શેર
 
Comments
"આપણા આદિવાસી ભાઈઓ અને બહેનોએ પરિવર્તનનો હવાલો સંભાળ્યો અને સરકારે શક્ય તમામ મદદ કરી"
"ગોધરામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદામાં બિરસા મુંડા યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણની શ્રેષ્ઠ સંસ્થાઓ માટે બનાવાઈ"
"પ્રથમ વખત, આદિવાસી સમાજ વિકાસ અને નીતિ ઘડતરમાં વધુ ભાગીદારીની લાગણી ધરાવે છે"
"આદિવાસીઓ માટે ગૌરવપૂર્ણ સ્થળો અને આસ્થાના સ્થળોનો વિકાસ પ્રવાસનને ઘણું પ્રોત્સાહન આપશે"

ભારત માતા કી જય

ભારત માતા કી જય

ભારત માતા કી જય

ગુજરાત અને દેશના આદિવાસી સમાજ માટે, આપણા જનજાતિય જૂથ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. હમણાં થોડી વાર પહેલાં જ હું માનગઢ ધામમાં હતો અને મને માનગઢ ધામમાં ગોવિંદ ગુરુ સહિત હજારોની સંખ્યામાં શહીદ થયેલા આદિવાસી ભાઈ-બહેનોને શ્રદ્ધાસુમન અર્પણ કરીને, તેમને નમન કરીને, આઝાદીના અમૃત મહોત્સવમાં આદિવાસીઓની મહાન બલિદાન ગાથાને પ્રણામ કરવાની મને તક મળી. અને હવે તે તમારી વચ્ચે જાંબુઘોડામાં આવ્યો, અને આપણું આ જાંબુઘોડા આપણા આદિવાસી સમાજનાં મહાન બલિદાનોનું સાક્ષી રહ્યું છે. શહીદ જોરિયા પરમેશ્વર, રૂપસિંહ નાયક, ગલાલિયા નાયક, રજવિદા નાયક અને બાબરિયા ગલમા નાયક જેવા અમર શહીદોને નમન કરવાનો આજે અવસર છે. શિશ નમાવવાનો અવસર છે. આજે જનજાતિય સમાજ, આદિવાસી સમાજનાં ગૌરવ સાથે જોડાયેલી અને આ સમગ્ર વિસ્તરણ માટે આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય, વિકાસ જેવી અનેક મહત્વપૂર્ણ પાયાની બાબતો, એની યોજનાનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તેમના વહીવટનું જે કૅમ્પસ છે, અને ખૂબ જ સુંદર બન્યું છે, અને આ વિસ્તારમાં કેન્દ્રીય વિદ્યાલયનાં નિર્માણને કારણે, સેન્ટ્રલ સ્કૂલનાં નિર્માણને કારણે, મારી આવનારી પેઢી આ દેશમાં ઝંડો લહેરાવે એવું કામ અમે અહીં કરી રહ્યા છીએ. આ બધી યોજનાઓ માટે આટલી મોટી સંખ્યામાં પધારેલાં આપ સહુ ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ વધામણાં, ખૂબ ખૂબ અભિનંદન.

ભાઇઓ-બહેનો,

જાંબુઘોડા મારા માટે કંઈ નવું નથી. હું ઘણી વાર આવ્યો છું, અને જ્યારે પણ હું આ ધરતી પર આવું છું, ત્યારે એવું લાગે છે કે જાણે હું કોઈ પૂણ્ય સ્થળે આવ્યો છું. જાંબુઘોડા અને સમગ્ર પ્રદેશમાં 'નાયકડા આંદોલન'એ ૧૮૫૭ની ક્રાંતિમાં એક નવી ઊર્જા ભરવાનું કામ કર્યું હતું, નવી ચેતના પ્રગટ કરી હતી. પરમેશ્વર જોરિયાજીએ આ આંદોલનને વિસ્તાર્યું હતું અને રૂપસિંહ નાયક પણ તેમની સાથે જોડાયા હતા. અને ઘણા લોકોને કદાચ ખબર જ નહીં હોય કે ૧૮૫૭માં આપણે જે ક્રાંતિની ચર્ચા કરીએ છીએ તે ક્રાંતિમાં તાત્યા ટોપેનું નામ સૌથી ઉપર આવે છે. તાત્યા ટોપેના સાથીદાર તરીકે લડાઈ લડનારા આ ધરતીના વીરબંકા હતા.  

