Innovation, integrity and inclusion have emerged as key mantras in the field of management: PM
Focus is now on collaborative, innovative and transformative management, says PM
Technology management is as important as human management: PM Modi

જય જગન્નાથ !  

જય મા સમલેશ્વરી !

ઓડીશાર ભાઈ ભઉણી માનકુ ઓર જુહાર

નૂઆ વર્ષ સમસ્તંક પાઈં મંગલમય હેઉ

ઓડીશાના માનનીય રાજ્યપાલ પ્રોફેસર ગણેશી લાલજી, મુખ્યમંત્રી મારા મિત્ર શ્રીમાન નવીન પટનાયકજી, કેન્દ્ર સરકારની કેબિનેટના મારા સહયોગી, ડો. રમેશ પોખરિયાલ નિશંકજી, ઓડિશાના જ રતન ભાઈ ધર્મેન્દ્ર પ્રધાનજી, પ્રતાપ ચંદ્ર સારંગીજી, ઓડિશા સરકારના મંત્રી, સાંસદ અને ધારાસભ્યો, આઈઆઈએમ, સંબલપુરની ચેરપર્સન શ્રીમતી અરૂંધતિ ભટ્ટાચાર્યજી, ડાયરેક્ટર પ્રોફેસર મહાદેવ જયસ્વાલજી, ફેકલ્ટીના સભ્યો અને મારા તમામ યુવા સાથીદારો.

આજે આઈઆઈએમ, સંબલપુર સંકુલના શિલાન્યાસની સાથે જ ઓડિશાના યુવા સામર્થ્યને નવી મજબૂતી આપનાર એક નવી શિલા પણ મૂકવામાં આવી છે. આઈઆઈએમ, સંબલપુરનું કાયમી સંકુલ ઓડિશાની મહાન સંસ્કૃતિ અને સાધનોની ઓળખની સાથે સાથે ઓડિશાને મેનેજમેન્ટની  દુનિયામાં એક નવી ઓળખ પૂરી પાડનાર બની રહેવાનું છે. નવા વર્ષની શરૂઆતમાં આ શુભારંભ થવાથી આપણો સૌનો આનંદ બેવડાઈ ગયો છે.

સાથીઓ,

વિતેલા દાયકામાં દેશમાં એક તરાહ જોવા મળી, દેશની બહાર સ્થપાયેલી બહુરાષ્ટ્રીય કંપનીઓ મોટી સંખ્યામાં આવી અને આ ધરતી ઉપર આગળ પણ ધપી, આ દાયકો અને આ સદી ભારતમાં નવી નવી મેલ્ટીનેશનલ કંપનીઓના નિર્માણનો છે. ભારતનું સામર્થ્ય દુનિયામાં છવાઈ જાય તે માટે ઉત્તમ સમયગાળો આવ્યો છે. આજના સ્ટાર્ટઅપ્સ જ આવતી કાલની બહુરાષ્ટ્રીય કંપનીઓ છે અને આવા સ્ટાર્ટઅપ્સ મોટાભાગે કયા શહેરોમાં બની રહ્યા છે ?  સામાન્ય રીતે આપણે જેને આપણી ભાષામાં વર્ગ-2 અને વર્ગ-3નાં શહેરો કહીએ છીએ.  આજે સ્ટાર્ટઅપ્સનો પ્રભાવ એ શહેરોમાં જોવા મળી રહ્યો છે. આ સ્ટાર્ટઅપ્સને ભારતીય યુવાનોની નવી કંપનીઓને વધુ આગળ ધપવા માટે તેમને ઉત્તમ મેનેજરોની જરૂર પડશે. દેશના નવા ક્ષેત્રોમાંથી નવો અનુભવ લઈને નિકળી રહેલા મેનેજમેન્ટના નિષ્ણાંતો ભારતની કંપનીઓને નવી ઉંચાઈ પૂરી પાડવામાં મોટી ભૂમિકા ભજવશે.

