“જ્યારે ન્યાય મળતો જોવા મળે છે, ત્યારે બંધારણીય સંસ્થાઓમાં દેશવાસીઓનો વિશ્વાસ મજબૂત થાય છે”
“દેશની જનતાને સરકારની ગેરહાજરી કે તેમના તરફથી દબાણ થતું હોય તેવું ન લાગવું જોઇએ”
“છેલ્લા 8 વર્ષોમાં, ભારતે દોઢ હજાર કરતાં વધારે જૂના અને અપ્રસ્તૂત કાયદાઓને રદ કર્યા છે અને 32 હજારથી વધુ પાલન નાબૂદ કર્યા છે”
“આપણે એ સમજવું પડશે કે રાજ્યોમાં સ્થાનિક સ્તરે વૈકલ્પિક વિવાદ નિરાકરણના વ્યવસ્થાતંત્રને કેવી રીતે કાયદાકીય વ્યવસ્થાનો એક ભાગ બનાવી શકાય”
“આપણે એવા કાયદાઓ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ કે જેને ગરીબમાં ગરીબ લોકો પણ સરળતાથી સમજી શકે”
“ન્યાયની સરળતા માટે કાનૂની વ્યવસ્થામાં સ્થાનિક ભાષા મોટી ભૂમિકા નિભાવે છે”
“રાજ્ય સરકારોએ અન્ડરટ્રાયલ કેદીઓ પ્રત્યે માનવીય અભિગમ સાથે કામ કરવું જોઇએ જેથી ન્યાયિક વ્યવસ્થા માનવ આદર્શો સાથે આગળ વધે”
“જો આપણે બંધારણની ભાવના પર નજર કરીએ તો, વિવિધ કામગીરીઓ હોવા છતાં ન્યાયતંત્ર, ધારાસભા અને અદાલતો વચ્ચે દલીલ કે સ્પર્ધાને કોઇ જ અવકાશ નથી”
“સમર્થ રાષ્ટ્ર અને સુમેળપૂર્ણ સમાજ માટે સંવેદનશીલ ન્યાય પ્રણાલી હોવી જરૂરી છે”

કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુજી, રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલજી, આ બેઠકમાં સામેલ થયેલા તમામ રાજ્યોના કાયદા મંત્રી, સચિવો, આ મહત્વપૂર્ણ પરિષદમાં ઉપસ્થિત અન્ય મહાનુભવો, દેવીઓ અને સજ્જનો,

દેશ અને તમામ રાજ્યોના કાયદા મંત્રીઓ અને સચિવોની આ મહત્વની બેઠક સ્ટેચ્યુ ઑફ યુનિટીની ભવ્યતા વચ્ચે થઇ રહી છે. આજે જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે જનહિત અંગેની સરદાર પટેલની પ્રેરણા, આપણને સાચી દિશામાં પણ લઈ જશે અને આપણને લક્ષ્ય સુધી પહોંચાડશે.

સાથીઓ,

દરેક સમાજમાં તે સમયગાળા પ્રમાણે અનુકૂળ ન્યાય વ્યવસ્થા અને વિવિધ પ્રક્રિયાઓ અને પરંપરાઓનો વિકાસ થતો રહ્યો છે. એક સ્વસ્થ સમાજ માટે, આત્મવિશ્વાસભર્યા સમાજ માટે, દેશના વિકાસ માટે એક વિશ્વસનીય અને ઝડપી ન્યાય પ્રણાલી ખૂબ જ આવશ્યક છે. જ્યારે ન્યાય મળતો જોવા મળે છે, ત્યારે દેશવાસીઓનો બંધારણીય સંસ્થાઓ પ્રત્યેનો વિશ્વાસ મજબૂત થાય છે. અને જ્યારે ન્યાય મળે છે ત્યારે દેશના સામાન્ય માનવીનો આત્મવિશ્વાસ પણ એટલો જ વધે છે. આથી દેશની કાયદો વ્યવસ્થામાં સતત સુધારો થાય તે માટે આ પ્રકારનાં આયોજન ખૂબ જ જરૂરી છે.

