મહામહિમ મહાનુભાવો,

નમસ્કાર!

મારું આમંત્રણ સ્વીકારીને આજે આ સમિટમાં જોડાવા બદલ હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું. 140 કરોડ ભારતીયો વતી આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે.

સાથીઓ,

મને યાદ છે, જ્યારે મારા મિત્ર અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ મને ગયાં વર્ષે 16 નવેમ્બરે સેરિમોનિયલ ગેવલ સોંપ્યો હતો, ત્યારે મેં કહ્યું હતું કે આપણે સાથે મળીને G-20ને સમાવિષ્ટ, મહત્વાકાંક્ષી, ક્રિયા-લક્ષી અને નિર્ણાયક બનાવીશું. એક વર્ષમાં આપણે સૌએ મળીને આ કરી બતાવ્યું છે. આપણે સૌએ સાથે મળીને G-20ને નવી ઊંચાઈઓ પર લઈ ગયા છીએ.

અવિશ્વાસ અને પડકારોથી ભરેલી આજની દુનિયામાં, તે પરસ્પર વિશ્વાસ જ છે જે આપણને બાંધે છે, એકબીજા સાથે જોડે છે. આ એક વર્ષમાં આપણે "એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય"માં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અને, વિવાદોથી હટીને એકતા અને સહયોગનો પરિચય આપ્યો છે. હું તે ક્ષણ ક્યારેય ભૂલી શકતો નથી જ્યારે દિલ્હીમાં આપણે બધાએ સર્વસંમતિથી G-20માં આફ્રિકન યુનિયનનું સ્વાગત કર્યું હતું. G-20 એ સમગ્ર વિશ્વને જે સર્વસમાવેશકતાનો સંદેશ આપ્યો છે તે અભૂતપૂર્વ છે.

ભારત માટે ગર્વની વાત છે કે તેનાં પ્રમુખપદ દરમિયાન આફ્રિકાને અવાજ મળ્યો છે. આ એક વર્ષમાં આખી દુનિયાએ જી-20માં ગ્લોબલ સાઉથનો પડઘો પણ સાંભળ્યો છે. ગત સપ્તાહે વોઈસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટમાં, લગભગ 130 દેશોએ નવી દિલ્હી જી-20 સમિટમાં લેવાયેલા નિર્ણયોની દિલથી પ્રશંસા કરી છે. જી-20એ ઈનોવેશન અને ડિજિટલ ટેક્નૉલોજીને સમર્થન આપતી વખતે માનવ-કેન્દ્રિત અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો છે. જી-20એ ફરીથી બહુપક્ષીયવાદમાં વિશ્વાસ વધાર્યો છે.

આપણે સાથે મળીને બહુપક્ષીય વિકાસ બૅન્કો, અને વૈશ્વિક ગવર્નન્સ સુધારાઓને દિશા આપી છે. અને તેની સાથે, G-20ને ભારતનાં પ્રમુખપદ હેઠળ પીપલ્સ-20ની ઓળખ મળી છે. ભારતના કરોડો સામાન્ય નાગરિકો G-20 સાથે જોડાયા, અમે તેને તહેવારની જેમ ઉજવ્યો.

મહામહિમ, મહાનુભાવો,

જ્યારે મેં આ વર્ચ્યુઅલ સમિટનો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારે આજે વૈશ્વિક પરિસ્થિતિ કેવી હશે તેનું કોઈ પૂર્વાનુમાન નહોતું. છેલ્લા મહિનાઓમાં નવા પડકારો ઊભા થયા છે. પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં અસુરક્ષા અને અસ્થિરતાની સ્થિતિ આપણા બધા માટે ચિંતાનો વિષય છે. આજે આપણું એકસાથે આવવું એ વાતનું પ્રતીક છે કે આપણે તમામ મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલ છીએ અને તેનો ઉકેલ લાવવા માટે સાથે ઊભા છીએ. આપણે માનીએ છીએ કે આતંકવાદ આપણા બધા માટે અસ્વીકાર્ય છે. નાગરિકોનાં મૃત્યુ, તે જ્યાં પણ થાય છે, તે નિંદનીય છે.

આપણે આજે બંધકોને મુક્ત કરવાના સમાચારનું સ્વાગત કરીએ છીએ. અને આશા રાખીએ છીએ કે તમામ બંધકોને જલ્દી મુક્ત કરવામાં આવશે. માનવતાવાદી સહાયની સમયસર અને સતત પહોંચાડવી જરૂરી છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ કોઈ પ્રાદેશિક સ્વરૂપ ન લે તેની ખાતરી કરવી પણ જરૂરી છે. આજે સંકટનાં વાદળો જે આપણે આજે જોઈ રહ્યા છીએ, એક પરિવારમાં એ તાકાત છે કે આપણે શાંતિ માટે કામ કરી શકીએ છીએ. માનવ કલ્યાણના દ્રષ્ટિકોણથી આપણે આતંક અને હિંસા સામે અને માનવતા તરફ પોતાનો અવાજ બુલંદ કરી  શકીએ છીએ. આજે ભારત વિશ્વની, માનવતાની આ અપેક્ષાને પૂર્ણ કરવા માટે ખભે ખભો મેળવીને ચાલવા તત્પર છે.