સાથીઓ,

મેં ક્યાંક વાંચ્યું હતું કે આ વર્ષે કોવિડનું સંકટ હોવા છતાં પણ ભારતે વિતેલા વર્ષોની તુલનામાં વધુ યુનિકોન આપ્યા છે. આજે ખેતીથી માંડીને અવકાશ સંશોધન ક્ષેત્ર સુધી અભૂતપૂર્વ સુધારા કરવામાં આવી રહ્યા છે અને તેમાં સ્ટાર્ટઅપ્સ માટે સતત તકો વધતી જાય છે. તમારે આ નવી સંભાવનાઓ માટે તમારી જાતને તૈયાર કરવી પડે છે. તમારે તમારી કારકીર્દિને ભારતની આશાઓ અને અપેક્ષાઓ સાથે જોડવાની છે. આ નવા દાયકામાં બ્રાન્ડ ઈન્ડીયાને નવી વૈશ્વિક ઓળખ પૂરી પાડવાની જવાબદારી આપણાં સૌ ઉપર છે. ખાસ કરીને આપણાં નવા યુવાનો ઉપર છે.

સાથીઓ,

આઈઆઈએમ, સંબલપુરનો ધ્યેય મંત્ર છે- નવ સર્જનમ સૂચિતા સમાવેશત્વમ- એટલે કે ઈનોવેશન, પ્રમાણિકતા અને સમાવેશિતા. તમને આ મંત્રીની તાકાતની સાથે દેશમાં પોતાના વ્યવસ્થાપનનું કૌશલ્ય દેખાડવાનું છે. તમારે નવા નિર્માણને તો પ્રોત્સાહિત કરવાનું જ છે, પણ સાથે સાથે એવા તમામ લોકોના સમાવેશ ઉપર પણ ભાર મૂકવાનો છે કે જે પાછળ પડી ગયા છે. આવા લોકોને પણ સાથે લેવાના છે. જે સ્થળે આઈઆઈએમનું કાયમી સંકુલ બની રહ્યું છે ત્યાં અગાઉથી જ મેડિકલ યુનિવર્સિટી છે. એન્જીનિયરીંગ યુનિવર્સિટી છે. ત્રણ વધુ યુનિવર્સિટીઓ પણ છે. સૈનિક સ્કૂલ છે. સીઆરપીએફ અને પોલિસની તાલિમ સંસ્થા પણ છે. જે લોકો સંબલપુર બાબતે વધુ જાણતા નથી તે લોકો પણ ધારણાં બાંધી શકે છે કે આઈઆઈએમ જેવી પ્રતિષ્ઠીત સંસ્થા બન્યા પછી આ ક્ષેત્ર શિક્ષણનું કેટલું મોટું મથક બની રહેવાનુ છે. સંબલપુર આઈઆઈએમ અને આ ક્ષેત્રમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થી પ્રોફેશનલ્સ માટે સૌથી મહત્વની બાબત તો એ છે કે આ સમગ્ર વિસ્તાર એક રીતે કહીએ તો તમારા માટે એક પ્રેક્ટીકલ લેબ જેવો છે. આ જગા પ્રાકૃતિક સ્થળ તરીકે એટલી ભવ્ય છે કે ઓડિશાનું ગૌરવ હીરાકુંડ બંધ અઙીંથી ખાસ દૂર નથી. બંધની પાસે દેબરીગઢ અભયારણ્ય પોતાની રીતે તો ખાસ છે જ, પરંતુ તેની વચ્ચે એવું પાવન સ્થળ છે કે જેનો  પાયો વીર સુરેન્દ્ર સાંઈજીએ નાંખ્યો હતો. આ વિસ્તારમાં પ્રવાસનની ક્ષમતા વધુ વિસ્તારવા માટે અહીંના વિદ્યાર્થીઓના વિચારો અને મેનેજમેન્ટ કૌશલ્ય ખૂબ કામમાં આવી શકે તેમ છે. એવી જ રીતે સંબલપુરી ટેક્સટાઈલ પણ દેશ- વિદેશમાં મશહૂર છે. ‘બાંધાઈ ઈકટ’, તેની અનોખી પેટર્ન, ડિઝાઈન અને પોત ખૂબ જ વિશેષ છે. એક રીતે કહીએ તો આ ક્ષેત્રમાં હસ્તકલાનું કામ એટલું બધું થાય છે કે  સિલ્વર ફિલિગ્રી, પત્થરો ઉપર કોતરકામ, લાકડાં ઉપર કોતરણીનું કામ, ત્રાંબા ઉપર કામ અને આ બધામાં આપણાં આદિવાસી ભાઈ- બહેનો પણ ખૂબ જ પારંગત છે. આઈઆઈએમના છાત્ર- છાત્રાઓ માટે સંબલપુરની લોકલ ચીજોને વોકલ બનાવવાની એક મહત્વની જવાબદારી છે.