સાથીઓ,

ભારતના સમાજની વિકાસયાત્રા હજારો વર્ષની છે. તમામ પડકારો છતાં, ભારતીય સમાજે સતત પ્રગતિ કરી છે, સાતત્ય જાળવી રાખ્યું છે. આપણા સમાજમાં નૈતિકતા પ્રત્યેનો આગ્રહ અને સાંસ્કૃતિક પરંપરાઓ ખૂબ જ સમૃદ્ધ છે. આપણા સમાજની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પ્રગતિના પથ પર આગળ વધતા પોતાની અંદર આંતરિક સુધારાઓ કરવાનું પણ ચાલુ રાખે છે. આપણો સમાજ અપ્રસ્તુત બની ગયેલા કાયદાઓ, કુરિવાજોને દૂર કરે છે, ફેંકી દે છે. નહીંતર પરંપરા ગમે તે હોય, રૂઢિચુસ્ત બની જાય ત્યારે સમાજ પર બોજારૂપ બની જાય છે અને સમાજ આ બોજા હેઠળ દબાઇ જાય છે એ પણ આપણે જોયું છે. માટે, પ્રત્યેક વ્યવસ્થામાં સતત સુધારો એ અનિવાર્ય આવશ્યકતા હોય છે. તમે સાંભળ્યું હશે, હું ઘણી વાર કહું છું કે દેશની જનતાને સરકારનો અભાવ પણ ન લાગવો જોઈએ અને દેશની જનતાને સરકારનું દબાણ પણ ન અનુભવવું જોઈએ. સરકારનું દબાણ જે વાતોથી સર્જાય છે તેમાં બિનજરૂરી કાયદાઓની પણ ખૂબ મોટી ભૂમિકા રહી છે. છેલ્લાં 8 વર્ષમાં ભારતના નાગરિકો પરથી સરકારનું દબાણ દૂર કરવા પર અમારો વિશેષ ભાર રહ્યો છે. તમે પણ જાણો છો કે દેશે દોઢ હજારથી વધુ જૂના અને અપ્રસ્તુત કાયદાઓ રદ કર્યા છે. આમાંના ઘણા કાયદાઓ તો ગુલામીના સમયથી ચાલ્યા આવતા હતા. નવીનતા અને ઈઝ ઑફ લિવિંગના માર્ગમાં આવતા કાનૂની અવરોધોને દૂર કરવા માટે 32,000થી વધારે અનુપાલનમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફેરફારો લોકોની સુવિધા માટે છે, અને સમય અનુસાર પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે જાણીએ છીએ કે ગુલામીના વખતના ઘણા જૂના કાયદાઓ હજુ પણ રાજ્યોમાં અમલમાં છે. આઝાદીના આ અમૃતકાળમાં ગુલામીના સમયથી ચાલ્યા આવતા કાયદાઓને નાબૂદ કરીને આજની તારીખ પ્રમાણે નવા કાયદા બનાવવા જરૂરી છે. મારો આપ સૌને આગ્રહ છે કે આ પરિષદમાં, આવા કાયદાઓની નાબૂદી માટે માર્ગ બનાવવા માટે ચોક્કસ વિચારણા થવી જ જોઇએ. આ ઉપરાંત રાજ્યોના હાલના કાયદાઓ છે એની સમીક્ષા પણ ઘણી મદદગાર સાબિત થશે. આ સમીક્ષાનું કેન્દ્ર ઇઝ ઑફ લિવિંગ પણ હોય અને ઇઝ ઑફ જસ્ટિસ પણ હોવું જોઈએ.

