પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અગાઉ પણ સંયુક્ત રાષ્ટ્રમાં દેશદુનિયાનું ધ્યાન ખેંચતું ભાષણ આપ્યું છે – પણ તેમણે આ વર્ષે આ મંચ પર જે આત્મવિશ્વાસ સાથે ભારતના અધિકારોની વાત રજૂ કરી, એ ખરેખર અભૂતપૂર્વ છે. તેમણે કોરાનાના આ સંકટ કાળમાં જે અંદાજમાં સંયુક્ત રાષ્ટ્રની નિષ્ક્રિયતા પર ખરીખોટી સંભળાવી – એના પગલે દુનિયાના અનેક દેશોનો અવાજ બુલંદ થયો છે. ખરાં અર્થમાં આ ભાષણ 130 કરોડ ભારતીયોનો બુલંદ અવાજ બની ગયું છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, જે સંસ્થાના નિર્માણ અને એના ઉદ્દેશને સફળ બનાવવામાં ભારતે દરેક પગલે પોતાનું પ્રચૂર યોગદાન આપ્યું, એ સંયુક્ત રાષ્ટ્રના માળખા અને નિર્ણયની પ્રક્રિયામાં ભારતને ક્યાં સુધી બહાર રાખવામાં આવશે – કે પછી બહાર રાખી શકાશે? મને લાગે છે કે, અત્યાર સુધી અન્ય કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ આટલા બુલંદ અવાજે વિશ્વ સમક્ષ પોતાની વાત રજૂ કરી નથી.
મોદીએ કહ્યું – 75 વર્ષ અગાઉની દુનિયા એકદમ અલગ હતી, એના સમીકરણો જુદાં હતાં
પ્રધાનમંત્રી મોદીએ ઉચિત રીતે કહ્યું કે 75 વર્ષ અગાઉ જે સમયે સંયુક્ત રાષ્ટ્રની રચના થઈ હતી, એ સમયની દુનિયા એકદમ અલગ હતી, એના સમીકરણો જુદાં હતાં, એના મુદ્દા અલગ હતા અને એની જરૂરિયાતો પણ અલગ હતી. દુનિયા બીજા વિશ્વયુદ્ધની કરુણાંતિકામાંથી બહાર આવી રહી હતી, નાગાસાકી અને હિરોશિમા પર પરમાણુ બોંબ ફેંકવાથી જાપાનની સાથે આખી દુનિયામાં ડરનું વાતાવરણ પેદા થયું હતું. યુદ્ધને કારણે દુનિયાનું અર્થતંત્ર બરબાદ થઈ ગયું હતું. દુનિયાના નકશામાંથી સંસ્થાનવાદનો અંત આવી રહ્યો હતો. ભારત પોતાની આઝાદીની લડતના નિર્ણાયક વળાંક પર હતો. આ સમય દરમિયાન સંયુક્ત રાષ્ટ્રની જરૂરિયાતો એકદમ અલગ હતી. પછી અત્યાર સુધી દુનિયા ઘણી બદલાઈ ગઈ છે. છેલ્લાં 75 વર્ષમાં અમે શીતયુદ્ધનો દ્વિધ્રુવીય ગાળો પણ જોયો અને એનો અંત પણ. ભારત અને ચીન જેવા દેશોનો વિકાસ પણ જોયો. સોવિયત સંઘનું વિઘટન અને જર્મનીનું એકીકરણ પણ જોયું. અનેક ગુલામ દેશોને આઝાદ થતાં જોયા. આ સમયગાળામાં અનેક દેશોમાં ગૃહયુદ્ધ થયા. બેથી વધારે દેશો વચ્ચે અનેક નાનાંમોટાં યુદ્ધો પણ થયા.
