નમસ્કાર, નેચર ક્યોર સેન્ટરના ઉદઘાટન માટે ન્યુ યોર્ક રાજ્યમાં એકત્રિત થયેલા મહાનુભવો અને આમંત્રિતો, તેમજ ઓનલાઈન તથા ટેલિવિઝન પર આ કાર્યક્રમ જોઈ રહેલા દર્શકો. દેવીઓ અને સજ્જનો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ!
આજે સવારે હું હિમાલયની તળેટીમાં આવેલા ખૂબ જ સુંદર શહેર દહેરાદૂનમાં આજના દિવસની ઉજવણી માટે એકત્રિત થયેલા વિભિન્ન ક્ષેત્રોમાંથી આવેલા હજારો લોકો સાથે જોડાઈને ઘણો પ્રસન્ન થયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર વિશ્વમાંથી આ ઉજવણીમાં ભાગ લઇ રહેલા લોકોના ફોટાઓ હું જોઈ રહ્યો હતો. ખરેખર, માત્ર ત્રણ વર્ષમાં જ આ કાર્યક્રમ સમગ્ર વિશ્વમાં જન આંદોલન બની ગયો છે. તે ઘણા બધા દેશોમાં જાહેર જીવનનો એક ભાગ બની ગયો છે. તેની અસર તેની ઉજવણીના દિવસ સિવાય પણ ઘણી લાંબા સમય સુધી ફેલાયેલી છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દરમિયાન મને મુખ્યત્વે ત્રણ થીમ સમજણમાં આવી હતી. મને ખાતરી છે કે અન્ય અનેક દેશોમાં પણ આવું જ બન્યું હશે.
પહેલું, તે લાખો લોકોની દીક્ષાનો પ્રસંગ બની ગયો હતો. યોગના હાર્દથી પ્રેરિત થઇને લોકો તેના આ પગલાને વળગી રહેવા માટે પ્રતિબદ્ધ બન્યા.
બીજું,
આ એવો પ્રસંગ છે જ્યારે એવા લોકો કે જેઓ અગાઉથી જ યોગ વિષે જાણતા હતા તેઓ તેમની આ પ્રતિબદ્ધતા સાથે ફરીથી કટિબદ્ધ બન્યા.
ત્રીજી થીમ શુભ સંદેશ ફેલાવવાની હતી. હજારો લોકો અને સંસ્થાઓ કે જેમણે પહેલાથી જ યોગનો લાભ પ્રાપ્ત કરી ચુક્યા હતા તેઓ એવા લોકો પાસે જઈ પહોંચ્યા કે જેમને યોગનો લાભ હજુ સુધી નથી મળ્યો. આ પ્રક્રિયા દરમિયાન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ સમગ્ર વિશ્વમાં એક તહેવારની જેમ ઉજવવા જેવો બની રહ્યો. યોગ શબ્દનો અર્થ થાય છે ‘જોડવું’. આથી યોગમાં વધારાનો રસ કેળવવો એ મને આશાથી ભરી દે છે. મને આશા છે કે યોગ એ વિશ્વ માટે એક જોડનારું પરિબળ બની રહેશે.
મને ખુશી છે કે તમે નિસર્ગોપચાર કેન્દ્રનું ઉદઘાટન કરવા માટે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને પસંદ કર્યો છે. હું આશા રાખું છું કે આ કેન્દ્ર પોતાના તમામ કાર્યક્રમો અને પહેલોમાં યોગના તત્વોને મજબુત રીતે સંકલિત કરવા તરફ વળગી રહેશે.
