આ કાર્યક્રમ રોકાણની અને વ્યાવસાયિક તકો માટે સમૃદ્ધ કેન્દ્ર તરીકે રાજ્યની પ્રચૂર સંભવિતતાને પ્રદર્શિત કરે છે: પ્રધાનમંત્રી
આ કાર્યક્રમ રોકાણ અને વ્યવસાયિક તકો માટે એક સમૃદ્ધ કેન્દ્ર તરીકે રાજ્યની અપાર સંભાવના દર્શાવે છે: પ્રધાનમંત્રી
પૂર્વીય ભારત દેશના વિકાસમાં એક ગ્રોથ એન્જિન છે, ઓડિશા તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે: પ્રધાનમંત્રી
આજે ભારત કરોડો લોકોની આકાંક્ષાઓથી પ્રેરિત થઈને વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે: પ્રધાનમંત્રી
ઓડિશા ખરેખર ઉત્કૃષ્ટ છે, ઓડિશા નવા ભારતના આશાવાદ અને મૌલિકતાનું પ્રતીક છે, ઓડિશા તકોની ભૂમિ છે અને અહીંના લોકોએ હંમેશા યોગ્ય પ્રદર્શન કરવાનો જુસ્સો દર્શાવ્યો છે: પ્રધાનમંત્રી
ભારત ગ્રીન ફ્યુચર અને ગ્રીન ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે: પ્રધાનમંત્રી
21મી સદીના ભારત માટે આ યુગ કનેક્ટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી વિશે છે: પ્રધાનમંત્રી
ઓડિશામાં પર્યટનની અપાર સંભાવનાઓ છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાનાં ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025 અને મેક ઇન ઓડિશા પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. અહિં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી, 2025માં ઓડિશાની આ તેમની બીજી મુલાકાત હતી. જેમાં પ્રવાસી ભારતીય દિવસ 2025નાં કાર્યક્રમનું ઉદઘાટન કરવા માટે તેમની મુલાકાતને યાદ કરવામાં આવી હતી. ઓડિશામાં આ અત્યાર સુધીની સૌથી મોટી બિઝનેસ સમિટ હોવાનું નોંધતા શ્રી મોદીએ કહ્યું હતું કે, મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025માં આશરે 5થી 6 ગણા વધારે રોકાણકારો સહભાગી થયા છે. તેમણે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ ઓડિશાનાં લોકો અને સરકારને અભિનંદન પણ આપ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "પૂર્વીય ભારત દેશનાં વિકાસમાં વૃદ્ધિનું એન્જિન છે અને ઓડિશા તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે." તેમણે જણાવ્યું કે ઐતિહાસિક ડેટા એ પણ દર્શાવે છે કે જ્યારે ભારતે વૈશ્વિક વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી ત્યારે પૂર્વીય ભારતનું યોગદાન નોંધપાત્ર હતું. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, પૂર્વ ભારતમાં ઔદ્યોગિક કેન્દ્રો, બંદરો, વેપારનાં મોટાં કેન્દ્રો છે અને તેમાં ઓડિશાની ભાગીદારી નોંધપાત્ર છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ઓડિશા દક્ષિણ પૂર્વ એશિયાના વેપારમાં મહત્ત્વપૂર્ણ કેન્દ્ર હતું અને બંદરો ભારત માટે પ્રવેશદ્વાર હતા." તેમણે ઉમેર્યું હતું કે ઓડિશામાં આજે પણ બાલી યાત્રા ઉજવવામાં આવે છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની ભારતની તાજેતરની મુલાકાતને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, તેમનાં ડીએનએમાં ઓડિશાનાં ચિહ્નો હોવાની શક્યતા છે.

 

