વિદ્યાર્થીઓએ ઉદ્યોગ વ્યાવસાયિકો સાથે જોડાવું જોઈએ અને તેઓ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવું જોઈએ: પીએમ
અભ્યાસ અને કલાને અલગ અલગ સંસ્થાઓ તરીકે ન જુઓ: પીએમ
તમે કલાનો ઉપયોગ અભ્યાસના તણાવ અને થાકને ઘટાડવા માટે કરી શકો છો: પીએમ
પ્રધાનમંત્રીએ નાગરિકોને આગ્રહ કર્યો કે તેઓ શેરીઓમાં કચરો ન નાખે કે થૂંકે નહીં, લાલ બત્તીઓ પર રોકાય અને ખોરાકનો બગાડ ન કરે.
દરેક નાનું પગલું 2047માં વિકસિત ભારતનું નિર્માણ કરવામાં મદદ કરશે: પીએમ
શિસ્ત ચાવી છે, પ્રેરણા આગળ વધવામાં મદદ કરે છે: પીએમ
ટેકનોલોજીના ગુલામ ન બનો: પીએમ
ટેકનોલોજી એક મહાન શિક્ષક છે, તેને સ્વીકારો: પીએમ
ફક્ત સ્થળો જોવા માટે મુસાફરી ન કરો, પરંતુ તેમને વિદ્યાર્થીની જેમ સમજવા માટે મુસાફરી કરો: પીએમ
ભારત અદ્ભુત છે - મુસાફરી કરો અને શોધખોળ કરો: પ્રધાનમંત્રી
તમે જે કંઈ વાંચો છો તે ક્યારેય વ્યર્થ જતું નથી, તે તમારા મનમાં સંગ્રહિત રહે છે: પ્રધાનમંત્રી
જે લોકો અભ્યાસમાં સંઘર્ષ કરે છે તેમની સાથે મિત્રતા બનાવો અને તેમને શીખવામાં મદદ કરો: પ્રધાનમંત્રી
રમતગમતને તમારા જીવનનો ભાગ બનાવવું મહત્વપૂર્ણ છે: પ્રધાનમંત્રી
લીડર બનવા માટે, પહેલ કરવાની માનસિકતા વિકસાવવી: પ્રધાનમંત્રી
એક સારા લીડરે વિચારો સ્પષ્ટ અને અસરકારક રીતે વ્યક્ત કરવા જોઈએ: પ્રધાનમંત્રી
મજબૂત માળખાગત સુવિધા લાંબા ગાળાના વિકાસનો પાયો છે: પ્રધાનમંત્રી
ફક્ત વાંચન નહીં, પણ લખીને પ્રેક્ટિસ કરો: પ્રધાનમંત્રી
ફક્ત સફળતાથી પ્રભાવિત ન થાઓ, મહાન લોકોની નમ્ર શરૂઆતથી શીખો: પ્રધાનમંત્રી
ભારતના આદિવાસી સમુદાયોએ તેની પ્રગતિમાં ફાળો આપ્યો છે: પ્રધાનમંત્રી
જીવનમાં ક્યારેય સંતુષ્ટ ન થાઓ, હંમેશા વધુ સારું કરવાનો પ્રયાસ કરો: પ્રધાનમંત્રી
પોતાના પર ચિંતન કરવું મહત્વપૂર્ણ છે: પ્રધાનમંત્રી
દિવસમાં ઓછામાં ઓછું એક વાર શ્વાસ લેવાની કસરત કરો: પ્રધાનમંત્રી
તુલનાના દબાણમાં ઝૂકી જવાને બદલે, શીખવા અને સુધારવાનો પ્રયાસ કરો: પ્રધાનમંત્રી
માતાપિતાએ ઘરમાં સરખામણીનો માહોલ ન બનાવવો જોઈએ: પ્રધાનમંત્રી
જેઓ તમારા કરતા સારા છે તેમની પાસેથી શીખો: પ્રધાનમંત્રી
હંમેશા તમારામાં વિશ્વાસ રાખો: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી- મારા પ્યારા સાથીઓ. ‘પરીક્ષા પે ચર્ચા’ની આ મહત્વપૂર્ણ આવૃત્તિમાં તમારું ખૂબ-ખૂબ સ્વાગત છે. આ વખતે પરીક્ષા પે ચર્ચા કંઈક અલગ છે, કંઈક ખાસ છે, ઘણા બધા વિદ્યાર્થીઓએ મને આ સૂચન મોકલ્યું હતું કે દેશના અલગ-અલગ ભાગોમાં પણ પરીક્ષા પે ચર્ચા થવી જોઈએ, તો આ વખતે મેં દેશના અલગ-અલગ ભાગોમાં પણ વિદ્યાર્થીઓ સાથે બેસીને પરીક્ષા પે ચર્ચા કરી છે. આ સ્પેશિયલ એપિસોડમાં તમે આજ જોવા જઈ રહ્યા છો, તો સૌથી પહેલા ચાલીએ તમિલનાડુના કોઈમ્બતૂર. તમિલનાડુના વિદ્યાર્થીઓની એનર્જી, તેમની જિજ્ઞાસાએ મને ખૂબ પ્રભાવિત કર્યો, ચાલો જોઈએ.

પ્રધાનમંત્રી- વણક્કમ !

વિદ્યાર્થી- વણક્કમ સર !

પ્રધાનમંત્રી- તો તમને લોકોને કંઈ ખાવા-પીવાનું મળ્યું કે નહીં?

વિદ્યાર્થી- નહીં સર ખાઈ લીધું.

પ્રધાનમંત્રી- શું મળ્યું?

વિદ્યાર્થી- અત્યારે અમે ઘરથી લઈને આવ્યા હતા.

પ્રધાનમંત્રી- ઘરથી લઈને આવ્યા હતા.

વિદ્યાર્થી- જ્યારે મેં તેમને જોયા ત્યારે મને મારી આંખો પર વિશ્વાસ ન થયો.

વિદ્યાર્થી- પહેલા મેં એક ડાયનેમિક, ડ્રામેટિક એન્ટ્રીની અપેક્ષા રાખી હતી કારણ કે આખરે તે પ્રધાનમંત્રી છે પરંતુ તેઓ ખૂબ જ સરળ, નમ્ર અને ડાઉન ટુ અર્થ છે.

વિદ્યાર્થી- તેઓ જ્યારે અંદર આવ્યા બસ રુંવાડા ઉભા થવા લાગ્યા, તેઓ ખરેખર મહાન હતા.

પ્રધાનમંત્રી- એવું છે કે હું ઘણા વર્ષોથી 10મા અને 12માના જે બાળકો છે, તેમની સાથે વાતચીત કરતો રહું છું પરીક્ષા પે ચર્ચા, અને હું વાતચીત કરું છું કંઈક શીખવા માટે, મારા માટે આ ખૂબ મોટો શીખવાનો કાર્યક્રમ હોય છે, આ શીખવવાનો કાર્યક્રમ નથી, તો હું આજે તમિલનાડુના નવયુવાનોને એટલા માટે મળી રહ્યો છું કે મારે કંઈક શીખવું છે, તો તમારામાંથી જો કોઈ કંઈક વાતો કરવા માંગતા હોવ, પોતાની વાત જણાવવા માંગતા હોવ, તો મારે સાંભળવું છે, કોણ શરૂ કરશે?

વિદ્યાર્થી- છવિ જૈન છે મારું નામ, મારે સ્ટાર્ટઅપ કરવું છે, તો મને કયા-કયા વિષયોની જાણકારી જોઈએ અને શૈક્ષણિક સ્તર પર મારે શું કરવું પડશે, જેનાથી મને સ્ટાર્ટઅપ માટે મદદ મળી શકે?

પ્રધાનમંત્રી- તમારી વાત એકદમ સાચી છે, હું પણ આજકાલ જ્યારે પણ કોઈ નવયુવાનને મળું છું, તો તરત કહે છે સ્ટાર્ટઅપ, પહેલા તમારું ધ્યાન એ વાત પર હોવું જોઈએ કે તમે શું કરવા માંગો છો, કેટલાક સ્ટાર્ટઅપ એવા છે, જે માત્ર ટેકનોલોજીમાં ઇનોવેશન કરવા માંગે છે, કોઈને લાગે છે કે હું ડ્રોન બનાવું, કોઈને લાગે છે કે હું ઘરમાં વીજળીની વ્યવસ્થા એવી ઉભી કરી દઉં, પોતાના કોઈ ચાર મિત્રો જાણતા હશે, જે ટેકનોલોજીમાં એક્સપર્ટ છે, એકાદ મિત્ર છે, જે ફાઈનાન્સમાં એક્સપર્ટ છે, ચાલો હવે ચાર લોકોની ટોળી બનાવી દઈએ, સાઈડમાં આપણે સ્ટાર્ટઅપ શરૂ કરીએ છીએ. જરૂરી નથી કોઈ સ્ટાર્ટઅપ માટે કોઈ 25 વર્ષની ઉંમર જોઈએ, તમે ક્યારેય પણ શરૂ કરી શકો છો, નાના-નાના સ્ટાર્ટઅપથી પણ કામ શરૂ થઈ શકે છે. તો હું સમજું છું કે જો તમારી રુચિ છે, તો ખૂબ સારી વાત છે. કેટલાક સ્ટાર્ટઅપ ચલાવે છે તો તેમને મળવા જવું, અને એક પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો, અને તેમને જણાવવું જરૂરી છે કે હું સ્કૂલમાંથી છું, હું સ્કૂલનો પ્રોજેક્ટ બનાવી રહી છું, તો તે છુપાવશે નહીં, તમને જણાવશે. તો ધીરે-ધીરે તમને જ્ઞાન પણ મળશે, કેવી રીતે કરી શકો છો.

