માતા

Published By : Admin | June 18, 2022 | 07:30 IST

મા કે માતા – શબ્દકોશમાં ફક્ત એક શબ્દ નથી. આ શબ્દમાં તમામ પ્રકારની લાગણીઓ સમાઈ જાય છે – પ્રેમ, ધૈર્ય, વિશ્વાસ વગેરે. દુનિયાભરમાં કોઈ પણ દેશ કે વિસ્તારમાં બાળકો તેમની માતા પ્રત્યે વિશેષ લાગણી ધરાવે છે. માતા તેના બાળકને જન્મ આપવાની સાથે તેમની પ્રથમ ગુરુ પણ છે. માતા બાળકના માનસનું, તેના વ્યક્તિત્વનું ઘડતર કરે છે અને તેને આત્મવિશ્વાસ આપે છે. આ પ્રક્રિયામાં માતા પોતાની અંગત જરૂરિયાતો અને આકાંક્ષાઓનો નિઃસ્વાર્થપણે ત્યાગ કરે છે.

આજે હું બહુ ખુશ છું. મારી લાગણીને તમારી સાથે વહેંચતા વિશેષ આનંદ થાય છે કે, મારી માતા શ્રીમતી હીરાબા તેમના 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. જો આજે મારા પિતા હયાત હોત, તો તેમણે પણ ગયા અઠવાડિયે તેમના 100મા જન્મદિવસની ઉજવણી કરી હોત. વર્ષ 2022 એક વિશેષ વર્ષ છે, કારણ કે મારી માતાનાં જીવનનું 100મું વર્ષ શરૂ થઈ રહ્યું છે અને મારા પિતાએ 100મું વર્ષ પૂર્ણ કર્યું હોત.

હજુ ગયા અઠવાડિયે મારા ભત્રીજાએ ગાંધીનગરથી માતાના થોડા વીડિયો શેર કર્યા હતા. સમાજમાંથી થોડાં યુવાનો ઘરે આવ્યાં હતાં, મારા પિતાનો ફોટોગ્રાફ ખુરશીમાં મૂક્યો હતો અને કિર્તન થયા હતા. આ સમયે મારી માતા મંજીરા વગાડતાં ભજનો ગાવામાં એકાકાર થઈ ગયા હતા. તેમની ઊર્જા અને ભક્તિભાવ હજુ અગાઉ જેવો જ છે – ઉંમરને લીધે શરીરને અસર થઈ છે, પણ તેઓ મનથી હજુ પણ સાબૂત છે, તેમનું મનોબળ હજુ પણ મક્કમ અને મજબૂત છે.

અગાઉ અમારા પરિવારમાં જન્મદિવસોની ઉજવણી કરવાની કોઈ પરંપરા નહોતી. જોકે યુવા પેઢીના બાળકોએ મારા પિતાના જન્મદિવસે તેમની યાદગીરીમાં 100 વૃક્ષોનું વાવેતર કર્યું હતું.

મને કોઈ શંકા નથી કે, મારા જીવનમાં જે કંઈ પણ સારું થયું છે, મારો જે વિકાસ થયો છે અને મારા ચરિત્રનું ઘડતર થયું છે, તે મારા માતાપિતાને આભારી છે. અત્યારે જ્યારે હું દિલ્હીમાં છું, ત્યારે મારાં મનમાં ભૂતકાળની યાદો તાજી થઈ રહી છે.

મારી માતા અસાધારણ હોવાની સાથે સરળ છે. અન્ય તમામ માતાઓ જેવી! જ્યારે હું મારી માતા વિશે લખી રહ્યો છું, ત્યારે મને ખાતરી છે કે, મારી માતા સાથે જોડાયેલી વાતો સાથે તમારામાંથી ઘણાંને તેમની માતા સાથે જોડાયેલી લાગશે. આ લેખની સાથે તમને કદાચ તમારી માતાની છબી પણ દેખાય એવું બની શકે.

કોઈ માતાનું તપ એક સારાં મનુષ્યનું સર્જન કરે છે. તેમની લાગણી બાળકમાં માનવીય મૂલ્યો અને સંવેદના જેવા ગુણો કેળવી શકે છે. એક માતા અલગ વ્યક્તિ કે જુદું વ્યક્તિત્વ નથી, માતૃત્વ એક ગુણ છે, એક ખાસિયત છે. ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે ઈશ્વરનું સર્જન તેમના ભક્તોની પ્રકૃતિ અનુસાર થાય છે. એ જ રીતે આપણે આપણી માતાઓ અને તેમનું માતૃત્વ આપણી પોતાની પ્રકૃતિ અને માનસિકતા અનુસાર અનુભવીએ છીએ.

મારી માતાનો જન્મ ગુજરાતમાં મહેસાણાના વિસનગરમાં થયો હતો, જે મારા વતન વડનગરની નિકટ છે. તેમને તેમની પોતાની માતાનો પ્રેમ મળ્યો નહોતો. નાની વયે તેમણે મારા નાનીને સ્પેનિશ ફ્લૂ મહામારીમાં ગુમાવી દીધા હતા. તેમને મારી નાનીનો ચહેરો પણ યાદ નથી. તેમની પાસે મારી નાનીમાના ખોળામાં પસાર થયેલી બાળપણની યાદો પણ નથી. મારા માતાએ તેમનું સંપૂર્ણ બાળપણ તેમની માતા વિના પસાર કર્યું હતું. આપણા બધાને જે લાડકોડ મળ્યાં છે, તેનો અનુભવ મારી માતા મેળવી શકી નહોતી. જેમ આપણે આપણી માતાના ખોળામાં નિશ્ચિંત થઈને સૂતાં હતાં, તેમ મારી માતા તેમની માતાના ખોળામાં એ દૈવી અહેસાસ મેળવી શક્યાં નહોતાં. મારી માતા શાળામાં અભ્યાસ માટે પણ જઈ શક્યાં નહોતા એટલે સ્વભાવિક છે કે, તેમને લખતાં-વાચતાં આવડ્યું નથી. તેમનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું અને તમામ પ્રકારના સુખભોગ કે લાડકોડથી વંચિત રહ્યાં હતાં.
આજની સરખામણીમાં મારી માતાનું બાળપણ બહુ જટિલ સ્થિતિસંજોગોમાં પસાર થયું હતું. કદાચ, કુદરતે તેમની આ જ નિયતિ ઘડી હતી. મારા માતા પણ માને છે કે, ઈશ્વરને ગમ્યું એ ખરું. પણ પોતાની બાલ્યાવસ્થામાં માતાને ગુમાવવી, પોતાની માતાનો ચહેરો જોવાનું પણ નસીબમાં ન હોવું એ હકીકતનું આજે પણ તેમને દુઃખ છે.

