શેર
 
Comments
Aatmanirbhar Bharat has become a mantra for 130 crore Indians: PM Modi
The government is making every possible effort to ensure 'Ease of Living' for the middle-class households in India: PM
In order for India to become Aatmanirbhar, the country has initiated major reforms in the defence sector: PM

મારા વ્હાલા દેશવાસીઓ,

આઝાદીના આ પાવન પર્વની હું મારા તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવું છુ અને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપુ છું

આજે આપણે જે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ તેની પાછળ મા ભારતીના લાખો દીકરા- દિકરીઓનો ત્યાગ, તેમનાં બલિદાન અને મા ભારતીને સ્વતંત્ર કરાવવા માટેની તેમની સમર્પણ ભાવના, આજે એવા આપણા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, આઝાદીના વિરલાઓ, નર બાંકુરાઓ અને વીર શહિદોને વંદન કરવાનું આ પર્વ છે.

આપણી સેનાના બહાદુર જવાનો, આપણાં અર્ધ સૈનિક દળો, આપણા પોલિસ જવાનો, સુરક્ષા દળ સાથે જોડાયેલા લોકો, આ તમામ મા ભારતીની રક્ષા માટે લાગેલા રહેતા હોય છે. આજે તે તમામનું હું હૃદયપૂર્વક, આદરપૂર્વક સ્મરણ કરવાનું, તેમના મહાન ત્યાગ અને તપસ્યાને નમન કરવાનું આજે પર્વ છે.

એક નામ શ્રી અરવિંદ ઘોષનું છે અને આજે તેમની જન્મજયંતિ છે. ક્રાંતિ દૂતથી માંડીને અધ્યાત્મ સુધીની તેમની યાત્રા અને તેમનો સંકલ્પ રહયા છે. તેમના સંકલ્પો પૂરા કરવા માટે અને આપણા સંકલ્પો પૂરા કરવા માટે આપણને તેમના તરફથી આશીર્વાદ મળતા રહે. આપણે એક વિશેષ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. આજે નાના-નાના બાળકો મારી સમક્ષ નજરે આવી રહ્યા નથી. ભારતનું ઉજ્જવળ ભવિષ્ય ક્યાં છે? શું કોરોનાએ સૌને રોકી રાખ્યા છે?

હાલમાં કોરોનાના આ સમય ખંડમાં અનેક લાખ કોરોના વૉરિયર્સ, પછી ભલેને તે ડોકટર્સ હોય, નર્સ હોય, સફાઈ કર્મી હોય, કે પછી એમ્બ્યુલન્સ ચલાવનારા લોકો હોય, હું કોના-કોના નામ ગણાવુ. આ લોકોએ આટલા લાંબા સમયથી જે પ્રકારે ‘સેવા પરમો ધર્મ’ તે મંત્રને જીવી બતાવ્યો છે. સંપૂર્ણ સમર્પણ ભાવથી મા ભારતીના લાખો સંતાનોની સેવા કરી છે, એવા તમામ કોરોના વૉરિયર્સને પણ હું આજે નમન કરૂ છું.

હાલમાં કોરોનાના આ સમય ખંડમાં આપણાં અનેક ભાઈ-બહેનો આ સંકટથી અસર પામ્યાં છે. અનેક પ્રકારે અસર પામ્યા છે, કેટલાકે તો જીવ પણ ગૂમાવ્યો છે. હું આવા તમામ પરિવારો તરફ મારી સંવેદના પ્રગટ કરૂ છું અને મને વિશ્વાસ છે કે, આ કોરોના વિરૂધ્ધ 130 કરોડ લોકોની અદમ્ય ઈચ્છાશક્તિ, સંકલ્પશક્તિ આપણને તેની સાથેની લડાઈમાં વિજય અપાવશે અને આપણે વિજયી બનીને રહીશું.

મને વિશ્વાસ છે કે, અગાઉના દિવસોમાં આપણે અનેક સંકટમાંથી પસાર થયા છીએ. એક રીતે કહીએ તો આપણે અનેક પ્રકારનાં સંકટમાંથી પસાર થઈ રહ્યા છીએ. પૂરનો પ્રકોપ ખાસ કરીને ઉત્તર પૂર્વના વિસ્તારોમાં, પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં અનેક સ્થળે ભૂઃસ્ખલન થયુ છે. લોકોને અનેક પ્રકારની મુસીબતોનો સામનો કરવો પડ્યો છે. અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હું આવા તમામ પરિવારો તરફ મારી સંવેદના પ્રગટ કરૂ છું અને રાજ્ય સરકારો સાથે ખભે-ખભા મિલાવીને આ પ્રકારના સંકટની પળોમાં આપણો દેશ એક બનીને, ભલે કેન્દ્ર સરકાર હોય કે, રાજ્ય સરકાર હોય, આપણે સૌ સાથે મળીને તત્કાલ જેટલી પણ મદદ પહોંચાડી શકીએ તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ અને સફળતાપૂર્વક કરી રહ્યા છીએ.

મારા વ્હાલા દેશવાસીઓ,

આઝાદીનું પર્વ એ આપણા સૌ માટે સ્વતંત્રતાનુ પર્વ છે. આઝાદીના વિરલાઓને યાદ કરીને નવા સંકલ્પો કરવાનો આ એક અવસર છે. એક રીતે કહીએ તો તે આપણા માટે નવી પ્રેરણા લઈને આવતું હોય છે, નવો ઉમંગ અને નવો ઉત્સાહ લઈને આવતુ હોય છે. અને આ વખતે તો આપણે સંકલ્પ કરવો તે ખૂબ જ આવશ્યક પણ બની રહ્યુ છે. એક શુભ અવસર પણ છે, અને હવે પછી આપણે જ્યારે આઝાદીનો અવસર મનાવીશું ત્યારે આપણે 75મા વર્ષમાં પ્રવેશ કરીશું. તે સ્વયં એક મોટો અવસર બનીને રહેશે. અને એટલા માટે જ આજે આપણે આવનારા બે વર્ષ માટે ખૂબ મોટા સંકલ્પ લઈને આગળ ધપવાનુ છે. 130 કરોડ દેશવાસીઓએ ચાલવાનુ છે. આપણે જ્યારે આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરીશુ ત્યારે અને આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થશે ત્યારે આપણે તેને સંકલ્પો પૂર્ણ કર્યાના એક મહા પર્વ તરીકે મનાવીશું.

મારા વ્હાલા દેશવાસીઓ,

આપણા પૂર્વજોએ અખંડ અને એક નિષ્ઠ તપસ્યા કરીને, ત્યાગ અને બલિદાનની ઉચ્ચ ભાવના સ્થાપિત કરીને આપણને જે રીતે આઝાદી અપાવી છે, તેમણે પોતાની જાત ન્યોચ્છાવર કરી દીધી છે, પરંતુ આપણે એ વાત ભૂલીએ નહીં કે ગુલામીના આટલા મોટા સમય ખંડમાં કોઈ પણ ક્ષણ એવી નહી હોય કે જયારે આઝાદી માટે લલકાર નહીં કરવામાં આવ્યો હોય. આઝાદીની ઈચ્છા માટે કોઈને કોઈ પ્રયાસ કરતુ રહ્યું હશે. યુધ્ધમાં ના જોડાયા હોય, ત્યાગ ના પણ કર્યો હોય, અને એક પ્રકારે તેમની જવાની જેલમાં ગૂમાવી દીધી હોય, જીવનનાં તમામ સપનાંને, ફાંસીના ફંદાને ચૂમીને નષ્ટ કરી દીધાં હોય, એવા વીર લોકોને નમન કરતાં-કરતાં અદ્દભૂત ….એક તરફ સશસ્ત્ર ક્રાંતિનો દોર ચાલી રહ્યો હતો તો બીજી તરફ જન આંદોલનનો દોર ચાલી રહ્યો હતો… પૂજય બાપુના નેતૃત્વમાં રાષ્ટ્ર જાગરણની સાથે-સાથે જન આંદોલનનો એક પ્રવાહ ઉભો થયો હતો, જેણે આઝાદીના આંદોલનને એક નવી ઉર્જા આપી હતી. અને આજે આપણે આઝાદીનું પર્વ મનાવી રહ્યા છીએ.

આઝાદીની આ લડાઈમાં ભારતની આત્માને કચડી નાંખવા માટે સતત પ્રયાસો… અગણિત પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભારતને પોતાની સંસ્કૃતિ, પરંપરા, રીતરિવાજ જેવી તમામ બાબતોને ઉખાડીને દૂર કરી દેવા માટે નજાણે કેટલા પ્રયાસો થયા હશે. એ એક એવો સમય ખંડ હતો, સેંકડો વર્ષોનો સમય ખંડ હતો. સામ, દામ, દંડ, ભેદ જેવા તમામ ઉપાયો પરાકાષ્ઠા પર હતા અને કેટલાક લોકો તો એવું જ માનીને બેસી ગયા હતા કે આપણે ‘યાવચ્ચચંદ્ર દિવાકરો’ અહિંયા રાજ કરવા માટે આવ્યા છીએ, પરંતુ આઝાદી માટે જે લલકાર કરવામાં આવ્યો તેના કારણે તેમના તમામ ઈરાદાઓ જમીન દોસ્ત થઈ ગયા હતા. એ લોકો એવું વિચારતા હતા કે, આટલો મોટો દેશ, અનેક રાજા રજવાડાં, જાત જાતની બોલીઓ, પહેરવેશ, ખાણીપીણી, અનેક ભાષાઓ. આટલી બધી વિવિધતાઓની વચ્ચે વિખરાયેલો આ દેશ ક્યારેય સંગઠીત થઈને આઝાદીનો જંગ લડી શકશે નહીં. આ લોકો આ દેશની પ્રાણ શક્તિને ઓળખી શક્યા નહોતા. આ પ્રાણ શક્તિ અંદર પડેલી હોય છે. આ શક્તિને એક સૂત્રથી બાંધીને આપણને સૌને સંગઠીત રાખીને આઝાદીના આ પર્વમાં પૂરી તાકાત સાથે તે લોકો મેદાનમાં આવ્યા તેના કારણે આપણે આઝાદીના જંગમાં વિજય મેળવી શક્યા હતા.

આપણે એવું પણ જાણતા હતા કે, એક એ સમય ખંડ હતો કે જ્યારે વિસ્તારવાદની વિચારધારા ધરાવતા લોકો દુનિયામાં કોઈપણ સ્થળે જઈને ફેલાઈ શકતા હતા, ફેલાવનો પ્રયાસ કરતા હતા. પોતાનો ઝંડો સ્થાપિત કરવાની કોશિશ કરતા હતા, પરંતુ ભારતની આઝાદીનું આંદોલન એક પ્રેરણા પૂંજ જેવું બની ગયું હતું… દિવ્ય સ્તંભ બની ગયું હતું અને દુનિયાભરમાં આઝાદીની આહલેખ સંભળાવા લાગી હતી. અને જે લોકો વિસ્તારવાદની આંધળી દોડમાં લાગેલા હતા અને પોતાનો ઝંડો સ્થાપિત કરવામાં વ્યસ્ત હતા તેમને પોતાના ઈરાદાઓને, વિસ્તારવાદના તેમના ઈરાદાઓનો સામનો કરવા માટે દુનિયાને બે- બે વિશ્વ યુધ્ધમાં જોડી દીધા હતા… માનવતાને તહસનહસ કરી દીધી હતી. અનેક જીંદગીઓ તબાહ કરી દીધી હતી, દુનિયાને તબાહ કરી દીધી હતી.

પરંતુ, આજે એક એવો સમય ખંડ છે કે, જેમાં યુધ્ધની સંભાવનાઓની વચ્ચે પણ ભારતે પોતાની આઝાદી માટેની આહલેક છોડી નથી. નથી કોઈને આવવા દીધા અને નથી કોઈને જવા દીધા. દેશને જ્યારે પણ બલિદાનની જરૂર પડી છે ત્યારે બલિદાન આપતા રહ્યા છે, કષ્ટ ભોગવવાની જરૂર પડી ત્યારે કષ્ટ ભોગવતા રહ્યા છે, જન આંદોલનની જરૂર પડી ત્યારે જન આંદોલન ઉભા કરતા રહ્યા છે અને ભારતની લડાઈને કારણે દુનિયામાં આઝાદીનો એક માહોલ બની ગયો હતો… અને ભારતની આ શક્તિને કારણે દુનિયામા જે પરિવર્તન આવ્યું, વિસ્તારવાદ માટે જે પડકારો ઉભા થયા, ઈતિહાસ એવા ભારતને ક્યારેય પણ નકારી શકશે નહીં.

