધુ નાના ખેડૂતોને લગભગ દસ હજાર કરોડ રૂપિયા મળી ચૂક્યા છે. પીએ સ્વનિધિ યોજના અંતર્ગત દેશના 35 લાખ લારી ગલ્લાવાળા ભાઈ-બહેનોને આર્થિક મદદ મળી છે. તેનો લાભ કર્ણાટકના લગભગ બે લાખ સ્ટ્રીટ વેન્ડર્સને પણ થયો છે.

મુદ્રા યોજનાના માધ્યમથી દેશભરમાં નાના ઉદ્યમીઓને લગભગ 20 લાખ કરોડ રૂપિયાથી વધુની લોન આપવામાં આવી છે. કર્ણાટકમાં પણ લાખો નાના ઉદ્યમીઓને લગભગ બે લાખ કરોડ રૂપિયા બેંક લોન દ્વારા ચૂકવવામાં આવ્યા છે.

સાથીઓ,
કાંઠા વિસ્તારમાં વસેલા ગામો, બંદરોની આસપાસ વસતા સાથીઓ, મત્સ્ય ઉદ્યોહ સાથે જોડાયેલા આપણા ભાઈઓ-બહેનોના જીવનને વધુ બહેતર બનાવવા માટે ડબલ એન્જિનની સરકાર ખાસ પ્રયાસ કરી રહી છે. થોડી વાર પહેલાં જ અહીં મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા સાથીઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા. ઉંડા સમૂદ્રમાં માછલી પકડવા માટે જરૂરી નૌકા, આધુનિક વેસલ્સ પણ આપવામાં આવી છે.

પીએમ મત્સ્ય સંપદા યોજના અંતર્ગત મળી રહેલી સબસિડી હોય કે પછી માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની સવલત હોય, માછીમારોના કલ્યાણ અને આજીવિકા વધારવા માટે પહેલી વાર આ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે.

આજે કુલઈમાં ફિશિંગ હાર્બરનું ભૂમિપૂજન થઈ રહ્યું છે.  વર્ષોથી આપણા ફિશરીઝ ક્ષેત્ર સાથે સંકળાયેલા ભાઈ-બહેન તેની માગણી કરી રહ્યા હતા. આ જ્યારે બનીને તૈયાર થઈ જશે તો માછીમારોની અનેક સમસ્યાઓ ઉકેલાઈ જશે. આ પ્રોજેક્ટથી સેંકડો માછીમાર પરિવારની મદદ મળશે, અનેક લોકોને રોજગાર પણ મળશે.

સાથીઓ,
ડબલ એન્જિનની સરકાર દેશના લોકોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે દિવસ રાત મહેનત કરી રહી છે. દેશની જનતાની આકાંક્ષાઓ, અમારી સરકાર માટે પ્રજાના આદેશની માફક છે. દેશના લોકોની અપેક્ષા છે કે ભારતમાં વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય. આજે દેશના ખૂણે ખૂણામાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે.

દેશના લોકોની આકાંક્ષા છે કે આપણા વધુમાં વધુ શહેરો મેટ્રો કનેક્ટિવિટી સાથે જોડાયેલા હોય. અમારી સરકારના પ્રયાસને કારણે જ છેલ્લા આઠ વર્ષમાં મેટ્રો સાથે જોડાયેલા શહેરોની સંખ્યા ચાર ગણી વધી ગઈ છે.

દેશના લોકોની આકાંક્ષા છે કે તેમને સરળતાથી હવાઈ સવલતો મળે. ઉડાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં એક કરોડ કરતાં વધારે પ્રવાસીઓ હવાઈ પ્રવાસ કરી ચૂક્યા છે.

દેશના લોકોની આકાંક્ષા છે કે ભારતમાં સ્વચ્છ ઇકોનોમી હોય. આજે ડિજિટલ પેમેન્ટ ઐતિહાસિક સ્તર પર છે અને ભીમ-યુપીઆઈ જેવા અમારા ઇનોવેશન દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યા છે.

