કોરોનાના બીજા વેવ સામે લડવા માટે જિલ્લાઓના તમે સૌથી પ્રમુખ યોદ્ધાઓ છો. સો વર્ષોમાં આવેલી આ સૌથી મોટી આપત્તિમાં આપણી પાસે જે સંસાધનો હતા, તેમનો સારામાં સારો ઉપયોગ કરીને તમે આટલી મોટી લહેરનો સામનો કર્યો છે.

સાથીઓ,

તમારી સાથે વાતચીતની શરૂઆતમાં હું તમને તે દિવસ યાદ અપાવવા માંગુ છું, કે જ્યારે તમે આ સેવામાં આવવા માટે તૈયારી કરી રહ્યા હતા. તમે જરા યાદ કરો, જ્યારે તમે સિવિલ સર્વિસિસ અથવા અન્ય પરીક્ષાઓ માટે લાગેલા હતા તો તમે તમારા પરિશ્રમ પર, તમારી કામ કરવાની રીત પર સૌથી વધુ વિશ્વાસ કરતાં હતા. તમે જે પણ ક્ષેત્રમાં રહ્યા છો ત્યાંની નાની નાની ઝીણવટભરી બાબતોથી પરિચિત થઈને તમે વિચારતા હતા કે હું આ મુશ્કેલીને આ રીતે દૂર કરી દઇશ.

તમારી આ જ વિચારધારા તમારી સફળતાની સીડી પણ બની. આજે પરિસ્થિતિઓએ તમને તમારી ક્ષમતાઓની એક નવી રીતે પરીક્ષા આપવાનો અવસર આપ્યો છે. પોતાના જિલ્લાની નાનામાં નાની સમસ્યાને દૂર કરવા માટે સંપૂર્ણ સંવેદનશીલતા સાથે લોકોની સમસ્યાઓનું સમાધાન કરવા માટે તમારી આ જ ભાવના કામમાં આવી રહી છે.

હા, કોરોનાના આ કાળે તમારા કામને પહેલા કરતાં ઘણું વધારે પડકારજનક અને અપેક્ષિત બનાવી દીધું છે. મહામારી જેવી આપત્તિની સામે સૌથી વધુ મહત્વ આપણી સંવેદનશીલતા અને આપણાં ઉત્સાહનું જ હોય છે. આ જ ભાવના સાથે તમારે જન જન સુધી પહોંચીને જે રીતે કામ કરી રહ્યા છો તેને હજી વધારે તાકાત સાથે અને હજી વધુ મોટા પાયા પર કરતાં રહેવાનું છે.

સાથીઓ,

નવા નવા પડકારોની વચ્ચે આપણે નવી નવી રીત ભાતો અને સમાધાનોની જરૂરિયાત હોય છે. અને એટલા માટે એ જરૂરી બની જાય છે કે આપણે આપણાં સ્થાનિક અનુભવોને વહેંચીએ અને એક દેશ તરીકે સાથે મળીને આપણે સૌ કામ કરીએ.

હમણાં બે દિવસ પહેલા જ અન્ય કેટલાક રાજ્યોના અધિકારીઓ સાથે પણ મને વાત કરવાનો અવસર મળ્યો હતો. તે બેઠકમાં અનેક સૂચનો, અનેક સમાધાન જુદા જુદા જિલ્લાના સાથીઓ તરફથી આવ્યા છે. આજે પણ અહિયાં કેટલાક જિલ્લાના અધિકારીઓએ પોતાના જિલ્લાની સ્થિતિ અને પોતાની વ્યૂહરચનાને આપણાં સૌની સાથે વહેંચી છે.

જ્યારે ફિલ્ડ પર ઉપસ્થિત લોકો સાથે વાતચીત થાય છે તો એવી અભૂતપૂર્વ પરિસ્થિતિઓ સામે લડવામાં બહુ વધારે મદદ મળે છે. વિતેલા કેટલાક સમયમાં આવા અનેક સૂચનો મળ્યા છે. અનેક જિલ્લાઓમાં પરિસ્થિતિ અનુસાર અનેક નવીન પદ્ધતિઓની પણ જાણકારી તમારા લોકો પાસેથી મળી છે. ગામડાઓમાં કોરોના ટેસ્ટની સુવિધા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે મોબાઈલ વેનની રીત કેટલાય લોકોએ અપનાવી છે. શાળાઓ, પંચાયત મકાનોને કોવિડ કેર સેન્ટર્સમાં પરિવર્તિત કરવાની કેટલાક લોકોએ પહેલ કરી છે.