મારા વ્હાલા દેશવાસીઓ,

આઝાદીની લડાઈમાં પૂરા વિશ્વાસ સાથે ભારતની એકતાની તાકાત, આપણી સમૂહ શક્તિની તાકાત, આપણાં સૌના ઉજળા ભવિષ્ય માટે આપણાં બધાંનો સંકલ્પ, સમર્પણ અને પ્રેરણા, તેની ઉર્જાને સાથે લઈને ભારત દેશ આગળ વધતો ગયો હતો.

મારા વ્હાલા દેશવાસીઓ,

કોરોના વૈશ્વિક મહામારીની વચ્ચે 130 કરોડ ભારતીયોએ સંકલ્પ લીધો છે, આત્મનિર્ભર બનવાનો સંકલ્પ લીધો છે અને આત્મનિર્ભર ભારત આજે દરેક હિંદુસ્તાનીના મન અને માનસ પર છવાયેલું રહ્યું છે. આત્મનિર્ભર ભારતનું આ સપનું સંકલ્પમાં પરિવર્તીત થતું દેખાઈ રહ્યું છે, એક રીતે કહીએ તો આ શબ્દ નથી, પણ આજે તે 130 કરોડ દેશવાસીઓ માટે મંત્ર બની ગયું છે.

આપણે જાણીએ છીએ કે… હું જ્યારે આત્મનિર્ભર ભારતની વાત કરૂં છું ત્યારે, આપણાંમાંથી જે કોઈ લોકો 25 થી 30 વર્ષ ઉપરની ઉંમર ધરાવતા હશે તે બધાએ પોતાના પરિવારમાં, પોતાના માતા- પિતા અથવા આપણાં વડિલો પાસેથી સાંભળ્યું હશે કે ભાઈ, દિકરા- દિકરીઓ હવે 20- 21 વર્ષનાં થઈ ગયા. હવે પોતાના પગ પર ઉભા રહો. 20-21 વર્ષે પરિવાર પોતાના સંતાનોને પોતાના પગ પર ઉભા રહેવાની અપેક્ષા રાખતો હોય છે. આપણે તો આઝાદીના 75 વર્ષથી એક કદમ દૂર છીએ, ત્યારે આપણાં માટે પણ… ભારત જેવા દેશે પણ પોતાના પગ ઉપર ઉભા રહેવાનું અનિવાર્ય બની ગયું છે, જે પરિવાર માટે આવશ્ય છે તે દેશ માટે પણ આવશ્યક છે. અને એટલા માટે મને વિશ્વાસ છે કે, ભારત આ સપનાંને સાકાર કરીને જ રહેશે… અને તેના કારણે મારા દેશના નાગરિકોના સામર્થ્ય ઉપર મને વિશ્વાસ છે, મને મારા દેશની પ્રતિભા ઉપર ગર્વ છે, મને આ દેશના યુવાનોમાં, દેશની માતૃ શક્તિમાં, આપણી મહિલાઓમાં જે અજોડ સામર્થ્ય પડેલું છે તેની પર ભરોસો છે… મને એ બાબતનો ભરોસો છે કે, મારા ભારતની વિચારધારા, ભારતનો અભિગમ, તેના ઉપર મને વિશ્વાસ છે. ઈતિહાસ સાક્ષી છે કે ભારત એક વખત સંકલ્પ કરી લેશે તો તે કરીને જ રહેશે.

અને આ કારણે જ આપણે જ્યારે આત્મનિર્ભર થવાની વાત કરતાં હોઈએ ત્યારે દુનિયામાં પણ એક ઉત્સુકતા ઉભી થાય છે. દુનિયાની ભારત પાસે અપેક્ષા પણ છે… અને એટલા માટે જ આપણે તે અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે પોતાની જાતને યોગ્ય બનાવવાનું બહુ જ જરૂરી બન્યું છે. આપણે આપણી જાતને તૈયાર કરવાનું ખૂબ જ આવશ્યક બન્યું છે.

ભારતના ચિંતનમાં… ભારત જેવો વિશાળ દેશ, ભારત જેવો યુવા શક્તિથી ભરેલો દેશ, આત્મનિર્ભર ભારતની પહેલી શરત છે આત્મવિશ્વાસથી ભરેલું ભારત… તે તેનો પાયો બને છે અને આ જ વિકાસને નવી ગતિ પ્રાપ્ત થાય છે, નવી ઉર્જા આપવાનું સામર્થ્ય ઉભુ થાય છે.

ભારત ‘વિશ્વ એક પરિવાર’ ના સંસ્કારો વચ્ચે જ મોટું થયું છે અને વિકસ્યું છે. જો વેદમાં કહેવામાં આવતું હોય કે ‘વસુધૈવ કુટુમ્બકમ’ તો વિનોબાજી કહેતા હતા ‘જય જગત’… અને એટલા માટે જ, આપણાં માટે વિશ્વ એક પરિવાર છે અને એટલા માટે… આર્થિક વિકાસની વાત હોય તો તેની સાથે સાથે માનવતાને પણ કેન્દ્ર સ્થાને રાખવું જોઈએ, તેનું પણ મહત્વ હોવુ જોઈએ, તે વાતને સાથે લઈને આપણે આગળ વધી રહ્યા છીએ.

આજે દુનિયા એક બીજા સાથે જોડાયેલી છે, આજે દુનિયા એક બીજા પર આધારિત છે અને એટલા માટે જ સમયની એ માંગ છે કે વિશ્વની અર્થ વ્યવસ્થામાં ભારત જેવા વિશાળ દેશનું યોગદાન પણ વધતું રહેવું જોઈએ. વિશ્વ કલ્યાણ માટે પણ ભારતનું એક કર્તવ્ય છે અને ભારતે પોતાનું યોગદાન વધારતા રહેવાનું છે. આવુ થાય તે માટે ભારતે જાતે સશક્ત બનવું પડશે. ભારતે આત્મનિર્ભર બનવું પડશે. આપણે વિશ્વના કલ્યાણ માટે પણ પોતાની જાતને સામર્થ્યવાન બનાવવી જ પડશે અને તો જ આપણા મૂળિયાં મજબૂત બનશે. આપણું પોતાનું સામર્થ્ય હશે તો જ આપણે દુનિયાનું કલ્યાણ કરવાની દિશામાં કદમ આગળ ધપાવી શકીશું.

આપણાં દેશમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંપત્તિ પડેલી છે, શું શું નથી. આજે સમયની માંગ એ છે કે આપણાં આ કુદરતી સંસાધનો આપણે મૂલ્ય વૃધ્ધિ કરીએ. આપણી માનવ સંપત્તિમાં આપણે મૂલ્ય વૃધ્ધિ કરીએ અને તેને નવી ઉંચાઈ પર લઈ જઈએ. આપણે ક્યાં સુધી દેશનો કાચો માલ પરદેશ મોકલતાં રહીશું. ક્યાં સુધી કાચો માલ પરદેશ જતો રહેશે અને એક રીતે જોઈએ તો આ પરિસ્થિતિ અટકે તેના માટે પણ કાચો માલ દુનિયામાં મોકલીને દુનિયામાંથી તૈયાર વસ્તુઓ પાછી લાવવાની કામગીરી ક્યાં સુધી ચાલતી રહેશે. અને એટલા માટે જ આપણે પોતાને આત્મનિર્ભર બનાવવો પડશે. આપણી આ શક્તિમાં વિશ્વની જરૂરિયાતો મુજબ મૂલ્ય વૃધ્ધિ કરવાની છે અને તે આપણી જવાબદારી છે. આ મૂલ્ય વૃધ્ધિ કરવાની દિશામાં આપણે આગળ વધવા માંગીએ છીએ. આપણે વિશ્વમાં યોગદાન આપવા માટે આગળ ધપવા માંગીએ છીએ.

અને આવી જ રીતે ખેતીના ક્ષેત્રમાં… એક એવો સમય હતો કે જ્યારે આપણે બહારથી ઘઉં મંગાવીને પોતાનું પેટ ભરતા હતા, પરંતુ આપણાં દેશના ખેડૂતોએ એવી કમાલ કરી દેખાડી કે ભારત આજે ખેતી ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે. આજે ભારતના ખેડૂતો, ભારતના નાગરિકોના પેટ ભરે છે… અને એટલું જ નહીં, ભારત આજે એ સ્થિતિમાં છે કે દુનિયામાં જે કોઈને જરૂર પડે તેને પણ આપણે અનાજ આપી શકીએ તેમ છીએ. જો આપણી આ તાકાત હોય તો તે આત્મનિર્ભરતાની તાકાત છે… તો આપણાં ખેતી ક્ષેત્રમાં પણ મૂલ્ય વૃધ્ધિ કરવામાં આવે તે જરૂરી છે. વિશ્વની જરૂરિયાતો મુજબ આપણે ખેતી ક્ષેત્રે પણ પરિવર્તન લાવવાની આવશ્યકતા છે. વિશ્વની અપેક્ષાઓને પૂરી કરવા માટે આપણે આપણાં કૃષિ જગતને પણ આગળ ધપાવવાની જરૂર છે.

આજે આપણો દેશ અનેક નવા કદમ ઉઠાવી રહ્યો છે. અને એટલા માટે જ તમે જુઓ છો કે આપણે સ્પેસ સેક્ટર ખોલી દીધું છે. દેશના યુવાનોને તક મળી છે. આપણે ખેતીના ક્ષેત્રને કાયદાઓથી મુક્ત કર્યું છે, બંધનોથી મુક્ત કરી દીધુ છે. આપણે તેને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કર્યો છે. ભારત જ્યારે સ્પેસ સેક્ટરમાં તાકાતવાન દેશ બને છે ત્યારે પડોશીઓને પણ તેનો લાભ થતો હોય છે. તમે જ્યારે ઉર્જા ક્ષેત્રમાં શક્તિશાળી બનો છો ત્યારે પોતાના દેશનો અંધકાર તો દૂર કરી શકો છો, સાથે-સાથે ભારત બીજા દેશોને પણ મદદ કરી શકે છે.

ભારત જ્યારે આરોગ્યના ક્ષેત્રે માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં આત્મનિર્ભર બની શકતું હોય તો ભારત એક પ્રવાસન મથક તરીકે, આરોગ્યના મથક તરીકે ભારત તેમનો પસંદગીનો દેશ બની શકે છે. અને એટલા માટે જ એ જરૂરી બને છે કે, ભારતમાં બનેલો સામાન સમગ્ર દુનિયામાં વાહવાહી મેળવી શકે. એક એવો પણ જમાનો હતો કે, આપણાં દેશમાં જે ચીજો બનતી હતી, આપણાં દેશમાં કુશળ માનવ બળ મારફતે જે કામ થતા હતા તેની પૂરી દુનિયામાં ઘણી વાહવાહી થતી હતી… ઈતિહાસ તેનો સાક્ષી છે.

હવે આપણે જ્યારે આત્મનિર્ભર બનવાની વાત કરીએ છીએ ત્યારે માત્ર આયાતો ઓછી કરવાની આપણી વિચારધારા નથી. આપણે જ્યારે આત્મનિર્ભર બનવાની વાત કરીએ છીએ ત્યારે આપણી પાસે જે કૌશલ્ય છે, આપણાં જે માનવ સંસાધનનું સામર્થ્ય છે… જ્યારે ચીજો બહારથી આવવા માંડે છે ત્યારે તેનું સામર્થ્ય ખતમ થવા માંડે છે. પેઢી દર પેઢી આ સામર્થ્ય નષ્ટ થતું જાય છે. આપણે આપણાં સામર્થ્યને બચાવવાનું છે… વધારવાનું પણ છે. કૌશલ્યને આગળ વધારવાનું છે, સર્જનાત્મકતાને આગળ વધારવાની છે અને તે બાબતે પણ આપણે આગળ વધવાનું છે. આપણે કૌશલ્ય વિકાસની દિશામાં ભાર મૂકવાનો છે. આત્મનિર્ભર ભારત માટે, આપણાં સામર્થ્યને વધારવા માટે.

મારા વ્હાલા દેશવાસીઓ,

હું જાણું છું કે હું જ્યારે આત્મનિર્ભર ભારતની વાત કરતો હોઉં છું ત્યારે અનેક પ્રકારની આશંકાઓ ઉભી કરવામાં આવે છે. હું એ બાબતે માનતો હોઉં છું કે આત્મનિર્ભર ભારત માટે લાખો પડકારો છે અને જ્યારે વિશ્વ સ્પર્ધાના મોડમાં હોઈએ ત્યારે તો આ પડકારો વધી જતા હોય છે, પરંતુ દેશની સામે જો લાખ પડકારો હોય તો દેશ પાસે કરોડો ઉપાય પૂરાં પાડે તેવી શક્તિ પણ છે… મારા દેશવાસીઓ એવા છે કે જે આ ઉપાયોને સામર્થ્ય પૂરૂ પાડે છે.

