પ્રધાનમંત્રીએ 1.7 લાખથી વધુ લાભાર્થીઓને ઇ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પણ કર્યું
"ગ્રામ્ય મિલકત, જમીન અથવા ઘરોની માલિકીના દસ્તાવેજો અનિશ્ચિતતાઓ અને અવિશ્વાસથી મુક્ત કરવા અત્યંત જરૂરી છે"
"સ્વતંત્રતાના દાયકાઓ બાદ પણ, ગામડાઓની ક્ષમતાઓ બંધનમાં સીમિત રહી હતી. ગામડાઓ, જમીનો અને ગ્રામીણ લોકોના ઘરોની શક્તિનો તેમના વિકાસ માટે સંપૂર્ણપણે ઉપયોગ કરી શકાયો નથી."
"સ્વામિત્વ યોજના આધુનિક ટેકનોલોજીની મદદથી ગામડાઓના વિકાસ માટેનો અને વિશ્વાસ વધારવાનો નવો મંત્ર છે."
"હવે સરકાર પોતે જ ગરીબો પાસે આવી રહી છે અને તેમને સશક્ત બનાવી રહી છે."
"ડ્રોન ભારતને નવી ઊંચાઇઓ પર લઇ જવાની ક્ષમતા ધરાવે છે."

સ્વામિત્વ યોજનાથી જે આત્મવિશ્વાસ, જે ભરોસો ગામડાંમાં આવ્યો છે, તે લાભાર્થીઓ સાથેની વાતચીતમાં પણ ચોખ્ખે ચોખ્ખો વર્તાઈ આવે છે. અને આજે હું અહીં જોઈ રહ્યો છું કે તમે મને વાંસની ખુરશીઓ તો દેખાડી પણ મારી નજર તો દૂર દૂર સુધી જનતા જનાર્દનમાં તેમનામાં ઉત્સાહ છે અને ઉમંગ છે, તેની ઉપર ટકેલી છે. જનતા જનાર્દનનો આટલો પ્રેમ, આટલા આશીર્વાદ મળી રહ્યા છે. તેમનું કેટલું ભલુ થયું હશે તેનો હું સારી રીતે અંદાજ બાંધી શકું છું. આ યોજના કેટલી તાકાત બનીને ઉભરી રહી છે તેનો અનુભવ મને જે સાથીઓ સાથે વાત કરવાની તક મળી તેમણે વિગતે બતાવ્યો છે. સ્વામિત્વ  યોજના પછી લોકોને બેંકોમાંથી ધિરાણ મળવું વધુ આસાન બન્યું છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રના મંત્રીમંડળના મારા સહયોગી શ્રી નરેન્દ્ર સિંહ તોમરજી, વિરેન્દ્ર કુમારજી, જ્યોતિરાદિત્ય સિંધિયાજી, પ્રહલાદ સિંહ પટેલજી, ફગ્ગન સિંહ કુલસ્તેજી, કપિલ મોરેશ્વર પાટીલજી,  જી. એલ. મુરગનજી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રીમાન શિવરાજ ચૌહાણજી, મધ્ય પ્રદેશ સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, અન્ય મહાનુભવો  અને હદરા સહિત મધ્ય પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ગામડાં સાથે જોડાયેલા મારા ભાઈઓ અને બહેનો.

સૌથી પહેલાં ભાઈ કમલજીનો જન્મ દિવસ છે. તેમને મારી તરફથી ખુબ ખુબ શુભેચ્છા. હવે આપણે ટીવી પર તો જોઈએ જ છીએ કે એમપી છે તો એમપી ગજબ તો છે અને સાથે સાથે એમપી દેશનું ગૌરવ પણ છે. એમપીમાં એક ગતિ પણ છે અને વિકાસ માટેની ધગશ પણ છે. લોકોના હિતમાં વિકાસની અનેક યોજનાઓ બને છે, મધ્ય પ્રદેશ કેવી રીતે  આ યોજનાઓને જમીન ઉપર ઉતારવા માટે દિવસ- રાત એક કરી રહ્યું છે તે અંગે હું જ્યારે જયારે સાંભળું છું, જ્યારે જોઉં છું ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે. ઘણું સારૂં લાગે છે. અને મારા સાથીઓ આટલું સારૂં કામ કરી રહ્યા છે તે મારા ખુદ માટે પણ એક સંતોષની બાબત છે.

