શેર
 
Comments
Indian diaspora is the true ambassador of India: PM Modi
India is continuously working with the spirit of Indian Solutions- Global Applications: PM Modi
‘Make in India’ is turning India into a Global Hub for Electronics and Automobile Manufacturing: PM Narendra Modi

નમસ્કાર!

જાપાન જેવો દેશ, આજની ઋતુમાં આ વાતાવરણ અને આપ સૌનો સાથ, ખરેખર એક અદભૂત સંગમ છે.
ભારતમાં પણ સોમવાર હોય, અને સવારના નવ વાગ્યે મને બોલાવવો હોય પરંતુ આટલી વહેલી સવારે આટલી સંખ્યામાં, લાગે છે કેટલાક લોકો રાત્રે જ આવી ગયા હશે. હું તમારા આ પ્રેમ માટે તમારા આ આશીર્વાદ માટે હૃદયપૂર્વક તમારો ખૂબ-ખૂબ આભારી છું.

આજની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે જાપાનમાં વસેલા આપ સૌ સ્વજનોને મને વર્ષ 2016માં મળવાનો મોકો મળ્યો હતો તે પછી આજે મળી રહ્યો છે. આ પ્રસંગે સૌથી પહેલા હું ભારતની તરફથી, આપ સૌ તરફથી મારા પ્રિય મિત્ર પ્રધાનમંત્રી શિંજો આબેને ફરીથી એલપીડીના પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન પાઠવુ છુ.

ભારતની જનતા પ્રત્યે, મારા પ્રત્યે, પ્રધાનમંત્રી આબેનો પ્રેમ, તેમનો સ્નેહ હંમેશા રહ્યો છે. આ વખતે તેને નવું પરિમાણ આપતા જે રીતે વિશેષ સત્કાર તેમણે કર્યો છે, તેના માટે પણ હું પ્રધાનમંત્રીજીનો અને જાપાનની જનતાનો આભાર વ્યક્ત કરું છું. તેની સાથે જ આપ સૌને દિવાળીની પણ અનેક અનેક શુભકામનાઓ આપું છું. જે રીતે દિવાળીમાં દીવો જ્યાં હોય છે ત્યાં અજવાળું કરે છે તે જ રીતે તમે પણ જાપાન અને દુનિયાના દરેક ખૂણામાં પોતાનું અને દેશનું નામ રોશન કરો, મારી એ જ કામના છે.

સાથીઓ,

ભારતના પ્રધાનમંત્રી હોવાના નાતે આ મારી ત્રીજી જાપાન યાત્રા છે. અને જ્યારે પણ જાપાન આવવાનો અવસર મળ્યો છે તો અહિયાં મને એક આત્મીયતાનો અનુભવ થાય છે. તે એટલા માટે કારણ કે ભારત અને જાપાનની વચ્ચેના સંબંધોના મૂળ પંથથી લઈને પ્રકૃતિ સુધી ફેલાયેલા છે. હિંદુ હોય કે બૌદ્ધ મત, આપણી વિરાસત પારસ્પરિક છે. આપણા આરાધ્યથી લઈને અક્ષર સુધીમાં આ વિરાસતની ઝલક આપણે પ્રત્યેક ક્ષણે અનુભવ કરીએ છીએ.

મા સરસ્વતી, મા લક્ષ્મી, ભગવાન શિવ અને ગણેશ સૌનું સામ્ય જાપાની સમુદાયમાં ઉપસ્થિત છે. સેવા શબ્દનો અર્થ જાપાની અને હિન્દીમાં એક જ છે. હોમ અહિયાં ગોમા બની ગયું અને તોરણ જાપાનીમાં તોરી બની ગયું. પવિત્ર પર્વત ઓન્તાકે પર જનારા જાપાની તીર્થયાત્રીઓ જેઓ પારંપરિક શ્વેત પોષાક પહેરે છે, તેઓ આ પોષાક ઉપર સંસ્કૃત સિદ્ધમ્ લીપીમાં કેટલાક પ્રાચીન વર્ણ પણ લખાવે છે. તેઓ જ્યારે શ્વેત જાપાની તેન્ગુઈ પહેરે છે તો તેની ઉપર ઓમ લખેલું હોય છે.

