ભારતમાં જી20 સમિટ સાથે સંબંધિત 4 પ્રકાશનોનું વિમોચન કર્યું
"જ્યારે યુવાનો તેની પાછળ હોય ત્યારે આવા વ્યાપના કાર્યક્રમો સફળ થવાના જ છે"
"છેલ્લા 30 દિવસમાં દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રવૃત્તિઓ જોવા મળી હતી. ભારતની પહોંચ સરખામણીથી પર છે"
"સર્વાનુમતે નવી દિલ્હીનું જાહેરનામું સમગ્ર વિશ્વમાં હેડલાઇન્સ બની ગયું છે"
"મજબૂત રાજદ્વારી પ્રયાસોને કારણે ભારતને નવી તકો, નવા મિત્રો અને નવાં બજારો મળી રહ્યાં છે, જે યુવાનોને નવી તકો પ્રદાન કરે છે"
"ભારતે જી-20ને જન-સંચાલિત રાષ્ટ્રીય આંદોલન બનાવ્યું છે"
"આજે, પ્રામાણિકને પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે જ્યારે અપ્રમાણિકને સજા આપવામાં આવી રહી છે"
"દેશની વિકાસ યાત્રા માટે સ્વચ્છ, સ્પષ્ટ અને સ્થિર શાસન અનિવાર્ય છે"
"મારી તાકાત ભારતના યુવાનોમાં રહેલી છે"
"મિત્રો, મારી સાથે ચાલો, હું તમને આમંત્રણ આપું છું. 25 વર્ષ આપણી સામે છે, 100 વર્ષ પહેલાં શું થયું હતું, તેઓ સ્વરાજ માટે આગળ વધ્યા, આપણે સમૃદ્ધિ માટે આગળ વધીએ”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ્‌માં જી20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલે કાર્યક્રમને સંબોધન કર્યું હતું. જી20 યુનિવર્સિટી કનેક્ટ પહેલ ભારતના યુવાનોમાં ભારતનાં જી20 પ્રમુખપદની સમજણનું નિર્માણ કરવા અને વિવિધ જી20 કાર્યક્રમોમાં તેમની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જી-20 ભારત પ્રેસિડેન્સીની ભવ્ય સફળતાઃ દૂરદર્શી નેતૃત્વ, સર્વસમાવેશક અભિગમ; ભારતનું જી-20 પ્રમુખપદ: વસુધૈવ કુટુમ્બકમ્‌; જી-20 યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામનો સંગ્રહ; અને જી-20 ખાતે ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન એમ 4 પ્રકાશનો પણ બહાર પાડ્યાં હતાં.

 

પ્રધાનમંત્રીએ બે અઠવાડિયા પહેલા જી-20 શિખર સંમેલન દરમિયાન ભારત મંડપમ્‌માં થયેલી હલચલને યાદ કરીને પોતાનાં સંબોધનની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે તે સંપૂર્ણપણે પ્રવૃત્તિસભર સ્થળ બની ગયું છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે આ જ સ્થળ આજે ભારતનાં ભવિષ્યનું સાક્ષી છે. ભારતે જી-20 જેવી ઇવેન્ટનું આયોજન કરવાનું ધોરણ ઊંચું કર્યું છે અને દુનિયાને તેનાથી અત્યંત આશ્ચર્ય થયું છે એ બાબતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમને જરા પણ આશ્ચર્ય નથી થયું, કારણ કે આ પ્રકારનાં આયોજન સાથે ભારતનાં આશાસ્પદ યુવાનોએ પોતાની જાતને જોડી હતી. તેમણે જણાવ્યું હતું કે, "જ્યારે યુવાનો તેની સાથે જોડાય છે ત્યારે આવા વ્યાપના કાર્યક્રમો સફળ થવાના જ છે." પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભારતમાં બનતી ઘટનાઓનો શ્રેય રાષ્ટ્રની યુવા ઊર્જાને આપ્યો હતો.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત એક ઘટનાસભર સ્થળ બની રહ્યું છે. છેલ્લા 30 દિવસની પ્રવૃત્તિઓ પરથી તે સ્પષ્ટ થાય છે. છેલ્લા 30 દિવસોનો પુનરોચ્ચાર કરતાં પ્રધાનમંત્રીએ સફળ ચંદ્રયાન અભિયાનને યાદ કરીને શરૂઆત કરી હતી, જ્યારે સમગ્ર વિશ્વ 'ભારત ચંદ્ર પર છે' સાથે ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "23 ઑગસ્ટનો દિવસ આપણા દેશમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે અમર બની ગયો છે."  આ સફળતાને આગળ ધપાવતા ભારતે તેનાં સૌર મિશનને સફળતાપૂર્વક લૉન્ચ કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ચંદ્રયાને 3 લાખ કિ.મી.નું અંતર કાપ્યું છે અને સોલર પ્રોજેક્ટ 15 લાખ કિ.મી.નું અંતર કાપશે." તેમણે મજાકમાં કહ્યું કે "શું ભારતની પહોંચની કોઈ સરખામણી છે?”

