રાજકોટ, બઠિંડા, રાયબરેલી, કલ્યાણી અને મંગલાગિરીમાં પાંચ એઈમ્સનું લોકાર્પણ કર્યું
23 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં રૂ. 11,500 કરોડથી વધુના મૂલ્યના 200થી વધુ હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
પૂણેમાં 'નિસર્ગ ગ્રામ' નામની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથીનું ઉદઘાટન કર્યું
આશરે રૂ. 2280 કરોડની કિંમતના કર્મચારી રાજ્ય વીમા નિગમની 21 પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું
પુનઃપ્રાપ્ય ઊર્જાના વિવિધ પ્રોજેક્ટોનો શિલાન્યાસ કર્યો
9000 કરોડથી વધુના મૂલ્યની નવી મુન્દ્રા-પાણીપત પાઇપલાઇન પ્રોજેક્ટ માટે શિલારોપણ કર્યું
"અમે સરકારને દિલ્હીની બહાર લઈ જઈ રહ્યા છીએ અને દિલ્હીની બહાર મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યક્રમો યોજવાનું વલણ વધી રહ્યું છે"
"નવું ભારત ઝડપથી કામગીરી પૂર્ણ કરી રહ્યું છે"
"હું જોઈ શકું છું કે પેઢીઓ બદલાઈ ગઈ છે, પરંતુ મોદી પ્રત્યેનો સ્નેહ કોઈ પણ વયમર્યાદાથી આગળ છે"
"જળમગ્ન દ્વારકાનાં દર્શન સાથે વિકાસ અને વિરાસત માટેનાં મારાં સંકલ્પને નવી તાકાત મળી છે. વિકસિત ભારતના મારા ધ્યેયમાં દૈવી શ્રદ્ધાનો ઉમેરો થયો છે"
"7 દાયકામાં 7 એઈમ્સને મંજૂરી આપવામાં આવી હતી, જેમાંથી કેટલીક એઈમ્સ ક્યારેય પૂર્ણ થઈ ન હતી. છેલ્લાં 10 દિવસમાં 7 એઈમ્સનું ઉદઘાટન કે શિલાન્યાસ થયું છે"
"જ્યારે મોદી ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનાવવાની બાંયધરી આપે છે, ત્યારે તેનો ધ્યેય બધા માટે આરોગ્ય અને બધા માટે સમૃદ્ધિ છે"

ભારત માતાની જય!

ભારત માતાની જય!

મંચ પર ઉપસ્થિત ગુજરાતનાં લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રમાં મંત્રીમંડળમાં મારા સાથીદાર મનસુખ માંડવિયા, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષનાં અધ્યક્ષ અને સંસદમાં મારા સાથીદાર સી આર પાટિલ, મંચ પર ઉપસ્થિત અન્ય તમામ વરિષ્ઠ મહાનુભાવો તથા રાજકોટમાં મારાં ભાઈઓ અને બહેનો, નમસ્કાર.

આજના આ કાર્યક્રમથી દેશનાં અનેક રાજ્યોમાંથી બહુ મોટી સંખ્યામાં અન્ય લોકો પણ જોડાયા છે. ઘણાં રાજ્યોનાં માનનીય મુખ્યમંત્રીઓ, માનનીય રાજ્યપાલ શ્રીઓ, ધારાસભ્યો, સાંસદો, કેન્દ્ર સરકારનાં મંત્રીઓ – આ તમામ આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ સાથે આપણી સાથે જોડાયેલાં છે. હું એ તમામને હૃદયપૂર્વક ખૂબ અભિનંદન આપું છું.

