પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19 સ્થિતિના સંબંધમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો.
મુખ્યમંત્રીઓએ કોવિડ સામે લડાઈમાં પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે સમગ્ર દેશમાં રસીકરણના સરળ અને અસરકારક અમલીકરણ માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો તેમજ રસીકરણનો વ્યાપ વધારવા માટે તેમની ઉપયોગી જાણકારીઓ અને સૂચનો પણ આપ્યાં હતાં.
આ બેઠકમાં તાજેતરમાં કેટલાંક રાજ્યોમાં કોવિડ દર્દીઓમાં વધારો થવાની વાતને ધ્યાનમાં રાખીને સાધારણ જનતામાં કોવિડને અનુરૂપ અભિગમ જાળવવાના પડકાર વિશે પણ ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રીઓ વધારે સતર્કતાની જરૂરિયાત અને સ્થિતિ પર નજર રાખવાના મુદ્દે સંમત થયા હતા.
ગૃહ મંત્રીએ એવા જિલ્લાઓની યાદી રજૂ કરી હતી, જેના પર મુખ્યમંત્રીઓએ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, જેથી વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લઈ શકાય. કેન્દ્રીય આરોગ્ય સચિવે દેશમાં કોવિડની વર્તમાન સ્થિતિ અને રસીકરણની વ્યૂહરચના પર એક પ્રેઝન્ટેશન આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતમાં 96 ટકાથી વધારે કેસમાં દર્દીઓ સાજાં થઈ ગયા છે અને ભારત દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં સામેલ છે. તેમણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ઊંચા ટેસ્ટ પોઝિટિવિટી દર પર ચિંતા વ્યક્ત કરી હતી. છેલ્લાં થોડાં અઠવાડિયાઓમાં દેશના 70 જિલ્લાઓમાં 150 ટકાનો વધારો જોવા મળ્યો હતો. તેમણે તાત્કાલિક ધોરણે કોરોનાની આ “બીજી પીક” (કેસોમાં વધારાની બીજી લહેર)ને આગળ વધતી અટકાવવા અપીલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે, જો આપણે આ રોગચાળાને આગળ વધતો નહીં અટકાવી શકીએ, તો રાષ્ટ્રીય સ્તરે રોગચાળો ફેલાઈ શકે છે.
પ્રધાનમંત્રીએ કોરોનાની આ “બીજી લહેર”ને આગળ વધતી અટકાવવા ઝડપી અને નિર્ણાયક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સ્થાનિક સ્તરે વહીવટી સમસ્યાઓનું સમાધાન કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે, કોરોના સામેની લડાઈમાં આપણી ઉપલબ્ધિઓમાંથી પ્રાપ્ત થયેલો આત્મવિશ્વાસ બેદરકારીમાં પરિવર્તિત ન થવો જોઈએ. તેમણે ભાર મૂક્યો હતો કે, જનતા વચ્ચે ગભરાટ ન ફેલાવો જોઈએ અને સાથે સાથે આપણે આ સમસ્યામાંથી છૂટકારો પણ મેળવવો પડશે. તેમણે આપણા અગાઉના પ્રયાસોમાંથી પ્રાપ્ત અગાઉના અનુભવોનો ઉપયોગ કરીને વ્યૂહરચના બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનની જોગવાઈની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે “ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રીટ” (પરીક્ષણ, નજર રાખવી અને સારવાર)ની વ્યૂહરચનાનો અમલ ગંભીરતાપૂર્વક કરવાની સલાહ આપી છે, જેનો અમલ આપણે છેલ્લાં એક વર્ષથી કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું હતું કે, દરેક દર્દીના સંપર્કો પર શક્ય એટલી ઝડપથી નજર રાખવી અને આરટી-પીસીઆર ટેસ્ટનો દર 70 ટકાથી વધારે જાળવવો મહત્વપૂર્ણ છે. તેમણે કેરળ, ઓડિશા, છત્તિસગઢ અને ઉત્તરપ્રદેશ જેવા રેપિડ એન્ટિજન ટેસ્ટ પર વધારે ભાર મૂકતાં રાજ્યોમાં