મારા મિત્ર, આબે સાન

Published By : Admin | July 8, 2022 | 19:27 IST

શિન્ઝો આબે – જાપાનના એક ઉત્કૃષ્ટ નેતા, મહાન વૈશ્વિક રાજનેતા અને ભારત-જાપાન વચ્ચે મિત્રતાના મહાન ચેમ્પિયન - હવે આપણી વચ્ચે નથી. જાપાન અને વિશ્વએ એક મહાન સ્વપ્નદૃષ્ટા ગુમાવ્યા છે. અને, મેં એક પ્રિય મિત્ર ગુમાવ્યો છે. 

હું 2007માં, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મારી જાપાનની મુલાકાત દરમિયાન તેમને પહેલી વખતે મળ્યો હતો. તેમની સાથે થયેલી પહેલી મુલાકાતથી જ, અમારી મૈત્રી ઓફિસની મર્યાદાઓ અને સત્તાવાર પ્રોટોકોલના બંધનોથી આગળ વધી હતી.

ક્યોટોમાં આવેલા તોજી મંદિરની અમારી મુલાકાત, શિંકનસેન પર અમારી ટ્રેનની મુસાફરી, અમદાવાદમાં સાબરમતી આશ્રમની અમારી મુલાકાત, કાશીમાં ગંગા આરતી, ટોક્યોમાં વિગતવાર ચા સમારંભ, અમારી વચ્ચે થયેલા યાદગાર વાર્તાલાપની યાદી ખરેખર ઘણી લાંબી છે.

 

 

અને, માઉન્ટ ફુજીની તળેટીમાં વસેલા યામાનાશી પ્રાંતમાં તેમના પરિવારિક ઘરે મને આમંત્રિત કરીને તેમણે આપેલા અનોખા સન્માનની હું હંમેશા કદર કરીશ.

તેઓ જ્યારે 2007 થી 2012 દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી ન હતા અને તાજેતરમાં 2020 પછી પણ અમારું અંગત જોડાણ હંમેશની જેમ મજબૂત રહ્યું હતું.

આબે સાન સાથેની દરેક મુલાકાત બૌદ્ધિક રીતે ઉત્સાહિત કરી દેનારી હતી. તેઓ હંમેશા શાસન, અર્થતંત્ર, સંસ્કૃતિ, વિદેશ નીતિ અને અન્ય વિવિધ વિષયો પર નવા વિચારો અને અમૂલ્ય આંતરદૃષ્ટિથી ભરેલા રહેતા હતા.

તેમની સલાહથી મને ગુજરાત માટે મારી આર્થિક પસંદગીઓ કરવાની પ્રેરણા મળી હતી. અને, જાપાન સાથે ગુજરાતની વાઇબ્રન્ટ ભાગીદારીનું નિર્માણ કરવામાં તેમનો સહકાર ખૂબ જ મહત્વનો હતો.

પછી તો, ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં અભૂતપૂર્વ પરિવર્તન લાવવા માટે તેમની સાથે કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો એ મારા માટે એક વિશેષાધિકાર હતો. મોટા પ્રમાણમાં સંકુચિત, દ્વિપક્ષીય આર્થિક સંબંધોમાંથી, અબે સાને તેને એક બહોળા, વ્યાપક સંબંધોમાં પરિવર્તિત કરવામાં મદદ કરી હતી, જેમાં માત્ર રાષ્ટ્રીય પ્રયાસોના દરેક ક્ષેત્રને આવરી લેવામાં આવ્યું ન હતું, પરંતુ તે પરિવર્તન આપણા બંને દેશો અને ક્ષેત્રની સુરક્ષા માટે નિર્ણાયક બન્યું હતું. તેમના મતે, આ સંબંધ આપણા બંને દેશો વચ્ચે અને દુનિયાના લોકો માટે સૌથી વધુ પરિણામદાયક સંબંધોમાંનો એક હતો. તેઓ ભારત સાથેના નાગરિક પરમાણુ કરારને અનુસરવા માટે સંકલ્પબદ્ધ હતા - જે તેમના દેશ માટે સૌથી મુશ્કેલ હતું - અને ભારતમાં હાઇ સ્પીડ રેલ માટે સૌથી ઉદાર શરતો આપવામાં તેઓ નિર્ણાયક ભૂમિકામાં રહ્યા હતા. સ્વતંત્ર ભારતની સફરમાં સૌથી મહત્વપૂર્ણ સીમાચિહ્નો તરીકે, તેમણે ખાતરી આપી હતી કે, નવું ભારત પોતાની વૃદ્ધિને વેગ આપે છે તેથી જાપાન તેની પડખે છે. 

