"હું બંગાળનાં લોકોને વિનંતી કરીશ કે બીરભૂમ હિંસા જેવી ઘટનાઓના ગુનેગારોને અને આવા ગુનેગારોને પ્રોત્સાહિત કરનારાઓને ક્યારેય માફ ન કરે"
"આજે દેશ તેના ઇતિહાસને, તેના ભૂતકાળને ઊર્જાના જીવંત સ્ત્રોત તરીકે જુએ છે"
"નવું ભારત દેશની વિરાસતને વિદેશથી પરત લાવી રહ્યું છે જ્યાં પ્રાચીન મૂર્તિઓની મુક્તપણે દાણચોરી કરવામાં આવતી હતી"
"બિપ્લોબી ભારત ગૅલરી એ પશ્ચિમ બંગાળના વારસાને જાળવવા અને વધારવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે"
"ભારતમાં હેરિટેજ ટુરિઝમ વધારવા માટે દેશવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે"
"ભારત-ભક્તિ, ભારતની એકતા અને અખંડિતતાની શાશ્વત અનુભૂતિ આજે પણ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ"
“ભારતનું નવું વિઝન આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા, પ્રાચીન ઓળખ અને ભાવિ ઉત્થાનનું છે. આમાં, ફરજની ભાવના સર્વોચ્ચ મહત્વ ધરાવે છે"
"ક્રાંતિ, સત્યાગ્રહના પ્રવાહો અને સ્વાતંત્ર્ય સંગ્રામના સર્જનાત્મક આવેગને રાષ્ટ્ર ધ્વજના ભગવા, સફેદ અને લીલા દ્વારા રજૂ કરવામાં આવે છે"
“નવાં ભારત માટે, ભગવો કર્તવ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા, સફેદ સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે; લીલો રંગ પર્યાવરણની જાળવણી માટે છે અને વાદળી ચક્ર દેશની બ્લૂ ઈકોનોમી માટે છે.
"ભારતની વધતી જતી નિકાસ એ આપણા ઉદ્યોગ, આપણા MSMEs, આપણી ઉત્પાદન ક્ષમતા અને આપણાં કૃષિ ક્ષેત્રની મજબૂતાઈનું પ્રતીક છે."

પશ્ચિમ બંગાળના ગવર્નર શ્રીમાન જગદીપ ધનખડજી, કેન્દ્રના સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી શ્રી કિશન રેડ્ડીજી, વિક્ટોરિયા મેમોરિયલ હોલ સાથે જોડાયેલા તમામ મહાનુભવો, વિશ્વ વિદ્યાલયોના વાઈસ ચાન્સેલર્સ, કલા અને સંસ્કૃતિ જગતના દિગ્ગજ દેવીઓ અને સજ્જનો.

સૌથી પહેલાં હું પશ્ચિમ બંગાળ બીરભૂમમાં થયેલી હિંસક ઘટના અંગે દુઃખ વ્યક્ત કરૂં છું અને મારી સંવેદના પણ વ્યક્ત કરૂં છું. હું આશા રાખું છું કે બંગાળની મહાન ધરતી પર આવા જઘન્ય પાપ કરનારા લોકોને રાજ્ય સરકાર ચોક્કસ સજા અપાવશે. બંગાળના લોકોને પણ હું આગ્રહ કરીશ કે તે આવી દુર્ઘટના આચરનારા અપરાધીઓનો ઉત્સાહ વધારે તેવી પ્રવૃત્તિને ક્યારેય માફ નહીં કરે. કેન્દ્ર સરકાર તરફથી હું રાજ્યને આશ્વાસન આપવા માગું છું કે અપરાધીઓને વહેલામાં વહેલી તકે સજા અપાવવા માટે જે કોઈ સહાયની જરૂર હશે તે ભારત સરકાર ચોક્કસ ઉપલબ્ધ કરશે.

