ઇસ્લામિક પ્રજાસત્તાક અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ ડો. મોહમ્મદ અશરફ ગનીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર 19 સપ્ટેમ્બર, 2018નાં રોજ ભારતની મુલાકાત લીધી હતી.
બંને નેતાઓએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં પ્રવર્તમાન વ્યૂહાત્મક સંબંધોની પ્રગતિની સમીક્ષા કરી હતી અને સકારાત્મક મૂલ્યાંકન કર્યું હતું. તેમણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધીને 1 અબજ ડોલરનાં આંકડાને વટાવી ગયો એનાં પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે 12થી 15 સપ્ટેમ્બર, 2018 સુધી ઇન્ડિયા-અફઘાનિસ્તાન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ શો સફળતાપૂર્વક સંપન્ન થયાની પ્રશંસા પણ કરી હતી. આ શોનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે ચાબહાર પોર્ટ અને એર-ફ્રેઇટ કોરિડોર સહિત વિવિધ માધ્યમો થકી જોડાણને વધારે ગાઢ બનાવવાનો હતો. અફઘાનિસ્તાનમાં માળખાગત, માનવ સંસાધન વિકાસ જેવા ઊંચી અસર ધરાવતાં ક્ષેત્રો અને અન્ય ક્ષમતા નિર્માણનાં વિવિધ પ્રોજેક્ટમાં નવી વિકાસલક્ષી ભાગીદારીને ગાઢ બનાવવા સંમતિ સધાઈ હતી.

રાષ્ટ્રપતિ ગનીએ એમની સરકારની શાંતિ અને સુલેહ માટેની પહેલો પર તેમજ અફઘાનિસ્તાન અને એનાં લોકો આતંકવાદ અને કટ્ટરવાદનાં પડકારોનો સામનો કેવી રીતે કરે છે એ વિશે પ્રધાનમંત્રીને જાણકારી આપી હતી.
પ્રધાનમંત્રીએ અફઘાનનાં નેતૃત્વમાં, અફઘાન દ્વારા અને અફઘાન નિયંત્રિત શાંતિ અને સુલેહની પ્રક્રિયાને ટેકો આપવા પર ભાર મૂક્યો હતો, જે અફઘાનિસ્તાનને અખંડ, શાંતિપૂર્ણ, સર્વસમાવેશક અને લોકતાંત્રિક દેશ તરીકે જાળવવા તેમજ આર્થિક રીતે વાઇબ્રન્ટ દેશ તરીકે વિકસવા સક્ષમ બનાવશે. પ્રધાનમંત્રીએ ભારત તરફથી અફઘાનિસ્તાનની સરકારનાં પ્રયાસોને ટેકો આપવાની સતત કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો, તેમજ અફઘાનિસ્તાનની સુરક્ષા અને સાર્વભૌમિકતા જાળવવા માટે સહાય કરવાની ખાતરી આપી હતી. સાથે સાથે તેમણે અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ અને હિંસાની ટીકા કરી હતી તેમજ આતંકવાદ સામેની લડાઈમાં અફઘાનિસ્તાનનાં લોકો અને રાષ્ટ્રીય સુરક્ષા દળો સાથે એકતા પ્રદર્શિત કરી હતી.
જ્યારે બંને નેતાઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર સંકલન અને સલાહકારી પ્રવૃત્તિઓ સંતોષ વ્યક્ત કર્યો હતો, ત્યારે બંને દેશો આ સહકારને મજબૂત કરવા તથા સમૃદ્ધિ, શાંતિ, સ્થિરતા અને પ્રગતિ માટે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી સાથે સંબંધોને ગાઢ બનાવવા કામ કરવા સંમત થયા હતાં.