મિત્રો,
પરંપરાગત ભારતીય જ્ઞાન પદ્ધતિઓ જેવી કે યોગ અને આયુર્વેદ આપણને તંદુરસ્ત રહેવામાં મદદ કરે છે. તે આપણને શરીર અને મનની આંતરિક નબળાઈઓને જીતવામાં માર્ગદર્શન આપે છે. આ એવી પદ્ધતિઓ છે કે જે વ્યક્તિ સાથે કાળજી અને સન્માન સાથે વર્તે છે. તેમનો અભિગમ હસ્તક્ષેપ કરનારો નથી કે આકસ્મિક પણ નથી. પરંપરાગત ઉપચાર પદ્ધતિઓ તરીકે ઉપયોગમાં લેવાતી થેરાપીની સામે તે એક તરોતાજા પરિવર્તનની જેમ આવે છે. આધુનિક જીવનશૈલી શરીર અને મન બંનેને નુકસાન પહોંચાડે છે. આરોગ્યકાળજીની પારંપરિક પદ્ધતિઓનું લક્ષ્ય ઉપચાર કરવા પર છે, તેને અટકાવવા પર નહી. એ વાતમાં કોઈ શક નથી કે આપણે આજની વિશાળ આરોગ્યને લગતી સમસ્યાઓ સામે લડવા માટે આ રૂઢિગત દવાઓની જરૂર છે. પરંતુ એક સત્ય એ પણ છે કે એક ખાલી જગ્યા હંમેશા રહે છે કે જેની સામે ક્યારેય ધ્યાન આપવામાં નથી આવતું. સમગ્ર વિશ્વના આરોગ્યકાળજી નિષ્ણાતો હવે એ સત્યનો સ્વીકાર કરે છે કે યોગ અને આયુર્વેદ જેવી પદ્ધતિઓ પરંપરાગત આરોગ્ય પ્રણાલીનો ખૂબ સારો પર્યાય બની શકે તેમ છે. આ પ્રકારની સમગ્રતયા પદ્ધતિ આરોગ્ય અને રોગ નિયંત્રણ પર લક્ષ્ય રાખે છે. આ પ્રકારની સમગ્રતયા પદ્ધતિઓ વ્યક્તિઓને તેમજ સમુદાયોને વધુ સારા આરોગ્ય અને સુખાકારી તરફ લઇ જાય છે. કેટલાક લોકોના ખ્યાલની તદ્દન વિપરીત યોગ એ માત્ર અમુક કસરતો અને આસનો પુરતો મર્યાદિત નથી. તેની મન, શરીર અને આત્માની એક ઊંડાણપૂર્વકની શોધને પોતાનામાં સમાવે છે. તે પોતાની જાતની વધુ સારી ઓળખ કરાવે છે. તેનાથી વધુ સારી સામાજિક વ્યવસ્થાનું નિર્માણ થાય છે અને પરિણામે નૈતિકતા અને જીવનના સદગુણોનું સિંચન થાય છે. યોગ એ એવું ઊંડું તત્વજ્ઞાન છે કે જે આપણને મુક્તિ અથવા ચિંતાઓમાંથી સ્વતંત્ર થવા માટેના રસ્તા પર ચાલવા માટે મદદ કરી શકે છે.

મિત્રો,
હું હંમેશા એ વાતને માનતો આવ્યો છું કે યોગનો કોઈ ધર્મ નથી. તેની અંદર એવા વ્યવહારુ પગલાઓનો સમાવેશ થાય છે કે જે તમામને લાભાન્વિત કરે છે અને એવા લોકોને પણ કે જેઓ પોતાની જાતને ધાર્મિક નથી માનતા. આધુનિક યોગ પ્રવૃત્તિ અવારનવાર પ્રાચીન જ્ઞાનના વિવિધ તત્વોને પણ પોતાનામાં સમાવી લે છે. તેમાં નૈતિક સિદ્ધાંતોનો, શરીરને તંદુરસ્ત રાખવા માટેના આસનો, આધ્યાત્મિક તત્વજ્ઞાન, ગુરુના આદેશો, મંત્રોનું ઉચ્ચારણ, શ્વાસની પ્રક્રિયાને શાંત કરવી અને ધ્યાન દ્વારા મનને શાંત કરવાની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. યોગ એ વ્યક્તિની જીવનશૈલીને બદલવા પર કેન્દ્રિત છે જેથી કરીને જીવનશૈલીને લગતી સમસ્યાઓને સરળતાથી દુર કરી શકાય છે. યોગના નિષ્ણાતો રોજના તેમના અમલીકરણમાં અનેક ફાયદાઓ જુએ છે જે તેમને વધુ સારૂ આરોગ્ય, માનસિક તંદુરસ્તી, માનસિક સ્પષ્ટતા અને જીવન જીવવાનો આનંદ પૂરો પાડે છે. અમુક ચોક્કસ યોગિક આસનો અને પ્રાણાયામ એ અનેક રોગોને દુર કરવામાં મદદ કરે છે તેવી માન્યતા સદીઓથી ભારતમાં બંધાયેલી છે. હવે આધુનિક વિજ્ઞાને આ સત્યને ટેકો આપનારા પુરાવાઓ પુરા પાડવા માટે તેમાં પ્રવેશ કર્યો છે. વિજ્ઞાને એ પણ પ્રદર્શિત કર્યું છે કે યોગના માધ્યમથી હૃદય, મગજ, અને એન્ડોક્રાઇન ગ્રંથીઓ જેવા શરીરના ભાગો પર નિયંત્રણ પ્રાપ્ત કરવાનું શક્ય બન્યું છે.
