11 વોલ્યુમોની પ્રથમ શ્રેણીને પ્રકાશિત કરી
પંડિત મદન મોહન માલવિયાના સંપૂર્ણ પુસ્તકનું વિમોચન પોતાનામાં જ ખૂબ જ મહત્વપૂર્ણ છે
"મહામાન આધુનિક વિચારસરણી અને સનાતન સંસ્કૃતિનો સંગમ હતો"
"માલવિયાજીના વિચારોની સુગંધ અમારી સરકારના કામમાં અનુભવી શકાય છે"
"મહામાનાને ભારત રત્ન આપવો એ અમારી સરકારનું સૌભાગ્ય હતું"
"માલવિયાજીના પ્રયાસો દેશની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ પ્રતિબિંબિત થાય છે"
"સુશાસન એટલે સત્તા-કેન્દ્રિત નહીં પણ સેવા-કેન્દ્રિત હોવું"
"ભારત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વપૂર્ણ એવી અનેક સંસ્થાઓનું નિર્માણ કરી રહ્યું છે"

મંત્રીમંડળમાં મારા સાથીદારો શ્રી અનુરાગ ઠાકુરજી, અર્જૂન રામ મેઘવાલજી, મહામના સંપૂર્ણ વાંગમયના મુખ્ય સંપાદક, મારા ખૂબ જૂના મિત્ર રામ બહાદુર રાયજી, મહામના માલવીય મિશનના અધ્યક્ષ પ્રભુ નારાયણ શ્રીવાસ્તવજી, અહીં મંચ પર બિરાજમાન તમામ વરિષ્ઠ સાથીઓ, મહિલાઓ અને સજ્જનો,

સૌથી પહેલા તો આપ સૌને નાતાલની શુભેચ્છાઓ. આજનો દિવસ ભારત અને ભારતીયતામાં વિશ્વાસ રાખનારા કરોડો લોકો માટે પ્રેરણાના પર્વ જેવો છે. આજે મહામના મદન મોહન માલવીયજીની જન્મજયંતિ છે. આજે અટલજીની જન્મજયંતિ પણ છે. આજે આ શુભ અવસર પર હું મહામના માલવીયજીના ચરણોમાં પ્રણામ કરું છું. હું અટલજીને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અટલજીની જન્મજયંતિના ઉપલક્ષ્યમાં આજના દિવસને દેશ ગુડ ગવર્નન્સ ડે એટલે કે સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યો છે. હું સુશાસન દિવસ નિમિત્તે પણ તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવું છું.

 

મિત્રો,

આજે, આ પવિત્ર અવસર પર, પંડિત મદન મોહન માલવીયના સંપૂર્ણ વાંગમયનું (સાહિત્ય) વિમોચન થઇ રહ્યું છે તે પોતાની રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત છે. આ સંપૂર્ણ વાંગમય, મહામનાના વિચારોથી, તેમના આદર્શોથી, તેમના જીવનથી આપણી યુવા પેઢી અને આવનારી પેઢીઓને પરિચિત કરાવવાનું એક શક્તિશાળી માધ્યમ બનશે. આના દ્વારા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને તેના સમકાલીન ઇતિહાસને જાણવા તેમજ સમજવા માટે એક દ્વાર ખુલશે. ખાસ કરીને, સંશોધન વિદ્વાનો, ઇતિહાસ અને રાજનીતિ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે આ વાંગમય કોઇ બૌદ્ધિક ખજાનાથી જરાય ઓછું આંકી શકાય તેમ નથી. BHUની સ્થાપના સાથે સંકળાયેલા પ્રસંગો, કોંગ્રેસના ટોચના નેતૃત્વ સાથે તેમણે કરેલા સંવાદ, બ્રિટિશ શાસન પ્રત્યે તેમનું આકરું વલણ, ભારતના પ્રાચીન વારસા માટેનું તેમનું સન્માન... આ પુસ્તકોમાં કંઇક કેટલુંય સમાવી લેવામાં આવ્યું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આમાંથી એક ખંડ, જેનો રામ બહાદુર રાયજીએ ઉલ્લેખ કર્યો છે, તે મહામનાની એક અંગત ડાયરી સાથે સંકળાયેલો છે. મહામનાની ડાયરી સમાજ, રાષ્ટ્ર અને આધ્યાત્મિકતા જેવા તમામ પરિમાણોમાં ભારતીય જનમાનસને માર્ગદર્શન આપી શકે છે.