સાથીઓ,

તમે એ બાબત પણ સારી રીતે જાણો છો કે સંબલપુર અને તેની આસપાસનો વિસ્તાર ખનિજ અને ખાણકામની મજબૂતી માટે પણ જાણીતું છે. હાઈગ્રેડ આયર્ન અને બોક્સાઈટ, ક્રોમાઈટ, મેંગેનીઝ, કોલ માઈનસ્ટોનથી માંડીને સોનુ, જેમ સ્ટોન, હીરા, આ બધુ અહીંના પ્રાકૃતિક સંપત્તિને અનેક ગણી વધારે છે. દેશની આ કુદરતી અસ્કયામતોનું બહેતર મેનેજમેન્ટ કેવી રીતે થઈ શકે અને આ સમગ્ર ક્ષેત્રનો વિકાસ કેવી રીતે થઈ શકે, લોકોનો પણ વિકાસ થાય અને આ બધામાં તમારા નવા વિચારો પણ કામમાં આવવાના છે.

સાથીઓ,

મેં તો તમને થોડાંક ઉદાહરણ જ આપ્યા છે. ઓડીશાની વન સંપત્તિ, ખનિજ, રંગબતી- સંગીત, આદિવાસી કલા અને કસબ, સ્વભાવ કવિ ગંગાધર મેહેરની કવિતાઓ, ઓડીશા પાસે અહીં શું શું નથી? જ્યારે તમારામાંથી અનેક સાથીદારો સંબલપુરી ટેક્સટાઈલ અથવા તો કટકની ફિલિગ્રી કારીગરીને વૈશ્વિક ઓળખ અપાવવામાં પોતાના કૌશલ્યનો ઉપયોગ કરશે અને અહીંયા પ્રવાસન પ્રવૃત્તિને આગળ ધપાવવા માટે કામ કરશે તો આત્મનિર્ભર અભિયાનની સાથે સાથે ઓડિશાના વિકાસને પણ ગતિ મળશે અને નવી ઉંચાઈઓ હાંસલ થશે.

સાથીઓ,

લોકલને ગ્લોબલ બનાવવા માટે આપ સૌ આઈઆઈએમના યુવા સાથીઓએ નવા અને નવતર પ્રકારના ઉપાયો શોધવાના છે. મને વિશ્વાસ છે કે આપણાં આઈઆઈએમ આત્મનિર્ભરતાના દેશના મિશનમાં સ્થાનિક ઉત્પાદનો અને આંતરરાષ્ટ્રીય સહયોગની વચ્ચે સેતુનું કામ કરી શકે તેમ છે. આપ સૌનું આટલું મોટું અને દુનિયામાં ખૂણે ખૂણે ફેલાયેલુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું નેટવર્ક છે તે પણ આ કામગીરીમાં ખૂબ જ મદદ કરી શકે તેમ છે. વર્ષ 2014 સુધી આપણે ત્યાં 13 આઈઆઈએમ હતા, હવે દેશમાં 20 આઈઆઈએમ છે. આટલો મોટો ટેલેન્ટ પુલ (પ્રતિભા સમૂહ) આત્મનિર્ભર ભારત અભિયાનને ખૂબ જ વિસ્તારી શકે તેમ છે.

