Quoteવારાણસીની સાથે સાથે આખો દેશ એ બાબતનો સાક્ષી બની રહ્યો છે કે કેવી રીતે આવતી પેઢીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્સપોર્ટના સાધનોમાં પરિવર્તન લાવી શકે છે: વડાપ્રધાન મોદી
Quoteઇનલેન્ડ વોટરવે સમય અને નાણા બચાવશે, માર્ગો પરની ભીડ ઓછી કરશે, બળતણનો ખર્ચ ઘટાડશે અને વાહનો દ્વારા થતા પ્રદુષણમાં ઘટાડો લાવશે: વડાપ્રધાન મોદી
Quoteછેલ્લા ચાર વર્ષમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેજગતિએ બાંધવામાં આવ્યું છે: વડાપ્રધાન મોદી
Quoteઅંતરિયાળ વિસ્તારોમાં એરપોર્ટ્સ, ઉત્તરપૂર્વના ભાગોમાં રેલ કનેક્ટિવિટી, ગ્રામીણ માર્ગો એ કેન્દ્ર સરકારની ઓળખના ભાગરૂપ બની ગયા છે: વડાપ્રધાન મોદી

હર-હર મહાદેવ !!!

આસ્થા, પવિત્રતા સે ભરલ સૂર્ય ઉપાસના કે મહાન પર્વ છઠકા આપ સબ માતા ભગીની લોગન કે બહુત બધાઈ બા.

ચાર દિન કે ઈ પર્વ સે હર ઘર પરિવાર મેં સુખ સમૃદ્ધિ કા કામના હૌ.

આપ સબ લોગ દિવાલી મનવલન, ભાઈ દૂજ અઉર ગોવર્ધન પૂજા. ફિર દેવ દીપાવલી કા તૈયારી. સબ પર્વ કા એક સાથ બધાઈ.

મંચ પર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રી નીતિન ગડકરીજી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, યુપી સરકારમાં મંત્રી શ્રી સુરેશ ખન્નાજી, સંસદમાં મારા સહયોગી, ડૉક્ટર મહેન્દ્રનાથ પાંડેજી અને શ્રી રામચરિત નિશાદજી, અહિં ઉપસ્થિત અન્ય મહાનુભવો અને મારા વ્હાલા વારાણસીના ભાઈઓ અને બહેનો.

સાથીઓ,

દશેરા અને દિવાળીના તહેવાર પછી આજે ફરી એકવાર આપ સૌ કાશી વાસીઓને મળવાનો મને અવસર મળ્યો. એક અઠવાડિયાની અંદર જ બાબા વિશ્વનાથની નગરીમાં, તમારી પાસેથી આશીર્વાદ લેવાનો મોકો મળ્યો છે. ઉત્તરાખંડમાં હું માતા ભાગીરથીની પૂજા કરીને ધન્ય થયો, તો આજે અહિં, હમણાં થોડા સમય પહેલા મા ગંગાના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

આજે મહામના માલવિયજીની પુણ્યતિથી પણ છે. હું તેમના મહાન કાર્યોને તેમની તપસ્યાને આજે આદરપૂર્વક નમન કરું છું.

સાથીઓ, કાશી માટે, પૂર્વાંચલ માટે, પૂર્વીય ભારત માટે સંપૂર્ણ ભારતવર્ષ માટે, આજનો આ દિવસ ખૂબ જ ઐતિહાસિક છે.

  • આજે વારાણસી અને દેશ, વિકાસના એ કાર્યના સાક્ષી બન્યા છે, જે દાયકાઓ પહેલા થવા જોઈતા હતા પરંતુ નથી થયા.
  • આજે વારાણસી અને દેશ, એ વાતના પણ સાક્ષી બન્યા છે કે સંકલ્પ લઈને જ્યારે કાર્ય સમય પર સિદ્ધ કરવામાં આવે છે તો તેનું ચિત્ર કેટલું ભવ્ય, કેટલું ઉજ્જવળ અને કેટલું ગૌરવવંતુ હોય છે.
  • આજે વારાણસી અને દેશ, એ વાતનું પણ સાક્ષી બન્યું છે કે આગામી પેઢીનાં ઇનફ્રાસ્ટ્રક્ચરનો ખ્યાલ કેવી રીતે દેશની પરિવહન પદ્ધતિની કાયાપલટ કરવા જઈ રહ્યો છે.