આજે પશ્ચિમી દેશોમાં યોગ પ્રત્યે લોકોનો રસ ઘણો ઝડપથી વધી રહ્યો છે. એ કહેવું જરાય અતિશયોક્તિભર્યું નથી કે પશ્ચિમના લોકો દ્વારા યોગને ઘણો આવકાર મળ્યો છે. મને જણાવવામાં આવ્યું હતું કે માત્ર એમરિકામાં જ 20 મિલિયન કરતા વધુ લોકો યોગ કરી રહ્યા છે અને આ સંખ્યા દર વર્ષે 5 ટકાની સરેરાશથી વધી રહી છે. અમેરિકા અને યુરોપની અનેક આધુનિક સંસ્થાઓએ યોગને ઘણા વિકારો માટે એક વૈકલ્પિક ઉપચાર તરીકે અથવા સહયોગી ઉપચાર પદ્ધતિ તરીકે અપનાવ્યો છે. ઉપરાંત યોગમાં અનેક પ્રકારના સંશોધનો પણ કરવામાં આવ્યા છે. ભારત સરકાર જાહેર આરોગ્યમાં પુરાવા આધારિત આરોગ્ય કાળજીની પરંપરાગત પદ્ધતિઓનું અમલીકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમારી ગયા વર્ષે જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ કડકપણે રોગોને અટકાવવા પર આધારિત છે. અમે બિનસંક્રમક રોગોના નિયંત્રણ અને અટકાયત માટે સમગ્ર દેશવ્યાપી કાર્યક્રમો પણ જાહેર કર્યા છે. ભારત એ વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો બીજા નંબરનો દેશ છે. હાલમાં જે પગલાઓ લેવાઈ રહ્યા છે તેમનું પરિણામ આવતા કેટલાક વર્ષો લાગી જાય તે શક્ય છે પરંતુ મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં જ મૂર્ત પરિણામો અવશ્ય જોવા મળશે.
અને અંતમાં હું ફરી એકવાર કહેવા માંગીશ કે તમારી નેચર કેર સુવિધા યોગના ફાયદાઓ તે તમામ લોકો સુધી પહોંચાડવા માટે કાર્ય કરે કે જેઓ તમારી પાસે આરામ અને રાહત મેળવવા આવે. મને એ બાબત નોંધીને ખુશી થઇ કે તમારા કેન્દ્ર દ્વારા આરોગ્ય માટેનો જે માર્ગ અપનાવવામાં આવ્યો છે તે લોકોની વ્યક્તિગત ચિંતાઓને પહોંચી વળવા પર કેન્દ્રિત છે. અત્રે એ પણ મહત્વનું છે કે તેમનો ઉદ્દેશ્ય લાંબા સમયની સુખાકરી છે. હું માનું છું કે વૈજ્ઞાનિક અભિગમમાં પ્રમાણભૂતતા અને શ્રદ્ધા માટેનો આદર એ આ ઉદ્દેશ્યોમાં અંદર નિહિત હશે. આ પ્રકારના અભિગમ સાથે કેન્દ્ર આરોગ્યની ચળવળમાં ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે તેમ છે અને અમેરિકામાં યોગના ફાયદાઓ ઘણી મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચાડી શકે તેમ છે. મને એ વાત જાણીને પણ આનંદ થયો કે તમારું કેન્દ્ર આ વિસ્તારમાં 500 પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારીનું નિર્માણ કરશે. આ રીતે તેઓ સમુદાયના જવાબદાર નાગરિકો બન્યા છે. હું આપને આ સાહસ માટે ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
આભાર. ખૂબ-ખૂબ આભાર!