આ પ્રકારના સંઘર્ષ અને જટિલ સ્થિતિસંજોગોને કારણે મારી માતાને બાળપણ માણવા મળ્યું જ નહોતું – તેમને ઉંમર કરતાં વધારે પરિપક્વ થવાની ફરજ પડી હતી. તેમના પરિવારમાં તેઓ સૌથી મોટું સંતાન હતાં અને લગ્ન પછી અમારા પરિવારમાં તેઓ સૌથી મોટી વહૂ બન્યાં હતાં. પોતાના બાળપણમાં તેમણે સંપૂર્ણ પરિવારની જવાબદારી ઉઠાવી હતી અને તમામ પ્રકારની કામગીરી સારી રીતે પાર પાડતાં શીખી ગયા હતા. લગ્ન પછી પણ તેમણે અમારા પરિવારમાં તમામ જવાબદારીઓ ઉઠાવી લીધી હતી. ઘણી જવાબદારીઓ અને રોજિંદા સંઘર્ષો હોવા છતાં મારી માતાએ ધીરજ અને મક્કમ મનોબળ સાથે સંપૂર્ણ પરિવારને એકતાંતણે જોડી રાખ્યો છે.

અમારું કુટુંબ વડનગરમાં એક નાનાં ઘરમાં રહેતું હતું, જેમાં એક બારી પણ નહોતી. શૌચાલય કે બાથરૂમ જેવી સુખસુવિધાની વાત જ કેવી રીતે થાય! અમે અમારા ઘરને એક-રૂમનું ટેનામેન્ટ કહેતાં હતાં, જેમાં માટીની દિવાલો હતી અને છત પર નળિયા હતાં. એવું હતું અમારું ઘર. તેમાં અમે બધા – મારા માતાપિતા, મારા ભાઈબહેનો અને હું રહેતાં હતાં.

મારા પિતાએ વાંસની લાકડીઓ અને લાકડાનાં પાટિયાઓમાંથી એક મચાન કે મંચ બનાવી દીધો હતો, જેથી મારી માતાને રસોઈ બનાવવામાં સરળતા રહેતી. આ અમારું રસોડું હતું. મારી માતા રાંધવા માટે તેના પર ચડી જતી અને આખો પરિવાર એના પર બેસીને એકસાથે જમતો હતો.
સામાન્ય રીતે, અછત કે અભાવ તણાવ જન્માવે છે. જોકે મારા માતાપિતા પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ જાળવી રાખવા રોજિંદા સંઘર્ષની ક્યારેય ચિંતા કરતાં નહોતાં. મારા માતાપિતાએ સમજીવિચારીને તેમની જવાબદારીઓ વહેંચી લીધી હતી અને તેમને પૂરી કરતાં હતાં.
જેમ ઘડિયાળ સતત આગળ ચાલે, તેમ મારા માતાપિતા તેમનું કર્તવ્ય અદા કરતાં મારા પિતા સવારે ચાર વાગ્યે કામ પર જવા નીકળી જતાં હતાં. તેમના પગલાંની છાપ પડોશીને કહેતી કે, સવારના ચાર વાગ્યા છે અને દામોદરકાકા કામ માટે ગયા છે. તેમનો અન્ય એક નિયમ હતો – પોતાની ચાની નાની કિટલી ખોલતાં અગાઉ ગામના મંદિરમાં દર્શન કરવા જવું.

માતા પણ એટલી જ ચીવટ ધરાવતાં હતાં. તેઓ પણ મારા પિતા સાથે જાગી જતાં હતાં અને સવારે જ ઘણા કામ પૂરાં કરતાં હતાં. અનાજ દળવાથી લઈને ચોખા અને દાળની ચાળવી – તેમાં તેમને કોઈની મદદ મળતી નહોતી. તેઓ કામ કરતાં જાય અને સાથે સાથે તેમના મનપસંદ ભજનો અને કિર્તનો ગણગણતા જાય. તેમને ગુજરાતના આદિ કવિ નરસિંહ મહેતાનું એક ભજન બહુ પ્રિય હતું – ‘જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.’ તેમને ‘શિવાજીનું હાલરડું’ પણ પસંદ હતું.

માતાએ ક્યારેય અપેક્ષા રાખી નહોતી કે, અમે, બાળકો અમારો અભ્યાસ પડતો મૂકીને તેમના ઘરકામમાં મદદ કરીએ. તેમણે અમને ક્યારેય મદદ કરવાનું કહ્યું પણ નહોતું. જોકે તેમને મહેનત કરતાં જોઈને અમે તેમને મદદ કરવાની અમારી ફરજ ગણતાં હતાં. મને અમારા ગામના તળાવમાં તરવાની બહુ મજા પડતી હતી. એટલે હું ઘરેથી બધા ગંદા કપડાં તળાવે લઈ જતો અને ત્યાં તેમને ધોતો. મારા માટે આ એક પંથ દો કાજ જેવું થઈ જતું – ઘરના કપડાં ધોવાઈ જતાં અને મારો તરવાનો શોખ પૂરો થતો.

અમારા ઘરનો ખર્ચ પૂર્ણ કરવા મારી માતા થોડા ઘરોમાં વાસણો માંજવાનું કામ કરતાં હતાં. તેઓ અમારાં કુટુંબની અતિ ઓછી આવકમાં પૂરક બનવા ચરખો ચલાવવા પણ સમય કાઢતાં હતાં. તેઓ કાલાં ફોલવાથી લઈને રૂ કાંતવા સુધીનું કામ કરતાં હતાં. આ અતિ શ્રમદાયક કામમાં પણ તેમની મુખ્ય ચિંતા એ રહેતી કે કપાસના અણીદાર કાંટા અમારા શરીરમાં ઘૂસી ન જાય.

મારી માતા આત્મનિર્ભર હતાં, સ્વાશ્રયી હતાં. પોતાનું કામ અન્ય લોકોને કરવાની વિનંતી ક્યારેય કરી નથી. ચોમાસામાં અમારા માટીના ઘરમાં ઘણી સમસ્યાઓ ઊભી થતી. જોકે માતા ખાતરી કરતી હતી અમને ઓછામાં ઓછી તકલીફ પડે. જૂન મહિનામાં ચામડી બાળે નાંખે એવી ગરમીમાં તેઓ છત પર ચડીને નળિયાઓ રિપેર કરતી હતી. જોકે તેઓ સાહસિક પ્રયાસો કરે તેમ છતાં અમારું જૂનું ઘર ચોમાસામાં વરસાદ સામે ટકી શકે એમ નહોતું.