મર્યાદિત સંસાધનો હોવાં છતાં અદ્ભુત સાહસ, માતૃભૂમિ પ્રત્યે પ્રેમ, તેમણે બ્રિટિશ શાસનને હચમચાવી નાખ્યું હતું. અને બલિદાન આપવામાં ક્યારેય પાછળ ન રહ્યા. અને જે ઝાડ નીચે વીરોને ફાંસીએ લટકાવવામાં આવ્યા હતા, તે ઝાડ નીચે, હું ભાગ્યશાળી છું કે મને ત્યાં જઈને તે પવિત્ર સ્થળ સમક્ષ શિશ ઝુકાવવાની તક મળી. 2012માં મેં ત્યાં એક પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું.

સાથીઓ,

અમે ગુજરાતમાં એક મહત્વપૂર્ણ કાર્ય ઘણા સમય પહેલા શરૂ કર્યું હતું. શહીદોનાં નામ સાથે શાળાઓનાં નામકરણની પરંપરા શરૂ કરવામાં આવી હતી. જેથી તે શાળામાં ભણતાં બાળકોને, આવનારી પેઢીઓને ખબર પડે કે તેમના પૂર્વજોએ કેવાં પરાક્રમ કર્યાં હતાં. અને આ જ વિચારસરણીને કારણે વડેક અને દાંડિયાપુરાની શાળાઓનાં નામ સંત જોરિયા પરમેશ્વર અને રૂપસિંહ નાયકનાં નામ સાથે જોડીને અમે તેમને અમરત્વ આપી રહ્યાં છીએ. આજે આ શાળાઓ નવાં રંગ-રૂપ, સુશોભન અને આધુનિક વ્યવસ્થાઓ સાથે તૈયાર થઈ ગઈ છે. અને મને આજે આ શાળાઓમાં આ બંને આદિવાસી નાયકોની ભવ્ય પ્રતિમા સમર્પિત કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આ શાળાઓ હવે શિક્ષણ અને સ્વતંત્રતા સંગ્રામમાં, જનજાતિય સમાજનાં યોગદાન, એમનાં શિક્ષણનો એક સહજ ભાગ બની જશે.

ભાઇઓ-બહેનો,

તમે એ પણ જાણતા હશો કે 20-22 વર્ષ પહેલાં જ્યારે તમે મને ગુજરાતની સેવા કરવાનો અવસર આપ્યો હતો, એ જમાનામાં આપણા આદિવાસી વિસ્તારોની શું દશા હતી, જરા યાદ કરો. આજે 20-22 વર્ષનાં યુવક-યુવતીઓને ખબર પણ નહીં હોય કે તમે કેવા પ્રકારની મુસીબતમાં જીવતા હતા. અને અગાઉ જે લોકો દાયકાઓ સુધી સત્તામાં બેઠા રહ્યા તેમણે આદિવાસી અને બિન-આદિવાસી વિસ્તારો વચ્ચે વિકાસની મોટી ખાઇ પેદા કરી દીધી. ભેદભાવ ઠાંસી ઠાંસીને ભરેલો હતો. આદિવાસી વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો અભાવ અને હાલત તો એવી હતી કે, આપણા આદિવાસી વિસ્તારોમાં બાળકોને શાળાએ જવું પડે તો પણ પરેશાની હતી. આપણા ઠક્કરબાપાનાં આશ્રમની કેટલીક શાળાઓમાંથી ગાડી દોડતી હતી. ખાવા-પીવાની સમસ્યા હતી, કુપોષણની સમસ્યા, આપણી દીકરીઓ, જેમનો 13-14 વર્ષની ઉંમરે જે શારીરિક વિકાસ થવો જોઈએ, તે પણ બિચારી તેનાથી વંચિત રહેતી હતી. અમે આ સ્થિતિથી છૂટકારો મેળવવા માટે સબકા પ્રયાસની ભાવના સાથે અમે કાર્યને આગળ વધાર્યું. અને પરિવર્તન લાવવા માટે, એની કમાન મારાં આદિવાસી ભાઈઓ અને બહેનોએ સંભાળી અને મારી સાથે ખભેખભા મેળવીને એ કરી બતાવ્યું. અને આજે જુઓ, આજે હજારો આદિવાસી ભાઈ-બહેનો, લાખો લોકો કેટલાં બધાં પરિવર્તનનો લાભ લઈ રહ્યાં છે. પરંતુ એક વાત ભૂલવી ન જોઈએ કે આ બધું કંઇ એક રાત, એક દિવસમાં નથી આવ્યું. તેના માટે ઘણી મહેનત કરવી પડી છે. યોજનાઓ બનાવવી પડી છે, આદિવાસી પરિવારોએ પણ કલાકોની જહેમત ઉઠાવીને, મને સાથ આપીને આ પરિવર્તન ધરતી પર ઉતાર્યું છે. અને ઝડપથી પરિવર્તન લાવવા માટે, જ્યારે આદિવાસી પટ્ટાની વાત હોય, ત્યારે પ્રાથમિકથી લઈને માધ્યમિક શાળા સુધી, લગભગ દસ હજાર નવી શાળાઓ બનાવી, દસ હજાર. તમે વિચાર કરો, ડઝનો એકલવ્ય આદર્શ શાળાઓ, દીકરીઓ માટે ખાસ રહેણાંક શાળાઓ, આશ્રમશાળાઓનું આધુનિકીકરણ અને આપણી છોકરીઓને શાળાએ જાય એ માટે મફત બસની સગવડ પણ આપી, જેથી આપણી દીકરીઓ અભ્યાસ કરે. શાળાઓમાં પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવ્યો.