સાથીઓ,

‘આઝાદી કા અમૃત મહોત્સવૈર,  પુન્નો પાલૌન લૉગ્ને. મૌહાન બિપ્લવી- દેર ઔઈતિહાશિક, આત્તો – બલિદાનેર પ્રાંતિ, શૌમૉગ્રો ભારતબાશિર, પોક્ખો થેકે આ- ભૂમિ પ્રૌણામ જન્નાછી’. આઝાદીના અમૃત મહોત્સવ અને શહિદ દિવસ પર હું દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરી દેનારા તમામ વીર અને વિરાંગનાઓને કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી ભાવાંજલિ અર્પિત કરૂં છું. શ્રીમદ્દ ભાગવદ્દ ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે નૈનમ છીન્દન્તિ શસ્ત્રાણિ, નૈનમ દહતી પાવક.  આનો અર્થ એ થાય છે કે જેને શસ્ત્રો કાપી શકતા નથી અને અગ્નિ તેને બાળી શકતો નથી. દેશ માટે બલિદાન આપનારા લોકો પણ આવા જ હોય છે. તેમને અમરત્વ પ્રાપ્ત થાય છે અને તે પ્રેરણાના પુષ્પ બનીને પેઢી દર પેઢી પોતાની સુગંધ ફેલાવતા રહે છે. અને એટલા માટે જ આજે વર્ષો પછી પણ અમર શહિદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના બલિદાનની ગાથા દેશના દરેક બાળકની જબાન પર છે. આપણને સૌને આ વીરોની ગાથાઓ દેશ માટે રાત- દિવસ મહેનત કરવા પ્રેરણા આપતી રહે છે. અને આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન આ વખતે શહિદ દિવસનું મહત્વ ઘણું વધી જાય છે. દેશની આઝાદી માટે યોગદાન આપનારા નાયક- નાયિકાઓને હું નમન કરૂં છું. તેમના યોગદાનની સ્મૃતિને યાદ કરૂં છું. બાઘા જતિનનો એ હુંકાર કે અમાર મૌરબો, જાત જાંગવે, કે પછી ખુદીરામ બોઝનું આવાહન- એક બાર વિદાય દે મા, ધુરે આશીને સમગ્ર દેશ આજે યાદ કરી રહ્યો છે. બંકિમ બાબુનું વંદે માતરમ તો આજે આપણા સૌ ભારતવાસીઓ માટે મંત્ર બની ગયું છે. ઝાંસીના રાણી લક્ષ્મી બાઈ, ઝલકારી બાઈ, કિત્તૂરના રાણી ચેન્નમા, માતંગિની હાજરા, વિણા  દાસ, કમલા દાસગુપ્તા, કનકલતા બરૂઆ જેવી અનેક વિરાંગનાઓએ સ્વતંત્રતા સંગ્રામની જ્વાળાને નારી શક્તિ દ્વારા પ્રજ્વલિત કરી છે. આવા તમામ વીરોની સ્મૃતિમાં આજે  સવારથી અનેક સ્થળોએ પ્રભાત ફેરીઓ નિકળી છે. શાળા અને કોલેજોમાં આપણા યુવા સાથીઓએ વિશેષ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. અમૃત મહોત્સવના આ કાલખંડમાં શહિદ દિવસ પ્રસંગે વિક્ટોરિયા મેમોરિયલ ખાતે ‘વિપ્લવી ભારત’ ગેલેરીનું લોકાર્પણ થઈ રહ્યું છે. આજે નેતાજી સુભાષચંદ્ર બોઝ, અરવિંદો ઘોષ, રાસબિહારી બોઝ, ખુદીરામ બોઝ, બાઘા જતિન, વિનય બાદલ અને દિનેશ જેવા અનેક સેનાનીઓની સ્મૃતિઓથી આ જગા પવિત્ર બની છે. નિર્ભિક સુભાષ ગેલેરી પછી આજે બીપ્લોબી ભારત ગેલેરી સ્વરૂપે પશ્ચિમ બંગાળની, કોલકતાના વારસામાં એક ખૂબસુરત મોતી જોડવામાં આવ્યું છે.