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ઓડિશા વારસાની ઉજવણી કરે છે, જે તેને દક્ષિણ પૂર્વ એશિયા સાથે જોડે છે. તેમણે ઉમેર્યું હતું કે, ઓડિશાએ હવે 21મી સદીમાં ભવ્ય વારસાને પુનર્જીવિત કરવાનું શરૂ કર્યું છે. તેમણે નોંધ્યું હતું કે, સિંગાપોરનાં રાષ્ટ્રપતિએ તાજેતરમાં ઓડિશાની મુલાકાત લીધી હતી અને સિંગાપોર ઓડિશા સાથેનાં તેમના સંબંધોને લઈને અતિ ઉત્સાહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આસિયાન દેશોએ ઓડિશા સાથે વેપાર અને પરંપરાગત જોડાણોને મજબૂત કરવા માટે પણ રસ દાખવ્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં આઝાદી પછી અત્યાર સુધીમાં અગાઉ ક્યારેય નહોતી એવી અનેક તકો ખુલી રહી છે. તેમણે ઉપસ્થિત તમામ રોકાણકારોને આહવાન કરતાં જણાવ્યું હતું કે, અત્યારે ઓડિશાની વિકાસયાત્રામાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે અને તેમણે ખાતરી આપી હતી કે, તેમનું રોકાણ સફળતાની નવી ઊંચાઈઓ તરફ દોરી જશે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "ભારત કરોડો લોકોની આકાંક્ષાઓથી સંચાલિત વિકાસનાં માર્ગે અગ્રેસર છે." શ્રી મોદીએ જણાવ્યું હતું કે, એઆઇનો અર્થ ભારતની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આકાંક્ષા એમ બંને છે, જે દેશની તાકાત છે. તેમણે કહ્યું હતું કે જ્યારે લોકોની જરૂરિયાતો પૂર્ણ થાય છે, ત્યારે આકાંક્ષાઓ વધે છે અને વીતેલા દાયકામાં કરોડો નાગરિકોને સશક્ત બનાવ્યાં છે, જેનાથી દેશને લાભ થયો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઓડિશા આ આકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઓડિશાને ઉત્કૃષ્ટ ગણાવ્યું હતું, જે નવા ભારતનાં આશાવાદ અને મૌલિકતાનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું હતું કે, ઓડિશા પાસે અસંખ્ય તકો છે અને તેનાં લોકોએ હંમેશા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટેનો જુસ્સો દર્શાવ્યો છે. ઓડિશાનાં લોકોનાં કૌશલ્ય, આકરી મહેનત અને પ્રામાણિકતાને નિહાળવાનો પોતાનો વ્યક્તિગત અનુભવ ગુજરાતમાં વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ઓડિશામાં નવી તકો ઊભી થવાની સાથે રાજ્ય ટૂંક સમયમાં વિકાસની અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચશે. તેમણે ઓડિશાનાં વિકાસને વેગ આપવાનાં પ્રયાસો માટે મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝી અને તેમની ટીમની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ઓડિશા ખાદ્ય પ્રસંસ્કરણ, પેટ્રોરસાયણ, બંદર સંચાલિત વિકાસ, મત્સ્યપાલન, આઇટી, એડ્યુટેક, ટેક્સટાઇલ્સ, પ્રવાસન, ખાણકામ અને હરિત ઊર્જા સહિત વિવિધ ઉદ્યોગોમાં ભારતનાં અગ્રણી રાજ્યોમાંનું એક બની રહ્યું છે.

 

ભારત ઝડપથી દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાની દિશામાં પ્રગતિ કરી રહ્યું છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પાંચ ટ્રિલિયન ડોલરનાં અર્થતંત્રની સીમાચિહ્નરૂપ સિદ્ધિ બહુ દૂર નથી. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં ઉત્પાદન ક્ષેત્રમાં ભારતની તાકાત પણ સ્પષ્ટ થઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, ભારતનાં અર્થતંત્રનું વિસ્તરણ બે મુખ્ય આધારસ્તંભ છેઃ નવીન સેવા ક્ષેત્ર અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશની ઝડપી પ્રગતિ ફક્ત કાચા માલની નિકાસ પર નિર્ભર ન હોઈ શકે અને એટલે સંપૂર્ણ ઇકોસિસ્ટમ નવા વિઝન સાથે પરિવર્તિત થઈ રહી છે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારત ખનિજોનાં ઉત્પાદન અને મૂલ્ય સંવર્ધન માટે તેને વિદેશમાં મોકલવાનાં વલણમાં પરિવર્તન લાવી રહ્યું છે, જેથી એ ઉત્પાદનો ભારતમાં પાછાં ફરે. એ જ રીતે, તેમણે ઉમેર્યું હતું કે, અન્ય દેશોમાં પ્રોસેસિંગ માટે સીફૂડની નિકાસ કરવાના ટ્રેન્ડમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સરકાર ઓડિશામાં સંસાધનો સાથે સંબંધિત ઉદ્યોગો રાજ્યની અંદર સ્થાપિત થાય એ સુનિશ્ચિત કરવા કામ કરી રહી છે. તેમણે પ્રકાશ પાડ્યો કે ઉત્કર્ષ ઓડિશા કોનક્લેવ 2025એ આ દ્રષ્ટિને સાકાર કરવા માટેનું એક સાધન છે.