ચોમાસામાં વરસાદ દરમિયાન અમારી છતમાંથી પાણી ટપકતું હતું અને ઘરમાં પાણી ભરાઈ જતું. માતા વરસાદના પાણીને ભેગું કરવા છતની નીચે ડોલ અને વાસણો મૂકતી હતી. આ પ્રતિકૂળ સ્થિતિસંજોગોમાં પણ માતાનું મનોબળ મક્કમ જળવાઈ રહેતું. તમને જાણીને નવાઈ લાગશે કે, તેઓ આ પાણીનો આગામી દિવસોમાં ઉપયોગ કરતાં હતાં. વરસાદના પાણીના સંચયનું આનાથી વધારે સારું ઉદાહરણ બીજું કયું હોઈ શકે!

માતાને ઘરને સુશોભિત કરવું ગમતું હતું એટલે ઘરની સાફસફાઈ કરવા અને એને સુંદર રીતે સુશોભિત કરવા સારો એવો સમય આપતાં હતાં. તેઓ ભોંયતળિયે ગાયના છાણની ગાર કરતાં હતાં. જ્યારે બળે છે, ત્યારે ગાયનું છાણ બહુ ધુમાડો પેદા કરે છે. માતા અમારા બારી વિનાના ઘરમાં આ છાણાનો ઉપયોગ કરીને રસોઈ બનાવતાં! ધુમાડાની મેશથી દિવાલો કાળી પડી જતી અને તેને નવેસરથી સફેદી કરવાની જરૂર પડતી. દર થોડા મહિને આ કામ પણ મારી માતા જ કરતી હતી. એનાથી અમારા જૂનું મકાન નવા જેવું થઈ જતું. તેઓ ઘરને સજાવવા નાનાં નાનાં માટીના દીવડા પણ બનાવતાં હતાં. તેઓ ઘરની જૂની ચીજવસ્તુઓનો નવેસરથી ઉપયોગ કરવાની ભારતીયોની જાણીતી ટેવમાં કુશળ હતાં.

મને મારી માતાની અન્ય એક વિશિષ્ટ ટેવ પણ યાદ આવે છે. તેઓ પાણી અને આમલીના બીજમાં જૂનાં કાગળ બોળીને ગુંદર જેવી લુબદી બનાવતાં હતાં. તેઓ આ લુબદી સાથે દિવાલ પર કાચના ટુકડાં ચીપકાવીને સુંદર ચિત્રો બનાવતાં હતાં. તેઓ દરવાજા પર લટકાવવા બજારમાંથી નાની નાની સુંદર ચીજવસ્તુઓ પણ લાવતાં હતાં.

માતા ખાસ એ વાતની કાળજી રાખતી હતી કે, પથારી સ્વચ્છ હોવી જોઈએ અને બરોબર પાથરેલી હોવી જોઈએ. તેઓ પથારીમાં એક પણ રજકણ ચલાવી ન લે. નાની સરખી સળ પડતાં ચાદરને ઝાપટવી અને ફરી પાથરવી. અમે બધા તેમની આ ટેવથી પરિચિત હતાં અને પથારીમાં જરાં પણ સળ ન પડે એનું ધ્યાન રાખતાં. આજે પણ આ ઉંમરે માતાને અપેક્ષા હોય છે કે, તેમની પથારીમાં એખ પણ કરચલી ન હોવી જોઈએ!

અત્યારે પણ તેમના સ્વભાવમાં એવી જ ચીવટ જોવા મળે છે. તેઓ ગાંધીનગરમાં મારા ભાઈ અને મારા ભત્રીજાઓની સાથે રહેવા છતાં આજે પણ આ ઉંમરે તેમનું કામ તેમની રીતે કરવાનો પ્રયાસ કરે છે.

આજે પણ સ્વચ્છતાને લઈને તેમની ચીવટ ઊડીને આંખે વળગે એવી છે. જ્યારે હું તેમને મળવા ગાંધીનગર જાઉં છું, ત્યારે તેમના પોતાના હાથે મીઠાઈ ખવડાવે છે. હું ભોજન પૂરું કરે એટલે નાની બાળકની જેમ માતા નેપ્કિન લઈને મારો ચહેરો સાફ કરે છે. તેઓ તેમની સાડીમાં એક નેપ્કિન કે નાનો રૂમાલ હંમેશા રાખે છે.

હું સ્વચ્છતાને લઈને માતાની ચીવટ પર અનેક પ્રસંગો ટાંકી શકું છું. વળી તેમનો અન્ય એક ગુણ પણ કેળવવા જેવો છે – સ્વચ્છતા અને સાફસફાઈ કરતાં લોકો પ્રત્યે સન્માનની ભાવના. મને યાદ છે કે, જ્યારે વડનગરમાં અમારા ઘરની લગોલગ નહેર સાફ કરવાં કોઈ આવતું હતું, ત્યારે મારી માતા તેમને ચા પીવડાવ્યાં વિના જવા ન દેતા. અમારું ઘર સફાઈ કર્મચારીઓ વચ્ચે કામ પછી ચા પીવા માટે જાણીતું હતું.

મારી માતાને અન્ય જીવો પ્રત્યે હંમેશા વિશેષ લગાવ રહ્યો છે. તેઓ દરેક પશુપંખીની સારસંભાળ રાખવામાં માને છે. દર ઉનાળામાં તેઓ પક્ષીઓ માટે પાણીનું પાત્ર મૂકે. તેઓ ખાતરી કરતાં હતાં, અમારા ઘરની આસપાસ ફરતાં કૂતરાં ક્યારેય ભૂખ્યાં ન જાય.
જ્યારે મારા પિતા ચાની કિટલીએથી પરત ફરે, ત્યારે મલાઈ લાવતા હતાં. માતા તેમાંથી સ્વાદિષ્ટ ઘી બનાવતાં હતાં. આ ઘીનું સેવન અમે જ નહીં પણ અમારી પડોશની ગાયો પણ કરતી હતી. માતા દરરોજ આ ઘીમાં બોળેલી રોટલીઓ ગાયને ખવડાવતાં. તેઓ ગાયને સૂકી રોટલીઓ ખવડાવવાને બદલે પ્રેમથી ઘરમાંથી બનેલા ઘી લગાવેલી રોટલીઓ આપતાં હતાં.