વિદ્યાર્થી- સર હંમેશા મને એ ડર રહે છે કે ક્યાંક હું ભણવામાં વધારે ફોકસ કરું, તો હું મારો પેશન (જુસ્સો) ખોઈ દઉં, જો હું મારા પેશન પર વધારે ફોકસ કરું, તો મારું ભણતર છૂટી જશે, બંનેની વચ્ચે બેલેન્સ કેવી રીતે લાવવું?

પ્રધાનમંત્રી- જુઓ પહેલી વાત છે કે આ બે અલગ વસ્તુ છે, એવું તમે માનો છો કેમ? બંને ઉપયોગી છે, જેમ કે માની લો તમને આર્ટનો શોખ છે અને તમે સાયન્સનો કોઈ વિષય ભણ્યા અને તેમાં કોઈ લેબની ચર્ચા છે, અને કંઈક કેમિકલ મેળવવાની ચર્ચા છે, તો તમે એવું કરો કાગળ લો લેબ બનાવો, કાગળ પર પેઇન્ટિંગ કરો, લેબ બનાવો, પછી જે કેમિકલ ભણવાના હતા દરેક બોટલમાં કેમિકલનું નામ લખો, પછી તમને ભણવામાં આવ્યું હતું કે ભઈ આ કેમિકલને, અને આ કેમિકલને મળવાથી આવો કલર બને છે, તો એક બીજું ચિત્ર બનાવો, તે પાત્રની અંદર તે કલર, તો તમારું ચિત્રનું કામ પણ થઈ ગયું, અને તમને તે પાઠ પણ યાદ થઈ ગયો, એટલે કે એક સાથે બંને વસ્તુઓ ખૂબ સારી રીતે તમે કરી શકો છો. તમારો થાક ઉતારવા માટે પણ એક પ્રકારે તમારી પાસે આ જે કલા છે, ક્રાફ્ટની જે કંઈ પણ તમારી શીખવાની ઈચ્છા છે, તે તમને મદદ કરી શકે છે. ડેઈલી કે અઠવાડિયામાં બે દિવસ, અડધો કલાક આના માટે આપો, સમાજ જીવનમાં જેની જરૂર છે, તે શિક્ષણ તો લેવાનું જ છે, પરંતુ જે વ્યક્તિગત જીવનમાં ઉપયોગી છે, તે તમે આનાથી કરી શકો છો.

 

વિદ્યાર્થી- આપણો દેશ પણ 2047 માં વિકસિત રાષ્ટ્રોની સાથે એક થવાનો છે, તો મારો પ્રશ્ન શું છે કે અમે નવયુવક આ હાંસલ કરવા માટે શું કરી શકીએ છીએ?

પ્રધાનમંત્રી- મને સારું લાગ્યું કે મારા દેશના 10મા-12માના બાળકોના મનમાં પણ 2047 વિકસિત ભારતનું ડ્રીમ છે. આ મારા માટે ખૂબ મોટી ખુશીની વાત છે, એટલે કે આજે મને વધુ મજા આવશે. વાહ ! જુઓ આ વસ્તુ છે ને, હવે 2047માં વિકસિત ભારત એટલે શું? તમે ક્યારેય સિંગાપોર વિશે સાંભળ્યું હશે. સિંગાપોર એક જમાનામાં એક માછીમારોનું નાનું એવું ગામ હતું, તેમાંથી આજે આટલું મોટું બની ગયું. તો લી કુઆન યૂ કહેતા હતા કે ભાઈ જો આપણે ડેવલપ કન્ટ્રી બનવું હોય, તો આપણે આપણી આદતો ડેવલપ કન્ટ્રીના લોકોની હોય છે, તેવી બનાવવી પડશે. આપણે થર્ડ વર્લ્ડ કન્ટ્રીની જેમ ગમે ત્યાં કચરો ફેંકી દીધો, ગમે ત્યાં થૂંકી દીધું, આ ન ચાલી શકે, માત્ર ક્યાંક જવું છે અત્યારે અહીં રેડ લાઈટ છે, મારે સ્કૂટર ઉભું રાખી દેવું જોઈએ. હવે નાની એવી વસ્તુ છે કે ભાઈ આપણે પરિવારમાં નક્કી કરીશું કે આપણા ઘરમાં જમ્યા પછી કંઈ પણ એંઠું નહીં છોડીએ, જણાવો બધા લોકો એવું કરે, તો કેટલું ખાવાનું બચશે, કેટલો મોટો ફાયદો થશે. તો એક નાગરિક તરીકે હું જો આ વસ્તુઓનું જીવનમાં બરાબર પાલન કરું, તો મતલબ કે હું વિકસિત ભારત માટે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યો છું. હવે જેમ કે વોકલ ફોર લોકલ, હું, મારા દેશની વસ્તુઓ ખરીદીશ, હું ભારતમાં જે વસ્તુઓ બની છે, તેને લઈશ, જેમ કે હું કહું છું 'વેડ ઇન ઇન્ડિયા'. હવે કેટલાક પૈસાવાળા લોકોને લાગે છે દુબઈમાં જઈને લગ્ન કરીશું, હિન્દુસ્તાનમાં શું કમી છે ભાઈ? આપણે બધા દેશના નાગરિક નાની-નાની વસ્તુઓ કરીએ, આપણે જરૂર વિકસિત ભારત બનાવવામાં પોતાની જવાબદારી નિભાવી શકીએ છીએ, આપણે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ.

વિદ્યાર્થી- અમે ચોંકી ગયા હતા, ઓ માય ગોડ વિદ્યાર્થી ખરેખર આ બાબતે ચિંતિત છે અને તેમણે અમને કહ્યું કે નાના પગલાં મહત્વ ધરાવે છે મોટા નહીં.

વિદ્યાર્થી- મારો આપને પ્રશ્ન એ છે કે કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ મનુષ્ય પોતાનું જીવન જ્યારે પસાર કરે છે તો ઘણી બધી પડકારોનો સામનો કરે છે, જ્યારે વસ્તુઓ ડિફિકલ્ટ થઈ જાય છે, ત્યારે જ આપણને આપણું જે મોટિવેશન જીવન પસાર કરવામાં ઓછું લાગે છે. તો એવી સ્થિતિમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આપણને મોટિવેશનની જરૂર છે કે અનુશાસનની?

પ્રધાનમંત્રી- બંને વસ્તુઓ મહત્વપૂર્ણ છે જીવનમાં. જો અનુશાસન છે જ નહીં, તો ગમે તેટલી પ્રેરણા (ઇન્સ્પિરેશન) હશે, તો તે પ્રેરણા શું કામ આવશે. માની લો એક ખેડૂત છે તેને પ્રેરણા મળી રહી છે, બાજુવાળો ખેડૂત ખૂબ પાક કરી રહ્યો છે, ઇન્સ્પિરેશન છે યાર, તેની તો એક એકર ભૂમિ છે, મારી તો ચાર એકર ભૂમિ છે, તે વધારે કમાય છે, હું ઓછું કમાઉં છું. તો તેને ઇન્સ્પિરેશન તો ત્યાંથી મળે છે, પરંતુ આ વરસાદના પહેલા ખેડવું જોઈએ, તે કંઈ વિચારતો નથી, જોઈશું, હવે અઠવાડિયા પછી કરીશું. જો ખેતર ખેડશે નહીં અને વરસાદ આવી ગયો પછી તે ગમે તે કરે, તેની તો હાલત ખરાબ જ રહેશે, તો તેની અંદર તે ડિસિપ્લિન નહોતું, ઇન્સ્પિરેશન હતું કે હું તેની જેટલી કમાણી કરું, પરંતુ ડિસિપ્લિન નહોતું કે ભઈ મારે આ સમયના પહેલા ખેતર ખેડીને રાખવું જોઈએ, બીજની જરૂર છે, લાવીને રાખવા જોઈએ, બીજને તૈયાર કરવાનું કામ કરવું જોઈએ, કંઈ ડિસિપ્લિન જ નથી. જીવનમાં ડિસિપ્લિન ખૂબ અનિવાર્ય છે, ઇન્સ્પિરેશન સોનામાં સુગંધ ભળવાનું કામ કરે છે. જો ડિસિપ્લિન નથી, ગમે તેટલી ઇન્સ્પિરેશન કેમ ન હોય, તે પછી બોજ બની જાય છે, નિરાશા પેદા કરે છે.

વિદ્યાર્થી- જ્યારે મેં મારો પ્રશ્ન પૂછ્યો, ત્યારે તે એક એવો પ્રશ્ન હતો જે ઘણા વર્ષોથી મારી સાથે અટવાયેલો હતો, હવે આખરે, જે વ્યક્તિને મેં હંમેશા આદર્શ માન્યા છે તેમની પાસેથી સ્પષ્ટતા મેળવીને હું ખૂબ સારું અને સન્માનિત અનુભવું છું.

વિદ્યાર્થી- સર, આજકાલના જમાનામાં એઆઈનો પ્રભાવ વધતો જ જઈ રહ્યો છે. આપણે જોઈ શકીએ છીએ કે કેટલીક કંપનીઓમાં ઇન્સાન નહીં પરંતુ એઆઈ એમ્પ્લોઈઝ પણ હોય છે, તો મારો આ સવાલ છે કે શું આપણે એઆઈથી ડરવાનું છે અને આપણે આપણું ફ્યુચર કરિયર પસંદ કરતી વખતે શું-શું યાદ રાખવું જોઈએ?