તમે જુઓ, કોરોનાના સંકટકાળમાં આપણે એ પણ જોયું છે કે ઘણી બધી ચીજો માટે આપણે તકલીફો ભોગવી રહ્યા છીએ. આપણે આ ચીજો દુનિયામાંથી લાવવી પડે છે અને દુનિયા તે પૂરી પાડી શકતી નથી. આપણાં દેશના નવયુવાનોએ, આપણાં દેશના ઉદ્યમીઓએ, આપણાં દેશના ઉદ્યોગ જગતના લોકો સિવાય અનેક લોકોએ આ બીડુ ઉઠાવી લીધુ છે. જે દેશમાં એન-95 માસ્ક બનતા ન હતા, જ્યાં પીપીઈ કીટ બનતી ન હતી તે બનવા લાગ્યા છે. વેન્ટીલેટર બનતા ન હતા તે પણ બનવા લાગ્યા છે. આમાં દેશની જરૂરિયાત તો પૂરી થવા લાગી છે, પરંતુ દુનિયામાં પણ તેની નિકાસ કરવાની આપણી તાકાત વધી છે. દુનિયાની એ જરૂરિયાત હતી, આત્મનિર્ભર ભારત દુનિયાને કેવી રીતે મદદ કરી શકે છે… આજે આપણને તે જોવા મળ્યું છે અને એટલા માટે જ વિશ્વની ભલાઈ માટે પણ ભારતે આત્મનિર્ભર બનીને યોગદાન આપવાની જરૂર ઉભી થાય છે.

ઘણું થઈ ચૂક્યું… આઝાદ ભારતની માનસિકતા કેવી હોવી જોઈએ, આઝાદ ભારતની માનસિકતા વોકલ ફોર લોકલની હોવી જોઈએ… આપણાં જે સ્થાનિક ઉત્પાદનો છે તેનું આપણે ગૌરવ લેવું જોઈએ. આપણે જો આપણી ચીજો માટે જ ગૌરવ નહીં કરીએ તો, તે ચીજોને સારી બનવાની તક પણ નહીં મળે. આ ચીજો બનાવનારની હિંમત પણ નહીં વધે. આવો, આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ. આઝાદીના 75મા વર્ષ તરફ આપણે જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે વોકલ ફોર લોકલ જીવન મંત્ર બની જાય. અને આપણે સૌ સાથે મળીને ભારતની આ તાકાત વધારતા રહીએ.

મારા વ્હાલા દેશ વાસીઓ,

આપણાં દેશે કેવી-કેવી કમાલ કરી છે, કેવી-કેવી રીતે આગળ વધતો રહ્યો છે તે વાતને તમે સારી રીતે સમજી શકો છો. કોણે વિચાર કર્યો હતો કે ક્યારેક ગરીબોના જન ધન ખાતામાં લાકો કરોડો રૂપિયા સીધા જ તબદીલ થશે. કોણ વિચારી શકતું હતું કે, ખેડૂતોના હિત માટે એપીએમસી જેવો કાયદો… તેમાં આટલા પરિવર્તનો આવશે. કોણે વિચાર્યું હશે કે, આપણાં વેપારીઓના માથે જેની તલવાર લટકતી હતી તે આવશ્યક ચીજવસ્તુ ધારો… આટલા વર્ષો પછી બદલી નાંખવામાં આવશે. કોણે વિચાર્યું હશે કે આપણાં સ્પેસ સેક્ટરને આપણાં દેશના યુવાનો માટે ખૂલ્લુ મૂકી દેવામાં આવશે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હોય, વન નેશન -વન રેશન કાર્ડની વાત હોય કે પછી વન નેશન- વન ગ્રીડની વાત હોય, કે પછી વન નેશન- વન ટેક્સની વાત હોય. ઈન્સોલવન્સી અને બેંકરપ્સી કોડની વાત હોય. ભલે બેંકોનું જોડાણ કરવાનો પ્રયાસ હોય. આ બધી બાબતો દેશની સચ્ચાઈ બની ચૂકી છે. દેશની હકિકત બની ચૂકી છે.

ભારતમાં પરિવર્તનના આ સમય ખંડમાં સુધારાઓના જે પરિણામો હાંસલ થયા છે તેને દુનિયા જોઈ રહી છે. એક પછી એક… એક બીજા સાથે જોડાયેલા જે સુધારા આપણે કરી રહયા છીએ તેને દુનિયા ખૂબ જ ઝીણવટપૂર્વક જોઈ રહી છે અને તેના કારણે જ વિતેલા વર્ષોમાં ભારતમાં સીધા વિદેશી મૂડી રોકાણના આજ સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. સીધા વિદેશી મૂડી રોકાણના અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.

વિતેલા વર્ષમાં ભારતમાં સીધા વિદેશી મૂડી રોકાણમાં 18 ટકાની વૃધ્ધિ થઈ છે… વધારો થયો છે. અને એટલા માટે જ કોરોનાના આ સમયમાં દુનિયાની મોટી મોટી કંપનીઓ પણ ભારત તરફ નજર નાંખી રહી છે. આ વિશ્વાસ અમસ્તો જ ઉભો થયો નથી. દુનિયા કાંઈ આપમેળે જ આકર્ષિત થઈ જતી નથી. અને તેના માટે જ ભારતે પોતાની નીતિઓ પર, ભારતે પોતાના લોકતંત્ર પર તથા ભારતે પોતાની અર્થવ્યવસ્થાનો પાયો મજબૂત બનાવવા માટે જે કામ કર્યું છે તેના કારણે જ આ આત્મવિશ્વાસ ઉભો થયો છે.

દુનિયાભરના અનેક બિઝનેસ આજે ભારતને સપ્લાય ચેઈનના કેન્દ્ર તરીકે જોઈ રહ્યા છે. આપણે હવે મેક ઈન ઈન્ડિયાની સાથે-સાથે મેક ફોર વર્લ્ડનો મંત્ર લઈને પણ આગળ વધવાનું છે.

130 કરોડ દેશવાસીઓનું સામર્થ્ય… પાછળના થોડાક દિવસોને જરા યાદ કરો… અને 130 કરોડ દેશવાસીઓના સામર્થ્ય માટે ગર્વ કરો. એક સમય એવો પણ હતો કે, જ્યારે કોરોનાના આ મોટા સમય ખંડ વચ્ચે એક તરફ ચક્રવાત, પૂર્વમાં પણ ચક્રવાત, પશ્ચિમમાં પણ ચક્રવાત. વિજળી પડવાને કારણે અનેક લોકોના મોતના સમાચારો. અનેક જગાએ વારંવાર ભૂઃસ્ખલન થવાની ઘટનાઓ, નાના મોટા ભૂકંપના આંચકાઓ… આ બધું ઓછું હોય તેમ આપણાં ખેડૂતો માટે તીડના ટોળાની આફત પણ આવી પહોંચી હતી. ન જાણે એક સાથે અનેક મુસીબતોનો અંબાર ખડકાઈ ગયો હતો, પરંતુ આ બધી તકલીફો હોવા છતાં પણ આ દેશે પોતાનો વિશ્વાસ સહેજ પણ ગૂમાવ્યો ન હતો. દેશ આત્મવિશ્વાસ સાથે આગળ વધતો રહ્યો હતો.

દેશવાસીઓના જીવનને, દેશની અર્થવ્યવસ્થાને કોરોનાની અસરથી જલ્દીમાં જલ્દી બહાર કાઢવી તે આપણી આજે અગ્રતા છે. આમાં નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈનની પણ મોટી ભૂમિકા રહેશે. તેના માટે રૂ.110 લાખ કરોડ કરતાં વધુનો ખર્ચ કરવામાં આવશે. આ સિવાય અલગ-અલગ ક્ષેત્રોમાં લગભગ 7,000 પ્રોજેક્ટસ ઓળખવામાં આવ્યા છે, કે જેનાથી દેશમાં માળખાગત સુવિધાઓનો એકંદર વિકાસ થશે અને વિકાસને એક નવી દિશા મળશે, એક નવી ગતિ પણ પ્રાપ્ત થશે… અને એટલા માટે જ એવું કહેવામાં આવે છે કે આવા સંકટની ઘડીમાં માળખાગત સુવિધાઓ પર જેટલો ભાર મૂકવામાં આવશે તેના કારણે આર્થિક ગતિવિધિઓ વધતી રહેવાની છે, લોકોને રોજગાર મળી રહેશે અને કામ પણ મળી રહેશે. તેની સાથે જોડાયેલા અનેક કામો એક સાથે ચાલતા હોય છે. નાના મોટા ઉદ્યોગો, ખેડૂતો, દરેક મધ્યમ વર્ગ વગેરેને તેનો ઘણો લાભ થતો હોય છે.

અને આજે હું એક વાત યાદ કરાવવા માંગુ છું… જ્યારે શ્રી અટલ બિહારી વાજપેયીજી આપણાં દેશના પ્રધાનમંત્રી હતા ત્યારે તેમણે સ્વર્ણિમ ચતુર્ભૂજ નામે એક ખૂબ મોટી અને દૂરગામી અસર પેદા કરે તેવી યોજનાનો પ્રારંભ કર્યો હતો. અને દેશના રોડ નેટવર્કને, માળખાગત સુવિધાઓના વિકાસને નેક્સ્ટ જનરેશન સુધી લઈ ગયા હતા. આજે પણ આ સ્વર્ણિમ ચતુર્ભૂજ તરફ દેશ મોટા ગૌરવ સાથે જોઈ રહ્યો છે કે આપણું ભારત બદલાઈ રહ્યું છે તે દેખી રહ્યો છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

અટલજીએ પોતાના સમયમાં આ કામ કર્યું હતું, પરંતુ આપણે હવે તેને આગળ ધપાવવાનું છે. આપણે તેને નવી દિશામાં લઈ જવાનું છે. આપણે ટૂકડાઓમાં ચાલી શકતા નથી. આપણે માળખાગત સુવિધાઓ અને માર્ગોના કામ કરવાના છે. રેલવેના કામ, રેલવેમાં ચાલતા રહેશે… રેલવેને રોડ સાથે કોઈ સંબંધ ના હોય કે પછી રોડને પણ રેલવે સાથે કોઈ સંબંધ ના હોય. એરપોર્ટને પોર્ટ સાથે કોઈ સંબંધ ના હોય કે પછી પોર્ટને એરપોર્ટ સાથે કોઈ સંબંધ ના હોય. રેલવે સ્ટેશનને બસ સાથે સંબંધ ના હોય કે બસને રેલવે સાથે સંબંધ ના હોય તેવી સ્થિતિ નહીં હોવી જોઈએ. હવે આપણી તમામ માળખાગત સુવિધાઓ એક ઘનિષ્ટ પ્રકારે કામ કરતી થાય, સુસંકલિત થાય, એક બીજાને પૂરક બની રહે. રેલવે રોડને પૂરક બની રહે. રોડથી સી-પોર્ટ પૂરક બને, સી-પોર્ટ, પોર્ટ સાથે પૂરક બને. આ એક નવી સદી માટેની આપણી મલ્ટી મોડેલ કનેક્ટીવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જોડવા માટે આગળ ધપવાની વાત છે. આ એક નવુ પાસું બની રહેશે. ખૂબ મોટુ સપનું લઈને આપણે આ કામ શરૂ કર્યું છે અને મને વિશ્વાસ છે કે, ટૂકડાઓમાં કામ કરવાની સ્થિતિ ખતમ કરીને આપણે આ તમામ વ્યવસ્થાને નવી તાકાત આપવાનું કામ કરીશું.

તેની સાથે સાથે આપણાં દરિયા કાંઠા.. વિશ્વ વેપારમાં દરિયા કિનારાઓનું પોતાનું ઘણું મહત્વ હોય છે. જ્યારે અમે બંદર સંચાલિત વિકાસને આગળ લઈને ચાલી રહ્યા છીએ, ત્યારે આપણે આવનાર દિવસોમાં, સમુદ્રી તટના સંપૂર્ણ ભાગોમાં ચાર લેન માર્ગ બનાવવાની દિશામાં એક આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવામાં અમે કામ કરીશું.