મારી માતા અનાજનો એક પણ દાણાનો બગાડ ન થાય એનું ધ્યાન રાખતાં હતાં. જ્યારે તેઓ અમારા પડોશમાં લગ્નમાં જમવા જાય, ત્યારે અમને બિનજરૂરી કોઈ ચીજ ન લેવાનું યાદ અપાવતાં. ઘરમાં એક નિયમ હતો – જેટલું ભોજન કરી શકો એટલું જ લેવું.
આજે પણ માતા જેટલું ભોજન કરી શકે એટલું જ થાળીમાં લે છે અને તેમની થાળીમાં એક પણ કોળિયાનો બગાડ જોવા ન મળે. તેઓ સમયસર જમે અને ભોજનને બરોબર પચાવવા એને સારી રીતે ચાવે.

મારી માતા અન્ય લોકોની ખુશીમાં રાજી થાય છે. અમારું ઘર નાનું લાગી શકે, પણ તેમનું હૃદય ઉદાર હતું. મારા પિતાના એક ગાઢ મિત્ર નજીકના ગામમાં રહેતાં હતાં. તેમનું અકાળે અવસાન થયા પછી મારા પિતા તેમના મિત્રના પુત્ર અબ્બાસને અમારા ઘરે લાવ્યાં હતાં. અબ્બાસ અમારી સાથે રહ્યાં અને તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો. મારી માતા જેટલો પ્રેમ પોતાના બાળકોને કરતાં એટલો જ પ્રેમ અબ્બાસને કરતાં અને તેની કાળજી રાખતાં. દર વર્ષે ઇદ પર તેઓ અબ્બાસની મનપસંદ વાનગીઓ બનાવતાં હતાં. તહેવારોમાં અમારું ઘર પડોશીના બાળકો માટે મનપસંદ સ્થળ હતું અને તેઓ મારી માતાના હાથે તૈયાર થયેલી વાનગીઓ માણવા પહોંચી જતાં હતાં.

જ્યારે કોઈ સાધુ અમારા પડોશમાં આવતાં હતાં, માતા તેમને અમારાં સાદા ઘરમાં અન્નગ્રહણ કરવાં આમંત્રણ આપતાં હતાં. પોતાના સ્વાભાવિક સ્વભાવ મુજબ તેઓ સાધુઓને પોતાને બદલે પોતાના બાળકોને આશીર્વાદ આપવા વિનંતી કરતાં હતાં. તેઓ સાધુઓને વિનંતી કરતાં, “મારાં બાળકોને આશીર્વાદ આપો, જેથી તેઓ અન્ય લોકોની ખુશીમાં રાજી થાય અને તેમના દુઃખના દિવસોમાં મદદ કરે. તેમને ભક્તિ અને સેવાભાવ મળે એવા આશીર્વાદ આપો.”

મારી માતાને મારી ક્ષમતા અને તેમણે મને આપેલા સંસ્કારોમાં હંમેશા વિશ્વાસ છે. મને લગભગ દાયકાઓ અગાઉની એક ઘટના યાદ આવે છે. એ સમયે હું સંગઠનમાં કામ કરતો હતો. એ સમયગાળા દરમિયાન મારા મોટા ભાઈ માતાને બદરીનાથજી અને કેદારનાથજી લઈ ગયા હતા. તેમણે બદરીનાથજીમાં દર્શન કર્યા પછી કેદારનાથજીમાં સ્થાનિકને જાણ થઈ હતી કે, મારી માતા મુલાકતા લેશે.

જોકે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો. કેટલાંક લોકો ધાબળા લઈને તળેટીમાં આવી ગયા હતા. તેઓ માર્ગો પર દરેક વયોવૃદ્ધ મહિલાને પૂછતાં હતાં કે, તેઓ નરેન્દ્ર મોદીના માતા છે. છેવટે તેમને મારી માતા મળી ગયા તથા ચા અને ધાબળો આપ્યો હતો. તેમણે કેદારનાથજીમાં તેમના રોકાણ માટે સુવિધાજનક વ્યવસ્થાઓ કરી હતી. આ ઘટનાની મારી માતાના મન પર ઊંડી છાપ પડી હતી. તેઓ પછી મને મળ્યાં હતાં અને કહ્યું હતું કે, “લાગે છે કે તેં સારાં કાર્યો કર્યા છે, કારણ કે લોકો તને ઓળખે છે.”

આજે ઘણા વર્ષો પછી જ્યારે લોકો તેમને પૂછે છે કે, તેમને તેમના પુત્ર પર ગર્વ છે, કારણ કે તેમનો પુત્ર દેશનો પ્રધાનમંત્રી બની ગયો છે, ત્યારે માતા નમ્રભાવે પ્રતિભાવ આપે છે. તેઓ કહે છે કે, “જેટલો તમને ગર્વ થાય છે એટલો ગર્વ મને થાય છે. મારું કશું નથી. હું ઈશ્વરની યોજનામાં માત્ર એક માધ્યમ બની છું.”

તમને કદાચ જોયું હશે કે કોઈ પણ સરકારી કે ખાનગી કાર્યક્રમોમાં મારી સાથે મારી માતા ક્યારેય હોતા નથી. તેઓ અગાઉ ફક્ત બે પ્રસંગોમાં મારી સાથે રહ્યાં છે. એક વાર, અમદાવાદમાં એક જાહેર કાર્યક્રમમાં. આ કાર્યક્રમમાં તેમણે મારા કપાળ પર તિલક કર્યું હતું. એ સમયે હું શ્રીનગરથી પરત ફર્યો હતો, જ્યાં મેં એકતા યાત્રા પૂર્ણ થતાં લાલ ચોકમાં રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લહેરાવ્યો હતો.

એ એક માતા માટે એક લાગણીસભર ઘટના હતી, કારણ કે એકતા યાત્રાના સમયે ફગવાડામાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં થોડા લોકો માર્યા ગયા હતા. એ સમયે તેઓ બહુ ચિંતિત હતા. બે લોકોએ મારી પૂછપરછ માટે ફોન કર્યો હતો. તેમાં એક હતાં, અક્ષરધામ મંદિરના શ્રદ્ધેય પ્રમુખ સ્વામી મહારાજ અને બીજા હતાં મારી માતા. તેમની રાહત મેં અનુભવી હતી.

બીજી વાર તેઓ મારી સાથે વર્ષ 2001માં જોવા મળ્યાં હતાં. એ સમયે મેં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા હતા. આ શપથગ્રહણ સમારંભ બે દાયકા અગાઉ યોજાયો હતો અને એ છેલ્લો જાહેર પ્રસંગ હતો, જેમાં મારી માતા મારી સાથે રહ્યાં હતાં. ત્યારબાદ અત્યાર સુધી તેઓ કોઈ પણ જાહેર કાર્યક્રમમાં મારી સાથે જોવા મળ્યાં નથી.

