અધ્યક્ષ મહોદય,

મેડમ વાઇસ પ્રેસિડન્ટ,

અમેરિકન કોંગ્રેસના અગ્રણી સભ્યો,

સન્નારીઓ અને સજ્જનો,

નમસ્કાર!

કોઈ પણ વ્યક્તિ કે દેશના વડા માટે અમેરિકન કોંગ્રેસને સંબોધન કરવું હંમેશા મહાન સન્માન રહ્યું છે. વળી આ પ્રકારની તક બે વાર પ્રાપ્ત થાય એ અપવાદરૂપ અને ગર્વની બાબત છે. મને આ સન્માન આપવા માટે 1.4 અબજ ભારતીયો તરફથી હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. હું જોઉં છું કે તમારામાંથી લગભગ અડધોઅડધ વર્ષ 2016માં આ જ ગૃહમાં ઉપસ્થિત હતા. જૂનાં મિત્રો તરીકે હું તમારી ઉષ્માસભર લાગણી અનુભવી રહ્યો છું. હું બીજા અડધોઅડધ સભ્યોમાં નવી મૈત્રીનો ઉત્સાહ જોઈ શકું છું. હું સેનેટર હેરી રીડ, સેનેટર જોહન મેકકેઇન, સેનેટર ઓરિન હેચ, એલિજાહ ક્યુમ્મિંગ્સ, એલ્સી હેસ્ટિંગ્સ અને અન્ય સેનેટર્સને યાદ કરું છું, જેને હું વર્ષ 2016માં અહીં મળ્યો હતો, પરંતુ કમનસીબે અત્યારે આપણી વચ્ચે નથી.

અધ્યક્ષ મહોદય,

જ્યારે સાત વર્ષ અગાઉ જૂન મહિનામાં હેમિલ્ટને તમામ એવોર્ડ મેળવીને ઇતિહાસ સર્જી દીધો હતો, ત્યારે અહીં ઊભા રહીને મેં કહ્યું હતું કે, આપણા માટે ઇતિહાસનો ખચકાટ કે સંકોચ ભૂતકાળની બાબત બની ગઈ છે. જ્યારે અત્યારે આપણે એક વળાંકના યુગ પર છીએ, ત્યારે હું અહીં આ સદી માટે આપણી અપીલ કરી રહ્યો છું. જ્યારે આપણે લાંબા અને સફળ માર્ગ પર સફર કરી રહ્યાં છીએ, ત્યારે આપણે મૈત્રીની કસોટીમાં ખરાં ઉતરી રહ્યાં છીએ. હું સાત વર્ષ અગાઉ આવ્યો હતો એ પછી આ વર્ષોમાં દુનિયા ઘણી બદલાઈ ગઈ છે. પણ સાથે સાથે ઘણી બાબતો યથાવત રહી છે – જેમ કે ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધોની આપણી કટિબદ્ધતા. છેલ્લાં થોડાં વર્ષોમાં એઆઈ – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઘણી પ્રગતિ થઈ છે. સાથે સાથે અન્ય એક એઆઈ એટલે કે અમેરિકા અને ભારતનાં સંબંધોમાં પણ વધારે ઐતિહાસિક પ્રગતિ થઈ છે.

અધ્યક્ષ મહોદય અને ગૃહનાં સભ્યો,

લોકશાહીની સુંદરતા લોકો સાથે સતત જોડાયેલા રહેવામાં, તેમનાં અભિપ્રાયો સાંભળવામાં અને તેમની જરૂરિયાતો સમજવામાં રહેલી છે. ચોક્કસ, હું જાણું છું કે, આ માટે પુષ્કળ સમય, ઊર્જા, પ્રયાસ અને પ્રવાસની જરૂર છે. અત્યારે ગુરુવારની બપોર છે – તમારામાંથી કેટલાંક માટે બહાર નીકળવાનો દિવસ છે. એટલે તમે સમય ફાળવ્યો એ બદલ હું તમારો આભારી છું. હું એ પણ જાણું છું કે, મહિનાનાં અંતિમ સમયમાં તમે કેટલાં વ્યસ્ત હોવ છો.

એક જીવંત લોકશાહીનાં નાગરિક તરીકે હું એક બાબતનો સ્વીકાર કરી શકું છું કે અધ્યક્ષ મહોદય – તમે ખરેખર મુશ્કેલ કામગીરી અદા કરો છો! હું તમારી કામગીરીને ઉત્સાહ, સમજાવટ અને નીતિ સાથે સાંકળી શકું છું. હું વિચારો અને વિચારસરણીઓની ચર્ચાને પણ સમજી શકું છું. પણ આજે વિશ્વનાં બે મહાન લોકશાહી દેશો – ભારત અને અમેરિકા વચ્ચે સંબંધની ઉજવણી કરવા તમે એકમંચ પર આવ્યાં છો એ જોઈને મને આનંદ થાય છે. જ્યારે પણ તમને મજબૂત દ્વિપક્ષીય સર્વસંમતિની જરૂર હોય, ત્યારે મને મદદ કરવાની ખુશી છે. પોતાનાં દેશમાં વૈચારિક મતભેદો હોય, ભવિષ્યમાં પણ હશે અને હોવાં પણ જોઈએ. પરંતુ જ્યારે આપણે એક રાષ્ટ્ર માટે વાત કરીએ, ત્યારે આપણે એકમંચ પર આવવું જોઈએ, આપણી વચ્ચે એકતા હોવી જોઈએ. તમે દર્શાવ્યું છે કે તમે આ એકતા ઊભી કરી શકો છો. અભિનંદન!

