પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશાના માધ્યમથી શ્રી રામ બહાદુર રાયના પુસ્તકના ‘ભારતીય સંવિધાન: અનકહી કહાની’ના વિમોચન પ્રસંગે સંબોધન આપ્યું હતું.
સંબોધનની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, શ્રી રામ બહાદુર રાય આખું જીવન નવા વિચારોની શોધમાં રહ્યા હતા અને સમાજ સમક્ષ કંઇક નવું લાવવાની તેમની ઇચ્છા રહી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આજે જે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે તે બંધારણને વ્યાપક રીતે રજૂ કરશે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, 18 જૂનના રોજ જ્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે બંધારણના લોકતાંત્રિક ગતિશીલતાના પ્રથમ દિવસે બંધારણના પ્રથમ સુધારા પર હસ્તાક્ષર કર્યા હતા, જેને પ્રધાનમંત્રીએ આપણી સૌથી મોટી શક્તિ ગણાવી હતી.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, “આપણું બંધારણ આપણી સમક્ષ એવા મુક્ત ભારતની દૂરંદેશીના સ્વરૂપમાં આવ્યું જે દેશની ઘણી પેઢીઓના સપનાં સાકાર કરી શકે.” તેમણે જૂની વાત યાદ કરતા કહ્યું હતું કે, સ્વતંત્રતાના થોડા મહિના પહેલાં બંધારણ સભાની પહેલી બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી જે આપણી છેવટની સ્વતંત્રતા અને લોકશાહીમાં વિશ્વાસ અને ભરોસો દર્શાવે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આ બાબત દર્શાવે છે કે, ભારતનું બંધારણ માત્ર એક પુસ્તક નથી. તે એક વિચાર, એક કટિબદ્ઘતા અને સ્વતંત્રતામાં રહેલો ભરોસો છે.”
પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, શ્રી રાયનું આ પુસ્તક નવા ભારતના પ્રયાસોની પરંપરામાં હશે જેમાં ભુલાઇ ગયેલા વિચારોને યાદ કરવામાં આવે છે જેથી ભવિષ્યના ભારતમાં ભૂતકાળની ચેતના મજબૂત રહે તેવું સુનિશ્ચિત કરી શકાય. તેમણે કહ્યું હતું કે, આ પુસ્તક, સ્વતંત્રતાના ઇતિહાસ અને આપણા બંધારણના અસંખ્ય પ્રકરણો દ્વારા દેશના યુવાનોને એક નવી વિચારસરણી આપશે, તેમના વિવેચનને વ્યાપક બનાવશે.
શ્રી રાયના પુસ્તક પાછળની કટોકટીના સંદર્ભનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “હક અને ફરજોનો તાલમેલ આપણા બંધારણને વિશેષ બનાવે છે. જો આપણને હકો પ્રાપ્ત થાય છે તો આપણે નિભાવવા માટેની ફરજો પણ છે, અને જો આપણે ફરજો નિભાવવી જરૂરી છે તો સામે આપણને હકો પણ એટલા જ મજબૂત પ્રાપ્ત થશે. આથી જ આઝાદીના અમૃતકાળમાં દેશ કર્તવ્યની ભાવનાની વાત કરે છે અને ફરજોનું પાલન કરવા પર ઘણો ભાર આપે છે.” પ્રધાનમંત્રીએ બંધારણ વિશે વ્યાપક જાગૃતિની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “ગાંધીજીએ આપણા બંધારણની કલ્પનાને કેવી રીતે નેતૃત્વ આપ્યું, સરદાર પટેલે ધર્મના આધારે અલગ ચૂંટણી પ્રણાલીને નાબૂદ કરીને ભારતીય બંધારણને કોમવાદમાંથી મુક્ત કરાવ્યું, ડૉ. આંબેડકરે બંધારણના આમુખમાં બંધુત્વને સમાવીને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ને આકાર આપ્યો અને કેવી રીતે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જેવા વિદ્વાનોએ બંધારણને ભારતના આત્મા સાથે જોડવાનો પ્રયાસ કર્યો, તે બધુ જ આ પુસ્તક આપણને આવા અસંખ્ય પાસાઓનો પરિચય કરાવીને જણાવે છે.”
બંધારણની જીવંત પ્રકૃતિ પર ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, “ભારતનો સ્વભાવ જ મુક્ત વિચારસરણીના દેશ તરીકેનો છે. જડતા આપણા મૂળ સ્વભાવમાં જ નથી. બંધારણ સભાની રચનાથી માંડીને તેની ચર્ચાઓ સુધી, બંધારણને અપનાવવાથી લઇને તેના વર્તમાન તબક્કા સુધી, આપણે સતત ગતિશીલ અને પ્રગતિશીલ બંધારણના સાક્ષી બન્યા છીએ. આપણે દલીલો કરી, સવાલ ઉઠાવ્યા, ચર્ચાઓ કરી અને ફેરફારો કર્યા. મને ખાતરી છે કે, ભવિષ્યમાં પણ આ બધું જ આપણા જનમાનસમાં અને લોકોના મનમાં ચાલતુ રહેશે.”