અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ સેતુનું ઉદ્‌ઘાટન કર્યું
ઈસ્ટર્ન ફ્રીવેના ઓરેન્જ ગેટને મરીન ડ્રાઇવ સાથે જોડતી ભૂગર્ભ રોડ ટનલનો શિલાન્યાસ કર્યો
એસઇઈપીઝેડ સેઝ ખાતે 'ભારત રત્નમ્‌’ અને ન્યૂ એન્ટરપ્રાઇઝ એન્ડ સર્વિસીસ ટાવર (એનઇએસટી)-1નું ઉદ્‌ઘાટન કર્યું
રેલ અને પીવાનાં પાણી સાથે સંબંધિત બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી
ઉરણ રેલવે સ્ટેશનથી ખારકોપર સુધીની ઇ.એમ.યુ. ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી
નમો મહિલા સશક્તીકરણ અભિયાનની શરૂઆત કરી
જાપાન સરકારનો આભાર માન્યો અને શિન્ઝો આબેને યાદ કર્યા
“અટલ સેતુનું ઉદ્‌ઘાટન ભારતનાં માળખાગત કૌશલ્યનું ઉદાહરણ છે અને 'વિકસિત ભારત' તરફના દેશના માર્ગને રેખાંકિત કરે છે”
"અમારા માટે દરેક પ્રોજેક્ટ નવા ભારતનાં નિર્માણનું માધ્યમ છે"
"અટલ સેતુ વિકસિત ભારતનું ચિત્ર રજૂ કરે છે"
"પહેલા લાખો કરોડનાં કૌભાંડો ચર્ચાનો ભાગ હતાં, આજે ચર્ચા હજારો કરોડનાં પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાની થાય છે"
“જ્યાં અન્ય લોકો પાસેથી અપેક્ષાઓ પૂરી થાય છે ત્યાં મોદીની ગૅરંટીની શરૂઆત થાય છે”
"મહિલા
આજે જે વિકાસ પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કરવામાં આવી રહ્યું છે તેમાં માર્ગ અને રેલ સંપર્ક, પીવાનું પાણી, રત્નો અને ઝવેરાત અને મહિલા સશક્તીકરણનાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

મુંબઈ આણિ મુંબઈ ઉપનગરાતૂન મોઠ્યા સંખ્યેને ઉપસ્થિત સર્વાના માઝા નમસ્કાર!

આજનો દિવસમુંબઈ અને મહારાષ્ટ્રની સાથે જ વિકસિત ભારતના સંકલ્પ માટે ખૂબ જ મોટો, ખૂબ જ ઐતિહાસિક દિવસ છે. આજે ભલે વિકાસનો આ ઉત્સવ મુંબઈમાં થઈ રહ્યો હોય, પરંતુ સમગ્ર દેશની નજરતેના પર છે. આજે દેશને આ વિશાળ અટલ સેતુ મળ્યો છે, જે વિશ્વના સૌથી મોટા દરિયાઈ પુલમાંથી એક છે. આ આપણા એ સંકલ્પનો પણ પુરાવો છે કે ભારતના વિકાસ માટે આપણે સમુદ્ર સાથે પણ ટકરાઈ શકીએ છીએ અને મોજાંને પણ ચીરી શકીએ છીએ. આજનો આ કાર્યક્રમ સંકલ્પથી સિદ્ધિનો પુરાવો પણ છે.

 

હું 24 ડિસેમ્બર, 2016નો દિવસ ભૂલી શકતો નથી, જ્યારે હું અહીં મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક-અટલ સેતુનો શિલાન્યાસ કરવા આવ્યો હતો. ત્યારે છત્રપતિ શિવાજી મહારાજને નમન કરતા મેં કહ્યું હતું કે, 'લખી રાખો, દેશ બદલાશે પણ અને દેશ વિકાસ પણ પામશે'. જે વ્યવસ્થામાં વર્ષો-વર્ષ કામ લટકાવવાની આદત પડી ગઈ હતી, એનાથી દેશવાસીઓને કોઈ આશા બચી ન હતી. લોકો માનતા હતા કે તેમના જીવતેજીવ મોટા પ્રોજેક્ટ્સ પૂરા થઈ જાય , એ મુશ્કેલ જ છે. અને તેથી જ મેં કહ્યું હતું- લખીને રાખો, દેશ બદલાશે અને ચોક્કસ બદલાશે. ત્યારે આ મોદીની ગૅરંટી હતી.અને આજે ફરી એકવાર છત્રપતિ શિવાજી મહારાજને નમન કરીને, મુંબ્રા દેવીને નમન કરીને, સિદ્ધિવિનાયકજીને પ્રણામ કરતા, હું આ અટલ સેતુ મુંબઈની જનતા અને દેશના લોકોને સમર્પિત કરી રહ્યો છું.