સાથીઓ, ભારત અને જાપાનના સંબંધોના તાંતણાઓમાં એવા અતીતના ઘણા બધા મજબૂત તંતુઓ આવેલા છે. ભારત અને જાપાનના ઈતિહાસને જ્યાં બુદ્ધ અને બોઝ જોડે છે, ત્યાં જ વર્તમાનને તમારા જેવા નવા ભારતના રાષ્ટ્રદૂત મજબૂત કરી રહ્યા છે. સરકારનો તો એક જ રાજદૂત છે પરંતુ રાષ્ટ્રદૂત અહિયાં હજારો છે. તમે એવો પુલ છો જે ભારત અને જાપાનને, બંને દેશોના લોકોને, સંસ્કૃતિ અને આકાંક્ષાઓને જોડે છે. મને ખુશી છે કે તમે તમારી આ જવાબદારીને સફળતા સાથે નીભાવી રહ્યા છો.

સાથીઓ, મારી જ્યારે પણ પ્રધાનમંત્રી શ્રી આબે સાથે વાત થાય છે તો તેઓ ભારતીય સમુદાયની એટલી પ્રશંસા કરે છે કે મન ગદગદ થઇ જાય છે. તમે લોકોએ તમારા કૌશલ્ય વડે, તમારા સાંસ્કૃતિક મૂલ્યો વડે અહિયાં ઘણું સન્માન પ્રાપ્ત કર્યું છે. યોગને તમે જાપાનના જનજીવનનો ભાગ બનાવવામાં સફળ રહ્યા છો. અહિંના મેનુમાં તમે કઢી-ભાત લાવી દીધા છે અને હવે તો તમે દિવાળી પણ તમારા જાપાની મિત્રો સાથે ઉજવો છો. તમે માર્શલ આર્ટસમાં નિપુણ આ દેશને કબડ્ડીની કલા પણ આપવાનું શરુ કરી દીધું છે અને હવે તમે ક્રિકેટના કલ્ચરને પણ વિકસિત કરવામાં લાગેલા છો. તમે જે રીતે કોન્ટ્રિબ્યુટ, કો-એક્ઝિસ્ટ ટુ કોન્કર હાર્ટસ (દિલ જીતવા માટે સહસ્તિત્વ અને યોગદાન)ના મંત્ર સાથે જાપાની દિલોમાં જગ્યા બનાવી છે તે ખરેખર પ્રશંસાપાત્ર છે. મને પ્રસન્નતા છે કે 30 હજારથી વધુનો ભારતીય સમુદાય અહિં અમારી સંસ્કૃતિના પ્રતિનિધિના રૂપમાં કામ કરી રહ્યો છે.

સાથીઓ, તમારામાંથી અનેક લોકો સ્વાભાવિકપણે ભારત આવતા-જતા રહે છે. જેઓ ઘણા સમયથી નથી પણ ગયા તેઓ છાપાઓના માધ્યમથી, ઈન્ટરનેટના માધ્યમથી ભારતમાં થઇ રહેલા પરિવર્તનના વિષયમાં જરૂરથી જાણકારી લેતા હશે. આજે ભારત પરિવર્તનના મોટા કાર્યકાળમાંથી પસાર થઇ રહ્યું છે. દુનિયા આજે માનવતાની સેવા માટે ભારતના પ્રયાસોનું ગૌરવગાન કરી રહી છે. ભારતમાં જે નીતિઓનું નિર્માણ થઇ રહ્યું છે, જનસેવાના ક્ષેત્રમાં જે કાર્ય થઇ રહ્યા છે તેના માટે દેશને સન્માનિત કરવામાં આવી રહ્યો છે. હમણાં તાજેતરમાં જ વિશ્વની બે મોટી સંસ્થાઓએ ભારતના પ્રયાસોની પ્રશંસા કરી છે, સન્માનિત કર્યા છે. હરિત ભવિષ્યમાં યોગદાન માટે સંયુક્ત રાષ્ટ્રએ ચેમ્પિયન્સ ઑફ ધ અર્થના રૂપમાં, સિયોલ પીસ ફાઉન્ડેશને સિયોલ શાંતિ પુરસ્કારના રૂપમાં ભારતને સન્માન આપ્યું છે.