વિશ્વ સતત જીવનશૈલી પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને હરિયાળા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે એ બાબતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ગ્રીન જોબ્સની સંભવિતતામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેમણે સમયની માંગ અને જરૂરિયાતોને સ્વીકારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારત ગ્રીન ટેકનોલોજી અને સૌર, પવન, હાઇડ્રો અને ગ્રીન હાઇડ્રોજન સહિત હરિયાળા ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જે વિકસિત ભારતની ઊર્જા સુરક્ષાને ઊર્જા પ્રદાન કરશે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ઓડિશામાં આ સંબંધમાં પ્રચૂર સંભવિતતા છે અને તેમણે જણાવ્યું હતું કે, દેશે રાષ્ટ્રીય સ્તરનાં ગ્રીન હાઇડ્રોજન અને સૌર ઊર્જા અભિયાનો શરૂ કર્યા છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ઓડિશામાં પુનઃપ્રાપ્ય ઊર્જાનાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ નીતિગત નિર્ણયો લેવામાં આવ્યાં છે અને હાઇડ્રોજન ઊર્જાનાં ઉત્પાદન માટે કેટલાંક પગલાં લેવામાં આવ્યાં છે.

 

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, હરિયાળી ઊર્જાની સાથે-સાથે ઓડિશામાં પેટ્રો અને પેટ્રોરસાયણ ક્ષેત્રનાં વિસ્તરણ માટે પણ વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે. તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે પારાદીપ અને ગોપાલપુરમાં સમર્પિત ઔદ્યોગિક ઉદ્યાનો અને રોકાણ ક્ષેત્રો વિકસાવવામાં આવી રહ્યાં છે, જે આ ક્ષેત્રમાં રોકાણની નોંધપાત્ર સંભવિતતા સૂચવે છે. શ્રી મોદીએ ઓડિશા સરકારને રાજ્યમાં વિવિધ પ્રદેશોની સંભવિતતાને ધ્યાનમાં રાખીને ઝડપી નિર્ણયો લેવા અને નવી ઇકોસિસ્ટમ વિકસાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "21મી સદી એ ભારત માટે કનેક્ટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીનો યુગ છે." શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં જે સ્કેલ અને ઝડપે વિશિષ્ટ માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, તે દેશને રોકાણ માટે ઉત્કૃષ્ટ સ્થળ બનાવી રહી છે. તેમણે નોંધ્યું હતું કે સમર્પિત નૂર કોરિડોર પૂર્વ અને પશ્ચિમ દરિયાકિનારાને જોડતા હતા, જે અગાઉ જમીનથી ઘેરાયેલા પ્રદેશો માટે દરિયામાં ઝડપથી પ્રવેશ પૂરો પાડતા હતા. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ ધરાવતાં ડઝનેક ઔદ્યોગિક શહેરોનું નિર્માણ સમગ્ર દેશમાં થઈ રહ્યું છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઓડિશામાં પણ આવી જ તકો વધી રહી છે અને રાજ્યમાં રેલવે અને હાઇવે નેટવર્ક સાથે સંબંધિત હજારો કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, ઓડિશામાં ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા માટે સરકાર બંદરોને ઔદ્યોગિક ક્લસ્ટર્સ સાથે જોડી રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, હાલનાં બંદરોનું વિસ્તરણ અને નવા બંદરોનું નિર્માણ એમ બંને થઈ રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બ્લ્યૂ ઈકોનોમીની દ્રષ્ટિએ ઓડિશા દેશના ટોચના રાજ્યોમાંનું એક બનવાનું છે.

