સેનાને અર્જુન મેઇન બેટલ ટેંક (એમકે-1એ) સુપરત કરી
પુલ્વામા હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે
આ તમામ પ્રોજેક્ટ નવીનતા અને સ્વદેશી વિકાસના પ્રતીક સમાન છે. આ બધા પ્રોજેક્ટ તમિલનાડુના વિકાસને વેગ આપશેઃ પ્રધાનમંત્રી
બજેટમાં ભારતના દરિયાકિનારાના વિસ્તારોના વિકાસને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છેઃ પ્રધાનમંત્રી
દેવેન્દ્રકુલા વેલાલર સમુદાય હવે તેમના સાંસ્કૃતિક નામ દ્વારા ઓળખશે, તેમની લાંબા ગાળાની માંગણી પૂરી થઈ
સરકારે શ્રીલંકામાં આપણા તમિલ ભાઈઓ અને બહેનોના કલ્યાણ અને આકાંક્ષાનું હંમેશા ધ્યાન રાખ્યું છેઃ પ્રધાનમંત્રી
તમિલનાડુની સંસ્કૃતિનું જતન કરવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે કામ કરવું અમારા માટે ગર્વની વાત છે. તમિલનાડુની સંસ્કૃતિ દુનિયામાં લોકપ્રિય છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચેન્નાઈમાં કેટલાંક મુખ્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું હતું તેમજ સેનાને અર્જુન મેઇન બેટલ ટેંક (એમકે-1એ) સુપરત કરી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ તમામ પ્રોજેક્ટ નવીનતા અને સ્વદેશી વિકાસનું પ્રતીક સમાન છે. વળી આ બધા પ્રોજેક્ટ તમિલનાડુના વિકાસને વેગ આપશે.” તેમણે જણાવ્યું હતું કે, તાંજોર અને પુડુક્કોટ્ટાઈને ખાસ લાભ થશે, કારણ કે આજે 636 કિલોમીટર લાંબી ગ્રાન્ડ એનિકટ કેનાલ સિસ્ટમનું આધુનિકીકરણ કરવા ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આની લાંબા ગાળે બહુ મોટી અસર થશે. એનાથી 2.27 લાખ એકર જમીન માટે સિંચાઈની સુવિધામાં વધારો થશે. શ્રી મોદીએ તમિલનાડુના ખેડૂતોની રેકોર્ડ અનાજનું ઉત્પાદન કરવા અને જળ સંસાધનોનો સારો ઉપયોગ કરવા બદલ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ગ્રાન્ડ એનિકટ આપણા ભવ્ય ભૂતકાળનું પ્રતીક છે. આ આપણા દેશના “આત્મનિર્ભર ભારત”ના લક્ષ્યાંક માટે પણ પ્રેરણારૂપ છે. તમિલ કવિ અવ્વૈયરને ટાંકીને પ્રધાનમંત્રીએ જળનું સંરક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, કારણ કે આ ફક્ત રાષ્ટ્રીય સમસ્યા નથી, પણ આંતરરાષ્ટ્રીય મુદ્દો છે. તેમણે બુંદ દીઠ વધારે પાકના મંત્રને યાદ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