એક સમય એવો હતો, જ્યારે દેશનાં તમામ મુખ્ય કાર્યક્રમોનું આયોજન દિલ્હીમાં જ થતું હતું. મેં ભારત સરકારને દિલ્હીની બહાર કાઢીને દેશનાં ખૂણેખૂણે પહોંચાડી દીધી છે અને આજે રાજકોટ પહોંચી ગઈ છે. આજનો આ કાર્યક્રમ પણ એ જ વાતનો સાક્ષી છે. આજે આ એક કાર્યક્રમથી દેશનાં અનેક શહેરોમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ થવો, એક નવી પરંપરાને આગળ વધારે છે. થોડાં દિવસો અગાઉ હું જમ્મુ કાશ્મીરમાં હતો. ત્યાંથી મેં આઇઆઇટી ભિલાઈ, આઇઆઇટી તિરુપતિ, ટ્રિપલ આઈટી ડીએમ કૂરનૂલ, આઇઆઇએમ બોધગયા, આઇઆઇએમ જમ્મુ, આઇઆઇએમ વિશાખાપટનમ અને આઇઆઇએસ કાનપુરનાં કેમ્પસનું એકસાથે જમ્મુમાંથી લોકાર્પણ થયું હતું. અને હવે આજે અહીં રાજકોટથી – એમ્સ રાજકોટ, એમ્સ રાયબરેલી, એમ્સ મંગલગિરી, એમ્સ ભટિન્ડા, એમ્સ કલ્યાણનું લોકાર્પણ થયું છે. પાંચ એમ્સ, વિકસિત થઈ રહેલાં ભારત, આવી જ ઝડપથી કામ કરી રહ્યું છે, કામ પૂર્ણ કરી રહ્યું છે એનું પ્રતીક છે.

 

સાથીદારો,

આજે હું રાજકોટ આવ્યો છું અને મને અનેક જૂની વાતો પણ યાદ આવી રહી છે. મારાં જીવનમાં કાલનો દિવસ વિશેષ હતો. મારી ચૂંટણી યાત્રાની શરૂઆતમાં રાજકોટની બહુ મોટી ભૂમિકા છે. 22 વર્ષ અગાઉ 24 ફેબ્રુઆરીનાં રોજ રાજકોટે મને પહેલી વાર આશીર્વાદ આપ્યાં હતાં, પોતાનાં ધારાસભ્ય તરીકે ચૂંટ્યો હતો. અને આજે 25 ફેબ્રુઆરીનાં દિવસે મેં પહેલી વાર રાજકોટનાં ધારાસભ્ય તરીકે ગાંધીનગર વિધાનસભામાં શપથ લીધા હતા, જીવનમાં પહેલી વાર. ત્યારે તમે મને તમારાં પ્રેમ, વિશ્વાસનો ઋણી બનાવી દીધો હતો. પરંતુ આજે 22 વર્ષ પછી હું રાજકોટનાં એક-એક પરિવારજનને ગર્વ સાથે કહી શકું છું કે મેં તમારાં ભરોસા પર ખરાં ઉતરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે.

અત્યારે આખો દેશ એટલો પ્રેમ આપી રહ્યો છે, એટલાં આશીર્વાદ આપી રહ્યો છે, તો તેના યશના હકદાર આ રાજકોટ પણ છે. આજે જ્યારે સંપૂર્ણ દેશ, ત્રીજી વાર – રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)ની સરકારને આશીર્વાદ આપી રહી છે, આજે જ્યારે આખો દેશ, આ ચૂંટણીમાં 400થી વધારે બેઠકોનો વિશ્વાસ, 400થી વધારે બેઠકોનો વિશ્વાસ કરી રહ્યો છે. ત્યારે હું ફરી રાજકોટના એક-એક પરિવારજન સમક્ષ મારું શિશ ઝુકાવીને નમન કરું છું. હું જોઈ રહ્યો છું કે, પેઢીઓ બદલાઈ ગઈ છે, પણ મોદી માટે પ્રેમ દરેક વયમર્યાદાથી પર છે. આ જે તમારું ઋણ છે, તેને હું વ્યાજસહિત, વિકાસ કરીને ચુકવવાનો પ્રયાસ કરી રહ્યો છું.