કોરોના સંકટ છતાં, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું કામ પૂર્ણ થવું એ એક બહુ મોટી સિદ્ધિ છે. અમારા માટે શિલાન્યાસ, ભૂમિપૂજન, ઉદ્‌ઘાટન અને લોકાર્પણ એ માત્ર એક દિવસનોકાર્યક્રમ જ નથી હોતું. તેમજ તે મીડિયામાં દેખાવા માટે કે જનતાને ખુશ કરવા માટે નથી હોતું. અમારા માટે દરેક પ્રોજેક્ટ ભારતનાંનવનિર્માણનું માધ્યમ છે.જેમ એક એક ઈંટ વડે બુલંદ ઈમારત બનાવવામાં આવે છે તેમ દરેક પ્રોજેક્ટથી ભવ્ય ભારતની ઈમારત બની રહી છે.

સાથીઓ,

આજે અહીં મુંબઈ અને મહારાષ્ટ્રના વિકાસ સાથે સંબંધિત 33 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ રોડ, રેલ, મેટ્રો, પાણી વગેરે જેવી સુવિધાઓ સાથે જોડાયેલા છે. આજે મુંબઈને આધુનિક 'ભારત રત્નમ્‌' અને 'નેસ્ટ-વન' ઈમારતો પણ મળી છે જે બિઝનેસ જગતને મજબૂત બનાવે છે.આમાંના મોટા ભાગના પ્રોજેક્ટ્સ ત્યારે શરૂ કરવામાં આવ્યા હતા જ્યારે મહારાષ્ટ્રમાં પ્રથમ વખત ડબલ એન્જિનની સરકાર બની હતી. તેથી, મહારાષ્ટ્રમાં દેવેન્દ્રજીથી લઈને હવે એકનાથ શિંદેજી, અજિત પવારજી સુધી, આ સમગ્ર ટીમના પ્રયત્નોનું પરિણામ છે, હું એ સૌને અભિનંદન આપું છું.

આજે હું મહારાષ્ટ્રની બહેનોને પણ અભિનંદન આપીશ. આટલી મોટી સંખ્યામાં મહિલાઓનું આવવું, આ માતાઓ અને બહેનોનુંઅમને આશીર્વાદ આપવા, તેનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોઈ શકે? દેશની માતાઓ, બહેનો અને દીકરીઓનાં સશક્તીકરણ માટે મોદીએ જે ગૅરંટી આપી છે ને,તેને મહારાષ્ટ્ર સરકાર પણ આગળ વધારી રહી છે.મુખ્યમંત્રી મહિલા સક્ષમીકરણ અભિયાન, નારી શક્તિદૂત એપ્લિકેશન અને લેક લાડકી યોજના આવો જ એક ઉત્તમ પ્રયાસ છે. આજે આ કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં અમારી માતાઓ, બહેનો અને દીકરીઓ અમને આશીર્વાદ આપવા અહીં આવી છે. વિકસિત ભારતનાં નિર્માણ માટે ભારતની નારી શક્તિએ આગળ આવવું અને નેતૃત્વ કરવું એટલું જ જરૂરી છે.માતાઓ, બહેનો અને પુત્રીઓના માર્ગમાં આવતા દરેક અવરોધને દૂર કરવા અને તેમનું જીવન સરળ બનાવવાનો અમારી સરકારનો સતત પ્રયાસ છે. ઉજ્જવલાનું ગેસ સિલિન્ડર હોય, આયુષ્માન યોજના હેઠળ 5 લાખ રૂપિયાની મફત સારવારની સુવિધા હોય, જન ધન બેંક ખાતા હોય, પીએમ આવાસ માટે પાકું ઘર હોય, ઘરની રજિસ્ટ્રી મહિલાઓનાં નામે હોય, સગર્ભા મહિલાઓનાં બેંક ખાતામાં 6,000 રૂપિયા મોકલવાના હોય, નોકરી કરતી મહિલાઓને પગાર સાથે 26 અઠવાડિયાની રજા આપવાની હોય, સુકન્યા સમૃદ્ધિ ખાતા દ્વારા મહત્તમ વ્યાજ આપવાનું હોય, અમારી સરકારે મહિલાઓની દરેક ચિંતાનું ધ્યાન રાખ્યું છે.ડબલ એન્જિનવાળી સરકાર ધરાવતાં કોઈપણ રાજ્યમાં મહિલા કલ્યાણ એ અમારી સર્વોચ્ચ ગૅરંટી છે. આજે શરૂ થઈ રહેલી યોજનાઓ પણ આ દિશામાં એક મોટું પગલું છે.