અધ્યક્ષ મહોદય,

અમેરિકાનો પાયો સમાન લોકો કે સમાનતા ધરાવતા રાષ્ટ્રની કલ્પનાથી પ્રેરિત હતો. તમારા ઇતિહાસમાં તમે દુનિયાભરનાં લોકોને અપનાવ્યાં છે. તમે અમેરિકન સ્વપ્નમાં તેમને સમાન ભાગીદાર બનાવ્યાં છે. અહીં લાખો લોકો છે, જેમનાં મૂળિયાં ભારતમાં છે. તેમાંથી કેટલાંક આ ગૃહમાં ગર્વ સાથે ઉપસ્થિત છે. એક મારી પાછળ છે, જેમણે ઇતિહાસ સર્જી દીધો છે! મને કહેવામાં આવ્યું છે કે, ગૃહમાં સમોસામંડળીની હવે ચર્ચા થાય છે. મને આશા છે કે, સમોસામંડળીમાં સભ્યોની સંખ્યા વધશે અને અહીં ભારતીય વાનગીઓની સંપૂર્ણ વિવિધતા આવશે. બે સદીથી વધારે સમયથી આપણે મહાન અમેરિકનો અને ભારતીયોનાં જીવનમાંથી એકબીજાને પ્રેરિત કરીએ છીએ. આપણે મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગને આદર આપીએ છીએ, તેમને વંદન કરીએ છીએ. આપણે સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય માટે કામ કરી ચૂકેલા અન્ય અનેક લોકોને પણ યાદ કરીએ છીએ. આજે હું તેમાંથી એકને હૃદયપૂર્વક વંદન પણ કરું છું – એ છે કોંગ્રેસના સભ્ય જૉહન લૂઇસ.

અધ્યક્ષ મહોદય,

લોકશાહી અમારા પવિત્ર અને સહિયારા મૂલ્યો પૈકીનું એક મૂલ્ય છે. આ મૂલ્યમાં લાંબા સમયથી પરિવર્તન થયું છે તથા તેણે વિવિધ સ્વરૂપો અને વ્યવસ્થાઓ હાંસલ કરી છે. જોકે ઇતિહાસમાં એક બાબત સ્પષ્ટ છે.

લોકશાહી સમાનતા અને ગરિમાને ટેકો આપતી ભાવના છે.

લોકશાહી ચર્ચાવિચારણાને આવકારતો વિચાર છે.

લોકશાહી વિચારો અને અભિવ્યક્તિને પાંખો આપતી સંસ્કૃતિ છે.

ભારત પર શાશ્વત સમયથી આ પ્રકારનાં મૂલ્યોની કૃપા રહી છે.

લોકશાહીની ભાવનાનાં સંવર્ધનમાં ભારત લોકશાહીની જનની છે.

સદીઓ અગાઉ અમારા સૌથી જૂનાં ધર્મગ્રંથોમાં કહેવાયું હતું કે,

‘एकम् सत् विप्रा बहुधा वदन्ति’.

એનો અર્થ છે – સત્ય એક છે, પણ જ્ઞાનીઓ એને જુદી જુદી રીતે વ્યક્ત કરે છે.

અત્યારે અમેરિકા સૌથી જૂનો અને ભારત સૌથી મોટો લોકશાહી દેશ છે.

આપણી ભાગીદારી લોકશાહીનાં ભવિષ્ય માટે શુભ સંકેત છે.

ખભેખભો મિલાવીને આપણે દુનિયાને ઉજ્જવળ ભવિષ્ય અને ભવિષ્યને ઉજ્જવળ દુનિયાની ભેટ ધરીશું.

અધ્યક્ષ મહોદય,

ગયા વર્ષે ભારતે પોતાની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. દરેક સીમાચિહ્ન મહત્વપૂર્ણ છે, પણ આ સીમાચિહ્ન અતિ વિશિષ્ટ હતું. અમે એક સ્વરૂપ કે બીજા સ્વરૂપે વિદેશી શાસનના એક હજાર વર્ષ પછી આઝાદીના 75 વર્ષની મહત્વપૂર્ણ સફરની ઉજવણી કરી હતી. આ લોકશાહીની ઉજવણી હોવાની સાથે અમારાં દેશની વિવિધતાની પણ ઉજવણી હતી. અમારા દેશનું હાર્દ બંધારણની સાથે સામાજિક સશક્તિકરણ છે. અમારા સ્પર્ધાત્મક અને સહકારી સંઘવાદની સાથે અમારાં જીવનનું કેન્દ્ર છે – એકતા અને અખંડિતતા.

અમારા દેશમાં 2500 રાજકીય પક્ષો છે. હા, મારી વાત સાચી છે – બે હજાર પાંચસો પક્ષ. આશરે 20 અલગ-અલગ રાજકીય પક્ષો ભારતનાં વિવિધ રાજ્યોમાં શાસન કરે છે. અમે સત્તાવાર 22 ભાષાઓ અને હજારો બોલીઓ ધરાવીએ છીએ અને છતાં અમે એકસૂરે બોલીએ છીએ. દર સો માઇલે અમારી વાનગી બદલાઈ જાય છે. ડોસાથી લઈને આલૂ પરાઠા અને શ્રીખંડથી લઈને સંદેશ સુધી અમે અનેક વિવિધ અને વિશિષ્ટ વાનગીઓ ધરાવીએ છીએ. અમે આ તમામ પ્રકારની વિવિધતાને માણીએ છીએ. અમારા દેશમાં દુનિયાનાં તમામ ધર્મો અને સંપ્રદાયના લોકો વસે છે તથા અમે તમામનાં ઉત્સવો અને પ્રસંગોની ઉજવણી કરીએ છીએ. ભારતમાં વિવિધતા જીવનની એક સ્વાભાવિક રીત છે.