ભારત અને જાપાન વચ્ચેના સંબંધોમાં તેમણે આપેલા યોગદાન બદલ 2021માં તેમને પ્રતિષ્ઠિત પદ્મ વિભૂષણ એનાયત કરીને તેમનું ભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યું હતું. 

આબે સાન દુનિયામાં થઇ રહેલા જટિલ અને બહુવિધ પરિવર્તનોની ઊંડી સમજ ધરાવતા હતા, રાજનીતિ, સમાજ, અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર સમય કરતાં પહેલા તેનો પ્રભાવ જોવાની તેમની પાસે દીર્ઘદૃષ્ટિ હતી, જે પસંદગીઓ થવાની હતી તે જાણવાનું શાણપણ ધરાવતા હતા, પ્રસ્થાપિત પ્રણાલીઓનો સામનો કરીને પણ સ્પષ્ટ અને હિંમતપૂર્ણ નિર્ણયો લેવાની તેમનામાં ક્ષમતા હતી અને પોતાના લોકો તેમજ દુનિયાને પોતાની સાથે રાખીને આગળ વધવાનું દુર્લભ સામર્થ્ય હતું. તેમની દૂરોગામી નીતિઓ એબેનોમિક્સના કારણે જાપાનનું અર્થતંત્ર પુનર્જીવિત થયું અને તેમના લોકોમાં આવિષ્કાર તેમજ ઉદ્યોગસાહસિકતાની ભાવના ફરીથી પ્રજ્વલિત થઇ હતી.

તેમણે આપણને આપેલી સૌથી મહાન ભેટો અને તેમનો સૌથી સ્થાયી વારસો, અને જેના માટે વિશ્વ હંમેશા ઋણી રહેશે, તે છે બદલાતી ભરતીના મોજાંઓને ઓળખવામાં અને આપણાં સમયના તોફાનને એકત્ર કરવામાં તેમની દૂરંદેશી અને તેની સામે પ્રતિક્રિયા આપવામાં તેમનું નેતૃત્વ. અન્ય લોકોની સરખામણીએ ઘણા પહેલાં, 2007માં તેમણે ભારતીય સંસદમાં પોતાના મુખ્ય ભાષણમાં, સમકાલિન રાજકીય, વ્યૂહાત્મક અને આર્થિક વાસ્તવિકતા તરીકે ઇન્ડો પેસિફિક ક્ષેત્રના ઉદય માટેનો આધાર મૂક્યો હતો – આ એક ક્ષેત્ર છે જે આ સદીમાં વિશ્વને પણ આકાર આપશે.

અને, તેના સ્થિર અને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ભવિષ્ય માટે એક માળખા અને આર્કિટેક્ચરનું નિર્માણ કરવામાં તેમણે અગ્રમોરચેથી નેતૃત્વ સંભાળ્યું હતું, જે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે આદર, આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયમોનું પાલન, ઊંડા આર્થિક જોડાણ દ્વારા સમાનતા અને સહિયારી સમૃદ્ધિની ભાવનામાં આંતરરાષ્ટ્રીય સંબંધોના શાંતિપૂર્ણ આચરણ જેવા મૂલ્યોની તેઓ જે ખૂબ જ કદર કરતા હતા તેના પર આધારિત હતું.

ક્વાડ, ASEANની આગેવાની હેઠળની ફોરમ, ઇન્ડો પેસિફિક મહાસાગરોની પહેલ, એશિયા-આફ્રિકા વિકાસ કોરિડોર અને આપદા પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધન, આ બધાને તેમના યોગદાનથી ફાયદો થયો છે. શાંતિથી અને મોટા દેખાડા કર્યા વગર, અને વિદેશમાં ખચકાટ અને સંશયને દૂર કરીને, તેમણે સમગ્ર ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સંરક્ષણ, કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉક્ષમતા સહિત જાપાનના વ્યૂહાત્મક જોડાણમાં પરિવર્તન લાવ્યું હતું. તેના માટે, પ્રદેશ તેના ભાગ્ય વિશે વધુ આશાવાદી છે અને વિશ્વ તેના ભવિષ્ય વિશે વધુ વિશ્વાસ ધરાવે છે.