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લા 30 દિવસમાં ભારતની મુત્સદ્દીગીરીએ નવી ઊંચાઈઓ સર કરી છે. તેમણે જી-20 અગાઉ દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી બ્રિક્સ સમિટનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ભારતના પ્રયાસો સાથે છ નવા દેશોને તેના સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. દક્ષિણ આફ્રિકા પછી પ્રધાનમંત્રીએ ગ્રીસની મુસાફરીનો ઉલ્લેખ કર્યો હતો, જે છેલ્લાં ચાર દાયકામાં કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ મુલાકાત હતી. તેમણે જી-20 સમિટ અગાઉ ઇન્ડોનેશિયામાં વિશ્વના કેટલાંક નેતાઓને મળવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ જ ભારત મંડપમ્‌ ખાતે વિશ્વની સ્થિતિ સુધારવા માટે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું જણાવતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે ધ્રુવીકરણ થયેલાં વાતાવરણમાં એક જ મંચ પર તમામ સભ્ય દેશો માટે સમાન ભૂમિકા શોધવી એ સરકાર માટે વિશેષ સિદ્ધિ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "નવી દિલ્હીનું જાહેરનામું સમગ્ર દુનિયામાં મુખ્ય સમાચારોમાં ચમકી રહ્યું છે." તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારતે કેટલીક મહત્ત્વપૂર્ણ પહેલ અને પરિણામોની આગેવાની લીધી છે. 21મી સદીની દિશા સંપૂર્ણપણે બદલવાની ક્ષમતા ધરાવતા જી20ના પરિવર્તનકારી નિર્ણયો વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જી20માં આફ્રિકન યુનિયનને કાયમી સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યું, ભારતનાં નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય જૈવઇંધણ જોડાણ, ભારત મધ્ય પૂર્વ યુરોપ કૉરિડોરનો ઉલ્લેખ કર્યો હતો.

 

જી-20 સમિટ પૂરી થતા જ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સની સ્ટેટ વિઝિટ થઇ અને સાઉદી અરબ ભારતમાં 100 અરબ ડૉલરનું રોકાણ કરવા જઇ રહ્યું છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, તેમણે છેલ્લા 30 દિવસમાં દુનિયાના 85 નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં દુનિયાનો લગભગ અડધો ભાગ આવરી લેવામાં આવ્યો હતો. ભારતની વધતી જતી આંતરરાષ્ટ્રીય પ્રોફાઇલના ફાયદાઓ સમજાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આને કારણે જ ભારતને નવી તકો, નવા મિત્રો અને નવાં બજારો પ્રાપ્ત થયાં છે, જે યુવાનોને નવી તકો પૂરી પાડે છે.

છેલ્લા 30 દિવસમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો અને ગરીબો અને મધ્યમ વર્ગને સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાંનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ વિશ્વકર્મા જયંતીના શુભ અવસર પર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ કરવાનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી કારીગરો, શિલ્પકારો અને પરંપરાગત કામદારોને ઘણો લાભ થશે. તેમણે 1 લાખથી વધુ યુવાનોને કેન્દ્ર સરકારની નોકરીઓના નિમણૂક પત્રો સોંપવા માટે રોજગાર મેળાઓનાં આયોજનોનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે, રોજગાર મેળાની શરૂઆતથી અત્યાર સુધીમાં 6 લાખથી વધારે યુવાનોને નિમણૂકપત્રો આપવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ નવી સંસદનાં ઉદ્‌ઘાટન સત્રનો પણ ઉલ્લેખ કર્યો હતો જ્યાં પસાર થનારું પ્રથમ બિલ નારીશક્તિ વંદન અધિનિયમ હતું.