સાથીઓ, આ સન્માન સવા સો કરોડ લોકોના પ્રતિનિધિના રૂપમાં ભલે નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું હોય પરંતુ મારું યોગદાન માળાના તે દોરા જેટલું છે જે મણકાઓમાં પરોવાયેલા છે અને સંગઠિત બનીને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. આપણો દેશ તમારા જેવા એકથી ચઢે એવા એક હીરાઓથી, મોતીઓથી ભરેલો પડ્યો છે. માત્ર એક સંગઠિત પ્રયાસની જરૂર હતી જે અમે વીતેલા ચાર વર્ષોથી કરી રહ્યા છીએ. સામુહિકતાની, જનભાગીદારીની આ જ શક્તિને આજે દુનિયા ઓળખ આપી રહી છે. આજે પર્યાવરણની સુરક્ષા માટે, આર્થિક સંતુલનને દુર કરવા માટે, વિશ્વ શાંતિની માટે ભારતની ભૂમિકા અગ્રણી છે.

હું સોલ પીસ પ્રાઈઝની જ્યુરીનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે મોદીનોમિક્સની પ્રશંસા કરી છે. તેમની ભાવનાઓનું પૂરેપૂરું સન્માન કરીને હું એ જ કહેવા માંગીશ કે મોદીનોમિક્સને બદલે આ ઇન્ડોનોમીક્સનું સન્માન છે. સરકારનો વડો હોવાના નાતે હું એ જ કરી રહ્યો છું કે જે ભારતની સંસ્કૃતિ, ભારતની પરંપરા રહી છે.
વસુધૈવ કુટુંબકમ્ અને સર્વે ભવન્તુ સુખિનઃ

સર્વે સન્તુ નિરામયાના આપણા પુરાતન મૂલ્યો પ્રત્યે આપણે સમર્પિત છીએ. અમારી સરકારે તો માત્ર એટલું જ પરિવર્તન કર્યું છે કે દુનિયાને, ભારતના ચશ્માંથી જોવામાં આવે. બીજાઓના ચશ્માં વડે ભારતને ન જોશો. અમારી સરકાર ઇન્ડિયન સોલ્યુશન, ગ્લોબલ એપ્લીકેશન (ભારતીય સમાધાન, વૈશ્વિક અમલીકરણ)ની ભાવના સાથે સતત કામ કરી રહી છે. અમે પહેલા ભારતની સમસ્યાઓનું સમાધાન કરી રહ્યા છીએ અને પછી તે મોડલને દુનિયાના બીજા દેશો માટે રજૂ કરી રહ્યા છીએ.

સાથીઓ, તમને એ જાણીને ગર્વ થશે કે જનધન, આધાર અને મોબાઈલ, એટલે કે જેએએમની ટ્રિનીટી વડે જે પારદર્શકતા ભારતમાં આવી છે, તેનાથી હવે દુનિયાના અન્ય વિકાસશીલ દેશો પણ પ્રેરિત થઇ રહ્યા છે. ભારતમાં બનાવવામાં આવેલા આ તંત્રનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તે સિવાય ડિજિટલ લેવડ-દેવડની અમારી આધુનિક વ્યવસ્થા, જેમ કે ભીમ એપ અને રુપે કાર્ડ, તેને લઈને પણ દુનિયાના અનેક દેશોમાં ઉત્સુકતા છે. મને જણાવવામાં આવ્યું છે કે જાપાન પણ હવે લેસ કેશ ઈકોનોમી (ઓછી રોકડ સાથેનું અર્થતંત્ર) તરફ પ્રયાસો વધારી રહ્યું છે. તમને જાણીને ખુશી થશે કે ભારત આજે આ દિશામાં ઘણું આગળ નીકળી ગયું છે. વીતેલા ચાર વર્ષો દરમિયાન જ યુપીઆઈ, ભીમ અને બીજા ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમોથી ડિજિટલ લેવડ-દેવડમાં લગભગ 7 ગણો વધારો થયો છે. ત્યાં જ નાણાકીય સમાવેશીતાને ભારત આગામી સ્તર પર લઇ જઈ રહ્યું છે અને ગામે-ગામ સુધી પોસ્ટ ઑફીસના માધ્યમથી નાણાકીય સેવાઓની હોમ ડિલીવરી કરવામાં આવી રહી છે. તમે નાનપણમાં ટપાલી જોયો હશે, આજે તે જ ટપાલી બેન્કર બની ગયો છે.