મને અન્ય એક પ્રસંગ યાદ આવે છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે હું જાહેરમાં મારાં તમામ ગુરુજનોનું સન્માન કરવા ઇચ્છતો હતો. હું વિચારતો હતો કે, જીવનમાં મારી સૌથી મોટી ગુરુ મારી માતા છે અને મારે તેમનું પણ સન્માન કરવું જોઈએ. આપણા ગ્રંથોમાં પણ ઉલ્લેખ થયો છે કે, માતાથી મોટો કોઈ ગુરુ નથી – ‘નાસ્તિ માત્ર સમો ગુરુઃ.’ મેં મારી માતાને કાર્યક્રમમાં હાજર રહેવા વિનંતી કરી હતી, પણ તેમણે ઇનકાર કર્યો હતો. તેમને મને કહ્યું હતું કે, “જો ભાઈ, હું સાધારણ વ્યક્તિ છું. મેં તને જન્મ આપ્યો છે, પણ સર્વશક્તિમાન ઈશ્વરે તારું ઘડતર કર્યું છે, તને શીખવ્યું છે અને તારું લાલનપાલન કર્યું છે.” મારા તમામ શિક્ષકોનું એ દિવસે સન્માન થયું હતું, એક મારી માતા સિવાય.

આ ઉપરાંત કાર્યક્રમ અગાઉ તેમણે મને પૂછ્યું હતું કે, અમારા સ્થાનિક શિક્ષક જેઠાભાઈ જોશીજીના પરિવારમાંથી કોઈ આવ્યું છે કે નહીં. તેમણે મારા પ્રારંભિક શિક્ષણને જોયું હતું અને મને મૂળાક્ષરો પણ શીખવ્યાં હતાં. તેમને જોશીજી યાદ હતાં અને તેઓ જાણતા હતા કે, તેમનું અવસાન થઈ ગયું છે. તેઓ કાર્યક્રમમાં આવ્યાં નહોતાં, પણ તેમણે ખાતરી કરી હતી કે, હું જેઠાભાઈ જોશીજીના પરિવારમાંથી કોઈને બોલાવું.

માતાએ મને શીખવ્યું છે કે, ઔપચારિક શિક્ષણ મેળવ્યાં વિના પણ જીવનોપયોગી શિક્ષણ મેળવવું શક્ય છે. તેમની વૈચારિક પ્રક્રિયા અને દીર્ઘદ્રષ્ટિ મને હંમેશા ચકિત કરે છે.

તેઓ એક નાગરિક તરીકે તેમની ફરજો પ્રત્યે હંમેશા જાગૃત છે. ચૂંટણીની શરૂઆત થઈ એ સમયથી તેમણે પંચાયતથી સંસદ સુધી એમ દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે. થોડા દિવસો અગાઉ તેઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ મત આપવા ગયા હતા.

તેઓ ઘણી વાર મને કહે છે કે, મને કશું ન થઈ શકે, કારણ કે મારા પર જનતા જનાર્દન અને સર્વશક્તિમાન ઈશ્વરના આશીર્વાદ છે. તેઓ મને યાદ અપાવે છે કે, જો હું લોકોની સતત સેવા કરવા ઇચ્છું છું, તો સ્વસ્થ જીવનશૈલી અને વ્યક્તિગત સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે.

અગાઉ માતા ચાતુર્માસના નિયમોનું કડક રીતે પાલન કરતાં હતાં. તેઓ નવરાત્રિ દરમિયાન મારાં પોતાના નિયમો સારી રીતે જાણે છે. હવે તેમણે મને કહેવાનું શરૂ કર્યું છે કે, મારે આ નિયમોમાં થોડી છૂટછાટ લેવી જોઈએ, કારણ કે હું આ નિયમોનું પાલન લાંબા સમયથી કરું છું.
મેં મારી માતાને જીવનમાં કોઈ બાબતે ફરિયાદ કરતાં સાંભળ્યાં નથી. તેમણે ન કોઈના વિશે ફરિયાદ કરી છે, ન તેમણે કોઈની પાસે અપેક્ષા રાખી છે.

આજે પણ મારી માતાના નામે કોઈ સંપત્તિ નથી. મેં ક્યારેય તેમને સોનાનાં ઘરેણા પહેરતાં જોયા નથી અને તેમને તેમાં રસ પણ નથી. અગાઉની જેમ તેઓ તેમના એક નાના રૂમમાં સરળ જીવન જીવે છે.
મારી માતાને દૈવી શક્તિમાં અપાર વિશ્વાસ છે, પણ સાથે સાથે તેઓ અંધશ્રદ્ધાથી દૂર છે અને અમારી અંદર પણ એ જ ગુણો કેળવ્યાં છે. તેઓ પરંપરાગત રીતે કબીરપંથી છે અને તેમની રોજિંદી પૂજાપ્રાર્થનામાં એ પરંપરાઓને અનુસરે છે. તેઓ તેમની મણકાની માળા સાથે જપ કરવામાં ઘણો સમય પસાર કરે છે. પોતાની રોજિંદી પૂજાપ્રાર્થના અને જપ સાથે તેઓ ઘણી વાર સૂવાનું પણ ભૂલી જાય છે. કેટલીક વાર મારા પરિવારના સભ્યો માળા સંતાડી દે છે, જેથી તેઓ સૂઈ જાય.

તેમની વય વધવા છતાં યાદશક્તિ બહુ સારી છે. તેમને દાયકાઓ જૂની ઘટનાઓ સારી રીતે યાદ હોય છે. જ્યારે કોઈ સગાસંબંધી તેમને મળવા આવે છે, ત્યારે તેઓ તાત્કાલિક તેમના પૌત્રપૌત્રીઓના નામ યાદ કરે છે અને તેમને ઓળખી પણ લે છે.
તેઓ દુનિયામાં ઘટી રહેલી ઘટનાઓથી વાકેફ પણ રહે છે. તાજેતરમાં મેં તેમને પૂછ્યું હતું કે, તેઓ દરરોજ કેટલો સમય ટીવી જુએ છે. તેમણે જવાબ આપ્યો હતો કે, ટીવી પર મોટા ભાગના લોકો એકબીજા સાથે લડવામાં વ્યસ્ત હોય છે અને તેઓ શાંતિથી સમાચારો જુએ છે અને સમજે છે. મને નવાઈ લાગી હતી કે, માતા આ ઉંમરે પણ દુનિયાના ઘટનાક્રમો પર સારી નજર રાખે છે.