અત્યારે ભારતને લઈને દુનિયાની આતુરતામાં કે જિજ્ઞાસામાં વધારો થયો છે. હું જોઉં છું કે, આ ગૃહમાં પણ એ જિજ્ઞાસા જોવા મળે છે. અમને ગત દાયકામાં ભારતમાં અમેરિકન કોંગ્રેસના 100થી વધારે સભ્યોને આવકારવા પર ગર્વ છે. દરેક ભારતના વિકાસ, લોકશાહી અને વિવિધતાને સમજવા ઇચ્છે છે. દરેક જાણવા આતુર છે કે – ભારત કઈ કામગીરી કેવી રીતે કરે છે. મિત્રો વચ્ચે મને આ અંગે જાણકારી આપવાની ખુશી છે.

અધ્યક્ષ મહોદય,

જ્યારે મેં પ્રધાનમંત્રી તરીકે પહેલી વાર અમેરિકાની મુલાકાત લીધી હતી, ત્યારે ભારત દુનિયામાં દસમું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ હતો. અત્યારે ભારત દુનિયામાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર ધરાવે છે. અમારું અર્થતંત્રનું કદ વધવાની સાથે અમે ઝડપથી વૃદ્ધિ કરી રહ્યાં છીએ. જ્યારે ભારતનો વિકાસ થાય છે, ત્યારે દુનિયાનો પણ વિકાસ થાય છે. છેવટે અમે દુનિયાની કુલ વસતીનો છઠ્ઠો ભાગ ધરાવીએ છીએ! જ્યારે ગત સદીમાં ભારતે પોતાની સ્વતંત્રતાની લડાઈમાં વિજય મેળવ્યો હતો, ત્યારે એમાંથી દુનિયાનાં ઘણાં દેશોને સંસ્થાનવાદી શાસનની ગુલામીની જીજંરોમાંથી પોતાને મુક્ત થવા પ્રેરણા મળી હતી. જ્યારે આ સદીમાં ભારત વૃદ્ધિમાં માપદંડો સ્થાપિત કરી રહ્યો છે, ત્યારે અમે દુનિયાનાં અનેક દેશોને આ માટે પ્રેરિત કરીશું. અમારું વિઝન છે - सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास. એનો અર્થ છેઃ બધાનાં પ્રયાસો અને વિશ્વાસ સાથે ખભેખભો મિલાવીને દરેકનો વિકાસ.

આ વિઝન ઝડપથી વ્યાપકપણે કેવી રીતે નક્કર કામગીરીમાં પરિવર્તિત થયું છે એ વિશે હું તમને જણાવું. અમે માળખાગત સુવિધાના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છીએ. અમે 150 મિલિયનથી વધારે લોકોને છત પૂરી પાડવા આશરે 40 મિલિયન ઘરો પ્રદાન કરી રહ્યાં છીએ. એ ઓસ્ટ્રેલિયાની વસતીથી લગભગ છ ગણા છે! અમે રાષ્ટ્રીય આરોગ્ય વીમા કાર્યક્રમ હાથ ધર્યો છે, જે આશરે 500 મિલિયન લોકો માટે નિઃશુલ્ક તબીબી સારવાર સુનિશ્ચિત કરે છે. એ દક્ષિણ અમેરિકાની વસતીથી વધારે છે! અમે બેંકિંગની સુવિધાઓ એનાથી વંચિત લોકો સુધી પહોંચાડી છે અને આ રીતે દુનિયાનું સૌથી મોટું નાણાકીય સર્વસમાવેશક અભિયાન હાથ ધર્યું છે. એનાથી આશરે 500 મિલિયન લોકોને ફાયદો થયો છે.

આ ઉત્તર અમેરિકાની વસતીને સમકક્ષ છે! અમે ડિજિટલ ઇન્ડિયાનું નિર્માણ કરવા કામ કરી રહ્યાં છીએ. અત્યારે દેશમાં 850 મિલિયનથી વધારે સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટ યુઝર્સ છે. આ યુરોપની વસતીથી વધારે છે! અમે ભારતમાં કોવિડની રસીઓના 2.2 અબજ ડોઝ આપીને અમારાં નાગરિકોનું રક્ષણ કર્યું છે અને એ પણ નિઃશુલ્ક ધોરણે! હવે વધારે સરખામણી કરવા માટે કદાચ એક પણ ખંડ નથી, એટલે હું અહીં જ અટકી જઇશ!

પ્રતિષ્ઠિત સભ્યો,

અમારા વેદો દુનિયાના સૌથી જૂનાં ધર્મગ્રંથો પૈકીનાં એક છે. તેઓ માનવતાનો સૌથી મોટો ખજાનો છે, જેની રચના હજારો વર્ષ અગાઉ થઈ હતી. એ સમયે વેદોમાં ઘણાં શ્લોકોની રચના મહિલા ઋષિઓઓ કરી હતી. હાલ આધુનિક ભારતમાં મહિલાઓ અમને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી રહી છે. ભારતનું વિઝન મહિલાઓ માટે લાભદાયક વિકાસની સાથે મહિલાઓની આગેવાનીમાં વિકાસ કરવાનું છે, જેમાં મહિલાઓ પ્રગતિની સફરનું નેતૃત્વ કરે છે. જનજાતિય પૃષ્ઠભૂમિમાં પોતાનાં મૂળિયા ધરાવતાં એક મહિલા હાલ અમારા દેશમાં રાષ્ટ્રપતિ છે.