સાથીદારો,

હું તમારા બધાની ક્ષમા માંગુ છું, અને તમામ અલગ-અલગ રાજ્યોમાં માનનીય મુખ્યમંત્રી અને ત્યાંનાં જે નાગરિકો બેઠાં છે, હું એ તમામની પણ ક્ષમાયાચના કરું છું, કારણ કે મને આજે અહીં આવવામાં થોડું મોડું થઈ ગયું, તમારે રાહ જોવી પડી. પણ એની પાછળ કારણ એ હતું કે આજે હું દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરીને, તેમને પ્રણામ કરીને રાજકોટ આવ્યો છું. દ્વારકાથી બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુનું લોકાર્પણ પણ મેં કર્યું છે. દ્વારકાની આ સેવાની સાથે સાથે જ આજે મને અદ્ભૂત આધ્યાત્મિક સાધનાનો લાભ પણ મળ્યો છે. પ્રાચીન દ્વારકા, જેનાં વિશે હું કહું છું કે, એને ભગવાન શ્રીકૃષ્ણે પોતે વસાવી હતી, આજે એ દરિયામાં ડૂબી ગઈ છે. આજે મારું સૌભાગ્ય હતું કે, હું દરિયાની અંદર જઈને બહુ ઊંડાઈમાં ગયો અને અંદર જઈને મને એ દરિયામાં ડૂબેલી શ્રીકૃષ્ણની દ્વારકા, તેનું દર્શન કરવાનો અને જે અવશેષો છે, એને સ્પર્શ કરીને જીવનને ધન્ય બનાવવા, એનું પૂજન કરવાનું, ત્યાં થોડી ક્ષણો પસાર કરીને પ્રભુ શ્રીકૃષ્ણનું સ્મરણ કરવાનું સૌભાગ્ય મળ્યું. મારાં મનમાં લાંબા સમયથી એ ઇચ્છા હતી કે, ભગવાન કૃષ્ણએ વસાવેલી દ્વારકા ભલે પાણીની અંદર હોય, પણ એક દિવસ હું ત્યાં જરૂર જઈશ, મારું શિશ ઝુકાવીશ અને તે સૌભાગ્ય આજે મને મળ્યું. પ્રાચીન ગ્રંથોમાં દ્વારકા વિશે અભ્યાસ કરવો, પુરાતત્વ નિષ્ણાતોનાં સંશોધનોની જાણકારી મેળવવી, આ તમામ બાબતો આપણને ચકિત કરી દે છે. આજે દરિયાની અંદર જઈને મેં એ જ દ્રશ્ય મારી આંખોથી જોયું, એ પવિત્ર ભૂમિનો સ્પર્શ કર્યો. મેં પૂજન સાથે જ ત્યાં મોરપિચ્છ પણ અર્પિત કર્યું. એ અનુભવે મને કેટલો ભાવવિભોર કર્યો – એ શબ્દોમાં બયાન કરવું મારાં માટે મુશ્કેલ છે. દરિયામાં ઊંડે પાણીમાં હું એ જ વિચાર કરી રહ્યો હતો કે, આપણાં ભારતનો વૈભવ, એનાં વિકાસનું સ્તર કેટલું ઊંચું રહ્યું છે. જ્યારે હું દરિયામાંથી બહાર નીકળ્યો, ત્યારે ભગવાન કૃષ્ણનાં આશીર્વાદની સાથે સાથે હું દ્વારકાની પ્રેરણા પણ મારી સાથે લઈને આવ્યો છું. વિકાસ અને વારસાનાં મારાં સંકલ્પોને આજે એક નવી તાકાત મળી છે, એક નવી ઊર્જા મળી છે, વિકસિત ભારતનાં મારાં લક્ષ્યાંકથી આજે દૈવી વિશ્વાસ એની સાથે જોડાઈ ગયો છે.

 

સાથીદારો,

આજે પણ અહીં 48 હજાર કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ પ્રકલ્પો તમને, સંપૂર્ણ દેશને મળ્યાં છે. આજે ન્યૂ મુંદ્રા-પાણીપત પાઇપલાઇન પ્રકલ્પનો શિલાન્યાસ થયો છે. એનાથી ગુજરાતથી કાચું તેલ સીધું હરિયાણાની રિફાઇનરી સુધી પાઇપથી પહોંચશે. આજે રાજકોટ સહિત સંપૂર્ણ સૌરાષ્ટ્રનો રોડ, એનાં પુલો, રેલવે લાઇનનું ડબલિંગ, વીજળી, સ્વાસ્થ્ય અને શિક્ષણ સહિત અનેક સુવિધાઓ પણ મળી છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પછી હવે એમ્સ પણ રાજકોટને સમર્પિત થઈ છે અને આ માટે રાજકોટને, સંપૂર્ણ સૌરાષ્ટ્રને, સંપૂર્ણ ગુજરાતને ખૂબ-ખૂબ અભિનંદન! દેશમાં જે જે સ્થાનો પર આજે આ એમ્સ સમર્પિત થઈ રહી છે, ત્યાંનાં તમામ નાગરિકો, ભાઈઓ-બહેનોને મારી તરફથી બહુ જ શુભેચ્છા.