સાથીઓ,

બીપ્લોબી ભારત ગેલેરી વિતેલા વર્ષોમાં પશ્ચિમ બંગાળના સમૃધ્ધ, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સંભાળવાની અને જાળવવાની આપણી કટિબધ્ધતાનું પ્રમાણ છે. અહીંની આઈકોનિક ગેલેરી હોય, ઓલ્ડ કરન્સી બિલ્ડીંગ હોય, બેલ્વેડેયર  હાઉસ હોય કે વિક્ટોરિયા મેમોરિયલ હોય કે પછી મેટકાફ હાઉસ હોય. આ બધાને ભવ્ય અને સુંદર બનાવવાનું કામ લગભગ પૂરૂં થઈ ગયું છે. વિશ્વના સૌથી જૂના મ્યુઝિયમોમાં ગણના પામે છે તેવા કોલકતાના જ ઈન્ડિયન મ્યુઝિયમને પણ નવા રૂપરંગ સાથે રજૂ કરવા માટે અમારી સરકાર કામ કરી રહી છે.

સાથીઓ,

આપણા ભૂતકાળનો વારસો આપણને વર્તમાન સમયમાં દિશા પૂરી પાડે છે. આપણને બહેતર ભવિષ્યના નિર્માણ માટે પ્રેરણા આપે છે. એટલા માટે આજે દેશ પોતાના ઈતિહાસને, પોતાના ભૂતકાળને ઊર્જાના જાગૃત સ્રોત તરીકે અનુભવી રહ્યો છે. તમને એ સમય પણ યાદ હશે કે જ્યારે આપણે ત્યાં પ્રાચીન મંદિરોની મૂર્તિઓની ચોરી થવાના સમાચાર આવતા રહેતા હતા. આપણી કલાકૃતિઓની બેધડક વિદેશમાં દાણચોરી થતી રહેતી હતી, જાણે કે તેનું કોઈ મહત્વ જ ના હોય. પણ હવે ભારતના આ વારસાને પાછો લાવવામાં આવી રહ્યો છે. હજુ હમણાં જ આપણા કિશન રેડ્ડીજીએ વિસ્તારપૂર્વક આ બાબતે વર્ણન કર્યું. બે દિવસ પહેલાં જ ઓસ્ટ્રેલિયામાંથી ડઝનબંધ મૂર્તિઓ, પેઈન્ટીંગ્ઝ અને અન્ય કલાકૃતિઓ ભારતને પરત સોંપવામાં આવી છે. તેમાંથી અનેક કલાકૃતિઓ પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી છે. ગયા વર્ષે ભારતને અમેરિકાએ પણ આશરે દોઢસો જેટલી કલાકૃતિઓ  પાછી સોંપી હતી. દેશનું સામર્થ્ય ત્યારે વધે છે, જ્યારે બે દેશો વચ્ચે પરસ્પરના સંબંધો વધે છે ત્યારે આવા ઉદાહરણો સામે આવે છે. તમને સૌને ખ્યાલ આવી ગયો હશે કે 2014 પહેલાં અનેક દાયકાઓમાં માત્ર ડઝન જેટલી જ પ્રતિમાઓ ભારત પરત લાવી શકાઈ હતી, પરંતુ વિતેલા 7 વર્ષમાં આ સંખ્યા સવા બસો કરતાં પણ વધુ થઈ છે. આપણી સંસ્કૃતિ અને આપણી સભ્યતાની આ નિશાનીઓ ભારતની વર્તમાન અને ભાવિ પેઢીને સતત પ્રેરણા આપતી રહે તે દિશાનો આ એક ખૂબ મોટો પ્રયાસ છે.