આશરે 1.5 મિલિયન (15 લાખ) ચૂંટાયેલી મહિલાઓ વિવિધ સ્તરે અમારું નેતૃત્વ કરે છે અને એ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં સામેલ છે. હાલ અમારા દેશમાં મહિલાઓ થલસેના, નૌકાદળ અને વાયુદળમાં સેવા આપી રહી છે. ભારત દુનિયામાં મહિલા એરલાઇન પાયલોટની સૌથી વધુ ટકાવારી પણ ધરાવે છે. અને તેમણે અમારા મંગળ અભિયાનનું નેતૃત્વ કરીને અમને મંગળ પર પણ અગ્રેસર કરી દીધા છે. મારું માનવું છે કે, કોઈ પણ કન્યાનાં જીવનનું ઉત્થાન કરવામાં રોકાણ કરવાથી સંપૂર્ણ પરિવારની પ્રગતિ થાય છે. મહિલાઓનું સશક્તિકરણ દેશમાં પરિવર્તન લાવે છે.

અધ્યક્ષ મહોદય,

ભારત એક પ્રાચીન રાષ્ટ્ર છે અને હાલ અમારા દેશની બહુમતી વસતી યુવા પેઢીની છે. ભારત પોતાની પરંપરાઓ માટે જગપ્રસિદ્ધ છે. સાથે સાથે યુવા પેઢી અમારા દેશને ટેકનોલોજીનું કેન્દ્ર પણ બનાવી રહી છે. ઇન્સ્ટા પર રચનાત્મક રીલ હોય કે રિયલ ટાઇમ પેમેન્ટની વાત હોય, કોડિંગ હોય અથવા ક્વોન્ટમ કમ્પ્યુટિંગ હોય, મશીન લર્નિંગ હોય કે મોબાઇલ એપ્સ હોય, ફિનટેક હોય કે ડેટા સાયન્સની વાત હોય – ભારતની યુવા પેઢીએ એક સમાજ અદ્યતન ટેકનોલોજી કેવી રીતે અપનાવી શકે છે એનું મહાન ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારતમાં ટેકનોલોજીનો સંબંધ નવીનતા સાથે હોવા ઉપરાંત સર્વસમાવેશકતા સાથે પણ છે. જ્યારે અત્યારે વિવિધ પ્લેટફોર્મ લોકોનું અધિકારો અને ગરિમા સાથે સશક્તિકરણ કરે છે, ત્યારે તેમની ગોપનીયતા પણ જાળવે છે.

છેલ્લા નવ વર્ષોમાં, એક અબજ કરતાં વધુ લોકોએ તેમના બેંક ખાતા અને મોબાઇલ ફોન સાથે જોડાયેલ અનન્ય ડિજિટલ બાયોમેટ્રિક ઓળખ મેળવી છે. આ ડિજિટલ સાર્વજનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી અમને નાણાકીય સહાય ગણતરીની સેકન્ડોમાં જ નાગરિકો સુધી પહોંચાડવામાં મદદ મળી રહી છે. આઠસો પચાસ મિલિયન લોકો સીધા જ તેમના ખાતામાં લાભની નાણાકીય સહાય ટ્રાન્સફર દ્વારા મેળવે છે. વર્ષમાં ત્રણ વખત, સો મિલિયનથી વધુ ખેડૂતો માત્ર એક બટન ક્લિક કરવાથી તેમના બેંક ખાતામાં સહાય મેળવે છે. આવી ટ્રાન્સફર કરવામાં આવતી રકમનું મૂલ્ય ત્રણસો વીસ અબજ ડૉલરને ઓળંગી ગયું છે અને અમને આ પ્રક્રિયામાં પચીસ બિલિયન ડૉલરથી વધુની બચત થઇ શકી છે. જો તમે ભારતની મુલાકાત લો, તો તમે જોશો કે દરેક વ્યક્તિ ચુકવણી માટે ફોનનો ઉપયોગ કરી રહી છે, જેમાં શેરી વિક્રેતાઓ પણ સામેલ છે.

ગયા વર્ષે, વિશ્વમાં દરેક 100 વાસ્તવિક સમયમાં થતી ડિજિટલ ચુકવણીઓમાંથી, 46 ભારતમાં થઇ હતી. લગભગ ચાર લાખ માઇલના ઓપ્ટિકલ ફાઇબર કેબલ અને સસ્તા ડેટાના કારણે તકોની ક્રાંતિની શરૂઆત કરી છે. ખેડૂતો હવામાન અપડેટ્સ તપાસે છે, વડીલોને સામાજિક સુરક્ષા ચુકવણીઓ મળે છે, વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિનો ઉપયોગ કરે છે, ડૉક્ટરો ટેલી-મેડિસિન પહોંચાડે છે, માછીમારો માછલીઓ પકડવા માટેના ફિલ્ડને તપાસે છે તેમજ નાના વ્યવસાયોને તેમના ફોન પર માત્ર એક બટન ટૅપ કરવાથી લોન મળી રહી છે.

અધ્યક્ષ મહોદય,

લોકશાહીની ભાવના, સમાવેશીતા અને ટકાઉપણું અમને પરિભાષિત કરે છે. તે વિશ્વ પ્રત્યેના અમારા દૃષ્ટિકોણને પણ આકાર આપે છે. ભારત, આપણી પૃથ્વી વિશે જવાબદાર રહેવાની સાથે સાથે વિકાસ કરે છે.

અમે માનીએ છીએ કે:

माता भूमि: पुत्रो अहं पृथिव्या:

આનો મતલબ છે કે - "પૃથ્વી આપણી માતા છે અને આપણે તેનાં સંતાનો છીએ."

ભારતની સંસ્કૃતિ પર્યાવરણ અને આપણા ગ્રહ પ્રત્યે ઊંડો આદર રાખે છે. સૌથી ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા બનવાની સાથે સાથે, અમે અમારી સૌર ક્ષમતામાં બે હજાર ત્રણસો ટકાનો વધારો કર્યો છે! હા, તમે બરાબર સાંભળ્યું છે – બે હજાર ત્રણસો ટકા!