સાથીદારો,

આજનો દિવસ ફક્ત રાજકોટ અને ગુજરાત માટે જ નહીં, પરંતુ આખા દેશ માટે પણ ઐતિહાસિક છે. દુનિયાનાં પાંચમા સૌથી મોટાં અર્થતંત્રનું આરોગ્ય ક્ષેત્ર કેવું હોવું જોઈએ? વિકસિત ભારતમાં સ્વાસ્થ્ય સુવિધાઓનું કેવું હશે? આની એક ઝાંખી આજે આપણે રાજકોટમાં જોઈ રહ્યાં છીએ. આઝાદીનાં 50 વર્ષ સુધી દેશમાં ફક્ત એક એમ્સ હતી અને એ પણ દિલ્હીમાં. આઝાદીનાં સાત દાયકાઓમાં ફક્ત 7 એમ્સને મંજૂરી આપવામાં આવી, પરંતુ તેનું પણ નિર્માણ ક્યારેય પૂર્ણ ન થયું. અને આજે જુઓ, ફક્ત 10 દિવસમાં, 10 દિવસની અંદર, 7 નવી એમ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. એટલે જ હું કહું છું કે, જે કામ છથી સાત દાયકાઓની અંદર ન થયું, એનાથી અનેકગણી ઝડપથી અમે દેશનો વિકાસ કરીને, દેશની જનતાનાં ચરણોમાં સમર્પિત કરી રહ્યાં છીએ. આજે 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 200થી વધારે આરોગ્યની સારસંભાળ રાખવા માટે માળખાગત પ્રકલ્પોનો પણ શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. તેમાં મેડિકલ કૉલેજો છે, મોટી હોસ્પિટલોનાં સેટેલાઇટ કેન્દ્ર છે, ગંભીર બિમારીઓ માટે સારવાર સાથે જોડાયેલી મોટી હોસ્પિટલો છે.

સાથીદારો,

આજે દેશ કહી રહ્યો છે, મોદીની ગેરેન્ટી એટલે ગેરન્ટી પૂર્ણ થવાની ગેરેન્ટી. મોદીની ગેરન્ટી પર આ અતૂટ ભરોસો, કેમ છે, એનો જવાબ પણ એમ્સમાંથી મળશે. મેં રાજકોટને ગુજરાતની પ્રથમ એમ્સની ગેરન્ટી આપી હતી. ત્રણ વર્ષ અગાઉ શિલાન્યાસ કર્યો અને આજે લોકાર્પણ કર્યું – તમારાં સેવકે ગેરન્ટી પૂરી કરી દીધી. મેં પંજાબને પોતાની એમ્સની ગેરેન્ટી આપી હતી, ભટિન્ટા એમ્સનો શિલાન્યાસ પણ મેં કર્યો હતો અને આજે લોકાર્પણ પણ હું જ કરી રહ્યો છું – તમારાં સેવકે ગેરન્ટી પૂરી કરી દીધી. મેં ઉત્તરપ્રદેશના રાયબરેલીને એમ્સની ગેરેન્ટી આપી હતી. કોંગ્રેસનાં શાહી પરિવારે રાયબરેલીમાં ફક્ત રાજનીતિ કરી, કામ મોદીએ કર્યું. મેં રાયબરેલી એમ્સને પાંચ વર્ષ અગાઉ શિલાન્યાસ કર્યો હતો અને આજે લોકાર્પણ કર્યું છે. તમારાં આ સેવકે ગેરેન્ટી પૂરી કરી દીધી. મેં પશ્ચિમ બંગાળને પ્રથમ એમ્સની ગેરેન્ટી આપી હતી, આજે કલ્યાણી એમ્સનું લોકાર્પણ પણ થયું – તમારાં સેવકે ગેરન્ટી પૂરી કરી દીધી. મેં આંધ્રપ્રદેશને પ્રથમ એમ્સની ગેરન્ટી આપી હતી, આજે મંગલગિરી એમ્સનું લોકાર્પણ થયું – તમારાં સેવકે ગેરન્ટી પૂરી કરી દીધી. મેં હરિયાણાના રેવાડીને એમ્સની ગેરન્ટી આપી હતી, થોડાં દિવસો અગાઉ, 16 ફેબ્રુઆરીનાં રોજ એનો શિલાન્યાસ થયો છે. એટલે તમારાં સેવકે આ ગેરેન્ટી પણ પૂરી કરી દીધી. છેલ્લાં 10 વર્ષ દરમિયાન અમારી સરકારે 10 નવી એમ્સને દેશનાં અલગ-અલગ રાજ્યોમાં મંજૂરી આપી છે. એક સમયે રાજ્યોનાં લોકોનાં કેન્દ્ર સરકાર સમક્ષ એમ્સની માંગણી કરતાં કરતાં થાકી જતાં હતાં. આજે એક પછી એક દેશમાં એમ્સ જેવી આધુનિક હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખુલી રહી છે. એટલે તો દેશ કહે છે – જ્યાં બીજા લોકો પાસે આશા ઠગારી નીવડે છે, ત્યાંથી મોદીની ગેરન્ટી શરૂ થાય છે.