મારા વ્હાલા દેશવાસીઓ,

આપણે ત્યાં શાસ્ત્રોમાં એક બહુ મોટી વાત અને બહુ મહત્વપૂર્ણ વાત કહેવામાં આવી છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે – ‘સામર્થ્યમૂલમ સ્વાતંત્ર્યં, શ્રમમૂલં ચ વૈભવં’ અર્થાત કોઈપણ સમાજની, કોઈપણ રાષ્ટ્રની આઝાદીનો સ્ત્રોત તેનું સામર્થ્ય હોય છે.. અને તેનો વૈભવ, ઉન્નતિ, પ્રગતિનો સ્ત્રોત તેની શ્રમ શક્તિ છે. અને એટલા માટે સામાન્ય નાગરિક – શહેર હોય કે ગામ – તેની મહેનતનો કોઈ મુકાબલો નથી. મહેનતુ સમાજને જ્યારે સુવિધાઓ મળી જાય છે, જીવનનો સંઘર્ષ, રોજબરોજની મુસીબતો હળવી થાય છે, તો તેની ઉર્જા, તેની શક્તિ એકદમ ખીલી ઉઠે છે.. બહુ મોટી કમાલ કરીને રહે છે. વિતેલા છ વર્ષોમાં દેશના મહેનતુ નાગરિકોના જીવનને વધુ સારું બનાવવા માટે અનેક અભિયાનો ચલાવવામાં આવ્યા છે. તમે જુઓ બેન્કના ખાતા હોય, પાકા ઘરોની વાત હોય, આટલી મોટી માત્રામાં શૌચાલય બનાવવાનું હોય, દરેક ઘરમાં વીજળીના જોડાણો પહોંચાડવાનું કામ હોય, માતાઓ-બહેનોને ધૂમાડાથી મુક્ત કરાવવા માટે ગેસના જોડાણો આપવાનું કામ હોય, ગરીબમાં ગરીબને વીમા સુરક્ષા આપવાનો પ્રયાસ હોય, પંચ લાખ રૂપિયા સુધી સારામાં સારા દવાખાનામાં મફત ઈલાજ કરાવવા માટે આયુષ્માન ભારત યોજના હોય, કરિયાણાની દુકાનોને ટેકનોલોજી સાથે જોડવાની વાત હોય- દરેક ગરીબ, દરેક વ્યક્તિ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના, સંપૂર્ણ પારદર્શકતા સાથે તેને લાભ પહોંચાડવામાં છેલ્લા છ વર્ષમાં ઘણી સારી રીતે પ્રગતિ કરી છે.

કોરોનાના સંકટમાં પણ આ વ્યવસ્થાઓ વડે ઘણી મદદ મળી રહી છે. આ દરમિયાન કરોડો ગરીબ પરિવારોને મફત ગેસના સિલિન્ડરો પહોંચાડવા.. રૅશન કાર્ડ હોય કે ના હોય, 80 કરોડ કરતાં વધુ મારા દેશવાસીઓના ઘરનો ચૂલો સળગતો રહે.. 80 કરોડ દેશવાસીઓને મફતમાં અનાજ પહોંચાડવાનું કામ હોય, 90 હજાર કરોડ રૂપિયા કરતાં વધુ સીધા બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય – કેટલાક વર્ષો અગાઉ તો વિચારી પણ નહોતા શકતા, કલ્પના જ નહોતા કરી શકતા કે દિલ્હીમાંથી એક રૂપિયો નીકળે અને સો એ સો રૂપિયા ગરીબના ખાતામાં જમા થઈ જાય, તે પહેલા ક્યારેય વિચારી પણ શકાય તેમ નહોતું.

પોતાના જ ગામમાં રોજગાર માટે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શ્રમિક સાથી પોતાની જાતને રી-સ્કિલ કરે, અપ સ્કિલ કરે તેની પર વિશ્વાસ કરીને, શ્રમ શક્તિ પર ભરોસો કરીને, ગામના સંસાધનો પર ભરોસો કરીને, અમે વોકલ ફોર લોકલ પર ભાર મૂકીને રી-સ્કિલ, અપ-સ્કિલ દ્વારા પોતાના દેશની શ્રમ શક્તિને, આપણાં ગરીબોને સશક્ત કરવાની દિશામાં અમે કામ કરી રહ્યા છીએ.

શહેરોમાં આપણાં જે શ્રમિકો છે- કારણ કે આર્થિક ગતિવિધિનું કેન્દ્ર શહેર છે- ગામડાઓમાંથી.. દૂર દૂરથી લોકો શહેરોમાં આવે છે, શેરીના ફેરિયાઓ હોય, ફૂટપાથ પર લારીઓવાળા લોકો હોય, આજે બેન્કોમાંથી તેમને સીધા પૈસા આપવાની યોજના ચાલી રહી છે. લાખો લોકોએ આટલા ઓછા સમયમાં- કોરોનાના કાળખંડમાં – તેનો ફાયદો ઉઠાવ્યો છે. હવે તેમને ક્યાંયથી પણ વધુ વ્યાજ પર પૈસા લેવાની જરૂર નહિ પડે. બેંકથી તેઓ અધિકારપૂર્વક પોતાના પૈસા લઈ શકશે.

તે જ રીતે જ્યારે શહેરમાં આપણાં શ્રમિકો આવે છે, તેમને રહેવાની જો સારી સુવિધા મળી જાય તો તેમની કાર્યદક્ષતામાં પણ ખાસ્સી વૃદ્ધિ થાય છે. અને એ જ વાતને ધ્યાનમાં રાખીને શહેરની અંદર તેમની માટે અમે આવાસની વ્યવસ્થા કરવા એક બહુ મોટી યોજના બનાવી છે, જેથી શહેરની અંદર જ્યારે શ્રમિક આવશે, તે પોતાના કામ માટે મુક્ત મન વડે સંપૂર્ણ વિશ્વાસની સાથે આગળ વધી શકશે.

મારા વ્હાલા દેશવાસીઓ,

એ પણ સત્ય છે કે વિકાસની આ યાત્રામાં પણ આપણે જોયું છે કે જે રીતે સામાજિક જીવનમાં કેટલાક તબક્કાઓ પાછળ રહી જાય છે, ગરીબીમાંથી બહાર નીકળી જ નથી શકતા, તે જ રીતે રાષ્ટ્રીય જીવનમાં પણ કેટલાક ક્ષેત્ર હોય છે, કેટલાક ભૂ-ભાગ હોય છે, કેટલાક વિસ્તારો હોય છે, જે પાછળ રહી જાય છે. આત્મ નિર્ભર ભારત બનાવવા માટે, આપણી માટે સંતુલિત વિકાસ ઘણો જરૂરી છે અને અમે 110 થી વધુ મહત્વાકાંક્ષી જિલ્લાઓ શોધી કાઢ્યા છે. તે 110 જિલ્લાઓને કે જે સરેરાશ કરતાં પાછળ છે, તેમને રાજ્યની અને રાષ્ટ્રની સરેરાશ સુધી લઈ આવવાના છે, બધા જ માપદંડોમાં લાવવાના છે. ત્યાંનાં લોકોને વધુ સારી શિક્ષા મળે, ત્યાંનાં લોકોને વધુ સારી સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય, ત્યાંનાં લોકો માટે રોજગારના સ્થાનિક અવસરો ઉત્પન્ન થાય, અને તેમની માટે અમે સતત આ 110 જિલ્લાઓને, કે જે આપણી વિકાસ યાત્રામાં ક્યાંક પાછળ રહી ગયા છે, તેમને આગળ લઈ જવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ.

મારા વ્હાલા દેશવાસીઓ,

આત્મનિર્ભર ભારતની મહત્વની પ્રાથમિકતા આત્મનિર્ભર કૃષિ અને આત્મનિર્ભર ખેડૂત છે અને તેમને અમે ક્યારેય નજરઅંદાજ નથી કરી શકતા. ખેડૂતોને છેલ્લા કેટલાક સમયમાં આપણે જોયો છે. એક પછી એક સુધારાઓ આઝાદીના આટલા વર્ષો બાદ કરવામાં આવ્યા છે. ખેડૂતને તમામ બંધનોમાંથી મુક્ત કરવો પડશે, તે કામ અમે કરી નાખ્યું છે.

તમે વિચારી પણ નહિ શકતા હોવ, આપણાં દેશમાં જો તમે સાબુ પણ બનાવો છો, તો હિન્દુસ્તાનના તે ખૂણામાં જઈને સાબુ વેચી શકો છો, તમે જો કપડું બનાવો છો, તો હિન્દુસ્તાનના કોઈપણ ખૂણામાં જઈને કપડું વેચી શકો છો, તમે ખાંડ બનાવો, તમે ખાંડ વેચી શકો છો, પરંતુ મારો ખેડૂત – ઘણા લોકોને ખબર નહિ હોય – મારા દેશનો ખેડૂત જે ઉત્પાદન કરતો હતો, ના તો તે પોતાની મરજી મુજબ વેચી શકતો હતો, ના તો પોતાની મરજી મુજબ જ્યાં વેચવા માંગતો હોય ત્યાં વેચી શકતો હતો; તેની માટે જે સીમા નક્કી કરવામાં આવી હતી, ત્યાં જ તેને વેચવું પડતું હતું. તે બધા જ બંધનોને અમે ખતમ કરી દીધા છે.

હવે હિન્દુસ્તાનનો ખેડૂત તે આઝાદીના શ્વાસને લઈ શકશે જેથી કરીને તે હિન્દુસ્તાનના કોઈપણ ખૂણામાં, દુનિયાના કોઈપણ ખૂણામાં પોતાનો માલ વેચવા માંગતો હોય, તે પોતાની શરતો પર વેચી શકશે. અમે ખેડૂતની આવકને વધારવા માટે અનેક વૈકલ્પિક ચીજવસ્તુઓ પર ભાર મૂક્યો છે. તેની ખેતીવાડીમાં થતો ખર્ચો કઈ રીતે ઓછો થાય, સોલર પંપ- તેને ડીઝલ પંપમાંથી મુક્તિ કઈ રીતે અપાવી શકીએ, અન્નદાતા ઉર્જાદાતા કઈ રીતે બને, મધમાખીનો ઉછેર હોય, મત્સ્ય પાલન હોય, મરઘાં ઉછેર હોય, આવી અનેક ચીજવસ્તુઓ તેની સાથે જોડાઈ જાય, જેથી તેની આવક બમણી થઈ જાય, તે દિશામાં અમે સતત કામ કરી રહ્યા છીએ.

આજે સમયની માંગ છે આપણું કૃષિ ક્ષેત્ર આધુનિક બને. મૂલ્યવૃદ્ધિ થાય, મૂલ્ય ઉમેરણ થાય, ખાદ્યાન્ન પ્રક્રિયા થાય, પેકેજિંગની વ્યવસ્થા હોય, તેને સંભાળવાની વ્યવસ્થા હોય, અને એટલા માટે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત છે.

તમે જોયું હશે કે આ કોરોના કાળખંડમાં જ છેલ્લા કેટલાક દિવસોમાં એક લાખ કરોડ રૂપિયા કૃષિ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ભારત સરકારે ફાળવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રકચર કે જે ખેડૂતોના કલ્યાણ માટે હશે અને તેના કારણે ખેડૂત પોતાનું મૂલ્ય પણ પ્રાપ્ત કરી શકશે, દુનિયાના બજારમાં વેચી પણ શકશે, વિશ્વ બજારમાં તેની પહોંચ વધશે.

આજે આપણે ગ્રામીણ ઉદ્યોગોને મજબૂત કરવાની જરૂરિયાત છે. ગ્રામીણ ક્ષેત્રોમાં ખાસ રીતે આર્થિક ક્લસ્ટર બનાવવામાં આવશે. કૃષિ અને બિન કૃષિ ઉદ્યોગોની ગામડાઓની અંદર એક જાળ પાથરવામાં આવશે અને તેના કારણે તેની સાથે સાથે ખેડૂતો માટે જે નવા FPO – ખેડૂત ઉત્પાદક સંઘ બનાવવાનો અમે પ્રયાસ કર્યો છે, તે પોતાનામાં જ એક બહુ મોટા આર્થિક સશક્તિકરણનું કામ કરશે.

ભાઈઓ બહેનો,

મેં ગઈ વખતે અહિયાં આગળ જળ જીવન મિશનની જાહેરાત કરી હતી, આજે તેને એક વર્ષ થવા જઈ રહ્યું છે. હું આજે ગર્વ સાથે કહી શકું છું કે જે અમે સપનું લીધું છે કે પીવાનું ચોખ્ખું પાણી, ‘નળથી જળ’ આપણાં દેશવાસીઓને મળવું જોઈએ, સ્વાસ્થ્યની સમસ્યાઓનું સમાધાન પણ પીવાના ચોખ્ખા પાણી સાથે જોડાયેલું હોય છે. અર્થવ્યયવસ્થામાં પણ તેનું ઘણું મોટું યોગદાન હોય છે.. અને તેને લઈને જળ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું છે.