ભાઈઓ અને બહેનો,

આજે જે રીતે દેશ પોતાના રાષ્ટ્રિય અને આધ્યાત્મિક વારસાને એક નવા આત્મવિશ્વાસ સાથે વિકસીત કરી રહ્યો છે તેનું એક પાસું છે. આ પાસું છે- હેરિટેજ ટુરિઝમ. હેરિટેજ ટુરિઝમમાં આર્થિક દ્રષ્ટિએ તો અનેક સંભાવનાઓ છે જ, તેનાથી વિકાસના નવા માર્ગો પણ ખૂલે છે. દાંડીના મીઠાના સત્યાગ્રહની યાદમાં બનાવેલું સ્મારક હોય કે પછી જલિયાવાલા બાગ સ્મારકનું પુનઃનિર્માણ હોય. એકતા નગર કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટ હોય કે પછી પંડિત દિન દયાળ ઉપાધ્યાયજીના સ્મારકનું નિર્માણ હોય. દિલ્હીમાં બાબા સાહેબ મેમોરિયલ હોય કે પછી રાંચીમાં  ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક  અને સંગ્રહાલય હોય, અયોધ્યા- બનારસના ઘાટનું સૌંદર્યીકરણ હોય કે પછી દેશભરના ઐતિહાસિક મંદિરો અને શ્રધ્ધાના ધામનો જીર્ણોધ્ધાર હોય. હેરિટેજ ટુરિઝમને આગળ ધપાવવા માટે ભારતમાં એક દેશ વ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. સ્વદેશ દર્શન જેવી અનેક યોજનાઓના માધ્યમથી હેરિટેજ ટુરિઝમને ગતિ પૂરી પાડવામાં આવી રહી છે અને સમગ્ર દુનિયાનો અનુભવ પણ એવો જ છે કે હેરિટેજ ટુરિઝમ રોજગારમાં વૃધ્ધિ કરવા માટે, લોકોની આવક વધે તેવા નવા અનેક અવસર ઊભા કરવામાં મોટી ભૂમિકા નિભાવે છે. 21મી સદીનું ભારત પોતાની ક્ષમતાને સમજીને આગળ વધી રહ્યું છે.

સાથીઓ,

ભારતની ગુલામીના સેંકડો વર્ષ  લાંબા કાલખંડમાં આઝાદી ત્રણ પ્રવાહોના સંયુક્ત પ્રયાસોથી પ્રાપ્ત થઈ છે. એમાં એક પ્રવાહ ક્રાંતિનો, બીજો પ્રવાહ સત્યાગ્રહનો અને ત્રીજો પ્રવાહ જાગૃતિ અને રચનાત્મક કામનો હતો. મારા મનમાં આ ત્રણેય પ્રવાહો તિરંગાના ત્રણ રંગોમાં ઉભરી રહ્યા છે. મારા મન મસ્તિકમાં વારંવાર એનો ભાવ પ્રગટ થઈ રહ્યો છે. આપણા તિરંગાનો કેસરિયો રંગ ક્રાંતિના પ્રવાહનું પ્રતિક છે. સફેદ રંગ સત્યાગ્રહ અને અહિંસાના પ્રવાહનુ પ્રતિક છે અને લીલો રંગ રચનાત્મક પ્રવૃત્તિઓને વ્યક્ત કરે છે. ભારતીય મૂલ્યો પર આધારિત શિક્ષણનો પ્રચાર અને પ્રસાર, દેશ ભક્તિ સાથે જોડાયેલી સાહિત્યિક રચનાઓ, ભક્તિ આંદોલન જેવી બાબતો તેની સાથે જોડાયેલી છે. અને તિરંગાની અંદરના ચક્રને હું ભારતની સાંસ્કૃતિક ચેતનાના પ્રતિક તરીકે જોઈ રહ્યો છું. વેદથી માંડીને વિવેકાનંદ સુધી, બુધથી માંડીને ગાંધી સુધી આ ચક્ર ચાલતું રહ્યું છે. મથુરાથી વૃંદાવન, કુરૂક્ષેત્રના મોહન, તેમનું સુદર્શન ચક્ર અને પોરબંદરના મોહનનું ચરખાધારી ચક્ર- આ બધા ચક્રો ક્યારેય અટક્યા નથી.

અને સાથીઓ,

જ્યારે હું બીપ્લબી ભારત ગેલેરીનું ઉદ્દઘાટન કરી રહ્યો છું ત્યારે તિરંગાના ત્રણ રંગોમાં નવા ભારતનું ભવિષ્ય પણ જોઈ રહયો છું. કેસરિયો રંગ આપણને કર્મઠતા, કર્તવ્ય અને રાષ્ટ્રિય સુરક્ષા માટે પ્રેરણા આપતો રહે છે. સફેદ રંગ ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’નો પર્યાય છે. લીલો રંગ આજે પર્યાવરણની રક્ષા માટે, રિન્યુએબલ એનર્જી માટે ભારતના મોટા લક્ષ્યોનું પ્રતિક છે. ગ્રીન એનર્જીથી માંડીને ગ્રીન હાઈડ્રોજન સુધી, બાયોફ્યુઅલથી માંડીને ઈથેનોલો બ્લેન્ડીંગ સુધી, નેચરલ ફાર્મિંગથી માંડીને ગોબર ધન યોજના સુધીના તમામ તેના પ્રતિબિંબ બની રહ્યા છે. અને તિરંગામાં લાગેલું જે વાદળી ચક્ર છે તે આજે બ્લૂ ઈકોનોમીનો પર્યાય છે. ભારત પાસે ઉપલબ્ધ અથાગ સમુદ્રી સંશાધનો, વિશાલ સમુદ્ર તટ, આપણી જળ શક્તિ વગેરે ભારતના વિકાસને સતત ગતિ પૂરી પાડી રહ્યું છે.