મને તેમની તીવ્ર સ્મરણશક્તિનો અન્ય એક પ્રસંગ યાદ આવે છે. વર્ષ 2017માં ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી માટે કાશીમાં પ્રચાર કર્યા પછી હું અમદાવાદ ગયો હતો. હું તેમના માટે પ્રસાદ લઈ ગયો હતો. જ્યારે હું મારી માતાને મળ્યો હતો, ત્યારે તેમણે મને પૂછ્યું હતું કે, મેં કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કર્યા કે નહીં. હજુ પણ માતા પૂરાં નામનો ઉચ્ચાર કરે છે – કાશી વિશ્વનાથ મહાદેવ. પછી વાતચીત દરમિયાન તેમણે મને પૂછ્યું હતું કે, કાશી વિશ્વનાથ મહાદેવ તરફ લઈ જતી શેરીઓ હજુ એવી જ છે, અગાઉની જેમ કોઈના ઘરની અંદર જ મંદિર છે. હું ચોંકી ગયો હતો અને મેં તેમને પૂછ્યું હતું કે, તેમણે ક્યારેય મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે વર્ષો અગાઉ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કર્યા હોવાનું યાદ કર્યું હતું, પણ તેમને બધું યાદ હતું.

મારી માતા સંવેદનશીલ અને પ્રેમાળ હોવાની સાથે પ્રતિભાશાળી પણ છે. તેઓ નાનાં બાળકોના ઉપચાર માટે અનેક ઘરગથ્થું ઉપચારો જાણે છે. અમારાં વડનગરના ઘરમાં દરરોજ સવારે માતાપિતાઓ તેમના બાળકોને લઈને આવતાં હતાં અને તેમની તપાસ કરાવીને સારવાર મેળવતાં હતાં.
તેમને આ માટે ઘણી વાર ફાકીની જરૂર પડતી હતી. આ ફાકીની જવાબદારી અમારા બાળકોની સંયુક્ત હતી. માતા અમને સ્ટવ, વાટકા અને વસ્ત્રમાંથી રાખ આપતાં હતાં. અમે વાટકા પર કપડું બાંધીને તેની અંદર થોડી રાખ મૂકતાં હતાં. પછી અમે ધીમે ધીમે કપડાં સાથે રાખને ઘસતાં હતાં, જેથી વાટકામાં અતિ બારીક પાવડર જમા થતો. માતા અમને કહેતાં હતાં કે, “તારું કામ બરોબર કરજે. બાળકોને રાખના મોટા ટુકડાથી મુશ્કેલી ન પડવી જોઈએ.”

મને અન્ય એક પ્રસંગ યાદ આવે છે, જે માતાના અપાર પ્રેમ અને સતર્કતા વ્યક્ત કરે છે. એક વાર, અમારો પરિવાર પૂજા માટે નર્મદા ઘાટે ગયો હતો. મારા પિતાની આ માટે બહુ ઇચ્છા હતી. અતિ ગરમી ટાળવા અમે ત્રણ કલાકની સફર માટે વહેલી સવારે નીકળી ગયા હતા. ત્યાં પહોંચ્યા પછી અમારે થોડું અંતર પગપાળા કાપવાનું હતું. બહુ ગરમી હોવાથી અમે નદીના કિનારે પાણીમાં ચાલવાનું શરૂ કર્યું હતું. પાણીમાં ચાલવું સરળ નહોતું અને ટૂંક સમયમાં અમે થાકી ગયા હતા અને ભૂખ્યાં થયા હતા. માતાએ તરત જ અમારી દુવિધા સમજી લીધી અને મારા પિતાને ક્યાંક થોભવા અને થોડો આરામ કરવા કહ્યું હતું. તેમણે તેમને નજીકમાં કોઈ જગ્યાએથી ગોળ ખરીદીને લઈ આવવા પણ કહ્યું હતું. તેઓ દોડતાં ગયાં હતાં અને તરત પરત ફર્યા હતા. ગોળ અને પાણીથી અમને તરત ઊર્જા મળી હતી અને અમે ફરી ચાલવાનું શરૂ કર્યું હતું. એ બળબળતી ગરમીમાં પૂજા માટે જવું, માતાની સતર્કતા અને મારા પિતાનું ઝડપથી ગોળ લાવવો – એ દરેક ક્ષણો મને બરોબર યાદ છે.

બાલ્યાવસ્થાથી મેં જોયું છે કે, માતા અન્ય લોકોની પસંદગીઓનો આદર કરવાની સાથે તેમના પર પોતાની પસંદગીઓ પણ લાદવાનું પસંદ કરતાં નથી. ખાસ કરીને મારા કિસ્સામાં તેમણે મારા નિર્ણયો સ્વીકાર્યા હતા, ક્યારેય કોઈ પણ પ્રકારનો અવરોધ પેદા કર્યો નહગોતો અને મને પ્રોત્સાહન આપ્યું હતું. બાળપણથી અત્યાર સુધી તેમણે અનુભવ્યું હશે કે, મારી માનસિકતા અલગ છે. હું મારા ભાઈઓ અને બહેનોની સરખામણીમાં થોડો અલગ છું.

તેઓ ઘણી વાર મારી વિશિષ્ટ આદતોની અને અસાધારણ અનુભવો મેળવવાની વિશેષ જરૂરિયાતો પૂરી કરવા વિશેષ પ્રયાસો કરે છે. જોકે તેમણે ક્યારેય આને બોજરૂપ માન્યું નથી અને કોઈ પણ પ્રકારની ખીજ વ્યક્ત કરી નથી. ઉદાહરણ તરીકે, હું ઘણી વાર થોડા મહિના માટે મીઠાનું સેવન કરતો નથી, અથવા થોડા અઠવાડિયા કોઈ પણ અનાજનું સેવન કરતો નથી અને ફક્ત દૂધ પર રહું છું. કેટલીક વાર મેં છ મહિના માટે મીઠાઈને ટાળવાનો નિર્ણય લીધો છે. શિયાળામાં હું ખુલ્લામાં સૂવુ છું અને માટીના પાત્રમાંથી ઠંડા પાણી સાથે સ્નાન કરું છું. માતા જાણતા હતા કે, હું મારી જાતને તપવી રહ્યો છું કે કસોટી કરી રહ્યો છું અને એનો અન્ય કોઈ ઉદ્દેશ નથી. તેઓ ફક્ત એટલું જ કહેતાં “કશો વાંધો નહીં, તને ગમે એ કર.”