 

મારા પરિવારજનો,

છેલ્લા ઘણા દિવસોથી દેશમાં મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક-અટલ સેતુની ચર્ચા થઈ રહી છે. આજે જે કોઈ અટલ બ્રિજને જોઈ રહ્યા છે, જે તેની તસવીરો જોઈ રહ્યા છે, તેગર્વથી ભરાઈ જાય છે. કોઇ તેની વિશાળતાથી, સમુદ્રની વચ્ચે તેની અડગ  છબીથી મંત્રમુગ્ધ છે.કોઈ તેની એન્જિનિયરીંગથી પ્રભાવિત છે. જેમ કે, તેમાં જેટલા વાયર લાગ્યા છે, તેનાથી સમગ્ર પૃથ્વીને બે વાર ચક્કર લગાવી  શકાય છે. આ પ્રોજેક્ટમાં વપરાયેલ લોખંડ અને સ્ટીલના જથ્થાથી 4 હાવડા બ્રિજ અને 6 સ્ટેચ્યુ ઑફ લિબર્ટી બનાવી શકાય છે. કેટલાક એ વાતે ખુશ છે કે હવે મુંબઈ અને રાયગઢ વચ્ચેનું અંતર વધુ ઘટી ગયું છે.

જે પ્રવાસમાં પહેલા ઘણા કલાકો લાગતા હતા તે હવે માત્ર થોડી જ મિનિટોમાં પૂર્ણ થશે. આનાથી નવી મુંબઈની સાથે પૂણે અને ગોવા પણ મુંબઈની વધુ નજીક આવી જશે. આ બ્રિજ બનાવવામાં જાપાને જે સહયોગ આપ્યો છે એ માટે હું ખાસ કરીને જાપાન સરકારનો પણ વિશેષ આભારી છું. આજે હું મારા પ્રિય મિત્ર સ્વર્ગસ્થ શિન્ઝો આબેને ચોક્કસપણે યાદ કરીશ. અમે સાથે મળીને આ બ્રિજનું બાંધકામ વહેલી તકે પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો હતો.

પરંતુ મિત્રો, આપણે અટલ સેતુને આટલા મર્યાદિત કાર્યક્ષેત્રમાં જોઈ શકતા નથી. અટલ સેતુ એ ભારતની એ આકાંક્ષાનોજયઘોષ છે, જે વર્ષ 2014 માં સમગ્ર દેશ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું. જ્યારે મને ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે હું 2014ની ચૂંટણીના થોડા સમય પહેલા રાયગઢ કિલ્લા પર ગયો હતો.મેં છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ સામે બેસીને થોડી ક્ષણો વિતાવી હતી. તે સંકલ્પોને સફળતામાં રૂપાંતરિત કરવાની તેમની ઇચ્છાશક્તિ, જનશક્તિને રાષ્ટ્ર શક્તિ બનાવવાની તેમની દૂરદ્રષ્ટિ, બધું જ મારી નજર સમક્ષ આશીર્વાદ બનીને આવ્યું.એ વાતને 10 વર્ષ થઈ રહ્યાં છે. આ 10 વર્ષોમાં, દેશે તેનાં સપના સાકાર થતા જોયાં છે અને પોતાના સંકલ્પોને સિદ્ધિઓમાં ફેરવતા જોયા છે. અટલ સેતુ આ ભાવનાનું પ્રતિબિંબ છે.

