મહામહિમ, પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ

બંને દેશોના પ્રતિનિધિઓ,

મીડિયાના મિત્રો,

નમસ્કાર!

સલામત પાગી!

સૌ પ્રથમ હું મારા નજીકના મિત્ર પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ગત વર્ષે, હું ASEAN સમિટ માટે મલેશિયા આવી શક્યો ન હતો. પરંતુ મેં મારા પ્રિય મિત્રને વચન આપ્યું હતું કે હું શક્ય તેટલી વહેલી તકે મલેશિયાની મુલાકાત લઈશ. અને આજે 2026ના મારા પ્રથમ વિદેશ પ્રવાસ પર, હું મલેશિયા આવ્યો છું.

 

મિત્રો,

ભારત અને મલેશિયા વચ્ચે ખાસ સંબંધ છે. આપણે મેરીટાઈમ પડોશી છીએ. સદીઓથી, આપણા લોકો વચ્ચે ઊંડા અને સૌહાર્દપૂર્ણ સંબંધો રહ્યા છે. આજે મલેશિયા ભારતીય મૂળની વસ્તી ધરાવતો વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. આપણી સભ્યતાઓ સહિયારી સાંસ્કૃતિક વારસો અને લોકશાહી મૂલ્યો દ્વારા જોડાયેલી છે.

મિત્રો,

છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા સંબંધોને નવી ગતિ મળી છે. અને મારા મિત્ર પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમે આમાં ખાસ ભૂમિકા ભજવી છે.

એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગમાં સહયોગ નોંધપાત્ર રીતે મજબૂત થયો છે. ડિજિટલ અર્થતંત્ર, બાયોટેક અને આઇટીમાં પરસ્પર રોકાણ વધ્યું છે. પ્રવાસન અને લોકો વચ્ચેના સંબંધો પણ ગાઢ બન્યા છે. આ સિદ્ધિઓથી પ્રેરિત થઈને, આજે આપણે આપણી ભાગીદારીમાં અભૂતપૂર્વ ગતિ અને ઊંડાણ લાવવાનું નક્કી કર્યું છે.

મિત્રો,

સિક્યોરિટીના ક્ષેત્રમાં આપણે કાઉન્ટર ટેરરિઝમ, ઇન્ટેલિજન્સ શેરિંગ અને મેરીટાઈમ સિક્યોરિટીમાં સહયોગને મજબૂત બનાવીશું. આપણે સંરક્ષણ સહયોગને પણ વધુ વિસ્તૃત કરીશું.

AI અને ડિજિટલ ટેકનોલોજીની સાથે આપણે સેમિકન્ડક્ટર, આરોગ્ય અને ખાદ્ય સુરક્ષામાં ભાગીદારીને આગળ વધારીશું. આજે યોજાયેલા CEO ફોરમે વેપાર અને રોકાણ માટે નવી તકો ખોલી છે. આપણે વ્યૂહાત્મક વિશ્વાસ દ્વારા આર્થિક પરિવર્તનનો માર્ગ મોકળો કરીશું.

 

મિત્રો,

ગઈકાલે, મને મલેશિયામાં ભારતીય ડાયસ્પોરા સાથે મળવાની તક મળી. પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ પણ ઉપસ્થિત રહી આ સંમેલનનું ગૌરવ વધાર્યું હતું. 30 લાખ સ્થળાંતર કરનારાઓનો આ જીવંત પુલ આપણી સૌથી મોટી તાકાત છે. તેમના કલ્યાણ માટે લેવામાં આવેલા પગલાં આપણા સંબંધોને માનવતાવાદી પાયો આપે છે.