ઝડપથી બદલાતી દુનિયામાં વૈશ્વિક પુરવઠા શ્રુંખલાના પડકારોને ઓળખવા માટે દરેકને વિનંતી કરતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત ખંડિત અને આયાત-આધારિત સપ્લાય ચેઇન પર નિર્ભર ન રહી શકે. તેમણે ઉમેર્યું હતું કે, તેના બદલે ભારતની અંદર એક મજબૂત પુરવઠો અને મૂલ્ય શ્રુંખલાની રચના થવી જોઈએ, જેથી વૈશ્વિક વધઘટની અસરને લઘુતમ કરી શકાય. તેમણે પ્રકાશ પાડ્યો કે આ જવાબદારી સરકાર અને ઉદ્યોગ બંનેની છે. શ્રી મોદીએ ઉદ્યોગોને એમએસએમઇ અને યુવાન સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવા, વૃદ્ધિ માટે સંશોધન અને નવીનતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર દેશમાં એક જીવંત સંશોધન ઇકોસિસ્ટમ ઊભી કરી રહી છે, જેમાં વિશેષ ભંડોળ અને ઇન્ટર્નશિપ અને કૌશલ્ય વિકાસ માટે પેકેજ સામેલ છે. તેમણે ઉદ્યોગોને સરકાર સાથે સક્રિયપણે ભાગ લેવા અને સહયોગ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. એક મજબૂત સંશોધન પ્રણાલી અને કુશળ યુવા કાર્યદળથી ઉદ્યોગને સીધો લાભ થશે એ વાત પર ભાર મૂકીને શ્રી મોદીએ ઔદ્યોગિક ભાગીદારો અને ઓડિશા સરકારને ઓડિશાની આકાંક્ષાઓ સાથે સુસંગત આધુનિક ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા સંયુક્તપણે કામ કરવા અપીલ કરી હતી, જે યુવાનોને નવી તકો પ્રદાન કરશે. તેમણે જણાવ્યું હતું કે, તેનાથી ઓડિશાની અંદર રોજગારીની વધારે તકોનું સર્જન થશે, જે રાજ્ય માટે સમૃદ્ધિ, તાકાત અને પ્રગતિ તરફ દોરી જશે.

 

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, દુનિયાભરનાં લોકો ભારત વિશે સમજવા અને જાણવા આતુર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઓડિશા હજારો વર્ષનાં વારસા અને ઇતિહાસ સાથે ભારતને સમજવા માટે ઉત્કૃષ્ટ સ્થળ છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય આસ્થા, આધ્યાત્મિકતા, જંગલો, પર્વતો અને દરિયાનું અનોખું મિશ્રણ પ્રદાન કરે છે, જે તમામ એક જ સ્થળે છે. શ્રી મોદીએ ઓડિશાને વિકાસ અને વારસાનું મોડલ ગણાવ્યું હતું તથા ઉલ્લેખ કર્યો હતો કે, ઓડિશામાં જી-20 સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે તથા કોણાર્ક સૂર્ય મંદિરનાં પૈડાંને મુખ્ય કાર્યક્રમનો ભાગ બનાવવામાં આવ્યાં હતાં. તેમણે 500 કિલોમીટરનો દરિયાકિનારો, 33 ટકાથી વધારે વન્ય આવરણ અને ઇકો-ટૂરિઝમ અને એડવેન્ચર ટૂરિઝમ માટે અનંત સંભાવનાઓ સાથે ઓડિશાની પ્રવાસન સંભવિતતાને શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતનું ધ્યાન "વેડ ઇન ઇન્ડિયા" અને "હીલ ઇન ઇન્ડિયા" પર કેન્દ્રિત હતું તથા ઓડિશાનું કુદરતી સૌંદર્ય અને પર્યાવરણ આ પહેલોને ટેકો આપે છે.

ભારતમાં કોન્ફરન્સ ટૂરિઝમની નોંધપાત્ર સંભવિતતા હોવાનું જણાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દિલ્હીમાં ભારત મંડપમ અને યશોભૂમિ જેવા સ્થળો આ ક્ષેત્ર માટેનાં મુખ્ય કેન્દ્રો બની રહ્યાં છે. તેમણે કોન્સર્ટ ઇકોનોમીના ઉભરતા ક્ષેત્રનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, ભારત સંગીત, નૃત્ય અને વાર્તાકથનનો સમૃદ્ધ વારસો ધરાવે છે તથા જલસામાં જનારા યુવાન સમુદાયનાં વિશાળ સમુદાય સાથે જલસાનાં અર્થતંત્ર માટે પુષ્કળ સંભાવનાઓ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં લાઇવ ઇવેન્ટનું વલણ અને માગમાં વધારો થયો છે. ભારતમાં લાઇવ કોન્સર્ટના અવકાશના પુરાવા તરીકે મુંબઈ અને અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલી કોલ્ડપ્લે કોન્સર્ટનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મુખ્ય વૈશ્વિક કલાકારો ભારત તરફ આકર્ષાયા છે અને કોન્સર્ટનું અર્થતંત્ર પ્રવાસનને વેગ આપે છે અને અસંખ્ય રોજગારીનું સર્જન કરે છે. તેમણે રાજ્યો અને ખાનગી ક્ષેત્રને જલસાના અર્થતંત્ર માટે જરૂરી માળખાગત સુવિધાઓ અને કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી. આમાં ઇવેન્ટ મેનેજમેન્ટ, આર્ટિસ્ટ ગ્રૂમિંગ, સિક્યુરિટી અને અન્ય વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે, જ્યાં નવી તકો ઉભરી રહી છે.

શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આગામી મહિને ભારત પ્રથમ વખત વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (વેવ્સ)ની યજમાની કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ દુનિયાને ભારતની રચનાત્મક શક્તિ પ્રદર્શિત કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓ આવક પેદા કરે છે અને ધારણાઓને આકાર આપે છે, જે અર્થતંત્રની વૃદ્ધિમાં પ્રદાન કરે છે. તેમણે નોંધ્યું હતું કે, ઓડિશામાં આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવાની પુષ્કળ સંભવિતતા છે.

 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ઓડિશા વિકસિત ભારતનાં નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઓડિશાનાં લોકોએ સમૃદ્ધ રાજ્યનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે અને કેન્દ્ર સરકાર આ લક્ષ્યાંક હાંસલ કરવા શક્ય તમામ સાથસહકાર પ્રદાન કરી રહી છે. તેમણે ઓડિશા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને નોંધ્યું હતું કે, તેમણે પ્રધાનમંત્રી તરીકે રાજ્યની લગભગ 30 વખત મુલાકાત લીધી હતી અને એનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં પણ ગયા છે. તેમણે ઓડિશાની સંભવિતતા અને એનાં લોકો પર પોતાનાં વિશ્વાસ પર ભાર મૂક્યો હતો. પોતાનાં સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તમામ ભાગીદારો દ્વારા કરવામાં આવેલું રોકાણ તેમનાં વ્યવસાયો અને ઓડિશાની પ્રગતિ એમ બંનેને નવી ઊંચાઈએ લઈ જશે. તેમણે તેમાં સામેલ દરેકને શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ઓડિશાનાં રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભામપતિ, ઓડિશાનાં મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝી, કેન્દ્રીય મંત્રીઓ શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, શ્રી અશ્વિની વૈષ્ણવ સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં.

પાશ્વ ભાગ

ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025 એક ફ્લેગશિપ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ છે, જેનું આયોજન ઓડિશા સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ રાજ્યને પૂર્વોદય વિઝનના એન્કર તરીકે તેમજ ભારતમાં અગ્રણી રોકાણ સ્થળ અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે.

પ્રધાનમંત્રીએ મેઈક ઈન ઓડિશા પ્રદર્શનનું ઉદઘાટન પણ કર્યું હતું, જેમાં વાઇબ્રન્ટ ઔદ્યોગિક પ્રણાલી વિકસાવવામાં રાજ્યની સિદ્ધિઓ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો. આ બે દિવસીય સંમેલન 28થી 29 જાન્યુઆરી દરમિયાન યોજાશે. તે ઉદ્યોગના અગ્રણીઓ, રોકાણકારો અને નીતિઘડવૈયાઓ માટે પસંદગીના રોકાણ સ્થળ તરીકે ઓડિશા જે તકો ઓફર કરે છે તેના સમન્વય અને ચર્ચા કરવા માટેના મંચ તરીકે કામ કરશે. આ કોન્કલેવમાં સીઇઓ અને લીડર્સ રાઉન્ડટેબલ્સ, સેક્ટરલ સેશન્સ, બી2બી બેઠકો અને નીતિગત ચર્ચાઓ યોજાશે, જે સમગ્ર વિશ્વમાં રોકાણકારો સાથે લક્ષિત જોડાણ સુનિશ્ચિત કરશે.

 

Click here to read full text speech

 

 

 

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Jumbo Indian contingent comprising 768 athletes, support staff and officials for Asian Games

Media Coverage

Jumbo Indian contingent comprising 768 athletes, support staff and officials for Asian Games
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 સપ્ટેમ્બર 2026
September 04, 2026

Make in India, Power India, Play for India: Multi-Sector Momentum Under PM Modi’s Leadership