સાથીઓ,

ન્યાયમાં વિલંબ એ એક એવો વિષય છે જે ભારતના નાગરિકો દ્વારા સામનો કરવામાં આવતા સૌથી મોટા પડકારોમાંનો એક છે. આપણી ન્યાયપાલિકાઓ આ દિશામાં ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે. હવે અમૃતકાળમાં આપણે સાથે મળીને આ સમસ્યાનો ઉકેલ લાવવો પડશે. ઘણા પ્રયત્નોમાં, એક વિકલ્પ વૈકલ્પિક વિવાદ નિવારણનો પણ છે, જેને રાજ્ય સરકારનાં સ્તરે ઉત્તેજન આપી શકાય છે. આ પ્રકારની વ્યવસ્થા બહુ પહેલાથી ભારતનાં ગામડાંમાં કામ કરી રહી છે. તેની પોતાની રીત હશે, તેની પોતાની વ્યવસ્થા હશે પણ વિચાર તે જ છે. આપણે રાજ્યોમાં સ્થાનિક સ્તરે આ વ્યવસ્થાને સમજવી પડશે, આપણે તેને કાયદાકીય વ્યવસ્થાનો ભાગ કેવી રીતે બનાવી શકીએ, તેના પર કામ કરવું પડશે. મને યાદ છે, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે અમે સાંજની અદાલતો-ઈવનિંગ કૉર્ટ્સ શરૂ કરી હતી અને દેશની પહેલી સાંજની અદાલત ત્યાં જ શરૂ થઈ હતી. સાંજની અદાલતોમાં મોટે ભાગે એવા કેસો હતા જે ધારાઓની દ્રષ્ટિએ ઘણા ઓછા ગંભીર હતા. લોકો પણ આખો દિવસ પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ આ અદાલતોમાં આવીને ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરતા હતા. આનાથી તેમનો સમય પણ બચી જતો હતો અને કેસની સુનાવણી પણ ઝડપથી થતી હતી. ઈવનિંગ કૉર્ટ્સને કારણે ગુજરાતમાં વીતેલાં વર્ષોમાં 9 લાખથી વધુ કેસોનો ઉકેલ આવ્યો છે. આપણે જોયું છે કે લોક અદાલતો પણ દેશમાં ઝડપી ન્યાયનું વધુ એક માધ્યમ બની છે. ઘણાં રાજ્યોમાં આ અંગે ખૂબ જ સારું કામ પણ થયું છે. લોક અદાલતો દ્વારા દેશમાં વીતેલાં વર્ષોમાં લાખો કેસોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. આનાથી અદાલતોનું ભારણ પણ ખૂબ જ ઓછું થયું છે અને ખાસ કરીને ગામમાં રહેતા લોકોને, ગરીબોને ન્યાય મળવો પણ ખૂબ જ સરળ બની ગયો છે.

