પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટે કર્ણાટકની મુલાકાત લેશે. તેઓ સવારે 11 વાગ્યે બેંગ્લોરના કેએસઆર રેલવે સ્ટેશન પર 3 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે. ત્યારબાદ, તેઓ બેંગ્લોર મેટ્રોની યલો લાઇનને લીલી ઝંડી આપશે અને આરવી રોડ (રાગીગુડ્ડા)થી ઇલેક્ટ્રોનિક સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો રાઈડ કરશે.
બપોરે 1 વાગ્યે પ્રધાનમંત્રી બેંગ્લોરમાં શહેરી જોડાણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી બેંગ્લોર મેટ્રો ફેઝ-2 પ્રોજેક્ટ હેઠળ આરવી રોડ (રાગીગુડ્ડા) થી બોમ્માસંદ્રા સુધીની યલો લાઇનનું ઉદ્ઘાટન કરશે. આ લાઇનની લંબાઈ 19 કિમીથી વધુ છે અને તેમાં 16 સ્ટેશનો છે. તેનો ખર્ચ લગભગ 7,160 કરોડ રૂપિયા થશે. યલો લાઇન શરૂ થવા સાથે, બેંગલુરુમાં મેટ્રોનું કાર્યરત નેટવર્ક ૯૬ કિમીથી વધુ થશે, જે આ પ્રદેશની મોટી વસ્તીને સેવા આપશે.
પ્રધાનમંત્રી 15,610 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બેંગલુરુ મેટ્રો ફેઝ-3 પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. પ્રોજેક્ટની કુલ લંબાઈ 44 કિમીથી વધુ હશે અને તેમાં 31 એલિવેટેડ સ્ટેશન હશે. આ માળખાગત પ્રોજેક્ટ શહેરની વધતી જતી પરિવહન જરૂરિયાતોને પૂર્ણ કરશે અને રહેણાંક, ઔદ્યોગિક, વાણિજ્યિક અને શૈક્ષણિક ક્ષેત્રોની જરૂરિયાતોને પૂર્ણ કરશે.
પ્રધાનમંત્રી બેંગલુરુથી ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે. આમાં બેંગલુરુથી બેલગાવી, અમૃતસરથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને નાગપુર (અજની)થી પુણે સુધીની ટ્રેનોનો સમાવેશ થાય છે. આ હાઇ-સ્પીડ ટ્રેનો પ્રાદેશિક જોડાણમાં નોંધપાત્ર વધારો કરશે, મુસાફરીનો સમય ઘટાડશે અને મુસાફરોને વિશ્વ કક્ષાનો મુસાફરી અનુભવ પ્રદાન કરશે.


