મહામહિમ, પ્રધાનમંત્રી, અને મારા મિત્ર અનવર ઇબ્રાહિમજી,
Excellencies,
નમસ્કાર.
મને ફરી એકવાર આપણા આસિયાન પરિવાર સાથે જોડાવાની તક મળી તેનો આનંદ છે.
હું આસિયાનના સફળ અધ્યક્ષપદ બદલ પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું ભારતના 'રાષ્ટ્ર સંયોજક' તરીકે કાર્યક્ષમ રીતે સેવા આપવા બદલ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ માર્કોસનો આભાર માનું છું. અને હું આસિયાનના નવા સભ્ય તરીકે તિમોર-લેસ્ટેનું સ્વાગત કરું છું.

બધા ભારતીયો વતી, હું થાઇલેન્ડના રાજમાતા (queen mother) નિધન પર રાજવી પરિવાર અને થાઇલેન્ડના લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.
મિત્રો,
સાથે મળીને, ભારત અને આસિયાન વિશ્વની લગભગ એક ચતુર્થાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે ફક્ત ભૂગોળ જ નહીં, પરંતુ ઊંડા ઐતિહાસિક સંબંધો અને સહિયારા મૂલ્યો શેર કરીએ છીએ.
આપણે ગ્લોબલ સાઉથના સાથી પ્રવાસીઓ છીએ. આપણે ફક્ત વેપાર ભાગીદારો જ નથી, પણ સાંસ્કૃતિક ભાગીદારો પણ છીએ. આસિયાન ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો મુખ્ય આધારસ્તંભ છે. ભારતે હંમેશા આસિયાન કેન્દ્રિયતા અને ઇન્ડો-પેસિફિક પર આસિયાનના દૃષ્ટિકોણને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.
અનિશ્ચિતતાના આ સમયમાં પણ, ભારત-આસિયાન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીએ સતત પ્રગતિ કરી છે. આપણી મજબૂત ભાગીદારી વૈશ્વિક સ્થિરતા અને વિકાસ માટે એક મજબૂત પાયા તરીકે ઉભરી રહી છે.

મિત્રો,
આ વર્ષના આસિયાન સમિટનો વિષય "સમાવેશકતા અને ટકાઉપણું" છે. અને આ વિષય આપણા સહિયારા પ્રયાસોમાં સ્પષ્ટ છે, પછી ભલે તે ડિજિટલ સમાવેશ હોય કે વર્તમાન વૈશ્વિક પડકારો વચ્ચે ખાદ્ય સુરક્ષા અને સ્થિતિસ્થાપક પુરવઠા શૃંખલાઓ સુનિશ્ચિત કરવી. ભારત આ પ્રાથમિકતાઓને સંપૂર્ણ સમર્થન આપે છે અને આ દિશામાં સાથે મળીને આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે.
મિત્રો,
ભારત દરેક કટોકટીમાં તેના આસિયાન મિત્રો સાથે મજબૂત રીતે ઊભું રહ્યું છે. HADR, દરિયાઈ સુરક્ષા અને વાદળી અર્થતંત્રમાં અમારો સહયોગ ઝડપથી વધી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, અમે 2026 ને "આસિયાન-ભારત દરિયાઈ સહકારનું વર્ષ" જાહેર કરી રહ્યા છીએ.

આપણે શિક્ષણ, પર્યટન, વિજ્ઞાન અને ટેકનોલોજી, આરોગ્ય, ગ્રીન એનર્જી અને સાયબર સુરક્ષામાં પણ પરસ્પર સહયોગને મજબૂતીથી આગળ વધારી રહ્યા છીએ. આપણે આપણા સહિયારા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અને લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.
મિત્રો,
એકવીસમી સદી આપણી સદી છે, ભારત અને આસિયાનની સદી. મને વિશ્વાસ છે કે આસિયાન કોમ્યુનિટી વિઝન 2045 અને વિકસિત ભારત 2047નું લક્ષ્ય સમગ્ર માનવતા માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવશે. ભારત આ દિશામાં આપ સૌ સાથે ખભે ખભો મિલાવીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.
ખૂબ ખૂબ આભાર.