સાથીઓ, આજે ભારત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર બાબતે અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યું છે. ગામે-ગામ સુધી બ્રોડબેન્ડ કનેક્શન પહોંચી રહ્યા છે અને સો કરોડથી પણ વધુ મોબાઈલ ફોન આજે ભારતમાં એક્ટીવ છે. કયારેક તો કહેવામાં આવે છે કે ભારતની જનસંખ્યા કરતા વધુ મોબાઈલ ફોન છે. ભારતમાં 1 જીબી ડેટા કોલ્ડ ડ્રીંકની નાનામાં નાની બોટલ કરતા પણ વધુ સસ્તો છે. આ જ સસ્તો ડેટા આજે સર્વિસ ડિલીવરીનું પ્રભાવશાળી માધ્યમ બની રહ્યો છે. ત્યાં જ મેક ઇન ઇન્ડિયા આજે ગ્લોબલ બ્રાંડ બનીને ઉભરી રહ્યું છે. આજે અમે માત્ર ભારત માટે જ નહી પરંતુ દુનિયા માટે વધુ સારી પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ. ખાસ કરીને ઈલેક્ટ્રોનિકસ અને ઓટો મોબાઈલ ઉત્પાદનમાં ભારત વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે. મોબાઈલ ફોન ઉત્પાદનમાં તો અમે નંબર વન બનવાની દિશામાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છીએ.

સાથીઓ, મેક ઇન ઇન્ડિયાની સફળતા પાછળ તે માહોલ છે જે વીતેલા ચાર વર્ષોમાં વેપાર-વાણિજ્ય માટે બન્યો છે. વેપાર કરવાની સરળતાની રેન્કિંગમાં અમે 40 ક્રમો કરતા વધુની છલાંગ મારી છે. વૈશ્વિક સ્પર્ધામાં અમે આ વર્ષે પણ 5 સ્ટેપનો સુધારો કર્યો છે. તેમજ જ નવીનીકરણના મામલે તો આજે અમે દુનિયાના અગ્રણી દેશોની યાદીમાં સામેલ થઇ ચુક્યા છીએ. આ જ કારણ છે કે ભારત સ્ટાર્ટ અપના મામલે બીજી સૌથી મોટી ઇકો સિસ્ટમ બન્યું છે.

સાથીઓ, ભારતમાં જે પણ ઇનોવેશન થઇ રહ્યા છે, જે પણ સમાધાન તૈયાર થઇ રહ્યા છે, તે સસ્તા તો છે જ ગુણવત્તાની બાબતમાં પણ ઉત્તમ છે. ભારતનો સ્પેસ કાર્યક્રમ તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારત દુનિયાના અનેક દેશો, ખાનગી કંપનીઓના સેટેલાઈટ ખૂબ ઓછા ખર્ચે આજે અવકાશમાં મોકલવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે જ અમારા વૈજ્ઞાનિકોએ એક સાથે સો કરતા પણ વધુ ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરવાનો અભૂતપૂર્વ વિક્રમ બનાવ્યો હતો. અમે ખૂબ જ ઓછા ખર્ચે ચંદ્રયાન અને મંગળયાન અંતરીક્ષમાં મોકલ્યા હતા, હવે 2022 સુધી ભારત ગગનયાન મોકલવાની તૈયારીમાં લાગેલું છે. આ ગગનયાન સંપૂર્ણપણે ભારતીય હશે અને તેમાં અંતરીક્ષમાં જનારો પણ ભારતીય હશે.

સાથીઓ, જમીનથી લઈને અંતરીક્ષ સુધી એવા અનેક પરિવર્તન આજે ભારતમાં થઇ રહ્યા છે. આ જ પરિવર્તનોના પગલે આજે ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. આ જ પરિવર્તનોને જોતા દુનિયાની તમામ સંસ્થાઓ કહી રહી છે કે આવનારા દાયકામાં દુનિયાના વિકાસને ભારત સંચાલિત કરશે. ભારતની આ વિકાસગાથામાં જાપાનનું, આપ સૌનું પણ ઘણું મોટું યોગદાન રહેવાનું છે. બુલેટ ટ્રેનથી લઈને સ્માર્ટ સિટી સુધી આજે જે ન્યુ ઇન્ડિયાનું નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઇ રહ્યું છે તેમાં જાપાનની ભાગીદારી છે. ભારતનું માનવબળ, ભારતની યુવા શક્તિને પણ જાપાનના કૌશલ્યનો લાભ મળી રહ્યો છે.