અને સાથીઓ,

મને આનંદ છે કે તિરંગાની આ આન, બાન અને શાન આગળ ધપાવવા માટેનું બીડું દેશના યુવાનોએ ઉઠાવ્યું છે. દેશના એ જ યુવાનો છે કે જેમણે દરેક કાળમાં ભારતની સ્વાધિનતા સંગ્રામની મશાલ પોતાના હાથમાં રાખી હતી. અને તમે યાદ કરો કે આજના દિવસે જ્યારે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી આપવામાં આવી ત્યારે તે 23 થી 24 વર્ષની ઉંમરના યુવાન હતા. ખુદીરામ બોઝની ઉંમર તો ફાંસીના સમયે તેનાથી પણ ઘણી ઓછી હતી. ભગવાન  બિરસા મુંડા 25-26 વર્ષની વયના હતા. ચંદ્રશેખર આઝાદ 24-25 વર્ષની વયના હતા અને તેમણે અંગ્રેજી હકુમતને ધ્રૂજાવી દીધી હતી. ભારતના યુવાનોનું આ સામર્થ્ય એ સમયે પણ ઓછું ન હતું અને આજે પણ ઓછું નથી. હું દેશના યુવાનોને કહેવા માગું છું કે પોતાની શક્તિઓ અને પોતાના સપનાંઓને ક્યારેય ઓછા આંકે નહીં. એવું કોઈ કામ નથી કે જે ભારતનો યુવાન કરી શકે નહીં, એવું કોઈ લક્ષ્ય નથી કે જે ભારતનો યુવાનો પ્રાપ્ત કરી શકે નહીં. આઝાદીને 100 વર્ષ પૂરા થશે ત્યારે ભારત જે ઊંચાઈ પર હશે, 2047માં ભારત જે ઉંચાઈ પર પહોંચશે તે આજના યુવાનોની તાકાત પર આધારિત હશે. એટલા માટે આજ જે યુવાનો છે તેમન જીવનનું લક્ષ્ય સૌથી મોટું હોવું જોઈએ. નૂતન ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન, હવે પછીના 25 વર્ષમાં ભારતના યુવાનોની મહેનત ભારતનું ભાગ્ય નક્કી કરશે અને ભારતના ભવિષ્યને આગળ ધપાવશે.

સાથીઓ,

ભારતની આઝાદીનું આંદોલન આપણને હંમેશા એક ભારત- શ્રેષ્ઠ ભારત માટે કામ કરવાની પ્રેરણા આપે છે. આઝાદીની ઝૂંબેશ ચલાવનારા લોકો ભલે અલગ અલગ વિસ્તારોમાંથી આવતા હોય, તેમની ભાષા અને બોલી પણ અલગ અલગ  હશે. એટલે સુધી કે તેમના સાધનોમાં પણ વિવિધતા હતી, પણ રાષ્ટ્ર સેવાની ભાવના અને રાષ્ટ્રભક્તિ એકનિષ્ટ હતી. તે ‘ભારત ભક્તિ’ના સૂત્ર સાથે જોડાયેલા હતા. એક સંકલ્પ સાથે જોડાઈને ઊભા રહ્યા હતા. ભારતની ભક્તિનો આ શાશ્વત ભાવ, ભારતની એકતા, અખંડતા આજે પણ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. આપણી રાજનીતિક વિચારધારા કોઈપણ હોય, આપણું કોઈપણ રાજકીય દળ હોય, પરંતુ ભારતની એકતા અને અખંડતાની સાથે કોઈપણ જાતના ચેડાં ભારતના સ્વતંત્ર સેનાનીઓ સાથેનો સૌથી મોટો વિશ્વાસઘાત ગણાશે. એકતા વગર આપણે એક ભારત- શ્રેષ્ઠ ભારતની ભાવનાને સશક્ત બનાવી શકીશું નહીં. દેશની બંધારણિય સંસ્થાઓનું સન્માન, બંધારણિય પદનું સન્માન, તમામ નાગરિકો માટે સમાન ભાવ, તેમના માટે સંવેદના, દેશની એકતાને બળ પૂરૂં પાડે છે. આજના આ સમયમાં આપણે દેશની વિરૂધ્ધ કામ કરી રહેલા દરેક તત્વો પર નજર રાખવાની રહેશે. તેમનો કડકાઈથી સામનો કરવાનો રહેશે. આજે આપણે જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ ત્યારે એકતાના આ અમૃતની રક્ષા કરવી તે પણ આપણા સૌની ખૂબ મોટી જવાબદારી છે.