તેમણે આજે ચેન્નાઈ મેટ્રો રેલના પ્રથમ તબક્કાના આશરે નવ કિલોમીટરના પટ્ટાનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, આ પ્રોજેક્ટ રોગચાળા છતાં સમયસર પૂર્ણ થયો છે. આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપશે, કારણ કે રોલિંગ સ્ટોકની ખરીદી સ્થાનિક રીતે થઈ છે અને સિવિલ નિર્માણ સાથે સંબંધિત કામગીરી ભારતીય કોન્ટ્રાક્ટરોએ કરી હતી. શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, ચાલુ વર્ષના બજેટમાં પ્રોજેક્ટના બીજા તબક્કાના 119 કિલોમીટરના પટ્ટા માટે રૂ. 63,000 કરોડથી વધારે અલગ રાખવામાં આવ્યાં છે. આ કોઈ પણ શહેરમાં એકસાથે કોઈ પણ પ્રોજેક્ટ માટે મંજૂર થયેલી સૌથી મોટી રકમ છે. શ્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે, શહેરી પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અહીં નાગરિકો માટે ‘જીવનની સરળતા’ વધશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જોડાણમાં વધારો થવાથી સુવિધા વધે છે. એનાથી વેપારવાણિજ્યને વેગ આપવામાં પણ મદદ મળે છે. સુવર્ણ ચતુર્ભૂજના ચેન્નાઈ બીચ, એન્નોર અટ્ટિપટ્ટુ અતિ ટ્રાફિક ધરાવતો રુટ છે. તેમણે કહ્યું હતું કે, ચેન્નાઈ પોર્ટ અને કામરાજર પોર્ટ વચ્ચે ફ્રેઇટની અવરજવરને ઝડપી બનાવવાની જરૂર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ માટે ચેન્નાઈ બીચ અને અટ્ટિપટ્ટુ વચ્ચે ચોથી લાઇન મદદરૂપ થશે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, વિલ્લુપુરમ તંજોર થિરુવરુર પ્રોજેક્ટનું વીજળીકરણ મુખત્રિકોણ ધરાવતા જિલ્લાઓમાં આશીર્વાદરૂપ પુરવાર થશે.

પ્રધાનમંત્રીએ આજે પુલ્વામા હુમલાની વર્ષગાંઠ પર એમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આપણે એ હુમલામાં શહીદ થયેલા તમામ જવાનોને શત શત વંદન કરીએ છીએ. આપણને આપણા સૈનિકો પર ગર્વ છે. તેમની બહાદુરી આગામી પેઢીઓને સતત પ્રેરિત કરતી રહેશે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માટે મોટા પાયે પ્રયાસો હાથ ધર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ વિશ્વની સૌથી પ્રાચીન ભાષા તમિલમાં મહાકવિ સુબ્રમનિય ભારતીના શબ્દોથી પ્રેરિત છે. મહાકવિએ લખ્યું છે કે,

ચાલો આપણે શસ્ત્રો બનાવીએ,

ચાલો આપણે પેપર બનાવીએ;

ચાલો આપણે કારખાના બનાવીએ,

ચાલો આપણે શાળાઓનું નિર્માણ કરીએ;

આપણે એવા વાહનો બનાવીએ,

જે માર્ગો પર દોડી શકે અને હવામાં ઊડી શકે;

આવો, આપણે જહાજો બનાવીએ,

જે દુનિયાના દેશોમાં ફરી શકે.

શ્રી મોદીએ કહ્યું હતું કે, તમિલનાડુમાં બે સંરક્ષણ કોરિડોર આકાર લઈ રહ્યાં છે, જેમાંથી એક કોરિડોર માટે રૂ. 80,100 કરોડથી વધારેના રોકાણની પ્રતિબદ્ધતાઓ મળી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તમિલનાડુ ભારતનું અગ્રણી ઓટોમોબાઇલ ઉત્પાદન કેન્દ્ર છે. અત્યારે પ્રધાનમંત્રી તમિલનાડુને ભારતના ટેંક ઉત્પાદન કેન્દ્ર તરીકે બદલાતું જુએ છે. એમબીટી અર્જુન માર્ક 1એ પર પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, “મને સ્વદેશી રીતે ડિઝાઇન કરેલી અને ઉત્પાદન કરેલી “મેઈન બેટલ ટેંક અર્જુન માર્ક 1એ” સુપરત કરવા પર ગર્વ છે. એનો ઉપયોગ સ્વદેશી શસ્ત્ર તરીકે પણ થશે. તમિલનાડુમાં બનેલી ટેંકનો ઉપયોગ આપણી ઉત્તરની સરહદોમાં દેશને સલામત જાળવવા માટે થશે. આ ભારતના એકતાના જુસ્સા – ભારતની એકતા દર્શનને પ્રદર્શિત કરે છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આ પ્રક્રિયા સંપૂર્ણ ઝડપ સાથે આગળ વધશે.