દેશના પ્રધાનસેવક હોવાની સાથે-સાથે જ વારાણસીનો સાંસદ હોવાના નાતે, મારા માટે આજે બમણી ખુશીનો મોકો છે. આ પવિત્ર ભૂમિ પરથી દરેક વ્યક્તિનો આધ્યાત્મિક સંપર્ક તો છે જ, આજે જળ, જમીન આકાશ ત્રણેયને જોડનારી નવી ઊર્જાનો સંચાર આ ક્ષેત્રમાં થયો છે.

સાથીઓ, હમણાં થોડી વાર પહેલા મેં નદી માર્ગથી પહોંચેલા દેશના સૌપ્રથમ કન્ટેઇનર વાહનનું સ્વાગત કર્યું. તેના સ્વાગતની સાથે જ 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા મલ્ટિમોડલ ટર્મિનલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. આ કામમાં દાયકાઓ વીતી ગયા, પરંતુ આજે હું પ્રસન્ન છું, આનંદિત છું કે દેશે જે સપનું જોયું હતું તે આજે કાશીની ધરતી પર સાકાર થયું છે. આ કન્ટેઇનર વાહન ચાલવાનો અર્થ છે કે પૂર્વીય ઉત્તર પ્રદેશ, પૂર્વાંચલ અને પૂર્વીય ભારત જળમાર્ગથી હવે બંગાળની ખાડી સાથે જોડાઈ ગયું છે.

|

ભાઈઓ અને બહેનો,

આજે અહિં બાબતપુર વિમાન મથક સાથે શહેરને જોડનારો માર્ગ, રીંગ રોડ, કાશી શહેરના જોડાણ સાથે જોડાયેલા પ્રોજેક્ટ, વીજળીના તારોને અન્ડરગ્રાઉન્ડ કરવા સાથે જોડાયેલ પરિયોજનાઓ, મા ગંગાને પ્રદુષણ મુક્ત કરવાના પ્રયાસોને જોર આપનારી અનેક પરિયોજનાઓનું પણ લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. લગભગ અઢી હજાર કરોડ રૂપિયાથી વધુનાં આ પ્રોજેક્ટ, બદલાઈ રહેલા બનારસના ચિત્રને વધુ ભવ્ય બનાવશે અને દિવ્ય બનાવશે. આ તમામ પરિયોજનાઓ માટે હું આપ સૌ કાશીવાસીઓને, સમગ્ર પૂર્વાંચલને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

સાથીઓ,

આઝાદી પછી આ પહેલો અવસર છે જ્યારે આપણે નદી માર્ગને વેપાર માટે, કારોબાર માટે આટલા વ્યાપક સ્તરે ઉપયોગ કરવા માટે સક્ષમ બન્યા છીએ. આપ કાશીવાસીઓ સાક્ષી છો કે ચાર વર્ષ પહેલા જ્યારે મેં બનારસ અને હલ્દિયાને જળમાર્ગ વડે જોડવાનો વિચાર રજૂ કર્યો હતો, તો કેવી રીતે તેની મજાક ઉડાવવામાં આવી હતી, તમામ નકારાત્મક વાતો કહેવામાં આવી હતી, પરંતુ થોડા સમય પહેલા કોલકાતાથી આવેલા જહાજે પોતે જ ટીકા કરનારાઓને જવાબ આપી દીધો છે.

દેશનું આ પહેલું કન્ટેઇનર વાહન માત્ર માલવહનની એક પ્રક્રિયાનો ભાગ જ નથી, પરંતુ તે નવા ભારતના નવા વિઝનની જીવતી જાગતી સાબિતી છે. આ તે વિચારનું પ્રતીક છે કે જેમાં દેશના સંસાધનો અને દેશના સામર્થ્ય પર ભરોસો કરવામાં આવે છે.