ભાઇઓ-બહેનો,

તમને યાદ હશે કે જૂન મહિનામાં, આકરા તાપમાં, હું અને મારા સાથીઓ કન્યા કેળવણી રથને લઈને ગામડે-ગામડે ભટકતા હતા. ગામે-ગામ જતા અને છોકરીઓને ભણાવવા માટે ભિક્ષા માગતા હતા. આપણાં આદિવાસી ભાઈઓ-બહેનો, તેમનાં ક્ષેત્રમાં શિક્ષણ માટે ઘણા પડકારો હતા. આપ વિચાર કરો, ઉમરગામથી અંબાજી આટલો મોટો આપણો આદિવાસી પટ્ટો, અહીં પણ આપણા આદિવાસી યુવક-યુવતીઓને ડૉક્ટર બનવાનું મન હોય, એન્જિનિયર બનવાનું મન હોય, પરંતુ જો સાયન્સ સ્કૂલ જ નહીં હોય તો નસીબ ક્યાં ખુલે. અમે તે સમસ્યા પણ હલ કરી અને બારમા ધોરણ સુધી વિજ્ઞાન શાળાઓ શરૂ કરી. અને આજે જુઓ, આ બે દાયકામાં 11 સાયન્સ કૉલેજો, 11 કોમર્સ કૉલેજો, 23 આર્ટ્સ કૉલેજો અને સેંકડો હૉસ્ટેલ ખોલી. અહીં મારાં આદિવાસી યુવક-યુવતીઓનું જીવન સૌથી આગળ વધે, તેના માટે કામ કર્યું, 20-25 વર્ષ પહેલાં ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં શાળાઓની ભારે અછત હતી. અને આજે બે-બે જનજાતીય યુનિવર્સિટીઓ છે. ગોધરામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદામાં બિરસા મુંડા યુનિવર્સિટી, ઉચ્ચ શિક્ષણની શ્રેષ્ઠ સંસ્થાઓ છે. અહીં ઉચ્ચ શિક્ષણની ઉત્તમમાં ઉત્તમ વ્યવસ્થાઓ, અને આ બધાનો લાભ મારા આદિવાસી સમાજની આવનારી પેઢી માટે મળી રહ્યો છે. નવાં કૅમ્પસનાં નિર્માણને કારણે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં અભ્યાસની સુવિધામાં વધુ વધારો થશે, એક રીતે જોઇએ તો અમદાવાદની સ્કીલ યુનિવર્સિટી, તેનું એક કૅમ્પસ, પંચમહાલ સહિત આદિવાસી વિસ્તારના યુવાનોને તેનો પણ લાભ મળવાનો છે. આ દેશની પહેલી યુનિવર્સિટી છે જ્યાં ડ્રૉન પાયલોટ લાઇસન્સ આપવાનું શિક્ષણ શરૂ થયું છે. જેથી આપણાં આદિવાસી યુવક-યુવતીઓ ડ્રૉન ચલાવી શકે, અને આધુનિક દુનિયામાં પ્રવેશી શકે. 'વનબંધુ કલ્યાણ યોજના'એ વીતેલા દાયકાઓમાં આદિવાસી જિલ્લાઓનો સર્વાંગી વિકાસ કર્યો છે, અને 'વનબંધુ કલ્યાણ યોજના'ની વિશેષતા એ છે કે શું જોઇએ, કેટલું જોઇએ અને ક્યાં જોઇએ. તે ગાંધીનગરથી નહીં પણ ગામમાં બેઠેલાં મારાં આદિવાસી ભાઈ-બહેનો નક્કી કરે છે ભાઇઓ.