અમે એકમાત્ર એવો G20 દેશ બન્યા છીએ જેણે પોતાની પેરિસ પ્રતિબદ્ધતાને પૂર્ણ કરી છે. અમે 2030 માટે નક્કી કરવામાં આવેલા લક્ષ્યાંક કરતાં નવ વર્ષ વહેલાં અમારા ઊર્જા સ્રોતોના ચાલીસ ટકાથી વધુ હિસ્સો અક્ષય ઊર્જાના સ્રોતોમાંથી બનાવ્યો છે. પરંતુ અમે અહીં અટકી ગયા નથી. ગ્લાસગો શિખર સંમેલનમાં, મેં મિશન LiFE - પર્યાવરણ માટે જીવનશૈલીનો પ્રસ્તાવ મૂક્યો હતો. ટકાઉપણાને સાચું જન અભિયાન બનાવવાનો આ એક માર્ગ છે. તેને માત્ર સરકારોનું કામ ન ગણાવીને તેમના પર ન છોડશો.

સમજી-વિચારીને પસંદગી કરવાથી, દરેક વ્યક્તિ સકારાત્મક અસર ઊભી કરી શકે છે. સ્થિરતાને જન આંદોલન બનાવવાથી વિશ્વને નેટ ઝીરોનાં લક્ષ્ય સુધી ઝડપથી પહોંચવામાં મદદ મળી શકશે. અમારું વિઝન પ્રો-પ્લેનેટ પ્રોગ્રેસ (ગ્રહ તરફી પ્રગતિ) છે. અમારું વિઝન પ્રો-પ્લેનેટ પ્રોસ્પરિટી (ગ્રહ તરફી સમૃદ્ધિ) છે. અમારું વિઝન પ્રો-પ્લેનેટ પીપલ (ગ્રહ તરફી લોકો) છે.

અધ્યક્ષ મહોદય,

અમે વસુધૈવ કુટુંબકમ્ એટલે કે ‘વિશ્વ એક પરિવાર છે’ તેવી ભાવના સાથે જીવીએ છીએ. વિશ્વ સાથે અમારું જોડાણ સૌના ફાયદા માટે છે. "એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રીડ" વિશ્વને સ્વચ્છ ઊર્જા સાથે જોડવા માટે આપણને સૌને એકબીજા સાથે જોડાવાની ઇચ્છા રાખે છે. "એક પૃથ્વી, એક આરોગ્ય" એ પ્રાણીઓ અને વનસ્પતિઓ સહિત દરેક માટે ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સંભાળ લાવવા માટે વૈશ્વિક પગલાંની માટેની દૂરંદેશી છે.

આવી જ ભાવના જ્યારે અમે G20ની અધ્યક્ષતા કરી રહ્યાં છીએ ત્યારે તેની થીમમાં પણ જોવા મળે છે, જે થીમ - "એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય" છે. અમે યોગ દ્વારા પણ એકતાની ભાવનાને આગળ ધપાવી રહ્યાં છીએ. ગઇકાલે જ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે આખું વિશ્વ એકજૂથ થયું હતું. હમણાં ગયા અઠવાડિયમાં જ, શાંતિ રક્ષકોના સન્માન માટે એક સ્મારક દિવાલ બનાવવા સંયુક્ત રાષ્ટ્રમાં અમે મૂકેલા પ્રસ્તાવમાં તમામ રાષ્ટ્રો જોડાયા હતા.

અને આ વર્ષે, આખી દુનિયા ટકાઉક્ષમ કૃષિ અને પોષણને સમાન રીતે પ્રોત્સાહન આપવા માટે, આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષની ઉજવણી કરી રહી છે. કોવિડના સમય દરમિયાન, અમે દોઢસોથી વધુ દેશોમાં રસી અને દવાઓનો જથ્થો પહોંચાડ્યો હતો. આપદા દરમિયાન જેમ આપણે આપણા આપ્તજનો માટે મદદ કરવા દોડી જતા હોઇએ તેવી રીતે અમે પ્રથમ પ્રતિસાદકર્તા તરીકે અન્ય લોકો સુધી પહોંચીએ છીએ. અમે જેમને સૌથી વધુ જરૂર હોય તેવા લોકો સાથે વિનમ્રતાપૂર્વક અમારા સંસાધનો સાથે શેર કરીએ છીએ. અમે નિર્ભરતાનું નહીં પરંતુ ક્ષમતાઓનું નિર્માણ કરીએ છીએ.

અધ્યક્ષ મહોદય,

હું જ્યારે, વિશ્વમાં ભારતના અભિગમ વિશે વાત કરું છું, ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ એક વિશેષ સ્થાન ધરાવે છે. હું જાણું છું કે, આપણા સંબંધો આપ સૌના માટે ખૂબ મહત્વ ધરાવે છે. આ કોંગ્રેસના દરેક સભ્યને તેમાં ઊંડો રસ છે. જ્યારે ભારતમાં સંરક્ષણ અને એરોસ્પેસનો વિકાસ થઇ રહ્યો છે, ત્યારે વોશિંગ્ટન, એરિઝોના, જ્યોર્જિયા, અલાબામા, દક્ષિણ કેરોલિના અને પેન્સિલવેનિયા રાજ્યોના ઉદ્યોગો પણ વિકાસ કરે છે. જ્યારે અમેરિકાની કંપનીઓ વૃદ્ધિ પામે છે, ત્યારે ભારતમાં સ્થિત તેમના સંશોધન અને વિકાસ કેન્દ્રો પણ ખીલે છે. જ્યારે ભારતીયો ઊંચી ઉડાન ભરે છે, ત્યારે એરક્રાફ્ટ માટેનો એક ઓર્ડર અમેરિકામાં ચાલીસ રાજ્યોમાં દસ લાખથી વધુ નોકરીઓનું સર્જન કરે છે.

