પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરાખંડમાં રુદ્રપુરની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ સ્ટેટ ઇન્ટિગ્રેટેડ કોઓપરેટિવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શુભારંભ કરશે તથા દીનદયાળ ખેડૂત કલ્યાણ યોજનાનાં પસંદ થયેલા લાભાર્થીઓને લોનનાં ચેકનું વિતરણ કરશે.
ઇન્ટિગ્રેટેડ કોઓપરેટિવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ઉદ્દેશ ઉત્તરાખંડમાં ગ્રામીણ અર્થતંત્રમાં મોટો સુધારો કરવાનો છે. આ માટે રાજ્યમાં સહકારી, કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોને પ્રોત્સાહન આપવામાં આવશે. એનાથી કૃષિ અને આનુષંગિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકોને પર્યાપ્ત સમર્થન કરીને ઉત્તરાખંડનાં પર્વતોમાંથી સ્થળાંતરણને અટકાવવામાં મદદ મળશે. તેઓ ઉત્તરાખંડનાં મુખ્યમંત્રીને રૂ. 100 કરોડનો ચેક સુપરત પણ કરશે, જે આ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ હપ્તો છે, જેને નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાંથી રાજ્ય સરકારનાં ખાતામાં હસ્તાંતરિત કરવામાં આવશે.
પ્રધાનમંત્રી દીનદયાળ ઉપાધ્યાય ખેડૂત કલ્યાણ યોજનાનાં પસંદ થયેલા લાભાર્થીઓને લોનનાં ચેકનું વિતરણ પણ કરશે. ઉત્તરાખંડ સરકારની આ યોજના અંતર્ગત રૂ. એક લાખ કરોડની બહુઉદ્દેશી લોન 2 ટકાનાં અતિ ઓછા વ્યાજદરે ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ યોજના દેશની વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં લક્ષ્યાંક તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
પ્રધાનમંત્રીએ અગાઉ 7 નવેમ્બર, 2018નાં રોજ ઉત્તરાખંડની મુલાકાત લીધી હતી તથા ભારતીય સેના અને આઇટીબીપીનાં જવાનો સાથે ઉત્તરાખંડમાં હર્સિલમાં દિવાળીની ઉજવણી કરી હતી તથા 7 ઓક્ટોબર, 2018નાં રોજ તેમણે દેહરાદૂનમાં ‘ડેસ્ટિનેશન ઉત્તરાખંડઃ ઇન્વેસ્ટર્સ સમિટ 2018’ને સંબોધન પણ કર્યું હતું.