આપણા સશસ્ત્ર દળો ભારતની સાહસિકતાનું પ્રતીક છે. તેમણે અવારનવાર દર્શાવ્યું છે કે, તેઓ આપણી માતૃભૂમિનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. વળી સાથે સાથે તેમણે વારંવાર એ પણ પ્રદર્શિત કર્યું છે કે, ભારત શાંતિમાં માને છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જોકે ભારતના સશસ્ત્ર દળો આપણી સાર્વભૌમિકતાનું રક્ષણ કરશે.

પ્રધાનમંત્રીએ એવી આશા વ્યક્ત કરી હતી કે, આઇઆઇટી મદ્રાસમાં 2 લાખ ચોરસ મીટરના માળખા સાથે ધ ડિસ્કવરી કેમ્પસ આંતરરાષ્ટ્રીય સ્તરના સંશોધન કેન્દ્ર ધરાવશે, જે સંશોધનનું અગ્રણી કેન્દ્ર બનશે અને ભારતભરમાંથી શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષશે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષનાં બજેટમાં સરકારે આર્થિક સુધારા પ્રત્યેની પ્રતિબદ્ધતા એક વાર ફરી દર્શાવી છે. બજેટમાં ભારતના દરિયાકિનારાના વિસ્તારોના વિકાસને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માછીમાર સમુદાયો માટે ધિરાણની વધારાની વ્યવસ્થાઓ, ચેન્નાઈ સહિત પાંચ કેન્દ્રોમાં માછલી પકડવાના બંદરો સાથે માછીમારી સાથે સંબંધિત માળખાગત સુવિધાઓમાં સુધારો કરવો અને દરિયાઈ શેવાળની ખેતી – આ જોગવાઈઓથી દરિયાકિનારે વસતા સમુદાયોનું જીવનધોરણ સુધરશે. તેમણે એવી જાણકારી પણ આપી હતી કે, દરિયાઈ શેવાળની ખેતી માટે તમિલનાડુમાં બહુઉદ્દેશી સી-વીડ પાર્ક ઊભો થશે.

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, કેન્દ્ર સરકારે દેવેન્દ્રકુલા વેલાલર સમુદાયની દેવેન્દ્રકુલા વેલાલર તરીકે ઓળખ આપવાની લાંબા સમયની માંગણી સ્વીકારી લીધી છે. તેઓ હવે તેમના સાંસ્કૃતિક નામથી ઓળખાશે, નહીં કે બંધારણના પરિશિષ્ટમાં સામેલ છથી સાત નામથી. બંધારણના પરિશિષ્ટમાં તેમના સમુદાયનું નામ સુધારીને દેવેન્દ્રકુલા વેલાલર કરવાના ગેઝેટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. સંસદના આગામી સત્રની શરૂઆત થાય એ અગાઉ સંસદ સમક્ષ એને રજૂ કરવામાં આવશે. તેમણે આ માગ પર વિસ્તૃત અભ્યાસ કરવા બદલ તમિલનાડુ સરકારનો આભાર માન્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય ફક્ત નામ બદલવાનો નથી, પણ એનાથી વિશેષ છે. એનો સંબંધ સમુદાય માટે ન્યાય, સન્માન અને તક સાથે છે. તેમણે કહ્યું હતું કે, “તમિલનાડુની સંસ્કૃતિનું જતન કરવા અને એને પ્રોત્સાહન આપવા માટે કામ કરવું અમારા માટે ગર્વની વાત છે. તમિલનાડુની સંસ્કૃતિ દુનિયાભરમાં લોકપ્રિય છે.”