પ્રધાનમંત્રી- જુઓ દરેક યુગમાં જ્યારે પણ કોઈ નવી ટેકનોલોજીની ચર્ચા થાય છે, કોમ્પ્યુટર આવ્યું તો ચર્ચા થઈ, શું થઈ જશે, તો આ દરેક યુગની ચર્ચાનો વિષય રહ્યો છે. આપણે કોઈ વસ્તુથી ડરવું ન જોઈએ, આપણી કોશિશ હોવી જોઈએ, એક આપણે તેના ગુલામ નહીં બનીએ, હું મારા જીવનમાં, હું જ નિર્ણાયક રહીશ, તે મારો માલિક નહીં બને, જેમ કે કેટલાક બાળકોનું છે મોબાઈલ તેમનો માલિક બની ગયો છે, જો મોબાઈલ નથી, તો ખાવાનું ખાઈ શકતા નથી, ટીવી નથી તો, જીવી શકતા નથી. મતલબ આ તમે તેના ગુલામ બની ગયા. હું ગુલામ નહીં બનું. એક વાર મનમાં આ પાકું કરવું. દરેક ટેકનોલોજીનો આપણે વધારે ઉપયોગ કરી શકીએ છીએ. જો હું એઆઈને પૂછું મને આ પુસ્તક ક્યાંથી મળશે, કયું છે, આ વિષય પર સારું પુસ્તક કયું છે, બની શકે તે ગાઈડ કરે. તમારા માટે કામ આવશે. પરંતુ તમે કહેશો હું નહીં ભણું, તું જ મને જણાવી દે અંદર શું છે, તો પછી ગરબડ છે, અને હંમેશા જ જોબનું સ્વરૂપ બદલાશે, જોબનું સ્વરૂપ બદલાવવાનું છે અને પહેલા પણ જ્યારે બળદગાડામાં લોકો જતા હતા, તો એક પ્રકારની જોબ હતી, હવે તે હવાઈ જહાજમાં જવા લાગ્યો છે, તો ઘણું બધું બદલાઈ ગયું. પરંતુ જીવન તો ચાલતું રહ્યું. તો હું સમજું છું આપણે ટેકનોલોજીને સમજવી પડશે, પોતાનો વિસ્તાર કરવો પડશે, તેમાં તે ટેકનોલોજીની તાકાતને જોડવી પડશે. આપણા કામોમાં વેલ્યુ એડિશન કરે. જો આ થાય છે, તો હું પાકું માનું છું કે ગમે તેવી ઉત્તમથી ઉત્તમ ટેકનોલોજી કેમ ન આવે, આપણને ઉપયોગી થવાની જ છે, આપણને ડરવાની જરૂર નથી.

 

વિદ્યાર્થી- મને ક્યારેય વિશ્વાસ નહોતો કે, આપણા પ્રધાનમંત્રી સાથે આવી કૃપાળુ તક મેળવવા માટે મારી પસંદગી થશે.

વિદ્યાર્થી- તે ખરેખર એક મહાન અનુભવ હતો, હું સંપૂર્ણપણે અભિભૂત છું અને તે વાસ્તવિક લાગ્યું.

વિદ્યાર્થી- તેઓ પ્રધાનમંત્રી કરતા પરિવાર જેવું વધારે લાગ્યા.

પ્રધાનમંત્રી- સાથીઓ કોઈમ્બતૂરના આપણા યુવા સાથીઓ ભણતરની સાથે-સાથે એઆઈ, સ્ટાર્ટઅપ અને ફ્યુચરની ટેકનોલોજીને લઈને ખૂબ જાગૃત છે અને હું કહી શકું છું, આ જ તો છે યુવા ભારતની યુવા વિચારધારા, જે વિકસિત ભારત 2047 ના સંકલ્પને નિત નવી મજબૂતી આપી રહી છે. સાથીઓ, પરીક્ષા પે ચર્ચાનો મતલબ જ છે સાથે બેસીને વાત કરવી અને એક બીજાથી શીખવું અને આ જ સિલસિલાને આગળ વધારતા અમારી ચર્ચા કેટલાક અઠવાડિયા પછી કોઈમ્બતૂરથી નીકળીને છત્તીસગઢની રાજધાની રાયપુર પહોંચી ગઈ. ત્યાં પણ બાળકો સાથે મારી ખૂબ રસપ્રદ વાતો થઈ અને હું કહી શકું છું માત્ર વાતચીત નહીં, ખૂબ મજેદાર વસ્તુઓ ખાવાની પણ તક મળી ગઈ. તમે પણ આનો આનંદ લો.

વિદ્યાર્થી- જય જોહાર સર.

પ્રધાનમંત્રી- જય જોહાર.

પ્રધાનમંત્રી- કંઈ ખવડાવ્યું-પીવડાવ્યું કે નહીં?

વિદ્યાર્થી- યસ સર.

વિદ્યાર્થી- સર આપ પણ ઘણી બધી મીટિંગ્સ એટેન્ડ કરીને આવ્યા છો. આપ પણ અમારે ત્યાં આવીને ખાવા ઈચ્છશો?

પ્રધાનમંત્રી- આ, કેવી રીતે બને છે?

વિદ્યાર્થી- સર આ બેસનને ગોળ-ગોળ આકાર આપીને તેને તળે છે.

પ્રધાનમંત્રી- સારું, અને?

વિદ્યાર્થી- આ નમકીન હોય છે.

પ્રધાનમંત્રી- તો ક્યારે ખાય છે આ લોકો?

વિદ્યાર્થી- સર આ દિવાળીના સમયે.

પ્રધાનમંત્રી- દિવાળી સમયે ખાય છે.

વિદ્યાર્થી- મોટાભાગે દિવાળી સમયે બને છે.

પ્રધાનમંત્રી- મહારાષ્ટ્રમાં આને શું કહે છે?

વિદ્યાર્થી- નથી ખબર.

પ્રધાનમંત્રી- મહારાષ્ટ્રમાં આવું જ બને છે, તેને ચકલી કહે છે.

વિદ્યાર્થી- હા સર.

પ્રધાનમંત્રી- આ શું છે?

વિદ્યાર્થી- સર આ ખુરમી છે.

પ્રધાનમંત્રી- હા.

વિદ્યાર્થી- આ ગોળથી બને છે, લોટથી બને છે અને સોજીથી બને છે.

પ્રધાનમંત્રી- તો સરસ ખવડાવવા માટે ધન્યવાદ બેટા.

વિદ્યાર્થી- ત્યાં તેમને ખુરમી મળી, તો તેમણે બધાને પોતાના હાથથી એક-એક ખુરમી ખવડાવી અને તે ખૂબ જ અદભૂત હતું.

પ્રધાનમંત્રી- તમારા મનમાં પણ કેટલાક સવાલો આવતા હશે, આજે આપ લોકોને અહીં આવવા માટે તક મળી ગઈ છે તો?

વિદ્યાર્થી- યસ સર.

પ્રધાનમંત્રી- જણાવો?

વિદ્યાર્થી- અમે સ્ટુડન્ટ્સને પણ એક્ઝામ્સ પછી વેકેશન્સમાં જવાનું ખૂબ મન થાય છે, તો આપ ભારતમાં કોઈ એવી પાંચ જગ્યા બતાવી શકો છો, જ્યાં અમે પણ જઈ શકીએ?

પ્રધાનમંત્રી- તમે જે તાલુકામાં (તહસીલમાં) થી હોવ, કયો તાલુકો છે તમારો?

વિદ્યાર્થી- સર હું રાયપુરથી...

પ્રધાનમંત્રી- રાયપુરથી, રાયપુર તાલુકામાં કઈ-કઈ વસ્તુઓ છે, આનું જરા લિસ્ટ બનાવો, એક કલાક લાગશે, 2 કલાક લાગશે. પછી લિસ્ટ બનાવો, જિલ્લામાં કઈ જગ્યા છે જે જોઈ નથી, પછી નક્કી કરો કે રાજ્યમાં કઈ છે, છત્તીસગઢમાં એવી કઈ જગ્યા છે, હું ગયો નથી. આપણે ક્યાંય પણ જઈએ, સ્ટુડન્ટ તરીકે જવું જોઈએ, ત્યારે ટૂરિઝમની મજા આવે છે. રેલવે ના ડબ્બામાં જવું અને ખાસ સાથે ખાવાનું પણ લઈ જવું. જોવું જોઈએ કેવો અનુભવ થાય છે, ભીડ હોય છે, શું થાય છે, લોકો વાતો કરે છે, શું કરે છે, આનો એક આનંદ હોય છે, જીવનમાં શીખવા મળે છે. ભારત એટલી વિવિધતાઓથી ભરેલું છે, એક જિંદગી પણ ઓછી પડી જાય જોવા માટે.

વિદ્યાર્થી- સર, મારો પ્રશ્ન આપને એ છે કે ક્યારેક-ક્યારેક અમે પરીક્ષા દરમિયાન રિવિઝન નથી કરી શકતા, જેનાથી અમારું મન અશાંત થઈ જાય છે, તો સર અમે અમારા મનને શાંત કેવી રીતે કરીએ, એક્ઝામ દરમિયાન પણ અને એક્ઝામ હોલમાં જતા પહેલા પણ?

પ્રધાનમંત્રી- એક વીક જોઈ લો પરીક્ષાના પહેલાનું, બધી વસ્તુઓને તમે ઉપર-નીચે તો કરી જ લીધી હશે. તમે માનીને ચાલો તમે જે સાંભળ્યું છે, તમે જે વાંચ્યું છે, તે નકામું નથી ગયું, ક્યાંક ને ક્યાંક તો સ્ટોરેજ છે જ છે તે. તમે શાંત મનથી બેસી જાઓ, ચિંતા ન કરો, જેવું પેપર આવે છે જોઈ લો. બીજી વસ્તુ, તમારે સારા વિદ્યાર્થી બનવું છે ને, તમને તે વિષય પર ગ્રીપ હોવી જોઈએ ને, ત્યારે જ તો સારા વિદ્યાર્થી બનશો. સબ્જેક્ટ પર ગ્રીપ કેવી રીતે આવશે? એક સારો ખેલાડી, સારો ખેલાડી કેવી રીતે બને છે?

 

વિદ્યાર્થી- પ્રેક્ટિસથી, કન્સિસ્ટન્સીથી, ડિસિપ્લિનમાં રહે છે, રૂટીનમાં ચાલે છે.

