પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2018નાં રોજ ગુજરાતની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી આણંદમાં આધુનિક ફૂડ પ્રોસેસિંગ સુવિધાઓનું ઉદઘાટન કરશે, જેમાં અમૂલનો અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ સામેલ છે. પ્રધાનમંત્રી આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયનાં ઇન્ક્યુબેશન સેન્ટર કમ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ફૂડ પ્રોસેસિંગ અને મુજકુવા ગામમાં સોલર કો-ઓપરેટિવ સોસાયટીનું ઉદઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી આણંદ અને ખાત્રજમાં અમૂલની ઉત્પાદન સુવિધાઓનું વિસ્તરણ કરવા ભૂમિપૂજન કરશે. તેઓ જનસભાને સંબોધિત કરશે.
પછી પ્રધાનમંત્રી અંજાર જશે. તેઓ અંજાર-મુન્દ્રા પાઇપલાઇન પ્રોજેક્ટ, મુન્દ્રા એલએનજી ટર્મિનલ અને પાલનપુર-પાલી-બાડમેર પાઇપલાઇન પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. તેઓ અહીં પણ જનસભાને સંબોધિન કરશે.
ત્યારબાદ પ્રધાનમંત્રી રાજકોટમાં આવશે. અહીં તેઓ મહાત્મા ગાંધી મ્યુઝિયમનું ઉદઘાટન કરશે. મ્યુઝિયમ રાજકોટની આલ્ફ્રેડ હાઈ સ્કૂલમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, જે મહાત્મા ગાંધીનાં બાળપણનાં ઘડતરનાં વર્ષોનો મહત્ત્વપૂર્ણ ભાગ હતો. આ ગાંધી સંસ્કૃતિ, મૂલ્યો અને દર્શન વિશે જાગૃતિ લાવવામાં મદદરૂપ થશે. પ્રધાનમંત્રી 624 મકાનોનાં સરકારી હાઉસિંગ પ્રોજેક્ટનું ઉદઘાટન દર્શાવતી તકતીનું અનાવરણ પણ કરશે. તેઓ 240 લાભાર્થી કુટુંબોના ઇ-ગૃહ પ્રવેશના સાક્ષી બનશે.
પ્રધાનમંત્રી નવી દિલ્હી પરત ફરતાં અગાઉ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લેશે.