મહામહિમ, પ્રધાનમંત્રી મેલોની, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયાના સાથીઓ, નમસ્કાર! બોર્નજોર્નો!

મારા અને મારા પ્રતિનિધિમંડળના ભવ્ય સ્વાગત માટે હું પ્રધાનમંત્રી મેલોનીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

રોમને વિશ્વમાં 'ઇટર્નલ સિટી' (શાશ્વત નગર) તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં મારું લોકસભા મતક્ષેત્ર કાશી, તેને પણ અનાદિ અને શાશ્વત નગર માનવામાં આવે છે. જ્યારે બે સભ્યતાઓ મળે છે, ત્યારે વાતચીત માત્ર કાર્યસૂચિ (એજન્ડા) પૂરતી મર્યાદિત નથી હોતી. તેમાં ઇતિહાસની ઊંડાઈ, ભવિષ્યની દ્રષ્ટિ અને મિત્રતાની સહજતા, ત્રણેય સાથે દેખાય છે.

મિત્રો,

છેલ્લા આશરે સાડા ત્રણ વર્ષમાં મને ઘણી વખત પ્રધાનમંત્રી મેલોનીને મળવાની તક મળી છે. આ ભારત અને ઇટાલી વચ્ચેના નજીકના સહકાર અને સુમેળને દર્શાવે છે. તેમના નેતૃત્વમાં આપણા સંબંધોને નવી ગતિ, નવી દિશા અને નવો આત્મવિશ્વાસ મળ્યો છે. મને ખુશી છે કે આપણે આપણા સંબંધોને અપગ્રેડ (ઉચ્ચ સ્તર પર લઈ જઈને) કરીને 'વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી' (સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ) ની જાહેરાત કરી રહ્યા છીએ.

મિત્રો,

આજની બેઠકમાં આપણે આપણી ભાવી ભાગીદારીને વધુ સશક્ત બનાવવા માટે વિગતવાર ચર્ચા કરી. 'ભારત-ઇટાલી સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના 2025-29' આપણી ભાગીદારીને એક વ્યવહારુ (પ્રેક્ટિકલ) અને ભવિષ્યલક્ષી (ફ્યુચરિસ્ટિક) માળખું પૂરું પાડે છે. આપણે આના પર સમયબદ્ધ રીતે આગળ વધી રહ્યા છીએ. આપણા સહિયારા પ્રયાસોમાં દ્વિપક્ષીય વેપાર 20 બિલિયન યુરોના લક્ષ્ય તરફ ઝડપથી વધી રહ્યો છે.

ભારતમાં હાજર 800 થી વધુ ઇટાલિયન કંપનીઓ ભારતની વિકાસ ગાથા (ગ્રોથ સ્ટોરી) માં સક્રિય ભાગીદાર બની રહી છે. આજે આયોજિત કરવામાં આવી રહેલા બિઝનેસ ફોરમ પરથી એ સ્પષ્ટ છે કે બંને દેશોના બિઝનેસ લીડર્સમાં એક નવો ઉત્સાહ, નવો આત્મવિશ્વાસ (કોન્ફિડન્સ) અને નવી મહત્વાકાંક્ષા (એમ્બિશન) છે. ઇટાલી વિશ્વમાં ડિઝાઇન અને પ્રિસિઝન (ચોકસાઈ) માટે જાણીતું છે.

 

ભારતની ઓળખ સ્કેલ (વિશાળતા), ટેલેન્ટ (પ્રતિભા) અને પરવડે તેવી નવીનતા (એફોર્ડેબલ ઇનોવેશન) ના પાવરહાઉસ તરીકેની છે. તેથી આપણે 'ડિઝાઇન એન્ડ ડેવલપ ઇન ઇન્ડિયા એન્ડ ઇટાલી, એન્ડ ડિલિવર ફોર ધ વર્લ્ડ' (ભારત અને ઇટાલીમાં ડિઝાઇન અને વિકાસ કરો, અને વિશ્વ માટે પ્રસ્તુત કરો) ના સિદ્ધાંત પર આગળ વધીશું. ફેશનથી લઈને ફિનટેક સુધી, લેધર (ચામડું) થી લઈને લોજિસ્ટિક્સ સુધી, ગતિશીલતા (મોબિલિટી) થી લઈને ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) સુધી, દરેક ક્ષેત્રમાં આપણે આપણી શક્તિઓને જોડીને સમગ્ર માનવતાના કલ્યાણ માટે કામ કરીશું.

ઇન્ડિયા-EU (ભારત-યુરોપિયન યુનિયન) એફટીએ (FTA) ના નિષ્કર્ષમાં ઇટાલી તરફથી મળેલા સહયોગ માટે હું પ્રધાનમંત્રી મેલોનીનો વિશેષ રૂપે આભાર વ્યક્ત કરું છું. આપણે મળીને આના વહેલામાં વહેલા અમલીકરણ (ઇમ્પ્લિમેન્ટેશન) માટે કામ કરીશું જેથી બિઝનેસ સમુદાયો આનો પૂરો લાભ ઉઠાવી શકે.

મિત્રો,

ટેકનોલોજી અને નવીનતા (ઇનોવેશન) આપણી ભાગીદારીનું એન્જિન છે. AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), ક્વોન્ટમ, અવકાશ (સ્પેસ) અને નાગરિક પરમાણુ ઊર્જા જેવા ક્ષેત્રોમાં આપણા સહયોગની અપાર સંભાવનાઓ છે. બંને દેશોના સ્ટાર્ટઅપ્સ, સંશોધન કેન્દ્રો  અને ઉદ્યોગોને પરસ્પર જોડવા માટે આપણે 'ઇન્ડિયા-ઇટાલી ઇનોવેશન સેન્ટર' પર કામ કરી રહ્યા છીએ.