પ્રધાનમંત્રીએ આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર શ્રીલંકામાં આપણા તમિલ ભાઈઓ અને બહેનોના કલ્યાણ અને આકાંક્ષાઓની હંમેશા પરવા કરે છે. જાફનાની મુલાકાત લેનાર એકમાત્ર પ્રધાનમંત્રી શ્રી મોદી છે. આ સરકારે તમિલોને પ્રદાન કરેલા સંસાધનો અગાઉની સરકારોએ પ્રદાન કરેલા સંસાધનોથી વધારે છે. સરકારે શ્રીલંકામાં શરૂ કરેલા વિવિધ પ્રોજેક્ટમાં સામેલ છેઃ ઉત્તર-પૂર્વ શ્રીલંકામાં વિસ્થાપિત તમિલો માટે 50,000 મકાનો. બાગાયતી વિસ્તારોમાં 4000 મકાનો. આરોગ્યના મોરચે અમે ફ્રી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે, જેનો તમિલ સમુદાય દ્વારા બહોળો ઉપયોગ થાય છે. દિકોયામાં એક હોસ્પિટલનું નિર્માણ થયું છે. જોડાણ વધારવા માટે જાફના અને મન્નાર સુધીનાં રેલવે નેટવર્કનું પુનઃનિર્માણ થઈ રહ્યું છે. ચેન્નાઈથી જાફના વચ્ચે ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. ભારત જાફના સાંસ્કૃતિક કેન્દ્રનું નિર્માણ કરી રહ્યું છે, જેનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન થશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “તમિલ લોકોના અધિકારો સાથે સંબંધિત સમસ્યાઓ વિશે પણ અમે શ્રીલંકાના નેતાઓ સાથે સતત ચર્ચા કરી રહ્યાં છીએ. અમે એ સુનિશ્ચિત કરવા હંમેશા પ્રતિબદ્ધ છીએ કે તેમને સમાન અધિકારો મળે, તેમને ન્યાય મળે, તેઓ શાંતિ અને સન્માનપૂર્વક જીવે.”

 

પ્રધાનમંત્રીએ ખાતરી પણ આપી હતી કે, સરકાર માછીમારોના કાયદેસર અધિકારો અને હિતોનું હંમેશા રક્ષણ કરશે તથા જ્યારે પણ શ્રીલંકામાં માછીમારોને પકડવામાં આવ્યાં છે, ત્યારે તેમને વહેલામાં વહેલી તકે છોડવામાં આવે એવી સુનિશ્ચિતતા કરી છે. વર્તમાન સરકારના શાસનકાળ દરમિયાન 16,000થી વધારે માછીમારોને મુક્ત કરવામાં આવ્યાં છે અને અત્યારે શ્રીલંકાની જેલમાં કોઈ ભારતીય માછીમાર નથી. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, એ જ રીતે 313 હોડીઓ પણ છોડાવવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ ચેન્નાઈ મેટ્રો રેલવેના પ્રથમ તબક્કાના એક્ષ્ટેન્શન, ચેન્નાઈ બીચ અને અટ્ટિપટ્ટુ વચ્ચે ચોથી રેલવે લાઇન, વિલ્લુપુરમ – કુડ્ડાલોર – મયિલાદુથુરાઈ – તાંજોર અને મયિલાદુથુરાઈ – તિરુવરુરમાં સિંગલ લાઇન સેક્શનના રેલવે વીજળીકરણનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ગ્રાન્ડ એનિકટ કેનાલ સિસ્ટમ અને આઇઆઇટી મદ્રાસના ડિસકવરી કેમ્પસના એક્ષ્ટેન્શન, રિનોવેશન અને આધુનિકીકરણ માટે ભૂમિપૂજન પણ કર્યું હતું.

આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ, તમિલનાડુના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, તમિલનાડુ વિધાનસભાના અધ્યક્ષ, તમિલનાડુના ઉદ્યોગ મંત્રી ઉપસ્થિત રહ્યાં હતાં.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s digital landscape shows potential to add $900 billion by 2030, says Motilal Oswal’s report

Media Coverage

India’s digital landscape shows potential to add $900 billion by 2030, says Motilal Oswal’s report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશ્યલ મીડિયા કોર્નર 13 ઓક્ટોબર 2024
October 13, 2024

Building A Stronger India: Data Powered Infrastructure built under leadership of PM Modi

India Becomes Global leader in Innovation under leadership of PM Modi