વીતેલાં 14-15 વર્ષોમાં આપણા આદિવાસી વિસ્તારમાં આ યોજના હેઠળ એક લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ દેશમાં એવાં ઘણાં રાજ્યો છે કે જેમનું એટલું બજેટ નથી હોતું, એટલું બજેટ આદિવાસી વિસ્તારમાં ખર્ચ કરવામાં આવશે. આ અમારો  આદિવાસી સમાજ પ્રત્યેનો પ્રેમ, લાગણી, ભક્તિ છે, આ તેનું જ પ્રતિબિંબ છે. ગુજરાત સરકારે પાક્કું કર્યું છે કે આગામી વર્ષમાં આ વિસ્તારમાં એક લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. આજે, આદિજવાસી વિસ્તારોમાં દરેક ઘર સુધી પાઇપ દ્વારા પાણી પહોંચે, સમગ્ર આદિવાસી પટ્ટાને સૂક્ષ્મ સિંચાઈની વ્યવસ્થા હોય. નહીં તો પહેલાં તો મને ખબર છે કે હું નવો નવો મુખ્યમંત્રી બન્યો હતો, ત્યારે સી.કે. ધારાસભ્ય હતા એ સમયે. તે આવે તો ફરિયાદ શું કરે, કે અમારે ત્યાં હૅન્ડપંપ લગાવી આપો. અને હૅન્ડપંપ મંજૂર થાય ત્યારે સાહેબ ઢોલ નગારા વાગતાં હતાં, ગામમાં આવા દિવસો હતા. આ મોદી સાહેબ અને આ ભૂપેન્દ્રભાઈ પાઈપથી પાણી લાવવા લાગ્યા, પાઇપથી પાણી. એટલું જ નહીં આદિવાસી વિસ્તારમાં ડેરીનો વિકાસ, આ પંચમહાલની ડેરીને પૂછતું પણ ન હતું, આ મારા જેઠાભાઇ અહીં બેઠેલા છે, હવે આપણી ડેરીનો વિકાસ પણ અમૂલ સાથે સ્પર્ધા કરે, એવો વિકાસ થઇ રહ્યો છે. આપણી જનજાતિય બહેનોનું સશક્તીકરણ, આવક વધે, તેના માટે સખીમંડળોની રચના અને આ સખીમંડળોને બૅન્કોમાંથી વધુને વધુ નાણાં મળે, તેમનું જે ઉત્પાદન હોય એની ખરીદી થાય તે માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી. અને ગુજરાતમાં જે રીતે ઔદ્યોગિકરણ ઝડપથી ચાલી રહ્યું છે, તેનો લાભ પણ મારાં આદિવાસી યુવાન ભાઈ-બહેનોને મળે. આજે તમે હાલોલ-કાલોલ જાઓ, એવું કોઈ કારખાનું નહીં હોય જેમાં અડધાથી વધારે કામ કરનારા મારાં પંચમહાલના આદિવાસી યુવક-યુવતીઓ ન હોય. અમે આ કામ કરી બતાવ્યું છે. બાકી આપણું દાહોદ, આપણાં આદિવાસી ભાઈ-બહેનો ક્યાં કામ કરે છે, તો કહેતા હતા કે કચ્છ-કાઠિયાવાડની અંદર રોડના ડામરનું કામ કરે છે. અને આજે કારખાનામાં કામ કરીને તેઓ ગુજરાતની પ્રગતિમાં ભાગીદાર બની રહ્યા છે. અમે આધુનિક તાલીમ કેન્દ્રો ખોલી રહ્યાં છીએ, રોજગારલક્ષી કેન્દ્રો, આઇટીઆઇ, કિસાન વિકાસ કેન્દ્ર જેના મારફતે 18 લાખ આદિવાસી યુવાનોને તાલીમ અને પ્લેસમેન્ટ આપવામાં આવી રહ્યું છે. મારાં આદિવાસી ભાઈઓ-બહેનો 20-25 વર્ષ પહેલાં અગાઉની સરકારોને આ બધી બાબતોની ચિંતા નહોતી. અને તમને ખબર છે ને ભાઇ કે ઉમરગામથી અંબાજી અને તેમાં પણ ડાંગની આસપાસના પટ્ટામાં વધારે સિકલસેલની બીમારી પેઢી દર પેઢી આવે, પાંચ-પાંચ પેઢી સુધી સિકલ સેલનો રોગ હોય એને કોણ દૂર કરે ભાઈ. અમે બીડું ઝડપ્યું. આ સિકલ સેલને આખા દેશમાંથી કેવી રીતે ખતમ કરી શકાય, તેના માટે રિસર્ચ થાય, વૈજ્ઞાનિકોને મળ્યા, પૈસા ખર્ચ્યા, એવો પાછળ લાગેલો છું કે આપ સૌનાં આશીર્વાદથી જરૂર કોઇ રસ્તો નીકળશે. આપણા જનજાતીય વિસ્તારમાં, નાનાં-મોટાં દવાખાના, હવે તો વેલનેસ સેન્ટર, આપણી મેડિકલ કૉલેજો, હવે આપણી દીકરીઓ નર્સિંગમાં જાય છે. વચ્ચે દાહોદમાં આદિવાસી યુવતીઓને મળ્યો હતો, મેં કહ્યું કે આગળ જે બહેનો ભણીને ગઈ છે તો તેમણે કહ્યું કે, એમને તો વિદેશમાં કામ મળી ગયું છે. હવે તે નર્સિંગના કામ માટે પણ વિદેશ જાય છે. મારાં આદિવાસી યુવક-યુવતીઓ દુનિયામાં સ્થાન બનાવી રહ્યાં છે. ભાઈઓ અને બહેનો, આ જે નરેન્દ્ર-ભૂપેન્દ્રની ડબલ એન્જિનની સરકાર છે ને તેણે મારા આદિવાસી વિસ્તારમાં 1400થી વધુ હેલ્થ વેલનેસ સેન્ટર્સ ઊભાં કર્યાં છે. અરે, પહેલાં તો નાની નાની બીમારીઓ માટે પણ, શહેરો સુધી આંટાફેરા મારવા પડતા હતા. ફૂટપાથ પર રાત ગુજારવી પડતી હતી, અને દવાઓ મળે તો મળે નહીં તો ખાલી હાથે ઘરે પાછા આવવું પડતું હતું. ભાઈઓ, અમે આ સ્થિતિ બદલી રહ્યા છીએ. હવે તો પંચમહાલ-ગોધરા તેની પોતાની મેડિકલ કૉલેજ, અહીં આપણા છોકરાઓ ડૉક્ટર બનશે ભાઈ, અને બીજું, હું તો માતૃભાષામાં ભણાવવાનો છું. હવે ગરીબ મા-બાપનો દીકરો પણ પોતાની ભાષામાં ભણીને ડૉક્ટર, એન્જિનિયર બની શકશે, અંગ્રેજી ન આવડતું હોય તો પણ તેનું ભવિષ્ય બગડશે નહીં. ગોધરા મેડિકલ કૉલેજનાં નવાં ભવનનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. આનાથી દાહોદ, સમગ્ર સાબરકાંઠાનો પટ્ટો, બનાસકાંઠાનો પટ્ટો, વલસાડનો પટ્ટો મેડિકલ કૉલેજ માટે એક આખો પટ્ટો ઉમરગામથી અંબાજી સુધી બની જશે.