આ વર્ષે મે મહિનામાં મારી જાપાનની મુલાકાત દરમિયાન, મને આબે સાનને મળવાની તક પ્રાપ્ત થઇ હતી, તેમણે એ સમયમાં જ જાપાન-ભારત એસોસિએશનના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ હંમેશની જેમ તેમના સ્વ-ઉર્જાવાન, મનમોહક, પ્રભાવશાળી અને ખૂબ જ વિનોદી મૂડમાં હતા. ભારત અને જાપાનની મિત્રતાને કેવી રીતે વધુ મજબૂત કરવી તે અંગે તેમની પાસે નવીન વિચારો હતા. તે દિવસે જ્યારે મેં તેને અલવિદા કહ્યું, ત્યારે મને જરાય કલ્પના પણ નહોતી કે તે અમારી અંતિમ મુલાકાત હશે.

હું તેમની હૂંફ અને ચતુરાઇ, કૃપા અને ઉદારતા, મિત્રતા અને માર્ગદર્શન માટે હું હંમેશા ઋણી રહીશ અને મને હંમેશા તેમની ખોટ વર્તાશે.

તેમણે અમને ખુલ્લા હૃદયથી સ્વીકાર્યા હતા તેથી તેમના નિધનના કારણે ભારતમાં અમે અમારા આપ્તજનની વિદાય તરીકે શોકાતૂર છીએ. તેઓ જેને સૌથી વધુ પ્રેમ કરતા હતા તે કરતી વખતે એટલે કે લોકોને પ્રેરણા આપતી વખતે મૃત્યુ પામ્યા છે. તેમનું જીવન દુ:ખદ રીતે ટૂંકાઇ ગયું છે, પરંતુ તેમનો વારસો હંમેશ માટે ટકી રહેશે.

હું ભારતના લોકો વતી અને મારા પોતાના વતી જાપાનના લોકો, ખાસ કરીને શ્રીમતી અકી આબે અને તેમના પરિવાર પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Rabi acreage tops normal levels for most crops till January 9, shows data

Media Coverage

Rabi acreage tops normal levels for most crops till January 9, shows data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોમનાથ સ્વાભિમાન પર્વ - અખંડ આસ્થાના 1000 વર્ષ (1026-2026)
January 05, 2026

સોમનાથ... આ શબ્દ સાંભળતા જ આપણા હૃદય અને મનમાં ગર્વની લાગણી જન્મે છે. તે ભારતની આત્માની શાશ્વત ઘોષણા છે. આ ભવ્ય મંદિર ભારતના પશ્ચિમ કિનારે ગુજરાતમાં પ્રભાસ પાટણ નામના સ્થળે આવેલું છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં ભારતભરના 12 જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ છે. સ્તોત્રની શરૂઆત "सौराष्ट्र सोमनाथं च.." થી થાય છે, જે પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે સોમનાથની સભ્યતા અને આધ્યાત્મિક મહત્વનું પ્રતીક છે.

એમ પણ કહેવાય છે કે:

सोमलिङ्गं नरो दृष्टा सर्वपापैः प्रमुच्यते।
लभते फलं मनोवांछितम मृतः स्वर्ग समाश्रयेत ।।

તેનો અર્થ છે: સોમનાથ શિવલિંગના માત્ર દર્શન કરવાથી મનુષ્ય પાપોમાંથી મુક્ત થાય છે, તેની ધાર્મિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. દુર્ભાગ્યવશ, આ જ સોમનાથ, જે લાખો લોકોની શ્રદ્ધા અને પ્રાર્થનાનું કેન્દ્ર હતું, તેના પર વિદેશી આક્રમણકારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમનો એજન્ડા વિનાશ કરવાનો હતો, ભક્તિ નહીં.