સાથીઓ,

તમારામાંથી વધુ લોકો પાસે સંસદીય બાબતોનાં મંત્રાલયની પણ જવાબદારી હોય છે. એટલે કે, તમે બધા કાયદા નિર્માણની પ્રક્રિયામાં પણ ખૂબ નજીકથી પસાર થાઓ છો. હેતુ ગમે તેટલો સારો હોય, જો કાયદામાં જ ભ્રમ હોય, સ્પષ્ટતાનો અભાવ હોય તો સામાન્ય નાગરિકોને ભવિષ્યમાં ભારે હાલાકી ભોગવવી પડે છે. આ કાયદાની જટિલતા છે, તેની ભાષા એવી હોય છે અને તેનાં કારણે, જટિલતાને કારણે સામાન્ય નાગરિકોને અઢળક નાણાં ખર્ચીને ન્યાય મેળવવા માટે આમતેમ દોડાદોડ કરવી પડે છે. તેથી જ્યારે કાયદો સામાન્ય માણસની સમજમાં આવે છે ત્યારે તેની અસર કંઈક અલગ જ હોય છે. તેથી કેટલાક દેશોમાં સંસદ કે વિધાનસભામાં કાયદો બને ત્યારે તેને બે રીતે તૈયાર કરવામાં આવે છે. એક તો કાયદાની વ્યાખ્યામાં ટેકનિકલ શબ્દોનો ઉપયોગ કરીને કાયદાની વિગતવાર વ્યાખ્યા કરવી અને બીજું એ કે જે તે ભાષામાં કાયદો લખવો અને જે લોકભાષામાં લખવો, તે સ્વરૂપમાં લખવું જે દેશના સામાન્ય માનવીને સમજાય, મૂળભૂત કાયદાની ભાવનાને ધ્યાનમાં રાખીને લખવો. તેથી, કાયદાઓ બનાવતી વખતે, આપણું ધ્યાન એ હોવું જોઈએ કે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ નવા બની રહેલા કાયદાને સારી રીતે સમજી શકે. કેટલાક દેશોમાં એવી પણ જોગવાઈ હોય છે કે, કાયદો બનાવતી વખતે જ તે કાયદો કેટલો સમય અસરકારક રહેશે તે નક્કી થઈ જાય છે. એટલે કે એક રીતે કાયદો ઘડતી વખતે તેની ઉંમર, તેની એક્સપાયરી ડેટ નક્કી કરી દેવામાં આવે છે. આ કાયદો 5 વર્ષ માટે છે, આ કાયદો 10 વર્ષ માટે છે, તે નક્કી કરી લેવામાં આવે છે. જ્યારે તે તારીખ આવે છે, ત્યારે નવા સંજોગોમાં તે કાયદાની ફરીથી સમીક્ષા કરવામાં આવે છે. ભારતમાં પણ આપણે એ જ ભાવના સાથે આગળ વધવાનું છે. ઈઝ ઑફ જસ્ટિસ- ન્યાયની સરળતા માટે કાનૂની પ્રણાલીમાં સ્થાનિક ભાષાની પણ બહુ મોટી ભૂમિકા છે. હું આ મુદ્દાને આપણાં ન્યાયતંત્ર સમક્ષ પણ સતત ઉઠાવતો રહ્યો છું. દેશ પણ આ દિશામાં ઘણા મોટા પ્રયાસો કરી રહ્યો છે. કાયદાની ભાષા કોઈ પણ નાગરિક માટે અવરોધરૂપ ન બને, દરેક રાજ્યએ તેના માટે પણ કામ કરવું જોઈએ. આ માટે, આપણને લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં સમર્થનની પણ જરૂર પડશે, અને યુવાનો માટે માતૃભાષામાં એક શૈક્ષણિક ઇકોસિસ્ટમ પણ ઉભી કરવી પડશે. કાયદાને લગતા અભ્યાસક્રમો માતૃભાષામાં હોય, આપણા કાયદા સહજ-સરળ ભાષામાં લખાયેલા હોય, ઉચ્ચ અદાલતો અને સુપ્રીમ કૉર્ટના મહત્વના કેસોની ડિજિટલ લાઈબ્રેરીઓ સ્થાનિક ભાષામાં હોય, તે માટે આપણે કામ કરવું પડશે. આનાથી સામાન્ય માનવીમાં કાયદા વિશેના જ્ઞાનમાં પણ વધારો થશે, અને ભારેખમ કાનૂની શબ્દોનો ડર પણ ઓછો થશે.

સાથીઓ,

સમાજની સાથે સાથે જ્યારે ન્યાય વ્યવસ્થાનો પણ વિસ્તાર થાય છે ત્યારે આધુનિકતા અપનાવવાની સ્વાભાવિક વૃત્તિ જોવા મળે છે તો સમાજમાં જે બદલાવ આવે છે તે ન્યાય વ્યવસ્થામાં પણ જોવા મળે છે. ટેકનોલોજી આજે કેવી રીતે ન્યાયિક વ્યવસ્થાનું અભિન્ન અંગ બની ગઈ છે, તે આપણે કોરોના કાળમાં પણ જોયું છે. આજે દેશમાં ઈ-કૉર્ટ મિશન ઝડપથી આગળ વધી રહ્યું છે. ‘વર્ચુઅલ હિયરિંગ' અને વર્ચુઅલ હાજરી જેવી વ્યવસ્થાઓ હવે આપણી કાનૂની પ્રણાલીનો ભાગ બની રહી છે. આ ઉપરાંત કેસોના ઈ-ફાઈલિંગને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. હવે દેશમાં 5Gનાં આગમન સાથે, આ પ્રણાલીઓ વધુ ઝડપી બનશે, અને આને કારણે ખૂબ મોટા ફેરફારો સ્વાભાવિક છે, થવાના જ છે. તેથી, દરેક રાજ્યએ આને ધ્યાનમાં રાખીને તેની વ્યવસ્થાઓને અપડેટ અને અપગ્રેડ કરવી જ પડશે. તકનીકી અનુસાર આપણું કાનૂની શિક્ષણ તૈયાર કરવું એ પણ આપણું એક મહત્વપૂર્ણ લક્ષ્ય હોવું જોઈએ.