સાથીઓ,

આજની દુનિયામાં તકો પણ નવી છે, તો સાથે સાથે મેનેજમેન્ટની દુનિયા સામે અનેક નવા પડકારો પણ છે. આ પડકારો પણ તમારે સમજવા પડશે. દેશ જે રીતે એડીટીવ પ્રિન્ટીંગ અથવા થ્રીડી પ્રિન્ટીંગ સમગ્ર ઉત્પાદનના અર્થતંત્રમાં પરિવર્તન લાવી રહ્યું છે. તમે સમાચારમાં સાંભળ્યું હશે કે ગયા મહિને એક કંપનીએ ચેન્નાઈ નજીક બે માળની એક સમગ્ર ઈમારતને થ્રીડી પ્રિન્ટ કરી હતી. જેમ જેમ ઉત્પાદનની પધ્ધતિઓ બદલાશે તેમ તેમ લોજીસ્ટીક્સ અને સપ્લાય ચેઈન સાથે જોડાયેલી વ્યવસ્થાઓમાં પણ પરિવર્તન આવશે. આ રીતે આજે ટેકનોલોજી દરેક ભૌગોલિક મર્યાદાઓને દૂર કરી રહી છે. એર કનેક્ટીવિટીએ 20મી સદીના બિઝનેસને ખૂબ જ વિસ્તાર્યો છે, તો બીજી તરફ ડીજીટલ કનેક્ટીવિટીએ 21મી સદીના બિઝનેસમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. કોઈપણ સ્થળેથી કામ કરી શકાય તેવા અભિગમને કારણે સમગ્ર દુનિયા ગ્લોબલ વિલેજમાંથી ગ્લોબલ વર્ક પ્લેસમાં રૂપાંતરીત થઈ ગઈ છે. ભારતે પણ આ માટે આવશ્યક તમામ સુધારા વિતેલા થોડાંક મહિનાઓમાં ઝડપભેર હાથ ધર્યા છે. આપણી એ કોશિષ રહી છે કે આપણે સમયની સાથે સાથે તો ચાલીએ, પણ સમયની આગળ પણ ચાલવાની કોશિષ કરીએ.

સાથીઓ,

જે રીતે કામ કરવાની પધ્ધતિઓ બદલાઈ રહી છે તેમ તેમ મેનેજમેન્ટ કૌશલ્યની માંગ પણ બદલાતી રહી છે. હવે ટોપ ડાઉન અથવા ટોપ હેવી મેનેજમેન્ટને બદલે સહયોગી, ઈનોવેટીવ અને પરિવર્તનકારી મેનેજમેન્ટનો સમય છે. આ સહયોગ તમારા સાથીઓની સાથે જરૂરી છે. બોટ્સ અને એલ્ગોરિધમ પણ હવે ટીમના સભ્ય તરીકે તમારી સાથે છે. એટલા માટે જ આજે જેટલી માનવ વ્યવસ્થાપનની જરૂરિયાત છે તેટલી જ જરૂરિયાત ટેકનોલોજીકલ મેનેજમેન્ટની પણ છે. હું તો તમને પણ અને દેશભરના આઈઆઈએમને બિઝનેસ મેનેજમેન્ટ સાથે જોડાયેલી અન્ય સ્કૂલોને પણ આગ્રહ કરીશ કે કોરોના સંક્રમણના આ સમગ્ર સમયમાં ટેકનોલોજી અને ટીમની ભાવના સાથે દેશની સુરક્ષા માટે કદમ આગળ ધપાવવામાં આવ્યા,  જવાબદારીઓ ઉઠાવવામાં આવી અને જે રીતે 130 કરોડ દેશવાસીઓની સુરક્ષા માટે જે કદમ ઉઠાવવામાં આવ્યા અને જનભાગીદારીથી અભિયાન ચલાવવામાં આવ્યું તે તમામ બાબતે સંશોધન થવું જોઈએ, દસ્તાવેજો તૈયાર કરવા જોઈએ. 130 કરોડ લોકોના આ દેશે કેવા કેવા સમયે ઈનોવેશન કર્યું, ક્ષમતા અને પોતાની તાકાતનો કેવી રીતે ભારતે ખુદ ઓછા સમયમાં વિસ્તાર કર્યો તે મેનેજમેન્ટ માટે એક ખૂબ મોટો બોધ પાઠ છે. કોવિડ કાળ દરમ્યાન દેશમાં પીપીઈ કીટસ, માસ્કસ અને વેન્ટીલેટરના કાયમી ઉપાયો શોધવામાં આવ્યા છે.