તેઓ સમજી શકતાં હતાં કે, હું અલગ દિશામાં જઈ રહ્યો હતો. એક વાર એક મહાત્મા ગિરી મહાદેવ મંદિરમાંથી અમારા ઘરની નજીક આવ્યાં હતાં. મેં સંપૂર્ણ સમર્પણ સાથે તેમની સેવાચાકરી કરવાનું શરૂ કર્યું હતું. એ સમયે મારી માતા તેમના બહેનના લગ્નને લઈને ખુશ હતાં, ખાસ કરીને તેમને તેમના ભાઈનાં ઘરે જવાની તક મળી હતી. જોકે જ્યારે સંપૂર્ણ પરિવાર લગ્ન માટેની તૈયારીમાં વ્યસ્ત હતો, ત્યારે મેં તેમને કહ્યું હતું કે, લગ્નમાં આવવાની મારી કોઈ ઇચ્છા નથી. તેમણે મને આ માટેનું કારણ પૂછ્યું હતું અને મેં તેમને મહાત્માની સેવા કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
સ્વાભાવિક છે કે, તેઓ નારાજ થયા હતા કે, હું તેમની બહેનના લગ્નમાં આવવાનો નહોતો, પણ તેમણે મારા નિર્ણયને સ્વીકારી લીધો હતો તેમણે કહ્યું હતું કે, “સારું, તારી ઇચ્છા હોય એ કરો.” જોકે તેમને હું ઘરે એકલો કેવી રીતે રહીશ એની ચિંતા હતી. તેમણે લગ્નમાં જતાં અગાઉ ભોજન અને નાસ્તો બનાવ્યો હતો, જે મારા માટે ચાલે એટલો હતો, જેથી મારે ભૂખ્યાં ન રહેવું પડે!

જ્યારે મેં ઘર છોડવાનો નિર્ણય કર્યો હતો, એ અગાઉ મારી માતાને મારા નિર્ણયની ખબર પડી ગઈ હતી. હું અવારનવાર મારા માતાપિતાને કહેતો હતો કે, હું બહાર નીકળવા અને દુનિયાને સમજવા ઇચ્છું છું. મેં તેમને સ્વામી વિવેકાનંદ વિશે જણાવ્યું હતું અને ઉલ્લેખ કર્યો હતો કે, હું રામકૃષ્ણ મિશન મઠની મુલાકાત લેવા ઇચ્છું છું. આ માટે ઘણાં દિવસો લાગશે.

છેવટે મેં ઘર છોડવાની મારી ઇચ્છા જાહેર કરી અને તેમનાં આશીર્વાદ માંગ્યા હતા. મારા પિતાને બહુ દુઃખ થયું હતું અને તેમને નારાજ થઈને જણાવ્યું હતું કે, “તને ગમે એ કર.”. મેં તેમને જણાવ્યું હતું કે, હું તેમના આશીર્વાદ લીધા વિના ગૃહત્યાગ નહીં કરું. જોકે મારી માતા મારી ઇચ્છાઓને સમજ્યાં હતાં અને તેમણે આશીર્વાદ આપ્યાં હતાં. તેમણે મને કહ્યું હતું કે, “તારું મને જે કહે એમ કર.” મારા પિતાને સાંત્વના આપતાં તેમણે કોઈ જ્યોતિષી પાસે મારી કુંડળી દેખાડવા કહ્યું હતું. મારા પિતા એક સંબંધીને લઈને જ્યોતિષીને મળ્યાં હતાં. મારાં જન્માક્ષરનો અભ્યાસ કર્યા પછી તેમણે કહ્યું હતું કે, “તેનો માર્ગ અલગ છે. તેના માટે સર્વશક્તિમાન ઈશ્વરે જે પસંદ કરી રાખ્યો છે એ માર્ગે જ તે અગ્રેસર થશે.”

થોડા કલાકો પછી મેં ગૃહત્યાગ કર્યો હતો. ત્યાં સુધીમાં મારા પિતા મારા નિર્ણય પર સંમત થયા હતા અને મને આશીર્વાદ આપ્યાં હતાં. ગૃહત્યાગ કરતાં અગાઉ માતાએ મને એક પવિત્ર નવી શરૂઆત કરવા માટે ગોળ અને દહીં ખવડાવ્યું હતું. તેઓ જાણતાં હતાં કે, મારું જીવન પછી એક અલગ માર્ગે જ આગળ વધશે. માતાઓ તેમની લાગણીઓને નિયંત્રણમાં રાખવા અતિ કુશળ હોઈ શકે છે, પણ જ્યારે તેમનું બાળક ઘર છોડીને જાય છે, ત્યારે તેમના માટે સ્થિતિ મુશ્કેલ બની જાય છે. માતાની આંખમાં આંસૂ હતા, પણ મારા ભવિષ્ય માટે બહુ આશીર્વાદ આપ્યાં હતાં.
એકવાર ગૃહત્યાગ કર્યા પછી હું ગમે ત્યાં હતો અને ગમે તેવી સ્થિતિમાં હતો, પણ મારી માતાના આશીર્વાદ હંમેશા મારી સાથે હતાં. માતા હંમેશા મારી સાથે ગુજરાતીમાં વાત કરે છે. ગુજરાતીમાં પોતાનાથી ઓછી ઉંમરના કે સરખી ઉંમરના લોકો માટે ‘તુ’ કહેવાનું પ્રચલિત છે, જેને અંગ્રેજીમાં ‘you’ કહેવાય છે. જો અમારે અમારાથી મોટી વયના લોકોને કે વડીલોને કહેવું હોય તો, તેમના માટે ‘તમે’ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. માતા પોતાના બાળકને હંમેશા ‘તુ’ કહીને જ બોલાવે છે. જોકે એક વાર મેં ગૃહત્યાગ કરીને નવો માર્ગ અખત્યાર કર્યા પછી તેમણે મને ‘તુ’ કહેવાનું બંધ કરી દીધું છે. પછી અત્યાર સુધી તેમણે હંમેશા મને ‘તમે’ અથવા ‘આપ’ કહીને જ સંબોધન કર્યું છે.