 

ઇલેક્ટ્રિક મોબિલિટીમાં નવીનતમ ઘટનાક્રમો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, દેશમાં બૅટરી ઊર્જા સંગ્રહ પ્રણાલીને સશક્ત બનાવવા માટે નવી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. અન્ય ઘટનાક્રમોની સાથે શ્રી મોદીએ નવી દિલ્હીમાં દ્વારકામાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટરનાં ઉદ્‌ઘાટન; વારાણસીમાં એક નવાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ અને 9 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું એ વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશમાં એક રિફાઇનરીમાં પેટ્રોરસાયણ સંકુલ માટે શિલાન્યાસ કરવા ઉપરાંત પુનઃપ્રાપ્ય ઊર્જા આઇટી પાર્ક, મેગા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને રાજ્યમાં છ નવા ઔદ્યોગિક સેક્ટર્સનો શિલાન્યાસ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "આ તમામ ઘટનાક્રમો રોજગારીનાં સર્જન અને યુવાનોનાં કૌશલ્યને વધારવા સાથે સંબંધિત છે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યાં આશાવાદ, તકો અને નિખાલસતા હોય છે, ત્યાં યુવાનો પ્રગતિ કરે છે. પ્રધાનમંત્રીએ યુવાનોને મોટું વિચારવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "એવી કોઈ સિદ્ધિ નથી કે જે તમારી બહાર હોય અથવા દેશ તમારી પાછળ ન હોય." તેમણે કહ્યું કે કોઈ પણ પ્રસંગને નાનો ન ગણવો જોઈએ અને દરેક પ્રવૃત્તિને બૅન્ચમાર્કમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ થવો જોઈએ. તેમણે જી-20નું ઉદાહરણ આપીને આ વાત સમજાવી હતી, જે માત્ર રાજદ્વારી અને દિલ્હી કેન્દ્રિત કાર્યક્રમ બની શક્યો હોત. તેના બદલે, "ભારતે જી-20ને લોકો-સંચાલિત રાષ્ટ્રીય ચળવળ બનાવી દીધી છે," એમ તેમણે જણાવ્યું હતું. તેમણે આ કાર્યક્રમમાં યુવાનોની ભાગીદારીની પ્રશંસા કરી હતી, કારણ કે જી20 યુનિવર્સિટી કનેક્ટમાં 100થી વધારે યુનિવર્સિટીઓના 1 લાખથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સરકાર જી-20ને શાળાઓ, ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓમાં 5 કરોડ વિદ્યાર્થીઓ સુધી લઈ ગઈ છે. "આપણા લોકો મોટું વિચારે છે અને તેનાથી પણ વધુ ભવ્ય પરિણામ આપે છે", એમ તેમણે ઉમેર્યું.

અમૃત કાલનાં આગામી 25 વર્ષનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ દેશ અને યુવાનો બંને માટે આ સમયગાળાની અગત્યતા પર ભાર મૂક્યો હતો. યોગદાન આપતાં પરિબળોના સમન્વય પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત સૌથી ઝડપથી વિકસતાં અર્થતંત્રોમાં સ્થાન ધરાવે છે, કારણ કે દેશ ખૂબ જ ઓછા સમયમાં 10મા ક્રમેથી પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. ભારત પર વૈશ્વિક વિશ્વાસ મજબૂત છે અને દેશમાં રેકોર્ડ વિદેશી રોકાણ છે. નિકાસ, ઉત્પાદન અને સેવા ક્ષેત્ર નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. માત્ર પાંચ વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવીને ભારતના નિયો-મિડલ ક્લાસમાં પ્રવેશ્યા છે." ભૌતિક, સામાજિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રગતિથી વિકાસમાં નવી ગતિ સુનિશ્ચિત થઈ રહી છે. ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 10 લાખ કરોડનું રોકાણ જોવા મળી રહ્યું છે," એમ તેમણે ઉમેર્યું.

યુવાનો માટે નવી તકો વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ઇપીએફઓનાં પેરોલ પર આશરે 5 કરોડ રજિસ્ટ્રેશન થયાં છે. આમાંથી 3.5 કરોડ લોકો પહેલીવાર ઇપીએફઓના દાયરામાં આવ્યા છે, એટલે કે આ તેમનો પહેલો ઔપચારિક બ્લોક છે. તેમણે 2014 પછી દેશમાં સ્ટાર્ટઅપ્સની અસાધારણ વૃદ્ધિ વિશે પણ વાત કરી હતી, જે 2014માં 100થી ઓછાથી આજે 1 લાખથી વધુ છે. "ભારત બીજા નંબરનું સૌથી મોટું મોબાઇલ હેન્ડસેટ ઉત્પાદક છે. 2014ની સરખામણીએ સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો થયો છે. મુદ્રા યોજના યુવાનોને રોજગાર નિર્માતા બનાવી રહી છે." તેમણે માહિતી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં આ યોજનામાં પ્રથમ વખત 8 કરોડ નવા ઉદ્યોગસાહસિકો ઊભા કરવામાં આવ્યાં છે અને ભારતમાં 5 લાખ કોમન સર્વિસ સેન્ટર ખોલવામાં આવ્યાં છે.

