શિક્ષક દિનઃ દેશના ઘડવૈયાઓને પ્રણામ
પ્રિય મિત્રો,વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે દિવસ-રાત સખત મહેનત કરનારા વિશાળ શિક્ષક વર્ગને પ્રણામ કરીને હું પ્રારંભ કરવા માગું છું. આજે આપણે ડો.રાધાક્રિશ્નનને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, જેમનો જન્મ દિવસ દર વર્ષે દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક દિવસ મોટાભાગનાં વિદ્યાર્થીઓ માટે ઘણી બધી યાદો લઈને આવે છે. શિક્ષક દિવસે ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓ પોતે શિક્ષકની ભુમિકા ભજવીને વર્ગનો કાર્યભાર સંભાળતા હોય છે. એક દ્રષ્ટિએ, શિક્ષક દિવસનો અવસર શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સમગ્ર શિક્ષણજગત માટે કાંઈક નવીન કરી બતાવવાની તક લઈને આવે છે.

પ્રત્યેક શિક્ષક દિવસે રાજ્યનાં એક કરોડ વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કરવાનો મારો અનુક્રમ છે. આધુનિક ટેક્નોલોજીનાં ઉપયોગ થકી હું રાજ્યભરનાં વિદ્યાર્થીઓ અને તેમનાં શિક્ષકો સાથે વાર્તાલાપ કરું છું. આ દરમ્યાન તેઓ મને પ્રશ્નો પૂછે છે અને સમગ્ર વાર્તાલાપ ખૂબ મજેદાર અને જ્ઞાનપૂર્ણ બની રહેતો હોય છે. આ બાળકોની નિર્દોષતા, વધુ જાણવાની તેમની જીજ્ઞાસા અને તેમની વિલક્ષણ બુધ્ધિસંપદા મને ખરેખર આશ્ચર્યચકિત કરી દેતી હોય છે. આ તરુણોને વિવિધ વિષયો પર પ્રશ્નો કરતા જોઈને મને ઘણો આનંદ થાય છે, કે આ યુવા બુધ્ધિધનની પાછળ તેમનાં શિક્ષકોનો પુરુષાર્થ રહેલો છે; કે જેઓ આ બાળકોનાં ઉજ્જવળ ભવિષ્યને લઈને પ્રતિબધ્ધ છે.
તમને ક્યારેય પ્રશ્ન થાય છે કે ભિક્ષુકો કેમ મંદિરની બહાર જ ઉભા રહેતા હોય છે, સિનેમા હોલ કે ફાઈવ-સ્ટાર હોટલની બહાર કેમ નહિ? કારણકે તેમને ખ્યાલ હોય છે કે જે લોકો મંદિરમાં પૂજા માટે આવે છે તેઓ તેમનાં પ્રતિ દયાપૂર્ણ વ્યવહાર રાખશે. એજ રીતે જ્યારે ભારતનાં ભવિષ્ય અંગેનો વિચાર મારા મનમાં આવે છે ત્યારે હું શિક્ષક સમુદાયનાં દરવાજે એક ભિક્ષુક બનીને ઉભો રહી જાઉં છું. શિક્ષકો જ્ઞાનનાં મંદિર છે અને જ્ઞાનદાનની અખૂટ ક્ષમતા તેમનામાં છે.
શિક્ષક સાથે મારે બનેલો એક પ્રસંગ તમને કહું. એકવાર હું એક શિક્ષકને મળ્યો. તેમણે પોતાનો તીવ્ર અણગમો મારી સામે ઠાલવ્યો. તેમણે કહ્યું, લોકો મને ‘માસ્તર’ કહીને વારંવાર મારું ‘અપમાન’ કરે છે. મેં તેમને કહ્યું, મને ખબર નથી કે શિક્ષકને માસ્તર કહેવાની શરૂઆત કેવી રીતે થઈ, પણ હું એટલું જરૂર કહીશ કે શિક્ષક માતાનું જ એક સ્વરૂપ છે અને એટલે જ તેમને મા-સ્તર કહેવા જોઈએ. શિક્ષક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આથી વધુ સારો માર્ગ શું હોય કે આપણે તેમને માતા સમાન માનીએ.