જ્યારે અમેરિકન ફોન નિર્માતા કંપની દ્વારા ભારતમાં રોકાણ કરવામાં આવે છે, ત્યારે તેનાથી બંને દેશોમાં નોકરીઓ અને તકોની સંપૂર્ણ ઇકોસિસ્ટમ તૈયાર થાય છે. જ્યારે ભારત અને અમેરિકા સેમી-કન્ડક્ટર્સ અને મહત્વપૂર્ણ ખનીજો માટે સાથે મળીને કામ કરે છે, ત્યારે તેનાથી વિશ્વને વધુ વૈવિધ્યસભર, સ્થિતિસ્થાપક અને વિશ્વસનીય પુરવઠા શૃંખલાનું નિર્માણ કરવામાં મદદ મળે છે. ખરેખર, અધ્યક્ષ મહોદય, સદી પૂરી થઇ તે વખતે આપણે સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ બાબતે આગંતુક જેવી સ્થિતિમાં હતા. હવે, યુનાઇટેડ સ્ટેટ્સ અમારા સૌથી મહત્વપૂર્ણ સંરક્ષણ ભાગીદારો પૈકી એક બની ગયું છે. આજે ભારત અને અમેરિકા અવકાશ અને સમુદ્રમાં, વિજ્ઞાન અને સેમી-કન્ડક્ટર્સમાં, સ્ટાર્ટ-અપ અને ટકાઉક્ષમતામાં, ટેકનોલોજી અને વેપારમાં, કૃષિ અને નાણાકીય બાબતોમાં, કળા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં, ઊર્જા અને શિક્ષણમાં, આરોગ્ય સંભાળ અને માનવતાવાદી પ્રયાસોમાં સાથે મળીને કામ કરી રહ્યાં છે.

હું વધુને વધુ આગળ વધી શકું છું. પરંતુ, તેના સારાંશ માટે, હું કહીશ,

આપણા સહકારનો અવકાશ અનંત છે,

આપણા તાલમેલની સંભાવના અમાપ છે,

અને, આપણા સંબંધોમાં સૂમેળ સરળ છે.

આ બધામાં, ભારતીય અમેરિકનોએ ઘણી મોટી ભૂમિકા ભજવી છે. તેઓ માત્ર સ્પેલિંગ બીમાં જ નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં તેજસ્વી છે. તેમના દિલ અને દિમાગ, પ્રતિભા અને કૌશલ્ય અને અમેરિકા અને ભારત પ્રત્યેના તેમના પ્રેમથી, તેમણે આપણને એકબીજા સાથે જોડ્યા છે; તેમણે દરવાજા ખોલ્યા છે; તેમણે આપણી વચ્ચે સહભાગીતાની સંભાવનાઓને ઉજાગર કરી છે.

અધ્યક્ષ મહોદય, માનનીય સભ્યો,

ભૂતકાળના દરેક ભારતીય પ્રધાનમંત્રી અને અમેરિકન રાષ્ટ્રપતિએ આપણા સંબંધોને આગળ વધાર્યા છે. પરંતુ તેને વધુ ઊંચાઇઓ પર લઇ જવાનું ગૌરવ આપણી પેઢીને પ્રાપ્ત થયું છે. હું રાષ્ટ્રપતિ બાઇડેનની એ વાત સાથે સંમત છું કે, આ ભાગીદારી આ સદીની નિર્ણાયક ભાગીદારી છે. કારણ કે, તે એક મોટો હેતુ પૂરો પાડે છે. લોકશાહી, જનસંખ્યા અને ભાગ્ય આપણને તે હેતુ આપે છે. વૈશ્વિકરણનું એક પરિણામ પુરવઠા શૃંખલાનું વધુ પડતું કેન્દ્રીકરણ રહ્યું છે.

આપણે પુરવઠા શૃંખલાના વૈવિધ્યીકરણ, વિકેન્દ્રીકરણ અને લોકશાહીકરણ માટે સાથે મળીને કામ કરીશું. ટેકનોલોજી, એકવીસમી સદીમાં સુરક્ષા, સમૃદ્ધિ અને નેતૃત્વ નિર્ધારિત કરશે. એટલા માટે આપણા બંને દેશોએ એક નવી "નિર્ણાયક અને ઉભરતી ટેકનોલોજી માટે પહેલ"ની સ્થાપના કરી છે. આપણા જ્ઞાનની સહભાગીતા માનવજાતની સેવા કરશે અને આબોહવા પરિવર્તન, ભૂખમરો તેમજ આરોગ્ય સાથે સંકળાયેલા વૈશ્વિક પડકારોનો ઉકેલ શોધશે.

અધ્યક્ષ મહોદય અને માનનીય સભ્યો,

છેલ્લાં કેટલાક વર્ષોમાં ઊંડાણપૂર્વક નવતર વિકાસ જોવા મળ્યો છે. યુક્રેનમાં શરૂ થયેલા સંઘર્ષ સાથે, યુરોપમાં યુદ્ધ પાછું આવ્યું છે. તેનાથી પ્રદેશમાં ભારે પીડા થઇ રહી છે. તેમાં મુખ્ય સત્તાઓ સામેલ હોવાથી, પરિણામો ગંભીર છે. ખાસ કરીને ગ્લોબલ સાઉથના દેશો પર તેની અસર પડી છે. વૈશ્વિક વ્યવસ્થાનો આધાર યુએન અધિકારપત્રના સિદ્ધાંતો પ્રત્યે આદર, વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણ અને સાર્વભૌમત્વ તેમજ પ્રાદેશિક અખંડિતતાના આદર પર રહેલો છે.