પ્રધાનમંત્રી- સૌથી મોટી વાત છે તે સતત કોમ્પિટિશન કરતો રહે છે, પડે છે, પછડાય છે, હારે છે, જીતે છે, કરે છે. તેમાંથી તે ખેલાડી બને છે, ઠીક છે? હું તમને એક સૂચન આપું છું, તમે કરો. તમારા ક્લાસમાં કેટલાક વિદ્યાર્થીઓ હશે, તમને લાગે છે જરા ભણવામાં થોડા ઓછા છે, એવા તો હોય જ છે, એવા એકાદને તમે મિત્ર બનાવો. આ ટેકનિક તમને ખૂબ કામ આવશે. તેને કહો કે હું આજે તને મેથ્સ (ગણિત) શીખવવા માંગુ છું. હવે તેને મેથ્સ શીખવવા માટે તમે જે મહેનત કરશો, મગજ ફોકસ કરશો, તમારું મેથ્સ પાકું થશે કે નહીં થાય?

વિદ્યાર્થી- થશે સર.

વિદ્યાર્થી- હું તાઈકવાન્ડો રમું છું અને હું આગળ જઈને સ્પોર્ટ્સ પર્સન બનવા માંગુ છું, મારા અભ્યાસ અને સ્પોર્ટ્સને બેલેન્સ કરીને કેવી રીતે રાખી શકું છું?

પ્રધાનમંત્રી- શિક્ષણની જીવનમાં પણ જરૂર છે, સમાજ જીવનમાં પણ જરૂર છે, આને અંડરએસ્ટીમેટ (ઓછું આંકવું) ન કરવું જોઈએ. આ ભૂલ ક્યારેય ના કરતા કે રમતમાં હું ખૂબ સારો છું, તેથી મને ભણવાની જરૂર નથી. પરંતુ શિક્ષણ જ બધું કરી લેશે, એવું નથી. તમારામાં હુનર છે, જે પણ છે તેને ડેવલપ કરવું જોઈએ. ખેલાડી બનવા માટે રમો તે એક વિષય છે, પરંતુ જિંદગીમાં રમત હોવી જોઈએ, આ પણ ખૂબ જરૂરી છે. જિંદગી રમત (મજાક) બનતા બચાવવી હોય, તો જિંદગીમાં રમત હોવી જોઈએ. રમવું પણ છે, રમશો ખીલશો, અને ભણવું પણ છે જેથી અન્ય લોકો કહેશે કે આને કંઈ ભણવા-ગણવાનું આવડતું નથી, તેથી મેદાનમાં રહે છે, નહીં, ભણવામાં પણ હું પાવરફુલ છું, રમવામાં પણ ખૂબ...

વિદ્યાર્થી- તે જે પણ જણાવે તેને હું મારી લાઈફ પર ઇમ્પ્લીમેન્ટ (અમલ) કરવાની કોશિશ કરીશ અને હું શબ્દોમાં વર્ણવી શકતી નથી, આજે જે પણ થયું.

વિદ્યાર્થી- સર મારો સવાલ એ છે જેમ કે કેટલાક વર્ષો પહેલા આપે સ્વચ્છ ભારત સ્ટાર્ટ કર્યું હતું, અમારું નવું રાયપુર પણ ડેવલપમેન્ટ તરફ જઈ રહ્યું છે, તો અમે એક સ્ટુડન્ટ તરીકે તે ડેવલપમેન્ટ માટે અથવા પોતાના એન્વાયરમેન્ટ (પર્યાવરણ) ને પ્રોટેક્ટ કરવા માટે શું કોન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ?

પ્રધાનમંત્રી- પ્રાકૃતિક સંપદાને બચાવવાનું આપણા સ્વભાવમાં હોવું જોઈએ, અને ધીરે-ધીરે આપણે લોકોને જોડવા જોઈએ, હવે જોડતા રહીએ છીએ, તો બદલાવ આવે છે. ખુદના જીવનમાં કેટલાક નિયમોનું જો આપણે પાલન કરીએ છીએ. જેમ કે હવે પાણી, મને જણાવો કે હું બ્રશ કરી રહ્યો છું અને પાણી વહી રહ્યું છે, જો તમે બ્રશ કરી રહ્યા હોવ, તો પાણી તો બંધ કરો, જ્યારે મોઢું ધોશો ત્યારે પાણી લેજો. નાની-નાની વસ્તુઓ હોય છે. એક વાર હું એક ગામની યાત્રા કરી રહ્યો હતો, દૂરથી મેં જોયું કે એક જગ્યા એકદમ જંગલ જેવું લાગી રહ્યું છે, ખૂબ લીલુંછમ, બોલ્યા આ શું છે, બોલ્યા આ તો સ્કૂલ છે. કહે છે આ બધું આટલું સૂકું છે, આ ગ્રીન (લીલું) છે. ત્યાં એક ટીચર હતા, તે ટીચરે આ જે પેટ્રોલ પંપ હોય છે ત્યાં જે ઓઈલના કેન-વગેરે હોય છે, તે એકઠા કરતા હતા તેઓ અને બાળકોને કહેતા હતા કે તમારા ઘરમાં તે જે પાણી હોય છે, જેમાં ખાવાનો કંઈક અંશ હોય છે, તે આ બોટલમાં ભરીને સ્કૂલમાં આવજો, તો બધા બાળકો તે બોટલ ભરીને કે જે તેમને કન્ટેનર આપ્યું છે, તે ભરીને આવતા હતા, અને તેમણે ત્યાં વૃક્ષો વાવ્યા હતા. દરેક બાળકને એક વૃક્ષ આપી દેવામાં આવ્યું હતું, તે જે પાણી લઈ આવતો હતો, તે તેમાં નાખવાનું હોતું હતું તેણે. ફર્ટિલાઈઝર (ખાતર) નું પણ કામ કરતું હતું, શાકભાજીના ટુકડા હોતા હતા, તેના કારણે તે આખી સ્કૂલ ચારે તરફ એકદમ ગ્રીન બની ગઈ હતી. એક ટીચરે આટલો મોટો ફેરફાર લાવ્યો. માનવીય રૂપે વ્યવહાર કરીએ, તો બદલાવ શરૂ થઈ જાય છે. નાની વસ્તુઓ છે, આપણે આરામથી કરી શકીએ છીએ. સમાજનું વાતાવરણ આપણા સ્વભાવમાં આવવું જોઈએ.

વિદ્યાર્થી- આપ આટલા વર્ષથી દેશને સંભાળી રહ્યા છો, દેશના લીડર છો, તો આપ ફ્યુચર જનરેશન (ભવિષ્યની પેઢી) થી અમારા બાળકો પાસેથી એવી કઈ ક્વોલિટી એક્સપેક્ટ (અપેક્ષા) કરો છો કે અમારા અંદર આવવી જોઈએ એક લીડર તરીકે?

પ્રધાનમંત્રી- એવા લીડર બનવું છે કે નિડર બનવું છે?

વિદ્યાર્થી- બંને બનવું છે.

પ્રધાનમંત્રી- જુઓ પહેલા નિડર બનો.

વિદ્યાર્થી- યસ સર.

પ્રધાનમંત્રી- જે કામ છે મનમાં નક્કી કરો, કોઈ કરે કે ના કરે હું કરીશ, જ્યારે આ આવી જશે, હું મારાથી શરૂ કરીશ, તો તમે જુઓ પોતાની મેળે લીડરશીપ આવવાનું શરૂ થઈ જશે. જેમ કે માની લો અહીં કચરો છે, તમે જઈ રહ્યા છો અને તમે એક ઉઠાવી લીધો, તો તમારી સાથે જે ચાર લોકો ચાલતા હશે ને, તમે જોયું હશે તે પણ, તેમને પણ લાગશે યાર ઉઠાવી લો. મતલબ તમે લીડર બની ગયા કે નહીં બની ગયા? સારી વસ્તુ છે, આપણે આપણી જાતને હંમેશા લીડર રોલમાં તૈયાર કરવી જોઈએ, આ સારો વિશ્વાસ છે, વિચાર પણ સારો છે. પરંતુ લીડરનો મતલબ એ નથી કે ચૂંટણી લડવી, પોલિટિકલ પાર્ટી બનાવવી, પાર્ટીમાં જવું, લચ્છેદાર ભાષણ કરવું, એવું નથી હોતું, લીડર મતલબ, લીડરશીપમાં એક ક્વોલિટી હોવી ખૂબ જરૂરી છે કે તમે 10 લોકોને પોતાની વાત સમજાવી શકો, થોપવાની નથી, સમજાવવાની છે. સમજાવવા માટે પહેલા તેમને સમજવાનો છે, જે તમને સમજી શકે છે, તે સમજાવી શકે છે, જે નથી સમજતા, તે કંઈ નથી સમજાવી શકતા. અને તેથી આપણી કોશિશ એ હોવી જોઈએ કે તેમને સમજવા જોઈએ.

વિદ્યાર્થી- તેમણે ખૂબ સારી રીતે જણાવ્યું કે કોઈના અંદર એક લીડરશીપ ક્વોલિટીઝ હોય છે, જો તે કોઈ વસ્તુ માટે રિસ્પોન્સિબલ (જવાબદાર) થઈ રહ્યો હોય. જો હું આ આખા પ્રસંગનું વર્ણન કરું તો હું કહીશ 'સપનું'.

વિદ્યાર્થી- હું પ્રધાનમંત્રીને મળી.

વિદ્યાર્થી- હું ખૂબ નસીબદાર છું.

વિદ્યાર્થી- ખૂબ સારું હતું, મતલબ એવું એક્સપિરિયન્સ જે લાઈફમાં ખૂબ ઓછા લોકોને મળે છે.