 

સાથીદારો,

ભારતે કોરોનાને કેવી રીતે હંફાવ્યો કે હરાવ્યો, એની ચર્ચા આજે આખી દુનિયામાં થઈ રહી છે. આપણે એ એટલી કરી શક્યાં, કારણ કે છેલ્લાં 10 વર્ષ દરમિયાન ભારતની હેલ્થકેર સિસ્ટમ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે, એની કાયાપલટ થઈ ગઈ છે. ગત દાયકા દરમિયાન એમ્સ, મેડિકલ કૉલેજ અને ક્રિટિકલ કેર માળખાગત સુવિધાઓનાં નેટવર્કનો અભૂતપૂર્વ રીતે વધારો થયો છે. અમે નાની-નાની બિમારીઓ માટે ગામડેગામડે દોઢ લાખથી વધારે આયુષ્માન આરોગ્ય મંદિર બનાવ્યાં છે, દોઢ લાખથી વધારે. 10 વર્ષ અગાઉ દેશમાં લગભગ 380થી 390 મેડિકલ કૉલેજ હતી, આજે 706 મેડિકલ કૉલેજ છે. 10 વર્ષ અગાઉ એમબીબીએસની બેઠકો લગભગ 50 હજાર હતી, અત્યારે 1 લાખથી વધારે છે. 10 વર્ષ અગાઉ મેડિકલનાં પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે બેઠકો લગભગ 50 હજાર હતી, અત્યારે 70 હજારથી વધારે છે. આગામી થોડાં વર્ષોમાં ભારતમાં જેટલાં યુવાન ડૉક્ટર બનવા જઈ રહ્યાં છે, એટલાં આઝાદી પછી 70 વર્ષમાં પણ બન્યાં નથી. અત્યારે દેશમાં 64 હજાર કરોડ રૂપિયાનું આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અભિયાન ચાલી રહ્યું છે. આજે પણ અહી અનેક મેડિકલ કૉલેજ, ટીબીની સારવાર સાથે સંબંધિત હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર, પીજીઆઈનાં સેટેલાઇટ સેન્ટર, ક્રિટિકલ કેર બ્લોક્સ – આ પ્રકારનાં અનેક પ્રકલ્પોનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. આજે ઇએસઆઇસીની ડઝન હોસ્પિટલો પણ રાજ્યોને મળી છે.

સાથીદારો,

અમારી સરકારની પ્રાથમિકતા, બિમારીથી બચાવ અને બિમારી સામે લડવાની ક્ષમતા વધારવાની પણ છે. અમે પોષણ પર ભાર મૂક્યો છે, યોગ-આયુષ અને સ્વચ્છતા પર ભાર મૂક્યો છે, જેથી બિમારીથી બચી શકાય. અમે પારંપરિક ભારતીય ચિકિત્સા પદ્ધતિ અને આધુનિક ચિકિત્સા – એમ બંનેને પ્રોત્સાહન આપ્યું છે. આજે જ મહારાષ્ટ્ર અને હરિયાણામાં યોગ અને નેચરોપેથી સાથે જોડાયેલી બે મોટી હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રનું પણ ઉદ્ઘાટન થયું છે. અહીં ગુજરાતમાં જ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ સાથે જોડાયેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)નું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર પણ આકાર લઈ રહ્યું છે.