ભાઇઓ-બહેનો,

આપણા સૌના પ્રયત્નોનાં કારણે આજે આદિવાસી જિલ્લામાં ગામો સુધી અને આપણી ઝુંપડી હોય, જંગલના નિયમોનું પાલન કરીને રસ્તા કેમ બને, આપણા આદિવાસી વિસ્તારના અંતિમ છેડાનાં ઘર સુધી 24 કલાક વીજળી કેવી રીતે મળે, એના માટે જહેમત ઊઠાવી છે અને તેનાં ફળ આજે આપણે સૌને જોવાં મળી રહ્યાં છે.

ભાઇઓ-બહેનો,

કેટલાં વર્ષો પહેલાં તમને ખબર હશે,જ્યારે મેં 24 કલાક વીજળીની શરૂઆત કરી ત્યારે મત લેવા હોત હું શું કરતે, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા ત્યાં આ બધું કર્યું હોત પરંતુ ભાઈઓ-બહેનો, મારી ભાવના મારા આદિવાસી ભાઇઓ માટે છે અને 24 કલાક વીજળી આપવાનું પહેલું કામ આપણા ગુજરાતના ડાંગ જિલ્લામાં થયું હતું. મારાં આદિવાસી ભાઈ-બહેનોનાં આશીર્વાદની સાથે અમે કામને આગળ વધાર્યું અને સમગ્ર ગુજરાતમાં જોતજોતામાં આ કામ પૂરું થઈ ગયું. અને તેનાં કારણે આદિવાસી વિસ્તારમાં ઉદ્યોગો આવવા લાગ્યા, બાળકોને આધુનિક શિક્ષણ મળ્યું અને અગાઉ જે ગોલ્ડન કૉરિડોરની ચર્ચા થતી હતી તેની સાથે સાથે ટ્વિન સિટીનો વિકાસ કરાઇ રહ્યો છે. હવે તો પંચમહાલ, દાહોદને દૂર રહેવા નથી દીધા. વડોદરા, હાલોલ-કલોલ એક થયાં. પંચમહાલના દ્વારે શહેર આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે.