પ્રધાનમંત્રી- પરીક્ષાની તૈયારીના અનુભવ, પરીક્ષા સમયે આવનારા વિચારો, સ્ટ્રેસ અને લોકોની એક્સપેક્ટેશન (અપેક્ષા)થી જોડાયેલા પુષ્કળ સવાલો સતત ચર્ચાનો હિસ્સો બને છે અને પરીક્ષા પે ચર્ચાનો હેતુ જ એ છે કે આપણા યુવા સાથીઓ આના પર ખુલીને વાત કરે. પરીક્ષા પે ચર્ચા માત્ર બોર્ડ એક્ઝામની તૈયારીઓથી જોડાયેલી નથી. હું જ્યારે તમારા સવાલો સાંભળું છું, તો સ્વાભાવિક છે મારા મનને પણ તે સ્પર્શે છે. હું અંદાજ લગાવું છું કે જીવનના કેટલાય પાસાઓથી જોડાયેલી વાતો આપણા યુવા મિત્રોના મનમાં સતત ચાલી રહી છે. હું હવે તમને ગુજરાત લઈ જઈશ, ત્યાંના બાળકોએ અને વિશેષ કરીને ટ્રાઈબલ બેલ્ટના મારા આદિવાસી બાળકોએ જે સવાલો પૂછ્યા અને તેમણે તો મને ખરેખર અચંબામાં નાખી દીધો હતો.

વિદ્યાર્થી- નમસ્તે સર. દેવ મોગરા ગામમાં તમારું સ્વાગત છે.

પ્રધાનમંત્રી- વાહ. મને તો જણાવવામાં આવ્યું હતું કે આજે બધાએ હિન્દીમાં બોલવાનું છે...

વિદ્યાર્થી- હા સર.

પ્રધાનમંત્રી- ચાલો.

વિદ્યાર્થી- સર જ્યારે આવ્યા તો અમે જોયું કે તેમણે એક કોટી પહેરી રાખી છે જેના પર વારલી આર્ટ છે, તો અમારા આદિવાસી સમાજમાં વારલી આર્ટનું ખૂબ મહત્વ છે, તો અમને આ જોઈને ખૂબ સારું લાગ્યું.

વિદ્યાર્થી- અમે ખૂબ એક્સાઈટેડ હતા, આપને મળવા માટે. કોઈ બીજા બાળકને આપને મળવા અને આપની સાથે વાતો કરવા માટે કેટલાય સવાલો હોય છે. પરંતુ અમે એટલા નસીબવાળા છીએ કે જે આપની સાથે વાતો કરીએ.

પ્રધાનમંત્રી- તમે કેટલા દૂરથી આવ્યા છો?

વિદ્યાર્થી- અમે અહીં દેડિયાપાડાથી.

પ્રધાનમંત્રી- દેડિયાપાડાથી જ આવ્યા છો. સારું.

વિદ્યાર્થી- અમે માંડવીથી સર.

પ્રધાનમંત્રી- માંડવી, સારું, શું નામ?

વિદ્યાર્થી- જય.

પ્રધાનમંત્રી- જય અને અભી. આટલા મોટા થઈ ગયા આપ લોકો? ઓળખતા, તેમને જણાવ્યું કેવો મારો પરિચય છે તમારી સાથે?

વિદ્યાર્થી- હા.

પ્રધાનમંત્રી- તેમની હિંમત આવી કે નહીં આવી બધાને?

વિદ્યાર્થી- આવી સર આવી.

પ્રધાનમંત્રી- આ મને પહેલા પણ એક વાર મળવા આવ્યા હતા.

પ્રધાનમંત્રી- ચાલો જણાવો તમે લોકો કંઈ પૂછવા માંગતા હોવ, કંઈ જાણવા માંગતા હોવ જણાવો?

વિદ્યાર્થી- સર અમારા માતા-પિતાએ એ જણાવ્યું કે પહેલા કેટલાક આદિવાસી વિસ્તારો હતા, જે ખૂબ જ પછાત હતા. તો તેમણે એ પણ જણાવ્યું કે આપનો ગુજરાતના આદિવાસી વિસ્તારો સાથે ખૂબ લગાવ છે, અને આપે ત્યાં બદલાવ પણ કર્યો, તો હું જાણવા માંગીશ કે આપને આ વસ્તુની પ્રેરણા ક્યાંથી થઈ?

પ્રધાનમંત્રી- તમને પાલ-ચિતરિયાની ઘટના ખબર છે?

વિદ્યાર્થી- હા.

પ્રધાનમંત્રી- ત્યાં આદિવાસી સમાજે ખૂબ મોટો આઝાદીનો સંઘર્ષ લડ્યો હતો. એક વાર ખૂબ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. તો તે સમયે હું તે ક્ષેત્રમાં ઘણા દિવસો સુધી રહીને કામ કરતો હતો. તો તે સમયે લાગતું હતું કે અહીં એજ્યુકેશન (શિક્ષણ) પર ધ્યાન આપવું જોઈએ. ત્યારબાદ જ્યારે મને તક મળી, મુખ્યમંત્રી બન્યો તો હું ધ્યાન આપવા લાગ્યો. તમને હેરાની થશે એક સમય એવો હતો કે ઉમરગામથી અંબાજી સુધી, એક પણ સાયન્સ સ્કૂલ નહોતી. તો બાદમાં તમે તો જોયું હવે તો બે યુનિવર્સિટી છે, સાયન્સ સ્કૂલ છે, એન્જિનિયર આઈટીઆઈ છે, ઘણો બધો બદલાવ આવ્યો છે. તેનો ખૂબ મોટો લાભ થઈ રહ્યો છે.

વિદ્યાર્થી- હા સર.

પ્રધાનમંત્રી- આજે પણ તમને ખબર હશે એક મેં 'પીએમ જનમન' યોજના બનાવી છે. આદિવાસીઓમાં પણ કેટલાક વિસ્તારો અને કેટલાક લોકો છે સમાજ, તેઓ વધુ પાછળ રહી ગયા છે. તો મારે ફરી તેમના માટે અલગથી સ્કીમ બનાવવી પડી, અલગથી બજેટ બનાવવું પડ્યું. તો મને ત્યારથી લાગતું હતું કે આપણે શિક્ષણ પર જેટલો વધારે ભાર આપીશું, તેટલો ખૂબ ઝડપથી વિકાસ થશે. બીજું મારા મનમાં હતું, પૂરા આદિવાસીમાં ઉમરગામથી અંબાજી પૂરો હાઈવે બનાવ્યો છે અહીં, તો વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખૂબ જરૂર હોય છે, લોકો પણ આવવા જવાનું શરૂ કરે છે, તો તે દિશામાં ધ્યાન આપ્યું.

વિદ્યાર્થી- મારો આપને આ પ્રશ્ન છે કે પહલગામ હુમલા પછી અમારા ઘરમાં બધા ચર્ચા કરી રહ્યા હતા કે હવે આગળ શું થશે? પૂરો દેશ આપની તરફ જોઈ રહ્યો હતો. પછી ઓપરેશન સિંદૂર થયું અને અમારા દેશની સેનાએ જીત હાંસલ કરી. તો આવા સંજોગોમાં આપે પોતાના તણાવને કેવી રીતે હેન્ડલ કર્યો? અમે તો માત્ર પરીક્ષાના તણાવથી.

 

પ્રધાનમંત્રી- આપ લોકોને પરીક્ષાનો તણાવ આવી જાય છે.

વિદ્યાર્થી- હા, યસ સર.

પ્રધાનમંત્રી- જ્યારે તમે જૂની પરીક્ષાના દિવસોને યાદ કરો, જો જૂની પરીક્ષાઓને યાદ કરશો તો તમને લાગશે હા યાર જ્યારે ગયો ત્યારે તો ટેન્શન હતું, પરંતુ જ્યારે કરીને આવી ગયો તો કંઈ નહોતું.

વિદ્યાર્થી- હા સર.

પ્રધાનમંત્રી- એવું થાય છે કે નહીં?

વિદ્યાર્થી- થાય છે સર.

પ્રધાનમંત્રી- પરીક્ષા માટે સૌથી સારી વસ્તુ હોય છે કે તમે પેપર સોલ્વ કરવાની આદત પાડો, લખવાની. મોટાભાગના લોકો શું કરે છે? વાંચે છે.

વિદ્યાર્થી- હા. યસ સર.

પ્રધાનમંત્રી- જો ખુદ આ પ્રકારે આપ પ્રેક્ટિસ કરતા રહો છો, તો મને પાકો વિશ્વાસ છે કે તમને ક્યારેય પણ તણાવ નહીં આવે.

વિદ્યાર્થી- હા સર.

પ્રધાનમંત્રી- આપણે શું કરીએ છીએ, આખો દિવસ પુસ્તક, અરે ક્યારેક હસો. બીજું સૌથી મોટી વસ્તુ છે જે આજે લોકોના ધ્યાનમાં નથી, તે છે ઊંઘ. સારી ઊંઘ લેવી જ જોઈએ. તમને લાગશે આ કેવો પ્રધાનમંત્રી છે, જે ઊંઘવાની વાત કરવા માટે આવ્યો, અમે તો એક્ઝામ માટે પૂછી રહ્યા હતા. પરંતુ તેઓ ઊંઘ એટલી પૂરી લે છે, તો બાકી સમય તમારો ખૂબ જ ફ્રેશ નવા વિચારો, નવા આઈડિયાઝ, મન ખૂબ પ્રફુલ્લિત રહે છે.

વિદ્યાર્થી- હા સર. અમે ડોક્ટર કે ક્યારેક એન્જિનિયર કે ક્યારેક ઓફિસર બનવા માંગીએ છીએ, તો અમારે આગળ વધીને, આપણું કરિયર કેવી રીતે પસંદ કરવું જોઈએ સર?