સાથીઓ,

શરૂઆતના તબક્કામાં સ્વામિત્વ યોજનાને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, કર્ણાટક અને રાજસ્થાનના કેટલાક ગામોમાં લાગુ કરવામાં આવી હતી. આ રાજ્યોના ગામડાંમાં વસનારા આશરે 22 લાખ પરિવારો માટે પ્રોપર્ટી કાર્ડ તૈયાર થઈ ચૂકયાં છે. હવે દેશના અન્ય રાજ્યોમાં  પણ આ યોજનાનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. એક રીતે કહીએ તો તે પાયલોટ પ્રોજેકટ હતો, જેથી આગળ જતાં આ યોજનામાં કોઈ ઉણપ રહી ના જાય. હવે આ યોજના પૂરા દેશમાં વિસ્તારવામાં આવી રહી છે. મધ્ય પ્રદેશે આ યોજનામાં પણ પોતાના જૂના અને પરિચિત અંદાજમાં આ યોજનાનું કામ કર્યું છે, તે બદલ અભિનંદનને પાત્ર છે. આજે મધ્ય પ્રદેશમાં 3 હજાર ગામના 1 લાખ 70 હજારથી વધુ પરિવારોને પ્રોપર્ટી કાર્ડ અને અધિકાર પત્ર મળ્યા છે જે તેમની સમૃધ્ધિ માટેનું સાધન બની રહેશે. આ લોકો ડિજિલોકરના માધ્યમથી પોતાના મોબાઈલ ઉપર પોતાનું પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ પણ કરી શકશે.  આ માટે જે લોકોએ  મહેનત કરી છે અને દિલ લગાવીને આ કામમાં જોડાઈ ગયા છે તે બધાંને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને જેમને આ લાભ મળ્યો છે તેમને પણ હું અભિનંદન અને શુભેચ્છા  પાઠવુ છું. જે ગતિથી મધ્ય પ્રદેશ આગળ વધી રહ્યું છે, મને વિશ્વાસ છે કે તે ઝડપથી રાજ્યના તમામ ગ્રામીણ પરિવારોને અધિકાર પત્ર ચોક્કસ મળી જશે.

ભાઈઓ અને બહેનો,

આપણે  ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે ભારતનો આત્મા તેના ગામડામાં વસે છે, પરંતુ આઝાદીના અનેક દાયકા વિતી ગયા છતાં ભારતના ગામડાંઓના ઘણાં મોટા સામર્થ્યને જકડી રાખવામાં આવ્યું છે. ગામડાંની જે તાકાત છે, ગામડાંના લોકોની જે જમીનો છે, જે ઘર છે તેનો ઉપયોગ ગામના લોકો પોતાના વિકાસ માટે પૂર્ણપણે કરી શકતા ન હતા. આથી વિરૂધ્ધ ગામની જમીન અને ગામના ઘર અંગે વિવાદ, લડાઈ- ઝઘડા, ગેરકાયદે કબજો, વગેરેના કારણે ગામના લોકોની શક્તિ કોર્ટ- કચેરીમાં ખર્ચાતી હતી અને ન જાણે કેટલી બધી મુસીબતોનો સામનો કરવો પડતો હતો. સમય અને પૈસા બંને બરબાદ થતા હતા અને આ ચિંતા આજની જ નથી, ગાંધીજીએ પણ તેમના સમયમાં આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. આ સ્થિતિને બદલવી તે આપણાં બધાની જવાબદારી બની રહે છે. હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારથી આ દિશામાં કામ કરી રહ્યો છું. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગુજરાતમાં 'સમરસ ગ્રામ પંચાયત અભિયાન' ચલાવ્યું હતું. મેં જોયુ કે યોગ્ય પ્રયાસ કરવામાં આવે તો સમગ્ર ગામ સાથે મળીને આગળ ધપી શકે છે અને હમણાં શિવરાજજી વર્ણન કરી રહ્યા હતા તે મુજબ મને આજે આ જવાબદારી સંભાળ્યે 20 વર્ષ પૂરા થયા છે. શિવરાજજી જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે મને યાદ આવ્યું કે હું જ્યારે પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યો અને મારો જે પ્રથમ કાર્યક્રમ હતો તે પણ ગરીબ કલ્યાણ મેળો હતો અને હવે મને આનંદ છે કે 20મા વર્ષનો આખરી દિવસ પણ આજે ગરીબોના કલ્યાણ કાર્યક્રમ સાથે જોડાયેલો છે. તે કદાચ ઈશ્વરનો જ સંકેત હશે કે મને સતત મારા દેશના ગરીબોની સેવા કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ખેર, મને વિશ્વાસ છે કે સ્વામિત્વ યોજના પણ આપ સૌની ભાગીદારીથી ગ્રામ સ્વરાજનું એક ઉદાહરણ બની રહેશે. હમણાં આપણે કોરોના કાળમાં પણ જોયું છે કે ભારતના ગામડાએ સાથે મળીને એક ધ્યેય ઉપર કામ કર્યું, ખૂબ જ સાવચેતી સાથે આ મહામારીનો સામનો કર્યો અને ગામડાંના લોકોએ એક મોડલ ઊભું કર્યું. બહારથી આવીને રહેતા લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવાની હોય કે ભોજન અને કામની વ્યવસ્થા હોય, રસીકરણ સાથે જોડાયેલુ કામ હોય તો તેમાં પણ ગામડાંના લોકો ખૂબ જ આગળ રહ્યા છે. ગામડાંના લોકોની સૂઝ સમજને કારણે ભારતના ગામડાઓને કોરોનાથી ઘણી હદ સુધી સુધી બચાવી શકાયા છે. એટલા માટે જ મારા દેશના તમામ ગામના લોકો અભિનંદનને પાત્ર છે. તેમણે તમામ નિયમોનું પોતાની રીતે પાલન કર્યું. જાગૃતિ દાખવી અને સરકારને પણ ઘણો બધો સહયોગ પૂરો પાડ્યો. ગામડાંઓએ આ રીતે દેશને બચાવવામાં જે મદદ કરી છે તેને હું ક્યારેય ભૂલી શકીશ નહીં.

