પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30મી જાન્યુઆરી, 2019ના રોજ ગુજરાતમાં સુરત અને દાંડીની મુલાકાત લેશે.
તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી સુરત હવાઇમથક પર ટર્મિનલ ભવનના વિસ્તરણનો શિલાન્યાસ કરશે, આ ટર્મિનલ ભવન 25,500 ચો.મી.માં ફેલાયેલું છે અને તેના ખર્ચનો અંદાજ રૂ. 354 કરોડ છે. તે ઇકો-ફ્રેન્ડલી અને ટકાઉ ભવન બની રહેશે તેમજ તે 1800થી વધુ મુસાફરોની હેરફેર ક્ષમતા ધરાવે છે. સુરત હવાઇમથક એર ટ્રાફિકની હેરફેર માટે તથા મુસાફરોની હેરફેર બાબતે અમદાવાદ અને વડોદરા પછી ગુજરાતનું ત્રીજા નંબરનુ સૌથી વ્યસ્ત હવાઇમથક છે.
માળખાગત સુવિધાઓનો વિકાસ એ સરકારની મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓમાંની એક છે. સરકારે કેટલાંક ક્ષેત્રોમાં પહેલ હાથ ધરી છે અને ઉડ્ડયન ક્ષેત્ર તે પૈકીનું એક છે. ગુજરાતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મજબૂત કરવાની સાથે-સાથે તેની એર કનેક્ટિવિટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેમાં ઉડાન યોજના હેઠળ કંડલાથી મુંબઈની કનેક્ટિવિટી, પોરબંદરથી અમદાવાદ અને મુંબઈનો સમાવેશ થાય છે. રાજકોટનાં હિરાસરમાં ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત અમદાવાદ અને વડોદરા મુકામે નવા એટીસી ટાવર/ટેકનિકલ ટાવરના બાંધકામનો સમાવેશ થાય છે.
સુરતમાં પ્રધાનમંત્રી ન્યુ ઇન્ડિયા યુથ કૉન્ક્લેવમાં યુવાનો સાથે વાર્તાલાપ કરશે. તે રસીલાબેન સેવંતીલાલ શાહ વિનસ હૉસ્પિટલનુ ઉદઘાટન કરશે અને તેની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી ત્યારબાદ ગુજરાતનાં નવસારી જિલ્લાનાં દાંડી જશે. અહિં તેઓ રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કરશે. આ સ્મારકમાં મહાત્મા ગાંધી અને તેમની સાથે ઐતિહાસિક દાંડી પદયાત્રામાં સામેલ થયેલા 80 સત્યાગ્રહીઓની મૂર્તિઓ છે. આ સ્મારકમાં 1930ની ઐતિહાસિક મીઠાનાં સત્યાગ્રહ માટેની દાંડીયાત્રાની ઘટનાઓ અને કથાઓ દર્શાવતા 24 ભીંત ચિત્રો રજૂ કરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી સ્મારકની મુલાકાત લેશે અને જાહેર સભાને સંબોધન કરશે.
1930ની દાંડી કૂચને મીઠાના સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઘટનાને ભારતની આઝાદીની લડતનાં ઇતિહાસમાં સિમાચિન્હરૂપ ઘટના તરીકે ઓળખવામાં આવે છે. એ દિવસે બ્રિટીશ સરકાર સામે નાગરિક અસહકારની ચળવળ શરૂ કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ 80 સત્યાગ્રહીઓએ અમદાવાદનાં સાબરમતી આશ્રમથી દરિયા કાંઠે આવેલા દાંડી સુધીની 241 કિલોમીટર લાંબી કૂચ કરી હતી અને દરિયાના પાણીમાંથી બનેલું મીઠુ ઉપાડીને બ્રિટીશ સરકારે લાદેલા મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો.
આ મહિને પ્રધાનમંત્રીની ગુજરાતની આ બીજી મુલાકાત છે. પ્રધાનમંત્રીએ અગાઉ તા. 19 જાન્યુઆરીના રોજ હજીરા ખાતે આર્મ્ડ સિસ્ટમ સંકુલનું લોકાર્પણ કર્યું હતું. તેમણે તા. 17 અને 18 જાન્યુઆરી 2019ના રોજ ગુજરાતમાં ગાંધીનગર ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પણ હાજરી આપી હતી.