પ્રધાનમંત્રી- જો તમે એક મહિનામાં 10 વસ્તુ અલગ-અલગ જણાવી દીધી તો ઘરવાળા શું કહેશે? આનું તો કોઈ ઠેકાણું જ નથી. આ તો સારી વસ્તુ છે કે તમને કંઈક કોઈને જોઈને લાગ્યું, હું પણ આવો બનું તો શું થાય? જો આ આપણે કરવું છે, જે વ્યક્તિ ખૂબ મોટી બની ગઈ છે, મોટા બનવાની ઈચ્છા હોવી ખરાબ નથી, પરંતુ તે મોટી બની છે તેનાથી પોતાની જાતને જોડો મત. ક્યાંથી શરૂ કર્યું હતું? જો તમારું ધ્યાન તેના પર હશે તો પછી આગળ હા, હા યાર અહીંથી ચાલો હું શરૂ કરું છું. કોઈ કહેશે કે હું ક્રિકેટર બન્યો, પરંતુ જ્યારે હું આઠમા ધોરણમાં હતો ત્યારે સવારે 4:00 વાગ્યે ઉઠીને, સાયકલ ચલાવીને, સ્ટેડિયમ સુધી જતો હતો. અને પછી હું બે કલાક પ્રેક્ટિસ કરતો હતો, તો પછી તો મેં કહ્યું સારું આટલી મહેનત કરવી પડે છે. ચાલો હું શરૂ કરું છું, અત્યારે તો શું લાગે છે હા જુઓ યાર સેન્ચુરી લગાવી દીધી, ફોટો છપાઈ ગયો, તો સપનાઓ માટે જીવતા શીખો, સપનાઓને અનુકૂળ જિંદગી બનાવો. પરંતુ અવાજ જો થાય તો સફળતા અવાજ કરે.

વિદ્યાર્થી- હા.

પ્રધાનમંત્રી- જેવો જ તમે નંબર વન આવી જશો તો સફળતા અવાજ કરશે કે નહીં કરે?

વિદ્યાર્થી- કરશે.

પ્રધાનમંત્રી- આખી સ્કૂલને ખબર પડશે કે નહીં પડે?

વિદ્યાર્થી- પડશે.

પ્રધાનમંત્રી- આખા ગામને ખબર પડશે કે નહીં પડે?

વિદ્યાર્થી- પડશે.

પ્રધાનમંત્રી- તો આપણી કોશિશ આ હોવી જોઈએ.

વિદ્યાર્થી- સરે જે વાતો કહી જે મેં સાંભળી બધી મેં મારા જીવનમાં આગળ વધવા માટે અને આગળ વધીને કંઈક બનવા માટે, બધું પોતાના માટે વિચાર્યું.

પ્રધાનમંત્રી- આવો.

વિદ્યાર્થી- સર હવે અમે લઈ ચાલીએ છીએ અમારા કલ્ચરથી રિલેટેડ કેટલીક વસ્તુઓ બતાવવા. સર આ છે વારલી પેઈન્ટિંગ્સ જે એક કાર્ડબોર્ડ પર બનાવે છે, તેના પર આવી પેઈન્ટિંગ કરે છે. આ બધી તે વસ્તુઓ છે જે અમારા કલ્ચરથી રિલેટેડ છે. સર અમે આદિવાસી વિસ્તારથી જે આદિવાસી છે, તેમની કલાકૃતિઓને પણ પ્રેઝન્ટ કરી છે. જેમ કે ચિત્રકલા છે, આ છે લિપ્પન આર્ટ. આ જે મેં બનાવ્યું આ છે પિઠોરા આર્ટ.

પ્રધાનમંત્રી- ખુદ બનાવી છે?

વિદ્યાર્થી- યસ સર. આપના માટે આ બનાવી છે.

પ્રધાનમંત્રી- શું નામ છે તમારું?

વિદ્યાર્થી- કિશન છે.

પ્રધાનમંત્રી- આ તમારી હેન્ડરાઈટિંગ છે?

વિદ્યાર્થી- યસ સર.

પ્રધાનમંત્રી- અરે વાહ.

વિદ્યાર્થી- થેન્ક યુ સર.

પ્રધાનમંત્રી- કેટલું સરસ છે ભાઈ.

વિદ્યાર્થી- ઘરની દીવાલો પર આ બનાવીએ છીએ અને તેમની પૂજા પણ કરીએ છીએ.

પ્રધાનમંત્રી- વાહ, તો તમે તો મોટા આર્ટિસ્ટ થઈ ગયા ભાઈ.

વિદ્યાર્થી- યસ સર. મને ખૂબ સારું લાગી રહ્યું છે કે અમારા ભારત દેશના પ્રધાનમંત્રીએ મારી પેઈન્ટિંગ્સ લીધી છે અને સરે પણ ખૂબ સારી રીતે અમારી સાથે જેમ આપણે પોતે ફ્રેન્ડ્સ સાથે વાત કરી રહ્યા છીએ, એવું ફીલ થઈ રહ્યું હતું.

વિદ્યાર્થી- મને તમને આ સવાલ છે કે તમારી લાઈફમાં તમારા ટીચર્સનો શું રોલ હતો?

પ્રધાનમંત્રી- ખૂબ રોલ હતો, ખૂબ જ રોલ હતો, જેમ મેં જણાવ્યું આ મારા, ટીચર અમને ડેઈલી કહેતા હતા કે તમે લાઈબ્રેરી જાઓ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં આ એડિટોરિયલ (તંત્રીલેખ) ની ઉપર એક વાક્ય રહે છે, તે પોતાની ડાયરીમાં લખીને લાવો અને બીજા દિવસે તેઓ તેની ચર્ચા કરતા હતા, તો એવી ઘણી બધી વસ્તુઓ જેમ કે આ જે ફિટનેસવાળો મામલો છે તો મારે ત્યાં એક પરમાર સાહેબ કરીને હતા, જ્યારે હું પ્રાઈમરીમાં હતો, તેઓ ખૂબ આગ્રહી રહેતા હતા ફિઝિકલ ફિટનેસ માટે, શીખવતા પણ હતા, અને યોગા શીખવતા હતા, મલખંભ શીખવતા હતા. અમે પ્લેયર ના બન્યા, પરંતુ અમને એ તો સમજાયું કે આ શરીર માટે જરૂરી છે. તો દરેક ટીચરનો દરેકના જીવનમાં આપ દુનિયાના ગમે તેટલા મોટા મહાન પુરુષને મળો, તેના જીવનમાંથી બે વાતો જરૂર મળશે. તે એક એ કહેશે કે મારા જીવનમાં મારી માનો ખૂબ મોટો રોલ છે.

વિદ્યાર્થી- હા.

પ્રધાનમંત્રી- બીજો કહેશે મારા જીવનમાં મારા ટીચરનો ખૂબ મોટો રોલ છે.

વિદ્યાર્થી- દરેક ક્ષેત્રમાં આપણો દેશ આગળ વધી રહ્યો છે. તો તમે જણાવશો કે આપણા દેશમાંથી આદિવાસી સમુદાયના લોકો આપણા દેશને આગળ વધારવામાં શું કરી શકે છે?

પ્રધાનમંત્રી- ખૂબ! જુઓ દેશ જે આજે આગળ વધ્યો છે ને, તે આદિવાસી સમાજના કારણે જ વધ્યો છે. આજે દેશનું પર્યાવરણ બચ્યું છે તો આદિવાસી સમાજના કારણે બચ્યું છે. તેઓ પ્રકૃતિની પૂજા કરે છે, પ્રકૃતિની રક્ષા કરે છે. આજે પણ આપણા દેશની સેના, સર્વાધિક દેશભરના આદિવાસી સમાજના દીકરા-દીકરીઓ સેનામાં છે. આજે દેશના દરેક ક્ષેત્રમાં હવે કોઈ ફરક રહેવો જોઈએ નહીં. અમારા માટે કોઈ ફરક નથી, અમારી પાસે તો હવે જેમ સ્પોર્ટ્સમેન છે, અમારા આદિવાસી બાળકો ખૂબ કરી શકે છે. તેમનું ડેવલપમેન્ટ થયું, દેશનું નામ રોશન, તમને ખબર છે અત્યારે ક્રિકેટ મહિલા ટીમ જીતીને આવી, ખબર છે.

વિદ્યાર્થી- હા સર.

પ્રધાનમંત્રી- ક્રાંતિ ગૌડ નામની દીકરી છે મધ્યપ્રદેશથી, તે આદિવાસી દીકરી છે.

વિદ્યાર્થી- હા સર.

પ્રધાનમંત્રી- તેમણે રમત ગમતમાં નામ કમાવ્યું છે.

વિદ્યાર્થી- હા સર.

પ્રધાનમંત્રી- અને એવી રીતે પણ આપણા દેશના કેટલાય ખેલાડીઓ છે, જે આદિવાસી સમાજથી છે અને તેમણે ખૂબ મોટું નામ રોશન કર્યું છે. તે જ પ્રકારે હુનર! તમારી પાસે આટલી મોટી કલા છે, તમે જો ટેકનોલોજી શીખી લો, તો આજ સામર્થ્ય કેટલું આગળ વધી જશે.

વિદ્યાર્થી- હા સર.

પ્રધાનમંત્રી- તો એક તો આપણે નોકરી માટે જિંદગી, આ ન હોઈ શકે.

વિદ્યાર્થી- નહીં.

પ્રધાનમંત્રી - સપનું તો એવું હોવું જોઈએ કે ભાઈ હું એક એવી જિંદગી જીવવા માંગુ છું, તેના માટે હું જિંદગીને બનાવીશ. જો આપણે આ કરીએ છીએ તો આપણને ઘણો લાભ થશે. ગીત ગાશો ચાલો સંભળાવો.

વિદ્યાર્થી – જંગલુ રેનારી તૂં પાહાડુ રેનારી, જંગલુ રેનારી તૂં પાહાડુ રેનારી…. (આખું ગીત સ્પષ્ટ નથી)

વિદ્યાર્થી – અમે બધાએ મળીને તેમના માટે એક ગીત ગાયું જે અહીં મોગી માતા વિશે હતું. તેઓ ક્યાં રહે છે, કેવી રીતે રહે છે, તે બધું હતું તે સોન્ગ (ગીત)માં.

વિદ્યાર્થી – અમારી ઘણી બધી વાતચીત થઈ સર સાથે, કે કેવી રીતે જીવનમાં હંમેશા ખુશ રહીએ, બધા તણાવને કેવી રીતે દૂર કરીએ, પોતાનું ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરીએ અને પરીક્ષા વિશે પણ કેવી રીતે મતલબ ભણતર કરીએ, એક્ઝામથી ડરવાનું નથી.