વધારે આરટી-પીસીઆર ટેસ્ટ કરવાનો આગ્રહ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ નાનાં શહેરોમાં પરીક્ષણ વધારવા તેમજ “રેફરલ સિસ્ટમ” અને “એમ્બ્યુલન્સ નેટવર્ક” પર વિશેષ ધ્યાન આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સંપૂર્ણ દેશમાં પ્રવાસની છૂટ મળી ગઈ છે અને પ્રવાસ કરતાં લોકોની સંખ્યા પણ વધી રહી હોવાથી આ જરૂરી છે. એ જ રીતે વિદેશમાંથી આવતા પ્રવાસીઓના સંપર્કો પર નજર રાખવા એસઓપી અનુસરવાની જવાબદારીમાં પણ વધારો થયો છે.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આપણે કોરોનાવાયરસના સ્વરૂપમાં પરિવર્તનને ઓળખવાની અને એની અસરોનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. તેમણે દેશમાં રસીકરણની સતત વધતી ઝડપની અને એક જ દિવસમાં 3 મિલિયનથી વધારે રસીકરણ સાથે રસીકરણના દરની પ્રશંસા કરી હતી. પણ સાથે સાથે તેમણે રસીના ડોઝના બગાડની સમસ્યાને અતિ ગંભીરતાપૂર્વક લેવા પર ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં રસીનો બગાડ 10 ટકા છે. તેમણે રસીનો બગાડ ઘટાડવા સ્થાનિક સ્તરે આયોજન અને સંચાલનની ખામીઓ તાત્કાલિક ધોરણે સુધારવાની અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ તેમની વાત પૂરી કરતાં આ સંક્રમણને નિવારવા ઉપરોક્ત પગલાં ઉપરાંત માસ્ક પહેરવું, શારીરિક અંતર જાળવવું, સ્વચ્છતા જાળવવી વગેરે જેવા મૂળભૂત પગલાનાં પાલનનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે આ પ્રકારનાં પગલાં લેવામાં બેદરકારી ન દાખવવા અને આ મુદ્દાઓ પર લોકો વચ્ચે જાગૃતિ લાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે રસીકરણ કેન્દ્રોની સંખ્યા વધારવા અને રસીની એક્સપાઇરી તારીખને ધ્યાન લેવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ “દવાઈ ભી કડાઈ ભી”નો આગ્રહ કર્યો હતો.
हमें कोरोना की इस उभरती हुई "सेकंड पीक" को तुरंत रोकना होगा।
— PMO India (@PMOIndia) March 17, 2021
इसके लिए हमें Quick और Decisive कदम उठाने होंगे: PM @narendramodi
कोरोना की लड़ाई में हम आज जहां तक पहुंचे हैं, उससे आया आत्मविश्वास, लापरवाही में नहीं बदलना चाहिए।
— PMO India (@PMOIndia) March 17, 2021
हमें जनता को पैनिक मोड में भी नहीं लाना है और परेशानी से मुक्ति भी दिलानी है: PM @narendramodi
‘टेस्ट, ट्रैक और ट्रीट’ को लेकर भी हमें उतनी ही गंभीरता की जरूरत है जैसे कि हम पिछले एक साल से करते आ रहे हैं।
— PMO India (@PMOIndia) March 17, 2021
हर संक्रमित व्यक्ति के contacts को कम से कम समय में ट्रैक करना और RT-PCR टेस्ट रेट 70 प्रतिशत से ऊपर रखना बहुत अहम है: PM @narendramodi
हमें छोटे शहरों में टेस्टिंग को बढ़ाना होगा।
— PMO India (@PMOIndia) March 17, 2021
हमें छोटे शहरों में "रेफरल सिस्टम" और "एम्बुलेंस नेटवर्क" के ऊपर विशेष ध्यान देना होगा: PM @narendramodi
देश में वैक्सीनेशन की गति लगातार बढ़ रही है।
— PMO India (@PMOIndia) March 17, 2021
हम एक दिन में 30 लाख लोगों को वैक्सीनेट करने के आंकड़े को भी पार कर चुके हैं।
लेकिन इसके साथ ही हमें वैक्सीन doses waste होने की समस्या को बहुत गंभीरता से लेना है: PM @narendramodi