આજે મને સંતોષ છે કે દરરોજ અમે એક લાખ કરતાં વધુ ઘરોમાં – પ્રતિદિન એક લાખથી વધુ ઘરોમાં પાણી પહોંચાડી રહ્યા છીએ.. પાઇપ વડે પાણી પહોંચાડી રહ્યા છીએ. અને છેલ્લા એક વર્ષમાં 2 કરોડ પરિવારો સુધી અમે પાણી પહોંચાડવામાં સફળ રહ્યા છીએ. અને ખાસ કરીને જંગલોમાં દૂર દૂર રહેનારા આપણાં આદિવાસીઓના ઘરો સુધી જળ પહોંચાડવાનું કામ.. બહુ મોટું અભિયાન ચાલ્યું છે. અને મને ખુશી છે કે આજે ‘જળ-જીવન મિશને’ દેશમાં એક તંદુરસ્ત સ્પર્ધાનો માહોલ પણ બનાવ્યો છે. જિલ્લા જિલ્લાની વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થઈ રહી છે, નગર નગરની વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થઈ રહી છે, રાજ્ય રાજ્યની વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થઈ રહી છે. દરેક વ્યક્તિને લાગી રહ્યું છે કે પ્રધાનમંત્રી ‘જળ જીવન મિશન’નું આ જે સપનું છે, તેને આપણે જલ્દીથી જલ્દી આપણાં ક્ષેત્રમાં પૂરું કરીશું. સહયોગાત્મક સ્પર્ધાત્મક સંઘવાદની એક નવી તાકાત જળ જીવન મિશનની સાથે જોડાઈ ગઈ છે અને તેની સાથે અમે પણ આગળ વધી રહ્યા છીએ.

 

મારા વ્હાલા દેશવાસીઓ,

ભલે આપણું કૃષિ ક્ષેત્ર હોય, કે આપણાં લઘુ ઉદ્યોગોનું ક્ષેત્ર હોય, કે પછી આપણાં નોકરી ધંધા કરતાં સમાજના લોકો હોય, આ લગભગ લગભગ બધા લોકો એક રીતે ભારતનો બહુ મોટો મધ્યમ વર્ગ છે. અને મધ્યમ વર્ગમાંથી નીકળેલા વ્યવસાયિકો આજે દુનિયામાં પોતાનો ડંકો વગાડી રહ્યા છે. મધ્યમ વર્ગમાંથી નીકળીને આપણાં ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, વકીલ, વિજ્ઞાનીઓ બધા જ લોકો દુનિયાની અંદર પોતાના નામનો ડંકો વગાડી રહ્યા છે. અને એટલા માટે એ વાત સાચી છે કે મધ્યમ વર્ગને જેટલા અવસરો મળ્યા છે, તે અનેક ગણી તાકાત સાથે ઉપસીને બહાર આવે છે. અને એટલા માટે મધ્યમ વર્ગને સરકારી દરમિયાનગીરીમાંથી મુક્તિ જોઈએ છે, મધ્યમ વર્ગને અનેક નવા અવસરો જોઈએ છે, તેમને ખુલ્લુ મેદાન જોઈએ અને અમારી સરકાર સતત મધ્યમ વર્ગના આ સપનાઓને પૂરા કરવા માટે કામ કરી રહી છે. મધ્યમ વર્ગ ચમત્કારો સર્જવાની તાકાત ધરાવે છે. જીવન જીવવાની સરળતા.. તેનો સૌથી મોટો લાભ કોઈને થવાનો છે તો મારા મધ્યમ વર્ગના પરિવારોને થવાનો છે. સસ્તા ઇન્ટરનેટની વાત હોય, ભલે સસ્તા સ્માર્ટફોનની વાત હોય કે ઉડાન અંતર્ગત વિમાન યાત્રાની ટિકિટોની કિંમતો ખૂબ લઘુત્તમ થઈ જવાની વાત હોય કે આપણાં ધોરીમાર્ગો હોય, ઇન્ફોર્મેશન વેઝ હોય- આ બધી જ વસ્તુઓ મધ્યમ વર્ગની તાકાતને વધારનારી છે. આજે તમે જોયું હશે મધ્યમ વર્ગમાં જે ગરીબીમાંથી બહાર નીકળે છે, તેનું સૌપ્રથમ સપનું હોય છે પોતાનું ઘર હોવું જોઈએ, તે એક બરાબરીની જિંદગી જીવવા ઈચ્છે છે. દેશમાં બહુ મોટું કામ અમે EMI ના ક્ષેત્રમાં કર્યું છે અને તેના કારણે ઘરની લોન સસ્તી થઈ અને જ્યારે એક ઘર માટે કોઈ લોન લે છે તો લોન પૂરી કરતાં કરતાં આશરે 6 લાખ રૂપિયા સુધીની તેને છૂટ મળી જાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં ધ્યાનમાં આવ્યું હતું કે ખૂબ ગરીબ મધ્યમ વર્ગના પરિવારોએ પૈસા લગાવ્યા છે પરંતુ યોજનાઓ પૂરી ના થવાના કારણે પોતાનું ઘર નથી મળી રહ્યું.. ભાડા ભરવા પડી રહ્યા છે. ભારત સરકારે 25 હજાર કરોડ રૂપિયાનું વિશેષ ભંડોળ બનાવીને આ જે અડધા પડધાં ઘરો છે, તેમને પૂરા કરીને મધ્યમ વર્ગીય પરિવારોને ઘર મળી જાય.. તેની માટે અમે હવે પગલાં ભર્યા છે.

GST માં ખૂબ ઝડપથી ટેક્સેશન ઓછું થયું છે, આવક વેરો ઓછો થયો છે. આજે ઓછામાં ઓછી તે પ્રકારની વ્યવસ્થાઓ સાથે અમે દેશને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સહકારી બેન્કોને આરબીઆઇ સાથે જોડવી.. તે પોતાનામાં જ મધ્યમ વર્ગીય પરિવારોના પૈસાને સુરક્ષિત રાખવાની બાહેંધરી સાથે જોડાયેલ કામ છે.

MSME ક્ષેત્રમાં જે સુધારાઓ થયા છે, કૃષિ ક્ષેત્રમાં જે સુધારાઓ થયા છે, તેનો સીધે સીધો લાભ આપણાં આ મધ્યમ વર્ગીય મહેનતુ પરિવારોને જવાનો છે અને તેના કારણે હજારો કરોડો રૂપિયાનું વિશેષ ભંડોળ, આજે જે આપણાં વેપારી બંધુઓને, આપણાં લઘુ ઉદ્યોગકારોને આપણે આપી રહ્યા છીએ, તેમને આનો લાભ મળવાનો છે. સામાન્ય ભારતીયની શક્તિ, તેની ઉર્જા આત્મનિર્ભર ભારત અભિયાનનો એક બહુ મોટો આધાર છે. આ તાકાતને જાળવી રાખવા માટે પ્રત્યેક સ્તર પર સતત કામ ચાલી રહ્યું છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

આત્મનિર્ભર ભારતના નિર્માણમાં, આધુનિક ભારતના નિર્માણમાં, નવા ભારતના નિર્માણમાં, સમૃદ્ધ અને ખુશહાલ ભારતના નિર્માણમાં, દેશની શિક્ષણ વ્યવસ્થાનું ઘણું મોટું મહત્વ છે. આ જ વિચારધારા સાથે દેશને ત્રણ દાયકા બાદ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપવામાં અમે આજે યશસ્વી બન્યા છીએ.

હિન્દુસ્તાનના દરેક ખૂણામાં તેના સ્વાગતના સમાચાર એક નવી ઉર્જા, એક નવો વિશ્વાસ અપાવી રહ્યા છે. આ શિક્ષણ.. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણાં વિદ્યાર્થીઓને મૂળ સાથે જોડશે. પરંતુ સાથે સાથે તેમને એક વૈશ્વિક નાગરિક બનવા માટેનું પણ સંપૂર્ણ સામર્થ્ય આપશે. તે મૂળ સાથે જોડાયેલો રહેશે પરંતુ તેનું માથું આકાશની ઊંચાઈઓને સ્પર્શતું રહેશે.

આજે તમે જોયું હશે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એક વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે- રાષ્ટ્રીય સંશોધન સંસ્થાન ઉપર. કારણ કે દેશને પ્રગતિ કરવા માટે ઇનોવેશન ખૂબ જરૂરી હોય છે. ઇનોવેશનને જેટલું પ્રોત્સાહન મળશે.. સંશોધનને જેટલું પ્રોત્સાહન મળશે, તેટલું જ દેશને આગળ લઈ જવામાં.. સ્પર્ધાત્મક વિશ્વમાં આગળ વધવામાં ઘણી તાકાત મળશે.

તમે ક્યારેય શું વિચાર્યું હશે કે આટલી ઝડપથી ગામડાઓ સુધી ઓનલાઈન ક્લાસ.. આટલી ઝડપથી આવો માહોલ બની જશે. ક્યારેક ક્યારેક આપદાઓના સમયમાં પણ એવી કેટલીક વસ્તુઓ બહાર ઉપસીને આવી જાય છે, નવી તાકાત આપી દે છે અને એટલા માટે તમે જોયું હશે કોરોના કાળમાં ઓનલાઈન ક્લાસીસ એક રીતે કલ્ચર બની ગયા છે.

તમે જુઓ, ઓનલાઈન ડિજિટલ ટ્રાન્ઝેક્શન.. તે પણ કઈ રીતે વધી રહ્યા છે. BHIM UPI જો એક મહિનામાં..  એટલે કે કોઈને પણ ગર્વ થશે કે ભારત જેવા દેશમાં યુપીઆઈ ભીમ દ્વારા એક મહિનામાં  3 લાખ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે. આજે પોતાનામાં જ આપણે કઈ રીતે બદલાયેલી સ્થિતિઓનો સ્વીકાર કરવા લાગ્યા છીએ, આ તેનું ઉદાહરણ છે.

તમે જુઓ છો 2014 પહેલા આપણાં દેશમાં 5 ડઝન પંચાયતોમાં ઓપ્ટિકલ ફાયબર હતા. છેલ્લા 5 વર્ષમાં દોઢ લાખ ગ્રામ પંચાયતો સુધી ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક પહોંચી ગયું છે.. જે આજે આટલી મદદ કરી રહ્યું છે. બધી જ પંચાયતોમાં પહોંચવાના લક્ષ્ય સાથે અમે કામ શરૂ કર્યું હતું. જે એક લાખ પંચાયતો બાકી છે, ત્યાં આગળ પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે. પરંતુ બદલાયેલી પરિસ્થિતિઓમાં ગામડાઓની પણ ડિજિટલ ભાગીદારી અનિવાર્ય રીતે વધી ગઈ છે.. ગામના લોકોને પણ આ રીતની ઓનલાઈન સુવિધાઓની જરૂરિયાત વધી ગઈ છે. તેને ધ્યાનમાં રાખીને પહેલા અમે જે કાર્યક્રમ બનાવ્યો હતો, દરેક પંચાયત સુધી પહોંચીશું.. પરંતુ આજે હું તમને જણાવવા માંગુ છું કે અમે નક્કી કર્યું છે કે બધા જ છ લાખથી વધુ જે આપણાં ગામડાઓ છે, તે બધા જ ગામડાઓમાં ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક પહોંચાડવામાં આવે. જરૂરિયાત બદલાઈ છે તો અમે પ્રાથમિકતા પણ બદલી છે. છ લાખથી વધુ ગામડાઓમાં હજારો લખો કિલોમીટર ઓપ્ટિકલ ફાયબરનું કામ ચલાવવામાં આવશે અને અમે નક્કી કર્યું છે કે 1000 દિવસોમાં.. 1000 દિવસોની અંદર અંદર દેશના છ લાખથી વધુ ગામડાઓમાં ઓપ્ટિકલ ફાયબર નેટવર્કનું કામ પૂરું કરી દેવામાં આવશે.

બદલાતી ટેકનોલોજીમાં સાયબર સ્પેસ ઉપર આપણી નિર્ભરતા વધતી જ જવાની છે પરંતુ સાયબર સ્પેસ સાથે જોખમો પણ સંકળાયેલા છે. દુનિયા ખૂબ સારી રીતે તેનાથી પરિચિત છે અને તેનાથી દેશના સામાજિક તાંતણા, આપણી અર્થવ્યવસ્થા અને આપણાં દેશના વિકાસ ઉપર પણ જોખમો ઉત્પન્ન કરવા માટે આ એક સરળ માર્ગ બની શકે તેમ છે.. અને એટલા માટે ભારત તેનાથી ખૂબ જ સાવચેત છે. ભારત ખૂબ સતર્ક છે અને આ જોખમોનો સામનો કરવા માટેના નિર્ણયો લઈ રહ્યો છે. એટલું જ નહિ, નવી વ્યવસ્થાઓ પણ સતત વિકસિત કરવામાં આવી રહી છે. ખૂબ જ ટૂંક સમયમાં નવી સાયબર સુરક્ષા નીતિ- તેનું એક આખું માળખું દેશની સામે આવશે. આવનારા સમયમાં બધા જ માનાંકો જોડીને.. આ સાયબર સુરક્ષાની અંદર આપણે બધાએ એક સાથે ચાલવું પડશે. તેની માટે આગળ વધવા માટે રણનીતિ બનાવવામાં આવશે.