સાથીઓ,

દુનિયાની મોટી મોટી સંસ્થાઓ પણ કહે છે કે કોઈપણ દેશમાં જે નાગરિકો પાસે પોતાની મિલકતના કાગળ નથી હોતા તે નાગરિકોની નાણાંકિય ક્ષમતા હંમેશા ઓછી  રહે છે અને ઘટતી જાય છે. મિલકતના કાગળો નહીં હોવા તે એક વિશ્વવ્યાપી સમસ્યા છે. તેની ઝાઝી ચર્ચા થતી નથી, પણ મોટા મોટા દેશો માટે પણ આ ખૂબ મોટો પડકાર છે.

સાથીઓ,

સ્કૂલ હોય, હોસ્પિટલ હોય, સંગ્રહની વ્યવસ્થા હોય, સડક હોય, નહેર હોય કે પછી ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગ હોય. આવી તમામ વ્યવસ્થાના નિર્માણ માટે જમીનની જરૂરિયાત ઉભી થતી હોય છે, પણ જ્યારે જમીનનો રેકોર્ડ જ સ્પષ્ટ હોતો નથી ત્યારે વિકાસના કામો માટે વર્ષોના વર્ષો વિતી જાય છે. આવી અવ્યવસ્થના કારણે ભારતના ગામડાંના વિકાસ ઉપર ખૂબ ખરાબ અસર પડી છે. દેશના ગામડાંને, ગામડાંની મિલકતને જમીન અને ઘર સાથે જોડાયેલ રેકર્ડ અંગેની અનિશ્ચિતતા અને અવિશ્વાસને દૂર કરવો ખૂબ જરૂરી બની રહે છે. એટલા માટે પીએમ સ્વામિત્વ યોજના, ગામના આપણાં ભાઈઓ અને બહેનો માટે ખૂબ મોટી તાકાત બનવાની છે. અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈ ચીજ ઉપર આપણો હક્ક હોય છે ત્યારે કેટલી શાંતિ હોય છે. ક્યારેક તમે પણ જોયું હશે કે તમે રેલવેમાં સફર કરતા હોવ અને તમારી પાસે ટિકિટ હોય અને તમારી પાસે રિઝર્વેશન ના હોય તો તમને સતત ચિંતા રહેતી હોય છે. ડબ્બામાંથી ક્યારે નીચે ઉતરીને બીજા ડબ્બામાં જવું પડશે, પરંતુ તમારી પાસે જો  રિઝર્વેશન હોય તો તમે રેલવે ટિકિટના રિઝર્વેશનથી આરામથી બેસી શકો છો. ગમે તેટલો મોટો કોઈ તીસમારખાં આવે તો પણ, ગમે તેટલો મોટો કોઈ અમીર વ્યક્તિ આવે તો પણ તમે હક્કથી કહી શકો છો કે મારી પાસે આરક્ષણ છે અને હું અહીંયા જ બેસીશ. આ પોતાના અધિકારની તાકાત છે, જે આજે ગામડાંના લોકોના હાથમાં આવી છે અને તેના ખૂબ દૂરગામી પરિણામો મળવાના છે. મને આનંદ છે કે શિવરાજજીના નેતૃત્વમાં મધ્ય પ્રદેશમાં જમીન ડિજિટાઈઝેશન બાબતે આ રાજ્ય અગ્રણી બનીને ઉભરી આવ્યું છે. ડિજિટલ રેકોર્ડનો વ્યાપ વિસ્તારવાનો હોય કે પછી રેકોર્ડની ગુણવત્તા હોય, દરેક પાસામાં મધ્ય પ્રદેશ પ્રશંસનિય કામ કરી રહ્યું છે.