તમે લોકો પોતે ગામડે ગામડે જાવ છો, ત્યાંની વ્યવસ્થાઓ ઉપર દેખરેખ રાખો છો, તમે ગામના લોકો સાથે વાત કરો છો, તો તેનાથી ત્યાંનો જે સામાન્ય નાગરિક છે અથવા ત્યાંનાં ગામના એક રીતે જે નેતા લોકો છે, પાંચ હોય છે, 10 હોય છે, 15 હોય છે, જુદા જુદા ક્ષેત્રના હોય છે, તેમની શંકાઓનું જ્યારે સમાધાન થાય છે, અને સીધા તમારી સાથે જોડાય છે તો તેમનો આત્મવિશ્વાસ અનેકગણો વધી જાય છે. બધી જ આશંકાઓ એક રીતે આત્મવિશ્વાસમાં બદલાઈ જાય છે.

તમારી ઉપસ્થિતિ વડે, તમારા સંવાદ વડે, ગામડાઓમાં એ ભય પણ નીકળી જાય છે કે કઇંક થઈ ગયું તો આપણે ક્યાં જઈશું, આપણું શું થશે? તમને જોઈને જ તે આખું મન તેમનું બદલાઈ જાય છે. તેનાથી લોકોમાં સાહસની સાથે જ પોતાના ગામને બચાવવાની જાગૃતિ પણ વધી છે. અને મારો આગ્રહ છે આપણે ગામે ગામ આ જ સંદેશ પાક્કો કરવાનો છે કે આપણે આપણાં ગામને કોરોના મુક્ત રાખવાનું છે અને લાંબા સમય સુધી જાગૃત રહીને પ્રયાસ કરવાનો છે.

સાથીઓ,

વિતેલા કેટલાક સમયમાં.. આ વાત એ જ છે કે દેશમાં સક્રિય કેસો ઓછા થવાના શરૂ થયા છે, તમે પણ તમારા જિલ્લામાં અનુભવ કરતાં હશો કે 20 દિવસ પહેલા જે એકદમ જ તમારી ઉપર દબાણ આવ્યું હતું હવે તમને પણ ઘણો અનુભવ થતો હશે પરિવર્તનનો પરંતુ તમે આ દોઢ વર્ષમાં એ અનુભવ કર્યો છે કે જ્યાં સુધી આ ચેપ નાના પાયા પર પણ ઉપસ્થિત છે ત્યાં સુધી પડકાર યથાવત બનેલો રહે છે. ઘણી વાર જ્યારે કેસ ઓછા થવા લાગે છે તો લોકોને પણ લાગવા માંડે છે કે હવે ચિંતા કરવાની જરૂર નથી તે તો જતો રહ્યો પરંતુ અનુભવ કઇંક જુદો જ છે. પરીક્ષણ અને અંતર જેવા પગલાઓને લઈને લોકોમાં ગંભીરતા ઓછી ના થાય તેની માટે સરકારી તંત્ર, સામાજિક સંગઠન, જન-પ્રતિનિધિ, આ બધાની વચ્ચે એક સામૂહિક જવાબદારીનો ભાવ આપણે મજબૂત કરવાનો છે અને વહીવટી તંત્રની જવાબદારી તેનાથી વધારે વધી જાય છે.

કોવિડને અનુકૂળ વર્તનો જેવા કે માસ્ક પહેરવા, હાથ ધોવા, જ્યારે આમાં જરાય ઉણપ નથી આવતી, તમારા જિલ્લાઓમાં, તમારા જિલ્લાના બજારોમાં, ગામડાઓમાં, કેસ ઓછામાં ઓછા હોવા છતાં પણ લોકો તમામ દિશા-નિર્દેશોનું પાલન કરે છે તો તે કોરોના સામેની લડાઈમાં ઘણી મદદ કરે છે. સ્થિતિઓ પર સતત નજર રાખવાથી, જિલ્લાના તમામ પ્રમુખ વિભાગો જેવા કે પોલીસ વિભાગ હોય, સાફ સફાઇની વાત હોય, આ બધી વ્યવસ્થાઓનો, તેમની વચ્ચે સારામાં સારો તાલમેલ અને અસરકારક પરિણામ સ્વાભાવિક રીતે નીકળવા લાગે છે.