યુવા સાથીઓ માટે, આ નવો વિશ્વાસ લઈને આવી રહ્યું છે. તેમનાં સારાં ભવિષ્યનો માર્ગ અટલ સેતુ જેવી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા જ પસાર થાય છે. અટલ સેતુ એ વિકસિત ભારતનું ચિત્ર છે. વિકસિત ભારત કેવું હશે તેની આ એક ઝલક છે.વિકસિત ભારતમાં બધા માટે સુવિધાઓ હશે, બધા માટે સમૃદ્ધિ હશે, ગતિ અને પ્રગતિ હશે. વિકસિત ભારતમાં અંતર ઘટશે અને દેશનો દરેક ખૂણો જોડાશે. જીવન હોય કે આજીવિકા, બધું જ અવિરત ચાલતું રહેશે, વિના વિક્ષેપ. આ જ તો અટલ સેતુનો સંદેશ છે.

 

મારા પરિવારજનો,

છેલ્લાં10 વર્ષમાં ભારત કેવું બદલાયું છે તેની ઘણી ચર્ચા થઈ રહી છે. 10 વર્ષ પહેલાના ભારતને યાદ કરીએ ત્યારે બદલાયેલ ભારતનું ચિત્ર વધુ સ્પષ્ટ થાય છે. 10 વર્ષ પહેલા હજારો, લાખો કરોડો રૂપિયાનાં મેગા કૌભાંડની ચર્ચા થતી હતી.આજે હજારો કરોડ રૂપિયાના મેગા-પ્રોજેક્ટો પૂરા થવાની ચર્ચા થાય છે. સુશાસન માટેનો આ સંકલ્પ દેશભરમાં દેખાઈ રહ્યો છે.

દેશે ઉત્તર પૂર્વમાં ભૂપેન હજારિકા સેતુ અને બોગીબીલ બ્રિજ જેવા મેગા પ્રોજેક્ટ્સ પૂરા થતા જોયા છે. આજે અટલ ટનલ અને ચેનાબ બ્રિજ જેવા પ્રોજેક્ટની ચર્ચા થઈ રહી છે. આજે એક પછી એક એક્સપ્રેસ વે બનતા હોવાની ચર્ચા થાય છે. આજે આપણે ભારતમાં આધુનિક અને ભવ્ય રેલ્વે સ્ટેશનો બની રહેલા જોઈ રહ્યા છીએ.ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ફ્રેટ કોરિડોર રેલવેનો ચહેરો બદલી નાખશે. વંદે ભારત, નમો ભારત, અમૃત ભારત ટ્રેનો સામાન્ય લોકોની મુસાફરીને સરળ અને આધુનિક બનાવી રહી છે. આજે દર થોડાં અઠવાડિયે દેશના કોઈને કોઈ ખૂણે નવાં એરપોર્ટનું ઉદ્‌ઘાટન થાય છે.