સાથીઓ,

સ્વામિત્વ યોજના માત્ર કાનૂની દસ્તાવેજ આપવાની યોજના માત્ર નથી, પણ તે આધુનિક ટેકનોલોજીથી દેશના ગામડાંમાં વિકાસ માટેનો એક નવો મંત્ર પણ છે. ગામડાં અને મહોલ્લામાં જે ઉડનખટોલા ઉડી રહ્યા છે, જેને ગામના લોકો નાનું હેલિકોપ્ટર કહી રહ્યા છે, જે ડ્રોન ઉડી રહ્યા છે તે ભારતના ગામડાંને નવી ઉડાન આપનારા બની રહેશે. આ ડ્રોન વૈજ્ઞાનિક પધ્ધતિથી ગામડાંના નકશા બનાવી રહ્યા છે અને તે કોઈપણ જાતના ભેદભાવ વગર. મિલકતને ઓળખ પૂરી પાડી રહ્યા છે. અત્યાર સુધીમાં દેશના આશરે 60 જીલ્લામાં ડ્રોન મારફતે આ કામગીરી પૂરી કરવામાં આવી છે અને તેનાથી તૈયાર થયેલા સચોટ લેન્ડ રેકોર્ડ અને જીઆઈએસ નકશાઓના કારણે હવે ગ્રામ પંચાયતોને, ગ્રામ પંચાયતોની વિકાસ યોજના બહેતર બનાવવામાં પણ સહાય થશે.

ભાઈઓ અને બહેનો,

સ્વામિત્વ યોજનાના જે લાભ આજે દેખાઈ રહ્યા છે તે દેશના એક ખૂબ મોટા અભિયાનનો હિસ્સો છે. આ અભિયાન છે- ગામડાંને, ગરીબોને આત્મનિર્ભર અને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાનું છે. હમણાં આપણે પવનજીને સાંભળ્યા કે ત્રણ મહિનામાં કેટલી મોટી તાકાત આવી ગઈ. પોતાનું જ ઘર હતું, પણ કાગળનો અભાવ હતો, હવે કાગળ આવી ગયા, જિંદગી બદલાઈ ગઈ, આપણાં ગામડાંના લોકોમાં ભરપૂર સામર્થ્ય હોવા છતાં પણ તેમને મુશ્કેલીઓ આવતી રહેતી હતી. પ્રારંભના સાધનોથી એક પ્રકારે લોન્ચીંગપેડની! ઘર બનાવવાનું હોય ત્યારે આવાસ- ધિરાણની તકલીફ! વેપાર શરૂ કરવો હોય તો મૂડીની તકલીફ! ખેતીને આગળ ધપાવવાનો વિચાર હોય, ટ્રેક્ટર ખરીદવાનું હોય કે કોઈ ઓજાર ખરીદવાનું હોય કે નવી ખેતી કરવાનો વિચાર હોય તો તેમાં પણ શરૂઆત કરવામાં પૈસા માટે પરેશાની! મિલકતના  કાગળો નહીં હોવાના કારણે બેંકોમાંથી આસાનીથી તેમને લોન મળી શકતી ન હતી. આવી મજબૂરીમાં ભારતના ગામડાંના લોકો બેંકીંગ વ્યવસ્થાની બહારના લોકો પાસેથી ધિરાણ લેવા માટે મજબૂત થતા ગયા અને બેંકીંગ વ્યવસ્થામાંથી બહાર નિકળી ગયા. મેં આ તકલીફ જોઈ છે. જ્યારે નાના નાના કામ માટે કોઈ ગરીબે, કોઈ ત્રીજી વ્યક્તિ સામે હાથ ફેલાવવો પડતો હતો ત્યારે વધતું જતું વ્યાજ તેના જીવનની સૌથી મોટી ચિંતા બની જતું હતું. મુશ્કેલી એ હતી કે તેની પાસે કોઈ ત્રીજી વ્યક્તિ પાસેથી ધિરાણ માંગવા સિવાય કોઈ વિકલ્પ રહેતો ન હતો. જેટલું લૂંટવા માંગે તેટલું  લૂંટાઈ જતો હતો, કારણ કે મજબૂરી હતી. હું દેશના ગરીબોને, ગામડાંના ગરીબોને, ગામડાંના નવયુવાનોને આ દુષ્ચક્રમાંથી બહાર લાવવા માંગુ છું. સ્વામિત્વ યોજના એનો ખૂબ મોટો આધાર છે. પ્રોપર્ટી કાર્ડ બન્યા પછી ગામડાંના લોકોને આસાનીથી ધિરાણ મળવાનું છે. લાભાર્થીઓ સાથેની વાતચીતમાં પણ મેં સાંભળ્યું કે પ્રોપર્ટી કાર્ડને કારણે તેમને ધિરાણ મેળવવામાં મદદ થઈ છે.