સાથીઓ,

સંવેદનશીલ ન્યાયિક પ્રણાલી એ સમર્થ રાષ્ટ્ર અને સમરસ સમાજ માટે અનિવાર્ય શરત હોય છે. આથી જ મેં ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત બેઠકમાં અંડરટ્રાયલ્સનો મુદ્દો ઉઠાવ્યો હતો. હું આપ સૌને આગ્રહ કરું છું કે, કેસોની ઝડપી સુનાવણી માટે રાજ્ય સરકાર જે કંઈ પણ કરી શકે છે તે જરૂરથી કરે. રાજ્ય સરકારોએ પણ અંડરટ્રાયલ્સને લગતા સંપૂર્ણ માનવીય અભિગમ સાથે કામ કરવું જોઈએ, જેથી આપણી ન્યાયિક વ્યવસ્થા માનવીય આદર્શ સાથે આગળ વધે.

સાથીઓ,

આપણા દેશની ન્યાય વ્યવસ્થા માટે બંધારણ જ સર્વોપરી છે. આ બંધારણનાં કૂખેથી જ ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારી ત્રણેયનો જન્મ થયો છે. સરકાર હોય, સંસદ હોય, આપણી અદાલતો હોય, આ ત્રણેય એક રીતે એક જ માતા બંધારણ રૂપી માતાનાં સંતાનો છે. તેથી, જુદાં જુદાં કાર્યો હોવા છતાં, જો આપણે બંધારણની ભાવના જોઈએ, તો વાદ-વિવાદ માટે, એકબીજા સાથે સ્પર્ધા માટે કોઈ અવકાશ રહેતો નથી. એક માતાનાં બાળકોની જેમ ત્રણેયે ભારત માતાની સેવા કરવાની હોય છે, ત્રણેયે મળીને 21મી સદીમાં ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું છે. હું આશા રાખું છું કે આ પરિષદમાં જે મંથન થશે તે ચોક્કસપણે દેશ માટે કાનૂની સુધારાઓનું અમૃત બહાર લાવશે. હું આપ સૌને આગ્રહ કરું છું કે તમે સમય કાઢીને સ્ટેચ્યુ ઑફ યુનિટી અને તેનાં સમગ્ર પરિસરમાં જે વિસ્તરણ અને વિકાસ થયો છે, એને આપ જરૂરથી જુઓ. દેશ હવે ખૂબ ઝડપથી આગળ વધવા માટે તૈયાર છે. તમારી પાસે જે પણ જવાબદારી છે, તમે તેને સારી રીતે નિભાવો. એ જ મારી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. ખૂબ ખૂબ આભાર.

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Auto retail sales surge to all-time high of over 52 lakh units in 42-day festive period: FADA

Media Coverage

Auto retail sales surge to all-time high of over 52 lakh units in 42-day festive period: FADA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister visits Shri LK Advani ji on his birthday
November 08, 2025

The Prime Minister, Shri Narendra Modi went to Shri LK Advani Ji's residence and greeted him on the occasion of his birthday, today. Shri Modi stated that Shri LK Advani Ji’s service to our nation is monumental and greatly motivates us all.

The Prime Minister posted on X:

“Went to Shri LK Advani Ji's residence and greeted him on the occasion of his birthday. His service to our nation is monumental and greatly motivates us all.”