સાથીઓ,

અહીં મુંબઈમાં, મહારાષ્ટ્રમાંજ આ વર્ષોમાં ઘણા મેગા પ્રોજેક્ટ્સ કાં તો પૂરા થઈ ગયા છે અથવા તો બહુ જલ્દી પૂર્ણ થવા જઈ રહ્યા છે. ગયાં વર્ષે જ બાળા સાહેબ ઠાકરે સમૃદ્ધિ મહામાર્ગનું લોકાર્પણ થયું છે. નવી મુંબઈ એરપોર્ટ અને કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પર પણ કામ ઝડપથી ચાલી રહ્યું છે.કોસ્ટલ રોડ પ્રોજેક્ટથી મુંબઈ મહાનગરની કનેક્ટિવિટીનો કાયાકલ્પ થવા જઈ રહ્યો છે. ઓરેન્જ ગેટ, ઈસ્ટર્ન ફ્રીવે અને મરીન ડ્રાઈવની અંડરગ્રાઉન્ડ ટનલ કનેક્ટિવિટી મુંબઈ શહેરમાં ઈઝ ઑફ ટ્રાવેલ-મુસાફરીની સરળતા વધારશે.આવનારાં કેટલાંક વર્ષોમાં મુંબઈને તેની પ્રથમ બુલેટ ટ્રેન પણમળવા જઈ રહી છે. દિલ્હી-મુંબઈ ઈકોનોમિક કોરિડોર મહારાષ્ટ્રને મધ્ય ભારત અને ઉત્તર ભારત સાથે જોડવા જઈ રહ્યો છે. મહારાષ્ટ્રને તેલંગાણા, છત્તીસગઢ અને અન્ય પડોશી રાજ્યો સાથે જોડવા ટ્રાન્સમિશન લાઇન નેટવર્ક નાખવામાં આવી રહ્યું છે.આ સિવાય તેલ અને ગેસ પાઈપલાઈન હોય, ઔરંગાબાદ ઈન્ડસ્ટ્રીયલ સિટી હોય, નવી મુંબઈ એરપોર્ટ હોય, શેન્દ્રા-બિડકિન ઈન્ડસ્ટ્રીયલ પાર્ક હોય, આ મોટા પ્રોજેક્ટો મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થાને નવી ગતિ આપવા જઈ રહ્યા છે.

મારા પરિવારજનો,

આજે આખો દેશ પ્રત્યક્ષ જોઈ રહ્યો છે કે કેવી રીતે કરદાતાઓના પૈસા દેશના વિકાસ માટે વપરાય છે. પરંતુ દાયકાઓ સુધી દેશ પર શાસન કરનારાઓએ દેશના સમય અને કરદાતાના પૈસા બંનેની પરવા કરી નથી. તેથી, પહેલાના સમયમાં, કોઈપણ પ્રોજેક્ટ કાં તો જમીન પરથી ઉતરતો જ ન હતો, અથવા દાયકાઓ સુધી લટકતો રહેતો હતો.મહારાષ્ટ્ર તો આવા અનેક પ્રોજેક્ટ્સનું સાક્ષી રહ્યું છે. નિલવંડે ડેમનું કામ 5 દાયકા પહેલા શરૂ થયું હતું. અમારી સરકારે જ આ સિદ્ધ કર્યું છે. ઉરણ-ખારકોપર રેલવે લાઇનનું કામ પણ લગભગ 3 દાયકા પહેલા શરૂ થયું હતું.આ પણ ડબલ એન્જિન સરકાર દ્વારા જ પૂર્ણ કરવામાં આવ્યું છે. નવી મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ પણ લાંબા સમયથી લટકતો રહ્યો. અહીં ડબલ એન્જિનની સરકાર બન્યા બાદ અમે તેને વેગ આપ્યો અને હવે પ્રથમ તબક્કો પૂરો થયો છે.

આજે આપણને જે અટલ સેતુ મળ્યો છે, તેનું આયોજન પણ ઘણાં વર્ષો પહેલાથી ચાલતું હતું. એટલે કે ત્યારથી મુંબઈ માટે આની જરૂરિયાત ત્યારથી અનુભવાઈ રહી હતી, પરંતુ તે પૂર્ણ કરવાનું સૌભાગ્ય અમને મળ્યું. અને આપ યાદ રાખો, બાંદ્રા-વરલી સી લિંક પ્રોજેક્ટ અટલ સેતુ કરતા લગભગ 5 ગણો નાનો છે. અગાઉની સરકારમાં તેને બનતા બનતા 10 વર્ષથી વધુ સમય લાગ્યો હતો અને બજેટમાં 4-5 ગણો વધારો થયો હતો. ત્યારે આ સરકાર ચલાવતા લોકોની કામ કરવાની આ રીત હતી.