મલેશિયામાં ભારતીય કામદારોની સુરક્ષા માટે સામાજિક સુરક્ષા કરાર, પર્યટન માટે મફત ઇ-વિઝા અને મલેશિયામાં ડિજિટલ ચુકવણી ઇન્ટરફેસ UPIનો અમલ બંને દેશોના નાગરિકોના જીવનને સરળ બનાવશે. કારણ કે કોઈપણ ભાગીદારી ત્યારે જ સફળ થાય છે જ્યારે લાભો સીધા લોકો સુધી પહોંચે છે.

મિત્રો,

ભારત અને મલેશિયા તમિલ ભાષા પ્રત્યેના સહિયારા પ્રેમથી પણ જોડાયેલા છે. મલેશિયામાં મજબૂત અને જીવંત તમિલ હાજરી શિક્ષણ, મીડિયા અને સાંસ્કૃતિક જીવનમાં સ્પષ્ટ છે. મને વિશ્વાસ છે કે આજનો ઑડિયો-વિઝ્યુઅલ કરાર આપણા હૃદયને ફિલ્મ અને સંગીત, ખાસ કરીને તમિલ ફિલ્મો પ્રત્યે વધુ નજીક લાવશે.

અમે આપણા યુવાનોમાં યુનિવર્સિટી વિનિમય, સ્ટાર્ટ-અપ જોડાણો અને કૌશલ્ય વિકાસ માટે તકોનો પણ વિસ્તાર કરી રહ્યા છીએ. આપણા વધતા સંબંધોને ટેકો આપવા માટે, અમે મલેશિયામાં એક નવું કોન્સ્યુલેટ પણ ખોલી રહ્યા છીએ.

મિત્રો,

ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર વિશ્વના વિકાસ એન્જિન તરીકે ઉભરી રહ્યું છે. અમે આસિયાન સાથે સમગ્ર ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વિકાસ, શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છીએ. ભારત આસિયાન કેન્દ્રિયતાને પ્રાથમિકતા આપે છે. હું ફરી એકવાર મલેશિયાને તેના સફળ આસિયાન અધ્યક્ષપદ બદલ અભિનંદન આપું છું.

 

મલેશિયા જેવા મિત્ર દેશોના સમર્થનથી ભારત આસિયાન સાથેના તેના સંબંધોને વધુ વિસ્તૃત કરશે. અમે સંમત છીએ કે આસિયાન-ભારત વેપાર કરાર, ITIGA ની સમીક્ષા ઝડપથી પૂર્ણ થવી જોઈએ.

મિત્રો,

આજે અમે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ અર્થપૂર્ણ ચર્ચા કરી. વૈશ્વિક અસ્થિરતાના આ વાતાવરણમાં ભારત અને મલેશિયા વચ્ચે વધતી મિત્રતા બંને દેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

અમે એ મત ધરાવીએ છીએ કે આજના પડકારોનો સામનો કરવા માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારો જરૂરી છે. અમે શાંતિ માટેના તમામ પ્રયાસોને સમર્થન આપતા રહીશું. અને આતંકવાદ પર અમારો સંદેશ સ્પષ્ટ છે:

કોઈ બેવડા ધોરણો નહીં. કોઈ સમાધાન નહીં.  

મહામહિમ,

ભારત-મલેશિયા સંબંધો પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતાની અમે પ્રશંસા કરીએ છીએ. ચાલો સાથે મળીને સમૃદ્ધ મલેશિયાના તમારા સ્વપ્નને અને વિકસિત ભારત માટેના અમારા સંકલ્પને સાકાર કરીએ.

ફરી એકવાર, તમારી મિત્રતા, તમારા ઉષ્માભર્યા સ્વાગત અને તમારા આતિથ્ય માટે ખૂબ ખૂબ આભાર. અમે ભારતમાં તમારું સ્વાગત કરવા આતુર છીએ.

ખુબ ખુબ આભાર.

ખુબ ખુબ આભાર.

જુમ્પા લાગી!

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY

Media Coverage

A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 9 મે 2026
May 09, 2026

Citizens Celebrate India’s Civilisational & Economic Awakening Under PM Narendra Modi