પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ બપોરે 2:45 વાગ્યે નવી દિલ્હીના રોહિણીમાં આંતરરાષ્ટ્રીય આર્ય સમિટ 2025માં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ જ્ઞાન જ્યોતિ મહોત્સવનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતી અને આર્ય સમાજ દ્વારા 150 વર્ષની સામાજિક સેવાની ઉજવણી માટે આયોજિત કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.
આ સમિટ ભારત અને વિદેશમાં આર્ય સમાજના એકમોના પ્રતિનિધિઓને એકસાથે લાવશે - જે મહર્ષિ દયાનંદના સુધારાવાદી આદર્શોની સાર્વત્રિક સુસંગતતા અને સંગઠનની વૈશ્વિક પહોંચને પ્રતિબિંબિત કરશે. "150 સુવર્ણ વર્ષ સેવા" નામનું એક પ્રદર્શન પણ યોજાશે, જેમાં શિક્ષણ, સામાજિક સુધારણા અને આધ્યાત્મિક ઉત્થાનમાં યોગદાન દ્વારા આર્ય સમાજની પરિવર્તનકારી યાત્રા દર્શાવવામાં આવશે.
આ સમિટનો ઉદ્દેશ્ય મહર્ષિ દયાનંદ સરસ્વતીના સુધારાવાદી અને શૈક્ષણિક વારસાનું સન્માન કરવાનો, શિક્ષણ, સામાજિક સુધારણા અને રાષ્ટ્ર નિર્માણમાં આર્ય સમાજની 150 વર્ષની સેવાની ઉજવણી કરવાનો અને વિકસિત ભારત 2047ના વિઝન સાથે વૈદિક સિદ્ધાંતો અને સ્વદેશી મૂલ્યો વિશે વૈશ્વિક જાગૃતિ લાવવાનો છે.