માતાપિતા બાળકને જન્મ આપે છે, જ્યારે શિક્ષક જીવન આપે છે. મને ખાત્રી છે કે દરેકનાં જીવનમાં એકાદ શિક્ષક તો એવા હશે જ કે જેમણે તેનાં મન પર ગહેરી છાપ છોડી હોય. એ કદાચ તમારા પ્રાથમિક શિક્ષક હોય જેમણે તમને કક્કો બારાખડી શીખવાડ્યા હતા, કે પછી હાઈસ્કુલનાં શિક્ષક કે જેમણે તમને બીજગણિતનાં દાખલા ગણવાની ફરજ પાડી હતી, કે પછી કોલેજનાં પ્રોફેસર કે જેમણે પોતાનાં સબજેક્ટનો ચસ્કો તમને લગાડ્યો હતો. તમને જે સબજેક્ટ બહુ ગમતો હોય, તેની પાછળ જઈને જોશો તો મોટેભાગે જણાશે કે જે-તે શિક્ષકે બહુ સરસ રીતે આ સબજેક્ટ તમને શીખવાડ્યો હતો, અને સબજેક્ટને જીવંત બનાવી દીધો હતો. અને શિક્ષણનાં એ વર્ગો દરમ્યાન જ તેમણે આપણું ભવિષ્ય ઘડ્યું હતું.
એ હકીકત છે કે દરેક મહાન માણસની સફળતા પાછળ તેના શિક્ષકની સખત મહેનત અને પ્રતિબધ્ધતા રહેલી હોય છે. પછી તે કૃષ્ણ માટે સાંદિપની હોય, અર્જુન માટે દ્રોણાચાર્ય હોય કે પછી રામ માટે વિશ્વામિત્ર કે વશિષ્ઠ હોય, ગુરુ શિષ્યનાં જીવનમાં કેટલો મોટો ફરક પાડી શકે છે એ જોઈ શકાય છે. મહાન ગ્રીક તત્વચિંતક સોક્રેટીસ, કે જેઓ પ્લેટોનાં ગુરુ હતા, તેમણે કહ્યું હતું કે તેમનાં પિતા શિલ્પકાર હતા અને તેમની માતા દાયણ, પણ તેમને આ બંને કામ કરવા હતા એટલે તેઓ શિક્ષક બની ગયા. કારણકે શિક્ષક આ બંને કામ કરે છે, દાયણની ભુમિકા દ્વારા તે પોતાના શિષ્યને આ દુનિયાદારીમાં પ્રવેશ આપે છે અને શિલ્પીની ભુમિકા દ્વારા તે પોતાના શિષ્યમાં એક ઉત્તમ નાગરિકનું ઘડતર કરે છે.
જ્યારે દુનિયાનો અંત નજીક હતો ત્યારે મનુએ એક જહાજમાં તમામ પ્રકારના પ્રાણીઓ અને માણસોને એકત્રિત કર્યાં, કે જેથી આગળ જતાં આ દુનિયાનું પુનઃનિર્માણ કરી શકાય. આજે જો આપણે એક નવા વિશ્વનું નિર્માણ કરવાની જરૂર પડે તો અન્ય કોઇ કરતાં આપણને શિક્ષકોની સૌથી વધુ જરૂર પડશે. ૨૧મી સદી જ્ઞાનની સદી છે અને સીધી વાત છે કે જ્ઞાન આધારિત આ સદીમાં જો આપણે વિકાસ કરવો હશે તો શિક્ષકોની ભુમિકા કેન્દ્ર સ્થાને રહેશે.