સાથીઓ,

આપણા દેશમાં એક બહુ મોટો આદિવાસી સમાજ, સદીઓથી હતો, આ આદિવાસી સમાજ ભૂપેન્દ્રભાઈની સરકાર બની, ત્યાર પછી આવ્યો, નરેન્દ્રભાઈની સરકાર બની, ત્યાર પછી આવ્યો, ભગવાન રામ હતા, ત્યારે આદિવાસીઓ હતા કે નહીં ભાઈઓ, શબરી માતાને યાદ કરીએ છીએ કે નથી કરતા. આ આદિવાસી સમાજ આદિકાળથી આપણે ત્યાં છે. પરંતુ તમને આશ્ચર્ય થશે કે આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ, જ્યાં સુધી દિલ્હીમાં ભાજપની સરકાર ન બની, અટલજી પ્રધાનમંત્રી ન બન્યા, ત્યાં સુધી આદિવાસીઓ માટે કોઈ મંત્રાલય જ નહોતું, કોઈ મંત્રી પણ ન હતું, ન કોઈ બજેટ હતું. ભાજપના આ આદિવાસીઓ પ્રત્યેનાં પ્રેમને કારણે દેશમાં અલગ આદિવાસી મંત્રાલય બન્યું, મિનિસ્ટ્રી બની, મંત્રી બન્યા. અને આદિવાસીઓનાં કલ્યાણ માટે નાણાં ખર્ચવાનું શરૂ થયું. ભાજપની સરકારે 'વનધન' જેવી યોજનાઓ બનાવી. જંગલોમાં જે પેદા થાય છે તે પણ ભારતના મહામૂલી છે, આપણા આદિવાસીઓની સંપત્તિ છે, અમે તેના માટે કામ કર્યું. વિચાર કરો કે અંગ્રેજોના જમાનામાં એક એવો કાળો કાયદો હતો, જેનાથી આદિવાસીઓનો શ્વાસ રૂંધાતો હતો. એવો કાળો કાયદો હતો કે તમે વાંસ કાપી શકતા ન હતા. વાંસ એક ઝાડ છે, અને જો તમે ઝાડ કાપશો, તો જેલ થશે, સાહેબ મેં કાયદો જ બદલી નાખ્યો. મેં કહ્યું કે વાંસ એ ઝાડ નથી, તે તો ઘાસનો એક પ્રકાર છે. અને મારા આદિવાસી ભાઈ વાંસ ઉગાડી પણ શકે છે અને તેને કાપી પણ શકે છે અને વેચી પણ શકે છે. અને મારાં આદિવાસી ભાઈ-બહેન તો વાંસમાંથી એવી સારી સારી વસ્તુઓ બનાવે છે જેનાં કારણે તેઓ કમાય છે. અમે આદિવાસીઓ પાસેથી 80થી વધુ વનપેદાશો ખરીદીને એમએસપી આપવાનું કામ કર્યું છે. ભાજપની સરકારે આદિવાસીનું ગૌરવ વધે, તેમને મહત્વ આપીને તેમનું જીવન સરળ બને, તે સન્માનપૂર્વક જીવે, એ માટે અનેક પ્રકલ્પો કર્યા છે.

