પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોક કલ્યાણ માર્ગ પર રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2018નાં વિજેતાઓ સાથે વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ પુરસ્કાર વિજેતાઓને તેમનાં અસાધારણ કાર્ય માટે અભિનંદન આપ્યાં હતાં. તેમણે શિક્ષકોને દરેક વિદ્યાર્થીનાં જીવનને બદલવામાં સતત પ્રયાસ કરવાનો આગ્રહ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ વાતચીતમાં શિક્ષણ સહાયક સ્વરૂપે ટેકનોલોજીનાં મહત્ત્વની ચર્ચા કરી હતી. તેમણે શિક્ષકો સાથે વિવિધ દૈનિક સમસ્યાઓનું સમાધાન કરવા માટે વિદ્યાર્થીઓને મનોમંથન કરવા માટે પ્રોત્સાહન આપવાનું કહ્યું હતું. તેમણે પુરસ્કાર વિજેતાઓને કહ્યું હતું કે, તેઓ દરેક બાળકોને અવસરો પ્રદાન કરે અને કોઈ વિદ્યાર્થીઓને બંધનોમાં ન રાખે.
પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ વચ્ચે સર્જનાત્મકતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, સર્જનાત્મકતાને પ્રોત્સાહન બાળકો માટે સ્વપ્રેરણા સ્વરૂપે કામ કરશે અને તેઓ આપમેળે સ્પર્ધક બનવામાં સક્ષમ બનશે. તેમણે જણાવ્યું હતું કે, વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓની સલાહને સમજવી મહત્ત્વપૂર્ણ છે. તેમણે શિક્ષકોને કહ્યું હતું કે, તેઓ પોતાની અંદર એક વિદ્યાર્થીને જીવંત રાખે અને એમાંથી શીખે.

પ્રધાનમંત્રી સાથે વાતચીતમાં પુરસ્કાર વિજેતાઓએ શાળાઓમાં સાર્થક પરિવર્તન લાવવા માટે પોતાનાં કાર્યો વિશે જાણકારી આપી હતી. શિક્ષકોએ અટલ ટિંકરિંગ લેબની ચર્ચા કરીને જણાવ્યું હતું કે, એનાથી વિદ્યાર્થી નવાચાર અને ટેકનોલોજીનાં ઉપયોગમાં સક્ષમ થયા છે.

આ પ્રસંગે માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ અને માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી શ્રી સંજય શામરાવ ધોત્રે પણ ઉપસ્થિત હતા.