 

પ્રધાનમંત્રી મોદીએ દેશમાં થઈ રહેલા સકારાત્મક ઘટનાઓનો શ્રેય રાજકીય સ્થિરતા, નીતિની સ્પષ્ટતા અને લોકશાહી મૂલ્યોને આપ્યો હતો. છેલ્લાં 9 વર્ષોમાં, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા માટે પ્રામાણિક પ્રયાસો કર્યા છે અને વચેટિયાઓને નિયંત્રિત કરવા અને વ્યવસ્થામાં થતી લિકેજને રોકવા માટે ટેક્નૉલોજી આધારિત પ્રણાલીઓનાં અમલીકરણનું ઉદાહરણ આપ્યું હતું. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આજે પ્રામાણિક લોકોને પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે જ્યારે અપ્રમાણિકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.”

"રાષ્ટ્રની વિકાસ યાત્રા ચાલુ રાખવા માટે સ્વચ્છ, સ્પષ્ટ અને સ્થિર શાસન ફરજિયાત છે", એમ પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો ભારતના યુવાનો દ્રઢ નિશ્ચય કરે તો 2047 સુધીમાં ભારતને વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનવાથી કોઈ રોકી શકશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ ભારત તરફ આશા સાથે જોઈ રહ્યું છે કારણ કે તેઓ હવે ભારત અને તેના યુવાનોની ક્ષમતાને ઓળખે છે. તેમણે કહ્યું કે વિશ્વની પ્રગતિ માટે ભારત અને તેના યુવાનોની પ્રગતિ અત્યંત મહત્વપૂર્ણ છે. તે યુવાનોની ભાવના છે જે પ્રધાનમંત્રીને રાષ્ટ્ર વતી પ્રતિબદ્ધતાઓ કરવા માટે સક્ષમ બનાવે છે તેની નોંધ લેતા તેમણે કહ્યું કે જ્યારે તેઓ વિશ્વ મંચ પર ભારતના દૃષ્ટિકોણને રજૂ કરે છે ત્યારે ભારતના યુવાનો તેમની પાછળની પ્રેરણા છે. "મારી તાકાત ભારતના યુવાનોમાં રહેલી છે", પ્રધાનમંત્રીએ ઉદ્‌ગાર કરતા કહ્યું અને દરેકને ભારતના યુવાનોનાં સારા ભવિષ્ય માટે અથાક મહેનત કરવાની ખાતરી આપી.

સ્વચ્છ ભારત અભિયાનને ભવ્ય રીતે સફળ બનાવવામાં યુવાનોનાં યોગદાનથી પ્રભાવિત થઈને પ્રધાનમંત્રીએ તેમને ગાંધી જયંતિના એક દિવસ પહેલા 1 ઑક્ટોબર, 2023ના રોજ સમગ્ર દેશમાં આયોજિત થનારાં વ્યાપક સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી હતી. તેમની બીજી વિનંતી ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવાની હતી. તેમણે તેમને એક અઠવાડિયાની અંદર ઓછામાં ઓછા 7 લોકોને યુપીઆઈ ચલાવવાનું શીખવવા કહ્યું. તેમની ત્રીજી વિનંતી વોકલ ફોર લોકલ વિશે હતી. તેમણે તેમને તહેવારો દરમિયાન 'મેડ ઇન ઇન્ડિયા' ભેટો ખરીદવાનું કહ્યું અને તેમનાં મૂળમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાની અપીલ કરી. તેમણે તેમને રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓની યાદી બનાવવાની કવાયત કરવા અને તેમાંથી કેટલી વિદેશી બનાવટની છે તે તપાસવા કહ્યું. તેમણે કહ્યું હતું કે, આપણા માટે અજાણી ઘણી વિદેશી વસ્તુઓએ આપણાં જીવન પર અતિક્રમણ કર્યું છે અને દેશ બચાવવા માટે તેમાંથી છૂટકારો મેળવવો મહત્વપૂર્ણ છે.