ભાઇઓ-બહેનો,

પહેલી વાર જનજાતીય સમાજ તેમના વિકાસ માટે તેમને નીતિ-નિર્ધારણમાં ભાગીદાર બનાવવાનું કામ કર્યું છે. અને તેનાં કારણે આદિવાસી સમાજ આજે પગભર થઈને પૂરી તાકાત સાથે આખાં ગુજરાતને દોડાવવાનું કામ કરી રહ્યો છે. અમારી સરકારે નક્કી કર્યું છે કે દર વર્ષે આપણા આદિવાસીઓના મહાપુરૂષ, આપણા ભગવાન, ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ અને આ 15 નવેમ્બરે તેમનો જન્મદિવસ આવશે, સમગ્ર દેશમાં પહેલીવાર અમે નક્કી કર્યું છે કે 15 નવેમ્બરે બિરસા મુંડાના જન્મદિવસ પર જનજાતીય ગૌરવ દિવસ મનાવવામાં આવશે. અને આખા દેશને ખબર પડે કે આપણો જનજાતીય સમાજ કેટલો સ્વાભિમાની છે, કેટલો સાહસિક છે, વીર છે, બલિદાની છે, પ્રકૃતિની રક્ષા કરનારો છે. હિંદુસ્તાનના લોકોને ખબર પડે એ માટે અમે નિર્ણય લીધો છે. આ ડબલ એન્જિનની સરકારનો નિરંતર પ્રયાસ છે કે મારા ગરીબ, દલિત, વંચિત, પછાત વર્ગ, આદિવાસી ભાઈ-બહેનો હોએ એમની કમાણી પણ વધે અને તેથી અમારો પ્રયાસ છે કે યુવાનોને શિક્ષણ,કમાણી, ખેડૂતોને સિંચાઈ અને વડીલોને દવાઓ એમાં ક્યાંય પણ કોઇ કચાશ રહેવી ન જોઇએ. અને એટલે જ અમે શિક્ષણ, કમાણી, સિંચાઈ, દવાઓ પર ધ્યાન આપ્યું છે. 100 વર્ષમાં સૌથી મોટું સંકટ કોરોનાનું આવ્યું, કેટલી મોટી મહામારી આવી અને તેમાં જો એ વખતે અંધશ્રદ્ધામાં ફસાઇ જઈએ, તો જીવી જ ન શકીએ. અમે મારા આદિવાસી ભાઈઓની મદદ કરી, તેમને વિના મૂલ્યે રસી પહોંચાડી અને ઘર-ઘર રસીકરણ થયું. અમે મારાં આદિવાસી ભાઈ-બહેનોના જીવ બચાવ્યા અને મારા આદિવાસીનાં ઘરનો ચૂલો સળગતો રહે, સાંજે બાળકો ભૂખ્યાં ન સૂએ તે માટે છેલ્લાં અઢી વર્ષથી 80 કરોડ ભાઈ-બહેનોને મફત અનાજ આપી રહ્યા છીએ. આપણા ગરીબ પરિવાર સારામાં સારો ઈલાજ કરાવી શકે, જો બીમારી આવે તો ઘર તેના ચક્કરમાં ન ફસાઇ જાય, તેના માટે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર, પાંચ લાખ રૂપિયા દર વર્ષે એક કુટુંબને, કોઈ બીમારી આવે, એટલે કે જો તમે 40 વર્ષ જીવો છો, તો 40 વખત. પણ હું ઇચ્છું છું કે તમે માંદા ન પડો, પણ જો બીમારી થાય તો અમે બેઠા છીએ, ભાઈઓ. ગર્ભાવસ્થામાં મારી માતાઓ-બહેનોને સીધા જ બૅન્ક દ્વારા પૈસા મળે, જેથી મારી માતાઓ-બહેનોને ગર્ભાવસ્થામાં સારું ખાવાનું મળી રહે, એટલે એમના પેટમાં જે સંતાન હોય તેનો પણ શારીરિક વિકાસ થાય, અને વિકલાંગ બાળક પેદા ન થાય, પરિવાર માટે, સમાજ માટે ચિંતાનો વિષય ન બને. નાના ખેડૂતોને ખાતર, વીજળી અને તેમનાં બિલમાં પણ છૂટ, એના માટે પણ અમે ચિંતા કરી છે ભાઇઓ. 'કિસાન સન્માન નિધિ' દર વર્ષે ત્રણ વખત, બે બે હજાર રૂપિયા, અમે તે મારા આદિવાસીનાં ખાતામાં પહોંચાડી છે. અને તેનાં કારણે, કેમ કે જમીન ખડકાળ હોવાથી બિચારો મકાઈ કે બાજરીની ખેતી કરે છે, તે આજે સારી ખેતી કરી શકે, તેની ચિંતા અમે કરી છે. દુનિયાભરમાં ખાતર મોંઘું થઈ ગયું છે, ખાતરની એક થેલી બે હજાર રૂપિયામાં દુનિયામાં વેચાઈ રહી છે, આપણા ભારતમાં ખેડૂતોને, સરકાર સમગ્ર બોજ ઉઠાવે છે, માત્ર 260 રૂપિયામાં ખાતરની થેલી અમે આપીએ છીએ. લાવીએ છીએ બે હજારમાં, આપીએ છીએ 260માં. કારણ કે, મારા આદિવાસી, ગરીબ ખેડૂતોને ખેતરમાં તકલીફ ન પડે. આજે મારા ગરીબનું પાકું મકાન બને, ટોઇલેટ બને, ગેસ કનેક્શન મળે, પાણીનું કનેક્શન મળે, એવી સુવિધાઓ સાથે સમાજમાં  જેમની ઉપેક્ષા થતી હતી, એમનાં જીવનનએ બનાવવાનું કામ અમે કરી રહ્યા છીએ. જેથી સમાજ આગળ વધે. આપણા ચાંપાનેરનો વિકાસ થાય, પાવાગઢનો વિકાસ થાય, સોમનાથનો વિકાસ થાય, ત્યાં હલ્દીઘાટીનો વિકાસ થાય. અરે, કેટલાં ઉદાહરણો છે જેમાં આપણા આદિવાસી સમાજને શ્રદ્ધા હતી, એના વિકાસ માટે વીર-વીરાંગનાને મહત્ત્વ આપવાનું કામ અમે કરી રહ્યા છીએ. આપણી પાવાગઢવાળી કાલી મા. આપણા ઘણા ભાઈઓ પાવાગઢ જાય છે, શિશ ઝુકાવવા જાય છે, પરંતુ માથે એક કલંક લઈ આવતા કે ઉપર કોઈ ધ્વજ નથી, કોઈ શિખર નથી. 500 વર્ષ સુધી, કોઈએ મારી કાલી માની ચિંતા ન કરી, આ તમે અમને આશીર્વાદ આપ્યાં. આજે મહાકાળી માનો ધ્વજ ફર ફર લહેરાઈ રહ્યો છે. જો તમે શામળાજી જાવ તો મારા આદિવાસીઓના દેવ મારા કાલિયા ભગવાનને કોઈ પૂછનાર નહોતું. આજે તેનું સંપૂર્ણ પુનર્નિમાણ થયું છે. તમે ઉનાઇ માતા જાવ, તેનો વિકાસ થઈ ગયો છે, મા અંબા ધામ જાવ. આ બધું મારા આદિવાસીનો વિસ્તાર, એમાં આ મારાં કાલી માતા. મેં જોયું કે મારા આ વિકાસ કરવાથી એક લાખ લોકો જાય છે, ઉપર ચઢે છે, તો બીજી તરફ સાપુતારાનો વિકાસ, આ તરફ સ્ટેચ્યુ ઑફ યુનિટીનો વિકાસ, આ સમગ્ર વિસ્તાર આદિવાસીઓને મોટી તાકાત આપવાનો છે. હું એવી સ્થિતિ પેદા કરવાનો છું કે આખી દુનિયા તેમના પર નિર્ભર રહે.