મારા વ્હાલા દેશવાસીઓ,

ભારતમાં મહિલા શક્તિને જ્યારે જ્યારે પણ અવસર મળ્યો, તેમણે દેશનું નામ રોશન કર્યું છે, દેશને મજબૂતી આપી છે. મહિલાઓને રોજગાર અને સ્વ-રોજગારના સમાન અવસર આપવા માટે આજે દેશ પ્રતિબદ્ધ છે. આજે ભારતમાં મહિલાઓ જમીનની અંદર કોલસાની ખાણોમાં કામ કરી રહી છે. આજે મારા દેશની દીકરીઓ ફાઇટર પ્લેન પણ ઉડાવીને આકાશની બુલંદીઓને સ્પર્શી રહી છે. આજે ભારત દુનિયાના તે દેશોમાંથી છે જ્યાં નૌકાદળ અને વાયુસેનામાં મહિલાઓને કોમ્બેટ રોલમાં સામેલ કરવામાં આવી રહી છે. ગર્ભવતી મહિલાઓને પગારની સાથે 6 મહિનાની રજા આપવાના નિર્ણયની વાત હોય, આપણાં દેશની મહિલાઓ જે ત્રણ તલાકથી પીડિત રહેતી હતી, તેવી આપણી મુસ્લિમ બહેનોને મુક્તિ અપાવવાની.. આઝાદી અપાવવાનું કામ હોય, મહિલાઓના આથિક સશક્તિકરણની વાત હોય, 40 કરોડ જે જન ધન ખાતા ખોલવામાં આવ્યા છે તેમાં 22 કરોડ ખાતા આપણી બહેનોના છે.. કોરોના કાળમાં આશરે 30 હજાર કરોડ રૂપિયા આ બહેનોના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યા છે. મુદ્રા લોન.. 25 કરોડની આસપાસ મુદ્રા લોન આપવામાં આવી છે, તેમાં 70 ટકા મુદ્રા લોન લેનારી આપણી માતાઓ બહેનો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે પોતાનું ઘર મળી રહ્યું છે તેમાં મોટાભાગની નોંધણી પણ મહિલાઓના નામે થઈ રહી છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

ગરીબ બહેન દિકરીઓના વધુ સારા સ્વાસ્થ્ય ની પણ ચિંતા આ સરકાર સતત કરી રહી છે. અમે જન ઔષધિ કેન્દ્રોની અંદર એક રૂપિયામાં સેનિટરી પેડ પહોંચાડવા માટે ઘણું કામ કર્યું છે. 6 હજાર જન ઔષધિ કેન્દ્રોમાં છેલ્લા કેટલાક જ સમયમાં, આશરે 5 કરોડથી વધુ સેન્ટરી પેડ આપણી આ ગરીબ મહિલાઓ સુધી પહોંચી ચૂક્યા છે.

દિકરીઓમાં કુપોષણ નાબૂદ થાય, તેમના લગ્નની યોગ્ય ઉંમર શું હોવી જોઈએ, તેની માટે અમે કમિટી બનાવી છે. તેનો અહેવાલ આવતાની સાથે જ દિકરીઓના લગ્નની ઉંમર અંગે પણ યોગ્ય નિર્ણયો લેવામાં આવશે.

મારા વ્હાલા દેશવાસીઓ,

આ કોરોનાના કાળખંડમાં આરોગ્ય ક્ષેત્ર તરફ ધ્યાન જવું ખૂબ સ્વાભાવિક છે અને એટલા માટે આત્મનિર્ભર અંગેની સૌથી મોટી શિક્ષા આપણને આરોગ્ય ક્ષેત્રએ આ સંકટના સમયમાં શીખવાડી દીધી છે. અને તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે આગળ પણ વધવાનું છે.

તમે જુઓ, કોરોના સમયમાં, તેની અગાઉ આપણાં દેશમાં માત્ર એક લેબ હતી ટેસ્ટિંગ માટે, આજે 1400 લેબનું નેટવર્ક છે.. હિન્દુસ્તાનના દરેક ખૂણામાં ફેલાયેલ છે. જ્યારે કોરોના સંકટ આવ્યું હતું તો એક દિવસમાં માત્ર 300 ટેસ્ટ થઈ શકતા હતા. આટલા ઓછા સમયમાં આપણાં લોકોએ તે શક્તિ દેખાડી દીધી છે કે આજે દરરોજ 7 લાખથી વધુ ટેસ્ટ આપણે કરી શકીએ છીએ.. ક્યાં 300 થી શરૂઆત કરી હતી અને ક્યાં આપણે આજે 7 લાખ સુધી પહોંચી ગયા છીએ.

દેશમાં નવા એઇમ્સ, નવી મેડિકલ કોલેજોનું નિર્માણ, આધુનિકરણની દિશામાં સતત પ્રયાસ.. તે અમે કરી રહ્યા છીએ. પાંચ વર્ષમાં MBBS, MD માં 45 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે બેઠકોમાં વધારો કરવામાં આવ્યો છે. ગામમાં દોઢ લાખથી વધુ આરોગ્ય કલ્યાણ કેન્દ્રો.. અને તેમાંથી આશરે એક તૃતીયાંશ તો પહેલેથી કાર્યરત થઈ ચૂક્યા છે. કોરોના કાળમાં આરોગ્ય કલ્યાણ કેન્દ્રોની ભૂમિકાએ ગામડાઓની ઘણી મોટી મદદ કરી છે.

સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આજથી એક ઘણું મોટું અભિયાન શરૂ થઈ રહ્યું છે અને તેમાં ટેકનોલોજીની પણ ઘણી મોટી ભૂમિકા રહેશે. આજથી નેશનલ ડિજિટલ હેલ્થ મિશનનો પણ પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં તે એક નવી ક્રાંતિ લાવશે… સારવારમાં પડી રહેલી તકલીફો ઘટાડવા માટે ટેકનોલોજીનો ખૂબ સમજી-વિચારીને ઉપયોગ થશે.

પ્રત્યેક ભારતીયને હેલ્થ આઈડી આપવામાં આવશે. આ હેલ્થ આઈડી પ્રત્યેક ભારતીયના સ્વાસ્થ્ય ખાતાની જેમ કામ કરશે. તમારા પ્રત્યેક ટેસ્ટ, પ્રત્યેક બીમારી… તમે કયા ડોક્ટર પાસેથી, કઈ દવા લીધી હતી, તેમણે શું નિદાન કર્યું હતું, ક્યારે દવા લીધી હતી, તેમનો રિપોર્ટ શું હતો, આ તમામ જાણકારી તમારા આ હેલ્થ આઈડીમાં સામેલ કરાશે. ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ હોય, નાણાં જમા કરવા હોય, હોસ્પિટલમાં પહોંચ બનાવવા માટેની ભાગદોડ હોય, આ તમામ તકલીફો… નેશનલ ડિજિટલ હેલ્થ મિશનના માધ્યમથી અનેક મુશ્કેલીઓમાંથી છૂટકારો મળશે અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે દેશનો દરેક નાગરિક સાચો નિર્ણય કરી શકશે. એવી વ્યવસ્થા ગોઠવાવાની છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

જ્યારે પણ કોરોનાની વાત આવે છે, ત્યારે એક વાત સ્વાભાવિક છે, દરેકના મનમાં સવાલ હોય છે, કોરોનાની વેક્સિન (રસી) ક્યારે તૈયાર થશે… આ સવાલ પ્રત્યેકના મનમાં છે, સમગ્ર દુનિયામાં છે.

હું આજે દેશવાસીઓને કહેવા માંગું છું કે આપણા દેશના વૈજ્ઞાનિકો.. આપણા વૈજ્ઞાનિકોની પ્રતિભા એક ઋષિ-મુનિ જેવી છે.. તેઓ લેબોરેટરીમાં સખત મહેનત કરી રહ્યા છે. અખંડ, એકનિષ્ઠ તપસ્યા કરી રહ્યા છે, ભારે પરિશ્રમ કરી રહ્યા છે. અને ભારતમાં એક નહીં, બે નહીં, ત્રણ-ત્રણ વેક્સિન પરીક્ષણના અલગ – અલગ તબક્કામાં છે. વૈજ્ઞાનિકો જ્યારે મંજૂરી આપશે, મોટા પાયે ઉત્પાદન થશે અને તેની તૈયારીઓ પણ સંપૂર્ણપણે થઈ ચૂકી છે… અને ઝડપભેર પ્રોડક્શન સાથે વેક્સિન પ્રત્યેક ભારતીય સુધી ઓછામાં ઓછા સમયમાં કેવી રીતે પહોંચે, તેનું માળખું પણ તૈયાર છે… તેની યોજના પણ તૈયાર છે.

  

મારા વ્હાલા દેશવાસીઓ,

આપણા દેશમાં અલગ – અલગ જગ્યાએ વિકાસનું અલગ – અલગ ચિત્ર છે. કેટલાંક પ્રદેશો ઘણા આગળ છે, કેટલાંક પ્રદેશો ઘણા પાછળ છે. આ અસંતુલન આત્મનિર્ભર ભારત સામે એક મહત્ત્વપૂર્ણ પડકાર… હું માનું છું. અને એટલે જ જે મેં શરૂઆતમાં કહ્યું, 110 આકાંક્ષી જિલ્લાઓ ઉપર અમે ભાર મૂકી રહ્યા છીએ. તેમને વિકાસની બરાબરીમાં લાવવા માગીએ છીએ. વિકાસની ઈકોસિસ્ટમ બનાવવી, કનેક્ટિવિટી સુધારવી – એ અમારી પ્રાથમિકતા છે.

હવે તમે જુઓ, હિન્દુસ્તાનનો પશ્ચિમી વિસ્તાર અને હિન્દુસ્તાનનો મધ્યથી માંડીને પૂર્વીય વિસ્તાર, પૂર્વીય ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય, બંગાળ હોય, નોર્થ-ઈસ્ટ હોય, ઓડિશા હોય… આ તમામ આપણા ક્ષેત્ર છે, અપાર સંપત્તિ છે, પ્રાકૃતિક સંપત્તિનો ભંડાર છે. અહીંના લોકો સક્ષમ છે, શક્તિવાન છે, પ્રતિભાવાન છે પરંતુ તકોના અભાવે આ પ્રદેશોમાં અસંતુલન રહ્યું છે. અને એટલે અમે અનેક નવાં પગલાં લીધાં, ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર હોય, પૂર્વમાં ગેસ પાઈપલાઈનથી જોડવાની વાત હોય, નવા રસ્તા-રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવાના હોય, ત્યાં નવાં પોર્ટ બનાવવાનાં હોય… એટલે કે એક પ્રકારે સંપૂર્ણ વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું જે નવું માળખું હોવું જોઈએ, તેને સર્વાંગી રીતે આપણે વિકસિત કરી રહ્યા છીએ…

તે જ રીતે લેહ-લદ્દાખ, કારગિલ, જમ્મુ-કાશ્મીર… આ ક્ષેત્ર એક રીતે આ પ્રદેશને એક વર્ષ અગાઉ કલમ 370થી આઝાદી મળી ચૂકી છે.. એક વર્ષ પૂરું થઈ ચૂક્યું છે. આ એક વર્ષ જમ્મુ-કાશ્મીરની એક નવી વિકાસ યાત્રાનો મહત્ત્વપૂર્ણ મુકામ છે. આ એક વર્ષ અહીંની મહિલાઓને, દલિતોને, મૂળભૂત અધિકારો આપનારો સમય રહ્યો છે. આ સમય આપણા શરણાર્થીઓને ગૌરવપૂર્ણ જીવન જીવવાનું પણ એક વર્ષ રહ્યું છે. વિકાસના લાભ ગામ અને ગરીબ સુધી પહોંચાડવા માટે બેક ટુ વિલેજ જેવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. આયુષ્માન યોજનાનો આજે વધુ સારી રીતે જમ્મુ-કાશ્મીર તેમજ લદ્દાખના વિસ્તારોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

લોકશાહીની મજબૂતી, લોકશાહીની સાચી તાકાત આપણે ચૂંટેલાં સ્થાનિક એકમોમાં છે. આપણા સહુ માટે ગર્વની વાત છે કે જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક એકમોના જનપ્રતિનિધિ સક્રિયતા અને સંવેદનશીલતા સાથે વિકાસના નવા યુગ તરફ આગળ વધી રહ્યા છે. હું તેમના તમામ પંચ-સરપંચોને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન આપું છું… વિકાસ યાત્રામાં તેમની સક્રિય ભાગીદારી માટે.

