"પૂર્વોત્તર અને મણિપુરે દેશની રમત પરંપરાને આગળ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે"
“ઉત્તરપૂર્વ દેશની સાંસ્કૃતિક વિવિધતામાં નવા રંગો ઉમેરે છે તેમજ દેશની રમતની વિવિધતાને નવા આયામો આપે છે.
"કોઈપણ ચિંતન શિબિર ચિંતનથી શરૂ થાય છે, રમૂજથી આગળ વધે છે અને અમલ સાથે સમાપ્ત થાય છે"
“તમારે દરેક ટૂર્નામેન્ટ પ્રમાણે રમતગમતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રમતની તાલીમ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. તમારે ટૂંકા ગાળાના, મધ્યમ ગાળાના અને લાંબા ગાળાના લક્ષ્યો પણ નક્કી કરવા પડશે”
"સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંબંધિત 400 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ આજે પૂર્વોત્તરના વિકાસને નવી દિશા આપી રહ્યા છે"

આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા કૅબિનેટમાં મારા સહયોગી અનુરાગ ઠાકુરજી, તમામ રાજ્યોના યુવા બાબતો અને રમતગમત મંત્રીઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો,

મને ખુશી છે કે આ વર્ષે દેશના ખેલ મંત્રીઓની આ પરિષદ, આ ચિંતન શિબિર મણિપુરની ધરતી પર યોજાઈ રહી છે. ઉત્તર પૂર્વના ઘણા ખેલાડીઓએ ત્રિરંગાનું ગૌરવ વધાર્યું છે અને દેશ માટે મેડલ્સ જીત્યા છે. દેશની રમત-ગમત પરંપરાને આગળ વધારવામાં પૂર્વોત્તર અને મણિપુરનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. અહીંની સ્વદેશી રમતો, જેમ કે સગોલ કાંગજઈ, થાંગ-તા, યુબી લાક્પી, મુકના અને હિઆંગ તાન્નબા, પોતાની રીતે ખૂબ જ આકર્ષક છે. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે મણિપુરની ઉ-લાવબી જોઈએ છીએ, ત્યારે આપણને તેમાં કબડ્ડીની ઝલક જોવા મળે છે. અહીંની હિયાંગ તાન્નબા કેરળની બોટ રેસની યાદ અપાવે છે. અને મણિપુરનું પોલો સાથે પણ ઐતિહાસિક જોડાણ રહ્યું છે. એટલે કે, જે રીતે ઉત્તર પૂર્વ દેશની સાંસ્કૃતિક વિવિધતામાં નવા રંગો ભરી દે છે, તે જ રીતે તે દેશની ખેલ વિવિધતાને પણ નવા આયામો આપે છે. હું આશા રાખું છું કે દેશભરમાંથી આવેલા રમતગમત પ્રધાનો મણિપુરમાંથી ઘણું શીખીને પાછા ફરશે. અને મને વિશ્વાસ છે કે, મણિપુરના લોકોનો સ્નેહ અને આતિથ્યભાવ તમારા પ્રવાસને વધુ આનંદપ્રદ બનાવશે. હું આ ચિંતન શિબિરમાં ભાગ લઈ રહેલા તમામ ખેલ મંત્રીઓ અને અન્ય મહાનુભાવોનું સ્વાગત કરું છું, અભિનંદન કરું છું.

સાથીઓ,

કોઈપણ ચિંતન શિબિર ચિંતનથી શરૂ થાય છે, મનન સાથે આગળ વધે છે અને અમલીકરણ સાથે સમાપ્ત થાય છે. મતલબ, પહેલા પ્રતિબિંબ આવે છે, પછી અનુભૂતિ અને પછી અમલીકરણ અને ક્રિયા. તેથી, આ ચિંતન શિબિરમાં, તમારે ભવિષ્યનાં લક્ષ્યોની તો ચર્ચા કરવાની જ છે, સાથે જ અગાઉની પરિષદની પણ સમીક્ષા કરવાની છે. તમને બધાને યાદ હશે કે, અગાઉ જ્યારે આપણે 2022માં કેવડિયામાં મળ્યા હતા, ત્યારે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આપણે ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોડ મેપ બનાવવા અને રમતગમતનાં ભલાં માટે ઇકોસિસ્ટમ બનાવવા માટે સંમત થયા હતા. આપણે રમતગમત ક્ષેત્રે કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે ભાગીદારી વધારવાની વાત કરી હતી. હવે ઈમ્ફાલમાં આપ સૌ એ જરૂર જુએ કે આપણે એ દિશામાં કેટલા આગળ વધ્યા છીએ. અને હું તમને એ પણ કહેવા માગું છું કે આ સમીક્ષા માત્ર નીતિઓ અને કાર્યક્રમોનાં સ્તરે જ થવી જોઈએ નહીં. તેના બદલે આ સમીક્ષા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર પણ થવી જોઈએ અને છેલ્લાં એક વર્ષની રમતગમતની સિદ્ધિઓ પર પણ થવી જોઈએ.