દેશના લોકો આજે ઝડપી ઇન્ટરનેટ ઇચ્છે છે, સસ્તુ ઇન્ટરનેટ ઇચ્છે છે, દેશના ખૂણે ખૂણામાં ઇન્ટરનેટ ઇચ્છે છે. આજે લગભગ છ લાખ કિલોમીટર ઓપ્ટિકલ ફાઇબર બિછાવીને ગ્રામ પંચાયતોને જોડવામાં આવી રહી છે.

5Gની સુવિધા આ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવનારી છે. મને આનંદ છે કે કર્ણાટકની ડબલ એન્જિન સરકાર પણ ઝડપી ગતિથી લોકોની જરૂરિયાત અને આકાંક્ષાને પૂરી કરવા માટે કામ કરી રહી છે.

સાથીઓ,
ભારત પાસે સાડા સાત હજાર કિલોમીટરથી પણ વધુનો દરિયા કાંઠો છે. દેશના આ સામર્થ્યનો આપણે ભરપુર લાભ ઉઠાવવાનો છે. અહીંનું કરાવલી કોસ્ટ અને વેસ્ટર્ન ઘાટ પણ પોતાના પ્રવાસન માટે એટલો જ લોકપ્રિય છે. મને કહેવામાં આવ્યું કે દરેક ક્રૂઝ સિઝનમાં ન્યૂ મેંગલોર પોર્ટ સરેરાશ 25 હજાર પ્રવાસીઓને હેન્ડલ કરે છે. તેમાં ઘણી મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો પણ હોય છે. એટલે કે સંભાવનાઓ ઘણી છે અને જે રીતે ભારતમાં મધ્યમ વર્ગની તાકાત વધી રહી છે તેનાથી ભારતમાં ક્રૂઝ ટુરિઝમની સંભાવનાઓ પણ વધી રહી છે.

જ્યારે ટુરિઝમ વધે છે તો તેનો ઘણો મોટો લાભ આપણા કુટિર ઉદ્યોગ, આપણા શિલ્પીઓ, ગ્રામ ઉદ્યોગ, લારી ગલ્લા વાળા ભાઈ-બહેન, ઓટો રિક્શા ચાલક, ટેક્સી ડ્રાઇવર આવા સમાજના નાના નાના લોકોને ટુરિઝમનો ઘણો લાભ થતો હોય છે. મને આનંદ છે કે ન્યૂ મેંગલોર પોર્ટ ક્રૂઝ ટુરિઝમ વધારવા માટે સતત નવી નવી સવલતો જોડી રહ્યો છે.

સાથીઓ,
જ્યારે કોરોનાનું સંકટ શરૂ થયું હતું તો મેં આપત્તિને અવસરમાં ફેરવી નાખવાની વાત કરી હતી. આજે દેશે આ આપત્તિને અવસરમાં ફેરવીને દેખાડી દીધું છે. કેટલાક મહિના અગાઉ જીડીપીના જે આંકડા આવ્યા છે તે પુરવાર કરી રહ્યા છે કે ભારતે કોરોના કાળમાં જે નીતિઓ બનાવી, જે નિર્ણયો લીધા તે કેટલા મહત્વપૂર્ણ હતા. ગયા વર્ષે આટલી વૈશ્વિક વિક્ષેપો છતાં ભારતે 670 બિલિયન ડોલર એટલે કે 50 લાખ કરોડ રૂપિયાની કુલ નિકાસ કરી. દરેક પડકારને પાર કરતાં ભારેત 418 બિલિયન ડોલર એટલે કે 31 લાખ કરોડ રૂપિયાના વેપારી માલની નિકાસનો નવો વિક્રમ સર્જ્યો.