સાથીઓ,

વિતેલા 6 થી 7 વર્ષમાં અમારી સરકારે કરેલા પ્રયાસોને જોઈએ તો, યોજનાઓને જોઈએ તો અમે પ્રયાસ કર્યો છે અને ગરીબોને કોઈ ત્રીજી વ્યક્તિ સામે હાથ ફેલાવવો પડે નહીં, તેણે માથું ઝૂકાવવું પડે નહીં તે માટે પ્રયાસ કર્યો છે. આજે ખેતીની નાની નાની જરૂરિયાતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને બેંકના ખાતામાં સીધા પૈસા જમા કરાવવામાં આવી રહ્યા છે અને નાના ખેડૂતોના પણ મને આશીર્વાદ મળતા રહ્યા છે. અને મારો વિશ્વાસ છે કે ભારતના જે નાના નાના ખેડૂતો છે, 100માંથી 80 નાના ખેડૂતો છે, જેમની તરફ કોઈએ ધ્યાન આપ્યું નથી. થોડાંક મુઠ્ઠીભર ખેડૂતોની ચિંતા કરવામાં આવી છે. અમે નાના ખેડૂતો અને તેમના હક્કો માટે પૂરી તાકાત લગાડી છે અને મારો નાનો ખેડૂત મજબૂત થઈ જશે. મારા દેશમાં કોઈ દુર્બળ રહી શકશે નહીં. કોરોના કાળ હોવા છતાં પણ, અમે અભિયાન ચલાવીને બે કરોડથી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપ્યા છે. પશુપાલન કરનારા લોકોને, માછીમારી કરનારા લોકોને પણ તેની સાથે જોડ્યા છે. આશય એવો છે કે જરૂર પડે ત્યારે તેમને બેંકોમાંથી પૈસા મળે. તેમણે કોઈ બીજા પાસે નહીં જવું પડે. મુદ્રા યોજના હેઠળ પણ આવા લોકોને પોતાનું કામ શરૂ કરવા માટે બેંકોમાંથી ગેરંટી વગર ધિરાણ મેળવવાની બહેતર તક મળી છે. આ યોજના હેઠળ વિતેલા 6 વર્ષમાં આશરે રૂ.29 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે. અંદાજે રૂપિયા 15 લાખ કરોડની રકમ, રૂ.15 લાખ કરોડ એ નાની રકમ નથી. હા, રૂ.15 લાખ કરોડની રકમ મુદ્રા યોજના હેઠળ લોકો પાસે પહોંચી છે. આ રકમ મેળવવા માટે અગાઉ કોઈ ત્રીજી વ્યક્તિ પાસે જવુ પડતું હતું અને લોકો મોટા વ્યાજના દુષ્ચક્રમાં ફસાતા હતા.