સાથીઓ, હું આપ સૌને નવા ભારતના નિર્માણમાં તમારી સક્રિય ભાગીદારી માટે આમંત્રિત કરું છું. ભારતમાં રોકાણ અને નવીનીકરણ માટે આજે ઉપયુક્ત અવસર તો છે જ સાથે-સાથે પોતાના મૂળ સાથે સક્રિયતાથી જોડાવાનો પણ આ મહત્વપૂર્ણ સમય છે. જાપાનમાં વસેલા ભારતીયોએ જાપાની મિત્રો સાથે મળીને હંમેશા દેશને માટે ઘણું મોટું યોગદાન આપ્યું છે. સ્વામી વિવેકાનંદજીને નેતાજી સુભાષચંદ્ર બોઝને, ભારતની આઝાદીના આંદોલનમાં જે સહયોગ જાપાન પાસેથી મળ્યો છે, તે કરોડો ભારતીયોના દિલમાં હંમેશા રહેશે. આપણા સંબંધો ભવિષ્યમાં વધુ ગાઢ બને, આપણી ભાગીદારી વધુ મજબૂત બને તેના માટે આપણે સૌએ સતત પ્રયાસ કરવાના છે.

હું આજે તમને આ મંચ પરથી આવતા વર્ષે જાન્યુઆરીમાં થનારા પ્રવાસી ભારતીય દિવસ અને અર્ધકુંભ માટે આમંત્રિત કરું છું. પ્રવાસી ભારતીય દિવસ તો આ વખતે વારાણસીમાં થશે, જ્યાંની ગંગા આરતી જોઈને પ્રધાનમંત્રી આબે પણ મંત્રમુગ્ધ થઇ ગયા હતા અને વારાણસી આવવાનું આમંત્રણ હું એટલા માટે આપી રહ્યો છું કારણ કે હું ત્યાનો સાંસદ છું. તો એક રીતે તમે સૌ મારા મહેમાન છો. બે દિવસ પછી વિશ્વના માનચિત્ર પર ભારત પોતાની નવી ઓળખ સ્થાપિત કરવાનું છે. 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે. સરદાર સાહેબની જન્મ જયંતી તો આપણે દર વખતે ઉજવતા આવ્યા છીએ પરંતુ આ વખતે સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત થવાનું છે કારણ કે સરદાર સાહેબની જન્મ ભૂમિ ગુજરાતની ધરતી પર સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બની રહી છે. તે એટલી ઊંચી છે કે તેને સમજવા માટે હું કહીશ કે સ્ટેચ્યુ ઑફ લીબર્ટી કરતા સ્ટેચ્યુ ઑફ યુનિટી બે ગણું ઊંચું છે. સરદાર સાહેબની પ્રતિભા જેટલી ઉંચી હતી આ પ્રતિમા પણ તેટલી જ ઊંચી બનશે. દરેક હિન્દુસ્તાની ગર્વ સાથે કહી શકશે કે દુનિયાનું સૌથી ઊંચી પ્રતિમાં હિન્દુસ્તાનની ધરતી પર છે, સરદાર પટેલનું છે. 31 ઓક્ટોબરે તેનું લોકાર્પણ થશે. મને વિશ્વાસ છે કે તમે લોકો જ્યારે પણ ભારત આવશો, તમારા જાપાનના મિત્ર ભારત આવશે તો તમે જરૂરથી તેમને સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવા માટે જરૂરથી પ્રેરિત કરજો. એ જ મારો આગ્રહ છે.

અંતમાં ફરીથી આપ સૌને દીવાળીની ખૂબ શુભકામનાઓ આપું છું. તમે આટલી મોટી સંખ્યામાં સવાર-સવારમાં આવ્યા તેના માટે પણ હૃદયપૂર્વક ખૂબ-ખૂબ આભાર માનું છું.

આભાર!

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
દિવાળીના શુભ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા ખાતે ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

દિવાળીના શુભ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા ખાતે ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ
India exports Rs 27,575 cr worth of marine products in Apr-Sept: Centre

Media Coverage

India exports Rs 27,575 cr worth of marine products in Apr-Sept: Centre
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 8 ડિસેમ્બર 2021
December 08, 2021
શેર
 
Comments

The country exported 6.05 lakh tonnes of marine products worth Rs 27,575 crore in the first six months of the current financial year 2021-22

Citizens rejoice as India is moving forward towards the development path through Modi Govt’s thrust on Good Governance.