મિત્રો, હું જાણું છું કે આ કાર્ય માટે મિશન ટીમ અને આપ સૌ લોકોને કેટલા વર્ષો સુધી મહેનત કરવી પડી છે. દેશના ખૂણે ખૂણેથી માલવીયજીના હજારો પત્રો અને દસ્તાવેજો શોધીને તેમને એકઠા કરવા, આટલી મોટી સંખ્યામાં સંગ્રહોમાંથી દરિયાની જેમ ડૂબકી મારીને તેમાંથી એક-એક કાગળ શોધી કાઢવો, રાજાઓ અને સમ્રાટોના અંગત સંગ્રહમાંથી જૂના કાગળો એકઠા કરવા, આ બધુ જ કોઇ ભગીરથ કાર્ય કરતાં ઓછું નથી. આ અથાક પરિશ્રમનું પરિણામ છે આવ્યું છે કે, મહામનાનું મહાન વ્યક્તિત્વ 11 ખંડના આ સંપૂર્ણ વાંગમયના રૂપમાં આપણી સમક્ષ આવ્યું છે. આ મહાન કાર્ય બદલ હું માહિતી અને પ્રસારણ મંત્રાલયને, મહામના માલવીય મિશનને અને રામ બહાદુર રાયજી તેમજ તેમની ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આમાં અનેક પુસ્તકાલયના લોકો અને મહામના સાથે સંકળાયેલા રહ્યાં હોય તેવા લોકોના પરિવારોએ પણ આમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. હું તે તમામ મિત્રોને પણ હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

 

મારા પરિવારજનો,

મહામના જેવું વ્યક્તિત્વ સદીઓમાં એકાદ વાર જન્મ લે છે. અને આવનારી કેટલીય સદીઓ સુધી દરેક ક્ષણ, દરેક સમય તેમનાથી પ્રભાવિત થાય છે. ભારતની કેટલીય પેઢીઓ મહામનાજીની ઋણી છે. તેઓ શિક્ષણ અને યોગ્યતામાં તે સમયના મહાન વિદ્વાનોની બરાબરી કરતા હતા. તે આધુનિક વિચારધારા અને શાશ્વત સંસ્કારોના સંગમરૂપી  હતા! તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં જેટલી મોટી ભૂમિકા ભજવી હતી, તેટલું જ સક્રીય યોગદાન તેમણે દેશના આધ્યાત્મિક આત્માને જાગૃત કરવામાં પણ આપ્યું હતું. જો તેમની એક નજર વર્તમાન પડકારો પર હોય તો બીજી નજર ભવિષ્યના નિર્માણ પર રહેતી હતી! મહામનાએ જે પણ ભૂમિકા ભજવી હતી, તેમાં તેમણે ‘રાષ્ટ્ર પ્રથમ’ના સંકલ્પને સર્વોપરી રાખ્યો હતો. તેઓ દેશ માટે મોટામાં મોટી તાકાત સાથે પણ લડ્યા હતા. અત્યંત મુશ્કેલ માહોલમાં પણ તેમણે દેશ માટે સંભાવનાઓનાં નવાં બીજ રોપ્યા હતા. મહામનાના આવા અનેક યોગદાન છે, જે હવે સંપૂર્ણ વાંગમયના 11 ખંડ દ્વારા પ્રમાણિત રીતે સામે આવશે. અમે તેમને ભારત રત્ન આપ્યો તેને હું અમારી સરકારનો વિશેષાધિકાર માનું છું કે. અને મારા માટે મહામના બીજા કારણથી પણ ખૂબ જ ખાસ છે. તેમની જેમ ભગવાને મને પણ કાશીની સેવા કરવાની તક આપી છે. અને મારા માટે એ પણ સૌભાગ્યની વાત છે કે, જે વ્યક્તિએ 2014માં ચૂંટણી લડવા માટે મારા નામાંકનનો પ્રસ્તાવ મૂક્યો હતો તેઓ માલવીયજીના પરિવારના જ એક સભ્ય હતા. મહામનાને કાશી પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. આજે કાશી નગરી વિકાસની નવી ઉંચાઇઓને સ્પર્શી રહી છે, તેના વારસાના ગૌરવને પુનઃસ્થાપિત કરી રહી છે.