સાથીઓ,

ભારતના ગામડાંની આર્થિક ક્ષમતા વધારવામાં આપણી માતાઓ, બહેનો અને મહિલા શક્તિની પણ ભૂમિકા રહી છે. આજે સમગ્ર દેશમાં આશરે 70 લાખથી વધુ સ્વ-સહાય જૂથો છે, જેમની સાથે આશરે 8 કરોડ બહેનો જોડાયેલી છે અને મહદ્દ અંશે તે ગામડાંઓમાં જ કામ કરી રહી છે. આ બહેનોને જનધન ખાતાના માધ્યમથી બેંકીંગ સિસ્ટમ સાથે જોડવામાં તો આવ્યા જ છે, પણ તેમને ગેરંટી વગર મળનારા ધિરાણમાં પણ ઘણો વધારો થયો છે. હમણાં જ સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. દરેક સ્વ-સહાય જૂથને પહેલા જ્યાં રૂ.10 લાખ સુધીનું ધિરાણ ગેરંટી વગર મળતું હતું તેની મર્યાદા વધારીને બે ગણી અથવા તો રૂ.10 લાખથી રૂ.20 લાખ કરવામાં આવી છે.

ભાઈઓ અને બહેનો,

આપણાં ગામડાંમાંથી ઘણાં બધા લોકો આસપાસના શહેરોમાં જઈને લારી-ફેરીનું કામ પણ કરે છે. તેમને પીએમ સ્વ-નિધિ યોજનાના માધ્યમથી બેંકમાંથી ધિરાણ આપવાની સુવિધા પણ કરવામાં આવી છે. આજે 25 લાખથી વધુ આવા સાથીઓને ધિરાણ મળી ચૂક્યુ છે. હવે તેમને પોતાનું કામ આગળ ધપાવવા માટે કોઈની પાસે જવાની જરૂર ઉભી થશે નહીં.

સાથીઓ,

તમે જ્યારે આ  બધી યોજનાઓ જોશો તો એનું લક્ષ્ય એ છે કે પૈસા આપવા માટે જ્યારે સરકાર છે, બેંક છે તો ગરીબ વ્યક્તિએ કોઈ બીજી કે ત્રીજી વ્યક્તિ પાસે જવું ના પડે. આજે દેશ આવો જમાનો પાછળ છોડીને આવ્યો છે કે જ્યારે ગરીબ વ્યક્તિએ એક એક પૈસા માટે, એક- એક ચીજ માટે સરકાર પાસે આંટા મારવા પડતા હતા. હવે ગરીબની પાસે સરકાર ખુદ ચાલીને આવી રહી છે અને ગરીબોને સશક્ત બનાવી રહી છે. તમે જુઓ, કોરોના કાળમાં મુશ્કેલીઓ વધી તો સરકારે 80 કરોડથી વધુ લોકો માટે મફત અનાજની વ્યવસ્થા કરી હતી. એક પણ ગરીબ એવો ના હોય કે જેના ઘરે ચૂલો સળગે નહીં. આમાં મધ્ય પ્રદેશના ખેડૂતોનું યોગદાન તો છે જ, તેમનો પરિશ્રમ પણ છે. ગરીબોને મફત અનાજ આપવા માટે સરકારે આશરે રૂ.બે લાખ કરોડનો ખર્ચ કર્યો છે. આયુષમાન ભારત યોજના હેઠળ ગરીબોને મફત સારવારની જે સુવિધા મળી છે તેનાથી ગરીબોના 40 થી 50 હજાર કરોડ રૂપિયા બચ્યા છે. જે 8 હજારથી વધુ જનૌષધિ કેન્દ્રોમાં સસ્તી દવાઓ મળી રહી છે તેના કારણે પણ ગરીબોના સેંકડો કરોડ રૂપિયા ખર્ચ થવાથી બચી ગયા છે. મિશન ઈન્દ્રધનુષમાં નવી રસી જોડીને રસીકરણ અભિયાનને વધુને વધુ ગરીબ લોકો સુધી પહોંચાડીને અમે કરોડો ગર્ભવતી મહિલાઓને, બાળકોને અનેક બિમારીઓથી બચાવ્યા છે. આ તમામ પ્રયાસો આજે ગામના, ગરીબોના ખિસ્સામાંથી પૈસા બચાવીને તેમને મજબૂરીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તેમને સંભાવનાઓના આકાશ સાથે જોડી રહ્યા છે. અને મને વિશ્વાસ છે કે સ્વામિત્વ યોજનાની તાકાત મળ્યા પછી ભારતની ગ્રામ અર્થવ્યવસ્થામાં એક નવો અધ્યાય લખાશે.