 

સાથીઓ,

અટલ સેતુ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માત્ર સુવિધાઓ જ નથી આપતા પરંતુ રોજગારીનો એક વિશાળ સ્ત્રોત પણ છે. તેનાં નિર્માણ દરમિયાન, મારા લગભગ 17 હજાર મજૂર ભાઈ-બહેનો અને 1500 એન્જિનિયરોને સીધી રોજગારી મળી. આ સિવાય પરિવહન સંબંધિત વ્યવસાયો અને અન્ય બાંધકામ સંબંધિત વ્યવસાયોમાં મળતી રોજગારી અલગ છે. હવે આ આખા પ્રદેશમાં દરેક પ્રકારના બિઝનેસને બળ આપશે, તેનાથી ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ-વેપાર કરવાની સરળતા, ઈઝ ઑફ લિવિંગ-જીવનની સરળતામાં વધારો થશે.

મારા પરિવારજનો,

આજે ભારતનો વિકાસ એક સાથે બે પાટા પર થઈ રહ્યો છે. આજે એક તરફ ગરીબોનાં જીવનને સુધારવા માટે મહા-અભિયાન ચાલી રહ્યાં છે, તો બીજી તરફ દેશના ખૂણે-ખૂણે મેગા-પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. અમે અટલ પેન્શન યોજના પણ ચલાવી રહ્યા છીએ અને અટલ સેતુ પણ બનાવી રહ્યા છીએ. અમે આયુષ્માન ભારત યોજના પણ ચલાવી રહ્યા છીએ અને વંદે ભારત-અમૃત ભારત ટ્રેનો પણ બનાવી રહ્યા છીએ.અમે પીએમકિસાન સન્માન નિધિ પણ આપી રહ્યા છીએ અને પીએમગતિશક્તિ પણ બનાવી રહ્યા છીએ. આજનું ભારત આ બધું એકસાથે કેવી રીતે કરી રહ્યું છે? જવાબ છે- નિયત અને નિષ્ઠા. અમારી સરકારની નિયત સાફ છે.આજે સરકારની નિષ્ઠા માત્ર ને માત્ર દેશ પ્રત્યે અને દેશવાસીઓ પ્રત્યે છે. અને જેમ નિયત હોય છે, જેમ નિષ્ઠા હોય છે, તેવી જ રીતે નીતિ પણ હોય છે, અને જેમ નીતિ હોય છે, તેવી જ રીતે રીતિ પણ હોય છે.

જે લોકોએ લાંબા સમય સુધી દેશ પર શાસન કર્યું, તેમની નિયત અને નિષ્ઠા બંને પ્રશ્નના ઘેરામાં રહી છે. તેમની નિયત માત્ર સત્તા મેળવવાની રહી, વોટ બેંક બનાવવાની રહી અને પોતાની તિજોરી ભરવાની રહી.તેમની નિષ્ઠા દેશવાસીઓ પ્રત્યે ન હતી પરંતુ માત્ર તેમના પરિવારનેઆગળ વધારવા સુધી જ મર્યાદિત રહી. તેથી, તેઓ ન તો વિકસિત ભારત વિશે વિચારી શક્યા અને ન તો આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લક્ષ્ય બનાવી શક્યા. આનાથી દેશને કેટલું નુકસાન થાય છે તે જાણવું પણ જરૂરી છે. ચાલો હું તમને એક આંકડો આપું.2014 પહેલાનાં 10 વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે માત્ર 12 લાખ કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું હતું. જ્યારે અમારી સરકારે 10 વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 44 લાખ કરોડ રૂપિયાનું બજેટ આપ્યું છે. તેથી જ આજે દેશમાં આટલા મોટા મોટા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. એકલા મહારાષ્ટ્રમાં જ, કેન્દ્ર સરકારે કાં તો લગભગ રૂ. 8 લાખ કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે અથવા તેના પર કામ ચાલી રહ્યું છે. આ રકમ દરેક ક્ષેત્રમાં રોજગારની નવી તકો પણ વધારી રહી છે.