સંયુક્ત રાષ્ટ્રની રચના સમયે ફક્ત 50 દેશો એના સભ્યો હતા, અત્યારે સભ્ય દેશોની સંખ્યા વધીને 193 થઈ ગઈ
જ્યારે વર્ષ 1945માં સંયુક્ત રાષ્ટ્રનો જન્મ થયો હતો, ત્યારે એના ચાર્ટર સાથે સંમત થનાર સભ્ય દેશોની સંખ્યા ફક્ત 50 હતી. અત્યારે આ સંખ્યા વધીને 193 થઈ ગઈ છે, પણ એના માળખામાં કોઈ ફેરફાર થયો નથી. સુરક્ષા પરિષદમાં વીટોનો પાવર ધરાવતા જે પાંચ દેશો હતા, એ જ પાંચ દેશો અત્યારે પણ છે. પ્રધાનમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે છેલ્લાં સાત મહિનાઓમાં આખી દુનિયા કોરોના રોગચાળા સામે લડી રહી છે, પણ સંયુક્ત રાષ્ટ્રે કશી કામગીરી કરી નથી. એની એક સંલગ્ન સંસ્થા વિશ્વ આરોગ્ય સંસ્થા કોઈ નિર્ણય લઈ શકતી નથી. અત્યારે એની વિશ્વસનીયતા જોખમમાં મૂકાઈ ગઈ છે. લાંબા સમયથી એમાં સુધારાની રાહ જોવાઈ રહી છે. આ કારણે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, આ 75 વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રને એવી રીતે પુનર્ગઠિત કરવાની જરૂર હતી કે, દુનિયામાં સંતુલન સ્થાપિત થાય અને આ સંસ્થા વધારે મજબૂત બને.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ વસુધૈવ કુટુમ્બકમમાં વિશ્વાસ ધરાવે છે
ભારતનો પક્ષ મજબૂતી સાથે રાખતા પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે વસુધૈવ કુટુમ્બકમની ભારતીય સંસ્કૃતિમાં વિશ્વાસ ધરાવીએ છીએ, જે સંયુક્ત રાષ્ટ્રના લક્ષ્યથી બિલકુલ અલગ નથી. અમે જનકલ્યાણથી જગકલ્યાણ ઇચ્છીએ છીએ. ભારત દુનિયાની શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધ માટે પ્રતિબદ્ધ છે. સાથે સાથે અમારો દેશ માનવતાના દુશ્મનોનો નાશ કરવા માટે પણ સંયુક્ત રાષ્ટ્રની સાથે છીએ. આ સંસ્થાના એક સંસ્થાપક દેશ હોવાના નાતે ભારતને સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વાસ છે. જ્યારે દુનિયામાં સુખ અને સમૃદ્ધિ સ્થાપિત કરવાની જરૂર પડી છે, ત્યારે ભારતે આગળ વધીને એમાં સાથસહકાર આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની અપીલ પર ભારતે ઓછામાં ઓછા 50 વાર પોતાની શાંતિ સેનાઓ દુનિયાના વિવિધ દેશોમાં મોકલી છે. દુનિયામાં ભારતીય વીરોએ સૌથી વધુ બલિદાન આપ્યાં છે.
મોદીએ દેશની પ્રગતિ માટે રિફોર્મ (સુધારો), પરફોર્મ (કામગીરી) અને ટ્રાન્સફોર્મ (પરિવર્તન)નું સૂત્ર આપ્યું
છેલ્લાં છ વર્ષ દરમિયાન ભારતે જે રીતે વિશ્વમાં પોતાનું સ્થાન ઊભું કર્યું છે અને પોતાની જનતાના હિત માટે સેંકડો જનકલ્યાણ યોજનાઓ લાગુ કરી છે, એની ઝાંખી પ્રધાનમંત્રીએ દુનિયા સામે રજૂ કરી. દેશની પ્રગતિ માટે પ્રધાનમંત્રીએ રિફોર્મ (સુધારો), પરફોર્મ (કામગીરી) અને ટ્રાન્સફોર્મ (પરિવર્તન)નું સૂત્ર આપ્યું. એનો આશય છે – પ્રથમ સુધારાનો વિચાર, ત્યારબાદ એને લાગુ કરવા અને પછી પરિવર્તન લાવવું. ભારતે પાંચ વર્ષમાં 40 કરોડ ગરીબ જનતાને બેંકિંગ પ્રક્રિયા સાથે જોડી દીધા છે. 60 કરોડ લોકોને ખુલ્લાં શૌચના અભિશાપમાંથી મુક્તિ આપી છે. 15 કરોડ ઘરોમાં પાણી પહોંચાડ્યું છે અને છ લાખ ગામડાઓને બ્રોડબેન્ડ સાથે જોડવાનો સંકલ્પ કર્યો છે. સ્વચ્છતા માટે દેશવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું છે. અત્યારે દેશ ટીબીમાંથી લગભગ મુક્ત થવાના માર્ગે અગ્રેસર છે. કરોડો લોકો મફત તબીબી સેવાનો લાભ લઈ રહ્યાં છે. ગરીબોને સસ્તાં દરે દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ બધું અમારા સંકલ્પને લીધે શક્ય બન્યું છે.