જમ્મુ-કાશ્મીરમાં સીમાંકનની પ્રક્રિયા ચાલી રહી છે. સુપ્રિમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિના નેતૃત્વમાં સીમાંકનનું કામ હાથ ધરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ સીમાંકનનું કામ પૂરું થતાં જ ભવિષ્યમાં ત્યાં ચૂંટણી યોજાશે, જમ્મુ-કાશ્મીરના એમએલએ હશે, જમ્મુ-કાશ્મીરના મંત્રીઓ હશે, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી હશે… નવી ઉર્જા સાથે વિકાસના માર્ગ ઉપર આગળ વધે, તે માટે દેશ પ્રતિબદ્ધ પણ છે અને પ્રયત્નશીલ પણ છે.

લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવીને વર્ષો જૂની તેમની જે માગ હતી, તેમની જે ઈચ્છા હતી, તે ઈચ્છા અમે પૂરી કરવાનો.. તેમને સન્માનભેર બનાવવાનું એક ઘણું મોટું કામ કર્યું છે. હિમાલયની ઊંચાઈઓમાં વસેલું લદ્દાખ વિકાસના નવા શિખર તરફ આગળ વધી રહ્યું છે. હવે ત્યાં સેન્ટ્રલ યુનિવર્સિટી બની રહી છે. નવાં રિસર્ચ સેન્ટર્સ બની રહ્યાં છે, હોટેલ, મેનેજમેન્ટના કોર્સીઝ ત્યાં ચાલી રહ્યા છે. વીજળી માટે સાડા સાત હજાર મેગાવોટના સોલાર પાર્કના નિર્માણની યોજના ઘડાઈ રહી છે, પરંતુ મારા વ્હાલા દેશવાસીઓ, લદ્દાખની ઘણી વિશેષતાઓ છે, તે વિશેષતાઓને પણ આપણે સાચવવાની છે, તેનું જતન પણ કરવાનું છે. અને જેમ સિક્કિમે.. આપણા નોર્થ-ઈસ્ટમાં સિક્કિમે ઓર્ગેનિક સ્ટેટ તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી છે, તે જ રીતે, લદ્દાખ, લેહ, કારગિલનો સમગ્ર વિસ્તાર આપણા દેશ માટે કાર્બન ન્યુટ્રલ એકમ તરીકે આપણી ઓળખ બની શકે છે. અને તે માટે ભારત સરકાર ત્યાંના નાગરિકો સાથે મળીને એક નમૂનારૂપ, પ્રેરણારૂપ, કાર્બન ન્યુટ્રલ વિકાસનું મોડેલ, ત્યાંની આવશ્યકતાઓ પૂરી કરે તેવું મોડેલ… તે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.

મારા પ્યારા દેશવાસીઓ,

ભારતે બતાવ્યું છે કે પર્યાવરણ સાથે સંતુલન રાખીને પણ ઝડપી વિકાસ સંભવ છે. આજે ભારત વન વર્લ્ડ, વન સન, વન ગ્રિડના વિઝન સાથે સમગ્ર દુનિયાને ખાસ કરીને સૌર ઉર્જાના ક્ષેત્રમાં પ્રેરણારૂપ બન્યો છે.

રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન બાબતે આજે દુનિયાના ટોચના પાંચ દેશોમાં ભારતે પોતાનું સ્થાન જમાવ્યું છે. પ્રદૂષણના ઉપાયો માટે ભારત સજાગ પણ છે અને ભારત સક્રિય પણ છે. સ્વચ્છ ભારત અભિયાન હોય, ધુમાડા મુક્ત રાંધણ ગેસની વ્યવસ્થા હોય, એલઈડી બલ્બ અભિયાન હોય, સીએનજી આધારિત ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોય, ઈલેક્ટ્રિક મોબિલિટી માટે પ્રયાસ હોય, આપણે કોઈ કસર નથી છોડી રહ્યા. પેટ્રોલ દ્વારા ફેલાતું પ્રદૂષણ ઘટાડવા માટે આપણે ઈથેનોલ ઉત્પાદન વધારવા અને તેના વપરાશ ઉપર ભાર મૂકી રહ્યા છીએ. પાંચ વર્ષ પહેલા આપણા દેશમાં ઈથેનોલની શું સ્થિતિ હતી… પાંચ વર્ષ અગાઉ આપણા દેશમાં 40 કરોડ લીટર ઉત્પાદન થતું હતું. આજે પાંચ વર્ષમાં ઉત્પાદન પાંચ ગણું થઈ ગયું છે.. અને આજે 200 લીટર ઈથેનોલનું આપણા દેશમાં ઉત્પાદન થાય, જે પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

દેશનાં 100 શહેરોમાં.. પસંદ કરાયેલાં 100 શહેરોમાં, પ્રદૂષણ ઘટાડવા માટે આપણે એક હોલિસ્ટિક એપ્રોચ સાથે, એક ઈન્ટીગ્રેટેડ એપ્રોચ સાથે એક જનભાગીદારી સાથે, આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને આપણે તેને પ્રદૂષણ ઘટાડવાની દિશામાં.. એક મિશન મોડમાં કામ કરવાના છીએ.

મારા વ્હાલા દેશવાસીઓ,

ભારત એ વાત ગૌરવભેર કહી શકે છે… ભારત એવા જૂજ દેશોમાં સ્થાન ધરાવે છે, જ્યાં જંગલો વધી રહ્યા છે. પોતાની જૈવવિવિધતાના સંરક્ષણ અને સંવર્ધન માટે ભારત સંપૂર્ણપણે સંવેદનશીલ છે. આપણે સફળતાપૂર્વક પ્રોજેક્ટ ટાઈગર, પ્રોજેક્ટ એલિફન્ટ.. આપણે સફળતાપૂર્વક આગળ વધાર્યા છે. આપણે ત્યાં વાઘની વસ્તી વધી છે. હવે આવનારા દિવસોમાં એશિયાટિક લાયન માટે પ્રોજેક્ટ લાયનની શરૂઆત થઈ રહી છે. અને પ્રોજેક્ટ લાયન ભારતીય શહેરોની રક્ષા, સુરક્ષા, જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર… અને ખાસ કરીને, તેમના માટે જે આવશ્યક હોય તેવા ખાસ પ્રકારના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ કામ કરવામાં આવશે. અને પ્રોજેક્ટ લાયન ઉપર ભાર મૂકવામાં આવશે.

સાથે સાથે વધુ એક કામને પણ આપણે પ્રોત્સાહન આપવા માગીએ છીએ અને તે છે – પ્રોજેક્ટ ડોલ્ફિન હાથ ધરાશે. નદીઓમાં તેમજ સમુદ્રમાં રહેનારી બંને પ્રકારની ડોલ્ફિન્સ ઉપર આપણે ધ્યાન આપીશું. તેમની જૈવવિવિધતા ઉપર પણ ભાર મૂકાશે અને રોજગારની તકો પણ મળશે. તે ટુરિઝમના આકર્ષણનું કેન્દ્ર પણ હોય છે.. તો એ દેશામાં પણ આપણે આગળ વધવાના છીએ.                                    

મારા વ્હાલા દેશવાસીઓ,

જ્યારે આપણે એક અસાધારણ લક્ષ્ય સાથે અસાધારણ યાત્રા ઉપર નીકળીએ છીએ તો રસ્તામાં અનેક પડકારો હોય છે અને પડકારો પણ અસામાન્ય હોય છે. આટલી આપત્તિઓ વચ્ચે સરહદ ઉપર પણ દેશના સામર્થ્યને પડકારવાના દુષ્પ્રયાસ થયા છે. પરંતુ એલઓસીથી માંડીને એલએસી સુધી દેશની સંપ્રભુતા ઉપર જે કોઈએ પણ આંખ ઊંચી કરી છે, દેશની સેનાએ આપણા વીર–જવાનોએ તેમનો તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે.

ભારતના સાર્વભૌમત્વની રક્ષા માટે સમગ્ર દેશમાં એક જુસ્સો ભરેલો છે, સંકલ્પથી પ્રેરિત છે અને સામર્થ્ય ઉપર અતૂટ શ્રદ્ધા સાથે આગળ વધી રહ્યો છે. આ સંકલ્પ માટે આપણા વીર–જવાન શું કરી શકે છે, દેશ શું કરી શકે છે.. તે લદ્દાખમાં દુનિયાએ જોઈ લીધું છે. હું આજે માતૃભૂમિ ઉપર ન્યૌચ્છાવર એ તમામ વીર–જવાનોને લાલ કિલ્લા ઉપરથી આદરપૂર્વક નમન કરું છું.

આતંકવાદ હોય, કે વિસ્તારવાદ, ભારત આજે ભારે ટક્કર આપી રહ્યું છે. આજે દુનિયાનો ભારત ઉપર વિશ્વાસ વધુ મજબૂત થયો છે. પાછલા દિવસોમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સદસ્ય તરીકે 192માંથી 184… એકસો બાણુંમાંથી એકસો ચોર્યાશી દેશોનું ભારતને સમર્થન મળવું, એ પ્રત્યેક હિન્દુસ્તાની માટે ગર્વની વાત છે. વિશ્વમાં આપણે આપણી કેવી પહોંચ બનાવી છે, તેનું આ ઉદાહરણ છે. અને તે ત્યારં જ સંભવ થાય છે, જ્યારે ભારત પોતે મજબૂત હોય, ભારત સશક્ત હોય, ભારત સુરક્ષિત હોય, આ જ વિચાર સાથે આજે અનેક મોરચે કામ કરવામાં આવી રહ્યું છે.

મારા પ્યારા દેશવાસીઓ,

આપણા પાડોશી દેશો સાથે, તેઓ આપણી સાથે જમીનથી જોડાયેલા હોય કે સમુદ્ર માર્ગે, આપણાં સંબંધોને આપણે સુરક્ષા, વિકાસ અને વિશ્વાસની મેળવણીથી જોડી રહ્યા છીએ. ભારતનો સતત પ્રયાસ છે કે આપણા પાડોશી દેશો સાથે આપણે પોતાના સદીઓ જૂના સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક સંબંધો વધુ ગહન બનાવીએ. દક્ષિણ એશિયામાં દુનિયાની એક ચતુર્થાંશ વસ્તી રહે છે. આપણે સંયોગ અને ભાગીદારીથી આટલી મોટી વસ્તીના વિકાસ અને સમૃદ્ધિની અસંખ્યા સંભાવનાઓ સર્જી શકીએ છીએ. આ ક્ષેત્રના દેશોના તમામ નેતાઓની આ વિશાળ વસ્તીના વિકાસ તેમજ પ્રગતિ માટે ઘણી મોટી જવાબદારી છે, એક મહત્ત્વની જવાબદારી છે. તેને નિભાવવા માટે દક્ષિણ એશિયાના આ તમામ ક્ષેત્રના તમામ લોકોના રાજનેતાઓના, સાંસદોના, બુદ્ધિજીવિઓનું પણ હું આહ્વાાન કરું છું. આ સમગ્ર ક્ષેત્રમાં જેટલી શાંતિ હશે, જેટલો ભાઈચારો હશે, એટલું જ માનવતાને કામ લાગશે, માનવતાના હિતમાં હશે… સમગ્ર દુનિયાનું હિત તમાં સમાયેલું છે.

આપણી ભૌગોલિક સરહદો મળતી હોય, તે જ ફક્ત આપણા પાડોશી નથી, પરંતુ તેઓ પણ આપણા પાડોશી જ છે, જેમની સાથે આપણા દિલ મળે છે… જ્યાં સંબંધોમાં સમરસતા હોય છે, મૈત્રી હોય છે. મને ખુશી છે કે વીતેલા કેટલાક સમયમાં ભારતે એક્સ્ટેન્ડેડ નેબરહૂડના તમામ દેશો સાથે પોતાનાં સંબંધો વધુ મજબૂત કર્યાં છે. પશ્ચિમ એશિયાના દેશોમાં આપણા રાજકીય, આર્થિક અને માનવીય સંબંધોની પ્રગતિમાં અનેકગણો વધારો થયો છે… વિશ્વાસ અનેક ગણો વધ્યો છે. આ દેશો સાથે આપણા આર્થિક સંબંધ, ખાસ કરીને ઉર્જા ક્ષેત્રમાં ભાગીદારી ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ ઘણા દેશોમાં.. આ તમામ દેશોમાં.. મોટા ભાગના દેશોમાં ખૂબ મોટી સંખ્યામાં આપણા ભારતીય ભાઈ–બહેનો કામ કરી રહ્યા છે. આ દેશોએ જે રીતે કોરોનાના સંકટના સમયે ભારતીયોની મદદ કરી, ભારત સરકારની વિનંતીને માન આપ્યું, તે માટે ભારત તે તમામ દેશોનો આભારી છે અને હું તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવા માગું છું.