સાથીદારો,

અમારી સરકારનો આ સતત પ્રયાસ છે કે, ગરીબો હોય કે મધ્યમ વર્ગ હોય – તેને શ્રેષ્ઠ સારવાર પણ મળે અને તેમને બચત પણ થાય. આયુષ્માન ભારત યોજનાનાં કારણે ગરીબોને એક લાખ કરોડ રૂપિયાનાં ખર્ચની  બચત થઈ છે. જન ઔષધિ કેન્દ્રોમાં 80 ટકા ડિસ્કાઉન્ટ પર દવા મળવાથી ગરીબો અને મધ્યમ વર્ગને 30 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવામાં બચત થઈ છે. એટલે સરકારે જીવન તો બચાવ્યું, એટલો બોજ પણ ગરીબો અને મધ્યમ વર્ગ પર પણ પડતાં બચાવ્યો છે. ઉજ્જવલા યોજનાથી પણ ગરીબ પરિવારોને 70 હજાર કરોડ રૂપિયાથી વધારેની બચત થઈ છે. અમારી સરકારે જે ડેટા સસ્તો કર્યો છે, એનાં કારણે પણ મોબાઇલનો ઉપયોગ કરતાં દરેકને લગભગ 4 હજાર રૂપિયાની દર મહિને બચત થઈ રહી છે. કરવેરા સાથે જોડાયેલા જે વિવિધ સુધારા થયા છે, તેનાં કારણે પણ કરદાતાઓને લગભગ અઢી લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે.

 

સાથીદારો,

હવે અમારી સરકારે અન્ય એક એવી યોજના લઈને આવી છે, જેનાથી આગામી વર્ષોમાં અનેક કુટુંબોની બચતમાં વધારો થશે. અમે વીજળીનું બિલ ઝીરો કરવામાં લાગ્યાં છીએ અને વીજળીથી કુટુંબોની આવકની પણ વ્યવસ્થા કરી રહ્યાં છીએ. પ્રધાનમંત્રી સૂર્ય ઘર – મફત વીજળી યોજનાનાં માધ્યમથી અમે દેશનાં લોકોની બચત પણ કરીશું અને આવક પણ કરાવીશું. આ યોજના સાથે સંબંધિત લોકોને 300 એકમ સુધી મફત વીજળી મળશે અને બાકીની વીજળી સરકાર ખરીદશે, તમને રૂપિયા આપશે.

સાથીદારો,

એક તરફ અમે દરેક કુટુંબને સૌર ઊર્જા ઉત્પાદક બનાવી રહ્યાં છીએ, તો એ જ સૂર્ય અને પવન ઊર્જાનાં મોટાં પ્લાન્ટ પણ લગાવી રહ્યાં છીએ. આજે જ કચ્છમાં બે મોટાં સૌર પ્રોજેક્ટ અને એક પવન ઊર્જા પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો છે. એનાથી અક્ષય ઊર્જાના ઉત્પાદનમાં ગુજરાતની ક્ષમતામાં વધારો થશે.

સાથીદારો,

આપણું રાજકોટ ઉદ્યોગસાહસિકોનું, શ્રમિકોનું, કારીગરોનું શહેર છે. તેઓ એવા સાથીદારો છે, જે આત્મનિર્ભર ભારતનાં નિર્માણમાં બહુ મોટી ભૂમિકા અદા કરી રહ્યાં છે. તેમાંથી અનેક સાથીદારો છે, જેમને પહેલી વાર મોદીએ પૂછ્યું છે, મોદીએ પૂજ્યાં છે. આપણા વિશ્વકર્મા સાથીદારો માટે દેશના ઇતિહાસમાં પહેલી વાર એક રાષ્ટ્રવ્યાપી યોજના બની છે. 13 હજાર કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાથી અત્યાર સુધી લાખો લોકો જોડાઈ ગયા છે. આ અંતર્ગત તેમને પોતાનાં કૌશલ્યને વધારવા અને પોતાનાં વેપારને આગળ વધારવામાં મદદ મળી રહી છે. આ યોજનાની મદદ સાથે ગુજરાતમાં 20 હજારથી વધારે લોકોની તાલીમ પૂર્ણ થઈ ગઈ છે. તેમાંથી દરેક વિશ્વકર્મા લાભાર્થીઓને 15 હજાર રૂપિયા સુધીની મદદ પણ મળી ગઈ છે.