મિત્રો, મને આનંદ છે કે છેલ્લાં દશક દરમિયાન ગુજરાતે પોતાની શિક્ષણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના સક્રિય પ્રયાસો કર્યા છે. શિક્ષકોની ભરતી કરવાનો કાર્યક્રમ આપણે મોટાપાયે હાથ ધર્યો છે, જે દરમિયાન ૧,૩૩,૦૦૦થી વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. નાનાકડા બાળકોને હસતાં મોંઢે શાળાએ આવતા અને પાછા જતાં જોવાથી વિશેષ આનંદની વાત ભાગ્યેજ બીજી કોઇ હોઇ શકે.
પ્રતિવર્ષ જૂન મહિનાના ધોમધખતા તાપમાં મારા મંત્રીમંડળના સાથીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને હું ગુજરાતના ગામેગામ જઇને લોકોને તેમના બાળકોને શિક્ષણ અપાવવાની વિનંતી કરીએ છીએ. આપણા ગુણોત્સવ કાર્યક્રમના કારણે પ્રાથમિક શિક્ષણ પ્રણાલીમાં નવી ચેતના જાગી છે. આ કાર્યક્રમને લીધે આપણે આત્મનિરિક્ષણ કરવા અને વધુ ગુણવત્તાસભર શિક્ષણ પ્રદાન કરવાની દિશામાં સમર્થ બન્યાં છીએ.
શિક્ષણક્ષેત્રે આપણે કરેલ વિવિધ પહેલોના પરિણામો હવે આપણી સામે છે. એક દશક પહેલાં ધોરણ ૧થી૫માં શાળા પ્રવેશ દર ૭૫ ટકા હતો અને ડ્રોપઆઉટ દર ૨૧ ટકા હતો, જ્યારે આજે શાળા પ્રવેશ દર વધીને ૧૦૦ ટકા સુધી પહોંચી ગયો છે અને ડ્રોપઆઉટ દર ઘટીને માંડ ૨ ટકા જેટલો રહ્યો છે. ૧૦ વર્ષ પહેલાં સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાઓ ૧૨૭ હતી. આ આંકડો વધીને આજે ૭૫૦ થઇ ચૂક્યો છે. ગુજરાતની શાળાઓમાં ટેકનોલોજીનું પ્રમાણ પણ ઘણું ઊંચું આવી ગયું છે. એક દશક પહેલાં આપણી પાસે માત્ર ૪૮૭ કોમ્યુટર લેબ હતી, આ આંકડો આજે વધીને ૨૨,૨૦૦ને વટાવી ચૂક્યો છે.
આપણે ખુશનસીબ છીએ કે આપણા ગુજરાત પાસે શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ છે. ગત વર્ષે આપણે પ્રાથમિક શિક્ષણક્ષેત્રે નવીન પ્રયાસો થકી બદલાવ લાવનારા ૨૫ શિક્ષકો અંગેનું એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું. આવા તો અનેક હીરા ગુજરાતમાં પડ્યાં છે. દરેક શિક્ષકને તો કદાચ એવોર્ડ ન મળે પણ જો તેમના વર્ગનો એક વિદ્યાર્થી પણ મોટી સિદ્ધિ હાંસલ કરી બતાવે તો શિક્ષકે પોતાની ભુમિકા કરતાં પણ ઘણું વિરાટ કાર્ય પાર પાડ્યુ ગણાશે.
આવો, પ્રાથમિક શિક્ષણક્ષેત્રે નવીન પ્રયાસો કરનાર શિક્ષકોનાં જીવનમાંથી પ્રેરણા લઈએ
ફરી એકવાર, હું શિક્ષણ દિવસના અવસરે શુભકામનાઓ પાઠવું છું અને જે શિક્ષકોએ ભારે તકલીફો વેઠીને અને અનેક બલિદાનો આપીને પોતાના વિદ્યાર્થીઓને સફળ બનાવવામાં અને સમાજ તથા દેશને હકારાત્મક યોગદાન આપવામાં મહત્વની ભુમિકા ભજવી છે તેમના પ્રત્યે આદર વ્યક્ત કરું છું. આપણા દેશના ઉજ્જવળ ભાવિનો તમામ આધાર શિક્ષકો પર છે.
આપનો,
![]()
નરેન્દ્ર મોદી