મેં પ્રત્યક્ષ અને જાહેરમાં કહ્યું છે તેમ, અત્યારે યુદ્ધનો યુગ નથી ચાલી રહ્યો. પરંતુ, અત્યારનો સમય સંવાદ અને મુત્સદ્દીગીરીનો છે. અને, આપણે બધાએ રક્તપાત અને માણસોને થતી વેદનાને રોકવા માટે આપણાથી જે કંઇપણ થઇ શકતું હોય તે કરવું જોઇએ. અધ્યક્ષ મહોદય, બળજબરી અને સંઘર્ષના ઘેરા વાદળો ઇન્ડો પેસિફિકમાં પોતાનો ઓછાયો પાડી રહ્યા છે. આ પ્રદેશની સ્થિરતા આપણી ભાગીદારીની કેન્દ્ર સ્થાને રહેલી ચિંતાઓ પૈકી એક બની છે.

આપણી સહિયારી દૂરંદેશી મુક્ત, ખુલ્લા અને સર્વસમાવેશી ઇન્ડો પેસિફિક પ્રદેશની છે, જે સુરક્ષિત સમુદ્રો દ્વારા જોડાયેલ છે, આંતરરાષ્ટ્રીય કાયદા દ્વારા પરિભાષિત છે, વર્ચસ્વથી મુક્ત છે અને આસિયાન કેન્દ્રીયતામાં સંકળાયેલી છે. એક એવો પ્રદેશ કે જ્યાં તમામ દેશો, નાના અને મોટા, તેમની પસંદગીમાં સ્વતંત્ર અને નિર્ભય છે, જ્યાં દેવાના અશક્ય બોજથી પ્રગતિ રૂંધાતી ન હોય, જ્યાં વ્યૂહાત્મક હેતુઓ માટે કનેક્ટિવિટીનો ગેરલાભ ઉઠાવવામાં આવતો ન હોય, જ્યાં તમામ રાષ્ટ્રોનો ઉત્કર્ષ સહિયારી સમૃદ્ધિના ઊંચા ઇરાદાઓથી થતો હોય.

અમારી દૂરંદેશી સમાવવા કે બાકાત રાખવાની નથી, પરંતુ શાંતિ અને સમૃદ્ધિના સહકારપૂર્ણ ક્ષેત્રનું નિર્માણ કરવાની છે. અમે પ્રાદેશિક સંસ્થાઓના માધ્યમથી અને પ્રદેશની અંદર તેમજ બહારના અમારા ભાગીદારો સાથે કામ કરીએ છીએ. તેમાંથી, આ પ્રદેશના કલ્યાણ માટે ક્વાડ એક મુખ્ય બળ તરીકે ઉદયમાન થયું છે.

અધ્યક્ષ મહોદય,

9/11 પછીના બે દાયકાથી વધુ અને મુંબઇમાં થયેલા 26/11 પછીના એક દાયકા કરતાં વધુ સમય પછી પણ, કટ્ટરપંથી અને આતંકવાદ હજુ પણ સમગ્ર વિશ્વ માટે દબાણ લાવી રહેલું જોખમ છે. આ વિચારધારાઓ નવી ઓળખ અને સ્વરૂપો લેતી રહે છે, પરંતુ તેમનો હેતુ તો એક જ છે. આતંકવાદ એ સમગ્ર માનવજાતનો શત્રુ છે અને તેનો સામનો કરવામાં કોઇપણ પ્રકારે ‘જો અને તો’ આવી શકે નહીં. આપણે આતંકવાદને પ્રાયોજિત કરનારી અને તેનો નિકાસ કરી રહેલી તમામ શક્તિઓ પર કાબુ મેળવવો આવશ્યક છે.

અધ્યક્ષ મહોદય,

કોવિડ-19ની સૌથી મોટી અસર જે માણસો ગુમાવવા પડ્યા અને તેના કારણે થયેલી વેદના હતી. હું કોંગ્રેસમેન, રોન રાઇટ અને સ્ટાફના સભ્યોને યાદ કરવા માંગુ છું જેમણે કોવિડમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આપણે હવે મહામારીમાંથી બહાર આવી ગયા છીએ ત્યારે, આપણે એક નવી વૈશ્વિક વ્યવસ્થાને આકાર આપવો આવશ્યક છે. કન્સિડરેશન, કૅર અને કન્સર્ન (વિચાર, કાળજી અને ચિંતા) એ સમયની જરૂરિયાત છે. ગ્લોબલ સાઉથને અવાજ આપવો એ ભાવિ માર્ગ છે. એટલા માટે હું દૃઢપણે માનું છું કે, આફ્રિકન યુનિયનને G20નું સંપૂર્ણ સભ્યપદ આપવામાં આવે.

આપણે અવશ્યપણે બહુપક્ષીયવાદને પુનર્જીવિત કરવો જોઇએ અને વધુ સારા સંસાધનો તેમજ પ્રતિનિધિત્વની મદદથી બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારો કરવો જોઇએ. તે ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સહિત આપણી તમામ વૈશ્વિક શાસન સંસ્થાઓ માટે લાગુ પડે છે. જ્યારે દુનિયામાં પરિવર્તન આવી રહ્યું છે, ત્યારે આપણી સંસ્થાઓમાં પણ પરિવર્તન લાવવું આવશ્યક છે. અન્યથા, જોખમ આગળ વધવાથી શત્રુઓ અને કાયદા વગરની દુનિયા બની જશે. આપણા બંનેના દેશો, આંતરરાષ્ટ્રીય કાયદા પર આધારિત નવી વૈશ્વિક વ્યવસ્થા માટે કામ કરવામાં, ભાગીદાર તરીકે અગ્રેસર રહેશે.