મિત્રો,

સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રોમાં નજીકનો સહકાર એ આપણા ઊંડા પરસ્પર વિશ્વાસનું પ્રતીક છે. આપણા સૈન્ય દળોની સાથે-સાથે બંને દેશોના સંરક્ષણ ઉદ્યોગો વચ્ચે પણ સહકાર વધી રહ્યો છે. આપણા 'ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ રોડમેપ' (સંરક્ષણ ઔદ્યોગિક રોડમેપ) થી સહ-વિકાસ (કો-ડેવલપમેન્ટ) અને સહ-ઉત્પાદન (કો-પ્રોડક્શન) નો માર્ગ મોકળો થયો છે.

દરિયાઈ શક્તિઓ (મેરિટાઇમ પાવર્સ) તરીકે ભારત અને ઇટાલી વચ્ચે કનેક્ટિવિટીના ક્ષેત્રમાં નજીકનો સહકાર સ્વાભાવિક છે. આપણે મળીને શિપિંગ, બંદરોનું આધુનિકીકરણ (પોર્ટ્સ મોડર્નાઇઝેશન), લોજિસ્ટિક્સ અને બ્લુ ઇકોનોમી (સમૂદ્રી અર્થતંત્ર) પર કામ કરીશું.

આપણે આપણી વિન-વિન (બંને પક્ષે ફાયદાકારક) ભાગીદારીને ત્રીજા દેશો સુધી લઈ જવા પર પણ ચર્ચા કરી. આ દિશામાં આગળ વધતા આપણે આફ્રિકામાં નક્કર પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે સંમત થયા છીએ.

મિત્રો,

ભારત અને ઇટાલી એકમત છે કે આતંકવાદ માનવતા માટે ગંભીર પડકાર છે. આતંકવાદી ધિરાણ (ટેરર ફાઇનાન્સિંગ) સામેની આપણી સહિયારી પહેલે સમગ્ર વિશ્વ સમક્ષ એક મહત્વપૂર્ણ ઉદાહરણ રજૂ કર્યું છે. ભારત અને ઇટાલીએ એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જવાબદાર લોકશાહીઓ (રિસ્પોન્સિબલ ડેમોક્રસીઝ) માત્ર આતંકવાદની નિંદા નથી કરતી, પરંતુ તેના નાણાકીય નેટવર્ક (ફાઇનાન્સિયલ નેટવર્ક્સ) ને તોડવા માટે પણ નક્કર પગલાં લે છે. યુક્રેન, પશ્ચિમ એશિયા તેમજ અન્ય તણાવગ્રસ્ત મુદ્દાઓને લઈને આપણે સતત સંપર્કમાં રહ્યા છીએ. ભારતનો મત સ્પષ્ટ છે કે તમામ સમસ્યાઓનો ઉકેલ સંવાદ (ડાયલોગ) અને મુત્સદ્દીગીરી (ડિપ્લોમસી) ના માધ્યમથી થવો જોઈએ.

 

મિત્રો,

આપણા ઐતિહાસિક સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધો (પીપલ ટુ પીપલ સંબંધો) ની ઝાંખી બંને દેશોમાં ડગલે ને પગલે જોવા મળે છે. ઇટાલીમાં ભારતીય કળા, યોગ, આયુર્વેદ અને ખાન-પાન પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. સંસ્કૃત અને લેટિન જેવી પ્રાચીન ભાષાઓ એક જ ભાષા પરિવારમાંથી આવે છે. આ દર્શાવે છે કે આપણો સંબંધ માત્ર મુત્સદ્દીગીરી (ડિપ્લોમસી) નો નથી, પરંતુ સહિયારા વારસાનો છે.

આગામી વર્ષે ભારત અને ઇટાલીના સંબંધોની 80મી વર્ષગાંઠ (એનિવર્સરી) ના ઉપલક્ષ્યમાં 'સંસ્કૃતિ વર્ષ' (યર ઓફ કલ્ચર) ઉજવવામાં આવશે. આનાથી આપણા સાંસ્કૃતિક સંબંધોને વધુ તાકાત મળશે. ઇટાલીમાં મોટી સંખ્યામાં વસી રહેલા ભારતીય મૂળના લોકો આપણા સંબંધોની જીવંત કડી છે. તેમની સંભાળ રાખવા માટે પ્રધાનમંત્રી મેલોની અને ઇટાલીના લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.

 

ત્રણ વર્ષ પહેલાં કરવામાં આવેલા 'માઇગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ' (સ્થળાંતર અને ગતિશીલતા ભાગીદારી કરાર) થી બંને દેશોના લોકો વચ્ચે અવરજવર વધી છે.

મહામહિમ

આજની ખૂબ જ ઉપયોગી બેઠક માટે, અને તમારી મિત્રતા માટે, હું ફરી એકવાર તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. 140 કરોડ ભારતવાસીઓ વતી હું તમને ભારત આવવાનું ફરી એકવાર આમંત્રણ આપું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ. ગ્રાઝિયે મિલે! (ખૂબ ખૂબ આભાર!)

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Every voter had valid ID': Trump praises India polls, renews push for SAVE America Act

Media Coverage

'Every voter had valid ID': Trump praises India polls, renews push for SAVE America Act
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 18 ઓગસ્ટ 2026
August 18, 2026

PM Modi’s 12 Years of Structural Power: Manufacturing, FTAs, Airports & Uncompromising Security