સાથીઓ,

એ વાત સાચી છે કે છેલ્લાં એક વર્ષમાં ભારતીય ઍથ્લીટ્સ અને ખેલાડીઓએ ઘણી આંતરરાષ્ટ્રીય રમતગમતની સ્પર્ધાઓમાં અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું છે. જ્યારે આપણે આ સિદ્ધિઓની ઉજવણી કરીએ છીએ, ત્યારે આપણે એ પણ વિચારવું પડશે કે આપણે આપણા ખેલાડીઓને વધુ કેવી રીતે મદદ કરી શકીએ. આવનારા સમયમાં, સ્ક્વૉશ વર્લ્ડ કપ, હૉકી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી, એશિયન યુથ અને જુનિયર વેઈટલિફ્ટિંગ ચૅમ્પિયન્શિપ જેવાં આયોજનોમાં આપનાં મંત્રાલય અને આપના વિભાગોની તૈયારીઓની પરીક્ષા થવાની છે. ઠીક છે, ખેલાડીઓ પોતાની તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ હવે આપણાં મંત્રાલયોએ પણ રમતગમતની ટુર્નામેન્ટ્સને લઈને અલગ અભિગમ સાથે કામ કરવું પડશે. જેમ ફૂટબૉલ અને હૉકી જેવી રમતમાં મેન ટુ મેન માર્કિંગ હોય છે, તેવી જ રીતે તમારે બધાએ મૅચ ટુ મૅચ માર્કિંગ કરવું પડશે, દરેક ટુર્નામેન્ટ માટે અલગ-અલગ વ્યૂહરચના બનાવવી પડશે. તમારે દરેક ટુર્નામેન્ટ અનુસાર સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ ટ્રેનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમારે ટૂંકા ગાળાનાં, મધ્યમ ગાળાનાં અને લાંબા ગાળાનાં લક્ષ્યો પણ નક્કી કરવા પડશે.

સાથીઓ,

રમતોની એક વધુ વિશેષતા હોય છે. એકલો ખેલાડી સતત પ્રેક્ટિસ કરીને ફિટનેસ તો હાંસલ કરી શકે છે, પરંતુ શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેનું સતત રમવું પણ જરૂરી છે. તેથી જ સ્થાનિક સ્તરે વધુને વધુ સ્પર્ધાઓ થાય, રમતગમતની ટુર્નામેન્ટો યોજાય તે પણ જરૂરી છે. ખેલાડીઓને પણ આમાંથી ઘણું શીખવા મળશે. રમતગમત મંત્રી તરીકે તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે કોઈપણ રમત પ્રતિભાને નજરઅંદાજ ન કરવામાં આવે.

સાથીઓ,

આપણા દેશના દરેક પ્રતિભાશાળી ખેલાડીઓને ગુણવત્તાયુક્ત રમતગમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાની જવાબદારી આપણા સૌની છે. આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સાથે મળીને કામ કરવું પડશે. ખેલો ઈન્ડિયા યોજનાએ ચોક્કસપણે જિલ્લા સ્તરે રમતગમતનાં માળખામાં સુધારો કર્યો છે. પરંતુ હવે આપણે આ પ્રયાસને બ્લોક લેવલે લઈ જવાનો છે. આમાં, ખાનગી ક્ષેત્ર સહિત તમામ હિતધારકોની ભાગીદારી મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રીય યુવા ઉત્સવનો વિષય પણ છે. તેને વધુ અસરકારક બનાવવા માટે, તેના પર નવેસરથી વિચાર કરવો જોઈએ. રાજ્યોમાં યોજાતા આવા કાર્યક્રમો માત્ર ઔપચારિકતા ન બની જાય, તે જરૂર જોવું જોઈએ. જ્યારે આવા પ્રયાસો સર્વાંગી રીતે કરવામાં આવશે, ત્યારે જ ભારત રમતગમતના અગ્રણી દેશ તરીકે પોતાને સ્થાપિત કરી શકશે.

સાથીઓ,

આજે રમતગમતને લઈને ઉત્તર પૂર્વમાં જે કામ થઈ રહ્યું છે એ પણ તમારા માટે મોટી પ્રેરણા છે. સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંબંધિત 400 કરોડથી વધુની પરિયોજનાઓ આજે પૂર્વોત્તરના વિકાસને નવી દિશા આપી રહી છે. ઇમ્ફાલની નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી આગામી સમયમાં સમગ્ર દેશના યુવાનોને નવી તકો પૂરી પાડશે. ખેલો ઈન્ડિયા સ્કીમ અને ટોપ્સ જેવા પ્રયાસોએ આમાં મોટી ભૂમિકા ભજવી છે. પૂર્વોત્તરના દરેક જિલ્લામાં ઓછાંમાં ઓછાં 2 ખેલો ઈન્ડિયા કેન્દ્રો અને દરેક રાજ્યમાં ખેલો ઈન્ડિયા સ્ટેટ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી રહી છે. આ પ્રયાસો રમત જગતમાં નવા ભારતનો પાયો બનશે, દેશને એક નવી ઓળખ આપશે. તમારે પોતપોતાનાં રાજ્યોમાં પણ આવાં કામોને વધુ ઝડપી બનાવવા પડશે. મને વિશ્વાસ છે કે આ ચિંતન શિબિર આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ જ વિશ્વાસ સાથે, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર!

 

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Centre released ₹8.28 lakh crore grants-in-aid to states during FY19-FY23

Media Coverage

Centre released ₹8.28 lakh crore grants-in-aid to states during FY19-FY23
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 23 ફેબ્રુઆરી 2024
February 23, 2024

Vikas Bhi, Virasat Bhi - Era of Development and Progress under leadership of PM Modi