અધ્યક્ષ મહોદય અને માનનીય સભ્યો,

આજે, આપણે આપણા સંબંધોમાં એક નવી પ્રભાત પર ઊભા છીએ, જે ફક્ત આપણા બંનેના દેશો જ નહીં, પરંતુ વિશ્વનું ભાગ્ય પણ ઘડશે. યુવા અમેરિકન કવિ અમાન્દા ગોર્મને વ્યક્ત કહ્યું છે તેમ:

 

"When day comes we step out of the shade,

aflame and unafraid,

the new dawn blooms as we free it.

For there is always light,

if only we're brave enough to see it.”

("જ્યારે દિવસ ઉગે છે ત્યારે આપણે અંધકારમાંથી બહાર નીકળીએ છીએ,

દીપી ઉઠતા અને નિર્ભય,

નવી પરોઢ ખીલે છે કારણ કે આપણે તેને મુક્ત કરીએ છીએ.

કારણ કે ત્યાં હંમેશા પ્રકાશ છે,

જો આપણે તે જોવા માટે પૂરતા બહાદુર હોઇએ તો જ.")

આપણી ભરોસાપાત્ર ભાગીદારી આ નવી પ્રભાતમાં સૂર્ય જેવી છે, જે ચોમેર પ્રકાશ પાથરશે.

મને એક કવિતા યાદ આવે છે, જે મેં એકવાર લખી હતી:

आसमान में सिर उठाकर

घने बादलों को चीरकर

रोशनी का संकल्प लें

अभी तो सूरज उगा है ।

दृढ़ निश्चय के साथ चलकर

हर मुश्किल को पार कर

घोर अंधेरे को मिटाने

अभी तो सूरज उगा है।।

જો હું તે સમજાવું તો તેનો અર્થ એવો છે કે,:

આકાશ તરફ માથું ઊંચું કરીને,

ઘનઘોર વાદળોને વિંધીને,

પ્રકાશના સંકલ્પ સાથે,

હજી તો સૂરજનો ઉદય થયો છે.

મનમાં દૃઢ નિશ્ચય રાખીને,

તમામ અવરોધોને પાર કરીને,

ઘોર અંધકારને દૂર કરીને,

હજી તો સૂરજ ઉદય થયો છે.

અધ્યક્ષ મહોદય અને માનનીય સભ્યો,

આપણે જુદા જુદા સંજોગો અને ઇતિહાસમાંથી આવીએ છીએ, પરંતુ એક સમાન દૂરંદેશી સાથે આપણે એકજૂથ થયા છીએ. અને, સમાન નિયતિ દ્વારા એક થયા છીએ. જ્યારે આપણી ભાગીદારી આગળ વધે છે, આર્થિક સ્થિતિસ્થાપકતા વધે છે, આવિષ્કાર આગળ વધે છે, વિજ્ઞાનનો વિકાસ થાય છે, જ્ઞાનમાં પ્રગતિ થાય છે, માનવજાતને લાભ થાય છે, આપણા સમુદ્રો અને આકાશ વધુ સુરક્ષિત હોય છે, ત્યારે લોકશાહી વધુ ચમકશે અને દુનિયા વધુ સારું સ્થાન બનશે.

તે આપણી ભાગીદારીનું મિશન છે. તે આ સદી માટે આપણું આહ્વાન છે. અધ્યક્ષ મહોદય અને માનનીય સભ્યો, આપણી ભાગીદારીનાં ઉચ્ચ ધોરણો દ્વારા પણ, આ મુલાકાત એક મોટું સકારાત્મક પરિવર્તન છે. સાથે મળીને, આપણે બતાવી દઇશું કે લોકશાહી મહત્વની છે અને લોકશાહી પરિણામો આપે છે. ભારત-અમેરિકા વચ્ચેની ભાગીદારીને આપના તરફથી નિરંતર મળી રહેલા સમર્થન પર મને વિશ્વાસ છે.

જ્યારે હું 2016માં અહીં આવ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે "આપણા સંબંધો એક મહત્વપૂર્ણ ભવિષ્ય માટે નિર્ધારિત છે". તે ભવિષ્ય આજે આવી ગયું છે. આ સન્માન બદલ અધ્યક્ષ મહોદય, મેડમ વાઇસ-પ્રેસિડેન્ટ અને માનનીય સભ્યોનો ફરી એકવાર આભાર.

અમેરિકા પર ઇશ્વરના આશિષ રહે,

જય હિન્દ.

ભારત - અમેરિકાની મૈત્રી સદાકાળ રહે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Startup India recognises 2.07 lakh ventures, 21.9 lakh jobs created

Media Coverage

Startup India recognises 2.07 lakh ventures, 21.9 lakh jobs created
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister inaugurates the first Emergency Landing Facility (ELF) of the northeast in Dibrugarh, Assam
February 14, 2026

The Prime Minister, Shri Narendra Modi inaugurated the first Emergency Landing Facility (ELF) of the northeast in Dibrugarh, Assam. Shri Modi stated that it is a matter of immense pride that the Northeast gets an Emergency Landing Facility, and is of great importance from a strategic point of view and during times of natural disasters.

The Prime Minister posted on X:

"It is a matter of immense pride that the Northeast gets an Emergency Landing Facility. From a strategic point of view and during times of natural disasters, this facility is of great importance."

"উত্তৰ-পূৰ্বাঞ্চলে ইমাৰ্জেঞ্চি লেণ্ডিং ফেচিলিটি লাভ কৰাটো অপৰিসীম গৌৰৱৰ বিষয়। কৌশলগত দৃষ্টিকোণৰ পৰা আৰু প্ৰাকৃতিক দুৰ্যোগৰ সময়ত এই সুবিধাৰ গুৰুত্ব অতিশয় বেছি।"