સાથીદારો,

તમે તો જાણો છો કે આપણાં રાજકોટમાં, આપણે ત્યાં સોનીનું કામ કેટલું મોટું છે. આ વિશ્વકર્મા યોજનાનો લાભ આ વ્યવસ્થા સાથે સંબંધિત લોકોને પણ મળ્યો છે.

સાથીદારો,

આપણાં લાખો શેરીફેરિયા ધરાવતાં સાથીદારો માટે પહેલી વાર પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના બની છે. અત્યાર સુધી આ યોજના અંતર્ગત લગભગ 10 હજાર કરોડ રૂપિયાની મદદ આ સાથીદારોને આપવામાં આવી છે. અહીં ગુજરાતમાં શેરીફરિયાઓને લગભગ 800 કરોડ રૂપિયાની મદદ મળી છે. તમે કલ્પના કરી શકો છો કે જે શેરીફેરિયાઓને અગાઉ ધુત્કારવામાં આવતાં હતાં, તેમને ભાજપ કેવી રીતે સન્માન આપે છે. અહીં રાજકોટમાં પણ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત 30 હજારથી વધારે લોન આપવામાં આવી છે.

 

સાથીદારો,

જ્યારે આપણાં સાથીદારો સશક્ત થાય છે, ત્યારે વિકસિત ભારતનું અભિયાન મજબૂત થાય છે. જ્યારે મોદી ભારતને ત્રીજા નંબરની આર્થિક મહાશક્તિ બનાવવાની ખાતરી આપે છે, ત્યારે લક્ષ્ય જ, સૌનું આરોગ્ય અને સૌની સમૃદ્ધિ છે. આજે જે પ્રકલ્પ દેશને મળ્યાં છે, તે આપણાં આ સંકલ્પને પૂર્ણ કરશે, આ જ કામન્ સાથે આજે જે ભવ્ય સ્વાગત કર્યું, એરપોર્ટ પરથી અહીં સુધી આવવા સુધીનાં સંપૂર્ણ માર્ગ પર અને અહીં પણ તમારી વચ્ચે આવીને તમારાં દર્શન કરવાની તક મળી. જૂનાં ઘણાં સાથીદારોનાં ચહેરા આજે બહુ વર્ષો પછી જોવા મળ્યાં છે, એ તમામને નમસ્તે કર્યા, પ્રણામ કર્યા. મને બહુ સારું લાગ્યું, મને ગમ્યું. હું ભાજપનાં રાજકોટના સાથીદારોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આટલો મોટો, આટલો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવા માટે એક વાર ફરી આ તમામ વિકાસલક્ષી કામો માટે અને વિકસિત ભારતનાં સ્વપ્નને સાકાર કરવા માટે આપણે બધા ખભેખભો મિલાવીને આગળ વધીએ. તમને બધાને અભિનંદન. મારી સાથે બોલો – ભારત માતાની જય! ભારત માતાની જય! ભારત માતાની જય!

ખબૂ જ ધન્યવાદ!

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Our focus for next five years is to triple exports from India and our plants in Indonesia, Vietnam

Media Coverage

Our focus for next five years is to triple exports from India and our plants in Indonesia, Vietnam": Minda Corporation's Aakash Minda
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets everyone on the auspicious occasion of Basant Panchami
January 23, 2026

The Prime Minister, Shri Narendra Modi today extended his heartfelt greetings to everyone on the auspicious occasion of Basant Panchami.

The Prime Minister highlighted the sanctity of the festival dedicated to nature’s beauty and divinity. He prayed for the blessings of Goddess Saraswati, the deity of knowledge and arts, to be bestowed upon everyone.

The Prime Minister expressed hope that, with the grace of Goddess Saraswati, the lives of all citizens remain eternally illuminated with learning, wisdom and intellect.

In a X post, Shri Modi said;

“आप सभी को प्रकृति की सुंदरता और दिव्यता को समर्पित पावन पर्व बसंत पंचमी की अनेकानेक शुभकामनाएं। ज्ञान और कला की देवी मां सरस्वती का आशीर्वाद हर किसी को प्राप्त हो। उनकी कृपा से सबका जीवन विद्या, विवेक और बुद्धि से सदैव आलोकित रहे, यही कामना है।”