મિત્રો,

21મી સદીની દુનિયા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ગ્લોબલ સાઉથની ચિંતાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી પડશે. ગ્લોબલ સાઉથના દેશો એવી ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે જેના માટે તેઓ જવાબદાર નથી. આ સંદર્ભમાં, સમયની જરૂરિયાત એ છે કે આપણે વિકાસના એજન્ડાને આપણું સંપૂર્ણ સમર્થન આપીએ. એ જરૂરી છે કે વૈશ્વિક આર્થિક અને શાસન માળખાને વધારે મોટું, વધારે સારું, અસરકારક, પ્રતિનિધિરૂપ અને ભાવિ માટે સજ્જ બનાવવા માટે તેમાં સુધારા લાવવામાં આવે. જરૂરિયાતમંદ દેશોને સમયસર અને સસ્તી સહાયની ખાતરી સુનિશ્ચિત કરીએ. 2030 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને વેગ આપવા માટે અપનાવેલ એક્શન પ્લાનનો અમલ કરીએ.

સાથીઓ,

અમારો આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ એ ભારતમાં સ્થાનિક સ્તરે એસડીજીમાં પ્રગતિનું ઉત્તમ ઉદાહરણ છે. હું G-20 દેશોને, ગ્લોબલ સાઉથને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામનો અભ્યાસ કરવા આમંત્રણ આપું છું. તમે જોશો કે આ એક અભિયાને કેવી રીતે ભારતના 25 કરોડ લોકોનું જીવન બદલી નાખ્યું છે.

સાથીઓ,

નવી દિલ્હી સમિટમાં ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિપોઝીટરી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મને જણાવતા આનંદ થાય છે કે આ રિપોઝીટરી તૈયાર થઈ ગઈ છે. તેમાં 16 દેશોના 50થી પણ વધુ DPI જોડાઈ ગયા છે. ગ્લોબલ સાઉથના દેશોમાં DPIનો અમલ કરવા માટે, હું સોશિયલ ઈમ્પેક્ટ ફંડની સ્થાપના કરવાનો પ્રસ્તાવ મૂકું છું. ભારત વતી, હું આમાં 25 મિલિયન ડૉલરની પ્રારંભિક રકમ ઉમેરવાની પણ જાહેરાત કરું છું. હું આશા રાખું છું કે તમે બધા આ પહેલમાં જોડાશો.

આજે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના યુગમાં ટેક્નૉલોજીનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવાની જરૂર છે. AIના નકારાત્મક ઉપયોગ અંગે સમગ્ર વિશ્વમાં ચિંતા વધી રહી છે. ભારતની સ્પષ્ટ વિચારસરણી છે કે આપણે એઆઈના વૈશ્વિક નિયમન પર સાથે મળીને કામ કરવું જોઈએ. ડીપફેક, સમાજ માટે, અને વ્યક્તિ માટે કેટલું જોખમી છે, તેની ગંભીરતાને સમજીને આપણે આગળ વધવું પડશે. આપણે ઈચ્છીએ છીએ કે એ.આઈ. લોકો સુધી પહોંચવું જોઈએ, અને તે સમાજ માટે સુરક્ષિત હોવું જ જોઈએ. આ અભિગમ સાથે, આવતા મહિને ભારતમાં ગ્લોબલ A.I. પાર્ટનરશીપ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મને વિશ્વાસ છે કે તમે બધા આમાં પણ સહકાર આપશો.

સાથીઓ,

નવી દિલ્હી સમિટમાં, મેં પર્યાવરણ સંરક્ષણ અંગે ગ્રીન ક્રેડિટની વાત મૂકી હતી. તમે જાણો છો, અમે ભારતમાં આની શરૂઆત કરી દીધી છે. નવી દિલ્હીમાં શરૂ કરાયેલ ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ દ્વારા, અમે કાર્બન ઘટાડવાની સાથે સાથે વૈકલ્પિક ઇંધણના વિકાસને પણ પ્રોત્સાહન આપી રહ્યા છીએ. G-20એ ગ્રહ તરફી અભિગમ માટે મિશન LiFE, એટલે કે પર્યાવરણ માટે જીવનશૈલીને માન્યતા આપી છે. 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ ત્રણ ગણા સુધી લઈ જવાનું આહ્વાન કર્યું છે. સ્વચ્છ હાઇડ્રોજન પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી છે. ક્લાઈમેટ ફાઇનાન્સને બિલિયનથી ટ્રિલિયન સુધી લઈ જવાની જરૂરિયાતને ઓળખવામાં આવી છે. થોડા દિવસોમાં, UAEમાં યોજાઈ રહેલા COP-28 દરમિયાન, આ તમામ પહેલ પર નક્કર પગલાં ભરવાની જરૂર છે.

સાથીઓ,

મહિલા સશક્તિકરણ પર એક નવા કાર્યકારી જૂથની પણ રચના કરવામાં આવી છે. આ સંદર્ભમાં, મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ભારતે તેનાં નવાં સંસદ ભવનનાં પ્રથમ સત્રમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે. મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને મજબૂત કરવા માટે અમે સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત રાખવાનો નિર્ણય કર્યો છે.

મિત્રો,

હું મારું વક્તવ્ય અહીં સમાપ્ત કરું છું.

 

 

 

 

 

 

 

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Boosting ‘Make in India’! How India is working with Asean to review trade pact to spur domestic manufacturing

Media Coverage

Boosting ‘Make in India’! How India is working with Asean to review trade pact to spur domestic manufacturing
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 એપ્રિલ 2024
April 13, 2024

PM Modi's Interaction with Next-Gen Gamers Strikes a Chord with Youth

India Expresses Gratitude for PM Modi’s Efforts to Achieve Exponential Growth for the Nation