પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જર્મનીના ચાન્સેલર મહામહિમ શ્રી ઓલાફ સ્કોલ્ઝના આમંત્રણ પર 26-27 જૂન 2022ના રોજ જર્મન પ્રેસિડેન્સી અંતર્ગત G7 સમિટ માટે જર્મનીના સ્લોસ એલમાઉની મુલાકાત લેશે. સમિટ દરમિયાન, પ્રધાનમંત્રી શ્રી બે સત્રોને સંબોધિત કરે તેવી અપેક્ષા છે, જેમાં પર્યાવરણ, ઊર્જા, આબોહવા, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, જાતિ સમાનતા અને લોકશાહીનો સમાવેશ થાય છે. આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાના પ્રયાસરૂપે, આર્જેન્ટિના, ઇન્ડોનેશિયા, સેનેગલ અને દક્ષિણ આફ્રિકા જેવા અન્ય લોકશાહી દેશોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. શિખર સંમેલન દરમિયાન, પ્રધાનમંત્રી શ્રી કેટલાક સહભાગી દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.
G7 સમિટના આમંત્રણમાં ભારત અને જર્મની વચ્ચે મજબૂત અને ગાઢ ભાગીદારી અને ઉચ્ચ સ્તરીય રાજકીય સંપર્કોની પરંપરાને ધ્યાનમાં રાખવામાં આવી છે. ભારત-જર્મની ઇન્ટર-ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન્સ (IGC)ની છઠ્ઠી આવૃત્તિ માટે પ્રધાનમંત્રી શ્રીએ જર્મનીની છેલ્લે મુલાકાત 2 મે 2022ના રોજ લીધી હતી.
G7 સમિટમાં હાજરી આપ્યા પછી, પ્રધાનમંત્રી શ્રી ભૂતપૂર્વ UAE પ્રમુખ અને અબુ ધાબીના શાસક મહામહિમ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધન પર વ્યક્તિગત શોક વ્યક્ત કરવા 28 જૂન 2022ના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાતે જશે. પીએમ યુએઈના નવા રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક તરીકે મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને તેમની ચૂંટણીમાં જીત થવા બદલ અભિનંદન આપવાની તક પણ પ્રાપ્ત કરશે.
પ્રધાનમંત્રી શ્રી 28 જૂને એ જ રાત્રે UAEથી રવાના થશે.