સાથીઓ,

આપણે ત્યાં સમસ્યા નિવારણની એક પરંપરા ઉભી થઈ હતી. એક ટૂંકા ગાળાનો અભિગમ અપનાવવામાં આવતો હતો. દેશ હવે આ વિચારધારામાંથી બહાર નિકળી ગયો છે. હવે આપણો આગ્રહ તાત્કાલિક જરૂરિયાતોથી આગળ વધીને લાંબા ગાળાના ઉપાયો પર કેન્દ્રિત થયો છે અને તેમાંથી મેનેજમેન્ટને પણ ખૂબ સારે બોધપાઠ શિખવા મળ્યો છે. આપણી વચ્ચે અરૂંધતિજી હાજર છે, દેશમાં ગરીબો માટે જનધન ખાતા ખોલવા માટે જે રીતે આયોજન કરવામાં આવ્યું, કેવી રીતે અમલીકરણ કરવામાં આવ્યું, કેવી રીતે તેના માટે વ્યવસ્થા કરવામાં આવી તે તમામ પ્રક્રિયા સાક્ષી રહ્યા છે, કારણ કે એ સમયે તે બેંક સંભાળતા હતા.  જે ગરીબ કોઈ દિવસ બેંકના દરવાજા સુધી જતો ન હતા તેવા 40 કરોડ કરતાં વધુ ગરીબોના બેંકના ખાતા ખોલવા તે આસાન કામ ન હતું. અને આ બાબત હું તમને એટલા માટે જણાવી રહ્યો છું કે મેનેજમેન્ટનો અર્થ મોટી મોટી કંપનીઓ સંભાળવી એટલો જ થતો નથી. સાચા અર્થમાં તો ભારત જેવા દેશ માટે મેનેજમેન્ટનો અર્થ જીંદગીઓ સંભાળવાનો પણ છે. હું તમને વધુ એક ઉદાહરણ આપવા માંગુ છું અને તે એટલા માટે મહત્વનું છે કે ઓડિશાના જ સંતાન- ભાઈ ધર્મેન્દ્ર પ્રધાનજીની તેમાં મોટી ભૂમિકા રહી છે.

સાથીઓ,

આપણાં દેશમાં રસોઈ ગેસ આઝાદીના આશરે 10 વર્ષ પછી આવી ગયો હતો, પરંતુ તે પછી દાયકાઓ સુધી રસોઈ ગેસ એક વૈભવની બાબત બની ગઈ  હતી. અમીર લોકોની પ્રતિષ્ઠા બની ગઈ હતી. લોકોએ ગેસના એક જોડાણ માટે એટલા આંટા મારવા પડતા હતા કે, અનેક તકલીફો ઉઠાવવા છતાં પણ ગેસ મળી શકતો ન હતો. હાલત એવી પણ હતી કે વર્ષ 2014 સુધી, એટલે કે આજથી 6 વર્ષ પહેલાં 2014માં રસોઈ ગેસનો વ્યાપ માત્ર 55 ટકા હતો. જો અભિગમમાં જ કાયમી ઉપાયની ભાવના ના હોય તો આવુ જ બને છે. 60 વર્ષમાં રસોઈ ગેસનું કવરેજ માત્ર 55 ટકા હતું. જો દેશ આ જ ગતિથી  ચાલતો રહેશે તો બધાં સુધી ગેસ પહોંચવામાં આ શતાબ્દિ પણ અડધી વિતી જાત.  2014માં અમારી સરકાર બન્યા પછી અમે નક્કી કર્યું કે એનો કાયમી ઉકેલ લાવવો જ પડશે. તમે જાણતાં હશો કે આજે દેશમાં ગેસનું કવરેજ કેટલું છે ? 98 ટકા કરતા પણ વધુ. અને અહીંયા મેનેજમેન્ટ સાથે જોડાયેલા આપ સૌ લોકો જાણો છો કે  શરૂઆત કરીને થોડુંક થોડુક કરીને આગળ વધવામાં આસાની રહે છે.  કવરેજને 100 વ્યાપ આપવાનો મૂળ પડકાર હોય છે.

સાથીઓ,

પછી સવાલ એ પણ થાય છે કે આપણે આ કેવી રીતે પ્રાપ્ત કર્યું, કેવી રીતે હાંસલ કર્યું ?  તે તમારા જેવા મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે એક બહુ સારો કેસ સ્ટડી છે.