મારા પરિવારજનો,

આઝાદીના અમૃતકાકાળમાં દેશ ગુલામીની માનસિકતામાંથી મુક્ત થઇને પોતાના વારસાના ગૌરવ સાથે આગળ વધી રહ્યો છે. અમારી સરકારના કાર્યોમાં ક્યાંકને ક્યાંક તમને માલવીયજીના વિચારોની સુગંધનો જરૂર અહેસાસ થશે. માલવીયજીએ આપણને એવા રાષ્ટ્રની દૂરંદેશી આપી હતી જેમાં તેની પ્રાચીન આત્મા તેના આધુનિક શરીરમાં સુરક્ષિત અને સંરક્ષિત રહે. જ્યારે અંગ્રેજોના વિરોધમાં દેશમાં શિક્ષણના બહિષ્કારનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે માલવીયજી એ વિચારની વિરુદ્ધમાં ઊભા હતા, તેઓ એ વિચારની વિરુદ્ધ હતા. તેમણે કહ્યું હતું કે, આપણે શિક્ષણનો બહિષ્કાર કરવાને બદલે ભારતીય મૂલ્યો પર આધારિત સ્વતંત્ર શિક્ષણ વ્યવસ્થાનું નિર્માણ કરવા તરફ આગળ વધવું જોઇએ. અને મજા વાત તો જુઓ, તેની જવાબદારી પણ તેમણે પોતે જ ઉપાડી હતી, અને દેશને બનારસ હિંદુ યુનિવર્સિટીના રૂપમાં એક ગૌરવશાળી સંસ્થા આપી હતી. તેમણે ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ જેવી સંસ્થાઓમાં ભણતા યુવાનોને BHU આવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. અંગ્રેજીના મહાન વિદ્વાન હોવા છતાં, મહામના ભારતીય ભાષાઓના પ્રબળ સમર્થક હતા. એક સમય એવો હતો જ્યારે દેશની વ્યવસ્થા અને અદાલતોમાં ફારસી તેમજ અંગ્રેજી ભાષાઓનો દબદબો હતો. માલવીયજીએ આની સામે પણ અવાજ ઉઠાવ્યો હતો. તેમણે કરેલા પ્રયાસોના પરિણામે જ નાગરી લિપિ ચલણમાં આવી અને ભારતીય ભાષાઓને સન્માન મળ્યું. આજે, દેશની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ માલવીયજીના આ પ્રયાસો પ્રતિબિંબિત થાય છે. અમે ભારતીય ભાષાઓમાં ઉચ્ચ શિક્ષણની નવી શરૂઆત કરી છે. આજે સરકાર અદાલતોમાં પણ ભારતીય ભાષાઓમાં કામકાજને પ્રોત્સાહન આપી રહી છે. દુઃખની વાત એ છે કે આ કામ માટે દેશને 75 વર્ષ સુધી રાહ જોવી પડી.

 