ભાઈઓ અને બહેનો,

આપણે નવા ભારતમાં, નવી દ્રષ્ટિ સાથે આગળ ધપવાનું છે. આ નવી દ્રષ્ટિ ભારતના આત્મવિશ્વાસની છે, આત્મનિર્ભરતાની છે. પુરાતન ઓળખની છે. ભવિષ્યના ઉત્થાન માટેની પણ છે અને તેમાં કર્તવ્યની ભાવનાનું પણ સૌથી વધુ મહત્વ છે. આપણે આજે આપણા કર્તવ્યોનું જે નિષ્ઠા સાથે પાલન કરીશું, આપણાં પ્રયાસોમાં જેટલી પરાકાષ્ટા હશે તેટલું જ દેશનું ભવિષ્ય ભવ્ય બનશે. એટલા માટે આજે ‘કર્તવ્ય નિષ્ઠા’ જ આપણી રાષ્ટ્રિય ભાવના હોવી જોઈએ. ‘કર્તવ્ય પાલન’ જ આપણી  રાષ્ટ્રિય પ્રેરણા હોવું જોઈએ. કર્તવ્ય જ ભારતનું રાષ્ટ્રિય ચરિત્ર હોવું જોઈએ. આ કર્તવ્ય શું છે? આપણે ખૂબ જ આસાનીથી આપણી આસપાસના કર્તવ્યો બાબતે નિર્ણય પણ કરી શકીએ છીએ, પ્રયાસ પણ કરી શકીએ છીએ, પરિણામ પણ લાવી શકીએ છીએ. જ્યારે આપણે સડકો પર ચાલતા ચાલતા, ટ્રેનોમાં, બસ સ્ટેન્ડ ઉપર, ગલીઓમાં, બજારોમાં, ગંદકી ફેલાવીએ નહીં અને સ્વચ્છતાનું ધ્યાન રાખીએ ત્યારે આપણે આપણા કર્તવ્યનું પાલન કરીએ છીએ. સમયસર રસી લેવી, જળ સંરક્ષણ માટે યોગદાન આપવું, પર્યાવરણને બચાવવા માટે મદદ કરવી તે પણ કર્તવ્ય પાલનનું એક ઉદાહરણ છે. જ્યારે આપણે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ, અન્ય લોકોને તે માટે જાગૃત કરીએ છીએ, તેમને તાલિમ આપીએ છીએ ત્યારે પણ આપણે કર્તવ્યનું પાલન કરતા હોઈએ છીએ. જ્યારે આપણે સ્થાનિક ઉત્પાદનો ખરીદીએ છીએ, લોકલ માટે વોકલ હોઈએ છીએ ત્યારે પણ આપણે કર્તવ્યનું પાલન કરીએ છીએ. જ્યારે આપણે આત્મનિર્ભર ભારત અભિયાનને ગતિ આપીએ છીએ ત્યારે પોતાના કર્તવ્યનું પાલન કરી રહ્યા હોઈએ છીએ. મને એ બાબતનો પણ આનંદ છે કે આજે ભારતે 400 બિલિયન ડોલર એટલે કે 30 લાખ  કરોડ રૂપિયાના ઉત્પાદનોની નિકાસનો નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતની વધતી જતી નિકાસ, આપણા ઉદ્યોગોની શક્તિ, આપણું એમએસએમઈ ક્ષેત્ર અને આપણી ઉત્પાદન ક્ષમતા તથા આપણા કૃષિ ક્ષેત્રના સામર્થ્યનું પ્રતિક છે.