વર્ષ 2026 સોમનાથ મંદિર માટે મહત્ત્વપૂર્ણ છે. આ મહાન મંદિર પર થયેલા પ્રથમ હુમલાને 1,000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જાન્યુઆરી 1026 માં જ ગઝનીના મહમુદે આ મંદિર પર હુમલો કર્યો હતો, જેણે હિંસક અને બર્બર આક્રમણ દ્વારા શ્રદ્ધા અને સભ્યતાના મહાન પ્રતીકને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, એક હજાર વર્ષ પછી પણ, સોમનાથને તેની ભવ્યતામાં પુનઃસ્થાપિત કરવાના અસંખ્ય પ્રયાસોને કારણે મંદિર આજે પણ એટલું જ ભવ્ય છે.

આવો જ એક સીમાચિહ્ન 2026 માં 75 વર્ષ પૂર્ણ કરે છે. 11 મે 1951 ના રોજ એક સમારોહ દરમિયાન, ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં, પુનઃનિર્મિત મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. 1026 માં સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણ, નગરના લોકો પર કરવામાં આવેલી ક્રૂરતા અને મંદિર પર થયેલા વિનાશનું વિવિધ ઐતિહાસિક વૃત્તાંતોમાં વિગતવાર દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે.

જ્યારે તમે તેને વાંચો છો, ત્યારે હૃદય કંપી ઉઠે છે. દરેક પંક્તિ દુઃખ, ક્રૂરતા અને એવી પીડાનો ભાર વહન કરે છે જે સમયની સાથે ભૂંસાતી નથી. ભારત અને લોકોના મનોબળ પર તેની કેવી અસર પડી હશે તેની કલ્પના કરો. સોમનાથનું મોટું આધ્યાત્મિક મહત્વ હતું. તે દરિયાકાંઠે હોવાથી, મહાન આર્થિક પરાક્રમ ધરાવતા સમાજને શક્તિ પણ આપતું હતું, જેના દરિયાઈ વેપારીઓ અને નાવિકો તેની ભવ્યતાની ગાથાઓ દૂર-દૂર સુધી લઈ જતા હતા.

તેમ છતાં, હું નિઃસંકોચપણે ગર્વ સાથે કહી શકું છું કે સોમનાથની વાર્તા, પ્રથમ હુમલાના એક હજાર વર્ષ પછી પણ, વિનાશ દ્વારા વ્યાખ્યાયિત થતી નથી. તે ભારત માતાના કરોડો સંતાનોના અતૂટ સાહસ દ્વારા વ્યાખ્યાયિત થાય છે. 1026માં શરૂ થયેલી મધ્યકાલીન બર્બરતાએ અન્યોને વારંવાર સોમનાથ પર હુમલો કરવા માટે 'પ્રેરિત' કર્યા હતા. તે આપણા લોકો અને સંસ્કૃતિને ગુલામ બનાવવાનો પ્રયાસ હતો. પરંતુ, દર વખતે જ્યારે મંદિર પર હુમલો થયો, ત્યારે આપણી પાસે એવા મહાન પુરુષો અને સ્ત્રીઓ હતા જેઓ તેના રક્ષણ માટે ઉભા થયા અને સર્વોચ્ચ બલિદાન પણ આપ્યું.

અને દરેક વખતે, પેઢી દર પેઢી, આપણી મહાન સંસ્કૃતિના લોકો બેઠા થયા અને મંદિરનું પુનઃનિર્માણ તેમજ નવજીવન કર્યું. એ જ માટી દ્વારા આપણું પણ પાલન-પોષણ થવું એ આપણું સૌભાગ્ય છે જેણે અહિલ્યાબાઈ હોલકર જેવા મહાનુભાવોને પોષ્યા છે, જેમણે ભક્તો સોમનાથમાં પ્રાર્થના કરી શકે તે માટે ઉમદા પ્રયાસ કર્યો હતો. 1890ના દાયકામાં, સ્વામી વિવેકાનંદે સોમનાથની મુલાકાત લીધી હતી અને તે અનુભવથી તેઓ પ્રભાવિત થયા હતા.