ભાઇઓ-બહેનો,

રોજગાર આપીને સશક્ત કરવાનું કામ કરી રહ્યો છું. પંચમહાલ આમ પણ પર્યટનની ભૂમિ છે. ચાંપાનેર, પાવાગઢ તેનાં પ્રાચીન વાસ્તુકલા સ્થાપત્ય માટે પ્રખ્યાત છે. અને સરકારનો પ્રયાસ છે કે આજે આ વિશ્વ ધરોહર અને આપણા આ જાંબુઘોડામાં વન્યજીવનને જોવા માટે લોકો આવે, આપણો હથિની માતા ધોધ પર્યટકોનું આકર્ષણ બને, આપણા ધનપુરીમાં ઇકો ટુરિઝમ અને નજીકમાં જ આપણો કડા ડેમ. મારી ધનેશ્વરી માતા, જંદ હનુમાનજી. હવે મને કહો શું નથી ભાઇ. અને આપની વચ્ચે રહ્યો, આપને નસેનસથી જાણું છું, એટલે મને ખબર છે આ બધાનો વિકાસ કેમ કરવામાં આવે.

ભાઇઓ-બહેનો,

પ્રવાસનનો વિકાસ કરવાનો છે, રોજગારીની તકો વધારવાની છે, આપણા આદિવાસી ગૌરવસ્થાનો વિકસાવવાનાં છે, આવકના વધુ ને વધુ સાધનો વધે, તેની ચિંતા કરવાની છે. અને આ ડબલ એન્જિન સરકાર નરેન્દ્ર-ભૂપેન્દ્ર સરકાર આવનારાં ઉજ્જવળ ભવિષ્ય માટે ખભેખભા મિલાવીને કામ કરી રહી છે. તેનું કારણ એ છે કે અમારી નિયત સાફ છે, નીતિ સાફ છે. અમે ઇમાનદારીથી પ્રયાસ કરનારા લોકો છીએ અને તેથી ભાઈઓ-બહેનો, જે ગતિએ કામ આગળ વધ્યું છે, તેને અટકવા ન દેતા, સંપૂર્ણ સુરક્ષા કવચ સાથે આગળ વધવાનું છે. અને આટલી મોટી સંખ્યામાં માતા-બહેનો આશીર્વાદ આપવા આવી હોય તો રક્ષા કવચની કોઇ ચિંતા છે જ નહીં. જેને આટલી બધી માતાઓ અને બહેનોનાં આશીર્વાદ મળે. આપણે સાથે મળીને ઉમરગામથી અંબાજી, મારો આદિવાસી પટ્ટો હોય, કે પછી તે વલસાડથી મુન્દ્રા સુધીનો મારો માછીમારોનો વિસ્તાર હોય કે પછી મારો શહેરી વિસ્તાર હોય. આપણે સમગ્ર ગુજરાતનો વિકાસ કરવાનો છે, ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ કરવાનો છે. અને આવા વીર શહીદોને નમન કરી તેમની પાસેથી પ્રેરણા લઈને આપ સૌ આગળ વધો, એ જ શુભકામનાઓ.

ભારત માતા કી જય.

ભારત માતા કી જય.

ભારત માતા કી જય.

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
Why 10-year-old Avika Rao thought 'Ajoba' PM Modi was the

Media Coverage

Why 10-year-old Avika Rao thought 'Ajoba' PM Modi was the "coolest" person
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM praises float-on - float-off operation of Chennai Port
March 28, 2023
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has praised float-on - float-off operation of Chennai Port which is a record and is being seen an achievement to celebrate how a ship has been transported to another country.

Replying to a tweet by Union Minister of State, Shri Shantanu Thakur, the Prime Minister tweeted :

"Great news for our ports and shipping sector."