સાથીઓ,

જ્યારે દરેક ભારતીય પોતાના કર્તવ્યોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપશે, સંપૂર્ણ નિષ્ઠા સાથે તેનું પાલન કરશે ત્યારે ભારતને આગળ ધપવામાં કોઈ તકલીફ પડશે નહીં. ભારતને આગળ વધતું કોઈ રોકી શકશે નહીં. આપણે આપણી આસપાસ જોઈશું તો લાખો લાખો યુવાનો, લાખો લાખો મહિલાઓ, આપણા બાળકો, આપણા પરિવાર, કર્તવ્યની આ ભાવના સાથે જીવી રહ્યા છે. આ ભાવના જેમ જેમ દરેક ભારતીયનું ચરિત્ર બનતી જશે, તેટલું જ ભારતનું ભવિષ્ય ઉજળું બનતું જશે. હું કવિ મુકુંદ દાસજીના શબ્દોમાં કહું તો ‘કી આનંદોદ્વનિ ઉઠલો બૌન્ગો-ભૂમો, બૌન્ગો-ભૂમો, બૌન્ગો-ભૂમો, બૌન્ગો-ભૂમો.. ભારૌતભૂમે જેગેચ્છે આજ ભારૌતબાશી આર કિ માના શોને, લેગેચ્છે આપોન કાજે, જાર જા નીછે મોને’ કોટિ કોટિ ભારતીયોની આ ભાવના નિરંતર સશક્ત બને, આપણને ક્રાંતિ વીરો પાસેથી હંમેશા પ્રેરણા મળતી રહે તેવી કામના સાથે બીપ્લબી ભારત ગેલેરી માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું! વંદે માતરમ! ધન્યવાદ!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s IPO boom hits record high in 2025 as companies raise nearly Rs2 lakh crore: Report

Media Coverage

India’s IPO boom hits record high in 2025 as companies raise nearly Rs2 lakh crore: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister commends release of the Constitution of India in Santhali language
December 26, 2025

The Prime Minister, Shri Narendra Modi has commended release of the Constitution of India in Santhali language by the President of India, Smt. Droupadi Murmu. Shri Modi stated that will help to deepen constitutional awareness and democratic participation. "India is very proud of the Santhali culture and the contribution of Santhali people to national progress", Shri Modi said.

The Prime Minister posted on X:

"A commendable effort!

The Constitution in Santhali language will help deepen constitutional awareness and democratic participation.

India is very proud of the Santhali culture and the contribution of Santhali people to national progress."

@rashtrapatibhvn

"ᱱᱚᱣᱟ ᱫᱚ ᱥᱟᱨᱦᱟᱣᱱᱟ ᱠᱟᱹᱢᱤ ᱠᱟᱱᱟ!

ᱥᱟᱱᱛᱟᱞᱤ ᱯᱟᱹᱨᱥᱤ ᱛᱮ ᱥᱚᱣᱤᱫᱷᱟᱱ ᱨᱮᱭᱟᱜ ᱪᱷᱟᱯᱟ ᱥᱚᱫᱚᱨᱚᱜ ᱫᱚ ᱥᱚᱣᱮᱭᱫᱷᱟᱱᱤᱠ ᱡᱟᱜᱣᱟᱨ ᱟᱨ ᱞᱳᱠᱛᱟᱱᱛᱨᱤᱠ ᱵᱷᱟᱹᱜᱤᱫᱟᱹᱨᱤ ᱮ ᱵᱟᱲᱦᱟᱣᱟ᱾

ᱵᱷᱟᱨᱚᱛ ᱫᱚ ᱥᱟᱱᱛᱟᱞᱤ ᱥᱟᱸᱥᱠᱨᱤᱛᱤ ᱟᱨ ᱡᱟᱹᱛᱤᱭᱟᱹᱨᱤ ᱞᱟᱦᱟᱱᱛᱤ ᱨᱮ ᱥᱟᱱᱛᱟᱞ ᱦᱚᱲᱟᱜ ᱜᱚᱲᱚ ᱛᱮ ᱜᱚᱨᱚᱵᱽ ᱢᱮᱱᱟᱭᱟ᱾"

@rashtrapatibhvn