પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીનાં રોજ સાંજે 7:30 વાગ્યે નવી દિલ્હીનાં સુંદર નર્સરી ખાતે ભવ્ય સુફી સંગીત મહોત્સવ જહાં-એ-ખુસરો 2025માં સહભાગી થશે.
પ્રધાનમંત્રી દેશની વિવિધતાસભર કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનાં મજબૂત હિમાયતી રહ્યાં છે. આને અનુરૂપ તે જહાં-એ-ખુસરોમાં ભાગ લેશે, જે સુફી સંગીત, કવિતા અને નૃત્યને સમર્પિત એક આંતરરાષ્ટ્રીય મહોત્સવ છે. તે અમીર ખુસરોના વારસાની ઉજવણી માટે વિશ્વભરના કલાકારોને એક સાથે લાવી રહ્યું છે. રૂમી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ફેસ્ટિવલ જાણીતા ફિલ્મ સર્જક અને કલાકાર મુઝફ્ફર અલીએ 2001માં શરૂ કર્યો હતો અને આ ફેસ્ટિવલ આ વર્ષે એની 25મી વર્ષગાંઠ ઊજવશે અને 28 ફેબુ્રઆરીથી બીજી માર્ચ દરમિયાન યોજાશે.
મહોત્સવ દરમિયાન, પ્રધાનમંત્રી TEH બજાર (TEH- ધ એક્સપ્લોરેશન ઓફ ધ હેન્ડમેડ)ની પણ મુલાકાત લેશે, જેમાં વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ હસ્તકલા અને દેશભરની અન્ય વિવિધ ઉત્કૃષ્ટ કલાકૃતિઓ, હસ્તકલા અને હાથવણાટ પરની ટૂંકી ફિલ્મો દર્શાવવામાં આવશે.