સાથીઓ,

ભારતમાં એક પરંપરા એવી પણ ચાલતી હતી કે આધુનિક ટેકનોલોજી પહેલાં શહેરોમાં પહોંચી હતી અને ત્યારબાદ ગામડાં સુધી જતી હતી, પરંતુ આ પરંપરાને બદલવાનું કામ કરવામાં આવ્યું છે. હું જ્યારે ગુજરાતનો મુખ્ય મંત્રી હતો ત્યારે ત્યાંની જમીન અંગેની જાણકારીને ઓનલાઈન કરવાની શરૂઆત કરવામાં આવી હતી. સરકાર ટેકનિકના માધ્યમથી ગામડાં સુધી જાય તે માટે ઈ-ગ્રામ સેવા શરૂ કરવામાં આવી હતી. લોકોની સમસ્યાઓના ઉકેલ માટે ગુજરાતે સ્વાગત નામે પહેલ પણ કરી હતી, જે આજે પણ એક ઉદાહરણ છે. તે મંત્ર સાથે આગળ વધીને દેશમાં એવું સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે સ્વામિત્વ યોજના અને ડ્રોન ટેકનોલોજીની તાકાતથી પહેલા ગામડાંને સમૃધ્ધ કરવામાં આવે, ડ્રોન ટેકનોલોજી ઓછામાં ઓછા સમયમાં મુશ્કેલમાં મુશ્કેલ કામ સચોટ રીતે કરી શકે છે. જ્યાં મનુષ્ય જઈ શકે નહીં તેવા કોઈપણ સ્થળે ડ્રોન આસાનીથી જઈ શકે છે. ઘરના મેપીંગ સિવાય પણ સમગ્ર દેશના જમીન સાથે જોડાયેલા રેકોર્ડઝ, સર્વે, ડિમાર્કેશન જેવી પ્રક્રિયાઓને ખૂબ જ અસરકારક રીતે અને પારદર્શક બનાવવામાં ડ્રોન ખૂબ જ કામમાં આવવાના છે. મેપીંગથી માંડીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ખેતીના કામ અને સર્વિસ ડિલીવરીમાં પણ ડ્રોનનો ઉપયોગ હવે વ્યાપક બનશે. તમે ટીવીમાં, અખબારમાં જોયું હશે કે બે દિવસ પહેલાં જ મણિપુરમાં આવા વિસ્તારો સુધી ડ્રોનથી કોરોનાની રસી ઝડપથી પહોંચાડવામાં આવી હતી. જ્યાં માણસોને પહોંચતા ઘણો સમય લાગે છે તે બાબતને ધ્યાનમાં લઈને ગુજરાતમાં ડ્રોનનો ઉપયોગ ખેતરમાં યુરિયા છાંટવા માટે પણ કરવામાં આવ્યો હતો.

ભાઈઓ અને બહેનો,

ડ્રોન ટેકનોલોજીથી ખેડૂતોને, ગરીબોને, દૂર દૂરના વિસ્તારોમાં વસતા લોકોને વધુને વધુ લાભ મળે તે માટે હમણાં જ કેટલાક નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવ્યા છે. આધુનિક ડ્રોન મોટી સંખ્યામાં ભારતમાં જ બને, આ બાબતે પણ ભારત આત્મનિર્ભર બને તે માટે પીએલઆઈ યોજના જાહેર કરવામાં આવી છે. આજે હું આ પ્રસંગે દેશના મહેનતુ વૈજ્ઞાનિકો, ઈજનેરો, સોફ્ટવેર ડેવલપર્સ અને સ્ટાર્ટ-અપ સાથે જોડાયેલા યુવાનોને જણાવીશ કે ભારતમાં ઓછી કિંમતના, સારી ગુણવત્તા ધરાવતા ડ્રોનનું ઉત્પાદન કરવા માટે આગળ આવે. આ ડ્રોન્સ ભારતના ભાગ્યને આકાશની નવી ઊંચાઈએ લઈ જવાનું સામર્થ્ય ધરાવે છે. સરકારે પણ નક્કી કર્યું છે કે ભારતી કંપનીઓ પાસેથી ડ્રોન અને તેની સાથે જોડાયેલી સેવાઓ ખરીદવામાં આવશે. તેનાથી મોટી સંખ્યામાં દેશ- વિદેશની કંપનીઓને ભારતમાં ડ્રોનનું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન પ્રાપ્ત થશે અને તેનાથી નોકરીની તકોમાં પણ વધારો થશે.