મિત્રો,

કોઇપણ દેશને મજબૂત બનાવવામાં તેની સંસ્થાઓનું પણ એટલું જ મહત્વ હોય છે. માલવીયજીએ પોતાના જીવનમાં ઘણી એવી સંસ્થાઓ ઉભી કરી હતી જ્યાં રાષ્ટ્રીય વ્યક્તિત્વોનું સર્જન થયું હતું. બનારસ હિન્દુ યુનિવર્સિટી વિશે તો આખી દુનિયા જાણે છે. સાથે જ, મહામનાએ બીજી પણ ઘણી સંસ્થાઓ બનાવી હતી. હરિદ્વારમાં ઋષિકુલ બ્રહ્મચાર્યશ્રમ હોય, પ્રયાગરાજમાં ભારતી ભવન પુસ્તકાલય હોય કે પછી લાહોરમાં સનાતન ધર્મ કોલેજની સ્થાપના હોય, માલવીયજીએ રાષ્ટ્ર નિર્માણ માટે ઘણી સંસ્થાઓ દેશને સમર્પિત કરી છે. જો આપણે તે સમયગાળા સાથે સરખામણી કરીએ, તો આપણને જોવા મળે છે કે આજે ફરી એકવાર ભારત રાષ્ટ્ર નિર્માણ માટે એકથી એક ચઢિયાતી સંસ્થાઓનું નિર્માણ કરી રહ્યું છે. સહકારિતાની શક્તિથી દેશના વિકાસને ગતિ આપવા માટે એક અલગ સહકારિતા મંત્રાલય પણ બનાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે ભારતીય ચિકિત્સા પદ્ધતિના વિકાસ માટે અલગ આયુષ મંત્રાલયની સ્થાપના કરી છે. જામનગરમાં WHO વૈશ્વિક પરંપરાગત ચિકિત્સા કેન્દ્રનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. શ્રી અન્ન એટલે કે બરછટ ધાન્ય પર સંશોધન માટે, અમે ભારતીય બરછટ ધાન્ય સંશોધન સંસ્થાની રચના કરી છે. તાજેતરમાં જ, ભારતે ઉર્જા ક્ષેત્રે વૈશ્વિક મુદ્દાઓ વિશે વિચાર કરવા માટે વૈશ્વિક જૈવ ઇંધણ ગઠબંધનની પણ રચના કરી છે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન હોય કે પછી આપદા પ્રતિરોધક માળખાકીય સુવિધા સંગઠનની વાત હોય, ગ્લોબલ સાઉથ માટે DAKSHIN (દક્ષિણ)ની રચના કરવાની હોય કે પછી ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર, અવકાશ ક્ષેત્ર માટે ઇન-સ્પેસનું નિર્માણ કરવાનું હોય અથવા તો નૌકા ક્ષેત્રમાં સાગર પહેલની શરૂઆત કરવાની હોય, ભારત આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની અનેક સંસ્થાઓનું સર્જક બની રહ્યું છે. આ સંસ્થાઓ માત્ર 21મી સદીના ભારતને જ નહીં પરંતુ 21મી સદીના વિશ્વને પણ નવી દિશા આપવાનું કામ કરશે.

મિત્રો,

મહામના અને અટલજી, બંને એક જ વિચારોના પ્રવાહ સાથે જોડાયેલા હતા. મહામના માટે, અટલજીએ કહ્યું હતું કે - 'જ્યારે કોઇ પણ વ્યક્તિ સરકારી મદદ વગર કંઇક કરવા નીકળશે, ત્યારે મહામનાનું વ્યક્તિત્વ અને તેમનું કાર્ય એક દીવાદાંડીની જેમ તેના માર્ગને પ્રકાશિત કરશે'. આજે દેશ તે સપનાંઓને સાકાર કરવામાં વ્યસ્ત છે જેને માલવીયજી, અટલજી અને દેશના દરેક સ્વાતંત્ર્ય સેનાનીએ જોયા હતા. આનો આધાર અમે સુશાસનને બનાવ્યો છે. સુશાસનનો અર્થ એવો થાય છે કે, જ્યારે શાસનના કેન્દ્રમાં સત્તા ન હોય, સત્તાભાવ ન હોય પરંતુ સેવાભાવ હોય. જ્યારે સ્પષ્ટ નીતિ અને સંવેદનશીલતા સાથે નીતિઓ ઘડવામાં આવે છે... અને જ્યારે દરેક હકદાર વ્યક્તિને કોઇપણ ભેદભાવ વિના તેના સંપૂર્ણ અધિકારો મળે છે તેને સુશાસન કહેવાય છે. સુશાસનનો આ સિદ્ધાંત આજે આપણી સરકારની ઓળખ બની ગયો છે.

