પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે વર્ષ 2017-18થી વર્ષ 2019-20 માટે “પોલીસ દળનાં આધુનિકીકરણ (એમપીએફ)”ની મૂળ યોજનાનાં અમલીકરણ માટે મંજૂરી આપી છે. ત્રણ વર્ષનો સમયગાળો ધરાવતી આ યોજના માટે રૂ. 25,060 કરોડનો ખર્ચ થશે, જેમાં કેન્દ્ર સરકાર રૂ. 18,636 કરોડનું વહન કરશે અને રાજ્ય સરકારો રૂ. 6,424 કરોડનું વહન કરશે.
શ્રેષ્ઠ ખાસિયતો:
• આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા, મહિલા સુરક્ષા, આધુનિક શસ્ત્રસરંજામની ઉપલબ્ધતા, પોલીસ દળની અવરજવર, લોજિસ્ટિક્સ સપોર્ટ, હેલિકોપ્ટર્સ હાયર કરવા, પોલીસ વાયરલેસ અપગ્રેડ કરવા, રાષ્ટ્રીય ઉપગ્રહ નેટવર્ક, સીસીટીએનએસ પ્રોજેક્ટ, ઇ-પ્રિઝોન પ્રોજેક્ટ વગેરે માટે વિશેષ જોગવાઈ.
• મૂળ યોજના હેઠળ જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પૂર્વનાં રાજ્યો તથા નક્સલવાદ પીડિત રાજ્યો સાથે સંબંધિત આંતરિક સુરક્ષા માટે રૂ. 10,132 કરોડનું કેન્દ્રિય બજેટ અંકિત કરવામાં આવ્યું
• નક્સલવાદથી પીડિત 35 જિલ્લાઓ માટે વિશેષ કેન્દ્રિય સહાય (એસસીએ)ની યોજના પ્રસ્તુત કરવામાં આવી, જે માટે રૂ. 3,000 કરોડનું બજેટ ફાળવવામાં આવશે, જેનો ઉદ્દેશ આ જિલ્લાઓમાં અપૂરતાં વિકાસની સમસ્યાનું સમાધાન કરવાનો છે.
• પોલીસ માળખાને સુધારવા, તાલીમ સંસ્થાઓ, તપાસ સુવિધાઓ વગેરે માટે ઉત્તરપૂર્વનાં રાજ્યોમાં રૂ. 100 કરોડનું બજેટ અંકિત કરવામાં આવ્યું છે.
• આ યોજનાનો અમલ નક્સલવાદ પીડિત વિસ્તારો, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પૂર્વ જેવા વિવિધ વિસ્તારોમાં પડકારોનનો અસરકારક રીતે સામનો કરવા અને વિકાસલક્ષી કામગીરી હાથ ધરવા સરકારની ક્ષમતા વધારશે, જેનાથી આ વિસ્તારોમાં જીવનની ગુણવત્તા વધશે તથા સાથે સાથે આ પડકારોનો અસરકારક રીતે સામનો કરવામાં મદદ મળશે.
• નવી પહેલો પોલીસ માળખાને અપગ્રેડ કરવા, ફોરેન્સિક સાયન્સ પ્રયોગશાળાઓ, સંસ્થાઓ અને તેમની પાસે ઉપલબ્ધ ઉપકરણને સુધારવા રાજ્યોને મદદ કરવા પ્રસ્તુત કરવામાં આવી છે, જેથી અપરાધિક ન્યાય વ્યવસ્થામાં રહેલી મહત્ત્વપૂર્ણ ખામીઓ દૂર થશે. પોલીસ સ્ટેશનોને અપરાધ અને અપરાધિક રેકોર્ડનો રાષ્ટ્રીય ડેટા બેઝ સ્થાપિત કરવા સંકલિત કરવામાં આવશે. તે જેલ, ફોરેન્સિક સાયન્સ પ્રયોગશાળાઓ અને પ્રોસીક્યુશન ઓફિસ જેવી અપરાધિક ન્યાય વ્યવસ્થાનાં અન્ય આધારસ્તંભોને જોડશે.
• મૂળ યોજનામાં અમરાવતીમાં અત્યાધુનિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સ્થાપિત કરવા માટે પ્રદાન કરવામાં આવશે તથા જયપુરમાં સરદાર પટેલ ગ્લોબલ સેન્ટર ફોર સીક્યોરિટી, કાઉન્ટર ટેરરિઝમ એન્ડ એન્ટિ ઇન્સર્જન્સી તથા ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સ્થાપિત કરવા માટેની પણ જોગવાઈ છે.
મૂળ યોજના “પોલીસ દળનું આધુનિકીકરણ” લાંબા ગાળે કેન્દ્ર અને રાજ્યનાં પોલીસ દળોને આધુનિક બનાવીને તેમની ક્ષમતા અને કાર્યદક્ષતા વધારશે.