ભાઈઓ અને બહેનો,

આજે વારાણસીમાં જે કન્ટેઇનર વાહન આવ્યું છે, તેમાં કોલકાતાથી ઔદ્યોગિક સામાન આવ્યો છે અને અહિયાંથી આ જહાજ ફર્ટીલાઈઝર લઈને પાછું જશે. એટલે કે યુપી, પૂર્વાંચલમાં ફર્ટીલાઈઝર સહિત જેટલા પણ કારખાનાઓ છે, ત્યાં બનેલો સામાન હવે સીધો પૂર્વીય ભારતના બંદરો સુધી પહોંચી શકશે.

આ માત્ર એક ઉદાહરણ છે. તે દિવસો હવે દુર નથી જ્યારે વારાણસી અને આસપાસના વિસ્તારોમાં ઉગતા શાકભાજી, અનાજ અને મારા વણકર ભાઈઓ દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ આ જ જળમાર્ગથી જતા થઇ જશે. તમે વિચારો, અહીંના ખેડૂતો માટે, લઘુ ઉદ્યોગો સાથે જોડાયેલ લાખો લોકો માટે, કેટલો મોટો માર્ગ ખૂલ્યો છે. પોતાના ઉદ્યોગો માટે, કૃષિ માટે ઈનપુટ મંગાવવા, કાચો માલ મંગાવવા અને પછી તેમાં મૂલ્ય વૃદ્ધિ કરીને તેને પાછું મોકલવામાં આ જળમાર્ગની ઘણી મોટી ભૂમિકા રહેશે.

તમારો પ્રેમ, તમારો ઉત્સાહ, ખૂબ-ખૂબ ધન્યવાદ, મને બોલવા દો અને લોકો પણ સાંભળવા માંગે છે. તમારા ઉત્સાહ માટે પ્રેમ માટે હું હૃદયપૂર્વક તમારો આભારી છું. પરંતુ આ ઊર્જા થોડી બચાવીને રાખો, 19 સુધી જરૂર પડશે. તો હું શરુ કરું? હું બોલું? તમે શાંતિથી સાંભળશો કે પછી મોદી-મોદી જ કરતા રહેશો? હું તમારો ખૂબ આભારી છું, નવયુવાનો આટલા પ્રેમ માટે આટલા ઉત્સાહ માટે પરંતુ ખૂબ મોટી સંખ્યામાં આજે કાશીના લોકો એ વાતની ઝીણવટતાઓને જાણવા અને સમજવા માંગે છે. અને એટલા માટે આ પરિવર્તન કેવી રીતે આવી રહ્યું છે, આ બદલાવ કેવી રીતે આવવાનો છે. તેને હું જરા ઝીણવટતાથી સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું.

આવનારા દિવસોમાં જ્યારે વારાણસીમાં બનેલા મલ્ટિમોડલ ટર્મિનલથી રો-રો સર્વિસ શરુ થશે, તો લાંબા અંતર કાપવા માટે તમને એક નવો વિકલ્પ મળશે. મોટા-મોટા ટેન્કર, ટ્રક, બસો, કાર, સીધા જહાજના માધ્યમથી બીજા શહેરો સુધી પહોંચી જશે.

સાથીઓ, આજે જેટલો સામાન આ જહાજમાં આવ્યો છે, તેને જો રસ્તા પરથી લાવવામાં આવે તો તેની માટે 16 ટ્રકોની જરૂર પડતી. એટલું જ નહી, જળમાર્ગથી લાવવાના કારણે પ્રતિ કન્ટેઇનર લગભગ સાડા 4 હજાર રૂપિયાની બચત પણ થઇ છે. આનો અર્થ એ કે આ જે સામાન આવ્યો છે. 70-75 હજાર રૂપિયા સીધે સીધા બચી ગયા છે. એટલે કે કુલ મળીને આ જળમાર્ગથી સમય અને પૈસા બચશે, રસ્તાઓ પર ભીડ પણ ઓછી થશે, બળતણનો ખર્ચો પણ ઓછો થશે અને ગાડીઓથી થનારા પ્રદુષણથી પણ રાહત મળશે.