મને તમારા અનેક જિલ્લાઓમાં આ વ્યુહ રચનાઓ પર કામ કરીને પરિણામો પ્રાપ્ત કરવાની જાણકારી મળતી રહી છે. આ જગ્યાઓ પર તમે ખરેખર મોટી સંખ્યામાં લોકોના જીવન બચાવ્યા છે.

સાથીઓ,

ફિલ્ડમાં કરવામાં આવેલ તમારા કાર્યો વડે, તમારા અનુભવો અને પ્રતિભાવો વડે જ વ્યાવહારિક અને અસરકારક નીતિઓ બનાવવામાં મદદ મળે છે. રસીકરણની વ્યૂહરચનામાં પણ દરેક સ્તર પર રાજ્યો અને અનેક હિતધારકો પાસેથી મળનાર ભલામણોને સામેલ કરીને આગળ વધારવામાં આવી રહ્યા છે.

આ જ ક્રમમા સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી 15 દિવસની રસીની ઉપલબ્ધતાની જાણકારી રાજ્યોને આપવામાં આવી રહી છે. રસી પુરવઠા ટાઈમ લાઇનની સ્પષ્ટતા હોવાના કારણે રસીકરણ સાથે જોડાયેલ વ્યવસ્થાપનમાં આપ સૌને વધારે સરળતા થવાની છે.

મને વિશ્વાસ છે કે દરેક જિલ્લા અને રસીકરણ કેન્દ્રના સ્તર પર પુરવઠો હજી વધારે મજબૂત બનશે. તેનાથી રસીકરણ સાથે જોડાયેલ અનિશ્ચિતતાઓને દૂર કરવામાં, સંપૂર્ણ પ્રક્રિયાને સ્ટ્રીમ લાઇન કરવામાં ખૂબ મદદ મળશે. રસીકરણનું જે આયોજન છે, જે કેલેન્ડર છે, તેને આપણે નિયમિત રીતે જુદા જુદા મીડિયા પ્લેટફોર્મ પર વધુમાં વધુ વહેંચતા રહીશું તો લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડશે..

સાથીઓ,

પાછલી મહામારીઓ હોય કે પછી આ સમય, દરેક મહામારીએ આપણને એક વાત શીખવાડી છે. મહામારી સામે લડવા માટેની આપણી રીત ભાતોમાં સતત બદલાવ, સતત નવીનીકરણ, સતત ઉન્નતિ થવી ખૂબ જરૂરી છે. આ વાયરસ ફેરફાર કરવામાં, પોતાનું સ્વરૂપ બદલવામાં ખૂબ માહિર છે, એક રીતે બહુરૂપિયો પણ છે અને આ વાયરસ ધૂર્ત પણ છે તો આપણી પદ્ધતિઓ અને વ્યુહ રચનાઓ પણ વૈવિધ્યપૂર્ણ હોવી જોઈએ.

વૈજ્ઞાનિક સ્તર પર આપણાં વૈજ્ઞાનિકો વાયરસના બદલાતા સ્વરૂપ સામે લડવા માટે દિવસ રાત કામ કરી જ રહ્યા છે. રસી બનાવવાથી લઈને એસઓપી અને નવી દવાઓ બનાવવા સુધી, સતત કામ થઈ રહ્યું છે. જ્યારે આપણી વહીવટી પહોંચ પણ આટલી જ નવીન અને વૈવિધ્યપૂર્ણ રહે છે તો આપણને અસાધારણ પરિણામો મળે છે. તમારા જિલ્લાના પડકારો નવીન હશે એટલા માટે તમારા સમાધાન પણ એટલા જ નવીન હોવા જોઈએ. એક વિષય રસીના બગાડનો પણ છે. એક પણ રસીના બગાડનો અર્થ છે કોઈ એક જીવનને જરૂરી સુરક્ષા કવચ ના આપી શકવું. એટલા માટે રસી બગાડ રોકવો ખૂબ જરૂરી છે.

મારુ એ પણ કહેવાનું છે કે જ્યારે તમે તમારા જિલ્લાના આંકડાઓની સમીક્ષા કરો છો તો તેમાં શહેરી અને ગ્રામીણ, તેની ઉપર પણ તમે જુદી જુદી રીતે ધ્યાન આપો કે જેથી તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો. ત્યાં સુધી કે ટાયર 2, ટાયર 3 ને પણ અલગથી તેની સમિક્ષા કરો કે જેથી તમે એક લક્ષ્યિત દ્રષ્ટિએ પોતાની વ્યુહ રચનામાં પરિવર્તન કરી શકો છો- ક્યાં કેટલી શક્તિ લગાવવાની છે, કયા પ્રકારની શક્તિ લગાવવાની છે, તે ખૂબ સરળતાથી તમે કરી શકશો. અને તેનાથી જ્યારે એક રીતે જોશો તો ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સામે લડવામાં મદદ મળશે.

