મહામહિમ,
તમારું અને તમારા પ્રતિનિધિમંડળનું ભારતમાં હૃદયપૂર્વક સ્વાગત છે. આજે આપણા દ્વિપક્ષીય સંબંધો માટે એક ઐતિહાસિક દિવસ છે. આપણે ભારત-ફિલિપાઇન્સ સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે લઈ જઈ રહ્યા છીએ. આનાથી આપણા સંબંધોને એક નવી ગતિ અને ઊંડાણ મળશે. સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં આપણા સંબંધો વધુ મજબૂત બનશે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તમામ ક્ષેત્રોમાં આપણા સંબંધોમાં પ્રગતિ થઈ છે. આમાં વેપાર, સંરક્ષણ, દરિયાઈ, આરોગ્ય, સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, વિકાસ ભાગીદારી અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે. ખૂબ જ ખુશીની વાત છે કે આજે આપણે આગામી પાંચ વર્ષ માટે કાર્ય યોજના બનાવી રહ્યા છીએ.
મહામહિમ,
જુલાઈ 2027 સુધી ફિલિપાઇન્સ આસિયાનમાં ભારતનું કન્ટ્રી કોઓર્ડિનેટર છે. 2026માં, તમે આસિયાન અધ્યક્ષની જવાબદારી પણ સંભાળશો. અમને વિશ્વાસ છે કે ફિલિપાઇન્સના નેતૃત્વ હેઠળ, ભારત-આસિયાન સંબંધો વધુ મજબૂત બનશે.
મહામહિમ,
જ્યારે આપણે હમણાં સાથે બેઠા હતા, ત્યારે લગભગ તમામ વિષયો પર ખૂબ વિગતવાર ચર્ચા થઈ છે. તેથી, હું તેનું વધુ પુનરાવર્તન કરતો નથી, તેનું પુનરાવર્તન કરવાની જરૂર નથી અને તેથી હું તમને વિનંતી પણ કરું છું કે તમારા પ્રારંભિક ભાષણો આ વિષયોને આગળ વધારવા માટે અમારા માટે ઉપયોગી થશે.