સાથીઓ,

અમે એક બાજુ સમસ્યાને રાખી ને એક તરફ કાયમી ઉપાયને રાખ્યો. પડકાર હતો નવા વિતરણનો. અમે 10 હજાર નવા ગેસ વિતરકોને કામ સોંપ્યું. ત્યાર પછી પડકાર હતો બોટલીંગ પ્લાન્ટની ક્ષમતાનો. અમે સમગ્ર દેશમાં નવા બોટલીંગ પ્લાન્ટ સ્થાપ્યા અને દેશની ક્ષમતાને આગળ ધપાવી. હવે પડકાર હતો ઈમ્પોર્ટ ટર્મિનલની ક્ષમતાનો. અમે તેમાં પણ સુધારા કર્યા અને તે પછી પડકાર હતો પાઈપલાઈનની ક્ષમતાનો. અમે તેના માટે પણ હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો અને આજે પણ કરી રહ્યા છીએ. ત્યાર પછી પડકાર હતો ગરીબ લાભાર્થીઓ પસંદ કરવાનો. અમે એ કામ પણ સંપૂર્ણ પારદર્શિતાથી કર્યું અને એક અનોખી રીત ઉજ્જવલા યોજના શરૂ કરી.

સાથીઓ,

કાયમી ઉપાય પૂરો પાડવાની આ નિયતનું પરિણામ એ છે કે આજે દેશમાં 28 કરોડ કરતાં વધુ ગેસનાં જોડાણો છે. 2000 પહેલાં દેશમાં ગેસના 14 કરોડ જોડાણો હતા. વિચાર કરો, 60 વર્ષમાં 14 કરોડ ગેસ જોડાણ. અમે વિતેલા 6 વર્ષમાં દેશમાં 14 કરોડ કરતાં વધુ ગેસનાં જોડાણ આપ્યા છે. હવે લોકોએ રસોઈ ગેસ મેળવવા માટે અહીં તહીં દોડાદોડ કરવી પડતી નથી. આંટા મારવા પડતા નથી. અહીં ઓડિશામાં પણ ઉજ્જવલા યોજનાના કારણે આશરે 50 લાખ પરિવારોને ગેસના જોડાણો મળ્યા છે. આ સમગ્ર અભિયાન દરમ્યાન દેશને ક્ષમતા નિર્માણની જે તક મળી તેનું પરિણામ એ આવ્યું કે ઓડિશાના 19 જીલ્લાઓમાં સીટી ગેસ વિતરણનું નેટવર્ક તૈયાર થઈ રહ્યું છે.

સાથીઓ,

મેં તમને આ દાખલો આપીને એટલા માટે સમજાવ્યું કે તમે જેટલા દેશની જરૂરિયાતો સાથે જોડાશો, દેશના પડકારોને સમજશો, તેટલા જ સારા મેનેજર બની શકશો અને તેટલા જ સારા ઉપાયો પણ શોધી શકશો. હું સમજું છું કે ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલી સંસ્થાઓ માટે એ જરૂરી છે કે તે માત્ર પોતાની નિપુણતા ઉપર જ કેન્દ્રિત ના રહે, પરંતુ તેનો વ્યાપ વધારે. આમાં મોટી ભૂમિકા વિદ્યાર્થીઓની પણ હોય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ખૂબ જ વ્યાપક અને ભિન્ન વિદ્યાશાખાઓ માટે સમગ્રલક્ષી અભિગમ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અમે રાષ્ટ્રના વિકાસ માટે દરેક વ્યક્તિને મેઈન સ્ટ્રીમમાં, મુખ્ય પ્રવાહમાં લાવવા માંગીએ છીએ. આ પણ એક સમાવેશી પ્રકૃતિ જ છે. મને વિશ્વાસ છે કે તમે આ વિઝનને પૂરૂં કરશો. તમારા પ્રયાસથી, આઈઆઈએમ સંબલપુરના પ્રયાસથી આત્મનિર્ભર ભારતનું અભિયાન સિધ્ધ કરશો તેવી શુભેચ્છાઓ સાથે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Modi 3.0: First 100 Days Marked by Key Infrastructure Projects, Reforms, and Growth Plans

Media Coverage

Modi 3.0: First 100 Days Marked by Key Infrastructure Projects, Reforms, and Growth Plans
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 16 સપ્ટેમ્બર 2024
September 16, 2024

100 Days of PM Modi 3.0: Delivery of Promises towards Viksit Bharat

Holistic Development across India – from Heritage to Modern Transportation – Decade of PM Modi