અને હું પણ લાંબા સમય સુધી તમારી જેમ જ કઇંક ને કઇંક કામ કરતાં કરતાં અહિયાં સુધી પહોંચ્યો છું. મારો અનુભવ છે કે ગામના લોકોને જો યોગ્ય સમયે સાચી વાત પહોંચાડી દેવામાં આવે તો તેઓ ખૂબ નિયમપૂર્વક તેનું અનુસરણ કરે છે. અને જે શહેરોમાં ક્યારેક ક્યારે આપણને કોઈ વસ્તુ લાગુ કરવામાં મહેનત પડે છે, ગામડાઓમાં તેટલી મહેનત નથી પડતી. હા, સ્પષ્ટતા જરૂરી છે. ગામની અંદર એક ટીમ બનાવવી જોઈએ. તમે જુઓ, તેઓ પરિણામ જાતે જ આપી દે છે તમને.

સાથીઓ,

બીજા વેવની વચ્ચે, વાયરસમાં થઈ રહેલ પરિવર્તનના કારણે હવે યુવાનો અને બાળકો માટે પણ વધુ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યાર સુધી આપણી જે વ્યુહ રચના રહી છે, તમે જે રીતે ફિલ્ડમાં કામ કર્યું છે, તેણે આ ચિંતાને તેટલી ગંભીર થતી રોકવામાં મદદ તો કરી છે પરંતુ આપણે આગળના સમય માટે હજી વધારે તૈયાર રહેવું જ પડશે. અને સૌથી પહેલું કામ તમે કરી શકો છો કે તમારા પોતાના જિલ્લામાં યુવાનો, બાળકોમાં ચેપ અને તેની ગંભીરતાના આંકડા વ્યવસ્થિત કરો. અલગથી તેની ઉપર નિયમિત રીતે સમિક્ષા કરો. તમે પોતે પણ મારો આપ સૌ અગ્રણી અધિકારીઓને આગ્રહ છે કે તમે પોતે પણ તેનું મૂલ્યાંકન કરો. તેનાથી આગળની તૈયારી કરવામાં મદદ મળશે.

સાથીઓ,

મેં ગઈ વખતની એક બેઠકમાં પણ કહ્યું હતું કે જીવન બચાવવાની સાથે સાથે આપણી પ્રાથમિકતા જીવનને સરળ બનાવી રાખવાની પણ છે. ગરીબો માટે મફત કરિયાણાની સુવિધા હોય, અન્ય જરૂરી પુરવઠો હોય, કાળા બજારી ઉપર નિયંત્રણ હોય, આ બધા જ આ લડાઈને જીતવા માટે પણ જરૂરી છે અને આગળ વધવા માટે પણ જરૂરી છે. તમારી પાસે પાછલા અનુભવોની તાકાત પણ છે અને પાછલા પ્રયાસોની સફળતાની પ્રેરણા પણ છે. મને પૂરે પૂરો ભરોસો છે કે આપ સૌ પોત-પોતાના જિલ્લાઓને ચેપ મુક્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરશો.

દેશના નાગરિકનું જીવન બચાવવામાં, દેશને વિજયી બનાવવામાં આપણે સૌ સફળ બનીશું, અને મને આજે કેટલાક સાથીઓને સાંભળવાનો અવસર મળ્યો છે પરંતુ આપ સૌની પાસે, દરેકની પાસે કઇંક ને કઇંક સફળતાની ગાથાઓ છે. ખૂબ સારા નવીન પ્રયોગ તમે બધાએ ક્યાંક ને ક્યાંક કર્યા છે. જો તે તમે મને પહોંચાડી દેશો તો જરૂરથી તેને દેશભરમાં પહોંચાડવામાં મને સુવિધા મળશે. કારણ કે બૌદ્ધિક રીતે ચર્ચાઓ કરીને ગમે તેટલી વસ્તુઓ કેમ ના કાઢી લઈએ પરંતુ તેના કરતાં વધુ તાકાત જે ફિલ્ડમાં કામ કરે છે તેણે જે અનુભવ કર્યો છે અને તેણે જે રસ્તાઓ શોધ્યા હતા, તે ખૂબ શક્તિશાળી હોય છે. અને એટલા માટે તમારી બધાની ભૂમિકા ખૂબ મોટી છે. અને એટલા માટે મારો તમને આગ્રહ છે કે તમે તેને કાઢો.