એ જ રીતે આપણી પૂર્વે આસિયાન દેશ, જે આપણા મેરિટાઈમ પાડોશી પણ છે, તેઓ પણ આપણા માટે ખૂબ વધુ મહત્ત્વ રાખે છે. તેમની સાથે ભારતનો હજારો વર્ષ જૂનો ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધ છે. બૌદ્ધ ધર્મની પરંપરા આપણને તેમની સાથે જોડે છે. આજે ભારત આ દેશો સાથે ફક્ત સુરક્ષા ક્ષેત્રમાં જ નહીં, પરંતુ સમુદ્રી સંપત્તિના ક્ષેત્રમાં પણ સહયોગ વધારી રહ્યો છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

ભારતના જેટલા પ્રયાસો શાંતિ અને સૌહાર્દ માટે છે, એટલી જ પ્રતિબદ્ધતા પોતાની સુરક્ષા અને પોતાની સેનાઓને સશક્ત કરવા માટે પણ છે.  સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદનમાં આત્મનિર્ભર ભારત માટે મોટા પગલાં ઉઠાવવામાં આવ્યાં છે. તાજેતરમાં જ 100થી વધુ સૈન્ય ઉપકરણોની આયાત ઉપર આપણે પ્રતિબંધ લગાવ્યો છે – મિલાઈલોથી માંડીને ઓછાં વજનના ફાઈટર હેલિકોપ્ટરો સુધી, ઘાતક રાયફલથી માંડીને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સુધી મેઇક ઈન ઈન્ડિયા થઈ ગયા. આપણું તેજસ પણ.. પોતાના તેજ, પોતાના વેગ અ઩ે પોતાની તાકાત દર્શાવવા માટે આધુનિક જરૂરિયાતોના હિસાબે તૈયાર થઈ રહ્યું છે. દેશની સુરક્ષામાં આપણી સરહદ અને કોસ્ટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઘણી મોટી ભૂમિકા છે. આજે હિમાલયનાં શિખરો હોય, કે હિંદ માસાગારના ટાપુ, પ્રત્યેક દિશામાં કનેક્ટિવિટી વધારવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. લદ્દાખથી માંડીને અરુણાચલ પ્રદેશ સુધી મોટા પાયે આપણા દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવા રસ્તાઓ તૈયાર કરવામાં આવ્યા છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

આપણે એટલો વિશાળ સમુદ્ર કિનારો છે, પરંતુ સાથે સાથે આપણી પાસે 1300થી વધુ ટાપુઓ પણ છે. કેટલાક પસંદગીના ટાપુઓનું મહત્ત્વ ધ્યાનમાં રાખીને તેને ઝડપભેર વિકસાવવા આપણે આગળ વધી રહ્યા છીએ. તમે જોયું હશે કે પાછલા સપ્તાહમાં પાંચ દિવસ અગાઉ આંદામાન–નિકોબારમાં સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે. આંદામાન–નોકાબારને પણ ચેન્નઈ અને દિલ્હી જેવી ઈન્ટરનેટ સુવિધા હવે ઉપલબ્ધ થશે. હવે આપણે આગળ લક્ષદ્વીપને પણ આ જ રીતે જોડવા માટે.. કામને આગળ વધારવાના છીએ.

આવનારા એક હજાર દિવસમાં લક્ષદ્વીપને પણ ઝડપી ઈન્ટરનેટની સુવિધાથી જોડવાનું અમે લક્ષ્ય બનાવ્યું છે. બોર્ડર અને કોસ્ટલ એરિયાના યુવાનોના વિકાસ.. તેને પણ… સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિકાસના મોડેલની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અને તેમાં એક કદમ, એક મોટું અભિયાન આપણે શરૂ કરી રહ્યા છીએ. આપણા જે સરહદ વિસ્તારો છે, આપણા જે દરિયા કિનારાના વિસ્તારો છે, ત્યાંના આશરે 173 જિલ્લા છે, જે કોઈને કોઈ રીતે દેશની સરહદ કે સમુદ્ર કિનારાથી જોડાયેલા છે. આવનારા દિવસોમાં આ સરહદી જિલ્લાઓના નૌજવાનો માટે એનસીસીનો વ્યાપ વધારવામાં આવશે. સરહદ વિસ્તારના કેડેટ્સ.. આપણે આશરે એક લાખ જેટલા એનસીસીના નવા કેડેટ્સ તૈયાર કરીશું અને તેમાં એક તૃતિયાંશ આપણી દીકરીઓ હોય, તેવો પણ પ્રયાસ રહેશે. બોર્ડર એરિયાના કેડેટ્સને લશ્કર તાલીમ આપશે. કોસ્ટલ એરિયાના જે કેડેટ્સ હશે, તેમને નેવીના જવાનો પ્રશિક્ષિત કરશે અને જ્યાં એર બેઝ છે, ત્યાંના કેડેટ્સને એરફોર્સની જેમ ટ્રેનિંગ આપવામાં આવશે. બોર્ડર અને કોસ્ટલ એરિયામાં આપત્તિઓનો મુકાબલો કરવા માટે તાલીમબદ્ધ માનવબળ મળશે, યુવાનોને આર્મ્ડ ફોર્સીઝમાં કરિયર બનાવવા માટે જરૂરી સ્કિલ પણ મળશે.

મારા વ્હાલા દેશવાસીઓ,

પાછલા વર્ષે લાલકિલ્લા ઉપરથી મેં કહ્યું હતું, વીતેલા પાંચ વર્ષ આવશ્યકતાઓ પૂરી કરનારા અને આવનારાં પાંચ વર્ષ આકાંક્ષાઓની પૂર્તિ કરનારાં છે. વીતેલા એક જ વર્ષમાં દેશે મોટા અને મહત્ત્વપૂર્ણ નિર્ણયોનો મુકામ પાર કરી લીધો છે. ગાંધીજીની 150મી જયંતિ સમયે ભારતનાં ગામો ખુલ્લામાં શૌચથી મુક્ત બન્યાં છે. આસ્થાને કારણે અત્યાચાર સહન કરી રહેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાનો કાયદો, દલિતો, પછાતો, ઓબીસી માટે.. એસસી/એસટી/ઓબીસી માટે અનામતનો અધિકાર બનાવવાની વાત હોય, આસામ અને ત્રિપુરામાં ઐતિહાસિક શાંતિ સમજૂતિ હોય, લશ્કરની સામુહિક તાકાતને વધુ અસરકારક બનાવવા માટે ચીફ ઓફ ડિફન્સ સ્ટાફની નિયુક્તિ હોય, કરતારપુર સાહિબ કોરિડોરનું વિક્રમી સમયમાં બાંધકામ હોય… દેશે ઈતિહાસ રચ્યો છે, ઈતિહાસ રચાતા જોયો છે, અસાધારણ કામ કરીને બતાવ્યું છે.

10 દિવસ અગાઉ અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થયું છે. રામ જન્મભૂમિના સદીઓ જૂના વિષયનો શાંતિપૂર્ણ ઉકેલ આવી ચૂક્યો છે. દેશના લોકોએ જે સંયમ સાથે અને સમજદારી સાથે કામ કર્યું છે, વ્યવહાર કર્યો છે, તે અભૂતપૂર્વ છે અને ભવિષ્ય માટે આપણા માટે પ્રેરણાદાયક છે. શાંતિ, એકતા અને સદભાવ જ તો આત્મનિર્ભર ભારતની તાકાત બનવાના છે. આ જ ભાઈચારો, આ જ સદભાવ ભારતના ઉજ્જ્વળ ભવિષ્યની ગેરંટી છે. આ જ સદભાવ સાથે આપણે આગળ ધપવાનું છે. વિકાસના આ મહાયજ્ઞમાં પ્રત્યેક હિન્દુસ્તાનીએ પોતાની કોઈને કોઈ આહુતિ આપવાની છે.

આ દાયકામાં ભારત નવી નીતિ અને નવી રીતિ સાથે જ આગળ વધશે, સાધારણથી કામ નહીં ચાલે.. હવે ‘હોતા હૈ’, ‘ચલતા હૈ’ નો સમય વીતી ગયો, આપણે હવે દુનિયામાં કોઈનાથીયે કમ નથી. આપણે સૌથી ઉપર રહેવાના પ્રયાસ કરીશું. અને એટલા માટે આપણે સર્વશ્રેષ્ઠ ઉત્પાદન, સર્વશ્રેષ્ઠ માનવસંસાધન, સર્વશ્રેષ્ઠ શાસન… પ્રત્યેક ચીજમાં સર્વશ્રેષ્ઠને લક્ષ્યમાં રાખીને આઝાદીના 75મા વર્ષ માટે આગળ વધવાનું છે.

આપણી પોલિસી, આપણી પ્રોસેસ, આપણાં પ્રોડ્ક્ટસ – બધું જ ઉત્તમથી ઉત્તમ હોય, બેસ્ટ હોય, ત્યારે જ એક ભારત–શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના સાકાર થશે. આજે આપણે ફરી સંકલ્પ લેવાની જરૂર છે, આ સંકલ્પ આઝાદી માટે બલિદાન આપનારાઓના સ્વપ્ન પૂરાં કરવાનો હોય, આ સંકલ્પ 130 કરોડ દેશવાસીઓ માટે હોય, આ સંકલ્પ આપણી આવનારી પેઢીઓ માટે હોય, તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે હોય, આ સંકલ્પ આત્મનિર્ભર ભારત માટે હોય. આપણે શપથ લેવા પડશે, આપણે પ્રતિજ્ઞા કરવી પડશે, આપણે આયાત ઓછામાં ઓછી કરવાની દિશામાં યોગદાન આપીશું, આપણે આપણા લઘુ ઉદ્યોગોને સશક્ત કરીશું, આપણે સહુ લોકલ માટે વોકલ બનીશું અને આપણે વધુ નવપ્રવર્તન કરીશું.. આપણે સશક્ત બનાવીસું – આપણા યુવાનોને, મહિલાઓને, આદિવાસીઓને, દિવ્યાંગોને, દલિતોને, ગરીબોને, ગામોને, વંચિતોને, સહુ કોઈને.

આજે ભારતે અસાધારણ ગતિએ અસંભવને સંભવ કર્યું છે. આ જ ઈચ્છાશક્તિ, આ જ લગન, આ જ જુસ્સા સાથે પ્રત્યેક ભારતીયે આગળ વધવાનું છે.

વર્ષ 2022 આપણી આઝાદીનું 75 વર્ષનું પર્વ હવે આવી રહ્યું છે. આપણે એક ડગલું દૂર છીએ. આપણે દિવસ–રાત એક કરવાના છે. 21મી સદીનો આ ત્રીજો દાયકો આપણાં સ્વપ્નો પૂરા કરવાનો દાયકો હોવો જોઈએ. કોરોના મોટી આપત્તિ છે, પરંતુ એટલી મોટી નથી કે આત્મનિર્ભર ભારતની વિજય યાત્રાને અટકાવી શકે.

હું જોઈ શકું છું, એક નવા પ્રભાતની લાલિમા, એક નવા આત્મવિશ્વાસનો ઉદય, એક નવા આત્મનિર્ભર ભારતનો શંખનાદ. એક વાર ફરી આપ સહુને સ્વાધિનતા દિવસની ખૂબ–ખૂબ શુભેચ્છાઓ. આવો, મારી સાથે બંને હાથ ઉપર કરીને પૂરી તાકાતથી બોલીએ –

ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય.

વંદે માતરમ્, વંદે માતરમ્, વંદે માતરમ્,

જય હિંદ, જય હિંદ.

 

Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
'Little boy who helped his father at tea stall is addressing UNGA for 4th time'; Democracy can deliver, democracy has delivered: PM Modi

Media Coverage

'Little boy who helped his father at tea stall is addressing UNGA for 4th time'; Democracy can deliver, democracy has delivered: PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 સપ્ટેમ્બર 2021
September 26, 2021
શેર
 
Comments

PM Narendra Modi’s Mann Ki Baat strikes a chord with the nation

India is on the move under the leadership of Modi Govt.