સાથીઓ,

આઝાદીના અમૃતકાળ એટલે કે આવનારા 25 વર્ષમાં ગામડાંના આર્થિક સામર્થ્યથી ભારતની વિકાસ યાત્રાને સશક્ત કરવાની છે. તેમાં ટેકનોલોજી સાથે જોડાયેલી માળખાકિય સુવિધાઓ ખૂબ મોટી ભૂમિકા બજાવવાની છે.  મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ આજે ગામડાંના યુવાનોને નવી તકો સાથે જોડી રહ્યા છે. ખેડૂતોને ખેતીની નવી ટેકનિક, નવા પાક, નવા બજાર સાથે જોડવામાં મોબાઈલ ફોન આજે ખૂબ મોટી સુવિધા બની ચૂક્યા છે. આજે ગામડાઓમાં શહેરથી પણ વધુ ઈન્ટરનેટ વાપરનારા લોકો છે. હવે તો દેશના તમામ ગામોને ઓપ્ટીકલ ફાયબર સાથે જોડવાનું કામ પણ ઝડપભેર આગળ ધપી રહ્યું છે. બહેતર  ઈન્ટરનેટ સુવિધાથી ખેતી સિવાય, સારો અભ્યાસ અને સારી દવાઓની સુવિધા પણ ગામડાંના ગરીબોને ઘેર બેઠાં જ સુલભ બને તે શક્ય બનવાનું છે.

સાથીઓ,

ટેકનોલોજીના માધ્યમથી ગામડાંમાં પરિવર્તન લાવવાનું આ અભિયાન માત્ર માહિતી ટેકનોલોજી અથવા ડિજિટલ ટેકનોલોજી સુધી જ મર્યાદિત નથી. અન્ય ટેકનોલોજીનો પણ ગામડાંના વિકાસ માટે ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સૌર ઉર્જાના માધ્યમથી સિંચાઈ અને કમાણીની નવી તકો ગામડાંને ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. બીજે સાથે જોડાયેલા આધુનિક સંશોધનોના કારણે બદલાતી મોસમ અને બદલાતી માંગ મુજબ નવા બીજ ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. નવી સારી રસી દ્વારા પશુઓના આરોગ્યને પણ બહેતર બનાવવાની કોશિષ કરવામાં આવી રહી છે. આવા જ સાર્થક પ્રયાસોથી ગામડાંની સક્રિય ભાગીદારીથી, સૌના પ્રયાસથી આપણે ગામડાંના પૂરા સામર્થ્યને ભારતના વિકાસનો આધાર બનાવીશું. ગામડાં સશક્ત બનશે તો મધ્ય પ્રદેશ પણ સશક્ત બનશે, ભારત પણ સશક્ત બનશે તેવી ઈચ્છા સાથે આપ સૌને ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આવતી કાલથી નવરાત્રિના પવિત્ર પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. આ શક્તિ- સાધના આપ સૌ ઉપર આશીર્વાદ બનીને આવે. દેશ કોરોનાથી જલ્દીમાં જલ્દી મુક્ત બને. આપણે સૌ પણ કોરોના કાળમાં સાવધાની રાખીને પોતાના જીવનને પણ આગળ ધપાવતા રહીએ, જીવનને મસ્તીથી જીવતા રહીએ તેવી શુભેચ્છા સાથે.

ખૂબ ખૂબ ધન્યવાદ!

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India saves Rs 82k crore forex outgo on coal imports

Media Coverage

India saves Rs 82k crore forex outgo on coal imports
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister bows to Sri Ayya Vaikunda Swamikal on his birth anniversary
March 03, 2024

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to Sri Ayya Vaikunda Swamikal on his birth anniversary.

The Prime Minister posted on X;

“On his birth anniversary, I bow to Sri Ayya Vaikunda Swamikal. We are all proud of his innumerable efforts to build a compassionate and harmonious society where the poorest of the poor are empowered. We reiterate our commitment to fulfilling his vision for humanity.”