વિદ્યાર્થી – પહેલા તો મને પોતાની આંખો પર ભરોસો જ નહોતો થઈ રહ્યો, કે પીએમ સર અમારી સામે છે. ખબર જ ના પડી કે સમય ક્યાં જતો રહ્યો.

પ્રધાનમંત્રી - પરીક્ષા પે ચર્ચાનો આપણો પ્રવાસ અષ્ટલક્ષ્મી, એટલે કે નોર્થ ઈસ્ટ પણ પહોંચ્યો. અને ગુવાહાટીમાં પરીક્ષા પે ચર્ચા અને તે પણ બ્રહ્મપુત્રાના તે વહેતા પ્રવાહની વચ્ચે મજાથી વાત કરતા-કરતા ચર્ચા પણ ચાલતી રહી.

વિદ્યાર્થી – નમસ્કાર સર.

પ્રધાનમંત્રી - ચાલો બેસો.

વિદ્યાર્થી – પ્રણામ માનનીય પ્રધાનમંત્રી જી. અમે બધા તમને એક ગમોચા પહેરાવવા માંગીએ છીએ.

પ્રધાનમંત્રી – જરૂર, અસમમાં આવીએ અને ગમોચા ના હોય. વાહ.

વિદ્યાર્થી – તેમનું જે પ્રેઝન્સ (ઉપસ્થિતિ) છે ને તે ખૂબ જ કામિંગ (શાંતિદાયક) છે, લાઈક રિલેક્સ જેવું લાગી ગયું. બેસી રહેવા પર જે એન્ઝાઈટી (ચિંતા) થતી હોય છે તે બધી નીકળી ગઈ. તેમની સાથે એકસાથે ઘણી વાતો કરી પછી અમે.

પ્રધાનમંત્રી – સારું તમે લોકોએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પહેલા ક્યારેય જોયો છે ટીવી પર?

વિદ્યાર્થી – હા સર જોયો છે.

પ્રધાનમંત્રી – સારું ક્યારેય તમે લોકોએ તે પુસ્તક જોયું છે?

વિદ્યાર્થી – હા સર. એક્ઝામ વોરિયર.

પ્રધાનમંત્રી – તો તેમાંથી પછી તમે પહેલા જે વિચારતા હતા, પરીક્ષા પહેલા અને હવે વિચારો છો, તેમાં શું ફરક છે? પુસ્તક વાંચ્યા પછી અથવા કાર્યક્રમ જોઈને શું ફાયદો થયો?

વિદ્યાર્થી – પરીક્ષાથી એટલો ડર નથી લાગતો. આપના જે મંત્ર આપ્યા છે ને તે જેમ કે લાઈક પરીક્ષાને એક સેલિબ્રેશન ઉત્સવની રીતે સેલિબ્રેટ કરવી જોઈએ. તો હવે થોડો-થોડો પરીક્ષા તરફથી મતલબ ડર ઘટી રહ્યો છે.

પ્રધાનમંત્રી – પરંતુ ડર તો ઘરના લોકો ડરાવે છે ને.

વિદ્યાર્થી – હા સર.

પ્રધાનમંત્રી – હા.

વિદ્યાર્થી – પૂછે છે કે લાઈક તે એક નંબર ક્યાં ગયો? કેમ કપાયો એક નંબર?

પ્રધાનમંત્રી – જીવનમાં જો સંતોષ થઈ જાય, બસ બહુ થઈ ગયું, હવે શું, તો પછી જીવનમાં પ્રગતિ નથી થતી.

વિદ્યાર્થી – યસ સર.

પ્રધાનમંત્રી – આ જીત તો રહેવી જોઈએ મનમાં, પરંતુ તેના માટે મેં મંત્રમાં એક વાત જણાવી છે.

વિદ્યાર્થી – સર આપણે કોઈ બીજા સાથે સ્પર્ધા ન કરવી જોઈએ.

પ્રધાનમંત્રી – યા શાબાશ. હા. મેં એ કહ્યું છે કે આપણે સતત પોતાની સાથે જ કોમ્પિટિશન (સ્પર્ધા) કરતા રહેવું જોઈએ. કોઈ આપણને કહે છે ભાઈ 99 આવ્યા, એક કેમ ના આવ્યો? ઠીક છે, તેમણે કહ્યું વાત અલગ છે. એક પોતાની જાતને પણ પૂછવું જોઈએ કે મારા જીવનમાં આ બદલાવ કેમ આવ્યો? આ કમી કેમ રહી? શું કારણ હતું? સારું તમારા મનમાં કોઈ સવાલ હોય તો જરૂર પૂછો.

વિદ્યાર્થી – મારો આપને એ પ્રશ્ન છે કે મેં સાંભળ્યું છે કે આપ પોતાની રોજબરોજની જિંદગીમાં એક પર્ટીક્યુલર ડાયટ હેલ્ધી રહેવા માટે ફોલો કરીને ચાલો છો, તો અમે છાત્રો એવો કયો મેજિકલ ડાયટ ફોલો કરીને ચાલીએ, જેનાથી અમે ઊર્જાવાન અને ફોકસ્ડ રહી શકીએ, અને અમારું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન આવી શકે પરીક્ષાઓમાં.

પ્રધાનમંત્રી – હકીકત એ છે કે મારી કોઈ ડાયટની સિસ્ટમ જ નથી, કારણ કે હું પહેલા અલગ-અલગ પરિવારોમાં ભોજન કરતો હતો. તો એટલું જ રહેતું હતું કે ભાઈ વેજિટેરિયન છું, તો વેજિટેરિયન ખાઈશ. પછી તે ઘરમાં જે હોતું હતું, તે હું ખાતો હતો. બીજું મારે ક્યારેક જાતે રાંધવું પડતું હતું. ક્યારેક ખીચડી બનાવી દેતો હતો. ખીચડી ખાઓ છો કે નહીં તમે?

વિદ્યાર્થી – હા સર.

પ્રધાનમંત્રી – ડાયટ તમારી પસંદનો હોવો જોઈએ. એટલે કે એવું નહીં દવાની જેમ ડાયટ ના ખાઓ. નક્કી કરો, કે પેટ ભરીને ખાવું છે, કે મન ભરીને ખાવું છે.

વિદ્યાર્થી – મન ભરીને ખાવું છે.

પ્રધાનમંત્રી – અને મોટાભાગના લોકોને શું થાય છે, ના પાડે ત્યાં સુધી તો ખાતા રહે છે. અનાજ જે છે પેટ ભરીને ખાય છે. પરંતુ શ્વાસ છાતી ભરીને નથી લેતા. અહીં ઉલટું કરવું જોઈએ. દિવસમાં જ્યારે પણ મોકો મળે એકદમ શરીર ભરાઈ જાય એટલો શ્વાસ લેવો જોઈએ. થઈ શકે તો થોડી ક્ષણ તેને રોકવો જોઈએ અને પછી ધીમેથી બહાર કાઢવો જોઈએ. આપણે લોકો શું કરીએ છીએ ખાવાનું, એટલે કે બાકી 50 કામોમાં શરીરને સૌથી છેલ્લી પ્રાયોરિટી (પ્રાથમિકતા) આપીએ છીએ. લાસ્ટ પ્રાયોરિટી. સારું તમારામાંથી કેટલા લોકો છે જેમણે નિયમ બનાવ્યો કે આપણે સૂર્યોદય જોઈશું, એટલે કે જોઈશું જ. એવા કેટલા છે?

પ્રધાનમંત્રી – સૂર્યોદય.

વિદ્યાર્થી – જોઈશું સર!

પ્રધાનમંત્રી – આ શરીરને આ વસ્તુઓ એક તાજગી આપે છે, એક એનર્જી આપે છે. આને આપણે આદત બનાવવી છે. શરીરને સૌથી પહેલા પ્રાથમિકતા આપવી જોઈએ.

વિદ્યાર્થી – સર, અવારનવાર અમારા માતા-પિતા અમારા મિત્રોની સાથે અમારી તુલના કરે છે. પરંતુ તેનાથી વધારે દબાણ અમારા પર ત્યારે પડે છે જ્યારે અમારા પોતાના ઘરના લોકો કે ભાઈ બહેનોથી તુલના કરવામાં આવે છે. તો એવી પરિસ્થિતિમાં અમારે શું કરવું જોઈએ?

પ્રધાનમંત્રી – માની લો કહી દીધું પિતાજીએ કે જો તારી બહેનના અક્ષર કેટલા સરસ છે. તેના હેન્ડરાઈટિંગ કેટલા સુંદર છે. તો સારી વ્યક્તિ શું કહેશે? તે બહેનને કહેશે બહેન મને શીખવાડ ને હું કેવી રીતે હેન્ડરાઈટિંગ સારા કાઢું. બીજી શું કરશે? એમ પણ પપ્પા-મમ્મી ને બહેન જ ગમે છે. તેના હેન્ડરાઈટિંગ સારા લાગે છે. હું આટલી મહેનત કરી રહ્યો છું જોતા નથી. જો પરિવારમાં પણ કોઈ એકની અચ્છાઈની વાત થાય છે, તો આપણે તે ભાઈ કે તે બહેન પાસેથી તેની અચ્છાઈઓને શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. અને પિતા માતાને કહેવું જોઈએ કે આપે સારી વાત જણાવી છે. આ વસ્તુ મારામાં નથી. મને જણાવો હું કેવી રીતે આને તૈયાર કરું? તો પિતા માતાનો તમારી તરફ જોવાનો રસ્તો, જુઓ આ ખોટું નથી લગાડતો. આ તેમાંથી શીખવાનો પ્રયાસ કરે છે. કમ્પેરિઝન (તુલના) થી માં-બાપને બચવું જોઈએ. અને હું દરેક માં-બાપને કહું છું કે કૃપા કરીને તમે પરિવારમાં કોઈની સામે એટલી પ્રશંસા ના કરો જેથી બાળકની આદત ખરાબ થઈ જાય. એટલી પ્રશંસા ના કરો એક બાળકની, કે બીજા બાળકને લાગે કે જુઓ દર વખતે આની તો વાત દુનિયામાં જણાવતા રહે છે, મારી તો જણાવતા નથી. પરિવારમાં જો આપણી નજીક કોઈ વધારે સારું છે. આપણે મનોમન તેને ગુરુ માની લેવો જોઈએ. તેને ખબર ના હોવી જોઈએ કે તમે તેને ગુરુ માનો છો. હવે તેને કહેવું યાર તમે બેડમિન્ટન ખૂબ સરસ રમો છો. મારી ભૂલ શું થાય છે? મને શીખવાડો. તો તે પણ પોતાની જાતને મોટો નહીં માને. તે કહેશે યાર આ મારી પાસેથી શીખવા માંગે છે. તે પોતાને બરાબરીનો માનશે.