સાથીઓ, એક જમાનો હતો જ્યારે આપણા દેશની નદીઓમાં મોટા મોટા જહાજો ચાલતા હતા. પરંતુ આઝાદી પછીના વર્ષોમાં આ માર્ગને મજબુત કરવા પર વધુ ધ્યાન આપવાને બદલે તેની ઉપેક્ષા કરવામાં આવી છે. દેશનું નુકસાન કરવામાં આવ્યું છે. તમે વિચારો, દેશના સામર્થ્ય, આપણી નદીઓની શક્તિની સાથે પહેલાની સરકારે કેટલો મોટો અન્યાય કર્યો હતો.

દેશના સામર્થ્યની સાથે થઇ રહેલા આ અન્યાયને સમાપ્ત કરવાનું કાર્ય અમારી સરકાર કરી રહી છે. હવે આજે દેશમાં 100થી વધુ રાષ્ટ્રીય જળમાર્ગો પર કામ ચાલી રહ્યું છે. વારાણસી-હલ્દિયા જળમાર્ગ પણ તેમાંથી એક છે. વારાણસીથી હલ્દિયાની વચ્ચે ફરક્કા, સાહિબગંજ, બક્સરમાં 5 હજાર કરોડથી વધુના ખર્ચ કરીને અનેક સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે. આ જળમાર્ગથી ઉત્તરપ્રદેશ જ નહીં પરંતુ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ, એટલે કે પૂર્વીય ભારતના એક મોટા ભાગને પણ ઘણો મોટો ફાયદો થશે.

ભાઈઓ અને બહેનો, આ જળમાર્ગ માત્ર સામાનના માલવહન માટે જ કામમાં નહીં આવે પરંતુ તે આપણા પ્રવાસનને, પૂર્વીય ભારતના તીર્થોને, પૂર્વીય એશિયાના દેશો સાથે જોડવાના કામમાં પણ આવવાનું છે. વારાણસી સહિત પૂર્વાંચલ, પૂર્વીય ભારતના અનેક વિસ્તારો, સમયની સાથે ક્રુઝ પ્રવાસન માટે પણ ઓળખાવા લાગશે.

અને આ બધું કાશીની સંસ્કૃતિ અને કાશીની સભ્યતાને અનુરૂપ જ થશે, પારંપરિક કાશીના આધુનિક સ્વરૂપની અવધારણાની સાથે વિકાસનો નકશો ચાલશે.

ભાઈઓ અને બહેનો, આધુનિક સુવિધાઓની સાથે આ પ્રાચીન રસ્તાઓ, પ્રકૃતિ, સંસ્કૃતિ અને સાહસના સંગમ સ્થાન બનવા જઈ રહ્યા છે.

સાથીઓ, વારાણસી હોય, ભદોહી હોય, મિર્ઝાપુર હોય, આ કાર્પેટ ઉદ્યોગના કેન્દ્રો રહી ચુક્યા છે અને હવે તે દેશના ટેક્સટાઇલ નિકાસના પણ વૈશ્વિક કેન્દ્રો બની રહ્યા છે. ગયા મહીને જ પહેલી વાર, દિનદયાળ હસ્તકલા સંકુલમાં ખૂબ સફળતા સાથે ઇન્ડિયા કાર્પેટ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીથી મેં આ એક્સ્પોની શરૂઆત કરાવી હતી. વારાણસીથી કોલકાતા સુધી રાષ્ટ્રીય જળમાર્ગની શરૂઆતથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પણ ઘણો ફાયદો થશે, તેમને નિકાસમાં વધુ મદદ મળશે.

