નવી દિલ્હીના રાજપથ ખાતે સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરતી વખતે શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે “મહાત્મા ગાંધીને 2019માં તેમની 150મી જન્મજયંતીએ સ્વચ્છ ભારત એ શ્રેષ્ઠ અંજલિ હશે. 2 ઓક્ટોબર 2014ના દિવસે સ્વચ્છ ભારત મિશનને સમગ્ર દેશમાં એક રાષ્ટ્રીય આંદોલન સ્વરૂપે શરુ કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા માટે જન આંદોલનનું નેતૃત્ત્વ કરતા વડાપ્રધાને લોકોને મહાત્મા ગાંધીના સ્વચ્છ અને આરોગ્યપ્રદ ભારતના સ્વપ્નને સાકાર કરવાનું આહવાન કર્યું હતું. શ્રી નરેન્દ્ર મોદીએ ખુદે મંદિર માર્ગ પોલીસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. ગંદકી સાફ કરવા સાવરણો ઉપાડીને, સ્વચ્છ ભારત અભિયાનને સમગ્ર દેશમાં જન આંદોલન બનાવવા વડાપ્રધાને કહ્યું હતું કે લોકોએ કચરો કરવો ન જોઈએ કે અન્યોને કચરો કરવા દેવો ન જોઈએ. તેમણે ‘ના ગંદગી કરેંગે, ના કરને દેંગે’ નો મંત્ર આપ્યો હતો. શ્રી નરેન્દ્ર મોદીએ સફળતા અભિયાનમાં નવ લોકોને આમંત્રણ આપ્યું હતું અને તેમને પણ બીજા નવ લોકોને આ પહેલમાં જોડવાની વિનંતી કરી હતી.

લોકોને આ અભિયાનમાં ભાગ લેવા આમંત્રણ આપીને સ્વચ્છ ભારત અભિયાન એક રાષ્ટ્રીય આંદોલનમાં ફેરવાઈ ગયું છે. સ્વચ્છ ભારત અભિયાન દ્વારા લોકોમાં જવાબદારીની ભાવના ઉભી થઇ છે. નાગરિકો જ્યારે સમગ્ર દેશમાં સ્વચ્છતા પ્રવૃત્તિના સક્રિય ભાગીદાર બની રહ્યા છે ત્યારે મહાત્મા ગાંધી દ્વારા જોવામાં આવેલું ‘સ્વચ્છ ભારત’નું સ્વપ્ન હવે આકાર લેવા માંડ્યું છે.
વડાપ્રધાને સ્વચ્છ ભારતનો સંદેશ પોતાના શબ્દો અને કાર્યો દ્વારા લોકોને વિનંતી કરીને આગળ વધારવામાં મદદ કરી છે. તેમણે વારાણસીમાં પણ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું. તેમણે ગંગા નદીના વારાણસી ખાતેના અસ્સી ઘાટ ખાતે પાવડો લઈને સ્વચ્છ ભારત મિશન હેઠળ સફાઈ કરી હતી. તેમની સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્વચ્છતાના મહત્ત્વને સમજતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઘરમાં વ્યવસ્થિત શૌચાલયની ગેરહાજરી હોવાને લીધે ભારતીય પરિવારો દ્વારા સહન કરવામાં આવતી તકલીફોને એક સાથે સંબોધિત કરી છે.

સમાજના અલગ અલગ વર્ગોમાંથી લોકો આગળ આવીને સ્વચ્છતાના આ જન આંદોલનમાં સામેલ થયા છે. સરકારી અધિકારીઓથી માંડીને જવાનો, બોલિવુડ કલાકારો થી માંડીને ખેલાડીઓ, ઉદ્યોગપતિઓથી માંડીને આધ્યાત્મિક આગેવાનો, તમામે આ ઉમદા કાર્યમાં જોડાયા છે. સમગ્ર દેશમાંથી લાખો લોકો દરરોજ સરકારી ખાતાઓ, NGO તેમજ સ્થાનિક સંસ્થાઓ દ્વારા શરુ કરવામાં આવેલી સ્વચ્છતા પહેલમાં જોડાઈને ભારતને સ્વચ્છ બનાવી રહ્યા છે. નાટકો અને સંગીત દ્વારા સમયાંતરે સ્વચ્છતા કેમ્પેઈન આયોજિત કરીને આરોગ્ય અંગેની જાગૃતિ લાવવાની પ્રવૃત્તિ પણ સમગ્ર દેશમાં વ્યાપકપણે ચાલી રહી છે.


વડાપ્રધાને જાતે લોકો અને વિવિધ ખાતાઓ અને સંસ્થાઓની સ્વચ્છ ભારત મિશનમાં ભાગ લઈને સ્વચ્છ ભારત બનાવવા તરફ પોતાનો ફાળો આપવાના પ્રયાસોની પ્રશંસા કરી છે. શ્રી નરેન્દ્ર મોદીએ લોકોની ભાગીદારીની સોશિયલ મિડિયા દ્વારા ખુલ્લી પ્રશંસા કરી છે. #MyCleanIndia પણ સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે તેની સાથે જ શરુ કરવામાં આવ્યું હતું તે સમગ્ર દેશના નાગરિકો દ્વારા હાથ ધરવામાં આવેલા સ્વચ્છતાના કાર્ય પર પ્રકાશ પાડે છે.
લોકો તરફથી પ્રચંડ પ્રતિસાદ મળતા સ્વચ્છ ભારત અભિયાન એક ‘જન આંદોલન’ બની ગયું છે. નાગરિકો પણ મોટી સંખ્યામાં આગળ આવીને સુઘડ અને સ્વચ્છ ભારતની પ્રતિજ્ઞા લઇ રહ્યા છે. સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત થયા બાદ શેરીઓ સાફ કરવા સાવરણા હાથમાં લેવા, કચરો સાફ કરવો, સ્વચ્છતા પર ધ્યાન આપવું અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવી રાખવું તે હવે એક આદત બની ચૂકી છે. લોકો હવે ભાગ લેતા થયા છે અને ‘સ્વચ્છતા એજ પ્રભુતા’ ના સંદેશને આગળ વધારવામાં મદદ કરી રહ્યા છે.