બીજું, છેલ્લા સો વર્ષમાં કોઈના જીવનમાં આટલા મોટા સંકટ સામે ઝઝૂમવાની જવાબદારી નથી આવી. તમે જિલ્લામાં બેઠા છો, તમારા ખભે સૌથી મોટો બોજ આવેલો છે. તમે ઘણી બધી વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હશે.. માનવ મનનું નિરીક્ષણ કર્યું હશે, વ્યવસ્થાઓની મર્યાદાઓને જોઈ હશે, ઓછામાં ઓછા સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને તમે નવા રેકોર્ડ સ્થાપિત કર્યા હશે. જ્યારે પણ મોકો મળે તેને જરા જરૂરથી તમારી ડાયરીમાં લખીને રાખજો. આવનારી પેઢીઓને તમારા અનુભવ કામમાં આવશે કારણ કે ગઈ સદીમાં સો વર્ષ પહેલા જે મોટી મહામારી થઈ તેના તેટલા રેકોર્ડ ઉપલબ્ધ નથી. તેનું રૂપ કેવું હતું, સંકટ કેટલું ઊંડું હતું, ક્યાં આગળ શું થયું, બહાર નીકળવાના રસ્તા શું શોધવામાં આવ્યા. પરંતુ આજે આપણાં જિલ્લાના અધિકારીઓ જો જિલ્લા ગેઝેટની જેમ તેને બનાવશે તો ભવિષ્યની પેઢીઓને પણ આપણી આ મહેનત, આપણાં આ અનુભવ.. એ આવનારી પેઢીઓ માટે પણ કામમાં આવશે.

અને હું તમને પણ આ સફળતા માટે આ મહેનત માટે અને તમને, તમારી આખી ટીમને, જે રીતે તમે લોકોએ આનું નેતૃત્વ કર્યું છે તમને અભિનંદન આપું છું, તમારી પ્રશંસા કરું છું અને હું આશા રાખું છું કે તમે હજી વધારે સફળતા પ્રાપ્ત કરશો, ઝડપથી સફળતા પ્રાપ્ત કરશો અને જન સામાન્યની અંદર વિશ્વાસ ઉત્પન્ન કરશો.

સામાન્ય માનવીનો વિશ્વાસ વિજય માટેની સૌથી મોટી જડી બુટી છે.. તેનાથી મોટી જડી બુટી બીજી હોઇ શકે તેમ નથી. અને આ કામ તમે ખૂબ સરળતાથી કરી શકો છો. તમે સ્વસ્થ રહો, કાર્યનો બોજ તમારી ઉપર વધારે છે હું અનુભવ કરી શકું છું. હવે વરસાદની ઋતુ આવવાની છે તો બીજું એક હવામાનને લગતું દબાણ રહે છે તે તો વધવાનું જ છે પરંતુ આ બધાની વચ્ચે પણ તમે સ્વસ્થ પણ રહો.. તમારો પરિવાર સ્વસ્થ રહે અને તમારો જિલ્લો જલ્દીથી જલ્દી સ્વસ્થ બને, દરેક નાગરિક સ્વસ્થ હોય, તે તમારી કામના ઈશ્વર પૂર્ણ કરે.. તમારો પુરુષાર્થ પૂર્ણ કરશે.

મારા તરફથી તમને ખૂબ શુભકામનાઓ!

ખૂબ ખૂબ આભાર!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi Leads International Yoga Day Event In Kolkata, Says It Has Become 'World's Biggest Festival'

Media Coverage

PM Modi Leads International Yoga Day Event In Kolkata, Says It Has Become 'World's Biggest Festival'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister expresses grief over loss of lives in mishap in Tiruvallur district of Tamil Nadu
June 21, 2026

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to a mishap in Tiruvallur district of Tamil Nadu.

The Prime Minister conveyed his condolences to those who have lost their loved ones.

Shri Modi also prayed for the speedy recovery of the injured.

The Prime Minister’s Office posted on X;

“Deeply pained to hear about the loss of lives due to a mishap in Tiruvallur district of Tamil Nadu. My condolences to those who have lost their loved ones. Praying for the speedy recovery of the injured: PM @narendramodi”