આજે દેશના ગ્રોથ એન્જિન સાથે સંકળાયેલું પ્રત્યેક ક્ષેત્ર સંપૂર્ણ ક્ષમતા સાથે આગળ વધી રહ્યું છે. સર્વિસ ક્ષેત્ર પણ ઝડપથી ગ્રોથની તરફ આગળ ધપી રહ્યું છે. પીએલઆઈ સ્કીમની અસર ઉત્પાદન ક્ષેત્ર પર જોવા મળી રહી છે. મોબાઇલ સહિત સમગ્ર ઇલેક્ટ્રોનિક ઉત્પાદન ક્ષેત્રમાં કેટલાય ગણી વૃદ્ધિ થઈ છે.
રમકડાની આયાત ત્રણ વર્ષમાં જેટલી ઘટી છે તેની સામે લગભગ લગભગ એટલી જ નિકાસ વઘી છે. આ તમામનો સીધે સીધો જ દેશના એ કાંઠાના વિસ્તારોને પણ થઈ રહ્યો છે જે ભારતીય સામાનની નિકાસ માટે સંસાધન ઉપલબ્ધ કરાવે છે જેમાં મેંગલુરુ જેવા મોટા પોર્ટ છે.

સાથીઓ,
સરકારના પ્રયાસોથી દેશમાં વીતેલા વર્ષોમાં કોસ્ટલ ટ્રાફિકમાં પણ વધારો જોવા મળ્યો છે. દેસના અલગ અલગ પોર્ટ પર સુવિધા તથા સંસાધનો વધવાને કારણે કોસ્ટલ મૂવમેન્ટ હવે વધુ આસાન બની ગઈ છે. સરકારનો પ્રયાસ છે કે પોર્ટ કનેક્ટિવિટી વધારે બહેતર હોય તેમાં વધુ ઝડપ આવે. તેથી જ પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન અંતર્ગત રેલવે તથા માર્ગના 250 કરતાં વધારે પ્રોજેક્ટ નિશ્ચિત કરવામાં આવ્યા છે જે સીમલેસ પોર્ટ કનેક્ટિવિટીમાં મદદ કરશે.

ભાઈઓ અને બહેનો,

પોતાની વીરતા તથા વેપાર માટે પ્રસિદ્ધ આ તટીય ક્ષેત્ર વિલક્ષણ પ્રતિભાઓથી ભરેલો છે. ભારતના ઘણા ઉદ્યમી લોકો અહીંના રહેવાસી છે. ભારતના ઘણા ખૂબસુરત દ્વિપ અને પહાડીઓ કર્ણાટકમાં પણ છે. ભારતના ઘણા જાણીતા મંદીર તથા તીર્થ ક્ષેત્ર પણ અહીં જ છે. આજે દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે તો હું રાણી અબ્બક્કા અને રાણી ચેન્નભૈરા દેવી ને પણ યાદ કરવા માગીશ. ભારતની ધરતીને, ભારતના કારોબારન ગુલામીથી બચાવવા માટે તેમનો સંઘર્ષ અદભૂત હતો. આજે નિકાસ ક્ષેત્રમાં આગળ ધપી રહેલા ભારત માટે આ વીર મહિલાઓ ઘણી મોટી પ્રેરણાસ્રોત છે.

હર ઘર તિરંગા અભિયાનને જે રીતે કર્ણાટકે જન જને, આપણા યુવાન સાથીઓએ સફળ બનાવ્યું તે પણ આ સમૃદ્ધ પરંપરાનો એક વ્યાપ છે. કર્ણાટકના કરાવલી ક્ષેત્રમાં આવીને રાષ્ટ્રભક્તિની, રાષ્ટ્ર સંકલ્પની, આ ઊર્જાથી હું હંમેશાં પ્રેરિત અનુભવી રહ્યો છું. મેંગલુરુમાં જોવા મળી રહેલી આ ઊર્જા આવી જ રીતે વિકાસના માર્ગને ઉજ્જવળ બનાવતી રહે, આ જ મનોકામના સાથે આપ સૌને વિકાસના આ પ્રોજેક્ટ માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે.

મારી સાથે જોરથી બોલો –

ભારત માતા કી – જય

ભારત માતા કી – જય

ભારત માતા કી – જય

ખૂબ ખૂબ ધન્યવાદ.

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Firm economic growth helped Indian automobile industry post 12.5% sales growth

Media Coverage

Firm economic growth helped Indian automobile industry post 12.5% sales growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
BJP's Sankalp Patra for Lok Sabha elections 2024
April 14, 2024