માતાએ મને મક્કમ સંકલ્પ કરવા અને ગરીબોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવા હંમેશા મને પ્રેરિત કર્યો છે. મને યાદ છે, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી બનીશ એવો નિર્ણય લેવાયો હતો, ત્યારે હું રાજ્યમાં નહોતો. જેવો હું ગુજરાત પહોંચ્યો, હું સીધો મારી માતાને મળવા ગયો હતો. તેમને બહુ આનંદ થયો હતો અને પૂછ્યું હતું કે, હું ફરી તેમની સાથે રહેવા આવ્યો છું. પણ તેઓ મારા જવાબને જાણતા હતા! પછી તેમણે મને કહ્યું હતું કે, “હું સરકારમાં આપના કામને સમજતી નથી, પણ હું તમને કહેવા ઇચ્છું છું કે, ક્યારેય લાંચ ન લેતાં.”
દિલ્હી આવ્યાં પછી હવે તેમને મળવાનું બહુ ઓછું થાય છે. કેટલીક વાર જ્યારે હું તેમને મળવા ગાંધીનગર જાવ છું, ત્યારે હું તેમને થોડા સમય માટે મળું છું. હું અગાઉની જેમ અવારનવાર તેમને મળવા જતો નથી. જોકે મારી માતાએ મારી ગેરહાજરીને લઈને ક્યારેય કોઈ પણ પ્રકારનો અસંતોષ વ્યક્ત કર્યો નથી. તેમનો પ્રેમ અને લગાવ મારા માટે એવો જ રહ્યો છે. તેમના આશીર્વાદ હંમેશા મારી સાથે છે. મારી માતા અવારનવાર મને કહે છે કે, “આપ દિલ્હીમાં ખુશ છો? તમને ગમે છે?”


તેમણે મને ખાતરી આપી છે કે, મારે તેમની ચિંતા કરવી ન જોઈએ અને મોટી જવાબદારી પર હંમેશા નજર રાખવી જોઈએ. જ્યારે ફોન પર તેમની સાથે વાત કરું છું, ત્યારે તેઓ કહે છે કે, “કોઈની સાથે ક્યારેય ખોટું કે ખરાબ ન કરો તથા ગરીબો માટે હંમેશા કામ કરતાં રહો.”
જો હું મારા માતાપિતાના જીવન પર એક નજર નાંખું છું, ત્યારે મને તેમની પ્રામાણિકતા અને સ્વમાન તેમના સૌથી મોટાં ગુણો જણાય છે. ગરીબી સાથે સંઘર્ષ અને તેની સાથે વિવિધ પડકારો જોડાયેલા હોવા છતાં મારા માતાપિતાએ પ્રામાણિકતાનો માર્ગ ક્યારેય છોડ્યો નહોતો કે તેમના આત્મસન્માન સાથે સમાધાન કર્યું નહોતું. કોઈ પણ પડકાર ઝીલવા માટે તેમનો એક જ મંત્ર હતો – મહેનત કરો, સતત મહેનત કરો!

પોતાના જીવનમાં મારા પિતા કોઈ પર ક્યારેય બોજરૂપ બન્યાં નહોતાં. માતાએ પણ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે – શક્ય એટલું પોતાનું કામ જાતે કરવું.

અત્યારે જ્યારે હું માતાને મળવા જાઉં છું, ત્યારે તેઓ હંમેશા મને કહે છે “મારે કોઈની સેવા જોઈતી નથી, હું કામ કરતી કરતી ભગવાનને ઘરે જવા ઇચ્છું છું.”

મારા માતાના જીવનમાં હું ધૈર્ય, ત્યાગ અને ભારતની માતૃશક્તિના પ્રદાનને જોઉં છું. જ્યારે હું મારી માતા અને તેમના જેવી કરોડો મહિલાઓ પર નજર કરું છું, ત્યારે મને જણાય છે કે, ભારતીય નારીઓ માટે કશું અશક્ય નથી.

અભાવની દરેક પીડાથી પર એક માતાનો સોનેરી સંઘર્ષ છે,

દરેક સંઘર્ષથી પર એક માતાનો દ્રઢ સંકલ્પ છે.

મા, તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.

તમે જન્મશતાબ્દિ વર્ષમાં પ્રવેશ કર્યો હોવાથી મારી શુભકામનાઓ.

હું અત્યાર સુધી તમારા જીવન વિશે આટલું લંબાણપૂર્વક લખવાનું સાહસ કરી શક્યો નથી.

હું તમારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ઈશ્વરને પ્રાર્થના કરું છં અને અમારા બધા પર તમારા આશીર્વાદ રહે એવું કામના સેવું છું.

હું તમારા ચરણોમાં વંદન કરું છું.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Make in India Electronics: Cos create 1.33 million job as PLI scheme boosts smartphone manufacturing & exports

Media Coverage

Make in India Electronics: Cos create 1.33 million job as PLI scheme boosts smartphone manufacturing & exports
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Your Money, Your Right
December 10, 2025

During my speech at the Hindustan Times Leadership Summit a few days ago, I shared some startling facts:

Indian banks are holding Rs. 78,000 crore of unclaimed money belonging to our own citizens.

Insurance companies have nearly Rs. 14,000 crore lying unclaimed.

Mutual fund companies have around Rs. 3,000 crore and dividends worth Rs. 9,000 crore are also unclaimed.

These facts have startled a lot of people.

Afterall, these assets represent the hard-earned savings and investments of countless families.

In order to correct this, the आपकी पूंजी, आपका अधिकार - Your Money, Your Right initiative was launched in October 2025.

The aim is to ensure every citizen can reclaim what is rightfully his or hers.

To make the process of tracing and claiming funds simple and transparent, dedicated portals have also been created. They are:

• Reserve Bank of India (RBI) – UDGAM Portal for unclaimed bank deposits & balances: https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login

• Insurance Regulatory and Development Authority of India (IRDAI) – Bima Bharosa Portal for unclaimed insurance policy proceeds: https://bimabharosa.irdai.gov.in/Home/UnclaimedAmount

• Securities and Exchange Board of India (SEBI) – MITRA Portal for unclaimed amounts in mutual funds: https://app.mfcentral.com/links/inactive-folios

• Ministry of Corporate Affairs, IEPFA Portal for Unpaid dividends & unclaimed shares: https://www.iepf.gov.in/content/iepf/global/master/Home/Home.html

I am happy to share that as of December 2025, facilitation camps have been organised in 477 districts across rural and urban India. The emphasis has been to cover remote areas.

Through the coordinated efforts of all stakeholders notably the Government, regulatory bodies, banks and other financial institutions, nearly Rs. 2,000 crore has already been returned to the rightful owners.

But we want to scale up this movement in the coming days. And, for that to happen, I request you for assistance on the following:

Check whether you or your family have unclaimed deposits, insurance proceeds, dividends or investments.

Visit the portals I have mentioned above.

Make use of facilitation camps in your district.

Act now to claim what is yours and convert a forgotten financial asset into a new opportunity. Your money is yours. Let us make sure that it finds its way back to you.

Together, let us build a transparent, financially empowered and inclusive India!