 

સાથીઓ,

આજે, અમે દેશના દરેક પરિવારને મૂળભૂત સુવિધાઓની સંતૃપ્તિ એટલે કે સોએ સો ટકા કવરેજ આપવાનું એક મિશન ચલાવી રહ્યા છીએ. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજે મોદીનીગૅરંટીવાળી ગાડી દેશના ખૂણે ખૂણે પહોંચી રહી છે. મોદીની ગૅરંટી ત્યાંથી શરૂ થાય છે જ્યાં અન્ય પાસેથી અપેક્ષાઓ પૂરી થઈ જાય છે. આપણી બહેનો અને દીકરીઓએ આનો સૌથી વધુ અનુભવ કર્યો છે. ગામ હોય કે શહેર, સ્વચ્છતાથી લઈને શિક્ષણ, દવા અને કમાણી સુધી દરેક યોજનાનો સૌથી વધુ લાભ આપણી માતા-બહેનોને મળ્યો છે. પીએમ જન ઔષધિ કેન્દ્રો પર 80 ટકા ડિસ્કાઉન્ટ સાથે દવાઓ આપવામાં આવી રહી છે.ગરીબ પરિવારની બહેનોને કાયમી મકાન આપવાની મોદીની ગૅરંટી છે. જેમને પહેલા કોઈએ પૂછ્યું ન હતુંમોદીએ પહેલીવાર તેમને પૂછ્યું છે, તેમને બેંકોમાંથી મદદ અપાવી છે. મુંબઈમાં હજારો સ્ટ્રીટ વેન્ડરોએ પણ પીએમ સ્વનિધિ યોજનાનો લાભ લીધો છે. અમારી સરકાર મહિલા સ્વ-સહાય જૂથોને પણ મદદ કરી રહી છે.છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમે ઘણી બહેનોને લખપતિ દીદીઓ બનાવી છે. અને હવે મેં સંકલ્પ કર્યો છે કે આવનારાં વર્ષોમાં 2 કરોડ મહિલાઓને, આ આંકડો સાંભળીને કેટલાક લોકો ચોંકી જાય છે, હું 2 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનાં લક્ષ્ય સાથે ચાલી રહ્યો છું.

મહારાષ્ટ્રની એનડીએસરકારેપણ આ જે નવું અભિયાન ચલાવ્યું છે, તે નારી સશક્તીકરણમાં બહુ મોટી ભૂમિકા ભજવશે. મુખ્યમંત્રી મહિલા સક્ષમીકરણ અભિયાન અને નારી શક્તિદૂત અભિયાન મહિલાઓના વિકાસને નવી ગતિ આપશે. હું તમને ખાતરી આપું છું કે, ડબલ એન્જિન સરકાર મહારાષ્ટ્રના વિકાસ માટે આવા જ સમર્પિત ભાવ સાથે કામ કરવાનું ચાલુ રાખશે.મહારાષ્ટ્ર વિકસિત ભારતનો મજબૂત આધારસ્તંભ બને તેની ખાતરી કરવા અમે કોઈ કસર છોડીશું નહીં.

ફરી એકવાર, હું તમને બધાને આ નવા પ્રોજેક્ટ્સ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. હું ખાસ કરીને માતાઓ અને બહેનોને વંદન કરું છું. તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા અને અમને આશીર્વાદ આપ્યા.

ખૂબ ખૂબ આભાર!

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM's Vision Turns Into Reality As Unused Urban Space Becomes Sports Hubs In Ahmedabad

Media Coverage

PM's Vision Turns Into Reality As Unused Urban Space Becomes Sports Hubs In Ahmedabad
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates all the Padma awardees of 2025
January 25, 2025

The Prime Minister Shri Narendra Modi today congratulated all the Padma awardees of 2025. He remarked that each awardee was synonymous with hardwork, passion and innovation, which has positively impacted countless lives.

In a post on X, he wrote:

“Congratulations to all the Padma awardees! India is proud to honour and celebrate their extraordinary achievements. Their dedication and perseverance are truly motivating. Each awardee is synonymous with hardwork, passion and innovation, which has positively impacted countless lives. They teach us the value of striving for excellence and serving society selflessly.

https://www.padmaawards.gov.in/Document/pdf/notifications/PadmaAwards/2025.pdf