અમારી સરકારનો એકધારો એવો પ્રયાસ રહ્યો છે કે, દેશના નાગરિકોને મૂળભૂત સુવિધાઓ માટે જ્યાં-ત્યાં દોડધામ કરવાની જરૂર ન પડે. તેના બદલે સરકાર આજે વ્યક્તિગત રીતે દરેક નાગરિક પાસે જઇને તેમને દરેક સુવિધા પૂરી પાડી રહી છે. અને હવે અમારો પ્રયાસ આવી દરેક સુવિધાને સંતૃપ્તિના સ્તર સુધી લઇ જવાનું સુનિશ્ચિત કરવાનો અને તેનો 100 ટકા અમલ કરવાનો છે. આના માટે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચલાવવામાં આવી રહી છે. તમે એ પણ જોયું હશે કે મોદીની ગેરંટી વાળી ગાડી દેશનાં ગામડાંઓ અને શહેરોમાં પહોંચી રહી છે. લાભાર્થીઓને સ્થળ પર જ અનેક યોજનાઓનો લાભ મળી રહ્યો છે. ચાલો, હું તમને એક ઉદાહરણ આપું છું. આજે કેન્દ્ર સરકાર દરેક ગરીબને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર માટે આયુષ્માન કાર્ડ આપે છે. પાછલાં વર્ષોમાં કરોડો ગરીબોને આ કાર્ડ આપવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં પણ, ઘણા વિસ્તારોમાં જાગૃતિના અભાવે આ આયુષ્માન કાર્ડ ગરીબો સુધી પહોંચી શક્યા નથી. હવે મોદીની ગેરંટી વાળા વાહને માત્ર 40 દિવસમાં દેશમાં એક કરોડથી વધુ નવાં આયુષ્માન કાર્ડ બનાવ્યા છે, તે લોકોને શોધ્યા છે અને તેમને સોંપવામાં આવ્યા છે. કોઇપણ વ્યક્તિ રહી જવી જોઇએ નહીં... કોઇ પાછળ રહી જવું જોઇએ નહીં... સૌનો સાથ હોય, સૌનો વિકાસ હોય...આ જ તો સુશાસન છે, આ જ તો ગુડ ગવર્નન્સ છે.

 

મિત્રો,

સુશાસનનું બીજું એક પાસું પ્રમાણિકતા અને પારદર્શિતા છે. આપણા દેશમાં લોકોના મનમાં એક એવી ધારણા બંધાઇ ગઇ હતી કે મોટા કૌભાંડો અને ગોટાળા કર્યા વગર સરકાર ચાલી શકે નહીં. 2014 પહેલાં આપણે લાખો કરોડ રૂપિયાના મોટા કૌભાંડની વાતો સાંભળતા હતા. પરંતુ અમારી સરકાર અને તેના સુશાસને આશંકાઓથી ભરેલી આ કલ્પનાઓને તોડી નાખી છે. આજે લાખો કરોડો રૂપિયાની ગરીબ કલ્યાણની યોજનાઓની ચર્ચા કરવામાં આવે છે. અમે ગરીબોને મફત રાશનની યોજના પર 4 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છીએ. અમારી સરકાર ગરીબોને પાકા ઘર આપવા માટે 4 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. દરેક ઘરમાં નળનું પાણી પહોંચાડવા માટે 3 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પ્રામાણિક કરદાતાનો એક એક પૈસો જનહિત અને રાષ્ટ્રના હિતમાં ખર્ચાવો જોઇએ... આ જ તો સુશાસન છે.

અને મિત્રો,

જ્યારે કામ પ્રમાણિકતા સાથે કરવામાં આવે અને આ રીતે નીતિઓ ઘડવામાં આવે તો પરિણામ પણ પ્રાપ્ત થાય છે. આ સુશાસનનું પરિણામ એ આવ્યું છે કે અમારી સરકાર આવી તેના માત્ર 5 વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.

 

મિત્રો,

સંવેદનશીલતા વિના સુશાસનની કલ્પના કરી શકાતી નથી. આપણે ત્યાં 110થી પણ વધુ એવા જિલ્લાઓ હતા જે પછાત ગણવામાં આવતા હતા અને તેને પોતાની સ્થિતિ પર છોડી દેવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવતું હતું કે આ 110 જિલ્લા પછાત હોવાથી દેશ પણ પછાત રહેશે. જ્યારે કોઇપણ અધિકારીને શિક્ષા તરીકે નિયુક્તિ આપવાની હોય ત્યારે તેમને આ જિલ્લાઓમાં મોકલી દેવામાં આવતા હતા. એવું માની લેવામાં આવ્યું હતું કે આ 110 જિલ્લામાં કંઇપણ બદલાઇ શકે તેમ નથી. આ વિચાર સાથે ન તો આ જિલ્લાઓ ક્યારેય પ્રગતિ કરી શક્યા હોત અને ન તો દેશનો વિકાસ થઇ શક્યો હોત. તેથી, અમારી સરકારે આ 110 જિલ્લાઓને મહત્ત્વાકાંક્ષી જિલ્લા તરીકે માન્યતા આપી છે. અમે મિશન મોડ પર આ જિલ્લાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આજે, આ મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ વિકાસના ઘણા માપદંડો પર અન્ય જિલ્લાઓ કરતાં ઘણું સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ ભાવનાને આગળ વધારીને, આજે અમે મહત્ત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમ પર કામ કરી રહ્યા છીએ.