વિદ્યાર્થી – નર્વસનેસ તો દેખીતી રીતે હતી જ, પણ સાથે જ ખૂબ ઉત્સાહિત પણ ફીલ થઈ રહ્યું હતું. ખૂબ ખુશી થઈ રહી હતી કે હું મોદી જી ને મળવાની છું. મતલબ મને લાગ્યું નહોતું એવું મારી સાથે ક્યારેય થશે. પણ જ્યારે થયું તો ખૂબ જ ખુશી થઈ.

વિદ્યાર્થી – અવારનવાર વિદ્યાર્થીઓને સ્ટેજમાં કે પછી લોકોની સામે વાત કરવામાં તકલીફ હોય છે. આમાં આત્મવિશ્વાસ વધારવા માટે આપ અમને શું સલાહ આપવા માંગશો?

પ્રધાનમંત્રી – તો તમે ઉલટું તેમને સલાહ આપવાની છે તો શું આપશો? હેં, આવો મારી પાસે આગળ આવો બધા લોકો આવો. જો કોઈને એક, બે, ત્રણમાં કહેવું હોય તો કેવું.

વિદ્યાર્થી – સર આત્મવિશ્વાસ રાખવો જોઈએ, હા.

પ્રધાનમંત્રી – આ આત્મવિશ્વાસ જે છે ને તેમાં બે શબ્દો છે. બે શબ્દો કયા કયા છે?

વિદ્યાર્થી – આત્મા અને વિશ્વાસ.

પ્રધાનમંત્રી - જેનો પોતાના પર વિશ્વાસ છે, તેને ક્યારેય ડર લાગતો નથી. તમને પોતાના પર વિશ્વાસ છે શું?

વિદ્યાર્થી – હા સર છે.

પ્રધાનમંત્રી – જો પોતા પર વિશ્વાસ છે તો તમે દરેક વસ્તુને પાર કરી શકો છો. જેને પોતા પર વિશ્વાસ હોય છે તે કરે છે શું? આખી પરિસ્થિતિનો મનોમન અભ્યાસ કરે છે. તમે સ્વામી વિવેકાનંદ જી એ એક પત્ર લખ્યો હતો જ્યારે શિકાગોમાં તેમનું ભાષણ થયું, જે ખૂબ પ્રસિદ્ધ ભાષણ છે.

વિદ્યાર્થી – હા સર.

પ્રધાનમંત્રી – અને વિવેકાનંદજીના ખૂબ વખાણ પણ થાય છે.

વિદ્યાર્થી – હા સર.

પ્રધાનમંત્રી – પરંતુ તેમણે પોતાના એક શિષ્યને પત્ર લખ્યો કે જ્યારે મારે શિકાગોમાં બોલવાનું હતું, હું ખૂબ નર્વસ થઈ ગયો કે દુનિયાના આટલા મોટા-મોટા વિદ્વાનો, ઉંમરમાં આટલા મોટા-મોટા લોકો, આટલા તપસ્વી લોકો, હું શું બોલીશ, તો તેમણે તેને લખ્યું હું ખૂબ નર્વસ હતો અને પછી બોલ્યા મેં મનમાં માં સરસ્વતીને યાદ કર્યા અને મા સરસ્વતીને મેં પ્રાર્થના કરી હતી, કે મા મારામાં જેટલી શક્તિ છે તેને જગાડી દો, જે કંઈ હું શીખ્યો છું તે એકસાથે મારી જીભ પર આવી જાય. બોલ્યા મેં એવી પ્રાર્થના કરી અને હું ગયો મંચ પર અને જ્યારે મેં 'સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા' એવું કહેતા જ બે મિનિટ સુધી તાળીઓ વાગતી રહી. બસ તે એક ટર્નિંગ પોઈન્ટ બની ગયો. વિશ્વાસ આવી ગયો, નહીં, નહીં, નહીં, હું વિચારતો હતો તેવો હું નથી. મારી અંદર તો કંઈક છે. આત્મવિશ્વાસ આવી ગયો. તો દરેકના જીવનમાં આજે ગમે તેટલા સારા વક્તા કેમ ના હોય, ગમે તેવા મોટા સારા ખેલાડી, તમે જોયું હશે શું સચિન તેંડુલકર ક્યારેય ઝીરો પર આઉટ નથી થયા શું?

વિદ્યાર્થી – થયા છે.

પ્રધાનમંત્રી – તો તેઓ માથું પકડીને બેસી ગયા શું?

વિદ્યાર્થી – નહીં સર.

પ્રધાનમંત્રી – આનો મતલબ થયો આપણે જે સ્થિતિ છે તેને નિરીક્ષણ કરીએ, પરિસ્થિતિનો એક વાર અંદાજ લગાવી લેવો જોઈએ કે આવું થયું હતું, હવે જોજો તમને લાગશે હા અરે ઠીક છે હું કરી લઈશ. જે આત્મવિશ્વાસ શબ્દ છે ને તેને સાચા અર્થમાં જીવનમાં સમજવો આત્મની વાત છે પોતાની વાત છે, કોઈ ઠીક નથી કરતું, આપણે જ કરવાનું હોય છે.

વિદ્યાર્થી – હું આપની સામે ગીત પ્રસ્તુત કરવા માંગુ છું

પ્રધાનમંત્રી – હા ગીત સંભળાવશો.

વિદ્યાર્થી – હા ડોક્ટર ભૂપેન હજારિકાનું.

પ્રધાનમંત્રી – અરે વાહ જણાવો.

વિદ્યાર્થી – ગીત.. (અસમિયા ભાષામાં)

પ્રધાનમંત્રી – વાહ.

વિદ્યાર્થી – અમારા ગામમાં અમારા ઘરની પાસે .....(નામ સ્પષ્ટ નથી). ચાનો બગીચો છે. ત્યાં મારી મમ્મી આઠ વર્ષથી ચાના પાન તોડવાનું કામ જુએ છે.

પ્રધાનમંત્રી – ઓહ. તો તમે ચાના બગીચાથી છો.

વિદ્યાર્થી – યસ.

પ્રધાનમંત્રી – તમે ભણો છો સારી રીતે, માતા ભણાવે છે અને ચાનું પણ કામ કરે છે. તો શું લાવી છો?

વિદ્યાર્થી – હું આપના માટે ચાની પત્તી લાવી છું.

પ્રધાનમંત્રી – તો મારે ચા બનાવવી પડશે. ચાલો ખૂબ-ખૂબ ધન્યવાદ. તમારી માતા ને અમારા પ્રણામ કહી દેજો.

વિદ્યાર્થી – મેં ક્યારેય વિચાર્યું જ નહોતું કે ચાના બગીચાનો છોકરો હોવા છતાં, હું પ્રધાનમંત્રી જી ને મળી શકીશ. મને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે હું પ્રધાનમંત્રી જી ને મળી શક્યો.

વિદ્યાર્થી – આટલો જનરેશન ગેપ હોવા છતાં પણ જ્યારે તેઓ અમારી વાતોને સમજે છે, મતલબ ખૂબ સારું લાગ્યું.

પ્રધાનમંત્રી – તમે જોયું કે કેવી રીતે એક્ઝામની વાત તો થઈ જ, સાથે જ લોકલ સંગીત, આસામની ચા, તે પણ પરીક્ષા પે ચર્ચાનો યાદગાર ભાગ બની ગઈ. પરીક્ષા એક એવો અવસર છે અને પરીક્ષા માટે હેલ્ધી કોમ્પિટિશનની ભાવના આપણી તૈયારીને વધુ શ્રેષ્ઠ બનાવે છે. આ બધી ચર્ચાઓમાં સ્થાનો અલગ-અલગ હતા, સ્ટુડન્ટ્સ અલગ-અલગ હતા, અનુભવો અલગ હતા. પરંતુ દરેક ચર્ચાનો ઉદ્દેશ્ય એક જ હતો. દરેક સ્ટુડન્ટને સાંભળવો, સમજવો અને સાથે મળીને કંઈક ને કંઈક શીખવું. આપ સૌને મારી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. ખૂબ-ખૂબ ધન્યવાદ.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Renewed Sense Of Responsibility': IIT Delhi Graduates Call PM Modi's Address 'Inspirational'

Media Coverage

'Renewed Sense Of Responsibility': IIT Delhi Graduates Call PM Modi's Address 'Inspirational'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to brave participants of the Quit India Movement
August 09, 2026

Prime Minister Shri Narendra Modi has remembered all those who participated in the historic Quit India Movement and paid tribute to their courage and determination in India’s freedom struggle. Shri Modi said that inspired by the leadership of Mahatma Gandhi, the clarion call of the Quit India Movement infused new energy into the freedom struggle and reflected the unwavering resolve of the people of India to break free from colonial rule.

The Prime Minister posted on X:

Remembering all those who participated in the historic Quit India Movement. Their courage will always remain an inspiration for every Indian. Inspired by the leadership of Mahatma Gandhi Ji, the clarion call of Quit India infused new energy into our freedom struggle and reflected the unwavering determination of our people to break free from colonial rule.