સાથીઓ, સુગમતાનો સુવિધા સાથે સીધો સંબંધ હોય છે અને સુવિધાઓ ક્યારેક-ક્યારેક ગૌરવનું કારણ પણ બનતી હોય છે. બાબતપુર હવાઈ મથકથી જોડનારો વિશ્વ કક્ષાનો માર્ગ તેનું ઉદાહરણ છે. મને જણાવવામાં આવ્યું છે કે લોકો દુર દુરથી સેલ્ફી લેવા આવે છે. પુરાએ સોશિયલ મીડિયામાં બનારસ છવાઈ ગયું છે. આ રસ્તો છવાઈ ગયેલો છે. હાલ તહેવારોનો સમય છે. તમારામાંથી જે પણ આ વખતે વિમાન દ્વારા ઘરે આવ્યું હશે તે બાબતપુર વિમાન મથકમાંથી નીકળતા જ ગર્વથી ભરાઈ ગયું હશે. મને જણાવવામાં આવ્યું છે કે કેટલાક દિવસો માટે બહાર ગયેલા લોકો હવે જ્યારે શહેરમાં પાછા આવી રહ્યા છે તો તેમને વિશ્વાસ નથી થઇ રહ્યો કે તેઓ એ જ હરહુઆ અને તરના, શિવપુરના રસ્તા પાસેથી પસાર થઇ રહ્યા છે. તમે તે દિવસો પણ યાદ કરો જ્યારે આ જ રસ્તા પર જામના લીધે તમારી ફ્લાઈટ છૂટી જતી હતી, એરપોર્ટ પહોંચવા માટે અનેક કલાકો પહેલા નીકળવું પડતું હતું. રસ્તાના ખાડાઓ તમને રોવડાવી દેતા હતા. હવે આ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

સાથીઓ, 800 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બાબતપુર વિમાનમથકને શહેર સાથે જોડનારો રસ્તો માત્ર પહોળો જ નથી થઇ ગયો – 4 લેનનો નથી થઇ ગયો પરંતુ દેશ-વિદેશના પ્રવાસીઓને પોતાના પ્રત્યે આકર્ષિત પણ કરવા લાગ્યો છે. આ રસ્તાથી કાશી વાસીઓનો, અહિં આવનારા પ્રવાસીઓનો સમય તો બચશે જ, જૌનપુર, સુલતાનપુર અને લખનઉ સુધીની યાત્રા પણ સુગમ થઇ જશે. શહેરના રીંગ રોડનો પ્રથમ તબક્કો પણ આજે કાશી વાસીઓને સમર્પિત કરવામાં આવ્યો છે. આશરે 760 કરોડ રૂપિયા ખર્ચ કરીને બનાવવામાં આવેલ આ માર્ગથી ગોરખપુર, લખનઉ, આઝમગઢ અને અયોધ્યા તરફ આવતા જતા વાહનોને શહેરની અંદર આવવાની જરૂર નહી પડે.

સાથીઓ, રસ્તાના આ બંને પ્રોજેક્ટ, બનારસ શહેરની દાયકાઓ જૂની માંગણી હતી. પ્રધાનમંત્રી બન્યાના 6 મહિનાની અંદર અંદર જ મેં આ બંને પરિયોજનાઓને ઝડપથી પૂરી કરવાનો પ્રયાસ શરુ કર્યો હતો. તમારા સહયોગ વડે જ આ બંને પ્રોજેક્ટ પુરા થયા છે. હવે રીંગ રોડના બીજા તબક્કાનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. તેને પણ ખૂબ ટૂંક સમયમાં પૂરું કરી દેવામાં આવશે.

આ પરિયોજનાઓ વડે જ્યાં એક બાજુ બનારસ શહેરમાં જામની સમસ્યા હળવી થશે ત્યાં બીજી બાજુ પ્રદૂષણ પણ ઓછું થશે અને તમારો સમય પણ બચી જશે. તેનાથી પ્રવાસીઓને સારનાથ જવામાં પણ સરળતા થઇ જશે. રામનગરમાં જે હેલીપોર્ટ બનવાનું છે, જેનો શિલાન્યાસ હમણાં થોડા સમય પહેલા કરવામાં આવ્યો છે તેનાથી પણ અહીંના પર્યટનને વિશેષ લાભ મળવાનો છે.

સાથીઓ, કનેક્ટિવિટીથી પ્રવાસન અને રોજગાર તો વધે જ છે, દેશ પ્રત્યે વિશ્વાસ, તંત્ર પ્રત્યે ભરોસો પણ ઘણો વધી જાય છે. આજે જ બનારસમાં જેટલી પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે. તેનાથી પણ અહીંના નવયુવાનો માટે રોજગારના અનેક નવા અવસરો ખુલી ગયા છે.