અસ્થાયી સભ્ય પસંદ કરવા માટે 190 દેશોમાંથી 187 દેશોએ ભારતના પક્ષમાં મતદાન કર્યું
આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન દેશના દરેક નાગરિકને સક્ષમ બનાવવા ઇચ્છે છે. એમાં દુનિયાની પણ ભલાઈ છે. ભારતની પ્રગતિમાં દુનિયાની પ્રગતિ છે. એટલે ભારત સંયુક્ત રાષ્ટ્રની પ્રગતિ માટે પોતાના યોગદાનના બદલામાં એની પ્રક્રિયામાં પોતાની ઉચિત ભૂમિકાની માંગણી કરી છે. વર્ષ 2021થી ભારત સુરક્ષા પરિષદનો અસ્થાયી સભ્ય બનશે. એની આઠમી વાર અસ્થાયી સભ્ય તરીકે પસંદગી થઈ છે. દુનિયામાં ભારતની લોકપ્રિયતાનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે, અસ્થાયી સભ્ય તરીકે પસંદ થવા માટે ભારતને 190 દેશોમાંથી 187 દેશોનું સમર્થન મળ્યું છે.
ભારતે સંયુક્ત રાષ્ટ્રની સમૃદ્ધિ અને વિકાસ યોજનાઓને દેશમાં લાગુ કરી
જેટલી ઝડપથી ભારતે સંયુક્ત રાષ્ટ્રની સમૃદ્ધિ અને વિકાસ યોજનાઓને પોતાના દેશમાં લાગુ કરી છે એટલી દુનિયાના અન્ય કોઈ પણ દેશ કદાચ લાગુ કરી હશે. ભારત દુનિયાના પરમાણુસંપન્ન દેશોમાં સામેલ છે. સાથે સાથે ભારત પરમાણુ શસ્ત્રોનો પ્રસાર ન થાય એ માટે પણ વચનબદ્ધ છે. દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ હોવાના નાતે ભારત અત્યારે દુનિયાના તમામ શક્તિશાળી આર્થિક સંગઠનોને સક્રિય સભ્ય છે. દુનિયાના 18 ટકા લોકો ભારતમાં રહે છે.
જી-4 સહિત ઘણા શક્તિશાળી સંગઠનોએ સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની માંગણી કરી છે
સંયુક્ત રાષ્ટ્રના સ્થાયી સભ્ય દેશોમાંથી સૌથી વધુ યુરોપના છે. જ્યારે હકીકત એ છે કે દુનિયાની કુલ વસ્તીમાં યુરોપની વસ્તીનો હિસ્સો લગભગ પાંચ ટકા છે. સ્થાયી સભ્યોમાં આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા મહાખંડોનું પ્રતિનિધિત્વ જ નથી. એટલે જી-4 સહિત ઘણા શક્તિશાળી સંગઠનોએ સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની માંગણી કરી છે.
પ્રધાનમંત્રી મોદીએ જે રીતે સંયુક્ત રાષ્ટ્રમાં રજૂઆત કરી એનું અનેક દેશોએ સમર્થન કર્યું
પ્રધાનમંત્રી મોદીએ જે રીતે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાની વાત રજૂ કરી એનું અનેક દેશોએ સમર્થન કર્યું છે. અમેરિકા અને યુરોપના દેશ અત્યારે ભારતની સાથે છે. જ્યારે કોવિડ-19 રોગચાળાએ આખી દુનિયાને સચેત કરી દીધી છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારો થવો જ જોઈએ.