મિત્રો,

જ્યારે વિચાર અને અભિગમ બદલાય ત્યારે પરિણામોમાં પણ પરિવર્તન આવે છે. દાયકાઓ સુધી સરહદ પરના આપણાં ગામડાઓને છેલ્લાં ગામો તરીકે ઓળખવામાં આવતા હતા. અમે તેમને દેશનું પ્રથમ ગામ હોવાનો વિશ્વાસ અપાવ્યો. અમે સરહદી ગામોમાં વાઇબ્રન્ટ વિલેજ યોજના શરૂ કરી. આજે સરકારના અધિકારીઓ અને મંત્રીઓ ત્યાં જઇ રહ્યાં છે, ત્યાનાં લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે. મેં મારા મંત્રીમંડળના મંત્રીઓ માટે ફરજિયાત કર્યું હતું કે, જેને અત્યાર સુધી છેલ્લું ગામ કહેવામાં આવતું, જેને હું પહેલું ગામ કહું છું, ત્યાં તેઓ રાત્રે વિશ્રામ કરે અને તેઓ ત્યાં ગયા પણ ખરા. કેટલાક તો 17-17 હજાર ફૂટની ઊંચાઇએ ગયા હતા.

 

આજે સરકારી યોજનાઓનો લાભ ત્યાં ઝડપથી પહોંચી રહ્યો છે. આ સુશાસન નથી તો પછી બીજું શું છે? આજે દેશમાં કોઇ પણ દુ:ખદ દુર્ઘટના હોય કે પછી આપદા હોય, સરકાર ઝડપી ગતિએ રાહત અને બચાવ કામગીરીમાં લાગી જાય છે. આપણે કોરોનાના સમયગાળા દરમિયાન આ બધું જોયું છે, અમે યુક્રેન યુદ્ધ દરમિયાન પણ આ જોયું છે. દુનિયામાં ક્યાંય પણ કોઇ મુશ્કેલી હોય તો દેશ પોતાના નાગરિકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરે છે. હું સુશાસનના આવા ઘણાં ઉદાહરણો આપી શકું છું. શાસનમાં આવેલું આ પરિવર્તન હવે સમાજની વિચારસરણીને પણ બદલી રહ્યું છે. આથી જ, આજે ભારતમાં જનતા અને સરકાર વચ્ચેનો વિશ્વાસ નવી ઊંચાઇએ પહોંચી ગયો છે. આ વિશ્વાસ દેશના આત્મવિશ્વાસમાં પ્રતિબિંબિત થઇ રહ્યો છે. અને આ આત્મવિશ્વાસ આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે ઉર્જા બની રહ્યો છે.

મિત્રો,

આઝાદીના અમૃતકાળમાં આપણે મહામના અને અટલજીના વિચારોને કસોટી માનીને વિકસિત ભારતના સપના માટે કામ કરવાનું છે. મને વિશ્વાસ છે કે, દેશનો દરેક સંકલ્પથી સિદ્ધિના આ માર્ગ પર પોતાનું સંપૂર્ણ યોગદાન આપશે. આ ઇચ્છા સાથે, ફરી એકવાર મહામનાના શ્રી ચરણોમાં પ્રણામ કરીને હું મારી વાણીને વિરામ આપુ છુ, ખૂબ ખૂબ આભાર!

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Jal Jeevan Mission: 160 mn rural families have access to tap water now

Media Coverage

Jal Jeevan Mission: 160 mn rural families have access to tap water now
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi greets on occasion of Air Force Day
October 08, 2024

The Prime Minister, Shri Narendra Modi has conveyed his greetings to India’s brave air warriors on occasion of Air Force Day.

The Prime Minister posted on X:

“Air Force Day greetings to our brave air warriors. Our Air Force is admired for their courage and professionalism. Their role in protecting our nation is extremely commendable.”