તેમણે 1897 માં ચેન્નાઈમાં એક વ્યાખ્યાન દરમિયાન પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, "દક્ષિણ ભારતના આમાંના કેટલાક પ્રાચીન મંદિરો અને ગુજરાતના સોમનાથ જેવા મંદિરો તમને જ્ઞાનના અઢળક પાઠ શીખવશે, કોઈપણ પુસ્તકો કરતાં આ જાતિના ઇતિહાસમાં ઊંડી સમજ આપશે. જુઓ કે આ મંદિરો કેવી રીતે સો હુમલાઓ અને સો જીર્ણોધારન નિશાન ધરાવે છે, જે સતત નાશ પામતા રહ્યા અને ખંડેરોમાંથી સતત બહાર આવતા રહ્યા, નવપલ્લિત અને હંમેશાની જેમ મજબૂત! તે રાષ્ટ્રીય મન છે, તે રાષ્ટ્રીય જીવન-પ્રવાહ છે. તેને અનુસરો અને તે ગૌરવ તરફ દોરી જશે. જો તેને છોડી દેશો તો તમે નાશ પામશો; જે ક્ષણે તમે તે જીવન પ્રવાહની બહાર પગ મૂકશો, મૃત્યુ એ એકમાત્ર પરિણામ હશે, વિનાશ જ એકમાત્ર અસર હશે."

સ્વતંત્રતા પછી સોમનાથ મંદિરના પુનઃનિર્માણની પવિત્ર ફરજ સરદાર વલ્લભભાઈ પટેલના સમર્થ હાથોમાં આવી. 1947 માં દિવાળીના સમયે એક મુલાકાતે તેમને એટલા પ્રભાવિત કર્યા કે તેમણે ત્યાં મંદિરના પુનઃનિર્માણની જાહેરાત કરી દીધી. અંતે, 11 મે 1951 ના રોજ, સોમનાથમાં એક ભવ્ય મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. મહાન સરદાર સાહેબ આ ઐતિહાસિક દિવસ જોવા જીવિત નહોતા, પરંતુ તેમના સ્વપ્નની પૂર્તિ રાષ્ટ્ર સમક્ષ ગર્વથી ઊભી હતી.

તત્કાલીન પ્રધાનમંત્રી, પંડિત જવાહરલાલ નેહરુ, આ ઘટનાક્રમથી બહુ ઉત્સાહિત નહોતા. તેઓ ઈચ્છતા ન હતા કે માનનીય રાષ્ટ્રપતિ તેમજ મંત્રીઓ આ વિશેષ કાર્યક્રમ સાથે જોડાય. તેમણે કહ્યું હતું કે આ ઘટનાએ ભારતની ખરાબ છાપ ઊભી કરી છે. પરંતુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અડગ રહ્યા અને બાકીનો ઇતિહાસ છે. સોમનાથનો કોઈ પણ ઉલ્લેખ કે. એમ. મુનશીના પ્રયાસોને યાદ કર્યા વિના અધૂરો છે, જેમણે સરદાર પટેલને ખૂબ જ અસરકારક રીતે સાથ આપ્યો હતો. 'સોમનાથ: ધ શ્રાઈન એટર્નલ' પુસ્તક સહિત સોમનાથ પરના તેમના કાર્યો અત્યંત માહિતીપ્રદ અને શિક્ષિત કરનારા છે.

ખરેખર, મુનશીજીના પુસ્તકનું શીર્ષક જણાવે છે તેમ, આપણે એવી સંસ્કૃતિ છીએ જે આત્મા અને વિચારોની શાશ્વતતા વિશે દ્રઢ વિશ્વાસ ધરાવે છે. ગીતાના પ્રખ્યાત શ્લોક “नैनं छिन्दन्ति शस्त्राणि..." માં દર્શાવ્યા મુજબ, જે શાશ્વત છે તે અવિનાશી છે એવું આપણે દ્રઢપણે માનીએ છીએ. આપણી સભ્યતાના અદમ્ય ઉત્સાહનું સોમનાથથી વધુ સારું ઉદાહરણ બીજું કોઈ હોઈ શકે નહીં, જે મુશ્કેલીઓ અને સંઘર્ષો પર વિજય મેળવીને ભવ્ય રીતે ઊભું છે.