ભાઈઓ અને બહેનો. ભાજપની સરકાર માટે, ભાજપાની આગેવાનીમાં ચાલી રહેલી સરકારો માટે, દેશ અને દેશવાસીઓનો વિકાસ એ જ અમારી માટે સર્વસ્વ છે. હવે દેશ માત્ર અને માત્ર વિકાસની રાજનીતિ ઈચ્છે છે. જનતા પોતાના નિર્ણય વિકાસ જોઈને કરે છે, વોટબેંકની રાજનીતિ જોઈને નહી.

વીતેલા ચાર વર્ષોમાં કેટલી ઝડપે આધુનિક માળખાગત વિકાસ થયો છે, તે હવે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. દુર્ગમ સ્થાનો પર નવા-નવા વિમાનમથકો, આદિવાસી ક્ષેત્રો, પૂર્વોત્તરના દૂર-સુદૂરના ક્ષેત્રોમાં પહેલીવાર ટ્રેન પહોંચી રહી છે, ગ્રામીણ માર્ગો અને શાનદાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એક્સપ્રેસ વેની જાળ, તે અમારી સરકારની ઓળખ બની છે.

સાથીઓ, અમે માત્ર સંસાધનોના વિકાસ પર જ જોર નથી આપ્યું, પરંતુ સામાન્ય માનવીની નાનામાં નાની જરૂરિયાતો, જેવી કે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પર પણ ગંભીરતાથી કામ કર્યું છે. ગ્રામીણ સ્વચ્છતાનો જે વ્યાપ 2014માં અમારા આવ્યા પહેલા 40 ટકાથી ઓછો હતો, તે હવે 95 ટકાથી વધુ થઇ ચુક્યો છે. આયુષમાન ભારત યોજનાના કારણે ગરીબમાં ગરીબ વ્યક્તિનો, ગંભીર બીમારીની અવસ્થામાં દવાખાનામાં ઈલાજ સુનિશ્ચિત થયો છે. આ જ યોજના અંતર્ગત અત્યાર સુધી 2 લાખથી વધુ ગરીબોને મફત ઈલાજ મળ્યો છે. અને આ યોજનાઓને હજુ 40 દિવસથી વધુ સમય નથી થયો.

સાથીઓ, અમે માત્ર માણસના સ્વાસ્થ્યની જ ચિંતા નથી કરી પરંતુ આપણી જીવનધારા, આપણી નદીઓને સ્વસ્થ રાખવાનો સંકલ્પ પણ લીધેલો છે. આ જ ભાવના સાથે મા ગંગાની સાફ-સફાઈ માટે ચાલી રહેલા મિશન નમામી ગંગે આજે નવા પડાવ પર પહોંચી ગયો છે.

|

ગંગાજીમાં ભળનારા ગંદા પાણીની સારવાર માટે ચારસો કરોડથી વધુના 4 પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ હમણાં થોડા સમય પહેલા જ મને કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. દીનાપુરમાં ગટર વ્યવસ્થા સાથે જોડાયેલ ત્રણ પ્લાન્ટ આવનારા અનેક વર્ષો સુધી શહેરની ગંદકીને મા ગંગામાં ભળતી અટકાવવાના છે. ત્યાં જ બીજી બાજુ રામનગરનો પ્લાન્ટ પણ ખૂબ ટૂંક સમયમાં જ મા ગંગાની સેવા માટે તૈયાર થઇ જશે.

સાથીઓ, અમારી સરકાર ગંગાજીના પૈસા પાણીમાં નથી વહાવી રહી પરંતુ ગંગાજીમાં જે ગંદુ પાણી આવી રહ્યું છે, તેને સાફ કરવામાં લગાવી રહી છે. નમામી ગંગે મિશન અંતર્ગત અત્યાર સુધી 23 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓને મંજૂરી આપી દેવામાં આવી છે. 5 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. ગંગાના કિનારે લગભગ બધા જ ગામડાઓ હવે ખુલ્લામાં શૌચથી મુક્ત થઇ ગયા છે. આ પ્રોજેક્ટ ગંગોત્રીથી લઈને ગંગાસાગર સુધી ગંગાને અવિરલ, નિર્મળ બનાવવાના અમારા સંકલ્પનો ભાગ છે.