ભારતની કૉલેજ અને યુનિવર્સિટી કૅમ્પસ 'વોકલ ફોર લોકલ' માટે નિર્ણાયક કેન્દ્રો બની શકે છે તેની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને ખાદીને કૅમ્પસનું ફેશન સ્ટેટમેન્ટ બનાવવા વિનંતી કરી હતી. તેમણે કૉલેજના સાંસ્કૃતિક ઉત્સવોમાં ખાદી ફેશન શૉ યોજવા અને વિશ્વકર્માઓનાં કાર્યને પ્રોત્સાહન આપવાનું સૂચન કર્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલી ત્રણ અપીલ આજના યુવાનોની સાથે સાથે ભવિષ્યની પેઢીઓની સુધારણા માટે છે તેની નોંધ લેતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે યુવાનો આ સંકલ્પ સાથે આજે ભારત મંડપમ્‌ છોડશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વતંત્રતા સંગ્રામના દિગ્ગજોથી વિપરીત આપણને દેશ માટે મરવાની તક મળી નથી પરંતુ આપણી પાસે રાષ્ટ્ર માટે જીવવાની તમામ તક છે. તેમણે કહ્યું હતું કે, દાયકાઓ પહેલાંના યુવાનોએ આઝાદીનું ભવ્ય લક્ષ્ય નક્કી કર્યું હતું અને રાષ્ટ્રવ્યાપી ઊર્જાએ રાષ્ટ્રને વસાહતી સત્તાઓથી મુક્ત કર્યું હતું. "મિત્રો, મારી સાથે ચાલો, હું તમને આમંત્રણ આપું છું. 25 વર્ષ આપણી સામે છે, 100 વર્ષ પહેલાં શું થયું હતું, તેઓ સ્વરાજ માટે આગળ વધ્યા, આપણે સમૃદ્ધિ માટે આગળ વધી શકીએ છીએ. "આત્મનિર્ભર ભારત સમૃદ્ધિના નવા દરવાજા ખોલે છે અને આત્મવિશ્વાસને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે", એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે ભારતને ટોચનાં ત્રણ અર્થતંત્રોમાં લઈ જવાની તેમની ગૅરંટીનો પુનરોચ્ચાર કર્યો હતો, "તેથી જ મને મા ભારતી અને 140 કરોડ ભારતીયો માટે તમારાં સમર્થન અને સહકારની જરૂર છે", એમ તેમણે સમાપન કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

જી-20 જનભાગીદારી ચળવળમાં દેશભરની વિવિધ શાળાઓ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓના 5 કરોડથી વધુ યુવાનોની વિક્રમી ભાગીદારી જોવા મળી હતી. G20 યુનિવર્સિટી કનેક્ટ પહેલ ભારતના યુવાનોમાં ભારતના G20 પ્રેસિડેન્સીની સમજણ ઊભી કરવા અને વિવિધ G20 કાર્યક્રમોમાં તેમની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતની યુનિવર્સિટીઓના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શરૂઆતમાં ભારતની આઝાદીનાં 75 વર્ષની ઉજવણી કરવા માટે 75 યુનિવર્સિટીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું, આ પહેલ આખરે સમગ્ર ભારતમાં 101 યુનિવર્સિટીઓ સુધી પહોંચી હતી.

જી-20 યુનિવર્સિટી કનેક્ટ પહેલ હેઠળ દેશભરમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. તેઓ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની વ્યાપક ભાગીદારીના સાક્ષી બન્યા હતા. વધુમાં, શરૂઆતમાં યુનિવર્સિટીઓ માટેના કાર્યક્રમ તરીકે જે શરૂ થયું તે ઝડપથી શાળાઓ અને કૉલેજોને સમાવવા માટે વિકસ્યું, જે વધુ વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચ્યું.

જી-20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલેમાં લગભગ 3,000 વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને ભાગ લેનારી યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓએ હાજરી આપી હતી, જ્યારે દેશભરના વિદ્યાર્થીઓ જીવંત કાર્યક્રમમાં જોડાયા હતા.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

 
Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Railways cuts ticket prices for passenger trains by 50%

Media Coverage

Railways cuts ticket prices for passenger trains by 50%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 28 ફેબ્રુઆરી 2024
February 28, 2024

Modi Government Ensuring Last-mile Delivery and Comprehensive Development for India