આ જ ભાવના આપણા રાષ્ટ્રમાં જોવા મળે છે, જે સદીઓના આક્રમણો અને સંસ્થાનવાદી લૂંટને પાર કરીને વૈશ્વિક વિકાસના તેજસ્વી સ્થળોમાંનું એક છે. આપણી મૂલ્ય પ્રણાલીઓ અને આપણા લોકોના નિશ્ચયે જ ભારતને આજે વૈશ્વિક ધ્યાનનું કેન્દ્ર બનાવ્યું છે. વિશ્વ ભારતને આશા અને આશાવાદ સાથે જોઈ રહ્યું છે. તેઓ આપણા નવયુવાનોમાં રોકાણ કરવા માંગે છે. આપણી કલા, સંસ્કૃતિ, સંગીત અને અનેક તહેવારો વૈશ્વિક સ્તરે જઈ રહ્યા છે. યોગ અને આયુર્વેદ વિશ્વભરમાં પ્રભાવ પાડી રહ્યા છે અને સ્વસ્થ જીવનને પ્રોત્સાહન આપી રહ્યા છે. વિશ્વના કેટલાક સૌથી કપરા પડકારોના ઉકેલો ભારતમાંથી આવી રહ્યા છે.

અનાદિ કાળથી, સોમનાથે જીવનના વિવિધ ક્ષેત્રોના લોકોને એકસાથે લાવ્યા છે. સદીઓ પહેલા, એક આદરણીય જૈન સાધુ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સોમનાથ આવ્યા હતા. એવું કહેવાય છે કે ત્યાં પ્રાર્થના કર્યા પછી, તેમણે એક શ્લોક ગાયો હતો, “भवबीजाङ्कुरजनना रागाद्याः क्षयमुपगता यस्य।।". તેનો અર્થ છે - તે ઈશ્વરને વંદન જેમાં સાંસારિક બનેલા બીજ નાશ પામે છે, જેમાં રાગ અને તમામ ક્લેશો શમી ગયા છે. આજે પણ સોમનાથ મન અને આત્મામાં કંઈક ગહન જાગૃત કરવાની ક્ષમતા ધરાવે છે.

1026 ના પ્રથમ હુમલાના એક હજાર વર્ષ પછી પણ, સોમનાથનો દરિયો આજે પણ એ જ તીવ્રતાથી ગર્જના કરે છે જેવી તે સમયે કરતો હતો. સોમનાથના કિનારાને સ્પર્શતી લહેરો એક વાર્તા કહે છે. ભલે ગમે તે થાય, મોજાંની જેમ તે વારંવાર ઊઠતું રહશે. ભૂતકાળના આક્રમણકારો હવે હવામાં ધૂળ બની ગયા છે, તેમના નામ વિનાશના પર્યાય છે. તેઓ ઇતિહાસના પાનામાં ફૂટનોટ્સ બનીને રહી ગયા છે, જ્યારે સોમનાથ તેજસ્વી રીતે ઉભું છે, જે ક્ષિતિજની પેલે પાર સુધી પ્રકાશ ફેલાવે છે, અને આપણને એ શાશ્વત ભાવનાની યાદ અપાવે છે જે 1026ના હુમલા છતાં પણ અકબંધ રહી હતી. સોમનાથ એ આશાનું ગીત છે જે આપણને કહે છે કે નફરત અને કટ્ટરતા પાસે ભલે એક ક્ષણ માટે નાશ કરવાની શક્તિ હોય, પરંતુ સારપની શક્તિમાં વિશ્વાસ અને દ્રઢતા પાસે અનંતકાળ સુધી સર્જન કરવાની શક્તિ છે.

જો સોમનાથ મંદિર, જેના પર એક હજાર વર્ષ પહેલાં હુમલો થયો હતો અને ત્યારપછી સતત આક્રમણોનો સામનો કરવો પડ્યો હતો, તે ફરીથી અને ફરીથી ઉભું થઈ શકતું હોય, તો આપણે ચોક્કસપણે આપણા મહાન રાષ્ટ્રને તે ગૌરવ અપાવી શકીએ છીએ જે આક્રમણો પહેલા એક હજાર વર્ષ પહેલાં હતું. શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ સાથે, આપણે આગળ વધીએ છીએ...

વિકસિત ભારત બનાવવાના નવા સંકલ્પ સાથે, જ્યાં સભ્યતાનું જ્ઞાન આપણને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કામ કરવા માર્ગદર્શન આપે છે.

જય સોમનાથ!