આજે જો આ અભિયાન ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે તો તેની પાછળ જનભાગીદારી છે, નદીઓ પ્રત્યે દરેક નાગરિકના મનમાં જાગેલી જવાબદારીની ભાવના છે. નહિં તો મા ગંગાની સફાઈના નામ પર કેવી રીતે જૂની સરકારોએ હજારો કરોડો વહાવી દીધા હતા તે આપણે સારી રીતે જાણીએ છીએ.

સાથીઓ, આજે અહિં વારાણસીના કેટલાક વિસ્તારોમાં વીજળી સુધારના કાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જૂની કાશી સિવાય કેટલાક અન્ય ક્ષેત્રોમાં આઈપીડીએસ યોજના અંતર્ગત કામ પૂરું થઇ ગયું છે. જે વીજળીના તારોની જાળ લટકતી રહેતી હતી તે હવે અન્ડરગ્રાઉન્ડ થઇ ગઈ છે. તે પણ ભવ્ય કાશીના આપણા સપનાને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે. આવનારા દિવસોમાં શહેરના અન્ય ક્ષેત્રોમાં પણ આ કામને વિસ્તૃત કરી દેવામાં આવશે.

સાથીઓ, તમારા પ્રયાસો અને પ્રેરણાથી આજે ચીરપુરાતન કાશીનું નવું ચિત્ર દેશ-દુનિયાની સામે આવવા લાગ્યું છે. હવે આપણે તેને સંભાળવાનું છે, સુરક્ષિત રાખવાનું છે, જેથી કરીને આપણા આ ગૌરવશાળી શહેરનું ગૌરવગાન દુનિયાભરમાં થતું રહે.

આવતા વર્ષે જાન્યુઆરીમાં પ્રવાસી ભારતીય દિવસ પણ કાશીની પવિત્ર ભૂમિ પર થવાનો છે. આ આયોજન માટે હું પણ તમારા લોકોની જેમ જ દેશ દુનિયામાંથી આવેલા લોકોનું સ્વાગત કરવા માટે વારાણસીમાં ઉપસ્થિત રહીશ. તે સમયે પ્રયાગરાજમાં અર્ધકુંભનું પણ આયોજન થઇ રહેલું હશે. ત્યાંથી પણ ઘણા લોકો વારાણસી આવશે.

આપણા સૌની ઈચ્છા છે કે દુનિયાના સૌથી પ્રાચીન શહેર કાશીની ગરિમા અને સૌથી શ્રેષ્ઠ સુવિધાનો એવો સંગમ થાય કે કાશીની સ્મૃતિ. અહિં આવનારા લોકોના જીવનમાં અમીટ થઇ જાય, તેઓ વારે-વારે અહિં આવે, એવું વાતાવરણ પેદા થાય.

અંતમાં એક વાર ફરી આપ સૌને આ તમામ સુવિધાઓ માટે, વિકાસના નવા નવા પ્રોજેક્ટ માટે અનેક-અનેક અભિનંદન આપુ છુ, શુભકામનાઓ પાઠવુ છુ. આપ સૌને પૂર્વાંચલ અને પૂર્વીય ભારતના મારા સાથીઓને છઠ પૂજાની ફરીથી ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.

જય છઠી મૈયા !!!

હર-હર મહાદેવ !!

  • रीना चौरसिया September 11, 2024

    बीजेपी
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Independence Day and Kashmir

Media Coverage

Independence Day and Kashmir
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM hails India’s 100 GW Solar PV manufacturing milestone & push for clean energy
August 13, 2025

The Prime Minister Shri Narendra Modi today hailed the milestone towards self-reliance in achieving 100 GW Solar PV Module Manufacturing Capacity and efforts towards popularising clean energy.

Responding to a post by Union Minister Shri Pralhad Joshi on X, the Prime Minister said:

“This is yet another milestone towards self-reliance! It depicts the success of India's manufacturing capabilities and our efforts towards popularising clean energy.”